પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે કાર્ડસ અને ડિજિટલ સાધનો દ્વારા ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટેનાં પગલાં અમલી બનાવવા માટે મંજૂરી આપી છે. આ પગલાનું ધ્યેય રોકડ વ્યવહારો ઘટાડવાનું છે. કેટલાંક ટૂંકા ગાળાનાં, એટલે કે એક વર્ષમાં અમલી બનાવવામાં આવશે તેવા તેમજ મધ્યમ ગાળાનાં એટલે કે બે વર્ષમાં અમલી બનાવવામાં આવશે તેવાં માપદંડોને સરકારી મંત્રાલયો-વિભાગો-સંસ્થાઓ દ્વારા અમલીકરણની મંજૂરી મળી ગઈ છે.
કાર્ડસ અને ડિજિટલ સાધનો દ્વારા ચૂકવણીને પ્રોત્સાહન આપવાથી કરવેરા ટાળવાનું પ્રમાણ ઘટશે, સરકારી ચૂકવણી અને ઉઘરાણાં રોકડને બદલે બિનરોકડ – કેશલેસ પદ્ધતિએ કરાશે, કાર્ડ કે ડિજિટલ સાધનો દ્વારા ટ્રાન્ઝેક્શન્સ હાથ ધરવા માટે ફાયનાન્સિયલ પેમેન્ટ સર્વિસીઝ ઉપલબ્ધ કરાવીને રોકડ ટ્રાન્ઝેક્શન્સને હતોત્સાહ કરવામાં આવશે અને પેમેન્ટની ઈકોસિસ્ટમ રોકડના પ્રભુત્વથી બદલીને રોકડ વિનાની અથવા ઓછા રોકડ ચૂકવણાંની બનાવાશે.
કાર્ડસ અને ડિજિટલ સાધનો દ્વારા ચૂકવણીને પ્રોત્સાહન માટેની દરખાસ્તોનાં મહત્ત્વનાં લક્ષણોમાં હાલમાં સરકારનાં વિવિધ વિભાગો કે સંસ્થાઓ દ્વારા કાર્ડ કે ડિજિટલ ચૂકવણી પર લાદવામાં આવેલા સરચાર્જ, સર્વિસ ચાર્જ, કન્વિનિયન્સ ફીને પાછી ખેંચવા માટેનાં પગલાં તેમજ સરકારી વિભાગો કે સંસ્થાઓમાં યોગ્ય સ્વીકૃતિ ધરાવતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર દાખલ કરવાનાં પગલાં સામેલ છે. ઉપરાંત, કાર્ડ દ્વારા કરાયેલા ટ્રાન્ઝેક્શન્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)ના સુયોજન અને કેટલાંક મહત્ત્વનાં ટ્રાન્ઝેક્શન સેગ્મેન્ટ્સ એમડીઆરનું અલગ માળખું લાગુ કરવું, ચોકકસ રકમથી મોટી રકમનાં ચૂકવણાં કાર્ડ કે ડિજિટલ માધ્યમથી કરવાનું ફરજિયાત બનાવવું, ચોક્કસ કાર્ડ પ્રોડક્ટ્સના હિસ્સેદારો દ્વારા ફોર્મ્યુલા લિન્ક્ડ સ્વીકૃતિનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દાખલ કરવું, ડિજિટલ પદ્ધતિએ કરવામાં આવતાં નાણાંકીય વ્યવહારો માટે ટેલીકોમ સર્વિસના ચાર્જીસ તર્કસંગત બનાવવા, મોબાઈલ બેન્કિંગને પ્રોત્સાહન આપવું અને છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શન્સના ત્વરિત ઉકેલ માટે આવશ્યક બાંયધરી આપતું મિકેનિઝમ ઊભું કરવું અને દેશમાં ચૂકવણીની ઈકોસિસ્ટમની સમીક્ષા કરવી – જેવાં પગલાં પણ સામેલ છે.
પશ્ચાદ્ભૂમિકાઃ
કાર્ડ કે ડિજિટલ સાધનો દ્વારા ચૂકવણીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, પરંતુ રોકડ ચૂકવણીની સરખામણીએ હજુ તેનો વ્યાપ ઘણો ઓછો છે. કાર્ડ કે ડિજિટલ સાધનો દ્વારા ચૂકવણી વધારવા માટે એનો વપરાશ સરળ હોવો જોઈએ, તરત ઉપલબ્ધ અને સ્વીકાર્ય હોવાં જોઈએ, વેપારી કે વપરાશકાર પર એના વપરાશથી કોઈ પણ જાતના અનુચિત નાણાંકીય બોજો લાદવો ન જોઈએ અને તેના વ્યવહારોમાં પર્યાપ્ત સલામતિ મળવી જોઈએ.
ઈલેક્ટ્રોનિક ક્લિયરીંગ સર્વિસ સ્કીમ, નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સ્કીમ વગેરે સ્વરૂપે અમલી બનેલી ચૂકવણીની પદ્ધતિઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ આધુનિક કાર્ડ કે ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓ હજુ સમાજના તમામ વર્ગો સુધી પહોંચી નથી અને દેશભરમાં તે એટલા પ્રમાણમાં હજુ સ્વીકૃત પણ બની નથી. તાજેતરનો અનુભવ અને પુરાવો દર્શાવે છે કે આધુનિક કાર્ડ અને ડિજિટલ સાધનો દ્વારા ચૂકવણીની પ્રોડક્ટ્સનો પ્રવેશ અને સફળતા મહદ્ અંશે દેશનાં ટાયર-વન અને ટાયર – ટુ સ્થળઓ પર કેન્દ્રિત છે અને મોટા ભાગે એવા નાગરિકો પર કેન્દ્રિત છે, જેમના સુધી બેન્કિંગની ઔપચારિક સવલતો પહોંચી છે.
પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 અમલ થયો હોવાને પરિણામે દેશમાં આધુનિક કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો વ્યાપક સ્વીકાર અને પ્રવેશ થયો. બાયોમેટ્રિક વેરિફિકેશનનો અસરકારક લાભ લેવા માટે આધાર સાથે સંકળાયેલી પેમેન્ટ સિસ્ટમ્સ (એઈપીએસ) અમલમાં મૂકવામાં આવી અને રુપે નામે દેશમાં કાર્ડ નેટવર્ક પણ સ્થપાયું.
તાજેતરમાં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ પણ પેમેન્ટ બેન્કો સ્થાપવા માટે પરવાના મંજૂર કર્યાં છે, જેનો ઉદ્દેશ સ્થળાંતર કરતા શ્રમજીવીઓ, ઓછી આવક ધરાવતા પરિવારો, નાના વેપારો, અન્ય બિનસંગઠિત ક્ષેત્રનાં એકમોને નાની બચતનાં ખાતાં તેમજ પેમેન્ટ અને રેમિટન્સની સેવાઓ ઉપલબ્ધ કરાવીને પેમેન્ટ બેન્કો દ્વારા નાણાંકીય સમાવેશકતા વધારવાનો છે.
UM/J.Khunt