Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કર્ણાટકના કોડેકલ, યાદગીર જિલ્લાના કોડેકલમાં શિલાન્યાસ તથા વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

કર્ણાટકના કોડેકલ, યાદગીર જિલ્લાના કોડેકલમાં શિલાન્યાસ તથા વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


ભારત માતા કી જય

ભારત માતા કી જય

કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બાસવરાજ બોમ્માઈજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી ભગવંત ખુબાજી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

કર્ણાટક દા, અલ્લા, સહોદરા સહોદરિયારિગે, નન્ના વંદાનેગડૂ. જ્યાં જ્યાં મારી નજર પહોંચી છે, લોકો જ લોકો નજરે પડે છે. હેલિપેડ પણ ચારે તરફથી ભરાયેલું છે. અને અહીં પણ હુ પાછળ જોઇ રહ્યો છું ચારે તરફ આ પંડાલની બહાર હજારો લોકો તડકામાં ઉભેલા છે. તમારો સ્નેહ, તમારા આશીર્વાદ અમારા તમામની મોટી તાકાત છે.

સાથીઓ,
યાદગીર એક સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. રટ્ટિહલ્લીનો પ્રાચીન કિલ્લો આપણા અતીત, આપણા પૂર્વજોના સામર્થ્યનું પ્રતિક છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ અને આપણા વારસા સાથે સંકળાયેલા અનેક અંશ, અનેક સ્થાન આપણા ક્ષેત્રમાં ઉપસ્થિત છે. અહીં એ સૂરાપુર રિયાસતની ધરોહર છે જેને મહાન રાજા વેંકટપ્પા નાયકે પોતાના સ્વરાજ અને સુશાસનથી દેશમાં વિખ્યાત કરી દીધી છે. આ વારસા પર આપણને તમામને ગર્વ છે.

ભાઈઓ અને બહેનો,

હું આજે કર્ણાટકના વિકાસ સાથે સંકળાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપને સોંપવા અને નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરવા આવ્યો છું. હમણાં જ અહીં પાણી તથા માર્ગો સાથે સંકળાયેલા ઘણા મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ તથા લોકાર્પણ થયું છે. નારાયણ પુર લેફ્ટ બેંક કેનાલના વિસ્તાર તથા આધુનિકીકરણથી યાદગીર, કલબુર્ગી અને વિજયપુર જિલ્લાના લાખ્ખો ખેડૂતોને સીધે સીધો લાભ થનારો છે. યાદગીર વિલેજ મલ્ટિ વોટર સપ્લાય યોજનાથી પણ જિલ્લાના લાખ્ખો પરિવારને પીવાનું શુદ્ધ જળ પ્રાપ્ત થનારું છે.

સુરત-ચેન્નાઈ ઇકોનોમિક કોરિડોરનો જે હિસ્સો કર્ણાટકમાં આવે છે તેની ઉપર પણ આજે કામ શરૂ થઈ ગયું છે. તેનાથી યાદગીર, રાયચુર તથા કલબુર્ગી સહિતના આ સમગ્ર ક્ષેત્રમાં ઇઝ ઓફ લવિંગ પણ વધશે. અને અહીં ઉદ્યમોને, રોજગારીને પણ ઘણો મોટો વેગ મળનારો છે. વિકાસના આ તમામ પ્રોજેક્ટ માટે યાદગીરના, કર્ણાટકના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા. હું બોમ્માઈ જીને તથા તેમની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જે રીતે ઉત્તર કર્ણાટકના વિકાસ માટે ઝડપથી કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે.

ભાઈઓ અને બહેનો,

ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. હવે દેશ આગામી 25 વર્ષોના નવા સંકલ્પને સિદ્ધ કરવા માટે આગળ ધપી રહ્યો છે. આ 25 વર્ષ દેશના તમામ નાગરિક માટે અમૃતકાળ છે. પ્રત્યેક રાજ્ય માટે અમૃતકાળ છે. આ અમૃતકાળમાં આપણે વિકસીત ભારતનું નિર્માણ કરવાનું છે. ભારત વિકસીત ત્યારે જ થઈ શકે છે જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક, પ્રત્યેક પરિવાર, દરેક રાજ્ય આ અભિયાન સાથે જોડાય. ભારત વિકસીત ત્યારે જ થઈ શકે છે જયારે ખેતરમાં કામ કરનારો ખેડૂત હોય કે પછી ઉદ્યોગોમાં કામ કરનારો શ્રમિક તમામનું જીવન બહેતર હોય. ભારત વિકસીત ત્યારે જ થઈ શકે છે જ્યારે ખેતરમાં પાક પણ સારો થાય અને ફેક્ટરીઓનો પણ વિસ્તાર થાય.

અને સાથીઓ,

આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે વીતેલા દાયકાઓના ખરાબ અનુભવો, ખોટી નીતિ—ણનીતિમાંથી શીખીએ અને તેનું પુનરાવર્તન થતાં બચીએ. આપણી સમક્ષ યાદગીરનું, ઉત્તર કર્ણાટકનું ઉદાહરણ છે. આ ક્ષેત્રનું સામર્થ્ય કોઈનાથી કમ નથી. આ સામર્થ્ય છતાં આ ક્ષેત્ર વિકાસની યાત્રામાં ઘણું પાછળ રહી ગયું હતું. અગાઉ જે સરકાર હતી તેણે યાદગીર સહિત અનેક જિલ્લાને પછાત જાહેર કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાખ્યા હતા. આ ક્ષેત્રનું પાછળ રહેવાનું કારણ શું છે, અહીંના પછાતપણું કેવી રીતે દૂર થશે, તેના માટે અગાઉની સરકારોએ વિચારવા માટે સમય કાઢ્યો નહીં ત્યાં મહેનત કરવાની તો દૂરની વાત હતી.

જ્યારે માર્ગો, વિજળી તથા પાણી જેવા માળખાગત સવલતો પર રોકાણ કરવાની જરૂર હતી ત્યારે એ સમયે  જે દળો સરકારમાં હતા એ દળોએ વોટ બેંકની રાજનીતિને વેગ આપ્યો. આ જાતિ એ મત-ધર્મના મત કેવી રીતે નિશ્ચિત કરી શકાય, તમામ યોજના તથા તમામ કાર્યક્ષેત્રને આ જ દાયરામાં બાંધીને રાખ્યા હતા. તેનું ઘણું મોટું નુકસાન કર્ણાટકે ભોગવ્યું છે. આપણા આ આખા ક્ષેત્રએ ભોગવ્યું છે. આપ સૌ મારા ભાઈઓ અને બહેનોએ ભોગવ્યું છે.

સાથીઓ,
અમારી સરકારની પ્રાથમિકતા મત બેંક નથી. અમારી પ્રાથમિકતા છે વિકાસ, વિકાસ અને વિકાસ. 2014માં આપ સૌએ મને આશીર્વાદ આપ્યા, મને એક ઘણી મોટી જવાબદારી સોંપી, હું જાણું છું કે જ્યાં સુધી દેશનો એક પણ જિલ્લો વિકાસના ઘોરણોથી પછાત રહેશે ત્યાં સુધી દેશ વિકસીત નહીં થઈ શકે. તેથી જ જે જિલ્લાને અગાઉની સરકારોએ પછાત જાહેર કર્યા તે જિલ્લાઓમાં અમે વિકાસની આકાંક્ષાઓને પ્રોત્સાહિત કરી છે. અમારી સરકારે યાદગીર સહિત દેશના 100 કરતાં વધારે જિલ્લામાં આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શરૂ કર્યો છે. અમે આ જિલ્લાઓમાં સુશાસન પર ભાર મૂક્યો છે, સુસંચાલન પર જોર આપ્યું છે. વિકાસના તમામ પાસાઓ પર કામ શરૂ કર્યું છે. યાદગીર સહિત તમામ આકાંક્ષી જિલ્લાને તેનો લાભ મળ્યો છે. આજે જૂઓ, યાદગિરે બાળકોમાં સો ટકા રસીકરણ કરી દેખાડ્યું છે. યાદગીર જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અહીંના તમામ ગામડાઓ માર્ગો સાથે જોડાયા છે.

ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવાઓ આપવા માટે કોમન સર્વિસ સેન્ટર છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, કનેક્ટિવિટી હોય તમામ પાસાઓમાં યાદગીર જિલ્લાનું પ્રદર્શન મોખરાના દસ આકાંક્ષી જિલ્લામાં રહ્યું છે. અને તેના માટે હું યાદગીર જિલ્લાના જન પ્રતિનિધિઓને, અહીંના જિલ્લા વહીવટી તંત્રની ટીમને મારા તરફથી ખૂબ ખૂભ અભિનંદન પાઠવું છું. આજે યાદગીર જિલ્લામાં નવા ઉદ્યોગો આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે અહીં ફાર્મા પાર્કને પણ મંજૂરી આપી દીધી છે.

ભાઈઓ અને બહેનો,

જળ સુરક્ષા એક એવો વિષય છે જે 21મી સદીના ભારતના વિકાસ માટે અત્યંત જરૂરી છે. ભારતને વિકસીત થવું છે તો સરહદ સુરક્ષા, દરિયા કાંઠાની સુરક્ષા, આંતરિક સુરક્ષાની માફક જ જળ સુરક્ષા સાથે જોડાયેલા પડકારોને પણ સમાપ્ત કરી દેવા પડશે.

ડબલ એન્જિન સરકાર, સુવિધા તથા સંચયના વિચાર સાથે આ કામ કરી રહી છે. 2014માં જ્યારે આપે અમને તક આપી ત્યારે એવી 99 સિંચાઈ પરિયોજનાઓ હતી જે દાયકાઓથી અટકેલી પડી હતી. આજે તેમાંથી 50 જેટલી યોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે. અમે પુરાણી યોજનાઓ પર પણ કામ કર્યું અને જે સંસાધનો અમારી પાસે અગાઉ હતા તેના વિસ્તાર પર પણ ભાર મૂક્યો.
કર્ણાટકમાં પણ એવા અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. નદીઓને જોડીને દુકાળ પ્રભાવિત ક્ષેત્રો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. નારાયણપુરા લેફ્ટ બેંક કેનાલ સિસ્ટમનો વિકાસ અને વિસ્તાર પણ આ જ નીતિનો હિસ્સો છે. હવે જે નવી સિસ્ટમ બની છે, જે નવી ટેકનિક તેમાં જોડવામાં આવી છે તેનાથી સાડા ચાર લાખ હેક્ટર જમીન ભૂમિ સિંચાઇના દાયરામાં આવશે. હવે કેનાલના અંતિમ છેડા સુધી પણ પર્યાપ્ત પાણી, પર્યાપ્ત સમય માટે આવી શકશે.

સાથીઓ,
આજે દેશમાં પર ડ્રોપ મોર ક્રોપ (પ્રત્યેક ટીપું, વધારે પેદાશ) પર, માઇક્રો-ઇરિગેશન પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવી રહ્યો છે. છેલ્લા છથી સાત વર્ષમાં 70 લાખ હેક્ટર જમીનને માઇક્રો-ઇરિગેશનના દાયરામાં લાવવામાં આવી છે. કર્ણાટકમાં પણ તેને લઈને ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આજે કર્ણાટકના માઇક્રો-ઇરિગેશન સાથે સંકળાયેલા જે જે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તેનાથી પાંચ લાખ હેક્ટર જમીનને લાભ થશે.

ડબલ એન્જિન સરકાર ભૂ-જળના સ્તરને ઉપર લાવવા માટે પણ મોટા પાયે કામ કરી રહી છે. અટલ ભૂ જળ યોજના હોય, અમૃત સરોવર અભિયાન અંતર્ગત દરેક જિલ્લામાં 75 તળાવ બનાવવાની યોજના હોય અથવા તો પછી કર્ણાટક સરકારની પોતાની યોજનાઓ, તેનાથી જળ સ્તર જાળવી રાખવામાં મદદ મળશે.

ભાઈઓ અને બહેનો,

ડબલ એન્જિન સરકાર કેવી રીતે કામ કરી રહી છે તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જળ જીવન મિશનમાં પણ જોવા મળે છે. સાડા ત્રણ વર્ષ અગાઉ જ્યારે આ મિશન શરૂ થયું હતું ત્યારે દેશમાં 18 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર ત્રણ કરોડ ગ્રામીણ પરિવારો પાસે નળ કનેક્શન હતું. આજે દેશમાં લગભગ, આ આંકડો યાદ રાખજો, અમે જ્યારે સરકારમાં આવ્યા હતા, ત્યારે ત્રણ કરોડ ઘરોમાં, આજે દેશના 11 કરોડ ગ્રામીણ પરિવારોના ઘરોમાં નળથી જળ આવવા લાગ્યું છે. એટલે કે અમારી સરકારે દેશમાં આઠ કરોડ નવા ગ્રામીણ પરિવારો સુધી પાઇપથી પાણી પહોંચાડ્યું છે. અને તેનાથી કર્ણાટકના પણ 35 લાખ ગ્રામીણ પરિવાર સામેલ છે.

મને આનંદ છે કે યાદગીર તથા રાયચુરમાં હર ઘરની કવરેજ કર્ણાટક તથા દેશની કુલ સરેરાશ કરતાં પણ વધારે છે. અને જ્યારે નળથી જળ ઘરમાં પહોંચે છે ને ત્યારે માતાઓ અને બહેનો મોદીને ભરપુર આશીર્વાદ આપે છે. દરરોજ જ્યારે પાણી આવે છે મોદી માટે તેમના આશીર્વાદ વરસવા શરૂ થઈ જાય છે. આજે જે યોજનાનો શિલાન્યાસ થયો છે તેનાથી યાદગીરમાં ઘર ઘર નળથી જળ પહોંચાડવાના લક્ષ્યાંકને વધુ ગતિ પ્રાપ્ત થશે.

જળ જીવન મિશનનો અન્ય એક લાભ હું આપની સમક્ષ રાખવા માગું છું. એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં જળ જીવન મિશનને કારણે દર વર્ષે સવા લાખથી વધારે બાળકોનું જીવન આપણે બચાવી શકીશું. આપ કલ્પના કરી શકો છો, સવા લાખ બાળકો દર વર્ષે મોતના મુખમાં જતા બચી જાય છે તો ભગવાન પણ આશીર્વાદ આપે છે સાથીઓ, જનતા જનાર્દન પણ આશીર્વાદ આપે છે. સાથીઓ, દૂષિત પાણીને કારણે આપણા બાળકો પર કેટલું મોટું જોખમ હતું અને હવે કેવી રીતે અમારી સરકારે આપના બાળકોના જીવન બચાવ્યા છે.

ભાઈઓ અને બહેનો,

હર ઘર જળ અભિયાન ડબલ એન્જિન સરકારના બેવડા લાભનું ઉદાહરણ પણ છે. ડબલ એન્જિન એટલે કે બમણું કલ્યાણ, બમણી ગતિથી વિકાસ. કર્ણાટકને તેનાથી કેવી રીતે લાભ થઈ રહ્યો છે આપ લોકો તો સારી રીતે જાણો છો. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસન સન્માન નિધી યોજના હેઠળ 6000 રૂપિયા આપે છે. ત્યાં જ કર્ણાટક સરકાર તેમાં વધુ 4000 રૂપિયા ઉમેરે છે. જેથી ખેડૂતોને બમણો લાભ થાય. અહીં યાદગીરના પણ લગભગ સવા લાખ ખેડૂત પરિવારોને પણ પીએમ કિસાન નિધીના લગભગ 250 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે.

સાથીઓ,
કેન્દ્ર સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવી છે. તો બીજી તરફ કર્ણાટક સરકાર વિદ્યા નિધી યોજનાથી ગરીબ પરિવારોના બાળકોને સારા શિક્ષણ માટે મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર મહામારી તથા અન્ય સંકટો છતાં ઝડપી વિકાસ માટે પગલાં ભરે છે. ત્યારે રાજ્ય સરકાર તેનો લાભ લઈને કર્ણાટકને દેશમાં રોકાણકારોની પ્રથમ પસંદગી બનાવવા માટે આગળ ધપી રહી છે.
કેન્દ્ર સરકાર વણકરોને મુદ્રા યોજના અંતર્ગત મદદ કરી રહી છે. તો કર્ણાટક સરકાર મહામારી દરમિયાન તેમના દેવા માફ કરે છે અને તેમને આર્થિક સહાયતા પણ આપે છે. તો થયો ને ડબલ એન્જિનનો એટલે કે બમણો  લાભ.

સાથીઓ,
આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો કોઈ વ્યક્તિ વંચિત છે, કોઈ વર્ગ વંચિત છે, કોઈ ક્ષેત્ર વંચિત છે તો તે વંચિતોને અમારી સરકાર સૌથી વધારે પ્રાથમિકતા આપી રહી છે. અને વંચિતોને પ્રાથમિકતા, એ જ અમારા લોકોનો કાર્ય કરવાનો માર્ગ છે, સંકલ્પ છે મંત્ર છે. અમારા દેશમાં દાયકાઓ સુધી કરોડો નાના ખેડૂતો પણ સુવિધાઓથી વંચિત રહ્યા, સરકારી નીતિઓમાં તેમનું ધ્યાન પણ રાખવામાં આવ્યું ન હતું.

આજે એ જ નાનો ખેડૂત દેશની કૃષિ નીતિની સૌથી મોટી પ્રાથમિકતા છે. આજે અમે ખેડૂતોને મશીનો માટે મદદ આપી રહ્યા છીએ, ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજી તરફ લઈ જઈ રહ્યા છીએ. નૈનો યુરિયા જેવી આદુનિક ખાદ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તો બીજી તરફ કુદરતી ખેતીને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આજે નાના ખેડૂતને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. નાના ખેડૂતો તથા ભૂમિહિન પરિવારોને વધારાની આવક થાય તેના માટે પશુ પાલન, મત્સ્ય પાલન, મધમાખી પાલન, તેના માટે પણ મદદ કરવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો,

આજે જ્યારે હું યાદગીર આવ્યો છું તો કર્ણાટકના પરિશ્રમી ખેડૂતોનો અન્ય એક વાત માટે પણ આભાર વ્યક્ત કરીશ. આ ક્ષેત્ર દાળનો કટોરો છે. અહીની દાળ દેશભરમાં પહોંચે છે. છેલ્લા સાતથી આઠ વર્ષોમાં જો ભારતે દાળ માટે પોતાની વિદેશી નિર્ભરતાને ઘટાડી છે તો તેમાં ઉત્તર કર્ણાટકની ઘણી મોટી ભૂમિકા રહી છે.

કેન્દ્ર સરકારે પણ આ આઠ વર્ષમાં ખેડૂતો પાસેથી 80 ગણી વધારે દાળ એમએસપી પર ખરીદી છે. 2014 અગાઉ  જ્યારે દાળના ખેડૂતોને કેટલાક સો કરોડ રૂપિયા મળતા હતા તેની સરખામણીએ અમારી સરકારે દાળ માટેના ખેડૂતોને 60 હજાર કરોડ રૂપિયા આપ્યા છે.

હવે દેશ ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે પણ ખાસ અભિયાન ચલાવી રહ્યો છે. તેનો લાભ પણ કર્ણાટકના ખેડૂતોએ ચોક્કસ લેવો જોઇએ. આજે બાયોફ્યુઅલ, ઇથોનોલના ઉત્પાદન તથા ઉપયોગ માટે દેશમાં ઘણા મોટા સ્તર પર કામ ચાલી રહ્યું છે. સરકારે પેટ્રોલમાં ઇથોનોલની બ્લેન્ડિંગનો લક્ષ્યાંક પણ વધારી દીધો છે. તેનાથી પણ કર્ણાટકના શેરડીના ખેડૂતોને ઘણો લાભ થનારો છે.

સાથીઓ,
આજે દુનિયામાં એક મોટો અવસર પેદા થઈ રહ્યો છે જેનો લાભ કર્ણાટકના ખેડૂતો અને ખાસ કરીને નાના ખેડૂતોને ચોક્કસ થશે. ભારતના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્રએ, યુનાઇટેડ નેશને આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કર્યું છે. કર્ણાટકમાં જુવાર તથા રાગી જેવા મોટા અનાજની ઘણી પેદાશ થાય છે. પોતાના આ પૌષ્ટિક મોટા અનાજનું ઉત્પાદન વધારવા તથા તેને વિશ્વભરમાં પ્રમોટ કરવા માટે ડબલ એન્જિન સરકાર પ્રતિબદ્ધ છે. મને વિશ્વાસ છે કે કર્ણાટકના ખેડૂતો તેમાં પણ અગ્રણી ભૂમિકા અદા કરશે.

ભાઈઓ અને બહેનો,

ઉત્તર કર્ણાટકના અન્ય એક પડકારને પણ અમારી સરકાર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ પડકાર છે – કનેક્ટિવિટીનો. ખેતી હોય, ઉદ્યોગ હોય કે પછી પર્યટન, તમામ માટે કનેક્ટિવિટી એટલી જ જરૂરી છે. આજે દેશ જ્યારે કનેક્ટિવિટી સાથે સંકળાયેલા માળખા પર ભાર આપી રહ્યો છે તો ડબલ એન્જિન સરકાર હોવાને કારણે કર્ણાટકને પણ તેનો મહત્તમ લાભ મળી રહ્યો છે.

સુરત-ચેન્નાઈ ઇકોનોમિક કોરીડોરનો લાભ પણ ઉત્તર કર્ણાટકના એક મોટા હિસ્સાને થનારો છે. દેશના બે મોટા પોર્ટ શહેરના જોડાણથી આ સમગ્ર ક્ષેત્રમાં નવા ઉદ્યોગો માટે સંભાવના વધશે. ઉત્તર કર્ણાટકના પ્રવાસી સ્થળો, તીર્થ સ્થાનો સુધી પહોંચવું પણ દેશવાસીઓ માટે આસાન બની જશે. તેનાથી અહીંના યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારની નવી તકો પેદા થશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સુધારા પર ડબલ એન્જિન સરકારના ફોકસને કારણે કર્ણાટક, રોકાણકારોની પસંદગી બની રહ્યું છે. ભવિષ્યમાં આ રોકાણ આથી પણ વધવાનું છે કેમ કે ભારતમાં રોકાણને લઈને સમગ્ર વિશ્વમાં ઉત્સાહ છે.

મને વિશ્વાસ છે કે ઉત્તર કર્ણાટકને પણ આ ઉત્સાહનો ભરપુર લાભ મળવાનો છે. આ ક્ષેત્રનો વિકાસ સૌના માટે સમૃદ્ધિ લઈને આવે, આ જ શુભકામના સાથે ફરી એક વાર આટલી મોટી સંખ્યામાં આવીને અમને આશીર્વાદ આપવા માટે હું આપ સૌનો આભાર માનું છું તથા આ અનેક અનેક વિકાસની યોજનાઓ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ભારત માતા કી જય

ખૂબ ખૂબ ધન્યવાદ.

YP/GP/JD