Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કર્ણાટકનાં બેલગાવી ખાતે અનેકવિધ વિકાસલક્ષી પહેલના શુભારંભ અને પીએમ-કિસાનનો 13મો હપ્તો જારી કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

કર્ણાટકનાં બેલગાવી ખાતે અનેકવિધ વિકાસલક્ષી પહેલના શુભારંભ અને પીએમ-કિસાનનો 13મો હપ્તો જારી કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત માતા કી જય.

ભારત માતા કી જય.

નમ્મા, સબકા સાથ સબકા વિકાસ મંત્રદા, સ્ફૂર્તિયાદા, ભગવાન બસવેશ્વર, અવરિગે, નમસ્કારાગલ્લુ.

બેલગાવિયાકુંદા, મત્તુબેલગાવિયાજનારાપ્રીતી, એરડૂ, મરિયલાગદાસિહિ, બેલગાવિયા, નન્નાબંધુભગિનિ યરિગે, નમસ્કારાગલ્લુ.

બેલગવીના લોકોનો પ્રેમ અને આશીર્વાદ અજોડ છે. આ પ્રેમ, આ આશીર્વાદ મેળવીને અમને બધાને તમારી સેવા માટે દિવસ-રાત મહેનત કરવાની પ્રેરણા મળે છે. તમારાં આશીર્વાદ અમારા માટે પ્રેરણાશક્તિ બની જાય છે. બેલગાવીની ધરતી પર આવવું એ કોઈ તીર્થયાત્રાથી ઓછું નથી હોતું. આ કિત્તુરકીરાનીચેન્નમા અને ક્રાંતિવીર સંગોલ્લીરાયન્નાની ભૂમિ છે. દેશ આજે પણ તેમને તેમની વીરતા અને ગુલામી વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે યાદ કરે છે.

મિત્રો, આઝાદીની લડાઈ હોય કે પછી ત્યારબાદ ભારતનું નવનિર્માણ હોય, બેલગાવીએ હંમેશા મહત્વની ભૂમિકા ભજવી છે. આજકાલ આપણા દેશમાં, કર્ણાટકમાં સ્ટાર્ટઅપ્સની ઘણી ચર્ચા થાય છે. પરંતુ એક રીતે જોઈએ તો 100 વર્ષ પહેલાં જ બેલગાવીમાં સ્ટાર્ટઅપ્સની શરૂઆત થઈ ગઈ હતી. 100 વર્ષ પહેલા. હું તમને યાદ કરાવવા આવ્યો છું. બાબુરાવ પુસાલકરજીએ 100 વર્ષ પહેલાં અહીં એક નાનું યુનિટ સ્થાપ્યું હતું. ત્યારથી બેલગાવી વિવિધ ઉદ્યોગો માટે આટલો મોટો બેઝ બની ગયું છે. બેલગાવીની આ ભૂમિકાને ડબલ એન્જિન સરકાર આ દાયકામાં વધુ મજબૂત કરવા માગે છે.

ભાઈઓ અને બહેનો, આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન થયું અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેનાથી બેલગાવીના વિકાસમાં નવી ગતિ આવશે. સેંકડો કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી અને પાણી પુરવઠા સાથે સંબંધિત છે. આપ સૌને, આ તમામ વિકાસ યોજનાઓ માટે આ ક્ષેત્રની પ્રગતિને મજબૂત ગતિ આપનારા આ અવસર પર માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

આજે બેલગાવીથી સમગ્ર ભારતને પણ રાહત મળી છે. આજે ભારતનો દરેક ખેડૂત કર્ણાટક, બેલગાવી સાથે જોડાઈ ગયો છે. આજે અહીંથી પીએમ કિસાન સન્માન નિધિનો વધુ એક હપ્તો મોકલવામાં આવ્યો છે. માત્ર એક બટન દબાવવાથી, માત્ર એક જ ક્લિકથી દેશના કરોડો ખેડૂતોનાં બૅન્ક ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા પહોંચી ગયા છે. અહીં જે મારા મારા રાઇતુ બંધુઓ છે ને, તેઓ તેમનો મોબાઈલ જોશે તો મેસેજ આવી ગયો હશે. દુનિયાના લોકોને પણ આશ્ચર્ય થાય છે. અને આટલી મોટી રકમ એક ક્ષણમાં 16 હજાર કરોડ રૂપિયા અને કોઈ વચેટિયા નહીં, કોઈ કટકી કંપની નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં, સીધે સીધા ખેડૂતનાં ખાતામાં. જો કૉંગ્રેસનું શાસન હોત તો પ્રધાનમંત્રી કહેતા હતા કે કૉંગ્રેસ એક રૂપિયો મોકલે છે અને 15 પૈસા પહોંચે છે. જો તેમણે આજે 16 હજાર કરોડનો વિચાર કર્યો હોત તો તમે કલ્પના કરી શકો છો કે 12-13 હજાર કરોડ રૂપિયા ક્યાંક ગાયબ થઈ ગયા હોત. પરંતુ આ મોદી સરકાર છે. પાઇ-પાઇ તમારી છે, તમારા માટે છે. હું કર્ણાટક સહિત સમગ્ર દેશનાં ખેડૂત ભાઈ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હોળીના તહેવાર પહેલા મારા ખેડૂતોને આ હોળીની પણ શુભકામનાઓ છે.

ભાઈઓ અને બહેનો, આજનું બદલાઈ રહેલું ભારત દરેક વંચિતોને પ્રાથમિકતા આપીને એક પછી એક વિકાસના કામો કરી રહ્યું છે. આપણા દેશમાં દાયકાઓથી નાના ખેડૂતોની પણ ઉપેક્ષા કરવામાં આવી હતી. ભારતમાં 80-85 ટકા નાના ખેડૂતો છે. હવે આ જ નાના ખેડૂતો ભાજપ સરકારની પ્રાથમિકતા છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા દેશના નાના ખેડૂતોનાં બૅન્ક ખાતામાં અત્યાર સુધીમાં લગભગ લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. તમે કહેશો કેટલા થયા છે – 2.5 લાખ કરોડ, કેટલા? ખેડૂતોનાં બૅન્ક ખાતામાં અઢી લાખ કરોડ રૂપિયા જમા થયા છે. આમાં પણ 50 હજાર કરોડ રૂપિયાથી વધુ પૈસા, ખેતી કરતી આપણી માતા-બહેનોનાં ખાતામાં જમા થયા છે. આ નાણા ખેડૂતોની નાની-નાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. આ ખર્ચાઓ માટે હવે તેમને કોઇ બીજાની સામે હાથ લંબાવવાની જરૂર પડતી નથી, વ્યાજ ખાઉં લોકોનાં શરણે જવું નથી પડતું, બહુ ઊંચું વ્યાજ આપીને રૂપિયા લેવા પડતા નથી.

મિત્રો, વર્ષ 2014થી દેશ સતત કૃષિ ક્ષેત્રે અર્થપૂર્ણ પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે. ભાજપ સરકારમાં અમે ખેતીને આધુનિકતા સાથે જોડી રહ્યા છીએ, ભવિષ્ય માટે ખેતીને તૈયાર કરી રહ્યા છીએ. વર્ષ 2014માં જ્યારે દેશે અમને તક આપી ત્યારે ભારતનું કૃષિ બજેટ 25,000 કરોડ રૂપિયા હતું. આ વર્ષનું કૃષિ માટેનું અમારું બજેટ… આ આંકડો યાદ રાખશો તમે લોકો? યાદ રાખશો? જરા જોરથી તો બોલો, યાદ રાખશો? જુઓ, 2014માં જ્યારે અમે સેવા માટે આવ્યા હતા, જ્યારે તમે અમને તક આપી હતી ત્યારે ભારતનું કૃષિ બજેટ 25 હજાર કરોડ રૂપિયા હતું. કેટલું? 25 હજાર કરોડ, અત્યારે આપણું કૃષિ બજેટ 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. એટલે કે પાંચ ગણો વધારો થયો છે. આ દર્શાવે છે કે ભાજપ સરકાર ખેડૂતોની મદદ કરવા માટે કેટલી ગંભીર છે. કેટલી સક્રિય છે. અમે ટેક્નોલોજી પર ભાર મૂક્યો છે, જેનાથી ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે.

તમે કલ્પના કરી શકો છો, જો જન ધન બૅન્ક ખાતા ન હોત, મોબાઈલ કનેક્શન ન વધતે, આધાર ન હોત તો શું તે શક્ય બન્યું હોત કે? અમારી સરકાર વધુને વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડથી પણ જોડી રહી છે. પ્રયાસ એ જ છે કે ખેડૂતોને બૅન્કમાંથી મદદ મેળવવાની સુવિધા સતત મળી રહે, હંમેશા રહે. મિત્રો, આ વર્ષનું બજેટ આપણી કૃષિની વર્તમાન સ્થિતિની સાથે સાથે ભવિષ્યની જરૂરિયાતોને પણ સંબોધે છે.

આજની જરૂરિયાત સંગ્રહની છે, સ્ટોરેજની છે, ખેતીનો ખર્ચ ઘટાડવાની છે, નાના ખેડૂતોને સંગઠિત કરવાની છે. એટલા માટે બજેટમાં સેંકડો નવી સ્ટોરેજ સુવિધાઓ ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આની સાથે સાથે સહકારી સંસ્થાઓનાં વિસ્તરણ પર અભૂતપૂર્વ ધ્યાન આપવામાં આવ્યું છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યાં છે. કુદરતી ખેતીથી ખેડૂતનો ખર્ચ ઘણો ઓછો થશે. કુદરતી ખેતીમાં, ખેડૂતોને સૌથી મોટી સમસ્યા ખાતર અને જંતુનાશકો બનાવવામાં આવે છે. હવે આમાં ખેડૂતોની મદદ કરવા માટે હજારો મદદ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. ખેડૂતોનો ખર્ચ વધારવામાં રાસાયણિક ખાતરની ભૂમિકા વધુ હોય છે. હવે અમે પીએમ-પ્રણામ યોજના શરૂ કરી છે. તેના દ્વારા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડનારાં રાજ્યોને કેન્દ્ર તરફથી વધારાની મદદ મળશે. ભાઈઓ અને બહેનો, દેશની કૃષિને, સામે આવનારા ભાવિ પડકારોને જોતા, અમે આપણાં સમગ્ર કૃષિ ગ્રામીણ અર્થતંત્રને નવું જીવન આપવા માટે સંકલ્પબદ્ધ છીએ, ભાર મૂકી રહ્યા છીએ. આજે, આપણા ખેડૂતો આબોહવા પરિવર્તનને કારણે ઘણી સમસ્યાઓ અનુભવી રહ્યા છે. તેથી જ હવે આપણે આપણી જૂની પરંપરાઓની તાકાતને ફરીથી યાદ કરવી પડશે. આપણું બરછટ અનાજ અને હું તો જોઈ રહ્યો હતો કે બરછટ અનાજની સુંદરતા કેટલી સરસ છે. આપણું બરછટ અનાજ દરેક ઋતુ, દરેક સ્થિતિનો સામનો કરવા સક્ષમ છે અને તે એક સુપરફૂડ છે. બરછટ અનાજ એક સુપરફૂડ છે, તે વધુ પૌષ્ટિક પણ હોય છે. તેથી જ આ વર્ષનાં બજેટમાં અમે બરછટ અનાજને શ્રી-અન્ન તરીકે નવી ઓળખ આપી છે. અને કર્ણાટક તો શ્રી અન્નના સંદર્ભમાં વિશ્વનું એક મોટું કેન્દ્ર અને મજબૂત કેન્દ્ર છે. અહીં તો શ્રી-અન્નને પહેલેથી જ સિરી-ધાન્ય કહેવામાં આવે છે. અહીંનો ખેડૂત અનેક પ્રકારનાં શ્રી-અન્ન ઉગાડે છે. આપણા મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં કર્ણાટકની ભાજપ સરકાર આ માટે ખેડૂતોને મદદ પણ કરે છે. મને યાદ છે કે રઈતા બંધુ યેદિયુરપ્પાજીએ શ્રી-અન્નને  પ્રોત્સાહન આપવા માટે અહીં કેટલું મોટું અભિયાન ચલાવ્યું હતું. હવે આપણે આ શ્રી-અન્નને આખી દુનિયામાં પહોંચાડવાનું છે. શ્રી-અન્ન ઉગાડવાનો ખર્ચ પણ ઓછો છે અને પાણી પણ ઓછું જોઇએ છે. એટલા માટે તે નાના ખેડૂતોને બમણો લાભ આપનારું છે.

મિત્રો, આ પ્રદેશમાં શેરડીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. ભાજપ સરકારે હંમેશા શેરડીના ખેડૂતોના હિતને સર્વોપરી રાખ્યું છે. આ વર્ષનાં બજેટમાં પણ શેરડીના ખેડૂતોને લગતો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2016-17 પહેલા સુગર કોઓપરેટિવ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. આ કારણે ખાંડ સહકારી પર 10,000 કરોડ રૂપિયાનો બોજ હતો, જે યુપીએ સરકાર તેમના માથે નાખીને ગઈ હતી. તે 10 હજાર કરોડ રૂપિયાનો લાભ મારી સુગર કોઓપરેટિવ્સને મળવાનો છે. તમે બધા એ પણ જાણો છો કે અમારી સરકાર ઇથેનોલનાં ઉત્પાદન પર કેટલો ભાર મૂકી રહી છે. ઇથેનોલનાં ઉત્પાદનમાં વધારો થવાથી શેરડી પકવતા ખેડૂતોની આવક પણ વધી રહી છે. છેલ્લાં 9 વર્ષમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 1.5 ટકાથી વધારીને 10 ટકા કરી દેવામાં આવ્યું છે. હવે સરકાર પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના લક્ષ્યને લઈ ચાલી રહી છે. દેશ આ દિશામાં જેટલો આગળ વધશે તેટલો જ આપણા શેરડીના ખેડૂતોને પણ ફાયદો થશે.

ભાઈઓ અને બહેનો, ખેતી હોય, ઉદ્યોગ હોય, પ્રવાસન હોય, સારું શિક્ષણ હોય, આ બધી વસ્તુઓ સારી કનેક્ટિવિટી સાથે વધુ શક્તિશાળી બને છે. એટલા માટે વીતેલાં વર્ષોમાં અમે કર્ણાટકની કનેક્ટિવિટી પર ઘણું વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. 2014 પહેલાંનાં 5 વર્ષમાં કર્ણાટકમાં રેલવેનું બજેટ કુલ મળીને 4 હજાર કરોડ રૂપિયા હતું. જ્યારે આ વર્ષે કર્ણાટકમાં રેલવે માટે 7500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. અત્યારે કર્ણાટકમાં લગભગ 45 હજાર કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. તમે કલ્પના કરી શકો છો કે આનાં કારણે કર્ણાટકમાં કેટલા લોકોને રોજગાર મળી રહ્યો છે.

બેલગાવીનું આધુનિક રેલવે સ્ટેશન જોઈને દરેકને આશ્ચર્ય પણ થાય છે, દરેકને ગર્વ પણ થાય છે. આ આધુનિક રેલવે સ્ટેશનથી અહીં માત્ર સુવિધાઓ જ નથી વધી પરંતુ રેલવે પરનો વિશ્વાસ પણ વધી રહ્યો છે. પહેલા લોકો આવાં ભવ્ય સ્ટેશનો માત્ર વિદેશમાં જ જોતા હતા. હવે ભારતમાં પણ આવાં સ્ટેશનો બનાવવામાં આવી રહ્યાં છે. કર્ણાટકનાં ઘણાં સ્ટેશનો, રેલવે સ્ટેશનોને આવા જ આધુનિક અવતારમાં સામે લાવવામાં આવી રહ્યાં છે. લોંદા-ઘાટપ્રભા લાઇનને બમણી કરવા સાથે, મુસાફરી હવે ઝડપી અને સલામત બનશે. એ જ રીતે, નવી રેલ લાઇનો કે જેના પર આજે કામ શરૂ થયું છે તે પણ આ પ્રદેશમાં રેલ નેટવર્કને મજબૂત બનાવશે. શિક્ષણ, આરોગ્ય અને પર્યટનની દ્રષ્ટિએ બેલગાવી તો એક મોટું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં, આ ક્ષેત્રોને પણ સારી રેલ કનેક્ટિવિટીનો ફાયદો થશે.

ભાઈઓ અને બહેનો, ભાજપની ડબલ એન્જિન સરકાર ઝડપી વિકાસની ગૅરંટી છે. ડબલ એન્જિન સરકાર કેવી રીતે કામ કરે છે તેનું ઉદાહરણ જલ જીવન મિશન છે. 2019 સુધીમાં, કર્ણાટકનાં ગામડાઓમાં માત્ર 25 ટકા પરિવારો પાસે જ ઘરમાં નળનાં પાણીનું જોડાણ હતું. આજે, ડબલ એન્જિન સરકારનાં કારણે, આપણા મુખ્યમંત્રીજીના સક્રિય પ્રયાસોને કારણે કર્ણાટકમાં નળનાં પાણીનો વ્યાપ વધીને 60 ટકાથી વધુ થઈ ગયો છે. અહીં બેલગાવીમાં પણ 2 લાખથી પણ ઓછાં ઘરોમાં નળનું પાણી આવતું હતું. આજે આ સંખ્યા 4.5 લાખને વટાવી ગઈ છે. આપણી ગામની બહેનોને પાણી માટે ભટકવું ન પડે, માત્ર આ માટે જ આ બજેટમાં 60 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ભાઈઓ અને બહેનો, ભાજપ સરકાર સમાજના દરેક નાનામાં નાના વર્ગને સશક્ત કરવામાં લાગેલી છે, જેની અગાઉની સરકારોએ કાળજી લીધી ન હતી. બેલગાવી તો કારીગરો, હસ્તકલાકારોનું શહેર રહ્યું છે. તે તો વેણુગ્રામ એટલે કે વાંસનાં ગામ તરીકે પ્રખ્યાત રહ્યું છે. તમે યાદ કરો કે અગાઉની સરકારોએ લાંબા સમય સુધી વાંસની કાપણી પર પ્રતિબંધ મૂક્યો હતો. અમે કાયદો બદલીને વાંસની ખેતી અને વેપારનો માર્ગ ખોલ્યો. તેનાથી વાંસ સાથે કામ કરતા કલાકારોને ઘણો ફાયદો થયો છે. અહીં વાંસ ઉપરાંત અન્ય ઘણી હસ્તકલાની વસ્તુઓનું કામ પણ ઘણું થાય છે. આ વર્ષનાં બજેટમાં પ્રથમ વખત આવા મિત્રો માટે અમે પીએમ વિશ્વકર્મા યોજના લઈને આવ્યા છીએ. આ યોજના દ્વારા આવા તમામ મિત્રોને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

મિત્રો, આજે જ્યારે હું બેલગાવી આવ્યો છું, ત્યારે મને વધુ એક વિષય પર બોલવાનું ચોક્કસ ગમશે. હું તમને યાદ કરાવવા માગું છું કે કૉંગ્રેસ કર્ણાટકને કેવી રીતે નફરત કરે છે. કર્ણાટકના નેતાઓનું અપમાન કરવું એ કૉંગ્રેસની જૂની સંસ્કૃતિનો ભાગ છે. જે કોઇથી પણ કૉંગ્રેસના ખાસ પરિવારને વિશેષ મુશ્કેલી થવા લાગે છે, તેનું કૉંગ્રેસમાં અપમાન શરૂ કરી દેવાય છે.

ઈતિહાસ સાક્ષી છે કે કેવી રીતે કૉંગ્રેસ પરિવાર સમક્ષ એસ. નિજલિંગપ્પા અને વીરેન્દ્ર પાટીલ જેવા નેતાઓનું અપમાન કેવી રીતે થયું હતું કર્ણાટકના બધા લોકો જાણે છે. હવે ફરી એકવાર કૉંગ્રેસના ખાસ પરિવારની સામે કર્ણાટકના વધુ એક નેતાનું અપમાન થયું છે. મિત્રો, 50 વર્ષનો સંસદીય કાર્યકાળ ધરાવતા આ ધરતીના પુત્ર શ્રીમાન મલ્લિકાર્જુન ખડગેજી માટે મને ખૂબ જ આદર છે. પ્રજાની સેવામાં પોતાનાથી બને તેટલો પ્રયાસ કર્યો છે. પરંતુ મને એ દિવસે એ જોઈને દુઃખ થયું કે, જ્યારે કૉંગ્રેસનું અધિવેશન હજી ચાલુ હતું, ત્યારે છત્તીસગઢમાં એ કાર્યક્રમમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ, રાજકારણમાં સૌથી વરિષ્ઠ ખડગેજી ત્યાં હાજર હતા. અને તેઓ તે પાર્ટીના પ્રમુખ હતા. તડકો હતો, ઊભેલા દરેકને તડકો લાગવો સ્વાભાવિક હતો. પરંતુ તડકામાં એ છત્રીનું સૌભાગ્ય કૉંગ્રેસના સૌથી મોટી વયના અને સૌથી વરિષ્ઠ નેતા ખડગેજીને નસીબ થયું ન હતું. તેમની બાજુમાં બીજા કોઈ માટે છત્રી ગોઠવવામાં આવી હતી.

તે દર્શાવે છે કે ખડગેજી કહેવા ખાતર કૉંગ્રેસના અધ્યક્ષ છે, પરંતુ કૉંગ્રેસમાં તેમની સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવે છે તે જોઈને આખી દુનિયા જોઈ પણ રહી છે અને સમજી પણ રહી છે કે રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે. પરિવારવાદના આ જ ચુંગાલમાં આજે દેશના અનેક પક્ષો જકડાયેલા છે. આપણે દેશને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો છે. એટલા માટે કર્ણાટકની જનતાએ પણ કૉંગ્રેસ જેવી પાર્ટીઓથી સાવધાન રહેવું પડશે. અને આ કૉંગ્રેસી લોકો તો એટલા નિરાશ થઈ ગયા છે કે હવે તો તેઓ વિચારે છે કે જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી તેમની દાળ ગળવાની નથી. અને તેથી જ આજકાલ બધા કહે છે – મર જા મોદી, મર જા મોદી. નારા લગાવે છે- મર જા મોદી. કેટલાક લોકો તો કબર ખોદવામાં વ્યસ્ત બની ગયા છે. તેઓ કહી રહ્યા છે – મોદી તેરી કબ્ર ખુદેગી. પરંતુ દેશ કહે છે કે મોદી તેરા કમલ ખિલેગા‘.

મિત્રો, જ્યારે કામ સાચા ઈરાદાથી કરવામાં આવે છે, ત્યારે યોગ્ય વિકાસ થાય છે. ડબલ એન્જિન સરકારનો ઈરાદો પણ સાચો છે અને વિકાસ પ્રત્યે તેની નિષ્ઠા પણ પાક્કી છે. તેથી, આપણે આ વિશ્વાસ જાળવી રાખવાનો છે. કર્ણાટકના અને દેશના વિકાસને ઝડપી બનાવવા માટે આપણે આ રીતે જ આગળ વધવું પડશે. સબકા પ્રયાસથી જ આપણે દેશને વિકસિત બનાવવાનું સ્વપ્ન સાકાર કરી શકીશું. અને હું આજે કાર્યક્રમમાં થોડો મોડો આવ્યો. હૅલિકૉપ્ટરથી સમગ્ર રસ્તામાં બેલગાવીએ જે સ્વાગત કર્યું છે, જે આશીર્વાદ આપ્યા છે. માતાઓ, બહેનો, વડીલો, બાળકો, અભૂતપૂર્વ દ્રશ્ય હતું.

બેલગાવીના કર્ણાટકના આ પ્રેમ માટે હું તેમને શિશ નમાવીને પ્રણામ કરું છું, નત મસ્તકે એમનો આભાર માનું છું. આજે મારી કર્ણાટકની મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે હું આજે સવારે શિવમોગામાં હતો અને મને ત્યાં એરપોર્ટ, કર્ણાટકના લોકોને મળવાનો લહાવો મળ્યો હતો. પરંતુ તે જ સમયે અમારા વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવાની પણ તક મળી. અને જ્યારે શિવમોગાથી અહીં આવ્યો ત્યારે આપ સૌએ તો કમાલ જ કરી દીધી. આ પ્રેમ, આ આશીર્વાદ, હું તમને ખાતરી આપું છું કે બેલગાવીનાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો, કર્ણાટકનાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો, હું તમને ખાતરી આપું છું કે તમે જ મને પ્રેમ આપી રહ્યા છો ને, તમે જે અમને બધાને આશીર્વાદ આપો છો ને, હું તેને વ્યાજ સાથે પરત કરીશ. અને હું કર્ણાટકનો વિકાસ કરીને પરત કરીશ, બેલગાવીનો વિકાસ કરીને પરત કરીશ. ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર. મારી સાથે બોલો – ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.

ખૂબ ખૂબ આભાર!

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com