Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કન્યાકુમારીમાં વિકાસ યોજનાઓના શુભારંભ પછી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

મિત્રો, આજે અહીં કન્યાકુમારીમાં આવતા હું અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. હું માનનીય અમ્મા, જય લલિતાજીને શ્રદ્ધાંજલિ આપીને મારા પ્રવચનનો પ્રારંભ કરૂં છું. તમિલનાડુના લોકો માટે તેમણે જે સારા કામ કર્યા છે તે પેઢીઓ સુધી યાદ રહેશે.

મને એ બાબતનો આનંદ છે કે તમિલનાડુ સરકાર તેમના વિકાસના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. મને એ બાબતનું ગૌરવ છે કે ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલાજી પણ તમિલનાડુના જ છે. દરેક ભારતીય એ બાબતનું ગૌરવ અનુભવે છે કે બહાદૂર વીંગ કમાન્ડર અભિનંદન પણ તમિલનાડુના જ છે. હું આ પ્રસંગે થોડાક દિવસ પહેલાં જ ગાંધી શાંતિ પુરસ્કાર મેળવવા માટે વિવેકાનંદ કેન્દ્રને અભિનંદન આપુ છું. આ કેન્દ્રના સમાજ સેવાના પ્રયાસો પ્રશંસાપાત્ર અને પ્રેરણાદાયી છે.

મિત્રો, થોડાક સમય પહેલાં જ આપણે માર્ગો, રેલવે અને ધોરી માર્ગો સંબંધિત કેટલાક વિકાસ કામોની શિલારોપણ વિધિ અને ઉદ્દઘાટન કર્યા છે. મેં મદુરા અને ચેન્નાઈ વચ્ચે સૌથી ઝડપી દોડનારી તેજસ ટ્રેનને લીલીઝંડી આપી છે. આ ટ્રેનની ગણના અતિ આધુનિક ટ્રેનોમાં થાય છે અને તે મેક ઈન ઇન્ડિયા નું ઉત્તમ ઉદાહરણ છે. આ ટ્રેન ચેન્નાઈની જ ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે. રામેશ્વરમ અને ધનુષકોટી વચ્ચેની રેલવે લાઈનનો શિલાન્યાસ પણ આજે કરવામાં આવ્યો છે. 1964ની દુર્ઘટના પછી આ રેલવે લાઈનને નુકશાન થયું હતું, પરંતુ છેલ્લા 50 વર્ષથી આ રેલવે લાઈન તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કોઈ કામ ક્યારેય થાય નહીં તેના કરતાં મોડુ થાય તો પણ બહેતર બની રહે છે! તમને એ વાતનો આનંદ થશે કે હવે પમબાન રેલવે બ્રિજનું બાંધકામ શરૂ થવાનું છે.

મિત્રો, ભારતની ગણના હાલમાં વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે થાય છે. ભારત વિક્રમ ઝડપે નવા યુગની માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. આપણે એવું રાષ્ટ્ર છીએ કે જે સ્ટાર્ટ-અપનું સૌથી મોટું વ્યવસ્થા તંત્ર ધરાવે છે.

ભારત એ દુનિયાના સૌથી મોટા આરોગ્યલક્ષી કાર્યક્રમ આયુષમાન ભારતનું પણ ઘર છે. મિત્રો, ભારતે 21મી સદીમાં ઝડપ અને વ્યાપમાં વધારો કરીને કામ કરવાનું રહેશે અને એનડીએ સરકાર પણ એ રીતે જ કામ કરી રહી છે. હજુ ગયા રવિવારે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની આ વર્ષના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે કેન્દ્ર સરકાર તરફથી ત્રણ હપ્તામાં રૂ. 6,000નો સહયોગ પૂરો પાડવામાં આવશે. 1.1 કરોડથી વધુ ખેડૂતોને તેમના બેંકના ખાતામાં પ્રથમ હપ્તો મળી ગયો છે. તમે કલ્પના કરી શકો છો કે ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલી યોજના એ જ મહિનામાં અમલી બની હોય! અમે સતત 24 કલાક કામ કરીને આ યોજના 24 કલાકમાં જ અમલી બને તેવો પ્રયાસ કર્યો છે.

મિત્રો, જે રીતે લીપ વર્ષ અને ફૂટબોલનો વર્લ્ડ કપ 4 વર્ષમાં એક જ વખત આવે છે તે રીતે ખેડૂતોના બાકી રહેલા દેવાની માફી પણ કોંગ્રેસ સરકારમાં ચૂંટણી પહેલાં જ આવતી હોય છે. ખેડૂતો માટે કશું કર્યા વગર જ તે લોકો છેલ્લા આવશે અને જણાવશે કે અમે તમારી લોન માફ કરી રહ્યા છીએ. વાસ્તવમાં કોંગ્રેસે જે રીતે ધિરાણો માફ કર્યા છે તેનાથી ખૂબ જ થોડાક ખેડૂતોને લાભ મળ્યો છે. એનડીએ સરકારની કિસાન સન્માન નિધિ એ થોડાંક વર્ષોમાં એક જ વખત આવતી યોજના નથી. તેનો લાભ દર વર્ષે મળવાનો છે અને 10 વર્ષના ગાળામાં રૂ. 7.5 લાખ કરોડ પરિશ્રમી ખેડૂતોના ખાતામાં જમા થવાના છે. જ્યારે કોઈ સરકાર ઝડપથી અને વ્યાપક રીતે કામ કરી રહી હોય ત્યારે તે સ્પષ્ટપણે વર્તાઈ આવે છે.

મિત્રો, મહાન સંત તિરૂવલ્લુઅરે એક વખત જણાવ્યુ હતું કે જ્યારે કોઈ જવલ્લે જ મળતી તક પ્રાપ્ત થતી હોય તો તેને ઝડપી લો અને જવલ્લે જ થઈ શકે તેવા કામ કરો. વર્ષ 2014માં 30 વર્ષ પછી કોઈ એક પક્ષને સંસદમાં બહુમતિ મળી હતી. લોકોનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો. લોકો એવી સરકાર ઈચ્છતા હતા કે હિંમતભર્યા અને આકરા નિર્ણયો લેવામાં આગેવાની લઈ શકે.

લોકોને પ્રમાણિકતાની જરૂર હતી, વંશવાદની નહી. લોકો વિકાસ ઈચ્છે છે, વિનાશ નહીં. લોકો પ્રગતિ ઈચ્છે છે, પોલિસીને પક્ષઘાત થાય તેવી સ્થિતિ નહીં. લોકોને તકો જોઈતી હોય છે, અવરોધો નહીં. લોકોને સલામતી જોઈએ છે, સ્થિરતા નહીં. લોકો સમાવેશી વિકાસ માંગે છે, મતબેંકનું રાજકારણ નહીં.

સૌનો સાથ, સૌનો વિકાસના વિચાર હેઠળ અને 130 કરોડ ભારતીયોના સહયોગથી એનડીએ સરકારે રાષ્ટ્રના હિતમાં કેટલાક ઐતિહાસિક કદમ ઉઠાવ્યા છે. હું તમને આ અંગેના થોડાક સ્થાનિક અને રાષ્ટ્રીય ઉદાહરણો આપીશ.

તમિલનાડુ એ સાગરકાંઠે આવેલું રાજ્ય છે. આ રાજ્યમાં માછીમારીનો વ્યવસાય ધમધમી રહ્યો છે. કેટલાક માછીમાર ભાઈઓ અને બહેનો રોજગારી મેળવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે. માછીમારી માટે નવો વિભાગ ઉભો કરીને એનડીએ સરકારને તેમને સન્માન આપ્યું છે. અગાઉની સરકાર તમારા મત લેવા માટે આવતી હતી, પરંતુ માછીમારો માટે કોઈ કામ કર્યું હોય તેવું કશું તે બતાવી શકે તેમ નથી. આપણાં માછીમાર ભાઈઓ અને બહેનો માટે કિસાન ક્રેડિટ કાર્ડ પણ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે તમિલનાડુમાં ઊંડા સમુદ્રમાં માછીમારી માટેના જહાજોના નિર્માણ માટે રૂ. 300 કરોડ મંજૂર કર્યા છે. દરિયો ખેડતા માછીમારોને અવકાશમાંથી પણ સહાય મળે છે. અમે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની મદદથી વિકસાવાયેલા નેવીક ડિવાઈસ પૂરા પાડીએ છીએ. આ સાધન સ્થાનિક ભાષામાં માહિતી પૂરી પાડે છે. આ નેવિગેશન ડિવાઈસ ફીશીંગ ઝોન અંગે વિગતો તો પૂરી પાડે જ છે સાથે-સાથે માછીમારોને હવામાન અંગેની ચેતવણીઓ પણ પૂરી પાડે છે.

મિત્રો, આપણે સમજીએ છીએ કે માછીમાર ભાઈઓ અને બહેનોની આવક વધે તેવી આપણી ઈચ્છા છે. તેથી આપણે માછીમારી સાથે સંકળાયેલી માળખાગત સુવિધાઓનો વિકાસ કરવાનો રહેશે. રમણંતપુરમ જિલ્લામાં મુકયાર ફીશીંગ હાર્બરનું બાંધકામ ચાલી રહ્યું છે અને નાગાપટ્ટીનમમાં પુમપુહાર ફીશીંગ હાર્બરનું કામકાજ લગભગ પૂરૂ થઈ ગયું છે. મિત્રો, ભારત સરકાર માછીમારોની સલામતી અને કલ્યાણ માટે ખૂબ જ ચિંતિત છે. મે, 2014 પછી હાથ ધરાયેલા કૂટનીતિના સતત પ્રયાસો પછી શ્રીલંકાના તંત્રએ 1900થી વધુ માછીમારોને મુક્ત કર્યા છે. મિત્રો, એનડીએ સરકાર આપણાં સાગરકાંઠાના વિસ્તારો તરફ નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ કામગીરીમાં કનેક્ટિવિટી અને સમૃદ્ધિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

બંદરોના વિકાસથી એક કદમ આગળ વધીને અમે બંદર આધારિત વિકાસ માટે કામ કરી રહ્યા છીએ. અમે વધુ બંદરોની રચના કરી છે. હયાત બંદરોની ક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. સાગરમાલા પ્રોજેક્ટ એ પણ અમારા વિઝનનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ પર માત્ર વર્તમાન પેઢી જ નહીં, પણ ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં રાખીને કામ હાથ ધરવામાં આવ્યું છે.

મિત્રો, હું આજે સંરક્ષણ અને સલામતી અંગે પણ વાત કરીશ. આપણાં ભૂતપૂર્વ સેનાનીઓના આશીર્વાદથી આપણે વન રેન્ક વન પેન્શનનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને તેને વાસ્તવિક સ્વરૂપ આપી શક્યા છીએ. આ એક કરવા જેવુ કામ હતું. જેમણે આટલા વર્ષ સુધી દેશ ઉપર શાસન કર્યું છે તે લોકોએ વન રેન્ક વન પેન્શનની કોઈ ચિંતા જ કરી ન હતી.

મિત્રો, વર્ષોથી ભારત આતંકવાદના દૂષણનો સામનો કરી રહ્યું છે, પરંતુ અત્યારની સ્થિતિમાં ઘણો તફવત છે. ભારત હવે આતંકી કૃત્યો બાબતે નિઃસહાયતા અનુભવી રહ્યું નથી. વર્ષ 2004 થી 2014 સુધીમાં અનેક આતંકી હુમલા થયા. હૈદ્રાબાદ, અમદાવાદ, જયપુર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, પૂના અને અન્ય સ્થળોએ અનેક વખત બોંબ ધડાકા પણ થયા. રાષ્ટ્ર એવી અપેક્ષા રાખતું હતું કે આતંકના આવા કૃત્યો માટે જે લોકો જવાબદાર છે તેમને સજા થવી જોઈએ, પરંતુ કશું થયું નહીં. 26/11 ની ઘટના બની ત્યારે ભારત આતંકવાદીઓ સામે પગલાં લેવાશે તેવી અપેક્ષા રાખતું હતું, પરંતુ કશું થયું નહી. જ્યારે ઉરીની ઘટના બની ત્યારે તમે જોયુ હશે કે આપણાં બહાદૂર જવાનોએ કેવું કામ કર્યું છે. પુલવામાની ઘટના બની અને તમે જોયું કે આપણાં બહાદૂર વાયુદળના યોદ્ધાઓએ કેવું કામ કર્યું છે. જે લોકો દેશની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે તેમને હું સલામ કરૂં છું. તેમની ચોકસાઈને કારણે જ આપણું રાષ્ટ્ર સલામત છે.

એક એવો સમય હતો કે જ્યારે સમાચારના અહેવાલોમાં એવું વાંચવા મળતું હતું કે વાયુદળ 26/11 ની ઘટના પછી સર્જીકલ સ્ટ્રાઈક કરવા માંગે છે, પરંતુ યુપીએ સરકારે આવી ઘટના અવરોધી. અને આજે આપણે એવા યુગમાં છીએ કે જ્યાં એવા સમાચારો વાંચવા મળે છે કે શસ્ત્ર દળોને તેમની ઈચ્છા હોય તે મુજબ કામ કરવાની છૂટ આપવામાં આવી છે. આતંકવાદીઓ અને આતંકવાદની અસર ઉપર નિયંત્રણ આવ્યું છે. અને હજુ વધુ નિયંત્રણો આવશે. આ એક નવું ભારત છે. આ એક એવું ભારત છે કે જે ભારતને થયેલા નુકશાનનો વ્યાજ સહિત બદલો લેશે.

મિત્રો, છેલ્લા થોડાંક દિવસોમાં જે ઘટના બની છે તેના કારણે આપણાં સશસ્ત્ર દળોની તાકાતનો આપણને પરચો થયો છે. રાષ્ટ્રમાં આપણે એકબીજાની નજીક આવ્યા છીએ. જે રીતે રાષ્ટ્રએ આપણાં સશસ્ત્ર દળોને અસામાન્ય સહયોગ પૂરો પાડ્યો છે તે બદલ હું દરેક ભારતીયને નમન કરૂં છું.

તે દુઃખદ બાબત છે કે કેટલાક રાજકીય પક્ષો કે જે મોદીને ધિક્કારનારા લોકો સાથે મળીને ભારતને ધિક્કારી રહ્યા છે. આપણો સમગ્ર દેશ સશસ્ત્ર દળોને ટેકો આપી રહ્યું છે ત્યારે આ લોકો સશસ્ત્ર દળોની કામગીરીની ટીકા કરી રહ્યા છે એમાં કોઈ નવાઈ લાગતી નથી.

ભારતની આતંકવાદ સામેની લડાઈને વિશ્વ ટેકો આપી રહ્યું છે, પરંતુ કેટલાક પક્ષો આપણી આતંકવાદ સામેની લડાઈને શંકાની નજરે જોઈ રહ્યા છે. આ એવા લોકો છે કે જેમના નિવેદનોથી પાકિસ્તાનને સહાય થઈ રહી છે અને દેશને નુકશાન થઈ રહ્યું છે. આ એવા લોકો છે કે જેમના નિવેદનોને પાકિસ્તાનની સંસદમાં અને પાકિસ્તનના રેડિયોમાં આનંદ સાથે ટાંકવામાં આવે છે. હું તેમને સવાલ કરૂં છું કે તમે સશસ્ત્ર દળોને ટેકો આપો છો કે પછી તેમના ઉપર શંકા કરી રહ્યા છો? તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે તમે આપણાં સશસ્ત્ર દળોને સાચા માનો છો કે જે લોકો આપણી ધરતી પર આતંકવાદને ટેકો આપી રહ્યા છે તેમને સાચા માનો છો. હું આ પક્ષોને જણાવવા માંગુ છું કે મોદી આવશે અને જશે, પરંતુ દેશ તો રહેવાનો જ છે. તમારા પોતાના રાજકારણને મજબૂત બનાવવા માટે ભારતને નબળો પાડવાનું બંધ કરો. સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં આપણે સૌથી પહેલાં ભારતીય છીએ અને માત્ર ભારતીય જ છીએ. તમારૂં રાજકારણ રોકાઈ શકે છે. આપણાં રાષ્ટ્રની સલામતીના ભોગે કશું કરી શકાય નહીં.

મિત્રો, હું આજે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં અંગે પણ વાત કરીશ. ભારતે એવા પ્રધાનમંત્રીઓ જોયા છે કે જે કહેતા હતા કે 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ ગરીબો સુધી પહોંચે છે. ભારતે એવા અહંકારી કેબિનેટ મંત્રીઓ જોયા છે કે જે કરોડો રૂપિયાના કૌભાંડોને ઝીરો લૉસ ગણાવી રહ્યા છે. કેટલાક લોકો તો કહે છે કે ભ્રષ્ટાચાર એ જીવનની એક પદ્ધતિ છે. આ બાબત તેમને સ્વીકાર્ય હશે, પરંતુ હું સ્વીકારી શકું તેમ નથી. એનડીએ સરકારે ભ્રષ્ટાચાર વિરોધી અનેક પગલા ઉઠાવ્યા છે. નકલી કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે. નકલી લાભાર્થીઓને દૂર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટ લોકોએ હવે તેમણે કરેલા દુષ્કૃત્યોનો જવાબ આપવો પડે છે.

પ્રસિદ્ધ રિ-કાઉન્ટીંગ મિનિસ્ટર કે જે લોકો સાથે ખરાબ વર્તન કરવા માટે અને મધ્યમ વર્ગનું અપમાન કરવા માટે જાણીતા છે તેમણે હવે તેમના પક્ષના પ્રથમ પરિવારની જેમ જ જામીનનું ફેમીલી પેક મેળવવા માટે અરજી કરવી પડી છે.

મિત્રો, ભ્રષ્ટાચાર સામે અમે અનેક આકરાં પગલાં ભર્યા છે અને સાથે સાથે અમે પ્રામાણીક કરદાતાઓને લાભ પણ આપી રહ્યા છીએ. અંદાજપત્ર વખતે, આશરે એક મહિના પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકોની આવક રૂ. 5 લાખ સુધી હશે તેમણે હવે આવક વેરો નહીં ભરવો પડે! જે લોકોએ ઘણાં વર્ષ સુધી આ દેશ પર રાજ્ય કર્યું તેમણે મધ્યમ વર્ગ માટે વિચાર કર્યો હતો કે તેમણે તેમને કર રાહત આપી હતી?

મિત્રો, ઘણાં વર્ષ સુધી કોંગ્રેસે એવી આર્થિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું કે જેણે એક મોટા વંશના માત્ર મિત્રો અને પરિવારના સભ્યોને જ લાભ કરી આપ્યો હતો. સામાન્ય માણસને કોઈ પ્રોત્સાહન મળતું ન હતું કે આર્થિક રીતે સદ્ધર થવાની કોઈ તક ન હતી. જો કોઈએ કોંગ્રેસના આ આર્થિક સંસ્કૃતિ સામે વિરોધ કર્યો હોય તો તે તમિલનાડુના પુત્ર સી. રાજગોપાલાચારી હતા. આજે આપણે સુધારાલક્ષી અને લોકો માટે મૈત્રીપૂર્ણ હોય તેવા અર્થતંત્ર મારફતે રાજાજીના સપનાં સાકાર કરી રહ્યા છીએ.

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ માં ભારતનો ક્રમાંક 65 ક્રમ આગળ વધ્યો છે. થોડા વર્ષો પહેલા આપણે 142મા સ્થાને હતા ત્યાંથી 77મા સ્થાને પહોંચ્યા છીએ. કેન્દ્ર સરકારે ગયા વર્ષે એમએસએમઈ સેક્ટર માટે સંખ્યાબંધ લાભદાયી પગલાંની જાહેરાત કરી છે. હાલમાં રૂ. 1 કરોડ સુધીનું ધિરાણ માત્ર 59 મિનિટમાં જ મેળવવાનું શક્ય બન્યું છે! તમને ચેન્નાઈ સુધી પહોંચવામાં જેટલો સમય લાગે તેના કરતાં પણ આ ઓછો સમય છે.

મિત્રો, આજે આપણે ભારતનાં યુવાનોની પ્રતિભા અને ક્ષમતા અંગે દાવો કરી શકીએ તેમ છીએ અને એટલા માટે જ મુદ્રા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેના કારણે યંગ ઇન્ડિયાની ભાવનાને પાંખો મળી છે. મુદ્રા યોજના હેઠળ 15 કરોડ લોકોએ રૂ. 7 લાખ કરોડથી વધુ ધિરાણ મેળવ્યું છે. આ યોજનાનો લાભ મેળવનાર અગ્રણી રાજ્યોમાં તમિલનાડુનો પણ સમાવેશ થાય છે.

મિત્રો, સામાજિક ન્યાય અંગે વિરોધ પક્ષને સહેજ પણ નિષ્ઠા નથી. કોંગ્રેસના રાજ્યમાં દલિતો સામે અત્યંત નિમ્ન પ્રકારના અત્યાચાર થયા છે. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને એક વખત નહીં, પરંતુ બે વખત હરાવ્યા હતા. કોંગ્રેસે 40 વર્ષ સુધી બાબા સાહેબ આંબેડકરને ભારત રત્નનો ખિતાબ આપ્યો ન હતો કે સંસદના મધ્યસ્થ ખંડમાં બાબા સાહેબની તસવીર પણ મૂકવામાં આવી ન હતી. એ ભારતીય જનતા પક્ષ છે કે જેણે બિન કોંગ્રેસી સરકારોને આ કામગીરીમાં ટેકો આપ્યો હતો.

મિત્રો, એનડીએની વર્તમાન સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કાયદામાં મજબૂત સુધારા કર્યા છે. આર્થિક અને સામાજિક ન્યાય અમારા માટે વિશ્વાસનો લેખ છે, માત્ર મત મેળવવા માટેનું સૂત્ર નથી.

મિત્રો, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બે બાબતોમાં અલગ તરી આવે તેમ છે. આપણો પક્ષ તાકાત અને સ્થિરતા ઓફર કરે છે. અન્ય પક્ષ નબળાઈ અને દયનીય સ્થિતિ પ્રસ્તુત કરે છે. અમારૂં નેતૃત્વ અને કાર્ય સંસ્કૃતિ ભારતભરમાં જાણીતી છે, જ્યારે અન્ય પક્ષ મૂંઝાયેલો છે. તેમની પાસે રાષ્ટ્રના હવે પછીના નેતા તરીકે કોઈ નામ નથી. તેનો કોઈ ઉદ્દેશ કે ભારતના વિકાસ માટેની તેમની પાસે કોઈ દ્રષ્ટિ નથી. તેમને વિક્રમજનક ભ્રષ્ટાચાર કરવામાં પણ કોઈ શરમ આવી નથી. ભારતને એ બાબત યાદ છે કે વર્ષ 2009માં ડીએમકે અને કોંગ્રેસે મંત્રીઓને ખાતાઓ કેવી રીતે ફાળવ્યા હતા. મંત્રીઓની પસંદગી પ્રધાનમંત્રીએ નહોતી કરી, પરંતુ એવા લોકોએ પસંદગી કરી હતી કે જેમને જાહેર સેવા સાથે કોઈ સંબંધ નથી. મંત્રીઓના ખાતા માટે ટેલિફોનથી સોદા થતા હતા. મહા મિલાવટ અથવા તો ભેળસેળવાળી સરકાર હંમેશા પોતાનો વ્યક્તિગત અહમ્ સંતોષશે અને વંશવાદની ઈચ્છાઓ પૂરી કરશે.

130 કરોડ ભારતીયો મારો પરિવાર છે. હું તેમના માટે જીવીશ અને તેમના માટે જ મરીશ. હું કોઈ વંશને આગળ વધારવા માટે જાહેર જીવનમાં આવ્યો નથી. હું ભારતના વિકાસ માટે જે કાંઈ કરી શકું તે કરવા માટે આવ્યો છું. મને દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિનાં સપનાં સાકાર થાય તેવા ભારતની રચના માટે તમારા સહયોગ અને આશીર્વાદની જરૂર છે. આ રેલીમાં આટલી મોટી સંખ્યામાં જોડાવા બદલ હું તમારો આભાર માનું છું.

ભારત માતાની જય…!

RP