Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઇન્ડિયા રેડિયો પર 28 જાન્યુઆરી, 2018ના રોજ પ્રધાનમંત્રીનાં ‘મન કી બાત’ કાર્યક્રમનાં 40માં સંસ્કરણનો મૂળપાઠ


 

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2018ની આ પહેલી ‘મન કી બાત’ છે અને બે દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર પર્વને બહુ જ ઉત્સાહ સાથે મનાવ્યો અને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 10 દેશોના વડા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.

મારા પ્રિય દેશવાસીઓ, શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ NarendraModiApp પર એક લાંબો પત્ર લખ્યો છે અને મને બહુ આગ્રહ કર્યો છે કે હું તેમના પત્રમાં લખવામાં આવેલા વિષયોને સ્પર્શું. તેમણે લખ્યું છે કે 1 ફેબ્રુઆરીએ અંતરીક્ષમાં જનારાં કલ્પના ચાવલાની પુણ્યતિથિ છે. કૉલંબિયા અંતરીક્ષ યાન દુર્ઘટનામાં તેઓ આપણને છોડીને ચાલ્યાં ગયાં પરંતુ દુનિયાભરના લાખો યુવાનોને પ્રેરણા આપી ગયા. હું ભાઈ પ્રકાશજીનો આભારી છું કે તેમણે પોતાના લાંબા પત્રની શરૂઆત કલ્પના ચાવલાની વિદાયથી કરી છે. બધા માટે એ દુઃખની વાત છે કે આપણે કલ્પના ચાવલાને આટલી નાની ઉંમરમાં ગુમાવી દીધાં પરંતુ તેમણે પોતાના જીવનથી સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતની હજારો યુવતીઓને એ સંદેશ આપ્યો કે નારી શક્તિ માટે કોઈ સીમા નથી. ઈચ્છા અને દૃઢ સંકલ્પ હોય, કંઈક કરવાની તીવ્ર ઈચ્છા હોય તો કંઈ પણ અસંભવ નથી. એ જોઈને ઘણો આનંદ થાય છે કે ભારતમાં આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે અને દેશનું ગૌરવ વધારી રહી છે.

પ્રાચીન કાળથી આપણા દેશમાં મહિલાઓનું સન્માન, તેમનું સમાજમાં સ્થાન અને તેમનું યોગદાન, તે પૂરી દુનિયાને અચંબિત કરતું આવ્યું છે. ભારતીય વિદૂષીઓની લાંબી પરંપરા રહી છે. વેદોની ઋચાઓ રચવામાં ભારતની ઘણી બધી વિદૂષીઓનું યોગદાન રહ્યું છે. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી, અનેક નામો છે. આજે આપણે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ની વાત કરીએ છીએ પરંતુ સદીઓ પહેલાં આપણાં શાસ્ત્રોમાં, સ્કન્દપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ

દશપુત્ર સમાકન્યા, દશપુત્રાન પ્રવર્ધયન્ ।

યત્ ફલં લભતેમર્ત્ય, તત્ લભ્યં કન્યકૈકયા ।।

અર્થાત્, એક દીકરી દસ દીકરા બરાબર છે. દસ દીકરાઓથી જેટલું પુણ્ય મળશે તેટલું જ પુણ્ય એક દીકરીથી મળશે. આ આપણા સમાજમાં નારીના મહત્ત્વને દર્શાવે છે. અને ત્યારે જ તો, આપણા સમાજમાં નારીને ‘શક્તિ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નારી શક્તિ સમગ્ર દેશને, સમગ્ર સમાજને, પરિવારને, એકતાના સૂત્રમાં બાંધે છે. ચાહે વૈદિક કાળની વિદૂષીઓ લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયીની વિદ્વતા હોય કે અક્કા મહાદેવી અને મીરાબાઈનું જ્ઞાન અને ભક્તિ હોય, ચાહે અહલ્યાબાઈ હોલકરની શાસન વ્યવસ્થા હોય કે રાણી લક્ષ્મીબાઈની વીરતા, નારી શક્તિ હંમેશાં આપણને પ્રેરિત કરતી આવી છે. દેશનું માન-સન્માન વધારતી આવી છે.

શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ આગળ ઘણાં બધાં ઉદાહરણ આપ્યાં છે. તેમણે લખ્યું છે કે આપણાં સાહસિક સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે લડાકુ વિમાન ‘સુખોઈ 30’માં ઉડાન ભરી તે પ્રેરણાદાયક છે. વર્તિકા જોશીના નેતૃત્વમાં ભારતીય નૌ સેનાની મહિલા ક્રૂ મેમ્બર્સ આઈએનએસવી તરિણી પર સમગ્ર વિશ્વની પરિક્રમા કરી રહ્યાં છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. ત્રણ બહાદુર મહિલાઓ ભાવના કંઠ, મોહના સિંહ અને અવની ચતુર્વેદી ફાઇટર પાઇલૉટ બની છે અને સુખોઈ-30માં પ્રશિક્ષણ લઈ રહી છે. ક્ષમતા વાજપેયીના નેતૃત્વમાં ઓલ વીમેન ક્રૂએ દિલ્લીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને પરત દિલ્લી સુધી ઍર ઇન્ડિયા બૉઇંગ જેટમાં ઉડાન ભરી – અને બધી પાછી મહિલાઓ. તમે બિલકુલ સાચું કહ્યું- આજે નારી, દરેક ક્ષેત્રમાં ન માત્ર આગળ વધી રહી છે, પરંતુ નેતૃત્વ પણ કરી રહી છે. આજે અનેક ક્ષેત્ર એવાં છે જ્યાં સૌથી પહેલા, આપણી નારી શક્તિ કંઈક કરીને દેખાડી રહી છે. એક સીમાચિહ્ન અંકિત કરી રહી છે. ગત દિવસોમાં માનનીય રાષ્ટ્રપતિજીએ એક નવી પહેલ કરી.

રાષ્ટ્રપતિજીએ તે અસાધારણ મહિલાઓના એક ગ્રૂપની મુલાકાત કરી જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં સૌથી પહેલાં કંઈક કરીને દેખાડ્યું. દેશની આ વીમેન અચિવર્સ, પહેલી મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન, પેસેન્જર ટ્રેનની પહેલી મહિલા ટ્રેન ડ્રાઇવર, પહેલી મહિલા ફાયર ફાઇટર, પહેલી મહિલા બસ ડ્રાઇવર, એન્ટાર્ક્ટિકા પહોંચનારી પહેલી મહિલા, એવરેસ્ટ પર પહોંચનારી પહેલી મહિલા, આ રીતે દરેક ક્ષેત્રની ‘ફર્સ્ટ લેડિઝ’. આપણી નારી શક્તિઓએ સમાજના રૂઢિવાદને તોડીને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે, એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેમણે એ દર્શાવ્યું કે આકરી મહેનત, લગન અને દૃઢ સંકલ્પના બળ પર તમામ વિઘ્નો અને અડચણોને પાર કરીને એક નવો માર્ગ તૈયાર કરી શકાય છે. એક એવો માર્ગ જે માત્ર પોતાના સમકાલીન લોકોને જ નહીં, પરંતુ આવનારી અનેક પેઢીઓને પણ પ્રેરિત કરશે. તેમને એક નવા જોશ અને ઉત્સાહથી ભરી દેશે. આ વીમેન એચિવર, ફર્સ્ટ લેડિઝ પર એક પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આખો દેશ આ નારી શક્તિઓ વિશે જાણી શકે, તેમના જીવન અને તેમનાં કાર્યોમાંથી પ્રેરણા લઈ શકે. તે NarendraModi website પર પણ e-bookના રૂપમાં પ્રાપ્ય છે.

આજે દેશ અને સમાજમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તનમાં દેશની નારી શક્તિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આજે જ્યારે આપણે મહિલા સશક્તિકરણની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હું એક રેલવે સ્ટેશનનો ઉલ્લેખ કરવા માગું છું. એક રેલવે સ્ટેશન અને મહિલા સશક્તિકરણ, તમે વિચારી રહ્યા હશો કે આ બંને વચ્ચે શું સંબંધ છે? મુંબઈનું માટુંગા સ્ટેશન ભારતનું પહેલું સ્ટેશન છે જ્યાં બધી મહિલા કર્મચારી છે. બધા વિભાગોમાં વીમેન સ્ટાફ- ચાહે કૉમર્શિયલ ડિપાર્ટમેન્ટ હોય, રેલવે પોલીસ હોય, ટિકિટ ચેકર હોય, ઉદ્ઘોષક હોય, પૉઇન્ટ પર્સન હોય, સમગ્ર 40થી પણ વધુ કર્મચારીઓનો સ્ટાફ મહિલાઓનો જ છે. આ વખતે ઘણા લોકોએ પ્રજાસત્તાક દિવસની પરેડ જોયા પછી ટ્વિટર પર અને અન્ય સૉશિયલ મિડિયા પર લખ્યું કે પરેડની એક મુખ્ય વાત હતી બીએસએફ બાઇકર કન્ટિન્જન્ટ, જેમાં બધેબધી મહિલાઓ ભાગ લઈ રહી હતી. સાહસથી ભરપૂર પ્રયોગો કરી રહી હતી અને આ દૃશ્ય વિદેશથી આવેલા મહેમાનોને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. સશક્તિકરણ આત્મનિર્ભરતાનું જ એક રૂપ છે. આજે આપણી નારીશક્તિ નેતૃત્વ કરી રહી છે. આત્મનિર્ભર બની રહી છે. આવી જ એક વાત મારા ધ્યાનમાં આવી છે કે  છત્તીસગઢમાં આપણી આદિવાસી મહિલાઓએ પણ કમાલ કર્યો છે. તેમણે એક નવું ઉદાહરણ રજૂ કર્યું છે. આદિવાસી મહિલાઓની જ્યારે વાત આવે છે તો બધાનાં મનમાં એક નિશ્ચિત તસવીર ઉભરીને આવે છે, જેમાં જંગલ હોય છે, પગદંડીઓ હોય છે, તેના પર લાકડીઓનો બોજો માથા પર ઊંચકીને ચાલતી મહિલાઓ. પરંતુ છત્તીસગઢની આપણી આદિવાસી નારી, આપણી આ નારી શક્તિએ દેશની સામે એક નવી તસવીર બનાવી છે. છત્તીસગઢનો દંતેવાડા વિસ્તાર જે માઓવાદ પ્રભાવિત  વિસ્તાર છે, હિંસા અત્યાચાર, બૉમ્બ, બંદૂક, પિસ્તોલ – માઓવાદીઓએ આનું એક ભયાનક વાતાવરણ પેદા કરેલું છે. આવા ખતરનાક વિસ્તારમાં આદિવાસી મહિલાઓ E-Rickshaw ચલાવીને આત્મનિર્ભર બની રહી છે. બહુ જ થોડા સમયમાં ઘણી બધી મહિલાઓ તેની સાથે જોડાઈ ગઈ છે. અને તેનાથી ત્રણ લાભ થઈ રહ્યા છે, એક તરફ જ્યાં સ્વરોજગારે તેમને સશક્ત બનાવવાનું કામ કર્યું છે, તો બીજી તરફ તેનાથી માઓવાદ પ્રભાવિત વિસ્તારની તસવીર બદલાઈ રહી છે. અને આ બધાની સાથોસાથ તેનાથી પર્યાવરણ સંરક્ષણના કામને પણ બળ મળી રહ્યું છે. અહીંના જિલ્લા પ્રશાસનની પણ હું પ્રશંસા કરું છું. ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવાથી લઈને ટ્રેઇનિંગ આપવા સુધી, જિલ્લા પ્રશાસને આ મહિલાઓની સફળતામાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે લોકો કહે છે – ‘કુછ બાત હૈ એસી કિ હસ્તી મિટતી નહીં હમારી’. તે વાત શું છે, તે વાત છે – ફ્લેક્સિબિલિટી- લચીલાપણું, ટ્રાન્સફૉર્મેશન. જે કાળ બાહ્ય છે તેને છોડવું, જે આવશ્યક છે તેમાં સુધારો સ્વીકારવો. અને આપણા સમાજની વિશેષતા છે- આત્મસુધાર કરવાનો નિરંતર પ્રયાસ, સેલ્ફ કરેક્શન, આ ભારતીય પરંપરા, આ આપણી સંસ્કૃતિ આપણને વારસામાં મળી છે. કોઈ પણ જીવન-સમાજની ઓળખાણ હોય છે તેમની સેલ્ફ કરેક્શન મિકેનિઝમ. સામાજિક કુપ્રથાઓ અને કુરીતિઓ વિરુદ્ધ સદીઓથી આપણા દેશમાં વ્યક્તિગત અને સામાજિક સ્તર પર સતત પ્રયાસો થતા આવ્યા છે. હમણાં કેટલાક દિવસો પહેલાં બિહારે એક રોચક પહેલ કરી. રાજ્યમાં સામાજિક કુરીતિઓને જડથી ઉખાડવા માટે 13 હજારથી વધુ કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી માનવ શ્રૃખંલા, હ્યુમન ચેઇન બનાવાઈ હતી. આ અભિયાન દ્વારા લોકોને બાળલગ્ન અને દહેજ પ્રથા જેવી કુરીતિઓ સામે જાગૃત કરવામાં આવ્યા. દહેજ અને બાળ લગ્ન જેવી કુરીતિઓથી સમગ્ર રાજ્યએ લડવાનો સંકલ્પ લીધો. બાળકો, વૃદ્ધો જોશ અને ઉત્સાહથી ભરપૂર યુવા, માતાઓ, બહેનો, દરેક જણે પોતાને આ જંગમાં સામેલ કર્યા હતા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનથી આરંભ થયેલી માનવ શ્રૃંખલા રાજ્યની સીમાઓ સુધી અતૂટ રૂપથી જોડાતી ચાલી. સમાજના બધા લોકોને સાચા અર્થમાં વિકાસનો લાભ મળે તે માટે જરૂરી છે કે આપણો સમાજ આ કુરીતિઓથી મુક્ત હોય. આવો, આપણે બધા મળીને આવી કુરીતિઓને સમાજમાંથી સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા લઈએ અને એક New India, એક સશક્ત અને સમર્થ ભારતનું નિર્માણ કરીએ. હું બિહારની જનતા, રાજ્યના મુખ્યપ્રધાન, ત્યાંના પ્રશાસન અને માનવ શ્રૃંખલામાં સામેલ દરેક વ્યક્તિની પ્રશંસા કરું છું જેમણે સમાજ કલ્યાણની દિશામાં આટલી વિશેષ અને વ્યાપક પહેલ કરી.

મારા પ્રિય દેશવાસીઓ, મૈસૂર, કર્ણાટકના શ્રીમાન દર્શને MyGov પર લખ્યું છે – તેમના પિતાના ઈલાજ પર મહિનામાં દવાઓનો ખર્ચ 6 હજાર રૂપિયા થતો હતો. તેમને પહેલાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર વિશે જાણકારી નહોતી. પરંતુ હવે જ્યારે તેમને જન ઔષધિ કેન્દ્ર વિશે જાણકારી મળી અને તેમણે ત્યાંથી દવાઓ ખરીદી તો તેમનો દવાઓનો ખર્ચ 75 ટકા સુધી ઘટી ગયો. તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે હું તેના વિશે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વાત કરું જેથી મહત્તમ લોકો સુધી તેની જાણકારી પહોંચે અને તેઓ તેનો લાભ લઈ શકે. ગત કેટલાક સમયથી ઘણા લોકો મને આ વિષયમાં લખતા રહેતા હતા, જણાવતા રહેતા હતા. મેં પણ અનેક લોકોના વિડિયો, સૉશિયલ મિડિયા પર પણ જોયા છે, જેમણે આ યોજનાનો લાભ લીધો છે. અને આ પ્રકારની જાણકારી જ્યારે મને મળે છે તો ઘણો આનંદ થાય છે. એક ગહન સંતોષ મળે છે. અને મને એ પણ ઘણું સારું લાગ્યું કે શ્રીમાન દર્શનજીના મનમાં એ વિચાર આવ્યો છે કે તેમને જે મળ્યું તે બીજાને પણ મળે. આ યોજનાની પાછળ ઉદ્દેશ્ય છે- Health Careને Affordable બનાવવી અને Ease of Living ને પ્રોત્સાહિત કરવી. જન ઔષધિ કેન્દ્રો પર મળતી દવાઓ બજારમાં વેચાતી મળતી Branded દવાઓથી લગભગ 50%થી 90% સુધી સસ્તી છે. તેનાથી જન સામાન્ય, ખાસ કરીને રોજ દવાઓ લેનારા વરિષ્ઠ નાગરિકોની ઘણી આર્થિક મદદ થાય છે, ઘણી બચત થાય છે. તેમાં વેચાતી generic દવાઓ World Health Organisation ના નિયત ધોરણ મુજબની હોય છે. આ જ કારણ છે કે સારી ગુણવત્તાની દવાઓ સસ્તા ભાવે મળે છે. આજે દેશભરમાં ત્રણ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યાં છે. તેનાથી ન માત્ર દવાઓ સસ્તી મળે છે, પરંતુ સાથે Individual Entrepreneurs માટે પણ રોજગારના નવા અવસર પેદા થઈ રહ્યા છે. સસ્તી દવાઓ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો અને હૉસ્પિટલોના ‘અમૃત Stores’ પર પ્રાપ્ય છે. તે બધાની પાછળ એક માત્ર ઉદ્દેશ્ય છે- દેશના અતિ ગરીબ વ્યક્તિને Quality અને affordable health service પ્રાપ્ય બનાવવી જેથી એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ શકે.

મારા પ્રિય દેશવાસીઓ, મહારાષ્ટ્રથી શ્રીમાન મંગેશે નરેન્દ્ર મોદી મોબાઈલ એપ પર એક ફોટો શેર કર્યો છે. એ ફોટો એવો હતો કે મારું ધ્યાન તે ફોટો તરફ ખેંચાતું ગયું. એ ફોટો એવો હતો જેમાં એક પૌત્ર તેના દાદા સાથે ‘ક્લીન મોરના નદી’ના સફાઈ અભિયાનમાં ભાગ લઈ રહ્યો હતો. મને જાણવા મળ્યું કે અકોલાના નાગરિકોએ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ મોરના નદીને સાફ કરવા માટે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. મોરના નદી પહેલા બારેય મહિના વહેતી હતી પરંતુ હવે તે સીઝનલ થઈ ગઈ છે. અન્ય પીડાની વાત એ છે કે નદી સંપૂર્ણ રીતે જંગલી ઘાંસ, જળકુંભીથી ભરાઈ ગઈ હતી. નદી અને તેના કિનારા પર કેટલોય કચરો નાખવામાં આવી રહ્યો હતો. એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને મકરસંક્રાંતિથી એક દિવસ અગાઉ ૧૩ જાન્યુઆરીએ ‘મિશન ક્લીન મોરના’ના પ્રથમ ચરણ હેઠળ ચાર કિલોમીટરના ક્ષેત્રમાં ચૌદ સ્થાનો પર મોરના નદીના તટના બંને કિનારાઓની સફાઈ કરવામાં આવી. મિશન ક્લીન મોરના ના આ નેક કાર્યમાં અકોલાના છ હજારથી પણ વધુ નાગરિકો, સો થી પણ વધુ એનજીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, બાળકો, વડીલો, માતાઓ-બહેનો, દરેક લોકોએ આમાં ભાગ લીધો. 20 જાન્યુઆરી 2018 ના રોજ પણ આ સ્વચ્છતા કાર્યક્રમ આ રીતે જ ચાલુ રાખવામાં આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી મોરના નદી પૂરી રીતે સાફ નહીં થઈ જાય, ત્યાં સુધી આ અભિયાન દરેક શનિવારની સવારે ચાલશે. એ દેખાડે છે કે જો વ્યક્તિ કંઈક કરવાનું નક્કી કરી લે તો અશક્ય કંઈ પણ નથી. જન-આંદોલનના માધ્યમથી મોટા મોટા બદલાવ લાવી શકાય છે. હું અકોલાની જનતાને, ત્યાંના જિલ્લા તથા નગર નિગમના પ્રશાસનને, આ કામને જન-આંદોલન બનાવવામાં લાગેલા દરેક નાગરિકોને તેમના આ પ્રયાસ બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું અને આપનો આ પ્રયાસ દેશના અન્ય લોકોને પણ પ્રેરિત કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં પદ્મ પુરસ્કારોના સંબંધમાં કેટલીયે ચર્ચાઓ આપ સાંભળતા હશો. અખબારોમાં પણ આ વિષય અંગે, ટીવી પર પણ આ અંગે ધ્યાન આકર્ષિત થાય છે. પરંતુ જો સહેજ બારીકીથી જોશો તો આપને ગર્વ થશે. ગર્વ એ વાતનો કે કેવા-કેવા મહાન લોકો આપણી વચ્ચે છે અને સ્વાભાવિક રીતે એ વાતનો પણ ગર્વ થશે કે કેવી રીતે આજે આપણા દેશમાં સામાન્ય વ્યક્તિ કોઈપણ લાગવગ વગર એ ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. દરેક વર્ષે પદ્મ પુરસ્કાર આપવાની પરંપરા રહી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષોમાં તેની આખી પ્રક્રિયા બદલાઈ ગઈ છે. હવે કોઈ પણ નાગરિક કોઈને પણ નોમિનેટ કરી શકે છે. આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાથી પારદર્શિતા આવી ગઈ છે. એક રીતે આ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયાનું આખું રૂપાંતરણ થઈ ગયું છે. આપનું પણ એ વાત પર ધ્યાન ગયું હશે કે બહુ જ સામાન્ય લોકોને પદ્મ પુરસ્કાર મળી રહ્યા છે. એવા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે જેઓ સામાન્ય રીતે મોટા-મોટા શહેરોમાં, અખબારોમાં, ટીવીમાં, સમારંભોમાં નજર નથી આવતા. હવે પુરસ્કાર આપવા માટે વ્યક્તિની ઓળખ નહીં પરંતુ તેના કામનું મહત્વ વધી રહ્યું છે. આપે સાંભળ્યા હશે શ્રીમાન અરવિંદ ગુપ્તા જીને, આપને જાણીને આનંદ થશે, IIT કાનપુરના વિદ્યાર્થી રહેલા અરવિંદજીએ બાળકો માટે રમકડાં બનાવવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. તેઓ ચાર દસકથી કચરામાંથી રમકડાં બનાવી રહ્યા છે જેથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જીજ્ઞાસા વધી શકે. તેમની કોશિશ હોય છે કે બાળકો બેકાર વસ્તુઓથી વૈજ્ઞાનિક પ્રયોગો તરફ પ્રેરિત થાય, જેને માટે તેઓ દેશભરમાં ત્રણ હજાર સ્કૂલોમાં જઈને 18 ભાષાઓમાં બનેલી ફિલ્મો દર્શાવીને, બાળકોને પ્રેરિત કરી રહ્યા છે. કેવું અદભૂત જીવન, કેવું અદભૂત સમર્પણ. એક એવી જ વાત કર્ણાટકના સિતાવા જોદ્દ્તીની છે. એમને મહિલા સશક્તિકરણના દેવી એમ જ નથી કહેવાયા. છેલ્લા ત્રણ દસકથી બેલાગવીમાં તેમણે અગણિત મહિલાઓનું જીવન બદલવામાં મહાન યોગદાન આપ્યું છે. તેમણે સાત વર્ષની વયમાં જ સ્વયંને દેવદાસી તરીકે સમર્પિત કરી દીધા હતા. પરંતુ પછી દેવદાસીઓના કલ્યાણ માટે જ પોતાનું આખું જીવન લગાવી દીધું. એટલું જ નહીં, તેમણે દલિત મહિલાઓના કલ્યાણ માટે પણ અભૂતપૂર્વ કાર્ય કર્યા છે. આપે નામ સાંભળ્યું હશે મધ્યપ્રદેશના ભજ્જૂ શ્યામ વિશે. શ્રીમાન ભજ્જૂ શ્યામનો જન્મ એક અત્યંત ગરીબ પરિવાર, આદિવાસી પરિવારમાં થયો હતો. તેઓ જીવનનિર્વાહ માટે સામાન્ય નોકરી કરતા હતા પરંતુ તેમને પારંપરિક આદિવાસી ચિત્રો બનાવવાનો શોખ હતો. આજે આ જ શોખને કારણે તેમનું ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં સન્માન છે. નેધરલેન્ડ્ઝ, જર્મની, ઈંગલેન્ડ, ઈટાલી જેવા કેટલાય દેશોમાં તેમના ચિત્રોનું પ્રદર્શન થઈ ચૂક્યું છે. વિદેશોમાં ભારતનું નામ રોશન કરવાવાળા ભજ્જૂ શ્યામજી ની પ્રતિભાને ઓળખવામાં આવી અને તેમને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું.

કેરળની આદિવાસી મહિલા લક્ષ્મીકુટ્ટીની વાત સાંભળીને આપને સુખદ આશ્ચર્ય થશે. લક્ષ્મીકુટ્ટી, કલ્લારમાં શિક્ષિકા છે અને આજે પણ ગાઢ જંગલોની વચ્ચે આદિવાસી વિસ્તારમાં તાડના પાંદડાથી બનેલી ઝૂંપડીમાં રહે છે. તેમણે તેમની સ્મૃતિના આધારે જ પાંચસો હર્બલ મેડિસીન બનાવી છે. જડીબૂટ્ટીઓમાંથી દવા બનાવી છે. સાપ કરડ્યા બાદ ઉપયોગમાં આવનારી દવા બનાવવામાં તેમણે મહારથ મેળવેલ છે. લક્ષ્મીજી હર્બલ દવાઓની તેમની જાણકારીથી સતત સમાજની સેવા કરી રહી છે. આ ગુમનામ વ્યક્તિને ઓળખીને, સમાજમાં તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. મને આજે વધુ એક નામનો ઉલ્લેખ કરવાનું પણ મન થાય છે. પશ્ચિમ બંગાળની 75 વર્ષની સુભાસિની મિસ્ત્રી. તેમને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. સુભાસિની મિસ્ત્રી એક એવી મહિલા છે, જેમણે હોસ્પિટલ બનાવવા માટે બીજાના ઘરોમાં વાસણ માંજ્યા, શાકભાજી વેચ્યા. જ્યારે તે 23 વર્ષના હતા તો ઉપચાર ન મળવાથી તેમના પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને એ ઘટનાએ તેમને ગરીબો માટે હોસ્પિટલ બનાવવા માટે પ્રેરિત કર્યા. આજે તેમની સખત મહેનતથી બનાવેલી હોસ્પિટલમાં હજારો ગરીબોનો નિઃશુલ્ક ઈલાજ કરવામાં આવી રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણી બહુરત્ના વસુંધરામાં આવા કેટલાય નર-રત્નો છે, કેટલાય નારી-રત્નો છે જેમને ન કોઈ જાણે છે કે ન કોઈ ઓળખે છે. આવી વ્યક્તિઓની ઓળખ ન બનતા સમાજને પણ ખોટ પડે છે. પદ્મ પુરસ્કાર એક માધ્યમ છે પરંતુ હું દેશવાસીઓને પણ કહીશ કે આપણી આસપાસ સમાજ માટે જીવવાવાળા, સમાજ માટે સમર્પિત થનારા, કોઈને કોઈ વિશેષતા સાથે જીવનભર કાર્ય કરનારા લાખો લોકો છે. ક્યારેકને ક્યારેક તેમને સમાજની વચ્ચે લાવવા જોઈએ. તેઓ માન-સન્માન માટે કામ નથી કરતા પરંતુ તેમના કાર્યોને કારણે આપણને પ્રેરણા મળે છે. ક્યારેક સ્કૂલોમાં, કોલેજોમાં, આવા લોકોને બોલાવીને તેમના અનુભવોને સાંભળવા જોઈએ. પુરસ્કારથી પણ આગળ, સમાજમાં પણ કેટલાક પ્રયાસો થવા જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ, દરેક વર્ષે ૯ જાન્યુઆરીએ આપણે પ્રવાસી ભારતીય દિવસ મનાવીએ છીએ. આ જ ૯ જાન્યુઆરી છે જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. એ દિવસે આપણે ભારત અને વિશ્વભરમાં રહેતા ભારતીયોની વચ્ચે અતૂટ બંધનનો ઉત્સવ મનાવીએ છીએ. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસ પર અમે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં વિશ્વભરમાં રહેતા ભારતીય મૂળના દરેક સાંસદોને તેમજ મેયરોને આમંત્રિત કર્યા હતા. આપને એ જાણીને ખુશી થશે કે એ કાર્યક્રમમાં મલેશિયા, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, મોરેશિયસ, ફિજી, તાન્ઝાનિયા, કેન્યા, કેનેડા, બ્રિટન, સુરિનામ, દક્ષિણ આફ્રિકા અને અમેરિકાથી અને અન્ય પણ કેટલાક દેશોમાંથી જ્યાં જ્યાં આપણાં મૂળ ભારતીય મેયર છે, જ્યાં જ્યાં મૂળ ભારતીય સાંસદ છે એ દરેકે ભાગ લીધો હતો. મને ખુશી છે કે અલગ-અલગ દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો એ દેશોની સેવા તો કરી જ રહ્યા છે એની સાથે જ તેમણે ભારત સાથે પણ પોતાના મજબૂત સંબંધો બનાવી રાખ્યા છે. આ વખતે યુરોપિય સંઘ, યુરોપિયન યુનિયને મને કેલેન્ડર મોકલ્યું છે જેમાં તેમણે યુરોપના વિવિધ દેશોમાં રહેતા ભારતીયો દ્વારા વિભિન્ન્ ક્ષેત્રોમાં તેમના યોગદાનને બહુ સારી રીતે દર્શાવ્યું છે. આપણા મૂળ ભારતીય લોકો જેઓ યુરોપના અલગ-અલગ દેશોમાં રહે છે, કોઈ સાયબર સિક્યોરિટીમાં કામ કરી રહ્યું છે, તો કોઈ આયુર્વેદને સમર્પિત છે, કોઈ પોતાના સંગીતથી સમાજના મનને ડોલાવે છે તો કોઈ તેમની કવિતાઓથી. કોઈ ક્લાઈમેટ ચેન્જ પર શોધ કરી રહ્યું છે તો કોઈ ભારતીય ગ્રંથો પર કામ કરી રહયું છે. કોઈએ ટ્રક ચલાવીને ગુરુદ્વારા ઉભું કર્યું છે તો કોઈએ મસ્જિદ બનાવી છે. એટલે કે જ્યાં પણ આપણાં લોકો છે, તેમણે ત્યાંની ધરતીને કોઈને કોઈ રીતે સુસજ્જિત કરી છે. હું ધન્યવાદ આપવા માંગીશ યુરોપિયન યુનિયનના આ ઉલ્લેખનીય કાર્ય માટે, ભારતીય મૂળના લોકોને RECOGNISE કરવા માટે અને તેમના માધ્યમથી દુનિયાભરના લોકોને જાણકારી આપવા માટે પણ.

30 જાન્યુઆરીએ પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે, જેમણે આપણને બધાને એક નવો રસ્તો દેખાડ્યો છે. એ દિવસે આપણે શહીદ દિવસ મનાવીએ છીએ. એ દિવસે આપણે દેશની રક્ષામાં પોતાનો જીવ ગુમાવી દેનારા મહાન શહીદોને 11 વાગ્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. શાંતિ અને અહિંસાનો માર્ગ, એ જ બાપુનો માર્ગ. ભારત હોય કે દુનિયા, વ્યક્તિ હોય, પરિવાર હોય કે સમાજ, પૂજ્ય બાપુ જે આદર્શોને લઈને જીવ્યા, પૂજ્ય બાપુએ જે વાતો આપણને કહી, તે આજે પણ એટલી જ relevant છે. તે માત્ર કોરા સિદ્ધાંતો નહોતા. વર્તમાનમાં પણ આપણે દરેક પગલે જોઈએ છીએ કે બાપુની વાતો કેટલી સાચી હતી. જો આપણે સંકલ્પ કરીએ કે બાપુના માર્ગ પર ચાલીએ, જેટલું ચાલી શકીએ ચાલીએ – તો તેનાથી મોટી શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે છે?

મારા પ્રિય દેશવાસીઓ, આપ સૌને 2018ની શુભેચ્છાઓ આપવાની સાથે મારી વાણીને વિરામ આપુ છું. ખૂબ-ખૂબ ધન્યવાદ. નમસ્કાર.