Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઇન્ડિયા રેડિયો પર 27-08-2017 ના રોજ પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળ પાઠ


મારા પ્રિય દેશવાસીઓ, સાદર નમસ્કાર. એક તરફ દેશ ઉત્સવોમાં ડૂબેલો છે તો બીજી તરફ હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાંથી જ્યારે હિંસાની ખબર આવે છે તો દેશને ચિંતા થવી સ્વાભાવિક છે. આ આપણો દેશ બુદ્ધ અને ગાંધીનો દેશ છે, દેશની એકતા માટે પૂરી શક્તિ લગાવી દેનાર સરદાર પટેલનો દેશ છે. સદીઓથી આપણા પૂર્વજોએ સાર્વજનિક જીવન મૂલ્યોને, અહિંસાને, સરખા આદરને સ્વીકાર કર્યો છે, આપણી ભીતરમાં સમાયેલો છે છે. અહિંસા પરમો ધર્મ:, એ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, કહેતા આવ્યા છીએ. મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું હતું કે આસ્થાના નામે હિંસા સહી લેવાશે નહીં, ભલે એ સાંપ્રદાયિક આસ્થા હોય, ભલે એ રાજનીતિક વિચારધારાઓ પ્રત્યે આસ્થા હોય, ભલે એ વ્યક્તિ પ્રત્યે આસ્થા હોય, ભલે એ પરંપરા પ્રત્યે આસ્થા હોય. આસ્થાના નામે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. ડો. બાબાસાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું છે તેમાં દરેક વ્યક્તિને ન્યાય મેળવવાની દરેક પ્રકારની વ્યવસ્થા છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છું, કાયદો હાથમાં લેનારા, હિંસાની રાહ પર દમન ગુજારનારા કોઈને પણ, ભલે એ વ્યક્તિ હોય કે સમૂહ હોય, ન આ દેશ ક્યારેય સહન કરશે અને ન કોઈ સરકાર સહન કરશે. દરેકે કાયદા સામે ઝૂકવું પડશે, કાયદો જવાબદારી નક્કી કરશે અને દોષીઓને સજા આપીને જ રહેશે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે અને આ વિવિધતાઓ ખાણી-પીણી, રહેણી-કરણી, પહેરવેશ સુધી જ સીમિત નથી. જીવનના દરેક વ્યવહારમાં આપણને વિવિધતા જોવા મળે છે. આપણા તહેવારો પણ વિવિધતાઓથી ભરેલા છે તથા હજારો વર્ષ જૂનો આપણો સાંસ્કૃતિક વારસો હોવાને કારણે સાંસ્કૃતિક પરંપરાઓ જોઈએ, સામાજિક પરંપરાઓ જોઈએ, ઐતિહાસિક પરંપરાઓ જોઈએ તો 365 દિવસમાંથી કદાચ જ કોઈ દિવસ બચતો હશે, જે આપણે ત્યાં કોઈ તહેવાર સાથે જોડાયેલો ન હોય. હવે આપે એ પણ નોંધ્યું હશે કે આપણા દરેક તહેવાર, પ્રકૃતિના સમયપત્રક મુજબ ચાલતા હોય છે. પ્રકૃતિ સાથે સીધેસીધો સંબંધ ધરાવે છે. આપણા ધણાં તહેવારો તો સીધેસીધા ખેડૂતો સાથે જોડાયેલા છે, માછીમારો સાથે જોડાયેલા છે.

આજે હું તહેવારોની વાત કરી રહ્યો છું તો સૌથી પહેલા હું આપ સૌને મિચ્છામી દુક્કડમ કહેવા માંગુ છું. જૈન સમાજમાં કાલે સંવત્સરીનું પર્વ મનાવવામાં આવ્યું.જૈન સમાજમાં ભાદરવા માસમાં પર્યુષણ પર્વ મનાવવામાં આવે છે. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરીનો દિવસ હોય છે. આ સાચે જ એક અદભુત પરંપરા છે. સંવત્સરીનું પર્વ ક્ષમા, અહિંસા તથા મૈત્રીનું પ્રતિક છે. તેને એક પ્રકારે ક્ષમા-વાણી પર્વ પણ કહેવામાં આવે છે અને આ દિવસે એકબીજાને મિચ્છામી દુક્કડમ કહેવાની પરંપરા છે. આમ પણ આપણા શાસ્ત્રો મુજબ ક્ષમા વિરસ્ય ભૂષણમ્ એટલે કે ક્ષમા વીરોનું આભૂષણ છે. ક્ષમા કરવાવાળો વીર હોય છે. એ ચર્ચા તો આપણે સાંભળતા જ આવ્યા છીએ અને મહાત્મા ગાંધી તો હંમેશા કહેતા હતા કે – ક્ષમા કરવી એ તાકાતવાન વ્યક્તિની વિશેષતા હોય છે.

શેક્સપિયરે તેમના નાટક ‘The Merchant of Venice’ માં ક્ષમા ભાવનું મહત્વ જણાવતા લખ્યું છે કે – ‘Mercy is twice blest, It blesseth him that gives and him that takes’, અર્થાત ક્ષમા કરવાવાળો અને જેને ક્ષમા મળી તે બંન્નેને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ગણેશ ચતુર્થીની ધૂમ મચી છે અને જ્યારે ગણેશચતુર્થીની વાત આવે છે તો સાર્વજનિક ગણેશોત્સવની વાત સ્વાભાવિક છે. બાળગંગાધર લોકમાન્ય તિલકે 125 વર્ષ પૂર્વે આ પરંપરાને જન્મ આપ્યો હતો અને 125 વર્ષ, પહેલા આઝાદીની પહેલા તેઓ આઝાદીના આંદોલનના પ્રતિક બની ગયા હતા. તેમજ આઝાદી પછીથી તેઓ સમાજ-શિક્ષણ, સામાજિક ચેતના જગાડવાના પ્રતિક બની ગયા હતા. ગણેશ ચતુર્થીનું પર્વ 10 દિવસ સુધી ચાલે છે. આ મહાપર્વને એકતા, સમતા તથા શૂચિતાનું પ્રતિક કહેવામાં આવે છે. દરેક દેશવાસીઓને ગણેશચતુર્થીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

હમણાં કેરળમાં ઓણમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભારતના રંગબેરંગી તહેવારોમાંનો એક ઓણમ, કેરળનો મુખ્ય તહેવાર છે. આ પર્વ તેના સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતો છે. ઓણમનો તહેવાર કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. આ પર્વ સમાજમાં પ્રેમ અને સૌહાર્દનો સંદેશો આપવાની સાથે લોકોના મનમાં નવો ઉમંગ, નવી આશા, નવો વિશ્વાસ જગાવે છે. અને હવે તો આપણા આ તહેવારો પણ ટુરીઝમના આકર્ષણનું પણ કારણ બનતા જઈ રહ્યા છે. અને હંે તો દેશવાસીઓને કહેવા માંગીશ કે જેવી રીતે ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સવ અથવા બંગાળમાં દુર્ગા ઉત્સવ – એક રીતે ટુરીઝમનું આકર્ષણ બની ગયા છે. આપણા અન્ય તહેવારો પણ, વિદેશીઓને આકર્ષિત કરવા માટે એક અવસર છે. આ દિશામાં આપણે શું કરી શકીએ તે વિચારવું જોઈએ.

આ તહેવારોની શ્રેણીમાં થોડા જ દિવસો બાદ દેશભરમાં ‘ઈદ-ઉલ-જુહા’નું પર્વ પણ મનાવવામાં આવશે. દરેક દેશવાસીઓને ઈદ-ઉલ-જુહાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. તહેવારો આપણે માટે આસ્થા અને વિશ્વાસના પ્રતિક તો છે જ, પરંતુ આપણે નવા ભારતમાં તહેવારોને સ્વચ્છતાના પ્રતિક પણ બનાવવાના છે. પારિવારિક જીવનમાં તો તહેવાર અને સ્વચ્છતા જોડાયેલા છે. તહેવારોની તૈયારીનો મતબલ છે, સાફ-સફાઈ. એ આપણે માટે કોઈ નવી વાત નથી પરંતુ તે સામાજિક સ્વભાવ બનવો તે પણ જરૂરી છે. સાર્વજનિક રૂપથી સ્વચ્છતાનો આગ્રહ માત્ર ઘરમાં જ નહીં, આપણા આખા ગામમાં, આખા નગરમાં, આખા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં – સ્વચ્છતા, એ તહેવારોની સાથે એક અતૂટ હિસ્સો બનવો જ જોઈએ.

મારા પ્રિય દેશવાસી, આધુનિક થવાની પરિભાષાઓ બદલાઈ રહી છે. હમણાં જ એક નવું dimension, એક નવો parameter, આપ કેટલા સંસ્કારી છો, કેટલા આધુનિક છો, તમારી thought process કેટલી મોડર્ન છે એ બધું જાણવા એક ત્રાજવું પણ કામ આવી રહ્યું છે અને તે છે પર્યાવરણ પ્રત્યે આપ કેટલા સજાગ છો. તમારી ગતિવિધીઓમાં તમારો વ્યવહાર eco-friendly, environment friendly છે કે તેની વિરૂદ્ધ છે. જો તેની વિરૂદ્ધ હોય, તો સમાજમાં આજે તેને ખરાબ માનવામાં આવે છે. અને તેનું જ પરિણામ આજે હું જોઈ રહ્યો છું કે આ દિવસોમાં ગણેશોત્સવમાં પણ eco friendly ગણપતિ, જાણે કે કોઈ એક મોટું અભિયાન ઉભું થયું ગયું હોય. જો તમે youtube પર જઈને જોશો તો દરેક ઘરમાં બાળકો ગણેશજી બનાવી રહ્યા છે. માટી લાવીને ગણેશજી બનાવી રહ્યા છે. તેને રંગ કરી રહ્યા છે. કોઈ vegetable ના કલર લગાવી રહ્યું છે તો કોઈ કાગળના ટુકડા ચોંટાડી રહ્યું છે. વિવિધ પ્રકારના પ્રયોગો દરેક પરિવારમાં થઈ રહ્યા છે. એક રીતે Environment consciousness નું આટલું વ્યાપક પ્રશિક્ષણ આ ગણેશોત્સવમાં જોવા મળ્યું જે ભાગ્યે જ પહેલા ક્યારેય જોવા મળ્યું હોય. Media house પણ બહુ મોટા સંખ્યામાં eco-friendly ગણેશની મૂર્તિઓ માટે લોકોને પ્રશિક્ષિત કરી રહ્યા છે, પ્રેરિત કરી રહ્યા છે, guide કરી રહ્યા છે. જુઓ કેટલો મોટો બદલાવ આવ્યો છે અને આ સુખદ બદલાવ છે. અને જેમ મેં કહ્યું કે આપણો દેશ કરોડો-કરોડો તેજસ્વી મગજથી ભરેલો છે. અને બહુ સારું લાગે છે જ્યારે કોઈ નવા-નવા innovations જાણવા મળે છે. મને કોઈએ કહ્યું કે કોઈ એક સજ્જન છે જે પોતે engineer છે, તેમણે એક વિશિષ્ટ પ્રકારે માટી ભેગી કરી, તેનું combination કરી ગણેશજી બનાવવાની ટ્રેનિંગ લોકોને આપે છે. અને પાણીમાં ગણેશ વિસર્જન થાય છે તો તે એક ડોલમાં પાણી લઇ તેમાં જ રાખે છે જેથી તે પાણીમાં તરત ઓગળી જાય. અને તેઓ અહીં જ અટકી નથી જતા, તેમાં તુલસીનો એક છોડ કે અન્ય છોડ વાવી દે છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો, 2 ઓક્ટોબરે તેને ત્રણ વર્ષ પૂરા થશે. અને તેના સકારાત્મક પરિણામો નજરે પડી રહ્યા છે. શૌચાલયોનું coverage 39% થી લગભગ 67 % સુધી પહોંચ્યું છે. 2 લાખ 30 હજારથી પણ વધુ ગામડાંઓ, ખૂલ્લામાં શૌચથી પોતાને મુક્ત જાહેર કરી ચૂક્યા છે.

થોડા દિવસો પહેલાં ગુજરાતમાં ભયંકર પૂર આવ્યું. કેટલાય લોકો પોતાનો જીવ ખોઈ બેઠા પરંતુ પૂરની સ્થિતી બાદ જ્યારે પાણી ઓછું થયું તો દરેક જગ્યાએ એટલી ગંદકી ફેલાઈ ગઈ હતી. આવા સમયે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં જમિયત-ઉલેમા-એ-હિંદના કાર્યકર્તાઓએ પૂર પ્રભાવિત 22 મંદિરો તેમજ 3 મસ્જિદોની તબક્કાવાર સાફ-સફાઈ કરી. પોતાનો પરસેવો પાડ્યો બધાં જ નીકળી પડ્યા. સ્વચ્છતા માટે એકતાનું ઉત્તમ ઉદાહરણ, દરેકને પ્રેરણા આપનારું એવું ઉદાહરણ, જમિયત-ઉલેમા-એ-હિંદના દરેક કાર્યકરોએ આપ્યું. સ્વચ્છતા માટે સમર્પણભાવથી કરેલો પ્રયાસ, તે જો આપણો સ્થાયી સ્વભાવ બની જાય તો આપણો દેશ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું આપ સૌને એક આહ્વાન કરું છું કે એકવાર ફરીથી 2 ઓક્ટોબર ગાંધી જયંતીના 15-20 દિવસ અગાઉ થી જ ‘સ્વચ્છતા જ સેવા’ – જેવી રીતે પહેલા કહેતા હતા ‘જલ સેવા એ જ પ્રભુ સેવા’, તેમ ‘’સ્વચ્છતા એ જ સેવા” ની એક ચળવળ ચલાવો. આખા દેશમાં સ્વચ્છતા માટેનું વાતાવરણ તૈયાર કરો. જેવો અવસર મળે, જ્યાં પણ અવસર મળે, આપણે અવસર શોધીએ. પરંતુ આપણે બધા જોડાઈએ. આને એક રીતે દિવાળીની તૈયારી માની લઈએ, આને એક પ્રકારે નવરાત્રીની તૈયારી માની લઈએ, દુર્ગા પૂજાની તૈયારી માની લઈએ. શ્રમદાન કરો. રજાના દિવસે કે રવિવારે ભેગા થઈને એક સાથે કામ કરો. આડોશ-પાડોશની વસ્તીમાં જાઓ, નજીકના ગામમાં જાઓ, પરંતુ એક આંદોલનના રૂપમાં કરો. હું દરેક એનજીઓને, સ્કૂલોને, colleges ને, સામાજિક, સાંસ્કૃતિક, રાજનીતિક નેતૃત્વને , સરકારના અધિકારીઓને, કલેક્ટરોને, સરપંચોને, દરેકને આગ્રહ કરું છું કે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ-જયંતી પહેલા જ 15 દિવસ આપણે સ્વચ્છતાનું એક એવું વાતાવરણ બનાવીએ, એવી સ્વચ્છતા ઉભી કરીએ કે 2 ઓક્ટોબર સાચે જ ગાંધીજીના સ્વપ્નોવાળી 2 ઓક્ટોબર બની જાય. પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા mygov.in પર એક section બનાવવામાં આવ્યું છે જ્યાં શૌચાલય નિર્માણ પછી આપ આપનું નામ તેમજ તે પરિવારનું નામ દાખલ કરી શકો છો, જેને આપે મદદ કરી છે. મારા social media ના મિત્રો કોઈ રચનાત્મક અભિયાન ચલાવી શકે છે અને virtual world માં ચર્ચાયેલું કામ ધરાતલ પર આદરાય તેવી પ્રેરણા બની શકે છે. સ્વચ્છ સંકલ્પ થી સ્વચ્છ સિદ્ધી સ્પર્ધા પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના આ અભિયાન તમારા માટે નિબંધ સ્પર્ધા છે, ટૂંકી ફિલ્મ બનાવવાની સ્પર્ધા છે, ચિત્રકળાની પ્રતિયોગિતા આયોજીત કરવામાં આવી રહી છે. તેમાં આપ વિભિન્ન ભાષાઓમાં નિબંધ લખી શકો છો અને તેમાં ઉંમરની કોઈ મર્યાદા નથી, કોઈ age-limit નથી. આપ ટૂંકી ફિલ્મ બનાવી શકો છો, આપના મોબાઈલથી બનાવી શકો છો. 2-3 મિનિટની ફિલ્મ બનાવી શકો છો જે સ્વચ્છતા માટે પ્રેરણા આપે. તે કોઈપણ ભાષામાં હોઈ શકે છે, તે silent પણ હોઈ શકે છે. આ સ્પર્ધામાં જે ભાગ લેશે અને તેમાંથી જે બેસ્ટ ત્રણ પસંદગી પામશે, district level પર ત્રણ હશે, state level પર ત્રણ હશે તેમને પુરસ્કાર આપવામાં આવશે. તો હું દરેકને આમંત્રણ આપું છું કે આવો, સ્વચ્છતાના આ અભિયાનના આ રૂપમાં આપ પણ જોડાવ.

હું ફરી એકવાર કહેવા માગું છું કે આ વખતે 2 ઓક્ટોબર ગાંધી જયંતીને સ્વચ્છ 2 ઓક્ટોબર તરીકે ઉજવવાનો સંકલ્પ કરો અને તેને માટે 15 સપ્ટેમ્બરથી જ સ્વચ્છતા એ જ સેવા ના મંત્રને ઘર-ઘર સુધી પહોંચાડો. સ્વચ્છતા માટે કોઈને કોઈ પગલાં જરૂર લો. જાતે પરિશ્રમ કરીને આમાં ભાગીદાર બનો. આપ જુઓ, ગાંધીજયંતીની આ 2 ઓક્ટોબર કેવી ચમકશે. આપ કલ્પના કરી શકો છો, 15 દિવસના સફાઈના આ અભિયાન પછી, સ્વચ્છતા એ જ સેવા પછી, 2જી ઓક્ટોબરે જ્યારે આપણે ગાંધીજયંતી મનાવીશું, તો પૂજ્ય બાપૂને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણી અંદર કેવો એક પવિત્ર આનંદ હશે.

મારા પ્રિય દેશવાસીઓ, હું આજે વિશેષરૂપથી આપ દરેકનું ઋણ સ્વીકાર કરવા માગું છું. હ્રદયના ઊંડાણમાંથી હું આપનો આભાર વ્યક્ત કરવા માગું છું, એટલે નહીં કે આટલા લાંબા સમયથી આપ મન કી બાત સાથે જોડાયેલા છો પરંતુ હું એટલે આભાર વ્યક્ત કરવા માગું છું, ઋણ સ્વીકાર કરવા માગું છું કારણ કે મન કી બાત ના આ કાર્યક્રમ સાથે દેશના દરેક ખૂણામાંથી લાખો લોકો જોડાઈ જાય છે. સાંભળવાવાળાઓની સંખ્યા તો કરોડોમાં છે જ પરંતુ લાખો લોકો મને ક્યારેક પત્ર લખે છે, ક્યારેક મેસેજ મોકલે છે, ક્યારેક ફોન પર સંદેશ આવી જાય છે, જે મારા માટે બહુ મોટો ખજાનો છે. દેશના જન-જનના મનને જાણવા માટે આ મારા માટે એક બહુ મોટો અવસર બની ગયું છે. આપ જેટલી રાહ મન કી બાત સાંભળવા માટે જુઓ છો તેનાથી વધારે હું આપના સંદેશાઓની રાહ જોવું છું. મને લાલચ રહે છે કે આપની દરેક વાતમાંથી મને કંઈક શીખવાનું મળે છે. હું જે કરી રહ્યો છું, તેને કસોટી પર કસવાનો અવસર મળી જાય છે. ઘણી વાતોને નવી રીતે વિચારવા માટે આપની નાની-નાની વાતો પણ મને કામ આવે છે અને તેથી જ આપના આ યોગદાન માટે આપનો આભાર વ્યક્ત કરું છું, આપનું ઋણ સ્વીકાર કરું છું અને મારો પ્રયાસ રહેતો હોય છે કે વધુમાં વધુ આપની વાતોને હું પોતે જોવું, સાંભળું, વાંચુ, સમજુ અને એવી એવી વાતો આવે છે. હવે જુઓ, આ ફોન કોલથી આપ પણ પોતાની જાતને co-relate કરતા હશો. આપને પણ લાગતું હશે કે હા, યાર આપે પણ ક્યારેક આવી ભૂલ કરી છે. ક્યારેક તો કેટલીક વસ્તુઓ આપણી આદતનો એવો હિસ્સો બની જાય છે કે આપણને લાગતું જ નથી કે આપણે ખોટું કરીએ છીએ.

પ્રધાનમંત્રીજી, હું પૂનાથી અપર્ણા બોલી રહી છું. હું મારી એક સખી વિશે જણાવવા માંગુ છું. તે હંમેશા લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરતી રહે છે પણ તેની એક આદત વિશે હું પરેશાન થઇ જાઉં છું. હું એક વખત તેની સાથે શૉપિંગ કરવા માટે મૉલ ગઇ હતી. એક સાડી માટે તેણે 2000 રૂપિયા આરામથી ખર્ચી કાઢ્યાં અને પિત્ઝા માટે 450 રૂપિયા, અને મૉલ સુધી જવા માટે જે ઓટોરિક્ષા લીધી હતી, તે રિક્ષાવાળા સાથે પાંચ રૂપિયા માટે ઘણાં સમય સુધી રકઝક કરતી રહી. પાછા ફરતી વખતે રસ્તામાંથી શાકભાજી ખરીદ્યાં અને દરેક શાકભાજી પર ફરીથી રકઝક કરીને ચાર-પાંચ રૂપિયા બચાવ્યાં. મને બહુ ખરાબ લાગ્યું. આપણે મોટી-મોટી જગ્યાઓએ એકપણ વાર પૂછ્યા વગર મોટા-મોટા બિલ ચૂકવી દઇએ છીએ અને આપણાં મજૂરી કરીને જીવવાવાળા ભાઇ-બહેનો સાથે થોડાં રૂપિયા માટે ઝઘડા કરીએ છીએ. તેમના પર અવિશ્વાસ કરીએ છીએ. તમે તમારી ‘મન કી બાત’ માં આ વિષય પર જરૂરથી જણાવજો.

હવે આ ફોન કૉલ સાભળ્યાં પછી, મને પાક્કો વિશ્વાસ છે કે તમે કદાચ ચોંકી પણ ગયા હશો, તમે સચેત પણ થઇ ગયા હશો અને હોઇ શકે કે હવેથી આવી ભૂલ ન કરવાનું મનોમન નક્કી પણ કરી લીધું હશે. શું તમને નથી લાગતું કે, જ્યારે આપણે આપણા ઘરની આસપાસ કોઇ સામાન વેચવા માટે આવે છે, કોઇ ફેરી લગાવવાવાળા આવે છે, કોઇ નાના દુકાનદાર કે શાકભાજી વેચવાવાળા સાથે કે પછી કોઇ ઓટો-રિક્શાવાળા સાથે આપ-લે થાય છે – જ્યારે પણ આપણે કોઇ મહેનત-મજૂરી કરીને જીવન જીવતા લોકોનાં સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણે તેની સાથે ભાવનો તોલ-મોલ કરવા લાગીએ છીએ ભાવ-તાલ કરવા લાગીએ છીએ – ના ના આટલું નહીં, બે રૂપિયા ઓછા કરો, પાંચ રૂપિયા ઓછા કરો. અને આપણે જ્યારે જ કોઇ મોટા રેસ્ટ્રોરન્ટમાં ભોજન કરવા જઇએ છીએ તો બિલમાં શું લખ્યું છે એ જોતાં પણ નથી અને તરત જ પૈસા કાઢીને આપી દઇએ છીએ. એટલું જ નહીં શૉ રૂમમાં સાડી ખરીદવા જઇએ, ત્યારે પણ કોઇ ભાવ-તાલ નથી કરતાં પરંતુ કોઇ ગરીબ સાથે આપણે ભાવ-તાલ કર્યા વગર રહી શકતા જ નથી. ગરીબના મનમાં શું થતું હશે – એ ક્યારેય આપણે વિચાર્યું છે? તેના માટે સવાલ બે –પાંચ રૂપિયાનો નથી. તેના દિલને દુઃખ થાય છે કે તમે એ ગરીબ છે એટલે તેની ઇમાનદારી પર શંકા કરી. બે-પાંચ રૂપિયાથી તમારા જીવનમાં કોઇ ફરક નથી પડતો, પરંતુ તમારી આ નાની આદત તેના મન પર ઊંડો આઘાત પહોંચાડતી હશે એ ક્યારેય વિચાર્યું છે ? મેડમ, હું તમારો આભારી છું, તમે દિલને સ્પર્શી જાય એવો ફોન કૉલ કરીને મને એક મેસેજ આપ્યો છે. મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ પણ ગરીબ સાથે આવો વ્યવહાર કરવાની તેમની આદત હશે તો જરૂરથી છોડી દેશે.

મારા પ્રિય યુવા મિત્રો, 29 ઓગસ્ટના દિવસને સમગ્ર દેશ રાષ્ટ્રીય રમત-ગમત દિવસના રૂપમાં ઉજવે છે. આ દિવસ મહાન હોકી-પ્લેયર અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ છે. હોકી માટે તેમનું યોગદાન અજોડ છે. હું આ વાતને એટલા માટે યાદ કરી રહ્યો છું કેમકે હું ઇચ્છું છું કે આપણા દેશની નવી પેઢી, રમત-ગમત સાથે જોડાય. રમત-ગમત આપણા જીવનનો ભાગ છે. જો આપણે દુનિયાના યુવા દેશોમાં ગણાતા હોઇએ તો આપણી આ યુવાવસ્થા રમતના મેદાનમાં પણ નજર આવવી જોઇએ. સ્પોર્ટ્સ એટલે ફિઝીકલ ફિટનેસ, મેન્ટલ એલર્ટનેસ, પર્સનાલિટી એન્હાન્સમેન્ટ, હું સમજું છું કે આનાથી વધારે શું જોઇએ ? રમત-ગમત એક રીતે હ્રદયનાં મેળાપની એક બહુજ મોટી જડીબુટ્ટી છે. આપણા દેશની યુવાપેઢી રમત-ગમતમાં આગળ વધે. અને આજે કોમ્પ્યુટર યુગમાં તો હું ચેતવવા પણ માંગુ છું કે, પ્લેઇંગ ફિલ્ડ એ પ્લે-સ્ટેશનથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કોમ્પ્યુટર પર ફિફા રમો પરંન્તુ બહાર મેદાનમાં પણ ક્યારેક ફૂટબોલ સાથે કરામત કરીને બતાવો. કોમ્પ્યુટર પર ક્રિકેટ રમતાં હશો પરંતુ ખુલ્લા મેદાનમાં આકાશ નીચે ક્રિકેટ રમવાનો આનંદ કંઇક વિશેષ હોય છે. એક સમય હતો જ્યારે કુટુંબના બાળકો બહાર જતા હતા, તો માં સૌ-પહેલા પૂછતી હતી કે – પાછા ક્યારે આવશો ? આજે પરિસ્થિતિ એવી છે કે, બાળકો ઘરમાં આવતાની સાથે જ એક ખૂણામાં કાર્ટૂન ફિલ્મ જોવા લાગે છે અથવા તો મોબાઇલ ગેમ પર ચિપકી જાય છે અને ત્યારે માંએ ખિજાઇને કહેવું પડે છે કે – તું બહાર ક્યારે જઇશ? સમય-સમયની વાત છે, તે પણ એક સમય હતો જ્યારે માં બાળકને કહેતી હતી કે તું ક્યારે આવીશ અને આજે એ સ્થિતિ છે કે માંએ કહેવું પડે છે કે- બેટા, તું બહાર ક્યારે જઇશ?

યુવા મિત્રો, ખેલ મંત્રાલયે ખેલ પ્રતિભાઓની શોધ અને તેમને નિખારવા માટે એક સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ તૈયાર કર્યું છે, જ્યાં સમગ્ર દેશમાં કોઇ પણ બાળક કે જેણે રમત-ગમત ક્ષેત્રમાં કંઇક ઉપલબ્ધિ મેળવી છે, તેનામાં ટેલેન્ટ હોય – તે આ પોર્ટલ પર પોતાનો બાયોડેટા અથવા વિડીયો અપલોડ કરી શકે છે. પસંદ કરાયેલા નવોદિત ખેલાડીઓને ખેલ મંત્રાલય ટ્રેનિંગ આપશે. તેમજ મંત્રાલય કાલે જ આ પોર્ટલને લોન્ચ કરવાના છે. આપણાં યુવામિત્રો માટે આ આનંદના સમાચાર છે કે ભારતમાં 6 થી 28 ઓક્ટોબર દરમ્યાન ‘ફિફા અંડર – 17 વર્લ્ડ કપ’નું આયોજન થવા જઇ રહ્યું છે, દુનિયાભરની 24 ટીમ ભારતને પોતાનું ઘર બનાવવા જઇ રહી છે.

આવો, વિશ્વભરમાંથી આવનારા આપણાં યુવા મહેમાનોનું, રમત-ગમતના આ ઉત્સવ સાથે સ્વાગત કરીએ, રમત-ગમતને માણીએ, દેશમાં એક વાતાવરણ બનાવીએ. જ્યારે હું આજે રમત-ગમતની વાત કરી રહ્યોં છું તો હું ગયા અઠવાડિયે મારા મનને સ્પર્શી ગયેલી ઘટના બની તે દેશવાસીઓ સાથે શેયર કરવા માંગુ છું. મને ખૂબ નાની ઉંમરની કેટલીક દિકરીઓને મળવાની તક મળી અને તેમાંથી કેટલીક દિકરીઓ તો હિમાલયમાં જન્મી છે. સમુદ્ર સાથે જેનો ક્યારેય કોઇ સંબંધ નથી રહ્યો, એવી આપણાં દેશની છ દિકરીઓ જે નેવીમાં કામ કરે છે, તેમનો ઉત્સાહ, તેમનું સાહસ આપણને બધાને પ્રેરણા આપે એવું છે. આ છ દિકરીઓ, એક નાનકડી નાવ આઇએનએસ તારિણીને લઇને સમુદ્ર પાર કરવા નિકળી પડશે. આ અભિયાનનું નામ આપવામાં આવ્યું છે – ‘નાવિકા સાગર પરિક્રમા’ અને તે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરીને મહિનાઓ પછી, કેટલાય મહિનાઓ પછી ભારત પરત ફરશે. ક્યારેક એક સાથે 40-40 દિવસ પાણીમાં વિતાવશે, તો ક્યારેક 30-30 દિવસ પાણીમાં વિતાવશે. સમુદ્રની લહેરો વચ્ચે સાહસ સાથે આપણી આ છ દિકરીઓ, અને વિશ્વમાં આ પ્રથમ ઘટના થવા જઇ રહી છે. કયો હિન્દુસ્તાની હશે જેને આપણી આ દિકરીઓ પર ગર્વ ના હોય. હું આ દિકરીઓના ઉત્સાહને સલામ કરું છું અને મેં તેમને કહ્યું છે કે તે સમગ્ર દેશ સાથે પોતાના અનુભવોને વહેંચે. હું પણ નરેન્દ્રમોદી એપ પર તેમનાં અનુભવો માટે એક અલગ વ્યવસ્થા કરીશ જેથી તમે દરેક એ જરૂરથી વાંચી શકો, કેમકે આ એક રીતે સાહસ કથા છે, સ્વાનુભવની કથા હશે અને મને આનંદ થશે એ દિકરીઓની વાતોને તમારા સુધી પહોંચાડવાનો. મારી આ દિકરીઓને ઘણીબધી શુભકામનાઓ, ઘણાંબધા આશીર્વાદ.

મારા વ્હાલા દેશવાસીઓ, 5 સપ્ટેમ્બરે આપણે બધા શિક્ષક દિવસ ઉજવીએ છે. આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે. તેઓ રાષ્ટ્રપતિ હતા પરંતુ આજીવન પોતાને એક શિક્ષકના રૂપમાં જ પ્રસ્તુત કરતાં હતાં. તે હંમેશા શિક્ષકના રૂપમાં જ જીવવાનું પસંદ કરતાં હતાં. તેઓ શિક્ષા પ્રત્યે સમર્પિત હતા. એક અભ્યાસુ, એક રાજદ્વારી, ભારતના રાષ્ટ્રપતિ પરંતુ દરેક ક્ષણ એક જીવતા – જાગતા શિક્ષક. હું તેમને વંદન કરું છું.

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું – it is the supreme art of the teacher to awaken joy in creative expression and knowledge. અર્થાત્ પોતાના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક ભાવ અને જ્ઞાનનો આનંદ જાગૃત કરવો એ જ એક શિક્ષકનો સૌથી મહત્વપૂર્ણ ગુણ છે. આ વખતે જ્યારે આપણે શિક્ષક દિવસ ઉજવીએ ત્યારે, શું આપણે બધા મળીને એક સંકલ્પ કરી શકીએ ? એક મિશન મોડમાં એક અભિયાન ચલાવી શકીએ ? Teach to Transform, Educate to Empower, Learn to Lead આ સંકલ્પ સાથે શું આ વાતને આગળ વધારી શકીએ ? દરેક લોકોને પાંચ વર્ષ માટે, કોઇ સંકલ્પ લેવડાવો, તેને સિધ્ધ કરવાનો માર્ગ બતાવો અને પાંચ વર્ષમાં તે મેળવીને જ રહે, જીવનમાં સફળતાનો આનંદ પ્રાપ્ત કરે – એવું વાતાવરણ, આપણી સ્કૂલ, કોલેજ, આપણા શિક્ષક, આપણી શિક્ષણ સંસ્થાઓ આ કરી શકે છે. અને આપણા દેશમાં જ્યારે આપણે પરિવર્તનની વાત કરીએ ત્યારે જેમ પરિવારમાં માંની યાદ આવે છે તેવી જ રીતે સમાજમાં શિક્ષકની યાદ આવે છે. પરિવર્તનમાં શિક્ષકની ખૂબ મોટી ભૂમિકા છે. દરેક શિક્ષકના જીવનમાં ક્યારેક-ને-ક્યારેક એવી ઘટનાઓ બની છે કે તેમના સહજ પ્રયત્ન માત્રથી કોઇના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળતા મળી હશે. જો આપણે સામૂહિક પ્રયત્ન કરીએ તો રાષ્ટ્રના પરિવર્તનમાં આપણે ખૂબ મોટી ભૂમિકા નિભાવીશું. આવો, Teach to Transform આ મંત્રને લઇને ચાલી નિકળીએ.

‘નમસ્તે, પ્રધાનમંત્રીજી. મારું નામ છે ડૉ. અનન્યા અવસ્થી. હું મુંબઇ શહેરની રહેવાસી છું અને હાવર્ડ યુનિવર્સિટિમાં ઇન્ડિયા રિસર્ચ સેન્ટર માટે કામ કરું છું. એક રિસર્ચર તરીકે મારી વિશેષ રુચિ છે આર્થિક સમાવેશમાં, એટલે કે ફાઇનાન્સિઅલ ઇન્ક્લુઝન તેનાથી સંબંધિત સોશિયલ સ્કીમને લઇને મારો તમને પ્રશ્ન છે કે, 2014 માં જે જન-ધન યોજના લૉન્ચ થઇ, શું તમે જણાવી શકો છો, શું આંકડાંઓ એ જણાવે છે, કે આજે ત્રણ વર્ષ બાદ ભારતવર્ષ આર્થિક રીતે વધારે સુરક્ષિત છે અથવા વધારે સશક્ત છે અને શું આ સશક્તિકરણ અને સુવિધાઓ આપણી મહિલાઓને, ખેડૂતોને, મજૂરોને ગામડાંઓ અને કસ્બાઓ સુધી પણ પ્રાપ્ત થઇ શકી છે? ધન્યવાદ.’

મારા પ્રિય દેશવાસીઓ, ‘પ્રધાનમંત્રી જન-ધન યોજના’ ફાઇનાન્સિયલ ઇનક્લુઝન, એ ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં આર્થિક જગતના પંડિતોની ચર્ચાનો વિષય રહી છે. 28 ઓગસ્ટ, 2014ના રોજ મનમાં એક સપનું લઇને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કાલે 28 ઓગસ્ટે આ ‘પ્રધાનમંત્રી જન-ધન યોજના’ ના અભિયાનને ત્રણ વર્ષ થઇ રહ્યાં છે. 30 કરોડ નવા પરિવારોને તેની સાથે જોડ્યાં છે, બેંક એકાઉન્ટ ખોલાવ્યાં છે. આ આંકડો દુનિયાના ઘણાં બધાં દેશોની આબાદી કરતા પણ વધારે છે. આજે મને ઘણો સંતોષ છે કે ત્રણ વર્ષની અંદર-અંદર સમાજના પેલા અંતિમ છેડા પર બેઠોલો મારો ગરીબ ભાઇ, દેશની અર્થવ્યવસ્થાની મૂળ-ધારાનો ભાગ બન્યો છે, તેની આદતો બદલાઇ છે, તે બેંકમાં અવર-જવર કરવા લાગ્યો છે, તે પૈસાની બચત કરવા લાગ્યો છે, તે પૈસાની સુરક્ષા અનુભવી રહ્યો છે. ક્યારેક પૈસા હાથમાં રહે છે, ખિસ્સામાં રહે છે, ઘરમાં છે, તો અકારણ જ તેને ખર્ચ કરવાનું મન થઇ જાય છે. હવે એક સંયમનું વાતાવરણ બન્યું છે અને ધીરે-ધીરે તેને પણ સમજાયું છે કે પૈસા ક્યાંક બાળકોને કામ લાગશે. આગામી દિવસોમાં કોઇ સારું કાર્ય કરવું હશે તો પૈસા કામ લાગશે. એટલું જ નહીં, જે ગરીબ પોતાના ખિસ્સામાં Rupay Card જુએ છે તો તે ધનવાનોની બરાબરીમાં પોતાની જાતને જુએ છે કે તેમનાં ખિસ્સામાં પણ ક્રેડિટ કાર્ડ છે, મારા ખિસ્સામાં પણ Rupay Card છે – તે એક સન્માનનો ભાવ અનુભવે છે. પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં આપણાં ગરીબો દ્વારા લગભગ 65 હજાર કરોડ રૂપિયા બેંકોંમાં જમા થયા છે. એક રીતે જોઇએ તો ગરીબોની આ બચત છે, આ બચત આવનારા દિવસોમાં તેમની તાકાત છે. અને પ્રધાનમંત્રી જન-ધન યોજના સાથે જેમનું એકાઉન્ટ ખુલ્યું છે, તેમને ઇન્શ્યોરન્સનો પણ લાભ મળ્યો છે. ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’, ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ – એક રૂપિયા, ત્રીસ રૂપિયા ખૂબ સામાન્ય પ્રિમિયમ આજે તે ગરીબોના જીવનમાં એક નવો જ વિશ્વાસ જગાડે છે. કેટલાય કુટુંબમાં, એક રૂપિયાના વીમાને કારણે જ્યારે ગરીબ પર સંકટ આવ્યું, કુટુંબના મોભીના જીવનનો અંત આવી ગયો, થોડાંક જ દિવસોમાં તેને બે લાખ રૂપિયા મળી ગયા. ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’, ‘સ્ટાર્ટઅપ યોજના’, ‘સ્ટેન્ડઅપ યોજના’ – જે દલિત હોય, આદિવાસી હોય, મહિલા હોય, ભણી-ગણીને નિકળેલો યુવાન હોય, પોતે પગભર થઇને કંઇક કરવાના ઇરાદાવાળો યુવાન હોય, કરોડો-કરોડો યુવાનોને ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’ થી, બેંકો પાસેથી કોઇપણ ગેરેન્ટી વગર પૈસા મળ્યાં અને તે પોતે પગભર થયાં. એટલું જ નહીં, દરેકે એકાદ-બે ને રોજગાર આપવાનો સફળ પ્રયત્ન પણ કર્યો છે. થોડાંક દિવસો પહેલાં બેંકના લોકો મને મળ્યા હતા, જન-ધન યોજનાના કારણે, ઇન્શ્યોરન્સના કારણે Rupay Card ના કારણે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના કારણે સામાન્ય લોકોને કેવો લાભ થયો છે તેનો તેમણે સર્વે કરાવ્યો અને ઘણાં પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવ્યા. આજે એટલો સમય નથી પરંતુ હું બેંકના લોકોને એટલું જરૂર કહીશ કે આવા કિસ્સાઓને MyGov.in પર અપલોડ કરે, લોકો વાંચે, લોકોને તેનાથી પ્રેરણા મળશે કે કોઇ યોજના, વ્યક્તિના જીવનમાં કેવું પરિવર્તન લાવે છે, કેવી રીતે નવી ઊર્જાનો સંચાર કરે છે, કેવી રીતે નવો વિશ્વાસ જન્માવે છે, તેના સેંકડોં ઉદાહરણ મારી સામે આવ્યા છે. તમારા સુધી પહોંચાડવા માટેનો હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ અને એવાં પ્રેરક કિસ્સાઓ છે કે મિડીયાના લોકો પણ તેનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. તેઓ પણ આવા લોકોના ઇન્ટરવ્યુ કરીને નવી પેઢીને નવીન પ્રેરણા આપી શકે છે.

મારા પ્યારા દેશવાસીઓ, ફરી એક વખત તમને મિચ્છામી દુક્કડમ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

J.Khunt