Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીની ‘મન કી બાત’


મારા વ્હાલા દેશવાસીઓ,

નમસ્કાર, તમે રેડિયો પર મારી ‘મનની વાત’ સાંભળતા હશો. પરંતુ મગજમાં ચાલતું હશે, બાળકોની પરીક્ષા શરૂ થઇ રહી છે, કેટલાકની દસમા-બારમાની પરીક્ષા કદાચ પહેલી માર્ચથી શરૂ થઇ રહી છે. તો તમારા મગજમાં પણ આ જ ચાલતું હશે. હું પણ તમારી આ યાત્રામાં તમારી સાથે જોડાવા ઇચ્છું છું. તમને તમારા બાળકોની પરીક્ષાની જેટલી ચિંતા છે તેટલી જ ચિંતા મને પણ છે. પરંતુ જો આપણે પરીક્ષાને જોવાની આપણી રીત-રસમ બદલીએ તો કદાચ આપણે ચિંતામુક્ત પણ થઇ શકીએ.

મારી પાછલી ‘મનની વાત’માં મેં કહેલું કે તમે નરેન્દ્ર મોદી એપ પર તમારો અનુભવ, તમારા સૂચનો મને જરૂર મોકલો મને એ વાતનો આનંદ છે. શિક્ષકોએ, જેમની કારકિર્દી ખૂબ સફળ રહી છે તેવા વિદ્યાર્થીઓએ માતાપિતાએ, સમાજના કેટલાંક ચિંતકોએ ઘણીબધી વાતો મને લખીને મોકલી છે. બે વાતો તો મને સ્પર્શી ગઇ કે બધાં એ વિષયને બરાબર પકડ્યો છે. બીજી વાત, એટલી બધી હજારો યાત્રામાં ચીજો આવી કે હું માનું છું કે, કદાચ આ ખૂબ મહત્વપૂર્ણ વિષય છે. પરંતુ ઘણું ખરૂં આપણે પરીક્ષાના વિષયને શાળાના પરિસર સુધી છે. પરિવાર સુધી કે વિદ્યાર્થી સુધી સીમિત કરી દીધો છે. મારી એપ પર જે સૂચનો આવ્યા એનાથી તો લાગે છે કે, આ તો ખૂબ જ મહત્વનો વિષય છે. પૂરા રાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના આ વિષયોની ચર્ચા સતત ચાલતી રહેવી જોઇએ.

આજે હું મારી આ ‘મનની વાત’માં વિશેષ રૂપે માતા-પિતા સાથે, પરીક્ષાર્થીઓની સાથે અને તેમના શિક્ષકોની સાથે વાતો કરવા ઇચ્છું છું. જે સાંભળ્યું છે, જે મેં વાંચ્યું છે, જે મને જણાવાયું છે, એમાંથી પણ કેટલીક વાતો કરીશ. મને જે લાગે છે એમાંથી પણ કેટલુંક ઉમેરીશ. પરંતુ મને વિશ્વાસ છે કે, જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છે એમના માટે મારી આ 25-30 મિનીટ ઘણી ઉપયોગ થશે, એવું મારૂં માનવું છે.

મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો, હું કંઇ કહું એ પહેલાં આજની ‘મનની વાત’નો ઉઘાડ આપણે વિશ્વના વેલ-નોન ઓપનરની સાથે કેમ ન કરીએ. જીવનમાં સફળતાના શિખરો સર કરવા માટે કઇ ચીજો એમને કામ લાગી, એમનો અનુભવ તમને જરૂર કામ લાગશે. ભારતના યુવાનોને જેના પ્રતિ ગૌરવ છે એવા ભારતરત્ન શ્રીમાન સચિન તેંડુલકર – એમણે જે સંદેશો મોકલ્યો છે, એ હું તમને સંભળાવવા ઇચ્છું છું…

“નમસ્કાર, હું સચિન તેડુંલકર બોલી રહ્યો છું, મને ખબર છે કે પરીક્ષા કેટલાક દિવસોમાં શરૂ થવાની છે. તમારામાંથી કેટલાક લોકો તણાવમાં રહેશો. મારો એક જ સંદેશ છે આપને, તમારાથી ઘણી અપેક્ષાઓ તમારા માતા-પિતા રાખશે, તમારા શિક્ષકો રાખશે. તમારા બીજા કુટુંબના સભ્યો રાખશે. મિત્રો રાખશે. જ્યાં પણ જશો, સૌ પૂછશે કે તમારી તૈયારીઓ કેવી ચાલી રહી છે. કેટલા ટકા તમે સ્કોર કરશો. એજ કહેવા ઈચ્છીશ હું કે તમે ખુદ પોતાના માટે એક લક્ષ્ય નક્કી કરજો, બીજાની અપેક્ષાઓના દબાણમાં ન આવતા. તમે મહેનત જરૂર કરજો, પણ એક વાસ્તવિક મેળવેલું લક્ષ્ય પોતાના માટે નક્કી કરો અને તે લક્ષ્યને મેળવવા માટે પ્રયત્ન કરજો. હું જ્યારે ક્રિકેટ રમતો હતો, તો મારાથી પણ ઘણી અપેક્ષાઓ રહેતી હતી. પાછલા 24 વર્ષમાં કેટલીય મુશ્કેલ ક્ષણો આવી અને ક્યારેક ક્યારેક ઘણી સારી ક્ષણો આવી, પરંતુ લોકોની અપેક્ષાઓ હંમેશા રહેતી હતી અને એ વધતી જ ગઈ, જેમ સમય પસાર થતો ગયો, અપેક્ષાઓ વધતી જ ગઈ. તો આના માટે મારે એક હલ શોધવો ખૂબ જરૂરી હતો. તો મેં વિચાર્યું કે હું ખૂદ અપેક્ષા રાખીશ અને પોતાના લક્ષ્યને પૂર્ણ કરીશ. પરંતુ એ મારા ખુદના લક્ષ્યને પૂર્ણ કરી રહ્યો છું અને તે પૂર્ણ કરી રહ્યો છું, તો હું જરૂર કંઈકને કંઈક સારી વસ્તુ દેશ માટે કરી રહ્યો છું. અને એ જ લક્ષ્ય હું હંમેશા મેળવવાનો પ્રયત્નો કરતો હતો. મારું ફોકસ રહેતું હતું બોલ પર અને લક્ષ્ય પોતાની મેળે ધીરે ધીરે હાંસલ થતાં ગયા. હું આપને એ જ કહીશ કે તમે, તમારા વિચારો હકારાત્મક હોવા ખૂબ જરૂરી છે. હકારાત્મક વિચારોને હકારાત્મક પરિણામ અનુસરશે. તો તમે હકારાત્મક જરૂર રહેજો અને ઉપરવાળો તમને જરૂરથી સારું પરિણામ આપે તેની મને પૂરી ખાતરી છે અને હું આપને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું. તણાવ રહિત જઈને પેપર લખો અને સારું પરિણામ મેળવો. ગુડલક.”

દોસ્તો, જોયું તેંડુલકરજી શું કહી રહ્યાં છે. આ અપેક્ષાઓના ભાર નીચે દબાઇ જવાનું નથી. તમારૂં ભવિષ્ય તમારે જ ઘડવાનું છે. તમે તમારી જાતે તમારૂં લક્ષ્ય નક્કી કરો. તમે જાતે જ તમારા ટારગેટ નક્કી કરો. – મુક્ત મનથી, મુક્ત વિચારથી, મુક્ત સામર્થ્યથી. મને વિશ્વાસ છે કે, સચિનજીની આ વાત તમને કામ લાગશે. અને આ વાત સાચી છે. પ્રતિસ્પર્ધા કેમ ? અનુસ્પર્ધા કેમ નહીં ? આપણે બીજા સાથે સ્પર્ધા કરવામાં પોતાનો સમય શા માટે બરબાદ કરીએ. આપણે જાત સાથે જ સ્પર્ધા કેમ ન કરીએ. આપણાં જ જૂના બધાં રેકોર્ડઝ તોડવાનું આપણે નક્કી કેમ ન કરીએ. તમે જૂઓ, તમને આગળ વધતાં કોઇ રોકી શકશે નહીં. અને તમારાં જ જૂના રેકોર્ડઝને જયારે તોડશો, ત્યારે તમને આનંદ માટે, સંતોષ માટે, કોઇની પાસે અપેક્ષા પણ નહીં રહે, ભીતરથી એક સંતોષ પ્રગટ થશે.

દોસ્તો પરીક્ષાને આંકડાઓની રમત ન માનો. કયાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા એના હિસાબ-કિતાબમાં ફસાયેલાં ન રહો. જીવનને તો કોઇ મહાન ઉદ્દેશ સાથે જોડવું જોઇએ. સ્વપ્નોને લઇને ચાલવું જોઇએ. સંકલ્પબદ્ધ થવું જોઇએ. આ પરીક્ષાઓ તો આપણે સાચા જઇ રહ્યા છીએ કે નહીં તેનો હિસાબકિતાબ કરે છે, આપણી ગતિ બરાબર છે કે નહીં તેનો હિસાબ-કિતાબ કરે છે. અને એટલા માટે સપના જો વિશાળ, વિરાટ રહેશે તો પરીક્ષા એની મેળે જ એક આનંદોત્સવ બની જશે. દરેક પરીક્ષા આ મહાન ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટેનું એક પગલું હશે. દરેક સફળતા એ મહાન ઉદ્દેશને પામવાની ચાવી બની જશે. અને આ માટે આ વર્ષે શું થશે, આવી પરીક્ષામાં શું થશે, તેમાં સીમિત ન રહો. એક ખૂબ મોટા ઉદ્દેશને લઇને ચાલો અને એમાં કયારેક અપેક્ષાથી ઓછું પણ કશું રહી જાય તો નિરાશા નહીં આવે. અને વધારે તાકાતથી પ્રયત્નો કરવાની હિંમત આવશે.

હજારો લોકોએ મને મારી એપ પર મોબાઇલ ફોનથી નાનીનાની વાતો લખી છે. શ્રેય ગુપ્તાએ એ વાત પર ભાર મૂક્યો છે કે, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. વિદ્યાર્થીઓ, તમારા અભ્યાસ સાથેસાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. જેથી તમે પરીક્ષામાં સ્વસ્થાપૂર્વક સારી રીતે લખી શકો. હવે હું આજે છેલ્લા દિવસે એમ તો નહીં જ કહું કે તમે દંડબેઠક કરવાનું શરૂ કરી દો. અને ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર દોડવા માટે જાવ. પરંતુ એક વાત સાચી છે કે ખાસ કરીને પરીક્ષાના દિવસોમાં તમારી દિન-ચર્યા કેવી છે. આપણા 365 દિવસ આપણી દિનચર્યા આપણાં સ્વપ્નો અને સંકલ્પોને અનૂરૂપ હોવી જોઇએ. શ્રીમાન પ્રભાકર રેડ્ડીજીની એક વાત સાથે હું સંમત છું, એમણે ખાસ આગ્રહ કર્યો છે કે, સમયસર સૂવું જોઇએ. અને સવારે વ્હેલાં ઉઠીને રીવીઝન કરવું જોઇએ. પરીક્ષાકેન્દ્ર પર પ્રવેશપત્ર અને બીજી વસ્તુઓ લઇને સમય કરતાં પહેલાં પહોંચી જવું જોઇએ. આ વાત પ્રભાકર રેડ્ડીજીએ કરી છે, હું કદાચ કહેવાની હિંમત ન કરૂં, કારણ કે, સુવા બાબતે હું થોડો ઉદાસીન છું. અને મારા ઘણા મિત્રો પણ મને ફરિયાદ કરતાં રહે છે કે તમે ખૂબ ઓછું સૂવો છો. આ મારી એક મર્યાદા છે. હું પણ એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ હું એ સાથે સંમત જરૂર છું. સૂવાનો નિર્ધારિત સમય, ઊંડી ઊંઘ – એ એટલી જ મહત્વની છે, જેટલી તમારી દિવસભરની કામગીરી. અને આ શક્ય છે. હું નસીબદાર છું, મારી ઊંઘ ઓછી છે પણ ખૂબ ઊંડી ચોક્કસ છે અને આથી મારૂં કામ ચાલી પણ જાય છે. પરંતુ તમને તો હું આગ્રહ કરીશ. નહીંતર કેટલાંક લોકોને સુતાં પહેલાં ટેલિફોન પર લાંબી લાંબી વાતો કરવાની ટેવ હોય છે, અને એ પછી એ જ વિચાર ચાલતાં રહે છે, તો પછી ઊંઘ કયાંથી આવશે. અને જયારે હું સુવાની વાત કરૂં છું, તો એવું વિચારશો નહીં કે હું પરીક્ષા સમયે, સુવા માટે કહી રહ્યો છું. ગેરસમજ કરશો નહીં, હું પરીક્ષાના સમયે તો પરીક્ષા સારી રીતે આપવા માટે, તનાવ-મુક્ત અવસ્થા માટે તમને સુવાની વાત કરી રહ્યો છું., સુતા રહેવાની વાત નથી કરી રહ્યો. નહિંતર કયાંક એવું ન થાય કે માર્કસ ઓછા આવે અને મા પૂછે કે, બેટા, માર્કસ કેમ ઓછા આવ્યા તો કહી દો કે, મોદીજીએ સુવા માટે કહ્યું હતું એટલે હું તો સૂઇ ગયો હતો. આવું નહીં કરોને ! મને વિશ્વાસ છે કે નહીં કરો !

જીવનમાં શિસ્ત સફળતાઓની આધારશીલાને મજબૂત કરવાનું બહુ મોટું કારણ હોય છે. શિસ્તથી એ મજબૂત પાયો રચાય છે. અને જે અવ્યવસ્થિત હોય છે, શિસ્તબદ્ધ હોતાં નથી, સવારનું કામ સાંજે કરે છે, બપોરનું કામ મોડી રાત્રે કરે છે, એમને એવું તો લાગે છે કે, કામ થઇ ગયું, પરંતુ તેમની શકિતનો દૂર-વ્યય થાય છે. અને દરેક પળે તનાવ રહે છે. આપણા શરીરમાં પણ એકાદ અંગ, આપણા શરીરના એકાદ ભાગમાં પણ થોડીક તકલીફ થાય તો તમે જોયું હશે કે આખું શરીર સહજતાનો અનુભવ નથી કરતું. એટલું જ નહીં, આપણી દિન-ચર્યા પણ અસ્તવ્યસ્ત થઇ જાય છે. અને એટલા માટે કોઇ ચીજને આપણે નાની ન માનીએ. તમે જૂઓ, જે નિશ્ચિત છે એની સાથે સમજૂતિ કરવાની ટેવમાં તમારી જાત ફસાય નહી. નક્કી કરો, કરીને જુઓ.

દોસ્તો, કયારેક કયારેક મેં જોયું છે કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે જાય છે, એમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. એક, એણે શું વાંચ્યું છે, શું શીખ્યા છે, કઇ બાબતોમાં એની શકિત સારી છે. એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજા પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે, યાર, ખબર નથી, કયા સવાલ આવશે, ખબર નહીં કેવા સવાલ આવશે, ખબર નહીં, પેપર અઘરૂં હશે કે સહેલું ? આ બે પ્રકારના વિદ્યાર્થીઓ તમે જોયા હશે. જેઓ કેવું પેપર આવશે તેની ચિંતામાં રહે છે એનો એમના પરિણામ પર નકારાત્મક પ્રભાવ પડે છે. જેઓ આત્મવિશ્વાસથી જાય છે. તેઓ, કંઇપણ આવે તો તેઓ પાર ઉતરે છે. આ વાતને મારાથી પણ સારી રીતે જો કોઇ કરી શકે તો, ચેકમેટ કરવામાં જેની માસ્ટરી છે અને દુનિયાના મોટા મોટા ખેલાડીઓને જેમણે ચેકમેટ કરી દીધા છે. તેવા ચેસના ચેમ્પીયન વિશ્વનાથન આનંદ એમના અનુભવ કહેશે. આવો, આ પરીક્ષામાં તમે ચેકમેટ કરવાની રીત એમની પાસેથી શીખી લો.

‘‘ હેલો, હું વિશ્વનાથન આનંદ, સૌપ્રથમ તમારી પરીક્ષા મટે શુભેચ્છાઓ પાઠવીને મારી વાતનો પ્રારંભ કરૂં. મેં આપેલી પરીક્ષાઓ અને એના અનુભવો વિશે હું થોડીક વાત કરીશ. પરીક્ષાઓ ને પછીથી જીવનમાં આવનાર સમસ્યાઓ જેવી લાગી છે. તમારે જરૂર છે પૂરતા આરામની, ગાઢ નિંદ્રાની, પૂરા ખોરાકની, અને સૌથી મહત્વની વસ્તુ તે મનની શાંતિ. આ બધુ ચેસની રમત સાથે ઘણું સામ્ય ધરાવે છે. જયારે તમે રમો છો ત્યારે તમે જાણતા નથી કે હવે ક્યું પ્યાદું આવશે, જેમ વર્ગમાં પણ તમે જાણતાં નથી કે પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાશે. જે તમે શાંત હો, સ્વસ્થ હો, અને પૂરતી નિંદ્રા લીધી હોય તો તમને સાચો જવાબ જે તે પળે મગજ આપશે. આથી શાંત રહો. તમારી જાત પર વધારે દબાણ ન આપો, વધારે પડતી અપેક્ષાઓ ન રાખો, એ ખૂબ મહત્વનું છે. તેને એક પડકારરૂપે જુઓ – વર્ષ દરમિયાન મને જે ભણાવાયું છે તે મને યાદ છે, હું સમસ્યાઓ ઉકેલી શકું છું. છેલ્લી મિનિટોમાં જે વિષયો તમને બરાબર યાદ ન હોય એવું લાગતું હોય, એમાંથી મહત્વની બાબતોમાંથી પસાર થાવ. કેટલીક વિગતો તમે શિક્ષક અથવા વિદ્યાર્થીઓ સાથે યાદ કરી શકો. જે તમને પરીક્ષામાં લખતી વેળાએ મદદરૂપ થશે. તમને મુશ્કેલ લાગતાં પ્રશ્નોનું તમે પુનરાવર્તન કરશો તો તે બધું તમારા મગજમાં તાજું હશે, અને પરીક્ષામાં તે વિશે તમે વધારે સારી રીતે લખી શકશો. આથી શાંત રહો, પૂરતી ગાઢ નિંદ્રા લો, અતિ વિશ્વાસમાં ન રાચો, અને જરીકે હતાશ ન થાવ, શરૂઆતમાં ભય લાગે પરંતુ આ પરીક્ષાઓ હું સફળતાપૂર્વક પાર કરી શક્યો છું. આથી જાતમાં પૂરો વિશ્વાસ રાખો. અને પરીક્ષાઓ માટે શુભેચ્છાઓ.’’

વિશ્વનાથન આનંદે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે. અને તમે પણ જયારે એમને આંતરરાષ્ટ્રીય ચેસ રમતાં જોયાં હશે. કેટલી સ્વસ્થતાથી તેઓ બેઠેલા હોય છે, અને કેટલા ધ્યાનસ્થ હોય છે. એમની નજર પણ આમતેમ જતી નથી. કયારેક આપણે સાંભળતાં હતા ને, અર્જૂનના જીવનની ઘટના – એમની નજર કેવી પક્ષીની આંખ પર રહેતી હતી. બરાબર એમજ, વિશ્વનાથનને રમતાં જોઇએ છીએ ત્યારે એમની આંખો એકદમ, બિલકુલ ટાર્ગેટ પર રહે છે. અને એ અંદરની શાંતિની અભિવ્યકિત હોય છે. એ વાત સાચી છે કે કોઇના કહેવાથી અંદરની શાંતિ આવી જ જશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ પ્રયત્ન કરવો જોઇએ. હસતા હસતા કેમ ન કરીએ ? તમે જુઓ, હસતા રહેશો, પરીક્ષાના દિવસે પણ શાંતિ એને મેળે આવવા લાગશે. તમે મિત્રો સાથે વાત નથી કરી રહ્યાં અથવા એકલા ચાલી રહ્યાં છો. ઉદાસ ઉદાસ ચાલી રહ્યાં છો., ઢગલો પુસ્તકોને છેલ્લી ક્ષણોમાં ઉથલાવી રહ્યાં છો, તો, તો પછી તમારૂં મન શાંત નહીં થઇ શકે. હસો, ખૂબ હસતા ચાલો, મિત્રો સાથે જોક્સ કહેતાં ચાલો, તમે જુઓ, એની મેળે જ શાંતિનો માહોલ રચાઇ જશે. હું તમને એક નાની વાત સમજાવવા ઇચ્છું છું. તમે કલ્પાના કરો કે, એક તળાવ કાંઠે તમે ઉભા છો, અને તળાવમાં નીચે ખૂબ સુંદર ચીજો દેખાય છે. પરંતુ અચાનક કોઇ પાણીમાં પથ્થર ફેંકે અને પાણીમાં વમળ શરૂ થઇ જાય તો, તળાવમાં જે સુંદર ચીજો દેખાતી હતી તે શું દેખાશે ? જો પાણી શાંત હોય તો ચીજો ગમે તેટલી ઊંડે ભલે ન હોય, તે દેખાય છે. પરંતુ જો પાણી અશાંત હોય તો નીચે કંઇ જ દેખાતું નથી. તમારી અંદર પણ ઘણું બધું પડેલું છે. વર્ષભરની મહેનતનો ભંડાર ભરેલો પડ્યો છે. પરંતુ જો મન અશાંત હશે તો એ ખજાનો તમે જ શોધી નહીં શકો. અગર મન શાંત રહ્યું તો તમારો એ ખજાનો ઉભરાઇને તમારી સામે આવશે. અને તમારી પરીક્ષા એકદમ સરળ બની જશે.

હું મારી એક વાત જણાવું, હું કયારેક કયારેક કોઇ ભાષણ સાંભળવા જાઉં છું. અથવા તો સરકારમાં પણ કેટલાક વિષય એવા હોય છે જે હું જાણતો નથી. અને મારે ખૂબ એકાગ્ર થવું પડે છે. તો કયારેક કયારેક અત્યંત એકાગ્ર થઇને સમજવાનો પ્રયત્ન કરૂં છું તો અંદર એક તણાવ અનુભવાય છે. પછી મને લાગે છે, ના – ના થોડો હળવો થઇ જાઉં તો મને સારૂં લાગશે. તો મેં મારી જાતે જ મારી ટેકનિક વિકસાવી છે. થોડીવાર ઊંડા શ્વાસ લઇ લઉં છું. ત્રણવાર, પાંચવાર ઊંડા શ્વાસ લઉં છું. સમય તો ત્રીસ સેકન્ડ, ચાલીસ સેકન્ડ, પચાસ સેકન્ડ જાય છે. પરંતુ પછી મારૂં મન એકદમ શાંત થઇને ચીજોને સમજવા માટે તૈયાર થઇ જાય છે. શકય છે, આ મારો અનુભવ હોય, જે તમને પણ કામ આવી જશે.

રજત અગ્રવાલે એક સરસ વાત જણાવી છે. તેઓ મારી એપ પર લખે છે – આપણે રોજ ઓછામાં ઓછો અડધો કલાક મિત્રો સાથે, પરિવારજનો સાથે હળવાશ અનુભવીએ, ગપ્પા મારીએ આ ખૂબ મહત્વપૂર્ણ વાત રજતજીએ જણાવી છે, કારણ કે મોટેભાગે આપણે જોઇએ છીએ કે, આપણે જયારે પરીક્ષા આપીને આવીએ છીએ ત્યારે ગણવા માટે બેસી જઇએ છીએ કે કેટલું સાચું કર્યું કેટલું ખોટું. અગર ઘરમાં માતાપિતા પણ જો ભણેલા હોય, અને એમાંય જો માતાપિતા પણ શિક્ષક હોય તો તો પછી પૂરેપૂરૂં પેપર લખાવે છે. – બતાવો તમે શું લખ્યું, શું થયું ? સરવાળો કરતાં જાય છે. જુઓ, તમને ચાલીશ આવશે કે એંશી કે નેવું ! જે પરીક્ષા પતી ગઇ એમાં જ તમારૂં મગજ રચ્યું પચ્યું રહે છે. તમે પણ શું કરો છો, મિત્રો સાથે ફોન પર વાત કરો છો અરે, યાર આમાં તે શું લખ્યું ! અરે આમાં તારૂં કેવું ગયું ! સારૂં, તને શું લાગ્યું. યાર, મારે તો ગરબડ થઇ ગઇ. યાર, મેં તો ખોટું કરી દીધું. અરે, યાર મને તો આવડતું હતું પણ યાદ જ ન આવ્યું. આપણે એમાં જ ફસાઇ જઇએ છીએ. દોસ્તો, આવું ન કરો. પરીક્ષાના સમયે જે થઇ ગયું તે થઇ ગયું. પરિવારની સાથે અન્ય વિષયો પર ગપ્પા મારો, જૂની મજાક મસ્તીની વાતો યાદ કરો, કયારેક માતાપિતા સાથે કયાંક ગયા હોવ તો ત્યાંના દ્રશ્યોને યાદ કરો. એમાંથી બરાબર બહાર આવીને અડધો કલાક વિતાવો. રજતજીની વાત ખરેખર સમજવા જેવી છે.

મિત્રો, હું શું તમને શાંતિની વાત જણાવું ? આજે તમને પરીક્ષા આપતા પહેલાં એક એવી વ્યકિતએ તમારા માટે સંદેશો મોકલ્યો છે, તેઓ મૂળભૂત શિક્ષક છે ને આજ એક રીતે સંસ્કારશિક્ષક બનેલા છે. રામચરિતમાનસ, વર્તમાન સંદર્ભમાં તેની વ્યાખ્યા કરતાં કરતાં તેઓ દેશ અને દુનિયાના આ સંસ્કાર સરિતાને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એવાં પૂજય મૂરારિબાપુએ પણ વિદ્યાર્થીઓ માટે ઘણી મહત્વપૂર્ણ ટીપ મોકલી છે. અને તેઓ તો શિક્ષક પણ છે, ચિંતક પણ છે અને એટલે એમની વાતોમાં બન્નનો સુમેળ છે.

“હું મુરારી બાપૂ બોલી રહ્યો છું. હું વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને એ જ કહેવા માંગું છું કે પરિક્ષાના સમયે મન પર કોઈ પણ ભાર રાખ્યા વિના અને બુદ્ધિનો એક સ્પષ્ટ નિર્ણય કરીને તથા ચિત્ત એકાગ્ર કરીને આપ પરીક્ષામાં બેસો અને જે સ્થિતિ આવી છે, તેનો સ્વીકાર કરી લો. મારો અનુભવ છે કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી આપણે ખૂબ પ્રસન્ન રહી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ. તમારી પરીક્ષામાં તમે ભાર વિના અને પ્રસન્ન ચિત્તથી આગળ વધો તો જરૂર સફળતા મળશે અને જો સફળતા ન પણ મળે તો પણ નાપાસ થવાની ગ્લાની નહીં થાય અને સફળ થવાનો ગર્વ પણ થશે. એક શેર કહીને હું મારો સંદેશ અને શુભકામના પાઠવું – લાજિમ નહીં કિ હર કોઈ હો કામયાબ હી, જીના ભી સિખિએ નાકામિયો કે સાથ. આપણા આદરણીય પ્રધાનમંત્રીનો જે આ ‘મન કી બાત’નો કાર્યક્રમ છે, તેને હું ખૂબ આવકાર આપું છું. સૌને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ.”

પૂજયશ્રી મુરારીબાપુનો હું પણ આભારી છું કે, એમણે આપણે ખૂબ સારો સંદેશ આપ્યો. દોસ્તો, આજે એક અન્ય વાત પણ જણાવવા ઇચ્છું છું. હું જોઇ રહ્યો છું કે, આ વખતે જે લોકોએ મને તેમના અનુભવો જણાવ્યા છે એમાં યોગની ચર્ચા અવશ્ય કરી છે. અને આ મારા માટે આનંદની વાત છે કે, આ દિવસોમાં દુનિયામાં જેને પણ મળું છું, તે થોડોક સમય પણ મળે ત્યારે યોગની થોડીક વાત તો કોઇને કોઇ કરે જ છે, દુનિયાના કોઇપણ દેસનો વ્યકિત કેમ ન હોય, ભારતનો કોઇ વ્યકિત કેમ ન હોય, મને તો સારૂં લાગે છે કે યોગ બાબતે આટલું આકર્ષણ ઉત્પન્ન થયું છે, આટલી જિજ્ઞાસા ઉત્પન્ન થઇ છે અને જુઓ, મારા મોબાઇલ એપ પર શ્રી અતનું મંડલ, શ્રી કુણાલ ગુપ્તા, શ્રી સુશાંતકુમાર, શ્રી કે.જી.આનંદ, શ્રી અભિજીત કુલકર્ણી, ન જાણે અગણિત લોકોએ ધ્યાનની વાત કરી છે. યોગ પર ભાર મૂક્યો છે. ખેર, મિત્રો, હું આજે જ સ્પષ્ટ કરી દઉં, કાલ સવારથી જ યોગ કરવો શરૂ કરવો તો એ તમારી સાથે અન્યાય થશે. પરંતુ જેઓ યોગ કરે છે તેઓ પરીક્ષા છે માટે આજે ન કરે, એવું ન કરતા, કરો છો, તો કરો. પરંતુ આ વાત સાચી છે કે વિદ્યાર્થીજીવનમાં હોય કે જીવનના ઉત્તરાર્ધમાં હોય, અંતરમનની વિકાસયાત્રામાં યોગ એક મોટી ચાવી છે. સરળમાં સરળ ચાવી છે. તમે જરૂર તેના પર ધ્યાન આપો. હા, તમારી નજીકમાં કોઇ યોગના જાણકાર હોય, અને એમને પૂછશો તો પરીક્ષાના દિવસો પહેલાં યોગ ન કર્યો હોય, તો પણ બે-ચાર ચીજો તો એવી બતાવી જ દેશે, જે તમે બે-ચાર મીનીટમાં કરી શકો. જુઓ, અગર તમે કરી શકો તો. મારો એમાં ખૂબ વિશ્વાસ છે.

મારા નવજુવાન સાથીઓ, પરીક્ષા હોલમાં જવાની તમને ખૂબ ઉતાવળ હોય છે, જલ્દી જલ્દી તમારી બેન્ચ પર બેસી જવાનું મન થાય છે. આ બધું ઉતાવળમાં શા માટે કરીએ ? તમારા આખા દિવસના સમયનું એવું આયોજન કેમ ન કરીએ કે, કયાંક ટ્રાફિકમાં રોકાવું પડે તો પણ સમય પર આપણે પહોંચી જઇએ. નહિંતર આવી બાબતો એક નવો તણાવ પેદા કરે છે. અન્ય એક વાત છે, આપણને જેટલો સમય મળ્યો છે એમાં જે પ્રશ્નપત્ર છે, જે સૂચનો છે. તે આપણને કયારેક કયારેક લાગે છે કે આ આપણો સમય ખાઇ જશે. એવું નથી દોસ્તો. તમે એ સૂચનાઓને ઝીણવટથી વાંચો. બે મિનિટ, – ત્રણ મિનિટ – પાંચ મિનિટ જશે. કોઇ નુકસાન નહીં થાય, પરંતુ એનાથી પરીક્ષામાં શું કરવું છે, એમાં કોઇ ગરબડ નહીં થાય. અને પાછળથી પસ્તાવો નહીં થાય. અને મેં જોયું છે કે, કયારેક કયારેક પેપર આવ્યા પછી પણ પેટર્ન નવી આવી છે તેની ખબર પડે છે. પરંતુ સૂચનાઓ વાંચી લઇએ છીએ તો કદાચ આપણે આપણને કોપઅપ કરી લઇએ છીએ કે, હા, બરાબર છે, ચાલો, મારે આમ જ જવાનું છે. અને હું તમને આગ્રહ કરીશ કે ભલે તમારી પાંચ મિનિટ આમાં જાય, પણ સૂચનાઓ જરૂર વાંચો.

શ્રીમાન યશ નાગરે અમારી મોબાઇલ એપ પર લખ્યું છે કે, જયારે તેમણે પહેલીવાર પેપર વાંચ્યું તો તેમને ઘણું અઘરૂં લાગ્યું. પરંતુ એ પેપરને બીજીવાર આત્મવિશ્વાસ સાથે વાંચ્યું. હવે આ જ પેપર મારી પાસે છે, કોઇ નવા પ્રશ્ન આવવાના નથી, મારે આટલા જ પ્રશ્નો ઉકેલવાના છે. અને જયારે ફરી હું વિચારવા લાગ્યો તો, હું સરળતાથી એ પેપરને સમજી શક્યો. પહેલીવાર વાંચ્યું, તો લાગ્યું હતું કે, આ તો મને નથી આવડતું, પરંતુ એ જ વસ્તુ બીજીવાર વાંચી, તો મારા ધ્યાનમાં આવ્યું કે, ના – ના સવાલ બીજી રીતે પૂછાયો છે, પરંતુ આ તો મને આવડે છે એ જ વાત છે પ્રશ્નોને ન સમજવાના કારણે કયારેક કયારેક પ્રશ્નો અઘરા લાગે છે. હું યશ નાગરની આ વાત પર ભાર મૂકું છું કે, તમે પ્રશ્નોને બે-વાર વાંચો, ત્રણ વાર વાંચો. ચાર વાર વાંચો અને તમે જે જાણો છો તેની સાથે પ્રશ્નને સરખાવવાનો પ્રયત્ન કરો. તમે જુઓ, એ પ્રશ્ન લખતાં પહેલા જ સરળ થઇ જશે.

મારે માટે આજે આનંદની વાત છે કે, ભારતરત્ન અને આપણા ખૂબ સન્માનિત વૈજ્ઞાનિક શ્રી સી.એન.આર.રાવ, એમણે ધીરજ પર ભાર મૂક્યો છે. ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ સરસ સંદેશ બધા વિદ્યાર્થીઓને આપ્યો છે. આવો, રાવ સાહેબનો સંદેશો સાંભળીએ.

‘હું બેંગ્લોરથી સી.એન.આર.રાવ બોલું છું. હું સમજું છું કે પરીક્ષાના કારણે ચિંતા થાય એ સ્વાભાવિક છે. અને એમાંય આ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ. ચિંતા ન કરો, તમે સરસ કામ કરો. મારા યુવાન મિત્રોને હું આમ જ કહું છું. આ દેશમાં ઘણીબધી તકો છે એ હંમેશા યાદ રાખો. તમે જીવનમાં શું કરવા ઇચ્છો છો તે નક્કી કરો. અને તેને છોડી ન દો. તમે સફળ થશો. તમે બ્રહ્માંડનું બાળ છો તે ન ભૂલો. પહાડો તથા વૃક્ષોની જેમ તમને પણ અહીં હોવાનો અધિકાર છે. દ્રઢતા, નિષ્ઠા અને તપ તમારામાં હોવા જોઇએ. આવી ગુણવત્તા સાથે તમે દરેક પરીક્ષામાં અને અન્ય પ્રયાસોમાં સફળ થશો. તમે જે કરવા ઇચ્છો છો તે દરેક બાબતે મારી શુભેચ્છાઓ પાઠવું છું. ગોડ બ્લેસ’

જોયું, એક વૈજ્ઞાનિકની વાત કરવાની રીત કેવી હોય છે. જે વાત કહેવામાં હું અર્ધો કલાક કરૂં છું. તે વાત તેઓ ત્રણ મિનિટમાં કહી દે છે. આ જ તો વિજ્ઞાનની તાકાત છે. અને આ જ તો વૈજ્ઞાનિક મનની તાકાત છે. દેશના બાળકોને પ્રેરણા આપી એ બદલ હું રાવ સાહેબનો આભારી છું. એમણે જે વાત કરી છે – નિષ્ઠાની, તપની, આ જ વાત છે – dedication, determination, diligence. લાગ્યા રહો. દોસ્તો લાગ્યા રહો. જો તમે લાગેલા રહેશો તો ડર પણ ડરશે. અને સારૂં કાર્ય કરવા માટે સોનેરી ભવિષ્ય તમારી પ્રતિક્ષા કરી રહ્યું છે.

હવે મારા એપ પર રૂચિકા ડાબસે પરીક્ષાના અનુભવને લગતો એક સંદેશ આપ્યો છે. એમણે કહ્યું છે કે, એમના પરિવારમાં પરીક્ષાના સમયે સકારાત્મક વાતાવરણ બનાવવાનો લગાતાર પ્રયાસ થાય છે. અને તેની ચર્ચા તેમના સાથી પરિવારોમાં પણ થતી હતી. બધું મળીને હકારાત્મક વાતાવરણ. આ વાત સાચી છે સચિનજીએ પણ કહેલું તેમ પોઝીટીવ એપ્રોચ, પોઝીટીવ ફ્રેમ ઓફ માઇન્ડ. હકારાત્મક ઉર્જાને ઉજાગર કરે છે. કયારેક કયારેક ઘણી બધી વાતો એવી હોય છે જે આપણેને પ્રેરણા આપે છે. અને એવું ન વિચારીએ કે, આ વાતો વિદ્યાર્થીઓને જ પ્રેરણા આપે છે. જીવનના કોઇપણ પડાવ પર તમે કેમ ન હોવ. ઉત્તમ ઉદાહરણ, સત્ય ઘટનાઓ, ઘણી મોટી પ્રેરણા પણ આપે છે. ઘણીમોટી શકિત પણ આપે છે. અને સંકટના સમયે નવો રસ્તો પણ બનાવી દે છે. આપણે વીજળીના ગોળાના શોધક થોમસ એલવા એડિશન વિશે આપણા અભ્યાસક્રમમાં વાંચીએ છીએ. પરંતુ મિત્રો કયારેક એ વિચાર્યું છે, આ કામ કરવા માટે તેમને કેટલાં વર્ષો લાગ્યાં ? કેટલીવાર નિષ્ફળતા મળી, કેટલો સમય ગયો, કેટલા પૈસા ગયા, નિષ્ફળતાને કારણે કેટલી નિરાશા થઇ હશે. પરંતુ આજે એ વીજળી, એ બલ્બ આપણી જિંદગીને પણ રોશન કરે છે. આને જ તો કહે છે નિષ્ફળતામાં પણ સફળતાની સંભાવનાઓ છુપાયેલ હોય છે.

શ્રીનિવાસ રામાનુજનને કોણ નથી ઓળખતું ? આધુનિક સમયના ગણિતજ્ઞમાંથી એક નામ – ભારતીય ગણિતજ્ઞ, તમને ખબર હશે. તેમના ઔપચારિક શિક્ષણમાં ગણિતના વિષયોનો સમાવેશ થયો નહોતો કોઇ વિશેષ પ્રશિક્ષણ પણ તેઓ પામ્યા નહોતા. પરંતુ તેમણે મેથેમેટીકલ એનાલીસીસ, નંબર થીયરી જેવા વિભિન્ન ક્ષેત્રોમાં ગહન યોગદાન આપ્યું. અત્યંત કષ્ટમય દુઃખમય જીવન હોવા છતાંય તેઓ દુનિયાને ઘણુંબધું અર્પણ કરીને ગયા.

જે.કે.રોલિંગ એક ઉત્તમ ઉદાહરણ છે કે, સફળતા કોઇને પણ કયારેય પણ મળી શકે છે. હૈરી પોટર શ્રેણી આજે દુનિયાભરમાં લોકપ્રિય છે, પરંતુ શરૂઆતમાં આમ નહોતું. ઘણી મુશ્કેલીઓ તેમને સહન કરવી પડી હતી. ઘણી નિષ્ફળતા પણ મળી હતી. રોલિંગે કહ્યું હતું કે, મુશ્કેલીઓમાં તેઓ પૂરી ઉર્જાએ એન કામમાં લગાવતા હતાં જે ખરેખર તેમને માટે મહત્વનું હતું.

પરીક્ષા આજકાલ માત્ર વિદ્યાર્થીની નહીં, પૂરા વિચારની, અને પૂરી શાળાની અને શિક્ષકની, બધાની થઇ જાય છે. પરંતુ વાલી તથા શિક્ષકના ટેકા વગર વિદ્યાર્થી એકલો હોય એ સ્થિતિ સારી નથી. શિક્ષક હોય, વાલી હોય, કે સિનિયર વિદ્યાર્થીઓ હોય એ બધાં મળીને એક ટીમ બનાવીને યુનિટ બનીને એક સરખા વિચાર સાથે યોજનાબદ્ધ રીતે આગળ વધીએ તો પરીક્ષા સરળ બની જાય છે.

શ્રીમાન કેશવ વૈષ્ણવે મને એપ પર લખ્યું છે – એમણે ફરિયાદ કરી છે કે, માતાપિતાએ એમના બાળકો પર વધારે માર્કસ લાવવા માટે કયારેય દબાણ કરવું જોઇએ નહીં. માત્ર તૈયારી કરવા માટે તેમને પ્રોત્સાહીત કરવા જોઇએ. તેઓ હળવા રહે તેની ચિંતા કરવી જોઇએ.

વિજય જિંદલ લખે છે – બાળકો પર પોતાની અપેક્ષાઓનો ભાર લાદવો જોઇએ નહીં, જેટલું થઇ શકે તેટલો એમનો ઉત્સાહ વધારો, વિશ્વાસ વધારવામાં સહાય કરો. આ વાત સાચી છે. આજે હું વાલીઓને વધારે કહેવા નથી ઇચ્છતો, કૃપા કરીને દબાણ વધારો નહી. જો બાળક તેના મિત્ર સાથે વાત કરી રહ્યો છે તો એને રોકો નહીં. એક હળવાશભર્યું વાતાવરણ બનાવો, સકારાત્મક વાતાવરણ બનાવો, તમારો દિકરો હોય કે દિકરી, જુઓ કેટલો કોન્ફીડન્સ આવી જાય છે. તમે પણ એ કોન્ફીડન્સ જોઇ શકશો.

દોસ્તો, એક વાત નિશ્ચિત છે, ખાસ કરીને હું યુવા મિત્રોને કહેવા ઇચ્છું છું. આપણા લોકોનું જીવન આપણી જૂની પેઢીઓ કરતાં ખૂબ બદલાઇ ગયું છે. દરેક પળે નવી શોધ, નવી ટેકનોલોજી, વિજ્ઞાનના નીતનવા રંગરૂપ જોવા મળે છે. અને આપણે માત્ર અભિભૂત થઇએ છીએ એવું નથી. એમાં જોડાઇ જવાનું આપણે પસંદ કરીએ છીએ આપણે પણ વિજ્ઞાનની રફતારથી આગળ જવા ઇચ્છીએ છીએ.

હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે, આજે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ છે. દેશનો વિજ્ઞાન મહોત્સવ 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ તરીકે મનાવીએ છીએ. 28 ફેબ્રુઆરી, 1928 સર.સી.વી.રમનને એમની શોધ રમન ઇફેક્ટની ઘોષણા કરી હતી. આ શોધ માટે તેમને નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આથી દેશ 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રિય દિવસના રૂપમાં ઉજવે છે. જિજ્ઞાસા વિજ્ઞાનની જનની છે. દરેક મનમાં વૈજ્ઞાનિક વિચાર હોય, વિજ્ઞાન પ્રતિ આકર્ષણ હોય અને દરેક પેઢીએ નવી શોધો પર ભાર મૂકવાનો હોય છે. અને વિજ્ઞાન તથા ટેકનોલોજી વગર નવી શોધ સંભવિત નથી થઇ શકતી. આજ રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ પર દેશમાં નવી શોધ પર ભાર મૂકાય. જ્ઞાનવિજ્ઞાન, ટેકનોલોજી આ બધી બાબતો આપણી વિકાસયાત્રાનો સહજ હિસ્સો બનવો જોઇએ. અને આ વખતે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસનો થીમ છે. મેક ઇન ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજીલ driven Innovations. સર સી.વી.રમનને હું પ્રણામ કરૂં છું અને આપ સૌને વિજ્ઞાન પ્રતિ રૂચિ વધારવા માટે આગ્રહ કરી રહ્યો છું.

દોસ્તો, કયારેક કયારેક સફળતાઓ ખૂબ સમય પછી મળે છે અને જયારે સફળતા મળે છે, ત્યારે દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઇ જાય છે. તમે પરીક્ષામાં ખૂબ વ્યસ્ત રહ્યાં હશો, તો તમે કદાચ, શકય છે ઘણાબધા સમાચારો તમારા મનમાં નોંધાયા ન હોય. પરંતુ હું દેશવાસીઓને પણ આ વાત ફરીથી કહેવા ઇચ્છું છું. તમે પાછલા દિવસોમાં સાંભળ્યું હશે કે વિજ્ઞાનના વિશ્વમાં ખૂબ મોટી અને મહત્વપૂર્ણ શોધ થઇ છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પરિશ્રમ કર્યો, પેઢીઓ આવતી ગઇ, કંઇને કંઇ કરતી ગઇ અને લગભગ સો વર્ષ પછી એક સફળતા હાથ લાગી.

આપણા વૈજ્ઞાનિકોના પુરૂષાર્થ થકી Gravitational Waves ની શોધ ઉજાગર થઇ. આ શોધ વિજ્ઞાનની ખૂબ દૂરગામી સફળતા છે. આ શોધ પાછલી સદીના આપણા મહાન વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનની થીયરીને જ પ્રમાણિત નથી કરતી, પરંતુ ભૌતિકશાસ્ત્ર માટે મહાન ડીસ્કવરી મનાય છે. આ સમગ્ર માનવજાતને સમગ્ર વિશ્વને કામમાં આવશે. પરંતુ એક ભારતીય હોવાના નાતે આપણને એ વાતનો આનંદ છે કે, સમગ્ર શોધની પ્રક્રિયામાં આપણા દેશના સપૂત આપણા દેશના હોનહાર વૈજ્ઞાનિકો જોડાયેલા હતાં. એમનું પણ યોગદાન છે.

એ બધાં વૈજ્ઞાનિકોને આજે હું હૃદયપૂર્વક વધાવું છું. અભિનંદન આપું છું. ભવિષ્યમાં પણ શોધને આગળ વધારવામાં આપણા વૈજ્ઞાનિકો પ્રયાસરત રહેશે. આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં ભારત પણ હિસ્સેદાર બનશે. અને મારા દેશવાસીઓ, પાછલા દિવસોમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ શોધમાં હજી વધારે સફળતા પામવા માટે Laser Interferometer Gravitational-Wave Observatory ટૂંકમાં જેને લીગો કહે છે. તેને ભારતમાં ખોલવાનો સરકારે નિર્ણય લીધો છે. દુનિયામાં બે સ્થળે આ પ્રકારની વ્યવસ્થા છે, ભારત ત્રીજું છે. ભારતના જોડાવાથી આ પ્રક્રિયાને નવી શક્તિ અને નવી ગતિ મળશે. ભારત જરૂર પોતાના મર્યાદિત સંસાધનોની વચ્ચે માનવકલ્યાણની આ મોટેરી વૈજ્ઞાનિક શોધપ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનશે. ફરી એકવાર હું બધા વૈજ્ઞાનિકોને વધાવું છું, શુભકામનાઓ પાઠવું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, તમને હું એક નંબર લખાવું છું. કાલથી તમે એ નંબર પર મીસ્ડકોલ કરીને મારી ‘મનની વાત’ સાંભળી શકો છો. તમારી માતૃભાષામાં પણ સાંભળી શકશો. મીસ્ડકોલ કરવા માટેનો નંબર છે, 81908 – 81908 ફરી હું કહું છું. ૮૧૯૦૮ – ૮૧૯૦૮

દોસ્તો, તમારી પરીક્ષા શરૂ થઇ રહી છે. મારે પણ કાલે પરીક્ષા આપવાની છે. સવાસો કરોડ દેશવાસી મારી પરીક્ષા લેવાના છે. ખબર છે ને, અરે ભાઇ કાલે બજેટ છે. 29 ફેબ્રુઆરી, આ લીપ વર્ષ હોય છે. પરંતુ હા, તમે જોયું હશે, મને સાંભળતા જ લાગ્યું હશે, હું કેટલો સ્વસ્થ છું, કેટલા આત્મવિશ્વાસથી ભરેલો છું બસ, કાલે મારી પરીક્ષા થઇ જાય, પરમદિવસથી તમારી પરીક્ષા શરૂ થઇ જાય અને આપણે બધાં સફળ થઇએ, તો દેશ પણ સફળ થશે.

તો મિત્રો, તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ, સફળતા-નિષ્ફળતાના તણાવથી મુક્તમનથી આગળ વધો, લાગ્યા રહો,

ધન્યવાદ..

J.Khunt/GP