Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીના “મન કી બાત” કાર્યક્રમનો મૂળ પાઠ


પ્રિય દેશવાસીઓ નમસ્તે,

દિવાળીના પાવન પર્વ દરમ્યાન તમે રજાઓ બહુ સારી રીતે મનાવી હશે. કયાંક જવાનો અવસર પણ મળ્યો હશે. અને નવા ઉમંગ-ઉત્સાહ સાથે વેપાર-રોજગાર પણ શરૂ થઇ ગયા હશે. બીજી તરફ ક્રિસમસની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ હશે. સમાજ જીવનમાં ઉત્સવનું પોતાનું એક મહત્વ હોય છે. કયારેક ઉત્સવ ઘા ભરવા કામ આવે છે તો કયારેક ઉત્સવ નવી ઉર્જા આપે છે. પરંતુ કયારેક ઉત્સવના આ સમયમાં જયારે સંકટ આવી જાય તો વધુ પીડાદાયક બની જાય છે. વધુ પીડાદાયક લાગે છે. દુનિયાના દરેક ખૂણામાંથી સતત પ્રાકૃતિક આપત્તિઓના સમાચાર મળ્યા જ કરે છે અને કયારેક સાંભળ્યું ના હોય કે વિચાર્યું ના હોય તેવી કુદરતી આપત્તિઓના સમાચાર મળે છે. આબોહવા પરિવર્તનનો પ્રભાવ કેટલો ઝડપથી વધી રહ્યો છે તે પણ લોકો અનુભવ કરી રહ્યા છે. આપણા જ દેશમાં ગત દિવસોમાં જે રીતે અતિવૃષ્ટિ અને તે પણ કમોસમી વર્ષા અને લાંબા સમય સુધી વરસાદ ખાસ કરીને તમિલનાડુમાં જે નુકસાન થયું છે… બીજા રાજયોને પણ તેની અસર થઇ છે. કેટલાય લોકોનાં મૃત્યુ થયાં છે. હું આ સંકટની ક્ષણમાં એ બધા પરિવારો પ્રત્યે શોક-સંવેદના પ્રગટ કરૂં છું. રાજય સરકારો રાહત બચાવમાં પૂરી શકિતથી કામે લાગી જાય છે. કેન્દ્ર સરકાર પણ હંમેશા ખભેખભા મિલાવીને કામ કરે છે. હમણાં ભારત સરકારની એક ટુકડી તામિલનાડુ ગઇ છે. પરંતુ મને વિશ્વાસ છે તમિલનાડુની શકિત પર. આ સંકટ છતાં તે ફરી એક વાર ઘણી તેજ ગતિથી આગળ વધવા લાગશે અને દેશને આગળ વધારવામાં તેની જે ભૂમિકા છે તે નિભાવતું રહેશે. પરંતુ જયારે ચારે તરફ સંકટની વાતો જોઇએ છીએ ત્યારે આપણે તેમાં ઘણું પરિવર્તન લાવવાની આવશ્યકતા થઇ ગઇ છે. આજથી 15 વર્ષ પહેલાં કુદરતી આપત્તિ કૃષિવિભાગનો હિસ્સો હતી કારણ કે, ત્યારે વધુમાં વધુ કુદરતી આપત્તિ એટલે કે દુકાળ. ત્યાં સુધી જ સીમિત હતું. આજે તો આનું રૂપ જ બદલાઇ ગયું છે. દરેક સ્તરે આપણે આપણી ક્ષમતા નિર્માણ માટે કામ કરવું ઘણું અનિવાર્ય થઇ ગયું છે. સરકારોએ, સિવિલ સોસાયટીએ, નાગરિકોએ, દરેક નાની મોટી સંસ્થાએ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે ક્ષમતા નિર્માણ માટે કામ કરવું જ પડશે.

નેપાળના ભૂકંપ પછી મેં પાકિસ્તાના વડાપ્રધાનશ્રી નવાઝ શરીફ સાથે વાત કરી હતી. અને મે તેમને એક સૂચન કર્યું હતું કે, આપણે સાર્ક દેશોએ મળીને આપત્તિની પૂર્વતૈયારી માટે એક સંયુક્ત ક્વાયત કરવી જોઇએ. મને આનંદ છે કે સાર્ક દેશોની એક ટેબલટોક એકસરસાઇઝ ઇઝ અને બેસ્ટ પ્રેક્ટિસિઝનો પરિસંવાદ અને કાર્યશાળા દિલ્હીમાં સંપન્ન થયા. એક સારી શરૂઆત થઇ.

મને આજે પંજાબના જલંધરથી લખવિંદરસિંહનો ફોન મળ્યો છે. (“હું લખવિંદરસિંહ પંજાબ જિલ્લા જલંધરથી બોલું છું. અમે અહીં જૈવિક ખેતી કરીએ છીએ અને ઘણા લોકોને માર્ગદર્શન આપીએ છીએ. મારો એક સવાલ છે કે લોકો ખેતીમાં આગ લગાવે છે. સૂકૂં ઘાસ અથવા ઘઉંના ઝાડને. આ લોકોને કેવી રીતે માર્ગદર્શન આપવું જોઇએ કે ધરતીમાતામાં જે સુક્ષ્મ જીવાણુ છે તેના પર આ લોકો કેટલું ખરાબ કરે છે અને આ જે પ્રદૂષણ થઇ રહ્યું છે દિલ્હીમાં, હરિયાણામાં, પંજાબમાં તેનાથી કેવી રીતે રાહત મળે.”)

લખવિંદરસિંહજી, મને ઘણો આનંદ થયો તમારો સંદેશો સાંભળીને. એક તો આનંદ એ વાતનો થયો કે તમે જૈવિક ખેતી કરનાર ખેડૂત છો. અને પોતે તો જૈવિક ખેતી કરો જ છો. એટલું જ નહીં, તમે ખેડૂતોની સમસ્યા સુપેરે જાણો છો. અને તમારી ચિંતા સાચી છે પરંતુ આવું માત્ર પંજાબ હરિયાણામાં જ થાય છે એવું નથી. સમગ્ર હિન્દુસ્તાનમાં આ આપણી ટેવ છે અને પરંપરાગત રીતે આપણે આ જ રીતે આપણા પાકના અવશેષોને સળગાવી દેવાના રસ્તા પર ચાલી નીકળીએ છીએ. એક તો અગાઉ નુકસાનનો અંદાજ નહોતો. બધાં કરે છે તેથી આપણે કરીએ છીએ તે જ ટેવ હતી. બીજા ઉપાય શું હોય છે તેનું પણ પ્રશિક્ષણ થયું નથી. અને તેના કારણે આ ચાલતું જ ગયું. વધતું જ ગયું. અને આજે જે આબોહવા પરિવર્તનનું સંકટ છે તેમાં તે ઉમેરાતું ગયું. અને જયારે આ સંકટની અસર શહેરો તરફ પડવા લાગી તો જરા અવાજ સંભળાવા લાગ્યો. પરંતુ તમે જે પીડા વ્યકત કરી છે તે સાચી છે. સૌથી પહેલો ઉપાય છે આપણે આપણા ખેડૂત ભાઇઓ બહેનોને પ્રશિક્ષિત કરવાં પડશે. તેમને સત્ય સમજાવવું પડશે કે પાકના અવશેષો બાળવાથી કદાય બની શકે કે સમય બચશે, મહેનત બચશે. આગામી પાક માટે ખેતર તૈયાર થઇ જતું હશે. પરંતુ આ સત્ય નથી. પાકના અવશેષ પણ બહુ કિંમતી હોય છે. તે પોતે જ એક જૈવિક ખાતર હોય છે. આપણે તેને વેડફી નાંખીએ છીએ. એટલું જ નહિં. જો તેના નાના નાના ટુકડા કરી નાંખવામાં આવે તો પશુઓ માટે તે ડ્રાય ફ્રૂટ બની જાય છે. બીજું તે બાળવાના કારણે જમીનનું જે ઉપરનું પડ હોય છે તે બળી જાય છે.

મારા ખેડૂત ભાઇઓ, બહેનો, ક્ષણભર માટે વિચારો કે આપણાં હાડકાં મજબૂત હોય, આપણું હૃદય મજબૂત હોય, કિડની સારી હોય, બધું જ હોય, પરંતુ જો શરીરની ઉપરની ચામડી બળી જાય તો શું થશે ? હૃદય ચાલુ હશે તો પણ જીવતા નહીં રહી શકીએ. જેવી રીતે આપણા શરીરની ચામડી બળી જાય તો જીવવું મુશ્કેલ બની જાય છે. એ જ રીતે પાકના ઠુંઠા સળગાવવાથી માત્ર તે ઠુંઠા જ સળગતાં નથી, પૃથ્વી માતાની ચામડી બળી જાય છે. આપણી જમીનની ઉપરનું પડ બળી જાય છે. જે આપણી ઉપજાઉ જમીનને મૃત્યુ તરફ ધકેલી દે છે. અને આથી તેના સકારાત્મક પ્રયાસ કરવા જોઇએ. આ ઠૂંઠાને ફરીએક વાર જમીનમાં દાટી દેવામાં આવે તો પણ તે ખાતર બની જાય છે. અથવા તો જો કોઇ ખાડામાં ઢગલો કરીને અળસિયાં નાખીને થોડું પાણી નાખી દેવામાં આવે તો ઉત્તમ પ્રકારનું જૈવિક ખાતર બની જાય છે. પશુના ભોજન માટેના કામમાં તો આવે જ છે અને આપણી જમીન પણ બચી જાય છે. એટલું જ નહીં, તે જમીનમાં તૈયાર થયેલું ખાતર તેમાં નાખી દો તો તે બમણો ફાયદો આપે છે.

મને એકવાર કેળાની ખેતી કરનાર ખેડૂત ભાઇઓ સાથે વાતચીતની તક મળી. અને તેમણે મને એક સારો અનુભવ જણાવ્યો. પહેલાં જયારે તેઓ કેળાની ખેતી કરતા હતા અને જયારે કેળાનો પાક સમાપ્ત થઇ જતો તો કેળાનાં ઠૂંઠા પડી રહેતા હતા તેને સાફ કરવા માટે પ્રતિ હેકટરે કયારેક કયારેક તેમને પાંચ હજાર, દસ હજાર, પંદર હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. અને જયાં સુધી તેને ઉપાડવાવાળા લોકો ટ્રેકટર – બેકટર લઇને આવે નહીં ત્યાં સુધી તે એમ જ પડ્યાં રહેતાં હતાં. પરંતુ કેટલાક ખેડૂતોએ સાબિત કર્યું આ ઠૂંઠાના છ – છ, આઠ – આઠ ઇંચના ટુકડા કર્યા અને તેમને જમીનમાં દાટી દીધાં. તો અનુભવ એ થયો કે, આ કેળાના ઠૂંઠામાં એટલું પાણી હોય છે કે જયાં તેને દાટી દેવામાં આવે છે. ત્યાં જો કોઇ ઝાડ હોય, છોડ હોય, કોઇ પાક હોય તો ત્રણ મહિના સુધી બહારના પાણીની જરૂર પડતી નથી. તે ઠૂંઠામાં જે પાણી છે તે પાણી પાકને જીવંત રાખે છે. અને આજે તો તેનાં ઠૂંઠા પણ ઘણાં કિંમતી થઇ ગયા છે. તેના ઠૂંઠામાંથી જ તેમની આવક વધી ગઇ છે. નાનકડો પ્રયોગ પણ કેટલો મોટો ફાયદો કરી શકે છે, આ તો આપણા ખેડૂત ભાઇઓ કોઇ પણ વૈજ્ઞાનિકથી કમ નથી.

પ્રિય દેશવાસીઓ, આગામી ત્રણ ડિસેમ્બરે ઇન્ટર નેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડીસીએબિલિટિઝ ને સમગ્ર વિશ્વ યાદ કરશે. ગયા વખતે મન કી વાતમાં મે અંગદાન પર ચર્ચા કરી હતી. ઓર્ગન ડોનેશન માટે મે નોટોની હેલ્પલાઇનની પણ ચર્ચા કરી હતી. અને મને જણાવાયું હતું કે, મનની તે વાત પછી ફોન કોલ્સમાં લગભગ સાત ગણી વૃદ્ધિ થઇ ગઇ. અને વેબસાઇટ પર અઢી ગણી વૃદ્ધિ થઇ ગઇ. 27 નવેમ્બરને ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે તરીકે મનાવાયો. સમાજની ઘણી પ્રસિદ્ધ વ્યકિતઓએ ભાગ લીધો. ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન સહિત ઘણા જાણીતા લોકો તેમાં જોડાયા. અંગદાન મૂલ્યવાન જિંદગીઓને બચાવી શકે છે. “અંગદાન” એક રીતે અમરતા લઇને આવે છે. એક શરીરમાંથી બીજા શરીરમાં જયારે અંગ જાય છે તો તે અંગને નવું જીવન મળી જાય છે પરંતુ તે જીવનને નવી જિંદગી મળી જાય છે. તેનાથી સર્વોત્તમ દાન જીવનને બીજું શું હોઇ શકે, ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇ રહેલા દર્દીઓ, ઓર્ગન ડોનર્સ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની એક નેશનલ રજિસ્ટ્રી 27 નવેમ્બરે લોંચ કરી દેવામાં આવી છે. નોટોનો લોગો, ડોનર કાર્ડ અને સ્લોગન ડીઝાઇન કરવા માટે mygov.in દ્વારા એક રાષ્ટ્રીય સ્પર્ધા રાખવામાં આવી અને મારા માટે આશ્ચર્ય હતું કે, એટલા બધા લોકોએ ભાગ લીધો. એટલી નવીન રીતે અને સઘળી સંવેદનાઓ સાથે વાતો કહી. મને વિશ્વાસ છે કે, આ ક્ષેત્રમાં પણ વ્યાપક જાગૃતિ વધશે અને સાચા અર્થમાં જરૂરિયાતવાળાઓને ઉત્તમથી ઉત્તમ મદદ મળશે, કારણ કે, આ મદદ બીજે કયાંયથી ન મળી શકે જયાં સુધી કોઇ દાન ન કરે.

મેં પહેલાં કહ્યું તેમ ત્રણ ડિસેમ્બરને વિકલાંગ દિવસ તરીકે મનાવાય છે. શારીરિક અને માનસિક રીતે વિકલાંગ તેઓ પણ એક અપ્રતિમ સાહસ અને સામર્થ્ય ધરાવતા હોય છે. કયારેક કયારેક પીડા થાય છે જયારે તેમની મજાક થાય છે. ક્યારેક ક્યારેક કરૂણા અને દયાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. પરંતુ આપણે આપણી દ્રષ્ટિ બદલીએ તેમની તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલીએ તો આ લોકો આપણે જીવવાની પ્રેરણા આપી શકે છે. કંઇક કરી છૂટવાની પ્રેરણા આપી શકે છે. આપણે નાનકડી મુશ્કેલી આવે તો પણ રોવા માંડીએ છીએ. – ત્યારે યાદ આવે છે કે મારી મુશ્કેલી બહુ નાની છે, તે કેવી રીતે નિભાવે છે ? કેવી રીતે જીવે છે ? કેવી રીતે કામ કરે છે ? અને આથી આ બધાં આપણા માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમની સંકલ્પ શકિત તેમની જીવન સાથે ઝઝૂમવાની રીત અને સંકટને પણ સામર્થ્યમાં પરિવિર્તત કરી દેવાની તેમની જીજિવિષા પ્રશંસનીય હોય છે.

જાવેદ અહેમદ, હું આજે તેમની વાત કરવા માંગું છું. 40-42 વર્ષની વય છે. 1996માં કાશ્મીરમાં જાવેદ અહેમદને ત્રાસવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેઓ ત્રાસવાદીઓના શિકાર થઇ ગયા હતા, પરંતુ બચી ગયા. પરંતુ ત્રાસવાદીઓની ગોળીઓના કારણે કીડની ગુમાવી દીધી. ઇન્ટેસ્ટાઇન – આંતરડાનો એક હિસ્સો ગુમાવી દીઘો હતો. ગંભીર પ્રકારની કરોડરજ્જૂની ઇજા થઇ ગઇ. પોતાના પગ પર ઉભા રહેવાનું સામર્થ્ય હંમેશ માટે ચાલ્યું ગયું. પરંતુ જાવેદ અહેમદે હાર ન માની. ત્રાસવાદની ઇજા પણ તેમને હરાવી શકી નહીં. તેમની પોતાની પ્રબળ ઇચ્છા, પરંતુ સૌથી મોટી વાત એ છે કે કારણ વગર એક નિર્દોષ વ્યકિતને આટલી મોટી મુશ્કેલી વેઠવી પડી, યુવાની જોખમમાં આવી ગઇ પરંતુ ના કોઇ આક્રોશ, ન કોઇ રોષ. આ સંકટને પણ જાવેદ અહેમદે સંવેદનામાં બદલી નાંખ્યું. તેમણે પોતાના જીવનને સમાજસેવામાં અર્પિત કરી દીધું. શરીર સાથ નથી આપતું પરંતુ વીસ વર્ષથી તેઓ બાળકોના અભ્યાસમાં ડૂબી ગયા છે. શારીરિક રીતે વિકલાંગ લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કેવી રીતે આવે ? સાર્વજનિક સ્થાનો પર સરકારી કચેરીઓમાં વિકલાંગ માટે વ્યવસ્થાઓ કેવી રીતે વિકસિત કરવામાં આવે ? તેના પર તેઓ કામ કરી રહ્યા છે. તેમણે પોતાનો અભ્યાસ પણ એ દિશામાં ફેરવી નાંખ્યો. તેમણે સામાજિક કાર્યમાં માસ્ટર ડીગ્રી મેળવી અને એક સમાજસેવક તરીકે એક જાગૃત નાગરીકના રૂપમાં વિકલાંગોના દૂત બનીને તેઓ આજે એક મૌન ક્રાંતિ કરી રહ્યા છે. શું જાવેદનું જીવન હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આપણે પ્રેરણા આપવા પૂરતું નથી ?

હું જાવેદ અહેમદના જીવનને તેમની તપસ્યાને અને તેમના સમર્પણને ત્રણ ડિસેમ્બરને વિશેષરૂપે યાદ કરૂં છું. સમયના અભાવમાં હું ભલે જાવેદની જ વાતો કરતો હોઉ પરંતુ હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આવા પ્રેરણાના દીપ પ્રજવળી રહ્યા છે. જીવવાનો નવો પ્રકાશ ફેલાવી રહ્યા છે, રસ્તો બતાવી રહ્યા છે. ત્રણ ડિસેમ્બર આવા બધા દરેકને યાદ કરીને તેમની પાસેથી પ્રેરણા મેળવવાનો અવસર છે.

આપણો દેશ એટલો વિશાળ છે, ઘણી વાતો હોય છે. જેમાં આપણે સરકાર પર આધારિત હોઇએ છીએ. મધ્યમ વર્ગની વ્યકિત હોય, નિમ્ન મધ્યમ વર્ગની વ્યકિત હોય, ગરીબ હોય, દલિત, પીડિત, શોષિત, વંચિત તેમના માટે તો સરકાર સાથે સરકારી વ્યવસ્થાઓ સાથે સતત પનારો પડતો હોય છે. અને એક નાગરિક તરીકે જીવનમાં કયારેક ને કયારેક તો કોઇને કોઇ સરકારી બાબુ તરફથી ખરાબ અનુભવ થઇ જ જાય છે. અને તે એકાદ ખરાબ અનુભવ જીવનભર સરકારી વ્યવસ્થા પ્રત્યે જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. તેમાં સચ્ચાઇ પણ છે પરંતુ ક્યારેક ક્યારેક આ જ સરકારમાં બેઠેલા લાખ્ખો લોકો સેવાભાવથી, સમર્પણ ભાવથી, એવાં ઉત્તમ કામ કરે છે જે ક્યારેય આપણી નજરમાં નથી આવતાં. ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી કારણ કે, એટલું સહજ હોય છે આપણને ખબર જ નથી હોતી કે કોઇ સરકારી વ્યવસ્થા, કોઇ સરકારી નોકર આ કામ કરી રહ્યો છે. આપણા દેશમાં આશા વર્કર્સ જે આખા દેશમાં નેટવર્ક છે. આપણે ભારતના લોકોની વચ્ચે ક્યારેય આશા વર્કર્સ અંગે ચર્ચા ન મેં સાંભળી છે ન તમે સાંભળી હશે. પરંતુ મને જયારે બિલ ગેટ્સ ફાઉન્ડેશનના વિશ્વ પ્રસિધ્ધ પરિવાર એન્ટરપ્રિન્યોર તરીકે દુનિયામાં તેમની સફળતા એક દષ્ટાંત બની ચૂકી છે. આવા બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સ તે બંનેને આપણે સંયુક્ત રીતે પદ્મ વિભૂષણ આપ્યો હતો ગયા વખતે. તેઓ ભારતમાં બહુ સામાજિક કામ કરે છે. તેમનો પોતાનો નિવૃત્તિનો સમય અને જીવનભર જે કંઇ પણ કમાણી કરે છે, ગરીબોના કામ માટે વાપરી રહ્યા છે. તેઓ જયારે પણ આવે છે, મળે છે અને જે જે આશા વર્કર્સ સાથે તેમને કામ કરવાનો અવસર મળ્યો છે, તેમની એટલી પ્રશંસા કરે છે, એટલી પ્રશંસા કરે છે અને તેમની પાસે કહેવાનું એટલું હોય છે કે આ આશા વર્કરનું શું સમર્પણ છે, કેટલી મહેનત કરે છે, નવું નવું શીખવા માટે કેટલો ઉત્સાહ હોય છે. આ બધી વાતો તેઓ કહે છે. ગત દિવસો માં ઓડિશા સરકારે એક આશા વર્કરનું સ્વતંત્રતા દિવસ પર વિશેષ સન્માન કર્યું. ઓડિશાના બાલાસોર જિલ્લાના એક નાનકડું ગામ તેંદાગાંવ, એક આશા કાર્યકર્તા અને ત્યાંની સમગ્ર વસતિ અનુસૂચિત જનજાતિની છે. અનુસૂચિત જનજાતિઓના લોકો ત્યાં છે, ગરીબી છે, અને મેલેરિયાથી પ્રભાવિત ક્ષેત્ર છે. અને આ ગામની એક આશાવર્કર જમુના મણિસિંહ તેમણે નિશ્ચય કરી લીધો કે હવે હું આ તેંદાગાંવમાં મેલેરિયાથી કોઇને મરવા નહીં દઉં. તેનું ઘરેઘરે જવું, તાવના સમાચાર આવે તો પહોંચી જવું. તેમને જે પ્રાથમિક વ્યવસ્થાઓ શીખવાડાઇ છે તેના આધાર પર ઉપચાર માટે લાગી જવું. દરેક ઘર કીટનાશક મચ્છરદાનીનો ઉપયોગ કરે તેના પર ભાર દેવો. જેમ કે, પોતાનું બાળક સારી રીતે સૂઇ જાય અને જેટલી કાળજી કરવી જોઇએ તેવી રીતે આશા વર્કર જમુના મણિસિંહ આખું ગામ મચ્છરોથી બચીને રહે તે માટે પૂરા સમર્પણ ભાવથી કામ કરી રહી છે. અને તેમણે મેલેરિયા સામે મુકાબલો કરી, આખા ગામને મુકાબલો કરવા માટે તૈયાર કર્યું. આવી તો કેટલી જમુનામણિ હશે. કેટલા લાખો લોકો આપણી આજુબાજુમાં હશે. આપણે થોડાક તેમની તરફ આદરભાવથી જોઇશું. આવા લોકો આપણા દેશની કેટલી મોટી શકિત બની જાય છે. સમાજના સુખદુઃખના કેટલા મોટા સાથી બની જાય છે. હું આવા બધા આશા વર્કર્સને જમુનામણિના માધ્યમથી ગૌરવ ગાન કરૂં છું.

મારા પ્રિય યુવાન મિત્રો, મેં મારી યુવાન પેઢી માટે કે જે ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયા પર સક્રિય છે. My-gov – તેના પર મેં ત્રણ ઇબુક રાખી છે. એક ઇ-બુક સ્વચ્છ ભારતની પ્રેરક ઘટનાઓ સંદર્ભે, સાંસદોના આદર્શ ગ્રામ સંદર્ભે અને આરોગ્યના ક્ષેત્ર સંદર્ભે, સ્વાસ્થ્યના સંદર્ભે. હું તમને આગ્રહ કરૂં છું તમે તેને જુઓ. જુઓ એટલું જ નહીં બીજાને પણ દેખાડો. તેને વાંચો અને બની શકે કે તમને કોઇ આવી વાતો ઉમેરવાનું મન થઇ જાય. તો જરૂર તમે mygov.in ને મોકલી આપો. આવી વાતો આપણા ધ્યાનમાં બહુ જલદી આવતી નથી. પરંતુ સમાજ માટે તે જ સાચી શકિત હોય છે. સકારાત્મક શકિત જ સૌથી મોટી ઉર્જા હોય છે. તમે પણ સારી ઘટનાઓને જણાવો – વહેંચો. આ ઇ-બુક બીજાને આપો. અને જો કોઇ ઉત્સાહી નવયુવાન આ ઇ-બુકને લઇને આજુબાજુની શાળાઓમાં જઇને આઠમા, નવમા, દસમા ધોરણના બાળકોને જણાવે કે જુઓ ભાઇ, અહીં આવું થયું. ત્યાં તેવું થયું. તો તમે સાચા અર્થમાં એક સમાજશિક્ષક બની શકો છો. હું તમને નિમંત્રણ આપું છું. આવો રાષ્ટ્રનિર્માણમાં તમે પણ જોડાઇ જાવ.

મારા પ્રિયદેશવાસીઓ, સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તનથી ચિંતિત છે. કલાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ખૂણેખાંચરે તેની ચર્ચા પણ છે. – ચિંતા પણ છે અને દરેક કામને હવે કરતા પહેલાં એક માપદંડના રૂપમાં તેને સ્વીકૃતિ મળતી જાય છે. પૃથ્વીનું તાપમાન હવે વધવું જોઇએ નહીં. તે દરેકની જવાબદારી પણ છે, ચિંતા પણ છે. અને તાપમાનતી બચવાનો સૌથી પહેલો રસ્તો છે. ઉર્જાની બચત “ઉર્જા સંરક્ષણ” 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. સરકાર તરફથી અનેક યોજનાઓ ચાલી રહી છે. એલ.ઇ.ડી. બલ્બની યોજનાઓ ચાલી રહી છે. મેં એક વાર કહ્યું હતું કે, પૂર્ણિમાની રાતે શેરીની લાઇટો સ્ટ્રીટ લાઇટો બંધ કરીને અંધારૂં કરીને કલાકો પૂર્ણ ચંદ્રમાના પ્રકાશમાં નહાવું જોઇએ. તે ચંદ્રમાના પ્રકાશનો અનુભવ કરવો જોઇએ. કોઇ મિત્રએ મને એક લિંક મોકલી હતી જોવા માટે અને મને તે જોવાનો અવસર મળ્યો તો મન થયું કે, હું તમને એ વાત કહું. આમ તો તેની ક્રેડીટ ઝી ન્યુઝને જાય છે. કારણ કે તે લિંક ઝી ન્યૂઝની હતી. કાનપૂરમાં નૂરજહાં નામનાં એક મહિલા, ટીવી પરથી લાગતું નથી કે, તેમને વધુ ભણવાનું સૌભાગ્ય મળ્યું હશે. પરંતુ એક એવું કામ તેઓ કરી રહ્યાં છે જે કદાચ કોઇએ વિચાર્યુ જ નહીં હોય. તેઓ સોલાર ઉર્જાથી સૂર્યશકિતનો ઉપયોગ કરીને ગરીબોને અજવાળું આપવાનું કામ કરી રહ્યાં છે. તેઓ અંધારા સામે જંગ લડી રહ્યાં છે. અને પોતાના નામને અજવાળી રહ્યાં છે. તેમણે મહિલાઓની એક સમિતિ બનાવી છે અને સોલાર ઉર્જાથી ચાલનારૂં ફાનસ, તેનો એક પ્લાન્ટ સ્થાપ્યો છે. અને મહિનાના 100 રૂપિયાના ભાડાથી તેઓ ફાનસ આપે છે. લોકો સાંજે ફાનસ લઇ જાય છે. સવારે આવીને ફરી ચાર્જિંગ માટે આપી જાય છે. અને બહુ મોટી સંખ્યામાં. મેં સાંભળ્યું છે કે 500 ઘરોનાં લોકો આવે છે. ફાનસ લઇ જાય છે. રોજનો લગભગ ત્રણ ચાર રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ સમગ્ર ઘરમાં પ્રકાશ રહે છે અને તે નૂરજહાં આ પ્લાન્ટમાં સોલાર એનર્જીથી આ ફાનસને રિચાર્જ કરવાનું કામ આખો દિવસ કરતી રહે છે. હવે જુઓ આબોહવા પરિવર્તન માટે વિશ્વના મોટામોટા લોકો શું શું કરતા હશે, પરંતુ એક નૂરજહાં કદાય દરેકને પ્રેરણા આપે એવું કામ કરી રહ્યાં છે. અને આમ પણ નૂરજહાંનો અર્થ જ છે – સંસારને પ્રકાશિત કરવો. આ કામ દ્વારા તેઓ પ્રકાશ ફેલાવી રહ્યાં છે. હું નૂરજહાંને અભિનંદન આપું છું અને ઝી ટીવીને પણ અભિનંદન આપું છું, કારણ કે, તેમણે કાનપુરના એક નાનકડા ખૂણામાં ચાલી રહેલું આ કામ દેશ અને દુનિયા સામે પ્રસ્તુત કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. મને ઉત્તરપ્રદેશના શ્રી અભિષેકકુમાર પાંડેએ એક ફોન કર્યો છે. (“જી નમસ્કાર, હું અભિષેકકુમાર પાન્ડે બોલું છું. ગોરખપુરથી એન્ટરપ્રિન્યોર તરીકે હું આજે અહીં કામ કરૂં છું, વડાપ્રધાનશ્રીને હું ખૂબ જ અભિનંદન આપવા માંગુ છું. કે તેમણે એક કાર્યક્રમ શરૂ કર્યો મુદ્રા બેંક. અમે વડાપ્રધાનશ્રી પાસેથી જાણવા માગીએ છીએ કે આ જે મુદ્રા બેંક ચાલે છે તેમાં કઇ રીતે અમારા જેવા સાહસિકો-ધંધાર્થીઓને સહાય આપવામાં આવે છે ? સહયોગ આપવામાં આવે છે. ?”)

અભિષેકજી ધન્યવાદ, ગોરખપુરથી તમે જે મને સંદેશ આપ્યો. પ્રધાનમંત્રી મુદ્રા યોજના “ફંડ ધ અન્ફંડેડ” જેમને નાણાં નથી મળતાં તેમને નાણાં મળે. અને હેતું એ છે, જો હું તેને સરળ ભાષામાં સમજાવું તો ત્રણ ઇ-એન્ટરપ્રાઇઝ, અર્નિંગ, એમ્પાવરમેન્ટ. મુદ્રા વેપારી સાહસોને પ્રોત્સાહીત કરે છે. મુદ્રા કમાણીની તકો પેદા કરે છે. અને મુદ્રા સાચા અર્થમાં સશક્ત બનાવે છે. નાના નાના સાહસિકોએ મદદ કરવા માટે આ મુદ્રા યોજના ચાલી રહી છે. જો કે હું જે ગતિથી જવા માગું છું તે ગતિ તો હજુ આવવાની બાકી છે. પરંતુ શરૂઆત સારી થઇ છે. આટલા ઓછા સમયમાં લગભગ 66 લાખ લોકોને 42 હજાર કરોડ રૂપિયા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી એ લોકોને મળ્યા છે. ધોબી હોય, કેશકર્તનકાર હોય, છાપું વાંચનાર હોય, દૂધ વેચનાર હોય, નાના નાના વેપાર કરનારા લોકો અને મને ખુશી તો એ વાતની થઇ કે, આ 66 લાખમાં લગભગ 24 લાખ મહિલાઓ છે. અને આ મદદ મેળવનારાઓમાં મોટાભાગના એસસી, એસટી, ઓબીસી આ વર્ગના લોકો છે. જે પોતે મહેનત કરીને આપબળે સન્માનથી પરિવાર ચલાવવાનો પ્રયાસ કરે છે. અભિષેકે તો પોતે પોતાના ઉત્સાહની વાત કરી છે. મારી પાસે ઘણા સમાચારો આવતા રહે છે. મને હમણાં જ કોઇએ કહ્યું કે મુંબઇમાં કોઇ શૈલેષ ભોંસલે છે. મુદ્રા યોજના હેઠળ બેંક પાસેથી તેમને સાડા આઠ લાખ રૂપિયાનું ધિરાણ મળ્યું. અને તેમણે સુએજ ડ્રેસ સફાઇનો વેપાર શરૂ કર્યો.

મેં મારા સ્વચ્છતા અભિયાન વખતે કહ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન એવું છે કે, જે નવા સાહસિકો તૈયાર કરશે. અને શૈલેષ ભોંસલેએ કરી બતાવ્યું. તેઓ એક ટેંકર લાવ્યા છે તે કામ કરી રહ્યા છે અને મને જણાવાયું છે કે આટલા ઓછા સમયમાં બે લાખ રૂપિયા તો તેમણે બેંકને ચૂકવી પણ દીધા. છેવટે આપણી મુદ્રા યોજના હેઠળ આ જ હેતુ છે. મને ભોપાલના મમતા શર્માના વિષયમાં કોઇએ કહ્યું કે, તેમને આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ બેંકમાંથી 40 હજાર રૂપિયા મળ્યા. તેઓ બટવા બનાવવાનું કામ કરી રહ્યાં છે. અને બટવા બનાવે છે. પરંતુ પહેલાં તેઓ વધુ વ્યાજથી પૈસા લાવતા હતા. અને ઘણી મુશ્કેલીથી વેપાર કરતા હતા. હવે તેમને મોટી સંખ્યામાં એક સાથે રૂપિયા આવવાના કારણે તેમણે પોતાના કામને વધુ સારૂં બનાવી દીધું. અને પહેલાં વધુ વ્યાજના કારણે અને, બીજા કારણોના લીધે જે વધુ ખર્ચ થતો હતો, તે પૈસા હવે તેમના હાથમાં આવવાના કારણે દર મહિને લગભગ એક હજાર રૂપિયા વધુ બચવા લાગ્યા. અને તેમના પરિવારનો એક સારો વ્યવસાય પણ ધીરેધીરે વધવા લાગ્યો. પરંતુ હું ઇચ્છીશ કે યોજનાનો વધુ પ્રચાર થાય. આપણી બધી બેંક વધુ સંવેદનશીલ બને. અને વધુમાં વધુ નાના લોકોને મદદ કરે. સાચે જ, દેશનું અર્થતંત્ર આ લોકો જ ચલાવે છે. નાનું નાનું કામ કરનારા લોકો જ દેશની આર્થિક શકિત હોય છે. અમે પણ તેના પર જોર આપવા માગીએ છીએ. સારૂં થયું છે પરંતુ હજુ વધુ સારૂં કરવું છે.

મારા પ્રિય દેશવાસીઓ, 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિના દિવસે મે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ચર્ચા કરી હતી. આ બાબતો હોય છે જેના પ્રત્યે સમાજ જીવનમાં નિરંતર જાગૃતિ રહેવી જોઇએ. “રાષ્ટ્રયામ્ જાગ્રયામ્ વ્યમ્” “Intrernal Vigilance is the Prize of liberty” દેશની એકતા આ સંસ્કાર સરિતા ચાલતી રહેવી જોઇએ. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” તેને હું એક યોજનાનું રૂપ દેવા માંગુ છું. માય ગોવ તેના પર સૂચનો માંગ્યા હતા. કાર્યક્રમનું માળખું શું હોય ? લોગો શું હોય ? લોકભાગીદારી કેવી રીતે વધે ? શું રૂપ હોય ? આ બધાં સૂચનો માટે મેં કહ્યું હતું. મને કહેવામાં આવ્યું કે, ઘણાં સૂચનો આવી રહ્યાં છે. પરંતુ હું હજુ વધુ સૂચનોની અપેક્ષા રાખું છું. ઘણી ચોકકસ યોજનાની અપેક્ષા રાખું છું. અને મને કહેવાયું છે કે તેમાં ભાગ લેનારાઓને પ્રમાણપત્ર મળવાનું છે. કોઇ મોટા મોટા ઇનામો પર જાહેર કરાયાં છે. તમે પણ તમારૂં સર્જનાત્મક મગજ દોડાવો. એકતા અખંડતાના આ મંત્રને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” આ મંત્રને એક એક હિન્દુસ્તાનીને જોડનારો મંત્ર કેવી રીતે બનાવી શકીએ. કેવી યોજના હોય. કેવા કાર્યક્રમો હોય. જાનદાર પણ હોય, શાનદાર પણ હોય, પ્રાણવાન પણ હોય, અને દરેકને જોડવા માટે સહજ સરળ હોય, સરકાર શું કરે ? સમાજ શું કરે ? સિવિલ સોસાયટી શું કરે ? ઘણી વાતો હોઇ શકે છે. મને વિશ્વાસ છે તમારાં સૂચનો જરૂર કામમાં આવશે.

મારા પ્રિય ભાઇઓ, બહેનો, શિયાળો આવી ગયો છે. ઠંડીમાં ખાવાની મજા તો આવે જ છે. કપડાં પહેરવાની મજા આવે છે. પરંતુ મારો આગ્રહ છે વ્યાયામ કરો. મારો આગ્રહ રહેશે શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂર થોડોક સમય આ સારી ઋતુનો ઉપયોગ વ્યાયામ – યોગ તેના માટે જરૂર કરશો. અને પરિવારમાં જ વાતાવરણ બનાવો, પરિવારનો એક ઉત્સવ જ હોય, એક કલાક બધા મળીને આ જ કરવાનું છે. તમે જુઓ – કેવી ચેતના આવી જાય છે, અને આખો દિવસ શરીર કેટલો સાથ આપે છે. તો સારી ઋતુ છે તો સારી ટેવ પણ પડી જાય. મારા પ્રિય દેશવાસીઓને ફરી એકવાર શુભેચ્છાઓ.. જયહિંદ…

J.Khunt/GP