Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઑલ ઈન્ડીઆ મેયર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઑલ ઈન્ડીઆ મેયર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


હર હર મહાદેવ,

નમસ્કાર!

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી, જન જનના ઉપયોગી, યોગી આદિત્યનાથજી, કેબીનેટના મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી આશુતોષ ટંડનજી, નિલકંઠ તિવારીજી, ઑલ ઈન્ડિયા મેયર કાઉન્સિલના ચેરમેન શ્રી નવિન જૈનજી, કાશીમાં ઉપસ્થિત અને દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા આપ સૌ મેયર સાથીઓ, અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો.

કાશીના સાંસદ હોવાના નાતે મારી કાશીમાં આપ સૌનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરૂં છું. મારા માટે  ખૂબ સૌભાગ્યનો અવસર હોત કે મારી કાશીમાં હું આપનું સ્વાગત કરી શક્યો હોત, આપનું સન્માન કરી શક્યો હોત, પરંતુ સમયની કેટલીક મર્યાદાઓના કારણે હું ખુદ ત્યાં હાજર રહીને તમારૂં સ્વાગત કરી શકતો નથી, પણ મને પૂરો વિશ્વાસ છે કે મારા કાશીવાસીઓએ તમારી મહેમાનગતિમાં કોઈ ઊણપ નહીં રાખી હોય. તમારી ખૂબ સરભરા કરી હશે, કાળજી પણ રાખી હશે અને તેમાં પણ જો કોઈ ઊણપ રહી ગઈ હોય તો દોષ કાશીવાસીઓનો નહીં હોય, તે દોષ મારો હશે અને એટલા માટે આપ સૌ મને ક્ષમા કરશો.

અને કાશીથી હું તમારા વકતવ્યોને ભરપેટ માણી શક્યો હોત અને સાથે બેસીને ભાવિ ભારત માટે, ભારતના શહેરોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારા સાથે અનુભવોનું આદાનપ્રદાન પણ કર્યું હોત. આપણે ઘણી બધી બાબતો એક બીજા પાસેથી શિખ્યા હોત અને પોતપોતાના શહેરને, પોતપોતાની પધ્ધતિથી આગળ ધપાવવા માટે, શહેરને સુંદર બનાવવા માટે, શહેરને વાયબ્રન્ટ બનાવવા માટે એક જાગૃત શહેર બનાવવા માટે તમે કોઈ કસર છોડશો નહીં તેવો મને પૂરો વિશ્વાસ છે. આપ સૌ મેયર સાહેબો પોતાના કાર્યકાળ દરમ્યાન પોતાના શહેરને કશુંકને કશુંક આપવા ઈચ્છતા હશો. આપ સૌ ચોક્કસ ઈચ્છતા હશો કે તમે તમારા શહેરમાં એવું કંઈ કરશો કે જેથી આવનારા સમયમાં 5, 20, 50 વર્ષ પછી પણ જો કોઈપણ વ્યક્તિ શહેરમાં આવે ત્યારે ચર્ચા કરે કે અમુક સજ્જન જ્યારે અહીંયા મેયર હતા ત્યારે, અમુક બહેન શહેરમાં મેયર  હતા ત્યારે કામ થયું હતું. આવી એક યાદગીરી બની જાય અને એક દિશા બની જાય તેવું દરેક વ્યક્તિના મનમાં એક સપનું રહેવુ જોઈએ, એવો સંકલ્પ હોવો જોઈએ અને સંકલ્પ પૂરો કરવા માટે તનમનથી લાગી જવું જોઈએ. અને જનતાને જ્યારે તમારા પર વિશ્વાસ હશે ત્યારે નગરની પૂરી જવાબદારી તમને સોંપી હશે. તેને સારી રીતે પૂર્ણ કરવાનો તમારે પ્રયાસ કરવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે તમે સૌ દિશામાં જરૂર કશુંને કશું કરતા હશો. તેનું સારૂ પરિણામ મળે તે માટે પ્રયાસ કરતા રહેતા હશો અને આજે હું શહેરી વિકાસ મંત્રાલયને, ઉત્તર પ્રદેશની સરકારને અને આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ સૌએ મહત્વના કાર્યક્રમ માટે મારા બનારસને પસંદ કર્યું, મારી કાશીની પસંદગી કરી. દેશના વિકાસ માટે તમારા સંકલ્પોને બાબા વિશ્વનાથનો આશીર્વાદ મળશે તો આપ સૌ ઘણું બધુ અને કંઈને કંઈ નવું પ્રાપ્ત કરીને, નવી પ્રેરણા મેળવીને, નવા ઉમંગ સાથે ચોક્કસ પોતાના કાર્યક્ષેત્રમાં પાછા ફરશો. કાશીમાં યોજાઈ રહેલા કાર્યક્રમને હું અનેક સંભાવનાઓ સાથે જોડીને જોઈ રહયો છું. એક તરફ બનારસ જેવું દુનિયાના સૌથી પ્રાચીન શહેરમાંથી એક સ્થાન અને બીજી તરફ આધુનિક ભારતના આધુનિક શહેરોની રૂપરેખા. હજુ હમણાં જ્યારે હું કાશીમાં હતો ત્યારે મેં જણાવ્યું હતું કે કાશીનો વિકાસ સમગ્ર દેશના વિકાસ માટે એક રોડમેપ બનાવી શકે છે. આપણાં દેશમાં મોટા ભાગના શહેરો, પરંપરાગત શહેરો હોય છે. તે પરંપરાગત રીતે વિકસીત થયા છે. આધુનિકીકરણના સમયમાં અમારા શહેરોની પ્રાચીનતાનું પણ એટલુ મહત્વ છે. આપણાં પ્રાચીન શહેરોમાં, તેની દરેક ગલીના એક એક પથ્થરથી, દરેક ક્ષણથી, ઈતિહાસની દરેક ઘટનાથી, ઘણું બધું શિખી શકીએ તેમ છીએ. તે શહેરોના ઐતિહાસિક અનુભવોને આપણાં જીવનની પ્રેરણા બનાવી શકીએ તેમ છીએ. આપણાં વારસાની માવજત કરીને નવી નવી પધ્ધતિઓથી આપણે વિકસીત કરી શકીએ તેમ છીએ. આપણે શિખી શકીએ છીએ, સ્થાનિક કલા કૌશલ્યને આગળ ધપાવવાની પધ્ધતિઓને કેવી રીતે આગળ ધપાવવી, કેવી રીતે સ્થાનિક કૌશલ્ય અને ઉત્પાદનો શહેરની ઓળખ બની શકે છે તેનો અનુભવ પૂરો પાડવાનો રહેશે!

સાથીઓ,

તમે જ્યારે બનારસમાં ફરશો અને તમારામાંના ઘણાં એવા હશે કે જે પ્રથમ વખત શહેરમાં આવ્યા હશે, અથવા તો અગાઉ ક્યારેય પણ આવ્યા હશો તો જૂની સ્મૃતિઓ સાથે નવા પરિવર્તનની ચોક્કસ તુલના પણ કરશો અને સાથે સાથે તમારા મનમાં પોતાનું શહેર નજરે પડશે અને તમે દર ક્ષણે જોતાં રહેશો કે હું કેવા શહેરમાંથી આવ્યો છું, ત્યાંની ગલીઓ કેવી છે અને કાશીની ગલીઓ કેવી છે. હું જે શહેરમાંથી આવું છું ત્યાંની નદી અને અહીંની નદીની તમે દરેક પળે તુલના કરવાનો પ્રયાસ કરશો. તમારી સાથે જે અન્ય મેયરો હશે તેમની સાથે અંગે ચર્ચા પણ કરશો. તેમણે કેવા કામ કર્યા છે, કેવી રીતે કર્યા છે તે બધા અંગે આપણને સૌને ચર્ચા કરતાં કરતાં નવા વિચારો પ્રાપ્ત થશે. નવી કલ્પનાઓ મળશે, નવા કાર્યક્રમો કેવી રીતે યોજવા તે પણ નકકી કરશો તો તમારા શહેરના લોકોને, તમારા રાજ્યના લોકોને એક નવી ખુશી મળશે. અને આપણે કોશિશ કરતાં રહેવું જોઈએ કે આપણે ઉત્ક્રાંતિમાં વિશ્વાસ કરીએ. આજે ભારતને ક્રાંતિની જરૂર નથી. આપણે કાયાકલ્પની જરૂર છે. જે જૂનુ હોય તે બધુ તોડીફોડી નાંખવું તે આપણો રસ્તો નથી, પરંતુ જૂનું જે કાંઈ હોય તેની સંભાળ લઈને આધુનિકતા તરફ આપણે કેવી રીતે આગળ ધપીએ, કેવી રીતે આધુનિક યુગની જરૂરિયાતો પૂરી કરીને આપણે આગળ ધપી શકીએ તેનો આપણે સૌ લોકોએ પ્રયાસ કરતાં રહેવું પડશે. હવે તમે જુઓ, સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં દર વર્ષે સ્વચ્છ શહેરોની ઘોષણા કરવામાં આવે છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે માત્ર કેટલાક શહેરોએ પોતાનું સ્થાન નક્કી કરી લીધુ છે, તે સારી બાબત છે, પણ બાકીના શહેરો નિરાશ થઈને બેસી રહે કે ઈનામ તો અમુક શહેરને મળશે, તે શહેર ખૂબ આગળ નિકળી ગયું છે. આવું માનતા રહેશો તો તમે કશું કરી શકશો નહીં. આપણે નહીં કરી શકીએ તેવી માનસિકતા નહીં હોવી જોઈએ. આપ સૌ મેયર સંકલ્પ કરો કે હવે પછી જ્યારે સ્વચ્છતા સ્પર્ધા યોજાય ત્યારે તમે કોઈનાથી પાછળ નહીં રહો. તમારૂં શહેર કોઈનાથી પણ પાછળ ના રહે તેવો તમારે સંકલ્પ કરવાનો રહેશે. તમે આવો સંકલ્પ ના કરી શકતા હો તો હું તો કહીશ કે અમારા હરદીપ પુરીજી પણ જણાવે છે કે સૌએ કોશિશ કરતાં રહેવું જોઈએ. જે શહેરો શ્રેષ્ઠ હશે તેમને ઈનામ તો આપીશું , તેમને પારખીન સન્માનિત પણ કરીશું, પણ જે શહેરો સારાં બનવાનો સૌથી વધુ પ્રયાસ કરી રહ્યા છે તેમની પણ અમે કદર કરીશું. અને જે શહેરો પોતાની આંખ બંધ કરીને બેસી ગયા છે અને કશું કરવા માંગતા નથી તેમની યાદી તૈયાર કરવામાં આવશે અને એવાં વિજ્ઞાપનો આપીશું કે રાજ્યના અમુક શહેરો સ્વચ્છતા બાબતે કશું કરી શકતા નથી. આવું થશે ત્યારે જનતાનું દબાણ વધશે અને દરેક વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થશે. મેયરોને મારો આગ્રહ છે કે તમે માત્ર સ્વચ્છતાને સમગ્ર વર્ષ દરમ્યાન ચાલતા કાર્યક્રમ તરીકે જુઓ. શું તમે દર મહિને બોર્ડની બેઠક યોજાય ત્યારે બેઠકમાં આવી સ્પર્ધા થતી હોય તેની કદર પણ કરી શકો છે. જ્યુરી બનાવીને દરેક મહિને કયું બોર્ડ સૌથી વધુ સ્વચ્છતાના ઈનામ માટે આગળ ધપી રહ્યું છે તે જોવાનું ગમશે. જો વિવિધ બોર્ડ વચ્ચે સ્પર્ધા થતી હશે તો બોર્ડના કાઉન્સિલરો વચ્ચે પણ સ્પર્ધા થશે તો તેની એકંદર અસર, તેની પૂર્ણ અસર સમગ્ર શહેરનું સ્વરૂપ બદલવા માટે કામમાં આવશે. અને એટલા માટે હું કહું છું કે જે રીતે સ્વચ્છતાનું એક રીતે મહત્વ છે તેવું શહેરને સુંદર બનાવવાનું પણ મહત્વ છે. હું ઈચ્છા રાખીશ કે શહેરોને સુંદર બનાવવાની, બ્યુટિફિકેશનની પણ સ્પર્ધા કરવામાં આવે, આવી સ્પર્ધા થાય તો તેમાં મારે કઈ કહેવાનું રહેતુ નથી. આપણે જો બ્યુટિ કોમ્પિટીશન કરીએ છીએ ત્યારે કયું બોર્ડ સૌથી સુંદર છે તે માટે સફાઈના માપદંડ પણ નક્કી થઈ શકે છે. સૌંદર્યની દ્રષ્ટિએ એવા પ્રયાસો માપદંડ બની શકે છે તે જોવાનું રહેશે. દરેક નગર જાતે પોતાની જ્યુરી બનાવે, દિવાલોને કેવી રીતે રંગવામાં આવે, દુકાનો હોય તો તેના બોર્ડ કેવી રીતે  લગાવવામાં આવે, ગલીઓના સાઈન બોર્ડ હોય તો તેમાં નામ કેવી રીતે લખવામાં આવે, સરનામું કેવી રીતે લખવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે. આવી અનેક બાબતો છે કે જેને તમે ધ્યાનમાં રાખશો તો એક સ્પર્ધાનું આયોજન થઈ શકશે. હાલમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેમાં ત્રણ બાબતો જણાવવામાં આવી છે. તમે સામાન્ય માનવી પાસેથી કેવું કામ કરાવી શકો છે તે એક બાબત છે. બીજી બાબત છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં રંગોળી સ્પર્ધાઓ પણ યોજવામાં આવે. રંગોળી પણ સુંદર હોય એટલુ નહીં, પણ આઝાદીના આંદોલનની કોઈ ઘટના સાથે જોડાયેલી હોય તો તે સારૂં રહેશે. જો તમે સમગ્ર શહેરની સ્પર્ધા યોજશો તો આગામી 26મી જાન્યુઆરી સુધી આવી સ્પર્ધા યોજવા માટે ખાસ વાતાવરણ ઊભું કરો. જુઓ, કેવો ફેરફાર થઈ શકે છે, કે પછી ફેરફાર થઈ શકે તેમ નથી તે જાણી શકશો. આવી રીતે તમારા શહેરમાં આઝાદીના આંદોલન દરમ્યાન જે કોઈ ઘટનાઓ બની હોય તેના માટે કોઈને કોઈ વ્યક્તિ ગીતો લખે. તમારા શહેરમાં આવી ઘટનાઓ અંગે ગીતો લખવામાં આવે અને તેની સ્પર્ધા પણ યોજાય. દેશની મહાન ઘટનાઓને જોડીને તેના અંગે લખવાની પણ સ્પર્ધા યોજવામાં આવે. તમે જુઓ, પરિવર્તન આવશે કે નહીં આવે, પણ પ્રકારે આપણી માતાઓ અને બહેનોને પ્રવૃત્તિ સાથે જોડવા માટે એક મોટો કાર્યક્રમ કરી શકીએ તેમ છીએ. આપણે ત્યાં જૂની પરંપરા હતી તેમાં હાલરડાં ગવાતા હતા, બાળકો જ્યારે નવજાત શિશુ હોય છે ત્યારે દરેક ઘરમાં હાલરડાં ગવાતા હોય છે. દરેક માતા અને બહેન શું કોઈ આધુનિક હાલરડું બનાવી શકે નહીં આધુનિક સ્વરૂપે ભવિષ્યનું ભારત કેવુ હશે, વર્ષ 2047માં દેશને જ્યારે 100 વર્ષ થશે ત્યારે કેવા સપનાં હશે, જે બાળકોએ આજે જન્મ લીધો છે, જે બાળકોને માતા હાલરડાં સંભળાવી રહી છે તેવા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેના હાલરડાં સંભળાવવામાં આવે. બાબતે સંસ્કારો આપવામાં આવે. આપણે તેમને સંસ્કાર આપતાં રહીશું તો આપણે સૌ સાથે મળીને ભારતની આઝાદીને જ્યારે 100 વર્ષ પૂરાં થશે ત્યારે તેની ઉજવણી કરવામાં આવશે ત્યારે આવું કરતાં આપણે કેવી ઉજવણી કરીશું તે જણાવી શકાય છે. હવે જુઓ, આપણે ત્યાં તમે કાલે જોયું હશે કે તમને કદાચ તક મળી હશે તો આજે ગંગા ઘાટ પર જઈને જોશો કે ત્યાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. કાશીનું અર્થતંત્ર ચલાવવામાં માતા ગંગાની ખૂબ મોટી ભૂમિકા છે. માતા ગંગાના કાંઠે જે કાંઈ પણ બન્યું છે તેનાથી કાશીના અર્થતંત્રને તાકાત મળી રહે છે. શું આપણે આપણાં શહેરને એવું પણ બનાવી શકીએ. તમારે ત્યાં કોઈને કોઈ નદીનો કાંઠો હોય કે શહેરમાંથી કોઈ નદી પસાર થતી હોય અને સમય જતાં તે નદી લુપ્ત થઈ ગઈ હોય, એક પ્રકારે તબાહી થઈ હોય અને નદીનું ગંદા નાળામાં રૂપાંતર થયું હોય અથવા તો નદીમાં વરસાદનું પાણી જવાનો માર્ગ બની ગયો હોય ત્યારે તે નદી કેવી દેખાય છે અને અગાઉ નદી કેવી દેખાતી હતી તે બાબતે ધ્યાન રાખવાનુ રહેશે. આપણે નદીઓ પ્રત્યે ખૂબ સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ. આજે સમગ્ર દુનિયામાં જ્યારે પાણીના સંકટની ચર્ચા થતી હોય છે. આજે જ્યારે પૂરી દુનિયા ગ્લોબલ વૉર્મિંગ એટલે કે જલવાયુ પરિવર્તન અંગે ચર્ચા થતી રહે છે, ત્યારે આપણે આપણાં શહેરની નદીની દરકાર કરીએ નહીં તે કેમ ચાલે. આપણે નદીનું મહત્વ સમજવું પડશે. આપણે જો મહત્વ નહીં સમજીએ તો નદીનું ગૌરવ કેવી રીતે કરી શકીશું.

શું આપણે એક કામ કરી શકીએ તેમ છીએ? દર વર્ષે સાત દિવસ માટે જ્યારે તમામ લોકોને અનુકૂળતા હોય ત્યારે ઉત્સવ મનાવીએ. નદીનો ઉત્સવ મનાવીને તેની ઉજવણીમાં સમગ્ર શહેરને જોડીએ. કાર્યક્રમમાં નદીની સફાઈ અંગેનું કામ પણ સામેલ કરી શકાય તેમ છે. નદીના ઈતિહાસ અંગે કોઈને કોઈ વાતો થતી હોય છે. નદીના કાંઠે બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈને નદીના ગુણગાનની વાતો પણ થતી હોય છે. ક્યારેક નદીના કાંઠે જઈને સમારંભો પણ યોજી શકાય છે. કેટલાક કવિ સંમેલનો પણ થઈ શકે છે. રીતે નદીને કેન્દ્રમાં રાખીને નગરના વિકાસની યાત્રામાં નદીને ફરી એક વખત જીવંત સ્થાન આપવું જોઈએ. જ્યાં નદી છે તે સ્થળને આપણે હળવાશથી લેવાની નથી. તમે જુઓ, આવું થશે તો તમારા નગરમાં એક નવી ચેતના આવશે, નવો ઉત્સાહ આવશે અને નદીનું મહત્વ કેવી રીતે વધારી શકાય તે બાબતે આપણે કંઈને કંઈ કરતાં રહેવુ જોઈએ.

આવી રીતે તમે જોયું હશે કે સિંગલ યુઝડ પ્લાસ્ટિક બાબતે આપણાં શહેરો કેટલાં જાગૃત છે. આપણે દુકાનદારો અને વેપારીઓને સમજાવવાનું રહેશે કે આપણાં શહેરમાં આપણે સિંગલ યુઝડ પ્લાસ્ટિકનો ક્યાંય પણ ઉપયોગ કરીશું નહીં. આપણે તેને વ્યવસ્થામાંથી દૂર કરવાનું છે અને ગરીબોએ બનાવેલી, રદ્દી કાગળમાંથી બનાવેલી નાની નાની થેલીઓનો ઉપયોગ કરો અથવા તો એવી ટેવ પાડો કે ઘરેથી થેલી લઈને નિકળવાની આદત પડે. હવે તો સમગ્ર દુનિયામાં સર્ક્યુલર ઈકોનોમીનું મહત્વ વધતું જાય છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ક્યારેક ક્યારેક શહેરમાં અંગે પણ સ્પર્ધા યોજી શકાય તેમ છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તેનું પ્રદર્શન પણ યોજી શકાય તેમ છે. આવી ચીજોના માર્કેટીંગ માટે મેળો યોજાય, જેમની પાસે પ્રતિભા હોય, ડિઝાઈનર હોય કે જેમની પાસે જૂની ચીજો હોય તેમાંથી તમે જોયું હશે કે લોકો કેવી કેવી ચીજો બનાવે છે. આવી ચીજોને જો ચાર રસ્તા પર મૂકવામાં આવે તો તે સ્મારક બની જતી હોય છે. આપણે વેસ્ટ મેનેજમેન્ટના વિષયે એક ઈવેન્ટ મોડલ પણ બનાવી શકીએ તેમ છીએ. આવું મોડલ કેવી રીતે બની શકે છે તે વિચારવાની દિશામાં પણ આપણે કામ કરવું પડશે. અને જે  રીતે કેટલાંક શહેરોએ કર્યું છે તેમ ગટરનું પાણી પણ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આપણે જો બગીચામાં આવા પાણીનો ઉપયોગ કરતાં રહીએ તો, તમે કલ્પના કરી શકો છો કે જો ગામડાંના ખેડૂતોને પાણી મળવાનું બંધ થઈ જાય અને આપણે કહીએ કે શહેરને પણ પાણી આપો તો કેવી સ્થિતિ ઉભી થાય!

આપણું જે પીવા માટેનું પાણી છે તે સિવાયના કામ માટે ગટરના પાણી ઉપર   પ્રક્રિયા કરીને વપરાશમાં લઈ શકીએ તેમ છીએ. આવા પાણીનો ઉપયોગ બગીચાના પાણી માટે તથા અન્ય કામો માટે થઈ શકે તેમ છે. જે વેસ્ટ છે તેનું વેલ્થમાં રૂપાંતર થશે તો, જે પાણીની ગંદકી છે તે પણ દૂર થઈ જશે અને શહેરના આરોગ્યમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવશે. આપણાં શહેરના આરોગ્ય માટે આપણે જો શહેરમાં પ્રતિબંધ મૂકવા જેવી બાબતો પર ભાર નહીં મૂકીએ તો ગમે તેટલી હોસ્પિટલો બનાવીએ તો પણ તે ઓછી પડશે. સ્વાભાવિક છે કે આવું થતું રોકવા માટે આપણાં શહેરો સ્વચ્છ બને અને સ્વસ્થ પણ બને જોવાનો આપણાં સૌએ પ્રયાસ કરવાનો રહેશે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે ઘરમાંથી નિકળતા કચરાથી માંડીને, રસોઈમાંથી નિકળતા અને ગલીમાંથી નિકળતા કૂડાકચરાને ઉપયોગમાં લેવાના રહેશે. જે જૂની ઈમારતો તૂટીને નવી બની રહી છે તેવી ઈમારતો માટે પણ એક ચોક્કસ જગા નક્કી કરો. આપણે કૂડો કચરો ફેંકી દઈએ છીએ એવું નથી, પરંતુ કોશિશ કરીએ કે તેનો કેવી રીતે ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ તેમ છીએ. જે રીતે સુરતમાં ગટરના પાણીને પ્રોસેસ કરવાનું એક આધુનિક મોડલ વિકસીત કરવામાં આવ્યું છે કે ત્યાં ગટરનું પાણી શુધ્ધ કર્યા પછી ઉદ્યોગોને વેચવામાં આવી રહ્યું છે. કારણે સ્થાનિક સંસ્થાને કમાણી પણ થાય છે. આવા અનેક શહેરો અંગે મને જાણકારી છે એટલા માટે મેં ઉલ્લેખ કર્યો છે કે આવી પ્રવૃત્તિ અનેક શહેરોમાં થઈ રહી છે. આવી પ્રવૃત્તિ કરવાથી શહેરોની આવકમાં પણ ફાયદો થઈ શકે છેઅને આપણો એવા પ્રયાસ હોવા જોઈએ કે શહેરની નકામી ચીજોમાંથી ફાયદો થવો જોઈએ. હું માનું છું કે દરેક શહેરના જન્મ દિવસની આપણને ખબર હોવી જોઈએ. આપણાં શહેરનો જન્મ દિવસ ક્યારે છે તેની ખબર ના હોય તો જૂની ચીજોમાં શોધતાં રહેવું જોઈએ, બહાર કાઢવી જોઈએ, ક્યાંક તો રેકર્ડ ઉપલબ્ધ હશે. શહેરોના જન્મ દિવસ ધામધૂમથી ઉજવવા જોઈએ કે જેથી આપણને પોતાના શહેર અંગે ગૌરવ ઉભુ થાય. અનેક સ્પર્ધાઓ યોજાય અને મારૂં શહેર કેવું હોવું જોઈએ તેવી ભાવના દરેક નાગરિકમાં ઉભી થાય અને તે એવું ઈચ્છે કે મારે મારા શહેરને આવું બનાવવું છે અને તે માટે મારે આવા આવા કામ કરવાના છે અને હું તે માટે ચોક્કસ પ્રયાસ કરીશ. જ્યાં સુધી આપણે આવું કરી શકીશું નહીં તો કેવી હાલત થશે. વેરો ઘટાડ્યો કે ઓછો કર્યો, કામ કર્યું કે તે કામ કર્યું તેની ચર્ચા થતી રહેતી હોય  છે.

આપણાં યોગીજી તેમના ભાષણમાં હમણાં એલઈડી બલ્બ અંગેની ચર્ચા કરી રહ્યા હતા. આપણે નક્કી કરીએ કે મારા શહેરમાં ગલીનો એક પણ થાંભલો એવો ના હોય  કે જ્યાં એલઈડી બલ્બ લાગ્યો ના હોય. તમે જુઓ, આવુ થશે તો નગરપાલિકા કે મહાનગરપાલિકાના બીલો એકદમ ઓછા થઈ જશે અને રોશની બદલાઈ જશે તે તો અલગ. હવે આવા મોટા અભિયાન માટે એવું નક્કી કરવું જોઈએ કે મારે કામ બે મહિના કે ત્રણ મહિનામાં પૂરૂ કરવાનું છે. એક પણ બલ્બ એવો નહીં હોવો જોઈએ કે જે એલઈડી બલ્બ ના હોય. આવી રીતે આપણે આપણાં મતદાતાઓને, પોતાના નગરના નાગરિકોને ખુશ કરવા માટે પણ એક કામ કરી શકીએ તેમ છીએ. દરેક ઘરમાં એલઈડી બલ્બ હોય, મધ્યમ વર્ગના પરિવારમાં જો એલઈડી બલ્બથી લાઈટ ચાલશે તો તેમનું બીલ સો, પાંચસો, હજાર, બે હજાર ઓછું આવશે. મધ્યમ વર્ગને પૈસાની બચત થશે. આવો પ્રયાસ આપણે કરવો જોઈએ. અને માટે નવી યોજનાઓ ઉપલબ્ધ છે. ઉપલબ્ધ યોજનાઓનો ઉપયોગ કરીને આપણે પોતાના વિષયોને કેવી રીતે આગળ ધપાવી શકીએ તે વિચારતાં રહેવું જોઈએ.

હાલમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. તમારે ધ્યાન રાખવાનું છે કે શહેરનો વિકાસ લોક ભાગીદારીથી થવો જોઈએ. આપણે જન ભાગીદારીનો આગ્રહ રાખવાનો છે. જેટલા પ્રમાણમાં જન ભાગીદારી કરતાં રહીશું તે અંગે તમે નગરના લોકો સાથે વાત કરો. એનસીસીના યુનિટ ચાલે છે, સ્કૂલોમાં જઈને એનસીસીના યુનિટમાં જઈને વાત કરો. તમારા શહેરમાં જેટલા પણ પૂતળાંઓ હોય, બાબા સાહેબ આંબેડકરનું પૂતળું હોય, મહાત્મા ગાંધીજીનું પૂતળુ હશે, સ્વામી વિવેકાનંદજીનું પણ પૂતળુ હશે, ક્યાંક વીર ભગતસિંહ અને ક્યાંક મહારાણા પ્રતાપનું પણ પૂતળું હશે. ક્યાંક છત્રપતિ શિવાજી મહારાજના અલગ અલગ પ્રકારનાં પૂતળાં હોય છે. જ્યારે પૂતળાની સ્થાપના કરવામાં આવે ત્યારે આપણે ખૂબ જાગૃત હોઈએ છીએ. સમયે ઝાકઝમાળવાળા સમારંભો યોજીએ છીએ, પરંતુ પૂતળું લાગી  ગયા પછી કોઈ તેની તરફ જોતું પણ નથી. વર્ષમાં એક વખત જ્યારે તેમનો જન્મ દિવસ આવે ત્યારે તેની તરફ આપણું ધ્યાન જતું હોય છે. આપણે આપણાં એનસીસી કેડેટસની ટૂકડીઓ બનાવીને તમામ પૂતળાને સ્વચ્છ રાખી શકીએ, તેમની સફાઈ કરતાં રહીએ અને બાળકોને સામેલ કરીને પૂતળું કોનું છે તે બાબતે પાંચ મિનિટ ભાષણ કરતાં રહીશું તો ત્યાં દરરોજ નવા નવા બાળકો આવશે અને તેમને પણ ખ્યાલ આવશે કે કોનું પૂતળું છે. મહાપુરૂષે શું કામ કર્યું હતું અને હવે આપણો વારો છે. ચાલો, ચાર રસ્તા પર જઈને સફાઈ કરવાનો આપણને મોકો મળ્યો છે તો તે કરીએ. બાબતો નાની હોય છે, પણ સમગ્ર શહેરમાં પરિવર્તન લાવવા માટે મોટી તાકાત પૂરી પાડે છે.

આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો ત્યારે શું તમે ઓછામાં ઓછુ ચાર રસ્તા પર જઈને, તમારા શહેરમાં જ્યાં સર્કલ હોય ત્યાં, જ્યાં ચાર રસ્તા પડતાં હોય ત્યાં ખાનગી અને જાહેર ભાગીદારી વડે સર્કલને સુંદર બનાવવાનું કામ ના કરી શકો? સરકાર કે મ્યુનિસિપલ ભાગીદારી વગર તમે લોક ભાગીદારીથી સ્મારકો બનાવી શકો છો. એવા અનોખા સ્મારકો બનાવો કે જે આઝાદીના અમૃત મહોત્સવ સાથે સુસંગત હોય. આઝાદીના આંદોલનને અથવા દેશની કર્તવ્ય ભાવનાને, ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતની કેટલીક ચીજો પ્રદર્શિત કરવામાં આવી હોય તેવા સર્કલને  સુશોભિત કરવાની સ્પર્ધા યોજો. કલાકારોને પણ પૂછો કે ભાઈ આવા સ્થળોએ શું કરવું જોઈએ. ડિઝાઈન માટે સ્પર્ધા યોજો. સ્પર્ધામાં ઈનામ આપો. અને તે પછી તેવી રચના કરનારને પસંદ કરો. તમે તમારા જીવનનો યાદગાર અનુભવ છોડી જશો. અને હું માનું છું કે એવી ઘણી બાબતો છે કે જેનો આપણે આગ્રહ રાખી શકીએ તેમ છીએ. આવી રીતે તમારા શહેરની એક ઓળખ  ઉભી થશે. શું તમને એવું લાગતું નથી કે તમારા શહેરની એક ઓળખ ઊભી થાય? કોઈ એવું શહેર હોય કે જે ખાવાની ચીજો માટે જાણીતું હોય. તમે જણાવી શકો કે તમારા શહેરમાં ખાણીપીણીની કઈ ચીજો ખૂબ પ્રસિધ્ધ છે. જે રીતે બનારસના પાન છે, જ્યાં પણ જાવ લોકો બનારસના પાન અંગે વાત કરતા હોય છે. કોઈએ મહેનત કરી હશે તેથી તો આવી ઓળખ ઉભી થઈ શકી છે. શક્ય છે કે તમામ મેયર બનારસના પાનનો સ્વાદ માણશે, પરંતુ મારા કહેવાનો અર્થ છે કે તમારા શહેરમાં કોઈને કોઈ પ્રોડ્કટ તો એવી હશે કે જેનું ઐતિહાસિક મહત્વ હશે. તમે તમારા શહેરનું બ્રાન્ડીંગ આવા ઉત્પાદનને આધારે કરી શકો છો.

તમને જો તક મળે તો અંગે તમે જાણકારી મેળવો. તમે ઉત્તર પ્રદેશ જાવ તો અહીંયા એક ખૂબ સારો કાર્યક્રમ ચાલી રહ્યો છે. કાર્યક્રમ છેવન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ. અને તેમણે મેપીંગ કરીને કયા જીલ્લામાં કઈ ચીજ વધુ પ્રસિધ્ધ છે, કઈ ચીજોનું ખૂબ મહત્વ છે તે અંગેનુ સોવિનિયર બનાવાય  અને બની શકે તો તે મુખ્ય મંત્રીને આપવામાં આવે. તમે જુઓ કે તેની કેવી અસર થઈ રહી છે, જેમ કે કોઈ એક વિસ્તાર હોય કે જ્યાં રમતનાં સાધનો બની રહ્યા હોય તો તેને પણ એક ઓળખ મળેતમારા શહેરની શું વિશેષતા છે તે જાણવું જોઈએ. જો ભારતમાં બનારસની સાડી પ્રસિધ્ધ બની ગઈ છે તેથી દુનિયામાં કે ભારતના કોઈપણ છેડે લગ્ન હોય ત્યારે દરેકની એવી ઈચ્છા હોય છે કે બનારસી એક સાડી તો ખરીદીશું . કોઈએ તેનું બ્રાન્ડીંગ કર્યું છે. શું તમારા શહેરમાં પણ એવી કોઈ ચીજ છે કે જેના અંગે ભારતના દરેક ખૂણામાં તે અંગે જાણકારી પ્રાપ્ત થાય કે પટનાની ચીજ ખૂબ ઉત્તમ છે, હૈદ્રાબાદની ચીજ ખૂબ સારી છે. કોચીની ચીજ ઉત્તમ છે. તિરૂઅનંતપુરમની વસ્તુ સારી છે અને ચેન્નાઈની વસ્તુ સારી છે. તમારા શહેરમાં આવી કઈ વિશેષતા છે તે સમગ્ર શહેર મળીને નક્કી કરે કે તમારી સૌથી મોટી તાકાત છે. તેને કઈ રીતે આગળ વધારવામાં આવે તે તમે નક્કી કરો. બાબત આર્થિક પ્રવૃત્તનું એક મોટું સાધન બની જશે. રીતે શહેરોને વિકસીત કરીને એક નવા સ્તર પર લઈ જઈ શકાય તે દિશામાં આપણે પ્રયત્ન કરતાં રહેવાનું છે. હવે તમે જુઓ, શહેરોમાં વધતી જતી વસતિ, મોબિલીટીના કારણે ટ્રાફિક જામ થતાં સમસ્યાઓ નડી રહી છે. હવે આપણે કેટલા ફ્લાયઓવર બનાવીએ, તમે જ્યારે સુરત જશો તો દરેક 100 મીટરના અંતરે કોઈને કોઈ ફ્લાયઓવર આવતો હોય છે. કદાચ તે ફ્લાયઓવરનું શહેર બની ગયું છે. ગમે તેટલા ફ્લાયઓવર બનાવીશું તો પણ સમસ્યાનો ઉકેલ નહીં મળે. આપણે લોકોને આવવાજવા માટે જાહેર પરિવહન વ્યવસ્થા અને મેટ્રો માટે પણ આગ્રહ રાખી રહ્યા છીએ. આપણાં દેશમાં મેટ્રો બાબતે ઘણું કામ થઈ રહ્યું છે, પરંતુ આના સિવાય પણ ઘણી બધી બાબતો છે. આપણે સમાજ જીવનમાં સ્વભાવનું નિર્માણ કેવી રીતે કરવું તેનો પણ પ્રયાસ કરતાં રહેવાનું છે. આપણે જો બધી બાબતો પર ધ્યાન નહીં આપીએ તો ચીજોનું કોઈને મહત્વ નહીં સમજાય.

હવે દિવ્યાંગજનોની વાત કરીએ તો મારા શહેરમાં દિવ્યાંગજન માટે કોઈપણ જરૂરિયાત હોય, કોઈપણ ઈમારત ઉભી કરવામાં આવે, કોઈપણ નવા રોડનું નિર્માણ થાય, જે કોઈ સ્થળે ચાર રસ્તા આવે, હું સુગમ્ય ભારત અભિયાન હેઠળ નગરની રચનામાં એવા નિયમો કરૂં કે જેથી દિવ્યાંગજનોને સમાજમાં સ્થાન મળે. ટોયલેટ બને તો તે પણ એક  દિવ્યાંગજનની જરૂરિયાત મુજબ બનશે તો તેમને સુવિધા પ્રાપ્ત થશે. ઉપરાંત બસમાં ચઢવાઉતરવાના જે પગથિયાં છે તેમાં પણ દિવ્યાંગજનોની તકલીફો માટે ધ્યાન  રાખવામાં આવે. આપણે આપણી યોજનાઓમાં બધી બાબતોને સ્વભાવનો હિસ્સો બનાવવાનો રહેશે. એવું થશે તો આવી રચનાઓ થઈ શકશે. એક વાત સાચી છે કે આપણાં અર્થંતંત્રનું જે પ્રેરકબળ છે તે આપણાં શહેરો છે. આપણે શહેરોને ધબકતા અર્થતંત્રનું હબ બનાવવા જોઈએ. અંગે આપણે ધ્યાન રાખવાનું રહેશે કે જ્યાં પણ નવા ઉદ્યોગો સ્થાપી શકાય તેમ છે તેવા સ્થળોની ઓળખ થવી જોઈએ. લોકોને રહેવા માટે, મજૂરોને રહેવા માટે પણ સાથે સાથે સ્થળ નક્કી થતાં રહેવા જોઈએ કે જેથી તેમણે ખૂબ લાંબા અંતર સુધી જવું પડે નહીં. તેમને એકથી બીજી જગાએ ત્યાં કામ મળી રહે અને ત્યાં તેમને રહેવાની વ્યવસ્થા પણ મળી રહે. તેમને સુવિધા પ્રાપ્ત થાય તે માટે આપણે વિકાસના મોડલમાં સંકલિત અભિગમ, સમગ્રલક્ષી અભિગમ અપનાવવાનો રહેશે. અને આવું થઈ શકશે તો આર્થિક પ્રવૃત્તિ માટે લોકો શહેરમાં આવશે. આવી વ્યવસ્થા ઉભી થશે તો આપણાં શહેરોમાં ઉદ્યોગો સ્થાપી શકાશે. લોકોને લાગશે કે અહીં હું ઉદ્યોગ સ્થાપી શકું છું, કારખાનું ઉભુ કરીને રોજગારી પેદા કરી શકું છું, ઉત્પાદન કરી શકું છું. આપણાં વિકાસના મોડલમાં એમએસએમઈ ક્ષેત્રને કઈ રીતે બળ મળે તેની પણ ચિંતા કરવી જોઈએ. અને એક વાત હું આપ સૌને આગ્રહપૂર્વક જણાવવા માંગુ છું કે મેયર સાહેબો, મેં જે કાંઈ પણ બતાવ્યું છે તેમાંથી આપ સૌ બધુ કરી શકો કે ના કરી શકો, તમારી અગ્રતા હોય કે ના હોય, પણ એક કામ ચોક્કસ  કરજો. તમને ખૂબ આનંદ મળશે અને ઘણો સંતોષ મળશે અને તે છે પીએમસ્વનિધિ યોજના.

તમે સારી રીતે જાણો છો કે દરેક શહેરમાં સ્ટ્રીટ વેન્ડર હોય છે, જે લારીફેરીવાળા લોકો હોય છે તેમનું દરેકના જીવનમાં ઘણું મહત્વ હોય છે. માઈક્રો ઈકોનોમીમાં પણ તે મોટી તાકાત બની રહેતા હોય છે, પરંતુ લોકો સૌથી વધુ ઉપેક્ષિત રહ્યા છે. કોઈ તેમને પૂછવાવાળું નથી. બિચારા લોકો ખૂબ મોંઘા વ્યાજથી, શાહુકારો પાસેથી, કોઈને કોઈ સ્થળેથી પૈસા લાવે છે અને પોતાનું ઘર ચલાવે છે. અડધા પૈસા તો વ્યાજમાં ચાલ્યા જાય છે. લોકો ગરીબી સામે લડવા માંગતા હોય છે, મહેનત કરવા માંગતા હોય છે. દિવસે બૂમો પાડી પાડીને ગલીઓમાં જઈ પોતાનો માલ વેચતા હોય છે. શું આવા લોકોની આપણે ક્યારેય ચિંતા કરી છે? પીએમસ્વાનિધી યોજના તેમના માટે છે. અને કોરોના કાળમાં તો સારા સારા લોકોએ જોયું છે કે આવા લોકો વગર જીવવાનું મુશ્કેલ બની જાય છે, કારણ કે કોરોના કાળમાં લોકો હતા. અગાઉ તો બે દિવસ સુધી ખ્યાલ આવતો હતો કે લોકો ના હોય તો કેવી હાલત થાય. જો બે દિવસ સુધી શાકવાળો આવે નહીં તો કેટલી મોટી તકલીફ પડે છે અને પછી યાદ આવે છે કે શાકવાળો પણ નથી આવ્યો અને દૂધવાળો પણ નથી આવ્યો, અખબારવાળો પણ આવ્યો નથી. ઘરમાં સફાઈ કરનાર પણ આવ્યો નથી, રસોઈ કરનાર પણ નથી આવ્યો, કપડાં ધોવા માટે પણ નથી આવ્યો. આવુ થાય છે ત્યારે બધાં લોકોને પરસેવો પડી જાય છે.

આપણે ત્યાં આપણને મદદ કરનારો જે સમગ્ર વર્ગ છે, જેમના ભરોંસે આપણી જીંદગી ચાલે છે તે કેટલા કિંમતી છે, કેટલા બહુમૂલ્ય છે તે આપણને સમજાઈ ગયું છે. તેમની તાકાતનો આપણને અનુભવ થયો છે. આપણી જવાબદારી બની રહે છે કે આપણે સૌ તેમને જીવનની જવાબદારીનો હિસ્સો બનાવીએ. તેમને ક્યારેય પણ એકલા છોડીએ નહીં. લોકો આપણી યાત્રાના અંગ સમાન છે. તેમની મુસીબતોને વારંવાર જોઈને આપણે પીએમ સ્વાનિધી યોજના લાવ્યા છીએ. પીએમ સ્વાનિધી યોજના ખૂબ ઉત્તમ યોજના છે. તમે તમારા શહેરમાં આવા લોકોની યાદી બનાવો અને તેમને મોબાઈલથી લેવડદેવડ કરવાનું શિખવી દો. બેંકમાંથી તેમને પૈસા મળશે. જથ્થાબંધ વેપારીને ત્યાં તે માલ લેવા જાય, જ્યાં શાકભાજી વેચે, સવારમાં તે બજારમાં જઈને પાંચસો રૂપિયાની શાકભાજી તેમની લારીમાં ભરતા હોય છે. પૈસા તે મોબાઈલ ફોનથી ચૂકવવાનું રાખે. જો તે 200 કે 300 ઘરમાં શાકભાજી વેચવા જતા હોય તો તેમની પાસેથી તે મોબાઈલ ફોનથી પૈસા લે. રોકડ ના લે અને ડિજિટલ લે. જો તેમનો 100 ટકા રેકોર્ડ ઉભો થશે તો બેંકના લોકોને પણ ખ્યાલ આવશે કે તેમનો વેપાર કેટલો સારો છે. જો હમણાં તેમને રૂ.10 હજાર આપીશું તો તે રૂ.20 હજાર કરશે. રૂ.20 હજાર આપીશું તે રૂ.50 હજાર કરશે. અને આપણે તો એવું પણ જોયું છે કે 100 ટકા વ્યવહાર ડિજિટલ કરવામાં આવે તો હિસાબ કિતાબ પણ આસાન થઈ શકે છે. વ્યાજ ઘટાડીને જીરો સુધી લઈ જઈ શકાય છે.

આપણે ત્યાં લારીફેરીવાળા લોકોને આટલા બધા પૈસાનો વેપાર વગર વ્યાજે મળે તો હું ચોક્કસપણે માનું છું કે તે ખૂબ સારૂં કામ કરી શકશે અને બાળકોના અભ્યાસ તરફ પણ ધ્યાન આપી શકશે. તે સારી ગુણવત્તાવાળો માલ વેચવાનું શરૂ કરશે. વધુ મોટો વેપાર કરવાનું શરૂ કરી શકશે અને પોતાના શહેરની સેવા સારી રીતે કરી શકશે. શું તમે પ્રધાનમંત્રી સ્વાનિધી યોજનાને અગ્રતા આપી શકો તેમ છો? કાશીની ધરતી પરથી અને મા ગંગાના કાંઠા પરથી તમે સંકલ્પ કરો કે જ્યારે વર્ષ 2022માં 26 જાન્યુઆરી આવશે ત્યારે, 26 જાન્યુઆરી આવતાં પહેલાં આપણે કામ કરવાનું રહેશે. 26 જાન્યુઆરી પહેલા આપણાં શહેરમાં 200, 500, 1000, 2000 જેટલા પણ લારી ફેરીવાળા હોય તેમના બેંકના ખાતા ખૂલી જાય, તેમને ડિજિટલ લેવડદેવડની તાલિમ મળે, તેમના વેપારીઓ કે જેમની પાસેથી માલ ખરીદવામાં આવે છે તેમને પણ ડિજિટલ તાલિમ આપવામાં આવે. તે જ્યાં જઈને પોતાનો માલ વેચે છે તેમને પણ ડિજિટલ તાલિમ આપવામાં આવે. આવું થશે તો જોતાં જોતાં ડિજિટલનો કારોબાર પણ વધી જશે અને મારા લારી ફેરવાળાઓને પણ ઓછામાં ઓછ વ્યાજે અને બની શકે તો ઝીરો વ્યાજથી પોતાનો વેપાર વધારવા માટે એક ખૂબ મોટી તક પ્રાપ્ત થશે.

સાથીઓ, એવી ઘણી બધી બાબતો છે કે તમે જ્યારે કાશીમાં આવશો અને ખૂબ બારીકીથી જોશો તો તમને આવી અનેક નવી નવી બાબતો સૂઝશે. તમને જે કંઈપણ સૂઝે તે મને મોકલશો તો મને મારી કાશીમાં કામ કરવામાં ખૂબ મદદ થશે. તમે મેયર તરીકે જે કોઈ પણ કામ કર્યા હોય અને તમને લાગતું હોય કે આવા કામ મોદીજીની કાશીમાં પણ થવા જોઈએ, તમે વાત જો મને જણાવશો તો હું તમારો ખૂબ આભારી થઈશ, કારણ કે હું તો આપ સૌ પાસેથી શિખવા માંગુ છું. તમે લોકોએ મને અહીંયા બોલાવ્યો છે. એટલા માટે  બોલાવ્યો છે કે તમે મારા કાશીના લોકોને કશુંક શિખવો, કશુંક સમજાવો. એવું સમજાવો કે જે તમે કંઈક નવું કર્યું હોય. કાશીમાં તમારી પાસેથી અમે જરૂર શિખીશું. તમારી પાસેથી શિખીને તેને કાશીમાં ચોક્કસ લાગુ કરીશું. અને કામગીરીમાં હું સૌથી પહેલા વિદ્યાર્થી બનીશ. હું તે બાબત શિખીશ. અમે રાજકારણ સાથે જોડાયેલા લોકો છીએ. તમે સૌ જાણો છો કે એક એવું પદ હોય છે કે રાજનીતિક જીવનમાં આગળ ધપવા માટે ઘણી બધી તક પ્રાપ્ત થતી હોય છે. આપ સૌને ખ્યાલ હશે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમદાવાદના મેયર હતા ત્યારે અમદાવાદ ખૂબ નાનું શહેર હતું. તે એક નગરપાલિકા હતી. સરદાર સાહેબ ગુલામીના કાલખંડમાં શહેરના મેયર બન્યા હતા. અધ્યક્ષ બન્યા હતા અને ત્યાંથી તેમની જીવનયાત્રા શરૂ થઈ હતી. અને આજે પણ દેશ તેમને યાદ કરી રહ્યો છે. એવા ઘણાં નેતાઓ છે કે જેમના જીવનની શરૂઆત આવી કોઈ મ્યુનિસિપાલિટીથી થઈ હતી. કોઈ નગરપાલિકાથી શરૂ થઈ હતી, કોઈ મહાનગરપાલિકાથી શરૂ થઈ હતી. તમે જીવનના એક એવા મુકામ પર છો અને મને પૂરો વિશ્વાસ છે કે તમે પણ પોતાના ઉજ્જવળ રાજકિય ભવિષ્ય માટે, સંપૂર્ણ સમર્પણ ભાવના સાથે પોતાના વિસ્તારના વિકાસમાં જોડાઈ જશો. શહેરોને આધુનિક બનાવવા પડશે. વારસાની જાળવણી પણ કરવી પડશે.આપણને વારસો પણ જોઈએ અને વિકાસ પણ જોઈએ. આવા બધાં સપનાં લઈને તમારે આગળ ધપવાનું રહેશે. મારા તરફથી ફરી એક વખત કાશીમાં હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરૂં છું. અને મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌની ઉત્તમ મહેમાનગતિ થશે. કાશીના લોકો ખૂબ પ્રેમ કરે છે. ખૂબ પ્રેમ કરનારા લોકો છે. તમને ખ્યાલ પણ નહીં આવે અને તમે તેમનો પ્રેમ લઈને જશો.

ખૂબ ખૂબ ધન્યવાદ! ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com