Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સમિટમાં પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળ પાઠ (જૂન 24, 2016)

એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સમિટમાં પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળ પાઠ (જૂન 24, 2016)

એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સમિટમાં પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળ પાઠ (જૂન 24, 2016)


મહામહિમ્ન શ્રી ઈસ્માઈલ કારીમોવ,

પ્રજાસત્તાક ઉઝબેકિસ્તાનના પ્રમુખ,

શાંઘાઈ સમૂહ રાજ્યોના નેતાઓ,

સહયોગી સંસ્થાનો,

આમંત્રિત નેતાઓ,

મહામહિમ્નો, સન્નારીઓ અને સજ્જનો,

લગભગ એક વર્ષ પહેલા મેં તાશ્કંદથી મધ્ય એશિયાના દેશોનો મારો પ્રવાસ શરૂ કર્યો હતો.

મહામહિમ્ન કારીમોવ અને ઉઝબેકિસ્તાનના લોકોએ મને જે ઉષ્માભર્યો અને ઉદાર આવકાર આપ્યો હતો, તે મને હજુ યાદ છે.
આપની મહેમાનગતિ અને આ બેઠક માટે અતિ સુંદર વ્યવસ્થા માટે અન્યોની સાથે હું મહામહિમ્ન કારીમોવનો આભાર માનું છું.
ગયા વર્ષે રાષ્ટ્રપતિ પુતિન દ્વારા સફળતાપૂર્વક યોજાયેલી યુએફએ સમિટમાં એસસીઓના નેતાઓએ ભારતને પૂર્ણ સભ્ય તરીકે સ્વીકાર્યો હતો.

એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સાથેના ભારતના જોડાણ માટે તે અત્યંત મહત્ત્વની ઘટના હતી.

આજે બેઠક બાદ અમે મેમોરેન્ડમ ઑફ ઓબ્લિગેશન્સ (જવાબદારીઓ અંગેની સમજૂતી) પર હસ્તાક્ષર કરીશું.

આને પગલે અમે એસસીઓમાં ભારતના સભ્યપદ અંગેની પ્રક્રિયાની વિધિ પૂરી કરીશું.

અને, તાર્કિક રીતે જોઈએ તો, આ પ્રદેશ સાથે ભારતના સદીઓ જૂના જોડાણને કારણે વિશ્વની છઠ્ઠા ભાગની માનવવસતી એસસીઓના પરિવાર સાથે જોડાશે.

એસસીઓમાં ભારતના સભ્યપદને અસાધારણ ટેકો આપવા માટે અમે એસસીઓના સભ્ય રાજ્યો અને તેના નેતાઓનો હૃદયપૂર્વક આભારી છીએ.

હું પાકિસ્તાનને પણ એસસીઓના નવા સભ્ય તરીકે અને બેલારુસને આ સંસ્થાના પહેલીવારના નિરીક્ષક તરીકે આવકારું છું.

મહામહિમ્નો,

આ પ્રદેશ, ભારત માટે પરિચિત છે. આપની સાથેના અમારા ઐતિહાસિક જોડાણો સૈકાઓ જૂનાં છે. અને, આપણે માત્ર ભૌગોલિક રીતે જ જોડાયેલા નથી. આપણા સમાજ પરસ્પર સંસ્કૃતિ, ખાણીપીણી અને વાણિજ્યના જોડાણોથી સમૃદ્ધ બન્યાં છે.

એમના કારણે રશિયા, ચીન અને મધ્ય એશિયાના દેશો સાથે અમારા અર્વાચીન સંબંધોનો પાયો નંખાયો છે.

મહામહિમ્નો,

ભારત પૂર્ણ સભ્ય બનવાને કારણે એસસીઓની સરહદો હવે પ્રશાંત મહાસાગરથી યુરોપ સુધી અને ઉત્તર ધ્રુવપ્રદેશથી હિંદ મહાસાગર સુધી વિસ્તરી છે.

અમે વિશ્વની 40 ટકા માનવજાતિ અને એક અબજથી વધુ યુવાનોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.

આ જૂથ માટે, એસસીઓની ફિલસૂફી સાથે સુસંગત હોય તેવા સિદ્ધાંતો ભારત લાવશે.

યુરોપ અને એશિયા સાથે ભારતનાં સંબંધો હંમેશા સારા રહ્યા છે.

ઉર્જા, કુદરતી સંસાધનો અને ઉદ્યોગના ક્ષેત્રે એસસીઓની ક્ષમતાઓનો લાભ ભારતને મળશે એ બાબત નિઃશંક છે.

બદલામાં, ભારતનું મજબૂત અર્થતંત્ર અને તેનું વિશાળ બજાર એસસીઓ રિજનમાં આર્થિક વિકાસ લાવશે.

વેપાર, રોકાણો, ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ, સ્વાસ્થ્યસંભાળ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગના ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ એસસીઓ દેશોને વ્યાપક આર્થિક લાભ અપાવશે.

આપણે પ્રદેશમાં માનવ સંસાધન અને સંસ્થાકીય ક્ષમતાઓ વિકસાવવામાં ભાગીદાર બની શકીએ.

આપણી પ્રાથમિકતાઓ સમાન હોવાને કારણે વિકાસના અમારા અનુભવો તમારી રાષ્ટ્રીય જરૂરિયાતો સાથે સંબંધિત હશે.

મહામહિમ્નો,

એકવીસમી સદીનું પરસ્પર નિર્ભર વિશ્વ, અપાર આર્થિક તકો ધરાવે છે.

તે ભૂરાજકીય જટિલતાઓ અને સુરક્ષાને લગતા પડકારોનો પણ સામનો કરી રહ્યું છે.

અને, પ્રદેશમાં દેશો વચ્ચેની કનેક્ટિવિટી, આપણી આર્થિક સમૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે.

અને, માત્ર ભૌતિક કનેક્ટિવિટી નહીં.

આપણી વચ્ચે માલસામાન, સેવાઓ, મૂડી અને લોકોનો અવરોધ વિનાનો પ્રવાહ હોય તે જરૂરી છે.

પરંતુ માત્ર એટલું પર્યાપ્ત નથી.

આપણા પ્રદેશનાં રેલવે, રસ્તા અને હવાઈ જોડાણો વિશ્વના બાકીના હિસ્સા સાથે મજબૂત રીતે જોડાયેલા રહે એ પણ જરૂરી છે.

એસસીઓમાં અંદરોઅંદર વેપાર, પરિવહન, ઉર્જા, ડિજિટલ અને વ્યક્તિથી વ્યક્તિનાં મજબૂત જોડાણો સ્થાપવા માટે ભારત ઉત્પાદક ભાગીદાર બનશે.

આંતરરાષ્ટ્રીય નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર, ચાહબાર એગ્રીમેન્ટ અને અશ્ગાબાત એગ્રીમેન્ટમાં જોડાવાનો અમારો નિર્ણય અમારી ઈચ્છા અને ઉદ્દેશનાં પ્રતિબિંબ છે.

મહામહિમ્નો,

એસસીઓના સભ્યપદને પગલે, ભારત પ્રદેશની સમૃદ્ધિમાં યોગદાન આપશે. તેના કારણે તેની સુરક્ષા પણ વધુ મજબૂત બનશે. આપણી ભાગીદારીથી આપણા દેશના લોકોને ધિક્કાર, હિંસા અને આતંકની કટ્ટર વિચારધારાઓના ભય સામે રક્ષણ મળશે.

આ ધ્યેય માટે કાર્યરત બનવા ભારત એસસીઓ દેશો સાથે સંગઠન સાધશે.

આજ ધ્યેયને સામે રાખીને સ્થિર, સ્વતંત્ર અને શાંતિપૂર્ણ અફઘાનિસ્તાનની સ્થાપના માત્ર પ્રત્યેક અફઘાનની ઊંડી ઈચ્છા જ નહીં, પરંતુ એસસીઓ પ્રદેશમાં વધુ સુરક્ષા અને સ્થિરતા માટેની જરૂરિયાત પણ છે.

અંતે, અધ્યક્ષશ્રી,

મને વિશ્વાસ છે કે એસસીઓના તમામ સભ્યો સાથે ભારતનું જોડાણ, આપણને એવા પ્રદેશના નિર્માણમાં સહાયરૂપ નીવડશે, જે વિશ્વ માટે આર્થિક વિકાસનું એન્જિન છે, જે આંતરિક રીતે વધુ સ્થિરતા અને વધુ સલામતિ ધરાવે છે અને સમગ્ર વિશ્વ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.

મહામહિમ્નો,

આવતા વર્ષે અમે સમાન ભાગીદારો તરીકે અસ્ટાના ખાતે એસસીઓની બેઠકમાં મળવા આતુર છીએ.

વર્ષ 2017માં એસસીઓના અધ્યક્ષપણા માટે હું કઝાકસ્તાનને સફળતાની શુભેચ્છાઓ પાઠવું છું.

હું ફરી એકવાર, ઉઝબેકિસ્તાનની સરકાર, તેના લોકોનો એમની મહેમાનગતિ માટે આભાર માનું છું અને આજની બેઠકના સફળ આયોજન માટે મહામહિમ્ન કારીમોવને અભિનંદન પાઠવું છું.

આભાર.

AP/T/GP