Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉત્તર પ્રદેશમાં નવ મેડિકલ કૉલેજોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઉત્તર પ્રદેશમાં નવ મેડિકલ કૉલેજોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત માતાની જય, ભારત માતાની જય, મહાત્મા બુદ્ધ કય, પાવન ધરતી સિદ્ધાર્થ નગર મા, હમ આપ સભય કા પ્રણામ કરિત હય. મહાત્મા બુદ્ધ જઉને ધરતી પર, આપન, પહિલે કય જીવન બિતાઈન, વહૈ ધરતી સય આજ પ્રદેશ કય નૌ મેડિકલ કાલેજન કય ઉદ્ઘાટન હય. સ્વસ્થ ઔ નિરોગ ભારત કય સપના પૂરા કરે બદે, ઇ યક બડા કદમ હય. આપ સબકે બધાઈ.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યુપીના યશસ્વી અને કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, મંચ પર ઉપસ્થિત યુપી સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સાંસદ, ધારાસભ્યો, અન્ય જન પ્રતિનિધિ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

આજનો દિવસ પૂર્વાંચલ માટે, સંપૂર્ણ ઉત્તર પ્રદેશ માટે આરોગ્યની બમણી માત્રા લઈને આવ્યો છે, તમારી માટે એક ઉપહાર લઈને આવ્યો છે. અહિયાં સિદ્ધાર્થ નગરમાં યુપીના 9 મેડિકલ કોલેજોનું લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યાર પછી પૂર્વાંચલમાંથી જ સંપૂર્ણ દેશ માટે ખૂબ જરૂરી એવી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરની એક બહુ મોટી યોજના શરૂ થવા જઈ રહી છે. અને તે મોટા કામ માટે હું અહીંથી તમારા આશીર્વાદ લીધા પછી આ પવિત્ર ધરતીના આશીર્વાદ લીધા પછી, તમારી સાથે સંવાદ કર્યા પછી કાશી જઈશ અને કાશીમાં તે કાર્યક્રમનો પ્રારંભ કરાવીશ.

સાથીઓ,

આજે કેન્દ્રમાં જે સરકાર છે, અહિયાં યુપીમાં જે સરકાર છે, તે અનેક કર્મ યોગીઓની દાયકાઓની તપસ્યાનું ફળ છે. સિદ્ધાર્થ નગરે પણ સ્વર્ગીય માધવ પ્રસાદ ત્રિપાઠીજીના રૂપમાં એક એવા સમર્પિત જન પ્રતિનિધિ દેશને આપ્યા, જેમનો અથાક પરિશ્રમ આજે રાષ્ટ્રના કામમાં આવી રહ્યો છે. માધવ બાબુએ રાજનીતિમાં કર્મયોગની સ્થાપના માટે સંપૂર્ણ જીવન ખપાવી દીધું. યુપી ભાજપાના પહેલા અધ્યક્ષના રૂપમાં, કેન્દ્રમાં મંત્રીના રૂપમાં, તેમણે ખાસ કરીને પૂર્વાંચલના વિકાસની ચિંતા કરી. એટલા માટે સિદ્ધાર્થ નગર માટે નવા મેડિકલ કોલેજનું નામ માધવ બાબુના નામ પર રાખવું એ તેમના સેવાભાવ પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ છે. અને તેની માટે હું યોગીજીને અને તેમની આખી સરકારને અભિનંદન આપું છું. માધવ બાબુનું નામ અહીંથી ભણીને નીકળનારા યુવાન ડૉક્ટર્સને જનસેવાની સતત પ્રેરણા પણ આપશે.

ભાઈઓ અને બહેનો,

યુપી અને પૂર્વાંચલમાં આસ્થા, અધ્યાત્મ અને સામાજિક જીવન સાથે જોડાયેલ અનેક વિસ્તૃત વિરાસત છે. આ જ વિરાસતને સ્વસ્થ, સક્ષમ અને સમૃદ્ધ ઉત્તર પ્રદેશના ભવિષ્ય સાથે પણ જોડવામાં આવી રહી છે. આજે જે 9 જિલ્લાઓમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેમાં એ જોવા પણ મળે છે. સિદ્ધાર્થ નગરમાં માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજ, દેવરિયામાં મહર્ષિ દેવરહા બાબા મેડિકલ કોલેજ, ગાઝીપૂરમાં મહર્ષિ વિશ્વામિત્ર મેડિકલ કોલેજ, મિર્ઝાપુરમાં મા વિંધ્યવાસીની મેડિકલ કોલેજ, પ્રતાપગઢમાં ડૉક્ટર સોને લાલ પટેલ મેડિકલ કોલેજ, એટામાં વીરાંગના અવંતી બાઈ લોધી મેડિકલ કોલેજ, ફતેહપુરમાં મહાન યોદ્ધા અમર શહીદ જોધા સિંહ અને ઠાકુર દરિયાવ સિંહના નામ પર મેડિકલ કોલેજ, જૌનપૂરમાં ઉમાનાથ સિંહ મેડિકલ કોલેજ, અને હરદોઇની મેડિકલ કોલેજ. આવા કેટલાય નવ મેડિકલ કોલેજો આ બધા મેડિકલ કોલેજ હવે પૂર્વાંચલના કોટિ કોટિ લોકોની સેવા કરવા માટે તૈયાર છે. આ 9 નવા મેડિકલ કોલેજોના નિર્માણ દ્વારા, આશરે અઢી હજાર નવી પથારીઓ તૈયાર થઈ છે, 5 હજારથી વધુ ડૉક્ટર્સ અને પેરા મેડિકલ માટે રોજગારના નવા અવસરો ઊભા થયા છે. તેની સાથે જ દર વર્ષે સેંકડો યુવાનો માટે મેડિકલના અભ્યાસનો નવો રસ્તો ખૂલ્યો છે.

સાથીઓ,

જે પૂર્વાંચલને પહેલાંની સરકારોએ બીમારીઓ સામે ઝઝૂમવા માટે છોડી દીધું હતું, તે જ હવે પૂર્વી ભારતનું મેડિકલ હબ બનશે, હવે દેશને બીમારીઓ સામે રક્ષણ આપનાર અનેક ડૉક્ટર્સ – આ ધરતી દેશને ડૉક્ટર્સ આપવાની છે. જે પૂર્વાંચલની છબી પાછળની સરકારોએ ખરાબ કરી દીધી હતી, જે પૂર્વાંચલને મગજના તાવ વડે થયેલ દુઃખદ મૃત્યુના કારણે બદનામ કરી દેવામાં આવ્યું હતું, તે જ પૂર્વાંચલ, તે જ ઉત્તર પ્રદેશ, પૂર્વી ભારતને સ્વાસ્થ્યનું નવું અજવાળું આપવા જઈ રહ્યું છે.

સાથીઓ,

યુપીના ભાઈ બહેનો ભૂલી નહીં શકે કે કઈ રીતે યોગીજીએ સંસદમાં યુપીની ખરાબ હાલતમાં પડેલી મેડિકલ વ્યવસ્થાની વ્યથા સંભળાવી હતી. યોગીજી તે સમયે મુખ્યમંત્રી નહોતા, તેઓ એક સાંસદ હતા અને ખૂબ નાની ઉંમરમાં સાંસદ બન્યા હતા. અને હવે આજે યુપીના લોકો એ પણ જોઈ રહ્યા છે કે જ્યારે યોગીજીને જનતા જનાર્દને સેવાનો અવસર આપ્યો તો કઈ રીતે તેમણે મગજના તાવને વધતો રોકી દીધો, આ ક્ષેત્રના હજારો બાળકોનું જીવન બચાવી લીધું. સરકાર જ્યારે સંવેદનશીલ હોય, ગરીબની પીડા સમજવા માટે મનમાં કરુણાનો ભાવ હોય તો આ જ પ્રકારના કામ થતાં હોય છે.

ભાઈઓ અને બહેનો,

આપણાં દેશમાં આઝાદીની પહેલા અને તે પછી પણ મૂળભૂત ચિકિત્સા અને સ્વાસ્થ્ય સુવિધાઓને ક્યારેય પ્રાથમિકતા નથી આપવામાં આવી. સારો ઈલાજ જોઈએ તો મોટા શહેરમાં જવું પડશે, સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવવો હોય તો મોટા શહેરમાં જવું પડશે, અડધી રાતે કોઇની તબિયત ખરાબ થઈ ગઈ તો ગાડીની વ્યવસ્થા કરો અને લઈને ભાગો શહેર બાજુ. આપણાં ગામડાઓની આ જ વાસ્તવિકતા રહી છે. ગામડાઓમાં, કસબાઓમાં, જિલ્લા મુખ્યાલય સુદ્ધામાં વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ બહુ મુશ્કેલીથી મળતી હતી. આ દુઃખને મેં પણ સહન કર્યું છે, અનુભવ્યું છે. દેશના ગરીબ શોષિત, વંચિત, દેશના ખેડૂતો, ગામના લોકો, નાના નાના બાળકોને છાતીસરસા ચાંપીને આમ તેમ દોડી રહેલી માતાઓ, આપણાં વડીલો, જ્યારે સ્વાસ્થ્યની પાયાગત સુવિધાઓ માટે સરકારની સામે જોતાં હતા, તો તેમને નિરાશા જ હાથમાં આવતી હતી. આ જ નિરાશાને મારા ગરીબ ભાઈ બહેનોએ પોતાની નિયતિ માની લીધી હતી. જ્યારે 2014 માં તમે મને દેશની સેવા કરવાનો અવસર આપ્યો, ત્યારે પહેલાની સ્થિતિને બદલવા માટે અમારી સરકારે દિવસ રાત એક કરી દીધા. જન માનસની તકલીફને સમજીને, સામાન્ય માનવીની પીડાને સમજીને, તેના દુઃખ તકલીફને વહેંચવા માટે અમે ભાગીદાર બન્યા. અમે દેશની સ્વાસ્થ્ય સુવિધાઓને સુધારવા માટે, આધુનિકતા લાવવા માટે એક મહાયજ્ઞ શરૂ કર્યો, અનેક યોજનાઓ શરૂ કરી. પરંતુ મને એ વાતનો હંમેશા અફસોસ રહેશે કે અહિયાં પહેલા જે સરકારો હતી, તેણે અમને સાથ ના આપ્યો. વિકાસના કાર્યોમાં તેઓ રાજનીતિ લઈને આવી ગયા, કેન્દ્રની યોજનાઓને અહિયાં યુપીમાં આગળ વધવા જ ના દીધી.

સાથીઓ,

અહિયાં જુદા જુદા વય જૂથના બહેનો ભાઈઓ બેઠેલા છે. શું તમને કોઈને યાદ આવે છે ખરું અને યાદ આવે છે તો મને કહેજો જરા, શું કોઈને યાદ આવે છે? કે ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં ક્યારેય એકસાથે આટલી મેડિકલ કૉલેજોનું લોકાર્પણ થયું હોય? થયું છે ક્યારેય? નથી થયું ને? પહેલા આવું કેમ નહોતું થતું અને હવે આવું કેમ થઈ રહ્યું છે, તેનું એક જ કારણ છે – રાજનૈતિક ઈચ્છા શક્તિ અને રાજનૈતિક પ્રાથમિકતા. જેઓ પહેલા હતા તેમની પ્રાથમિકતા – પોતાની માટે પૈસા કમાવા અને પોતાના પરિવારની તિજોરી ભરવી એ હતી. અમારી પ્રાથમિકતા – ગરીબના પૈસા બચાવવા, ગરીબ પરિવારને મૂળભૂત સુવિધાઓ આપવી એ છે.

સાથીઓ,

બીમારી અમીર ગરીબ કઈં જ નથી જોતી. તેની માટે તો બધુ બરાબર હોય છે. અને એટલા માટે આ સુવિધાઓનો જેટલો લાભ ગરીબોને થાય છે તેટલો જ લાભ મધ્યમ વર્ગના પરિવારોને પણ થાય છે.

સાથીઓ,

7 વર્ષ પહેલા જે દિલ્હીમાં સરકાર હતી અને 4 વર્ષ પહેલા જે અહિયાં યુપીમાં સરકાર હતી, તે પૂર્વાંચલમાં શું કરતાં હતા? જેઓ પહેલા સરકારમાં હતા, તેઓ વૉટ માટે નવી ડિસ્પેન્સરીની ક્યાંક, ક્યાંક નાના નાના દવાખાનાની જાહેરાતો કરીને બેસી જતાં હતા. લોકો પણ આશાઓ લગાવીને બસી રહેતા હતા. પરંતુ વર્ષો વર્ષ સુધી કાં તો મકાન જ નહોતું બનતું, મકાન બનતું પણ હતું તો મશીનો નહોતા લગાવવામાં આવતા, બંને થઈ જાય તો ડૉક્ટર અને બીજો સ્ટાફ નહોતો મળતો. ઉપરથી ગરીબોના હજારો કરોડ રૂપિયા લૂંટનારી ભ્રષ્ટાચારની સાયકલ ચોવીસ કલાક અલગથી ચાલતી રહેતી હતી. દવાઓમાં ભ્રષ્ટાચાર, એમ્બ્યુલન્સમાં ભ્રષ્ટાચાર, પસંદગીમાં ભ્રષ્ટાચાર, ટ્રાન્સફર પોસ્ટિંગમાં ભ્રષ્ટાચાર. આ આખી રમતમાં યુપીમાં કેટલાક પરિવરવાદીઓનું તો બહુ સારું થયું, ભ્રષ્ટાચારની સાયકલ તો ખૂબ ચાલી, પરંતુ તેમાં પૂર્વાંચલ અને યુપીનો સામાન્ય પરિવાર પિસાતો રહ્યો.

સાચું જ કહેવામાં આવ્યું છે-

જાકે પાંવ ન ફટી બીવાઈ, વો કયા જાને પીર પરાઈ’

સાથીઓ,

વિતેલા વર્ષોમાં ડબલ એન્જિનની સરકારે દરેક ગરીબ સુધી વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવા માટે ખૂબ ઈમાનદારી સાથે પ્રયાસ કર્યો છે, સતત કામ કર્યું છે. અમે દેશમાં નવી સ્વાસ્થ્ય નીતિ લાગુ કરી કે જેથી ગરીબને સસ્તો ઈલાજ મળે અને તેને બીમારીઓથી પણ બચાવી શકાય. અહિયાં યુપીમાં પણ 90 લાખ દર્દીઓને આયુષ્માન ભારત અંતર્ગત મફત ઈલાજ મળ્યો છે. આ ગરીબોના આયુષ્માન ભારતના કારણે લગભગ લગભગ એક હજાર કરોડ રૂપિયા ઈલાજમાં ખર્ચ થતાં બચી ગયા છે. આજે હજારો ઔષધિ કેન્દ્રોમાંથી ઘણી બધી સસ્તી દવાઓ મળી રહી છે. કેન્સરનો ઈલાજ, ડાયાલીસીસ અને હાર્ટની સર્જરી સુદ્ધાં પણ ખૂબ સસ્તી થઈ છે, શૌચાલય જેવી સુવિધાઓ વડે અનેક બીમારીઓમાં ઘટાડો નોંધાયો છે. એટલું જ નહિ, આખા દેશમાં વધુ સારા દવાખાના કઈ રીતે બને, અને તે દવાખાનાઓમાં વધુ સારા ડૉક્ટર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ કઈ રીતે ઉપલબ્ધ થઈ શકે તેની માટે બહુ મોટા અને લાંબા વિઝન સાથે કામ કરવામાં આવી રહ્યું છે. હવે દવાખાનાઓનું, મેડિકલ કોલેજોનું ભૂમિ પૂજન પણ થાય છે અને તેમનું નિર્ધારિત સમય પર લોકાર્પણ પણ કરવામાં આવે છે. યોગીજીની સરકાર આવી તે પહેલા જે સરકાર હતી, તેણે પોતાના કાર્યકાળમાં યુપીમાં માત્ર 6 મેડિકલ કોલેજો બનાવડાવી હતી. યોગીજીના કાર્યકાળમાં 16 મેડિકલ કોલેજ શરૂ થઈ ચૂકી છે અને 30 નવી મેડિકલ કોલેજો ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. રાયબરેલી અને ગોરખપુરમાં બની રહેલ એઇમ્સ તો યુપી માટે એક રીતે બોનસ છે.

ભાઈઓ અને બહેનો,

મેડિકલ કોલેજ માત્ર વધુ સારા ઈલાજ જ નથી આપતી પરંતુ નવા ડૉક્ટર્સ, નવા પેરામેડિક્સનું પણ નિર્માણ કરે છે. જ્યારે મેડિકલ કોલેજ બને છે તો ત્યાં આગળ વિશેષ પ્રકારના લેબોરેટરી તાલીમ કેન્દ્રો, નર્સિંગ યુનિટ, મેડિકલ યુનિટ અને રોજગારીના અનેક નવા સાધનો બને છે. દુર્ભાગ્યે પહેલાના દાયકાઓમાં દેશમાં ડૉક્ટર્સની અછતને પૂરી કરવા માટે રાષ્ટ્રવ્યાપી રણનીતિ ઉપર કામ કરવામાં જ નથી આવ્યું. અનેક દાયકાઓ પહેલા મેડિકલ કોલેજ અને મેડિકલ શિક્ષણની દેખરેખ માટે જે નિયમ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા, જે સંસ્થાઓ બનાવવામાં આવી હતી, તે જૂની રીતભાતો વડે જ ચાલી રહી હતી. તે નવી મેડિકલ કોલેજોના નિર્માણમાં અવરોધક પણ બની રહી હતી.

વિતેલા 7 વર્ષોમાં એક પછી એક દરેક એવી જૂની વ્યવસ્થાઓને બદલવામાં આવી રહી છે, કે જે મેડિકલ શિક્ષણના માર્ગમાં અડચણ બની રહી છે. તેનું પરિણામ મેડિકલ બેઠકોની સંખ્યામાં પણ જોવા મળે છે. 2014ની પહેલા આપણાં દેશમાં મેડિકલની બેઠકો 90 હજાર કરતાં પણ ઓછી હતી. વિતેલા 7 વર્ષોમાં દેશમાં મેડિકલની 60 હજાર નવી બેઠકો જોડવામાં આવી છે. અહિયાં ઉત્તર પ્રદેશમાં પણ 2017 સુધી સરકારી મેડિકલ કોલેજોમાં મેડિકલની માત્ર 1900 બેઠકો હતી. જ્યારે ડબલ એન્જિનની સરકારમાં છેલ્લા ચાર વર્ષમાં જ 1900 કરતાં વધુ મેડિકલ બેઠકોની વૃદ્ધિ કરવામાં આવી છે.

સાથીઓ,

મેડિકલ કોલેજોની સંખ્યા વધવાનું, મેડિકલ બેઠકોની સંખ્યા વધવાનું એક મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે અહિયાંના વધુમાં વધુ યુવાનો ડૉક્ટર બનશે. ગરીબ માં ના દીકરા અને દીકરીઓને પણ હવે ડૉક્ટર બનવામાં વધુ સરળતા રહેશે. સરકારના સતત પ્રયાસનું જ પરિણામ છે કે આઝાદી પછી 70 વર્ષોમાં જેટલા ડૉક્ટર્સ ભણી ગણીને નીકળ્યા, તેના કરતાં વધુ ડૉક્ટર્સ આપણે આવનારા 10-12 વર્ષોમાં તૈયાર કરી શકીશું.

સાથીઓ,

યુવાનોને આખા દેશમાં જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની ચિંતામાંથી મુક્તિ અપાવવા માટે વન નેશન, વન એક્ઝામને લાગુ કરવામાં આવી છે. તેનાથી ખર્ચામાં પણ બચત થઈ છે અને તકલીફો પણ ઓછી થઈ છે. મેડિકલ શિક્ષણ ગરીબ અને મધ્યમ વર્ગની પહોંચમાં હોય તેની માટે ખાનગી કોલેજની ફીને નિયંત્રિત રાખવા માટે કાયદાકીય જોગવાઇઓ પણ કરવામાં આવી છે. સ્થાનિક ભાષામાં મેડિકલનો અભ્યાસ ના હોવાના કારણે પણ ઘણી તકલીફો આવતી હતી. હવે હિન્દી ઉપરાંત અનેક ભારતીય ભાષાઓમાં પણ મેડિકલના વધુ સારા અભ્યાસનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. પોતાની માતૃભાષામાં જ્યારે યુવાનો શિખશે તો તેમના પોતાના કામ પર તેમની પકડ પણ વધારે સારી બનશે.

સાથીઓ,

 પોતાની સ્વાસ્થ્ય સુવિધાઓને યુપી ઝડપી ગતિએ સુધારી શકે છે, તે યુપીના લોકોએ આ કોરોના કાળમાં પણ સાબિત કર્યું છે. ચાર દિવસ પહેલા જ દેશે 100 કરોડ રસીના ડોઝનું મોટું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. અને તેમાં યુપીનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે. હું યુપીની સમસ્ત જનતા, કોરોના યોદ્ધાઓ, સરકાર, વહીવટી તંત્ર અને તેની સાથે જોડાયેલ તમામ લોકોને અભિનંદન આપું છું. આજે દેશની પાસે 100 કરોડ રસીના ડોઝનું સુરક્ષા કવચ છે. તેમ છતાં કોરોનાથી સુરક્ષા માટે યુપી પોતાની તૈયારીઓમાં લાગેલું છે. યુપીના દરેક જિલ્લામાં કોરોના સામે લડવા માટે બાળકોની કેર યુનિટ કાં તો બની ગઈ છે અથવા તો ઝડપથી બની રહી છે. કોવિડની તપાસ માટે આજે યુપીની પાસે 60 કરતાં વધુ લેબોરેટરી ઉપસ્થિત છે. 500 કરતાં વધુ નવા ઑક્સિજન પ્લાન્ટ્સ ઉપર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

આ જ તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ – આ જ તો તેનો માર્ગ છે. જ્યારે બધા જ સ્વસ્થ હશે, જ્યારે બધાને અવસર મળશે, ત્યારે જઈને સૌનો પ્રયાસ દેશના કામમાં આવશે. દિવાળી અને છઠ્ઠ પૂજાનું પર્વ આ વખતે પૂર્વાંચલમાં આરોગ્યનો નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આ વિશ્વાસ ઝડપી વિકાસનો આધાર બને, એ જ કામના સાથે નવા મેડિકલ કોલેજ માટે સંપૂર્ણ યુપીને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પ્રગટ કરું છું. તમે પણ આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે આવ્યા તે માટે ખાસ કરીને હું તમારો આભાર પ્રગટ કરું છું. ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com