Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓએ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની 100થી વધું લાભાર્થી મહિલાઓ આજે (તા.13 ફેબ્રુઆરી, 2018) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમનાં નિવાસસ્થાને મળી હતી.

સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાંથી એલપીજી પંચાયત માટે નવી દિલ્હી આવેલી આ મહિલા લાભાર્થીઓ આજે(તા.13 ફેબ્રુઆરી, 2018) સવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી હતી.

શ્રી નરેન્દ્ર મોદી સાથે અનૌપચારિક ચર્ચા દરમિયાન લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, એલપીજી સિલિન્ડરનાં ઉપયોગ થકી તેમનાં જીવનમાં કેવી રીતે સુધારો થયો છે. પ્રધાનમંત્રીએ તેઓને તેમનાં રોજિંદા જીવનનાં વિવિધ પાસાઓ વિશે વાત કરવા પ્રોત્સાહન આપ્યું હતું. આ મહિલા લાભાર્થીઓ સાથે વાતચીતમાં પ્રધાનમંત્રીએ સૌભાગ્ય યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે કેન્દ્ર સરકારે દરેક ઘરને વીજળીનું જોડાણ પ્રદાન કરવા શરૂ કરી છે. તેમણે દિકરી સાથેનાં તમામ પ્રકારનાં ભેદભાવનો અંત લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ગામડાઓમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે મહિલા લાભાર્થીઓએ કરેલા કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેવી રીતે ઉજ્જવલા યોજનાએ તેમનાં કુટુંબનાં સભ્યોનાં સ્વાસ્થ્યમાં સુધારો કર્યો છે તેમ સ્વચ્છતાથી પણ સંપૂર્ણ ગામમાં સ્વાસ્થ્ય સુધરશે.

ઉજ્જવલા યોજના બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતાં અને તેમનો આભાર માનતાં કેટલીક લાભાર્થી મહિલાઓએ તેમનાં વિસ્તારોમાં વિકાસ સાથે સંબંધિત અન્ય પડકારોની ચર્ચા કરવાની તક પણ ઝડપી લીધી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યાં હતાં.

NP/J.Khunt/GP/RP