પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની પૂરવઠા સાંકળમાં આવતા સામાનના ઉત્પાદન માટે મૂડી ખર્ચના 25%ની આર્થિક સહાયની દરખાસ્તને ઇલેક્ટ્રોનિક ભાગો અને સેમીકન્ટક્ટર્સના ઉત્પાદનને પ્રોત્સાહન યોજના (SPECS) અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનાથી દેશમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક ભાગો અને સેમીકન્ડક્ટર્સના સ્થાનિક ઉત્પાદન માટેની અસમર્થતા નાબૂદ કરવામાં મદદ મળશે.
આર્થિક અસરો:
આ યોજના માટેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 3,285 કરોડ છે જેમાં અંદાજે રૂ. 3,252 કરોડનો પ્રોત્સાહન ખર્ચ અને રૂ. 32 કરોડનો વહીવટી ખર્ચ સામેલ છે.
ફાયદા:
i. આ પ્રસ્તાવનો જ્યારે અમલ કરવામાં આવશે ત્યારે દેશમાં ઇલેક્ટ્રોનિક ભાગોના ઉત્પાદનની ઇકોસિસ્ટમના વિકાસને વેગ મળશે. આ યોજનાના નોંધી શકાય તેવા સૂચકાંકોની દૃષ્ટિએ અપેક્ષિત પરિણામો નીચે દર્શાવ્યા અનુસાર છે:
ii. દેશમાં ઇલેક્ટ્રોનિક ભાગોના ઉત્પાદનની ઇકોસિસ્ટમનો વિકાસ થશે અને ઇલેક્ટ્રોનિક મૂલ્ય સાંકળ વધુ ઊંડી બનશે.
iii. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઓછામાં ઓછા રૂ. 20,000 કરોડનું નવું રોકાણ આવશે.
iv. આ યોજના અંતર્ગત સમર્થિત ઉત્પાદન એકમોમાં અંદાજે 1,50,000થી વધુ પ્રત્યક્ષ રોજગારીઓનું સર્જન થશે તેમજ આ ઉદ્યોગના અનુમાનો પ્રમાણે પ્રત્યક્ષ રોજગારી કરતા ત્રણ ગણી સંખ્યામાં પરોક્ષ રોજગારીઓનું સર્જન પણ થશે. આમ, આ યોજનાથી અંદાજે કુલ 6,00,000 રોજગારીઓનું સર્જન થઇ શકશે.
v. મોટા પાયે સ્થાનિક સ્તરે ઇલેક્ટ્રોનિક ભાગોના ઉત્પાદનના કારણે તેની આયાત પરની નિર્ભરતા ઘટશે અને તેનાથી દેશની ડિજિટલ સુરક્ષામાં પણ વધારો થશે.
પૃષ્ઠભૂમિ:
વૈશ્વિક સ્તરના ઉદ્યોગજગત સાથે સ્પર્ધામાં ઉતરવા માટે ચીપસેટ સહિતના મૂળભૂત ભાગોના દેશમાં જ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આ માટે ક્ષમતાઓ હાંસલ કરીને તેમજ આ ઉદ્યોગ માટે અનુકૂળ માહોલનું સર્જન કરીને આ ઉદ્યોગને સામર્થ્યવાન કરીને ભારતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન (ESDM)ના વૈશ્વિક હબ તરીકે તૈયાર કરવા માટે 25.02.2019ના રોજ ઇલેક્ટ્રોનિક્સ માટે રાષ્ટ્રીય નીતિ 2019 (NPE 2019)ની દૂરંદેશી સૂચિત કરવામાં આવી હતી.
ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના લાંબાગાળાના અને ટકાઉક્ષમ વિકાસ માટે ઇલેક્ટ્રોનિક ભાગોના ઉત્પાદનની વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ જરૂરી છે અને ચોખ્ખા સકારાત્મક બેલેન્સ ઓફ પેમેન્ટ (BoP) હાંસલ કરવા માટે તે આવશ્યક છે.
આથી, ઇલેક્ટ્રોનિક ભાગો, સેમીકન્ડક્ટર, ATMP, વિશિષ્ટ સબ-એસેમ્બલી અને નિર્દિષ્ટ શ્રેણીઓમાં આ ચીજોના મૂડીગત માલ માટે રોકાણ કરતા ઔદ્યોગિક એકમોને રિસર્ચ અને ડેવલપમેન્ટ સહિત, પ્લાન્ટ, મશીનરી, ઉપકરણો, સંલગ્ન ઉપયોગીતાઓ અને ટેકનોલોજી પર થતા મૂડી ખર્ચ પર 25% પ્રોત્સાહન પૂરું પાડવાનું સૂચન કરવામાં આવ્યું છે. આના લાભ મોબાઇલ ઇલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ, વ્યૂહાત્મક ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ ઉપકરણો, કોમ્પ્યૂટર હાર્ડવેર વગેરે જેવા તમામ વર્ગના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોને આપવામાં આવશે.
RP