Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ


મહામહિમ, રાષ્ટ્રપતિ અને મારા ભાઈ પ્રબોવો સુબિયાન્ટો,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

ભારતનાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા આપણ મુખ્ય અતિથિ દેશ હત. અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, જ્યારે આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, ત્યારે ફરી એકવાર ઇન્ડોનેશિયાએ આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો ગૌરવપૂર્ણ સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે હું ભારતમાં રાષ્ટ્રપતિ પ્રબોવોનું હાર્દિક સ્વાગત કરું છું.

મિત્રો,

વર્ષ 2018માં ઇન્ડોનેશિયાની મારી મુલાકાત દરમિયાન અમે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારી હતી. આજે અમે રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે પારસ્પરિક સહકારનાં વિવિધ પાસાંઓ પર વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. સંરક્ષણ ક્ષેત્રમાં અમારા સહકારને મજબૂત કરવા માટે, અમે સંરક્ષણ ઉત્પાદન અને સપ્લાય ચેઇનના ક્ષેત્રમાં સંયુક્તપણે કામ કરવાનો નિર્ણય લીધો છે.

અમે દરિયાઈ સુરક્ષા, સાયબર સુરક્ષા, કાઉન્ટર-ટેરરિઝમ અને ડિ-રેડિકલાઇઝેશનમાં સહકાર પર પણ ભાર મૂક્યો છે. દરિયાઈ સુરક્ષા અને સુરક્ષા પર આજે થયેલી સમજૂતી અપરાધ નિવારણ, શોધ અને બચાવ તથા ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં આપણા સહયોગને વધુ મજબૂત બનાવશે. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધ્યો છે અને ગયા વર્ષે આ વેપાર 30 અબજ ડોલરને વટાવી ગયો છે.

આને એક ડગલું આગળ વધારવા માટે, અમે બજારની સુલભતા અને વેપાર બાસ્કેટમાં વિવિધતા લાવવા પર પણ ચર્ચા કરી છે. આ પ્રયત્નોમાં ખાનગી ક્ષેત્ર પણ સમાન ભાગીદાર છે. અમે આજે યોજાયેલી સીઇઓ ફોરમની બેઠક અને ખાનગી ક્ષેત્રમાં નક્કી થયેલી સમજૂતીઓને આવકારીએ છીએ. ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં પારસ્પરિક સહકારને વધુ મજબૂત કરવાનો નિર્ણય પણ અમે લીધો છે.

સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાનાં ક્ષેત્રોમાં ભારત મધ્યાહ્ન ભોજન યોજના અને જાહેર વિતરણ વ્યવસ્થામાંથી પોતાનાં બોધપાઠ અને અનુભવને ઇન્ડોનેશિયા સાથે વહેંચી રહ્યું છે. ઊર્જા, મહત્ત્વપૂર્ણ ખનીજો, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંતરિક્ષ અને STEM શિક્ષણનાં ક્ષેત્રોમાં સંયુક્તપણે કામ કરવાનો નિર્ણય પણ લીધો છે. બંને દેશોનાં આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળો સંયુક્ત કવાયતો હાથ ધરવા માટે એકસાથે આવશે.

મિત્રો,

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનો સંબંધ હજારો વર્ષ જૂનો છે. રામાયણ અને મહાભારતમાંથી પ્રેરિત કથાઓ અને ‘બાલી જાત્રા’ એ આપણા બે મહાન રાષ્ટ્રો વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનો જીવંત પુરાવો છે. મને એ વાતનો ઘણો આનંદ છે કે બૌદ્ધ બોરોબુદુર મંદિર પછી ભારત પણ પ્રમ્બાનન હિન્દુ મંદિરના સંરક્ષણના પ્રયાસોમાં પોતાનું યોગદાન આપશે.

આ ઉપરાંત વર્ષ 2025ને ઇન્ડો-આસિયાન ટૂરિઝમ યર તરીકે ઉજવવામાં આવશે. તેનાથી ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.

મિત્રો,

ઇન્ડોનેશિયા આસિયાન અને ઇન્ડો-પેસિફિક પ્રદેશોમાં આપણું મહત્વપૂર્ણ ભાગીદાર છે. બંને દેશો આ સમગ્ર વિસ્તારમાં શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ અને નિયમો આધારિત વ્યવસ્થા જાળવવા કટિબદ્ધ છે. અમે સંમત થયા છીએ કે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત થવી જોઈએ.

અમારી એક્ટ ઇઝી પોલિસીમાં આસિયાનની એકતા અને મધ્યસ્થતા પર ભાર મૂકવામાં આવ્યો છે. અમે જી-20, આસિયાન અને ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન જેવા પ્લેટફોર્મ પર સંયુક્તપણે કામ કરવાનું જાળવી રાખ્યું છે.

હવે અમે બ્રિક્સમાં ઇન્ડોનેશિયાના સભ્યપદને પણ આવકારી રહ્યા છીએ. આ તમામ મંચો પર અમે વૈશ્વિક દક્ષિણના દેશોના હિતો અને પ્રાથમિકતાઓ માટે સંકલન અને સહકારમાં કામ કરીશું.

મહામહિમ,

આવતીકાલે આપણા પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકેની તમારી ભારતની મુલાકાત અમારા માટે ગર્વની વાત છે. અમે બધા આ ઇવેન્ટમાં પ્રથમ વખત ઇન્ડોનેશિયન માર્ચિંગ ટીમને જોવા માટે ઉત્સુક છીએ. ફરી એક વાર હું તમને અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું.

તમારો ખૂબ ખૂબ આભાર.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com