Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્ડિયા-યુકે ટેક સમિટ, નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ (07 નવેમ્બર, 2016)

ઇન્ડિયા-યુકે ટેક સમિટ, નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ (07 નવેમ્બર, 2016)

ઇન્ડિયા-યુકે ટેક સમિટ, નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ (07 નવેમ્બર, 2016)


બ્રિટનના પ્રધાનમંત્રી, રાઇટ ઑનરેબલ થેરેસા મે,

મારા સાથીદાર અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને અર્થ સાયન્સના મંત્રી ડૉ. હર્ષ વર્ધન,

સીઆઇઆઇના પ્રમુખ ડો. નૌશાદ ફોર્બ્સ,

એકેડેમિયામાંથી જાણીતા સભ્યો,

પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ અને ઉપસ્થિત ટેકનોલોજીસ્ટ્સ,

બ્રિટન અને ભારતના ઉદ્યોગજગતનાં આગેવાનો,

દેવીઓ અને સજ્જનો,

  1. મને ઇન્ડિયા-યુકે ટેક સમિટ 2016નું સંબોધન કરવાની ખુશી છે.
  2. મેં ગયા વર્ષે નવેમ્બરમાં ભારત અને બ્રિટન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવા બ્રિટનની મુલાકાત લીધી હતી. તે મુલાકાત દરમિયાન ટેક સમિટની પરિકલ્પના કરવામાં આવી હતી. આ સમિટ વર્ષ 2016ને ‘ઇન્ડિયા-યુકે યર ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ઇન્નોવેશન’ (શિક્ષણ, સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં ભારત-બ્રિટન વર્ષ)ની ઉજવણીની પરાકાષ્ઠા પણ સૂચવે છે.
  3. આ પ્રસંગે બ્રિટનના પ્રધાનમંત્રી રાઇટ ઑનરેબલ થેરેસા મે આપણી સાથે જોડાયા છે, જે ખરેખર ગર્વ અને વિશેષ આનંદદાયક વાત છે. મેડમ પ્રાઇમ મિનિસ્ટર, હું જાણું છું કે ભારત સાથે હંમેશા તમારો લગાવ રહ્યો છે અને તમે ભારતનાં સાચા મિત્ર છે. તાજેતરમાં તમે તમારા નિવાસસ્થાને ભારતીય સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરી હતી!
  4. આજે તમારી હાજરી આપણા બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધ પ્રત્યે તમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે. તમે યુરોપની બહાર કોઈ પણ દેશની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત લેવા માટે ભારતની પસંદગી કરી એ અમારા માટે સન્માન છે અને અમે તમને ઉષ્માસભર આવકાર આપીએ છીએ.
  5. અત્યારે દુનિયા એક વળાંક પર આવીને ઊભી છે, જ્યાં ટેકનોલોજીમાં પ્રગતિ પરિવર્તનના પંથે દોરી જશે. આ સ્થિતિમાં આવશ્યક છે કે ઇતિહાસની ગાંઠથી જોડાયેલા બંને દેશ ભારત અને બ્રિટન 21મી સદીના નોલેજ અર્થતંત્રને વ્યાખ્યાયિત કરવા ખભેખભો મિલાવીને કામ કરે.
  6. વિશ્વના હાલના વાતાવરણમાં આપણા બંને દેશો કેટલાંક આર્થિક પડકારોનો સામનો કરે છે, જે વેપાર અને વાણિજ્યને સીધા અસર કરે છે. પણ મને ખાતરી છે કે આપણે સંયુક્તપણે વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણી ક્ષમતાઓ મજબૂત કરી શકીશું અને નવી તકોનું સર્જન કરવામાં ટેકનોલોજીકલ કૌશલ્ય વધારી શકીશું.
  7. અત્યારે ભારત સૌથી ઝડપથી વધતું મોટું અર્થતંત્ર છે, જ્યાં રોકાણકારો માટે લાલ જાજમ પાથરવામાં આવી છે. અમારું અર્થતંત્ર દુનિયાનું સૌથી ઉદાર અર્થંતત્ર બનવા અગ્રેસર છે. અમારા મોટા બજારો, વસતિજન્ય લાભ અને વધતી જતી આર્થિક સ્પર્ધાત્મકતા સાથે નવીન ઉદ્યોગસાહસિકો, પ્રતિભાશાળી યુવાનોની વર્ક ફોર્સ અને સંશોધન અને વિકાસ (આરએન્ડડી)ની ક્ષમતાઓ સંયુક્તપણે વિશ્વના અર્થતંત્ર માટે વૃદ્ધિના નવા સ્ત્રોતો પ્રસ્તુત કરે છે.
  8. ભારતની જેમ બ્રિટને પણ છેલ્લાં થોડાં વર્ષોમાં મજબૂત વૃદ્ધિ કરી છે. તે શૈક્ષણિક સંશોધન અને ટેકનોલોજીકલ નવીનતામાં ઉત્કૃષ્ટતા ધરાવે છે.
  9. છેલ્લાં પાંચ વર્ષથી દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ સમાન સ્તરે જળવાઈ રહ્યું હોવા છતાં બંને દિશાઓમાં આપણું રોકાણ મજબૂત રહ્યું છે. બ્રિટનમાં ભારત ત્રીજો સૌથી મોટો રોકાણકાર દેશ છે અને ભારતમાં જી20 રોકાણકારમાં બ્રિટન સૌથી મોટો રોકાણકાર દેશ છે. બંને દેશ એકબીજાના અર્થતંત્રોમાં મોટી સંખ્યામાં રોજગારીને ટેકો આપે છે.
  10. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારત-બ્રિટનનો વર્તમાન સહકાર ‘ઉચ્ચ ગુણવત્તા’ અને ‘ઊંચી અસરકારક’ સંશોધન ભાગીદારીથી પ્રેરિત છે. મને ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે ‘ન્યૂટન-ભાભા’ પ્રોગ્રામ અંતર્ગત બે વર્ષથી ઓછા સમયમાં આપણે સામાજિક પડકારોનું સમાધાન કરવાના ઉદ્દેશ સાથે મૂળભૂત વિજ્ઞાનથી સોલ્યુશન વિજ્ઞાનને આવરી લેતી વિવિધ પ્રકારના જોડાણો શરૂ કર્યા છે.
  11. સંયુક્તપણે આપણા વિજ્ઞાની સમુદાયો ચેપી રોગો માટે નવી રસીઓ, નવી સ્માર્ટ સામગ્રીઓનું સંશોધન, પર્યાવરણને લાભદાયક ઊર્જા અને આબોહવામાં નુકસાનકારક ફેરફારનું શમન તથા કૃષિ અને ખાદ્ય સુરક્ષા સહિત પાક ઉત્પાદકતા સુધારવા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.
  12. આપણે 10 મિલિયન પાઉન્ડના સંયુક્ત રોકાણ સાથે સૌર ઊર્જા પર ઇન્ડિયા-યુકે ક્લીન એનર્જી આરએન્ડડી સેન્ટર સ્થાપિત કરવા સંમત થયા છીએ. 15 મિલિયન પાઉન્ડના સંયુક્ત રોકાણ સાથે નવી સૂક્ષ્મ-જીવ વિરોધી પ્રતિકારક પહેલ પણ શરૂ કરવામાં આવી છે.
  13. મારું માનવું છે કે પ્રતિબંધક હેલ્થકેરને સંપૂર્ણ અભિગમ પ્રદાન કરવા આધુનિક વૈજ્ઞાનિક સંશોધન સાથે ભારતનાં પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરવા ભારત અને બ્રિટન ભાગીદારી કરી શકે છે. આ ભાગીદારી આપણી પ્રવર્તમાન જીવનશૈલી સાથે સંબંધિત વિવિધ રોગોમાંથી કેટલાંકનું સમાધાન કરી શકે છે.
  14. ઔદ્યોગિક સંશોધનમાં બ્રિટન સાથે ભારતની ભાગીદારી આપણો અતિ રોમાંચક કાર્યક્રમોમાંનો એક છે. સીઆઇઆઇના ગ્લોબલ ઇન્નોવેશન એન્ડ ટેકનોલોજી એલાયન્સ કે જીઆઇટીએ પ્લેટફોર્મ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે વાજબી હેલ્થકેર, સ્વચ્છ ટેકનોલોજી, ઉત્પાદન અને આઇસીટીમાં ઇન્નોવેટ-યુકે સમર્થિત ઉદ્યોગ સંચાલિત સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે.
  15. આ ક્ષેત્રોએ ટેકનોલોજી આધારિત ઉદ્યોગસાહસોમાં વિજ્ઞાનની જાણકારીને પરિવર્તિત કરવા ભારત અને બ્રિટનના વ્યવસાયો માટે નવી સંભવિતતા રજૂ કરી છે. હું અહીં તમામ સહભાગીઓને આ પ્રગતિશીલ અને રોમાંચક દ્વિપક્ષીય કાર્યક્રમોમાં પ્રદાન કરવા અને તેમનું મૂલ્ય સંવર્ધન કરવા અપીલ કરું છું, જેનો ઉદ્દેશ નવીનતા અને ટેકનો-ઉદ્યોગસાહસિકતાને ખીલવવાનો છે.
  16. હું દ્રઢપણે માનું છું કે વૃદ્ધિ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના પ્રેરકબળો છે અને આપણા સંબંધમાં અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. ટેક સમિટનો ઉદ્દેશ આપણી સંયુક્ત ટેકનોલોજીકલ ક્ષમતા અને વૈજ્ઞાનિક જામકારી પર આધારિત પારસ્પરિક ફાયદા માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો છે.
  17. હું હંમેશા કહું છું કે વિજ્ઞાન સાર્વત્રિક છે, પણ ટેકનોલોજી સ્થાનિક સ્થિતિસંજોગો અને જરૂરિયાત અનુસાર વિકસાવવી જોઈએ. આ સંદર્ભમાં આ પ્રકારની સમિટ એકબીજાની જરૂરિયાતો સમજવાની તક પ્રદાન કરે છે અને એ સમજૂતીના આધારે આપણા ભવિષ્યના સંબંધનું નિર્માણ કરવા દિશાદર્શન પ્રદાન કરે છે.
  18. મારી સરકારના મુખ્ય વિકાસ અભિયાનો, આપણી ટેકનોલોજીકલ સફળતાઓ અને આકાંક્ષાઓ તથા આપણા મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો સમન્વય ભારતીય અને બ્રિટિશ ઉદ્યોગો માટે વૃદ્ધિના નવા અને મોટા વિકલ્પો ઓફર કરે છે.
  19. ભારત અને બ્રિટન માટે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં જોડાણ કરવાની તથા માહિતીના સમન્વયનું વિસ્તરણ કરવા અને જનકેન્દ્રિત ઇ-ગર્વનન્સમાં જોડાણ કરવાની તક છે.
  20. ટૂંક સમયમાં ભારત આશરે 154 ટકા ટેલી-ડેન્સિટી સાથે એક અબજ ફોન કનેક્શન્સ ધરાવશે. અમે 350 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ ધરાવીએ છીએ. અમે દેશમાં આશરે 100,000 ગામડાંઓની જોડી રહ્યાં છીએ. આ પ્રકારની ઝડપી વૃદ્ધિ બ્રિટન અને ભારતીયો કંપનીઓ માટે નવા ડિજિટલ હાઇવે અને નવા બજારો ઓફર કરે છે.
  21. ભારતના ઝડપથી વિકસતાં નાણાકીય સેવા ક્ષેત્રમાં સ્વાભાવિક જોડાણ વિકસી રહ્યું છે. અમે 220 મિલિયન નવા કુટુંબોને ‘જન ધન યોજના’ હેઠળ લાવ્યાં છીએ એટલે ‘ફિનટેક’ ભારત માટે આગામી મોટું પરિવર્તન તરીકે બહાર આવ્યું છે. નાણાકીય સર્વસમાવેશકતાની આ યોજના મોબાઇલ ટેકનોલોજી સાથે જોડાણ ધરાવે છે અને યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ વિશ્વમાં સૌથી મોટો સામાજિક સુરક્ષા કાર્યક્રમ બની ગયો છે.
  22. આ અભિયાનમાં નાણાકીય ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય ધિરાણમાં બ્રિટનની આગેવાની, ખાતરીલાયક તકોનો ઉપયોગ આપણા ઉદ્યોગો કરી શકશે.
  23. ‘મેક ઇન ઇન્ડિયા’ આપણા દ્વિપક્ષીય જોડાણનું મુખ્ય ક્ષેત્ર બનશે એવી પણ અપેક્ષા છે. આ કાર્યક્રમ હેઠળ અત્યાધુનિક ઉત્પાદન વિશેષ પ્રયાસ છે. સંરક્ષણ ઉત્પાદન, એરોસ્પેસ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયરિંગમાં અમારી ઉદાર એફડીઆઇ નીતિઓમાંથી બ્રિટન લાભ લઈ શકે છે.
  24. અત્યારે ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, જેમાં ડિજિટલ ટેકનોલોજીને જોડવા અમે ‘સ્માર્ટ સિટી’ અભિયાન હાથ ધર્યું છે. મને આનંદ છે કે પૂણે, અમરાવતી અને ઇન્દોરમાં વિવિધ પ્રોજેક્ટમાં બ્રિટનમાં સારો એવો રસ જોવા મળ્યો છે. હું સમજું છું કે બ્રિટનની કંપનીઓએ 9 અબજ પાઉન્ડના મૂલ્ય ધરાવતા સોદા કર્યા છે અને હું વધારે ભાગીદારીને પ્રોત્સાહન આપું છું.
  25. ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ પ્રોગ્રામનો ઉદ્દેશ અમારી ટેક-સેવ્વી યુવા પેઢી માટે ઉદ્યોગસાહસિકતા સાથે નવીનતા અને ટેકનોલોજીનો સમન્વય કરવાનો છે. અત્યારે ભારત અને બ્રિટન રોકાણકારો અને સંશોધકોની રોમાંચક ઇકોસિસ્ટમ સાથે દુનિયામાં ટોચના ત્રણ સૌથી મોટા સ્ટાર્ટઅપ કેન્દ્રો તરીકે બહાર આવ્યાં છે.
  26. સંયુક્તપણે આપણે સીમાચિહ્નરૂપ ટેકનોલોજી સાથે નવી વાણિજ્યિક એપ્લિકેશન્સ માટે વાઇબ્રન્ટ અને રોમાંચક વાતાવરણ ઊભું કરી શકીએ.
  27. આ સમિટ માટે પસંદગ કરેલી થીમમાં આધુનિક ઉત્પાદન, બાયોમેડિકલ ઉપકરણો, ડિઝાઇન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા છે, જે તમામ આપણા વેપારી સંબંધોમાં વ્યાવસાયિક જોડાણો માટે નવી તકો પ્રસ્તુત કરે છે.
  28. મારું માનવું છે કે ભારત અને બ્રિટને વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે તેવા સંયુક્ત ટેકનોલોજી વિકાસ માટે માર્ગ મોકળો કરવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત મૂળભૂત સંશોધનની ઇકોસિસ્ટમનું જતન કરવા અને તેને સમર્થન આપવાનું જાળવી રાખવું જોઈએ.
  29. મને એ નોંધ કરતાં ખુશી થાય છે કે ભારત-બ્રિટન ટેક સમિટ ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ આવશ્યક છે અને ભવિષ્યમાં આપણા સંબંધને વ્યાખ્યાયિત કરશે. એટલે આપણે શૈક્ષણિક અને સંશોધનની તકોમાં યુવાન લોકોની સહભાગિતા અને તેમની અવરજવરને પ્રોત્સાહન આપવું જોઈએ.
  30. હું પાર્ટનર કન્ટ્રી તરીકે બ્રિટન સાથે આ મહત્ત્વપૂર્ણ ઇવેન્ટનું આયોજન કરવા બદલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા સીઆઇઆઇ (ભારતીય ઉદ્યોગ સંઘ)ને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે ટેક સમિટ ઇન્ડિયા-યુકે સંબંધના આગામી તબક્કા માટે પાયો નાંખશે. તે આપણને સંયુક્ત વૈજ્ઞાનિક માહિતી અને ટેકનોલોજી ક્ષમતા પર આધારિત નવી સફર શરૂ કરવાની દિશા આપશે.
  31. હું અહીં બ્રિટન અને ભારતમાંથી ઉપસ્થિત તમામ સહભાગીઓનો આભાર માનું છું, જેમનું પ્રદાન અને જેમની હાજરી આ બેઠકની સફળતા માટે મહત્ત્વપૂર્ણ છે. હું એક વખત ફરી પ્રધાનમંત્રી થેરેસા મેનો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા તથા ભારત અને બ્રિટન વચ્ચેની ભાગીદારીનું નવેસરથી નિર્માણ કરવા વિચારો અને વિઝન વહેંચવા બદલ આભાર માનું છું.