Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્ડિયા ટૂડે કોન્કલેવ ખાતે (વિડીયો કોન્ફરન્સ દ્વારા) પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


સૌથી પહેલા આપ સૌને આ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન – શુભકામનાઓ.

 

ઇન્ડિયા ટૂડે કોન્કલેવ સાથે જોડાવાનો મને પહેલા પણ અવસર મળ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે ગઈકાલે ઇન્ડિયા ટૂડે ગ્રુપના એડિટર ઇન ચીફે મને નવું એક પદ આપી દીધું છે- “ડિસરપ્ટર – ઇન ચીફનું”. બે દિવસથી તમે લોકો “ધ ગ્રેટ ડિસરપ્શન” પર મંથન કરી રહ્યા છો.

 

મિત્રો, અનેક દેશો સુધી આપણે ખોટી નીતિઓ સાથે ખોટી દિશામાં ચાલ્યા. બધું જ સરકાર કરશે એવો ભાવ મજબૂત બની ગયો. અનેક સૈકાઓ પછી ભૂલ ધ્યાનમાં આવી. ભૂલ સુધારવાનો પ્રયાસ થયો. અને વિચારવાની સીમા બસ એટલી હતી કે બે દશક પહેલા ભૂલ સુધારવાનો એક પ્રયાસ થયો અને તેને જ પરિવર્તન માની લેવામાં આવ્યું.

 

વધારે પડતો સમય દેશે કાં તો એક જ પ્રકારની સરકાર જોઈ અથવા ભેળસેળવાળી. તેના કારણે દેશને એક જ પ્રકારના વિચાર અથવા પ્રવૃત્તિઓ નજરમાં આવી.

 

પહેલા રાજકીય પદ્ધતિ દ્વારા જન્મેલી ચૂંટણી પ્રધાન હોતી અથવા પછી લોકશાહીના જડ ઢાંચા આધારિત હતી. સરકાર ચલાવવાની આ જ બે પદ્ધતિઓ હતી અને સરકારનું મૂલ્યાંકન પણ આ જ બે આધાર પર થતું હતું.

 

આપણે સ્વીકારવું પડશે કે 200 વર્ષમાં ટેકનોલોજી જેટલી બદલાઈ છે તેના કરતા વધારે પાછલા 20 વર્ષમાં બદલાઈ છે.

 

સ્વીકારવું પડશે કે 30 વર્ષ પહેલાના યુવાન અને આજના યુવાનની મહત્વકાંક્ષાઓમાં ઘણું અંતર  છે.

 

સ્વીકારવું પડશે કે દ્વિધ્રુવી વિશ્વ અને પરસ્પર આધારિત વિશ્વની બધી જ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે.

આઝાદીના આંદોલનના સમયખંડને જોઈએ તો તેમાં અંગત મહત્વકાંક્ષા કરતા વધારે રાષ્ટ્રીય આકાંક્ષા હતી. તેની તીવ્રતા એટલી હતી કે તેણે દેશને સેંકડો વર્ષોની ગુલામીમાંથી બહાર કઢ્યો.

 

હવે સમયની માગ છે – આઝાદીના આંદોલનની જેમ વિકાસનું આંદોલન- જે અંગત મહત્વકાંક્ષાને સામુહિક મહત્વકાંક્ષામાં પરિવર્તિત કરે અને સામુહિક મહત્વકાંક્ષા દેશના સર્વાંગી વિકાસની હોય.

 

આ સરકાર એક ભારત- શ્રેષ્ઠ ભારતનું સપનું લઈને ચાલી રહી છે. સમસ્યાઓને જોવાની રીત કેવી હોય, તેની ઉપર દ્રષ્ટિ બિંદુ અલગ છે. ઘણા વર્ષો સુધી દેશમાં અંગ્રેજી હિન્દી ઉપર સંઘર્ષ ચાલતો રહ્યો. હિન્દુસ્તાનની બધી જ ભાષાઓ આપણી અમાનત છે. ધ્યાન આપવામાં આવ્યું કે બધી જ ભાષાઓને એકતાના સૂત્રમાં કેવી રીતે બાંધવામાં આવે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમમાં બે બે રાજ્યોની જોડી બનાવવામાં આવી અને હવે રાજ્ય એકબીજાની સંસ્કૃતિક વિવિધતાના વિષયમાં જાણી રહ્યા છે.

 

એટલે કે વસ્તુઓ બદલાઈ રહી છે અને રીત અલગ છે. એટલા માટે તમારો આ શબ્દ આ બધી વાતો માટે નાનો પડી રહ્યો છે. આ વ્યવસ્થાઓને ધ્વસ્ત કરવા વાળી વિચારધારા નથી. આ કાયાકલ્પ છે જેનાથી આ દેશની આત્મા અતૂટ રહે, વ્યવસ્થા સમયને અનુકુળ બનતી રહે. એ જ 21મી સદીના જન માનસનું મન છે. એટલા માટે “ડિસરપ્ટર ઇન ચીફ” જો કોઈ છે તો તે દેશના સવા સો કરોડ હિન્દુસ્તાની છે. જે હિન્દુસ્તાનના જન મન સાથે જોડાયેલા છે તે સારી રીતે સમજી જશે કે ડિસરપ્ટર કોણ છે.

 

માની લીધેલા વિચારો, વાતોને હજુ પણ જૂની રીતે જોવાનો દૃષ્ટિકોણ એવો છે કે કેટલાક લોકોને લાગે છે કે સત્તાના રસ્તેથી જ દુનિયા બદલાઈ શકે છે. એવું વિચારવું યોગ્ય નથી.

 

અમે સમય મર્યાદિત અમલીકરણ અને ઈન્ટીગ્રેટેડ વિચારધારાને સરકારના વર્ક કલ્ચર સાથે જોડ્યા છે. કામ કરવાની એવી રીત જ્યાં સીસ્ટમ પારદર્શક હોય, કામગીરીને નાગરિક અનુકુળ અને વિકાસ અનુકુળ બનાવવામાં આવે, ચોકસાઈ લાવવા માટે પદ્ધતિને નવનિર્મિત કરવામાં આવે. મિત્રો, આજે ભારત દુનિયાની ઝડપથી વિકાસ થઇ રહેલી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. વિશ્વ રોકાણના રીપોર્ટમાં ભારતને દુનિયાની ટોચની ત્રણ પ્રોસ્પેક્ટીવ હોસ્ટ ઈકોનોમીમાં આંકવામાં આવ્યું છે. વર્ષ 2015-16માં 55 બિલિયન ડોલરથી વધારેનું રેકોર્ડ રોકાણ થયું. બે વર્ષમાં વર્લ્ડ ઈકોનોમી ફોરમના ગ્લોબલ કોમ્પીટીટીવ ઇન્ડેક્સમાં ભારત 32 સ્થાન ઉપર ઉઠ્યું છે.

 

મેક ઇન ઇન્ડિયા આજે ભારતનું સૌથી મોટું પ્રોત્સાહક બની ગયું છે. આજે ભારત દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

 

મિત્રો, આ સરકાર કોઓપરેટીવ ફેડરલીઝમ પર ભાર મૂકે છે. જીએસટી આજે જ્યાં સુધી પહોંચ્યું છે તે ડેલીબરેટીવ ડેમોક્રેસીનું પરિણામ છે જેમાં દરેક રાજ્ય સાથે વાતચીત થઇ. જીએસટી ઉપર સહમતી થવી તે એક મહત્વપૂર્ણ પરિણામ છે પરંતુ તેની પ્રક્રિયા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

આ એવો નિર્ણય છે જે સામાન્ય સહમતી વડે થયો છે. બધા જ રાજ્યોએ મળીને તેની  માલિકી લીધી છે. તમારા દ્રષ્ટિકોણથી આ ભંગાણયુક્ત હોઈ શકે છે, પરંતુ જીએસટી વાસ્તવમાં ફેડરલ માળખાની નવી ઊંચાઈ પર પહોંચવાની સાબિતી છે.

  
સૌનો સાથ સૌનો વિકાસ એ માત્ર એક નારો નથી, તેને જીવીને બતાવવામાં આવી રહ્યો છે.

મિત્રો, આપણા દેશમાં વર્ષોથી માનવામાં આવ્યું છે કે મજૂર કાયદાઓ વિકાસમાં બાધક છે. બીજી તરફ એ પણ માનવામાં આવ્યું કે મજૂર કાયદામાં સુધાર કરનારા મજૂર વિરોધી છે. એટલે કે બંને અંતિમ પરિસ્થિતિ હતી.

 

ક્યારેય એવું વિચારવામાં ના આવ્યું કે એમ્પ્લોયર, એમ્પ્લોયી અને એસ્પીરન્ટસ ત્રણેય માટે એક સમગ્ર એપ્રોચ લઈને કેવી રીતે આગળ વધી શકાય.

 

દેશમાં અલગ અલગ શ્રમ કાયદાઓના પાલન માટે પહેલા એમ્પ્લોયરને 56 અલગ અલગ રજીસ્ટરોમાં માહિતી ભરવી પડતી હતી. એક જ માહિતી વારે વારે અલગ અલગ રજીસ્ટરોમાં ભરવામાં આવતી હતી. હવે ગયા મહીને સરકારે જોયું છે કે એમ્પ્લોયરને મજૂર કાયદા હેઠળ 56 નહિ માત્ર 5 રજિસ્ટર બનાવવા પડશે. તે વેપારને સરળ કરવા માટે ઉદ્યમીઓને ઘણી મદદ કરશે.

જોબ માર્કેટના વિસ્તાર ઉપર પણ સરકારનું પૂરું ધ્યાન છે. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્રની સાથે સરકારનો ભાર અંગત ક્ષેત્ર ઉપર પણ છે.

 

મુદ્રા યોજના હેઠળ નવયુવાનોને બેન્કની ગેરંટી વગર ઋણ આપવામાં આવી રહ્યું છે. ગયા અઢી વર્ષોમાં છ કરોડથી વધુ લોકોને મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ કરોડથી વધુનું ઋણ આપવામાં આવ્યું છે.

સામાન્ય દુકાનો અને સંસ્થાનો વર્ષમાં પુરા 365 દિવસ ખુલ્લા રહી શકે તેની માટે પણ રાજ્યોને સલાહ આપવામાં આવી છે.

 

પહેલી વાર કૌશલ્ય વિકાસ મંત્રાલય બનાવીને તેની ઉપર પૂરી યોજના સાથે કામ થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના અને આવક વેરામાં છૂટના માધ્યમથી ફોર્મલ એમ્પ્લોયમેન્ટને વધારવામાં આવી રહ્યું છે.

 

આ રીતે એપ્રેન્ટિસશીપ એક્ટમાં સુધારો કરીને એપ્રેન્ટિસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને એપ્રેન્ટિસ દરમિયાન મળતા સ્ટાઇપેન્ડમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

 

સાથીઓ, સરકારની શક્તિ કરતા જનશક્તિ વધારે મહત્વપૂર્ણ છે. ઇન્ડિયા ટૂડે કોન્કલેવના મંચ પર હું પહેલા પણ કહી ચુક્યો છું કે દેશના લોકોને જોડ્યા વગર, આટલા મોટા દેશને ચલાવવો શક્ય નથી. દેશની જનશક્તિને સાથે લીધા વગર આગળ વધવું સંભવ નથી. દિવાળી પછી કાળા નાણા અને ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં થયેલી કાર્યવાહી પછી આપ સૌએ જનશક્તિનું એક એવું ઉદાહરણ જોયું છે, જે યુદ્ધના સમયે અથવા સંકટના સમયે જ જોવા મળે છે.

 

આ જનશક્તિ એટલા માટે એક થઇ રહી છે કેમકે લોકો પોતાના દેશની અંદર વ્યાપેલી બદીઓને ખતમ કરવા માગે છે, નબળાઈઓને હરાવીને આગળ વધવા માગે છે, એક નવું ભારત બનાવવા માગે છે.

 

જો આજે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં 4 કરોડથી વધુ શૌચાલય બન્યા છે, 100થી વધુ જિલ્લા ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર થયા છે તો તે આ જનશક્તિની એકતાનું પ્રમાણ છે.

 

જો એક કરોડથી વધુ લોકો ગેસ સબસીડીનો ફાયદો લેવા માટે ના પાડી રહ્યા છે તો તે આ જ જનશક્તિનું ઉદાહરણ છે.

 

એટલા માટે જરૂરી છે કે જનભાવનાઓનું સન્માન થાય અને જનઆકાંક્ષાઓને સમજીને દેશહિતમાં નિર્ણયો લેવામાં આવે અને તેમને સમય પર પુરા કરવામાં આવે.

 

જયારે સરકારે જનધન યોજના શરુ કરી તો કહ્યું હતું કે દેશના ગરીબોને બેન્કિંગ સીસ્ટમ સાથે જોડીશું. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 27 કરોડ ગરીબોના બેંક એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યા છે.

 

એ જ રીતે સરકારે લક્ષ્ય રાખ્યું હતું કે ત્રણ વર્ષમાં દેશના 5 કરોડ ગરીબોને મફત ગેસ કનેક્શન આપીશું. માત્ર 10 મહિનામાં જ લગભગ બે કરોડ ગરીબોને ગેસના કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

 

સરકારે કહ્યું હતું કે એક હજાર દિવસોમાં 18 હજાર ગામડાઓ સુધી વીજળી પહોંચાડીશું જ્યાં આઝાદીના 70 વર્ષ પછી પણ વીજળી નથી પહોંચી. આશરે 650 દિવસોમાં જ 12 હજારથી વધુ ગામડાઓ સુધી વીજળી પહોંચાડી દેવામાં આવી છે.

 

જ્યાં નિયમ અને કાયદાઓ બદલવાની જરૂર હતી ત્યાં બદલવામાં આવ્યા અને જ્યાં ખતમ કરવાની જરૂર હતી ત્યાં ખતમ કરવામાં આવ્યા. અત્યાર સુધી 1100થી વધારે જૂના કાયદાઓને ખતમ કરી દેવામાં આવ્યા છે.

 

સાથીઓ, વર્ષો સુધી દેશમાં બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું, આ વ્યવસ્થા અંગ્રેજોએ બનાવી હતી કારણ કે ભારતમાં સાંજના 5 વાગ્યાનો સમય અને બ્રિટનના હિસાબે સવારના સાડા 11 વાગ્યાનો સમય થતો હતો. અટલજીએ તેમાં બદલાવ કર્યો.

 

આ વર્ષે તમે જોયું હશે કે બજેટને એક મહિના અગાઉ રજૂ કરવામાં આવ્યું. અમલીકરણની દ્રષ્ટીએ આ બહુ મોટું પરિવર્તન છે. નહીંતો આની પહેલા ફેબ્રુઆરીના અંતમાં બજેટ આવતું હતું અને વિભાગો સુધી પૈસા પહોંચવામાં મહિનાઓ લાગી જતા હતા. ત્યાર બાદ આના પછી ચોમાસાના કારણે કામમાં વધારે મોડું થતું હતું. હવે વિભાગોને તેમની યોજનાઓ માટે ફાળવાયેલ ધનરાશી સમય પર મળી જશે.

 

એ જ રીતે બજેટમાં પ્લાન, નોન-પ્લાનનું કૃત્રિમ વિભાગીકરણ હતું. સમાચારોમાં આવવા માટે નવી નવી વસ્તુઓ પર ભાર મૂકવામાં આવતો હતો અને જે પહેલાથી ચાલ્યું આવે છે, તેને નજરઅંદાજ કરવામાં આવતું હતું. તેના કારણે ધરાતલ પર ઘણું અસંતુલન હતું. આ કૃત્રિમ વિભાગીકરણને ખતમ કરીને અમે બહુ મોટું પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે.

 

આ વખતે સામાન્ય બજેટમાં રેલવે બજેટને પણ ભેળવી દેવામાં આવ્યું. અલગથી રેલ બજેટ જાહેર કરવાની વ્યવસ્થા પણ અંગ્રેજોની બનાવેલી હતી. હવે વાહનવ્યવહારના પાસાઓ ઘણા બદલાઈ ગયા છે. રેલ છે, રોડ છે, એવિએશન છે, જળ માર્ગ છે, દરિયાઈ માર્ગ છે, આ બધા ઉપર સંકલિત રીતે વિચારવું જરૂરી છે. સરકારનું આ પગલું વાહનવ્યવહાર ક્ષેત્રમાં ટેકનોલોજીકલ ક્રાંતિનો આધાર બનશે.

 

પાછલા અઢી વર્ષોમાં તમે સરકારની નીતિ, નિર્ણય અને નિયત ત્રણેય જોઈ છે. હું માનું છું કે ન્યુ ઇન્ડિયા માટે આ જ દ્રષ્ટિ કોણ 21મી સદીમાં દેશને નવી ઊંચાઈઓ પર લઇ જશે, ન્યૂ ઇન્ડિયાનો પાયો વધારે મજબૂત કરશે.

 

આપણે ત્યાં મોટાભાગની સરકારોનો દૃષ્ટિકોણ રહ્યો છે- દીપ પ્રાગટ્ય કરવું, રીબન કાપવી, અને તેને પણ કાર્ય જ માનવામાં આવ્યું, કોઈ તેને ખોટું પણ નહોતું માનતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં 1500થી વધુ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત તો થઇ પરંતુ તે માત્ર ફાઈલોમાં જ દબાયેલા રહ્યા.

 

આવા જ અનેક મોટા મોટા પ્રોજેક્ટ્સ વર્ષોથી અટકેલા પડ્યા છે. હવે પરિયોજનાઓના સુચારુ સંચાલન માટે એક વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે – “પ્રગતિ” અર્થાત “પ્રો-એક્ટીવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઈમ્પલીમેન્ટેશન.”

 

પ્રધાનમંત્રી કાર્યાલયમાં હું બેસું છું અને બધા જ કેન્દ્રીય વિભાગોના સચિવ, બધા જ રાજ્યોના ચીફ સેક્રેટરી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાય છે. જે પ્રોજેક્ટ રોકાયેલા છે તેમના પહેલાથી જ એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

 

અત્યાર સુધીમાં 8 લાખ કરોડ રૂપિયાની પરિયોજનાઓની સમીક્ષા પ્રગતિની બેઠકોમાં થઇ ચુકી છે. દેશના માટે ખૂબ મહત્વપૂર્ણ 150થી વધુ મોટા પ્રોજેક્ટ્સ, જે વર્ષોથી અટકેલા પડ્યા હતા, તેમનામાં હવે ગતિ આવી છે.

દેશના માટે ભવિષ્યની પેઢીના નિર્માણ પર સરકારનું ધ્યાન છે. પાછલા 3 બજેટમાં રેલવે અને રોડ ક્ષેત્રને સૌથી વધુ પૈસા આપવામાં આવ્યા છે. તેમના કામ કરવાની ક્ષમતા વધાર્યા પછી પણ સતત નજર રાખવામાં આવી રહી છે. એ જ કારણ છે કે રેલ અને રોડ, બંને ક્ષેત્રમાં કામ કરવાની જે સરેરાશ ગતિ હતી, તેમાં ખાસ્સી વૃદ્ધિ થઇ છે.

 

અગાઉ રેલવેના ઇલેક્ટ્રિફીકેશનનું કામ ધીમી ગતિએ ચાલતું હતું. સરકારે રેલવેના રૂટ ઇલેક્ટ્રિફીકેશનના કામને ગતિ આપી. તેનાથી રેલવેને ચલાવવાના ખર્ચમાં ઘટાડો થયો અને દેશમાં જ ઉપલબ્ધ વીજળીનો ઉપયોગ થયો.

 

એ જ રીતે રેલવેને ઇલેક્ટ્રિસીટી કાયદા હેઠળ ઓપન એક્સેસની સુવિધા આપવામાં આવી. તે કારણે રેલવે દ્વારા ખરીદવામાં આવી રહેલી વીજળીની ઉપર પણ રેલવેને બચત થઇ રહી છે. અગાઉ વીજળી વિતરણ કંપનીઓ આનો વિરોધ કરતી હતી જેનાથી રેલવેને તેમની પાસેથી મજબુરીમાં મોંઘા ભાવે વીજળી ખરીદવી પડતી હતી. હવે રેલવે ઓછા ભાવે વીજળી ખરીદી શકે છે.

 

પહેલા પાવરપ્લાન્ટ્સ અને કોલસાના જોડાણો એવી રીતે હતા જે જો પ્લાન્ટ ઉત્તરમાં છે તો કોલસો મધ્ય ભારતમાંથી આવશે અને ઉત્તર કે પૂર્વ ભારતમાંથી કોલસો પશ્ચિમ ભારતમાં જશે. તેના કારણે પાવરપ્લાન્ટ્સને કોલસાના પરિવહન પર વધુ પૈસા ખર્ચ કરવા પડતા હતા અને વીજળી મોંઘી બનતી હતી. અમે કોલસા જોડાણોમાં પરિવર્તન કર્યા જેનાથી પરિવહન ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો અને વીજળી સસ્તી થઇ.

 

આ બંને ઉદાહરણ બતાવે છે કે આ સરકાર ટનલ વિઝન નહિ ટોટલ વિઝનને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.

 

જેમ કે રેલવે ટ્રેકની નીચેથી રસ્તો લઇ જવા માટે રેલવે ઓવર બ્રીજ બનાવવા માટે મહિનાઓ સુધી રેલવે પાસેથી જ પરવાનગી નહોતી મળતી. મહિનાઓ સુધી એ જ વાત ઉપર માથાકૂટ ચાલતી હતી કે રેલ ઓવર બ્રીજની ડીઝાઇન કેવી હોય. હવે આ સરકારમાં રેલ ઓવર બ્રીજ માટે યુનિફોર્મ ડીઝાઇન બનાવી દેવામાં આવી છે અને પ્રસ્તાવ આ ડીઝાઇનના આધારે હોય છે તો તરત એનઓસી આપી દેવામાં આવે છે.

 

વીજળીની ઉપલબ્ધતા એ દેશના આર્થિક વિકાસની પુંજી છે. જ્યારથી અમારી સરકાર આવી છે અમે પાવર સેક્ટર ઉપર સમગ્રતઃ કામ કરી રહ્યા છીએ અને સફળ પણ થઇ રહ્યા છીએ. 46 હજાર મેગાવોટની ઉત્પાદન ક્ષમતાને જોડવામાં આવી છે. ઉત્પાદન ક્ષમતા આશરે 25 ટકા વધી છે. કોલસાની પારદર્શક રીતે ફાળવણી કરવી અને પાવર પ્લાન્ટને કોલસો ઉપલબ્ધ કરાવવો એ અમારી પ્રાથમિકતા રહી છે.

 

આજે એવો કોઈ થર્મલ પ્લાન્ટ નથી જે કોલસાની ઉપલબ્ધતાની દ્રષ્ટીએ તંગીમાં હોય. તંગ અર્થાત કોલસાની ઉપલબ્ધતા 7 દિવસથી ઓછી હોવી. એક સમયે મોટા મોટા બ્રેકીંગ સમાચારો ચાલતા હતા કે દેશમાં વીજળી સંકટ વધી ગયું છે – પાવર પ્લાન્ટની પાસે કોલસો ખતમ થઇ રહ્યો છે. છેલ્લી વાર ક્યારે આ બ્રેકીંગ સમાચાર ચલાવેલા? તમને યાદ નહીં હોય. આ બ્રેકીંગ ન્યૂઝ હવે તમારા સંગ્રહમાં પડી હશે.

 

મિત્રો, સરકારના પહેલા બે વર્ષોમાં 50 હજાર સર્કીટ કિલોમીટર ટ્રાન્સમીશન લાઈનો બનાવવામાં આવી. જયારે 2013-14 માં 16 હજાર સર્કીટ કિલોમીટર ટ્રાન્સમીશન લાઈનો બનાવવામાં આવી હતી.

 

સરકારી વીજળી વિતરણ કંપનીઓને અમારી ઉદય યોજના દ્વારા એક નવું જીવન મળ્યું છે. આ બધા જ કામોથી વીજળીની ઉત્પાદકતા વધી છે અને કિંમત પણ ઘટી છે.

 

આજે એક એપ – વિધુત પ્રવાહના માધ્યમથી જોઈ શકાય છે કે કેટલી વીજળી, કેટલી કિંમતે ઉપલબ્ધ છે.

 

સરકાર સ્વચ્છ ઊર્જા ઉપર પણ ભાર મૂકી રહી છે. લક્ષ્ય 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનનું છે જેમાંથી અત્યાર સુધી 50 ગીગાવોટ એટલે કે પચાસ હજાર મેગાવોટ ક્ષમતા મેળવી લેવામાં આવી છે.

 

ભારત ગ્લોબલ વિન્ડ પાવર ઇન્સ્ટોલ્ડ ક્ષમતાના મામલે વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયો છે.

સરકારનો ઝોક વીજળી ઉત્પાદન વધારવાની સાથે જ વીજળીની જરૂરિયાત ઓછી કરવા ઉપર પણ છે. દેશમાં અત્યાર સુધી આશરે 22 કરોડ એલઈડી બલ્બ વહેંચવામાં આવ્યા છે.

તેનાથી વીજળીની જરૂરિયાતમાં ઘટાડો આવ્યો છે, પ્રદૂષણમાં પણ ઘટાડો આવ્યો છે અને લોકોના 11 હજાર કરોડ રૂપિયા દરવર્ષે અંદાજીત બચી રહ્યા છે.

 

સાથીઓ, દેશભરની અઢી લાખ પંચાયતોને ઓપ્ટીકલ ફાયબર સાથે જોડવા માટે 2011માં કામ શરુ કરવામાં આવ્યું હતું.

 

પરંતુ 2011 થી 2014ની વચ્ચે માત્ર 59 ગ્રામ પંચાયતો સુધી જ ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવામાં આવી હતી.

 

આ ગતિએ અઢી લાખ પંચાયતો ક્યારે જોડાઈ રહેત, તમે અંદાજો લગાવી શકો છો. સરકારે પ્રક્રિયામાં જરૂરી બદલાવ કર્યો, જે સમસ્યાઓ હતી, તેમને દૂર કરવાનું માળખું તૈયાર કરવામાં આવ્યું.

 

પાછલા અઢી વર્ષોમાં 76 હજારથી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટીકલ ફાયબર સાથે જોડી દેવામાં આવી છે.

 

સાથે જ હવે દરેક ગ્રામ પંચાયતમાં વાઈ-ફાઈ હોટ સ્પોટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી કરીને ગામના લોકોને સરળતાથી આ સુવિધા મળી શકે. એ પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે શાળાઓ, દવાખાનાઓ, પોલીસ સ્ટેશન સુધી પણ આ વ્યવસ્થા પહોંચી શકે.

સાધન એ જ છે, સંસાધન પણ એ જ છે, પણ કામ કરવાની રીત બદલાઈ રહી છે, ગતિ વધી રહી છે.

 

2014ની પહેલા એક કંપનીને ઇનકોર્પોરેટ કરવામાં 15 દિવસ લગતા હતા, હવે માત્ર 24 કલાક લાગે છે.

 

પહેલા ઇન્કમ ટેક્સ રીફંડ આવવામાં મહિનાઓ લાગી જતા હતા, હવે કેટલાક અઠવાડિયામાં આવી જાય છે. પહેલા પાસપોર્ટ બનવામાં પણ અનેક મહિના લાગી જતા હતા, હવે એક અઠવાડિયામાં પાસપોર્ટ તમારા ઘરે હોય છે. મિત્રો, આપણા માટે ટેકનોલોજી, સુશાસન માટે સપોર્ટ સીસ્ટમ તો છે જ પણ ગરીબનું સશક્તિકરણ પણ છે.

 

સરકાર દેશના ખેડૂતોની આવક બેગણી કરવાના ઉદ્દેશ્યથી કામ કરી રહી છે.

 

તેના માટે બીજથી લઈને બજાર સુધી સરકાર દરેક સ્તર પર ખેડૂત સાથે ઉભી છે.

 

ખેડૂતોને સારી ગુણવત્તાના બીજ આપવામાં આવી રહ્યા છે, દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરુ કરવામાં આવી છે.

 

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ એવા જોખમો આવરી લેવામાં આવ્યા છે કે જે પહેલા નહોતા થતા.

 

તે સિવાય ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે, યુરીયા તંગી હવે જૂની વાત થઇ ગઈ છે.

 

ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળે તે માટે ઈ-નામ યોજના હેઠળ દેશભરના 580થી વધુ બજારોને ઓનલાઈન જોડવામાં આવી રહ્યા છે. સંગ્રહ અને પુરવઠા ચેઈનને મજબૂત બનાવવામાં આવી રહ્યા છે.

 

મિત્રો,

આરોગ્ય ક્ષેત્રમાં પણ દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે.

 

બાળકોનું રસીકરણ, ગર્ભવતી મહિલાઓની સ્વાસ્થ્ય સુરક્ષા, પ્રિવેન્ટીવ હેલ્થ કેર, સ્વચ્છતા, આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને યોજનાઓ લાગુ કરવામાં આવી છે.

 

હાલમાં જ સરકારે નેશનલ હેલ્થ પોલીસીને સ્વીકૃતિ આપી છે.

 

એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી હેલ્થકેર સીસ્ટમને દેશના દરેક નાગરિક માટે એક્સેસેબલ બનાવવામાં આવે.

સરકાર એ પ્રયત્નમાં છે કે આવનારા સમયમાં દેશના જીડીપીના ઓછામાં ઓછા અઢી ટકા આરોગ્ય પર જ ખર્ચ કરવામાં આવે.

 

આજે દેશમાં 70 ટકાથી વધુ મેડીકલ સાધનો અને શસ્ત્રો વિદેશથી આવે છે. હવે પ્રયાસ છે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ લોકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે જેથી સારવાર વધુ સસ્તી થાય.

 

મિત્રો, સરકારનો ભાર સામાજિક માળખા ઉપર પણ છે.

 

અમારી સરકાર દીવ્યાંગો માટે સેવા ભાવથી કામ કરી રહી છે.

 

દેશભરમાં આશરે 5 હજાર કેમ્પ લગાવીને 6 લાખથી વધુ દીવ્યાંગોને જરૂરી સહાયતાના સાધનો આપવામાં આવ્યા છે. આ કેમ્પ ગીનીસ બુક સુધીમાં પણ નોંધાઈ ગયા છે.

 

દવાખાનાઓમાં, રેલવે સ્ટેશન પર, બસ સ્ટેન્ડ પર, સરકારી ઓફિસોમાં ચડતા કે ઊતરતી વખતે દિવ્યાંગ લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સુગમ્ય ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

 

સરકારી નોકરીમાં તેમના માટે અનામત પણ 3 ટકાથી વધારીને 4 ટકા કરી દેવામાં આવી છે.

 

દીવ્યાંગોના અધિકાર સુનિશ્ચિત કરવા માટે કાયદામાં પણ બદલાવ લાવવામાં આવ્યા છે.

 

દેશભરમાં દીવ્યાંગોની એક જ કોમન સાઈન લેંગ્વેજ વિકસિત કરવામાં આવી રહી છે.

 

મિત્રો, સવા સો કરોડ લોકોનો આપણો દેશ સંસાધનોથી ભરેલો છે, સામર્થ્યની કોઈ કમી નથી.

2022, દેશ જયારે આઝાદીના 75માં વર્ષમાં પહોંચશે ત્યારે શું આપણે સૌ મળીને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને સ્વરાજ્ય માટે પોતાનું જીવન આપનારા અગણિત વીરોના સપનાના ભારતને સાકાર કરી શકીએ છીએ?

 

આપણામાંથી પ્રત્યેક સંકલ્પ લે – પરિવાર હોય, સંગઠન હોય, એકમો હોય- આવનારા પાંચ વર્ષોમાં આખો દેશ સંકલ્પિત બનીને નવા ભારત, ન્યૂ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં લાગી જાય.

સપનું પણ તમારું, સંકલ્પ પણ, સમય પણ તમારો, સમર્પણ પણ તમારું અને સિદ્ધિ પણ તમારી.

ન્યૂ ઇન્ડિયા, સપનાઓથી હકીકત તરફ આગળ વધતું ભારત.

 

ન્યૂ ઇન્ડિયા, જ્યાં ઉપકાર નહીં, અવસર હશે.

 

ન્યૂ ઇન્ડિયાના પાયાનો મંત્ર, સૌને અવસર, સૌને પ્રોત્સાહન.

 

ન્યૂ ઇન્ડિયા, નવી સંભાવનાઓ, નવા અવસરોનું ભારત.

 

ન્યૂ ઇન્ડિયા, લહેરાતા ખેતરો, હસતા ખેડૂતોનું ભારત.

 

ન્યૂ ઇન્ડિયા, તમારા આપણા સ્વાભિમાનનું ભારત.

TR