यदिदी ह्येकार (મારા સારા મિત્ર) પ્રધાનમંત્રી નેતાન્યાહુ
મીડિયામાં મારા મિત્રો, હું આજે મારા માટે પોતાના ઘરના દ્વાર ખોલનાર પ્રધાનમંત્રી શ્રી નેતાન્યાહુ અને શ્રીમતી નેતાન્યાહુનો આભાર માનું છું. હું તેમના ઉષ્માસભર આવકાર અને આતિથ્ય-સત્કાર બદલ તેમનો આભારી છું.
મિત્રો,
હજુ થોડા સમય અગાઉ મેં યાદ વાશેમ મેમોરિયલ મ્યુઝિયમમાં છ મિલિયન યહુદીઓની યાદમાં અને તેમના સન્માનમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ યહુદીઓએ ભયાનક હોલોકાસ્ટ (કત્લેઆમ)માં તેમના જીવ ગુમાવ્યા હતા. યાદ વાશેમ એ પેઢીઓ અગાઉ અવાક કરી દે એવી કરુણાંતિકાને તાજી કરે છે. તે તમારા કરુણાંતિકાને નજર સામે રાખીને અદમ્ય જુસ્સો કેળવવાનું, નફરત અને ધૃણાને ભૂલીને વિકાસના માર્ગે સાહસ સાથે આગળ વધવાનું તથા જીવંત લોકશાહી રાષ્ટ્રનું નિર્માણ કરવાની તાકાતનું પ્રતીક પણ છે. યાદ વાશેમ આપણને સંદેશ આપે છે કે જેઓ માનવતા અને સુસભ્ય સંસ્કૃતિના મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે તેમણે એક થવું જોઈએ અને તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું જોઈએ. એ જ રીતે આપણે વર્તમાન યુગની વિકરાળ સમસ્યા આતંકવાદ, કટ્ટરવાદ અને હિંસાનો દ્રઢપણે સામનો કરવો જોઈએ તેનું પણ પ્રતીક છે.
મિત્રો,
આપણા લોકો વચ્ચેનો સંબંધ હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. હજારો વર્ષો અગાઉ ભારતના દક્ષિણ-પશ્ચિમ દરિયાકિનારે પ્રથમ યહુદીનું આગમન થયું હતું. ત્યારથી અત્યાર સુધી ભારતમાં યહુદી સમુદાય સમૃદ્ધ થયો છે તથા તેમની પરંપરાઓ અને રીતિરિવાજો ફાલ્યાંફૂલ્યાં છે. અમને લેફ્ટનન્ટ જનરલ જે એફ આર જેકોબ, વાઇસ એડમિરલ બેન્જામિન સેમ્સન, કુશળ આર્કિટેક્ટ જોસુઆ બેન્જામિન તથા ફિલ્મ કલાકારો નાદિરા, સુલોચના અને પ્રમિલા જેવા યહુદી સંતાનો પર ગર્વ છે, જેમણે પોતાની વિવિધ પ્રતિભાથી ભારતીય સમાજને સમૃદ્ધ કર્યો છે. ભારતીય યહુદીઓ જીવંત સમુદાય છે અને આ સહિયારા ઇતિહાસનું વાઇબ્રન્ટ જોડાણ છે. ઇઝરાયલની મારી મુલાકાત આપણા બંને દેશોમાં વસતા સમુદાયો વચ્ચેના આ પ્રાચીન જોડાણની સિદ્ધિ સમાન છે. અને, મને ખુશી છે કે મને આવતીકાલે મોડી સાંજે ઇઝરાયલમાં ભારતીય સમુદાય સાથે જોડાવાની તક મળશે.
મિત્રો,
આધુનિક સમયમાં 25 વર્ષ અગાઉ આપણી વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધોની સ્થાપના થઈ હતી. ત્યારબાદ અત્યાર સુધી આપણા સંબંધોમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. આપણા સંબંધોના સામાન્ય ઉદ્દેશો આર્થિક સમૃદ્ધિ, મજબૂત ટેકનોલોજી અને નવીનતા છે. અત્યારે આપણા બંને દેશો વચ્ચેના સમાજને સુરક્ષિત કરવાની જરૂર છે, જે આપણી વચ્ચે કામગીરીનો સુભગ સમન્વય કરવા માટેની દિશાને વ્યાખ્યાયિત કરશે. આગામી દાયકાઓમાં આપણે આપણા આર્થિક સંબંધની કાયાપલટ કરી શકે તેવા સંબંધોનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ. અત્યારે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આપણે ટેકનોલોજી અને નવીનતાના ઉપયોગ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જેથી આપણે આપણી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ પૂર્ણ કરી શકીએ, જે આપણા અકાદમિક, વૈજ્ઞાનિક અને સંશોધન ક્ષેત્રમાં પરિમાણલક્ષી તકો તથા વ્યાવસાયિક જોડાણની તકો પૂરી પાડશે. આપણે આપણી શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્તપણે જોખમકારક બાબતોનો પ્રતિકાર કરવા મજબૂત સુરક્ષા ભાગીદારી સ્થાપિત કરવા પણ ઇચ્છીએ છીએ. આ લક્ષ્યાંકો પાર પાડવા કામગીરીના સ્પષ્ટ એજન્ડાનું નિર્માણ કરવા હું પ્રધાનમંત્રી નેતાન્યાહુ સાથે કામ કરીશ. ફરી એક વખત, હું પ્રધાનમંત્રી નેતાન્યાહુ અને શ્રીમતી નેતાન્યાહુનો તેમના ઉષ્માસભર આવકાર માટે આભાર માનું છું.
તમારો આભાર. તમારો ખૂબ આભાર.
AP/J.Khunt/TR/GP
Sharing my remarks at the press meet with PM @netanyahu. https://t.co/MxUZyLo72s pic.twitter.com/34SZX8j9i1
— Narendra Modi (@narendramodi) July 4, 2017