Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામના શિવસાગરમાં જમીન ફાળવણી સર્ટિફિકેટ્સ વિતરણ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

આસામના શિવસાગરમાં જમીન ફાળવણી સર્ટિફિકેટ્સ વિતરણ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત માતાની જય, ભારત માતાની જય!

આસામના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી રામેશ્વર તેલીજી, આસામ સરકારમાં મંત્રી ડૉક્ટર હેમંતા બિસ્વકર્માજી, ભાઈ અતુલ બોરાજી, શ્રી કેશવ મહંતજી, શ્રી સંજય કિશનજી, શ્રી જગનમોહનજી, હાઉસ ફેડના ચેરમેન શ્રી રંજિત કુમાર દાસજી, અન્ય તમામ સાંસદગણ, ધારાસભ્યો, અને આસામના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

मोई अखॉम-बाखिक इंग्राजी नबबरखा अरुभुगाली बिहुर अंतरिक हुभेस्सा जोनैसु। अहि-बालोगिआ दिनबुर होकोलुरे बाबेहुखअरु हमरि धिरे पुर्नाहौक !

સાથીઓ,

આસામના લોકોના આ આશીર્વાદ, તમારી આ આત્મીયતા મારી માટે બહુ મોટું સૌભાગ્ય છે. તમારો આ પ્રેમ, આ સ્નેહ મને વારે વારે આસામમાં લઈને આવે છે. વિતેલા વર્ષોમાં અનેક વાર મને આસામના જુદા જુદા ભાગોમાં આવવાનો, આસામના ભાઈ બહેનો સાથે વાતચીત કરવાનો અને વિકાસના કામોમાં જોડાવાનો અવસર મળ્યો છે. ગયા વર્ષે હું કોકરાઝારમાં ઐતિહાસિક બોડો સમજૂતી પછી એક ઉત્સવમાં સામેલ થયો હતો. હવે આ વખતે આસામના મૂળ નિવાસીઓના સ્વાભિમાન અને સુરક્ષા સાથે જોડાયેલ આટલા મોટા આયોજનમાં, હું તમારી ખુશીઓમાં સહભાગી થવા માટે આવ્યો છું. આજે આસામની અમારી સરકારે તમારા જીવનની બહુ મોટી ચિંતા દૂર કરવાનું કામ કર્યું છે. 1 લાખથી વધુ મૂળ નિવાસી પરિવારોને ભૂમિના સ્વામિત્વનો અધિકાર મળવાથી તમારા જીવનની એક બહુ મોટી ચિંતા હવે દૂર થઈ ગઈ છે.

ભાઈઓ અને બહેનો,

આજના દિવસે સ્વાભિમાન, સ્વાધીનતા અને સુરક્ષાના ત્રણેય પ્રતીકોનો પણ એક રીતે સમાગમ થઈ રહ્યો છે. પહેલુ, આજે આસામની માટીને પ્રેમ કરનારા, મૂળનિવાસીઓના પોતાની જમીન સાથેના લગાવને કાયદાકીય સંરક્ષણ આપવામાં આવ્યું. બીજું, આ કામ ઐતિહાસિક શિવસાગરમાં, જેરેંગા પઠારની ધરતી પર થઈ રહ્યું છે. આ ભૂમિ આસામના ભવિષ્ય માટે સર્વોચ્ચ ત્યાગ કરનારી મહાસતી જૉયમતિની બલિદાન ભૂમિ છે. હું તેમના અદમ્ય સાહસને અને આ ભૂમિને આદરપૂર્વક નમન કરું છું. શિવસાગરના આ જ મહત્વને જોતાં તેને દેશની 5 સૌથી આઇકોનીક આર્કિયોલોજીકલ સાઇટ્સમાં સામેલ કરવા માટે સરકાર જરૂરી પગલાઓ ભરી રહી છે.

ભાઈઓ અને બહેનો,

આજે જ દેશ આપણાં સૌના પ્રિય, આપણાં સૌના શ્રદ્ધેય નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. દેશે હવે નક્કી કર્યું છે કે આ દિવસની ઓળખ હવે પરાક્રમ દિવસ તરીકે કરવામાં આવશે. માં ભારતીના સ્વાભિમાન અને સ્વતંત્રતા માટે નેતાજીનું સ્મરણ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આજે પરાક્રમ દિવસ પર આખા દેશમાં અનેક કાર્યક્રમો પણ શરૂ થઈ રહ્યા છે. એટલા માટે એક રીતે આજનો દિવસ આશાઓના પૂરા થવાની સાથે જ આપણાં રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિ માટે પ્રેરણા લેવાનો પણ અવસર છે.

સાથીઓ,

આપણે સૌ એક એવી સંસ્કૃતિના ધ્વજવાહક છીએ જ્યાં આપણી ધરતી, આપણી જમીન માત્ર ઘાસ, માટી, પથ્થરના રૂપમાં જોવામાં નથી આવતી. ધરતી આપણી માટે માતાનું રૂપ છે. આસામની મહાન સંતાન, ભારત રત્ન ભૂપેન હઝારિકાએ કહ્યું હતું – ઓમુર ધરિત્રિઆઈ, ચોરોનોટે ડિબાથાઈ, ખેતિયોકોર નિસ્તારનાઈ, માટીબિને ઓહોહાઇ. એટલે કે હે ધરતી માતા, મને તમારા ચરણોમાં જગ્યા આપો. તમારા વિના ખેતિ કરનારાઓ શું કરશે? માટી વિના તે અસહાય રહેશે.

સાથીઓ,

એ વાત દુખદ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આસામમાં લાખો એવા પરિવારો રહ્યા કે જેમને કોઈ ને કોઈ કારણસર પોતાની જમીન ઉપર કાયદાકીય અધિકાર ના મળી શક્યા. આ કારણે ખાસ કરીને આદિવાસી ક્ષેત્રોની એક બહુ મોટી વસ્તી ભૂમિહિન રહી ગઈ, તેમની આજીવિકા ઉપર સતત સંકટ તોળાયેલું રહ્યું. આસામમાં જ્યારે અમારી સરકાર બની તો તએ વખતે પણ અહિયાં લગભગ લગભગ 6 લાખ મૂળ નિવાસી પરિવારો એવા હતા જેમની પાસે જમીનના કાયદાકીય કાગળો નહોતા. પહેલાંની સરકારોમાં તમારી આ ચિંતા તેમની પ્રાથમિકતામાં જ નહોતી. પરંતુ સર્વાનંદ સોનોવાલજીના નેતૃત્વમાં અહિયાની સરકારે તમારી આ ચિંતાને દૂર કરવા માટે ગંભીરતા સાથે કામ કર્યું છે. આજે આસામના મૂળ નિવાસીઓની ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણની સાથે સાથે ભૂમિ સાથે જોડાયેલ તેમના અધિકારોને સુરક્ષિત રાખવા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 2019 માં જે નવી જમીન નીતિ બનાવવામાં આવી છે, તે અહીની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ જ પ્રયાસોનું પરિણામ છે કે વિતેલા વર્ષોમાં સવા 2 લાખથી વધુ મૂળ નિવાસી પરિવારોને ભૂમિના પટ્ટા સોંપી દેવામાં આવ્યા છે. હવે તેમાં 1 લાખથી વધુ પરિવારોનો હજી ઉમેરો થઈ જશે. લક્ષ્ય એ છે કે આસામના આવા પ્રત્યેક પરિવારને જમીન પર કાયદાકીય હક જલ્દીથી જલ્દી મળી શકે.

ભાઈઓ અને બહેનો,

જમીનનો પટ્ટો મળવાથી મૂળ નિવાસીઓની લાંબી માંગણી તો પૂરી થઈ જ છે, તેનાથી લાખો લોકોના જીવન સ્તરને વધુ સારું બનાવવાનો રસ્તો પણ ખૂલ્યો છે. હવે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની બીજી અનેક યોજનાઓનો લાભ મળવાનો પણ સુનિશ્ચિત થયો છે, જેનાથી આપણાં આ સાથીઓ વંચિત હતા. હવે આ સાથીઓ પણ આસામના તે લાખો ખેડૂત પરિવારોમાં સામેલ થઈ જશે કે જેમને પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત હજારો રૂપિયાની મદદ સીધા બેન્ક ખાતામાં મોકલવામાં આવી રહી છે. હવે તેમને પણ કિસાન ક્રેડિટ કાર્ડ, પાક વીમા યોજના અને ખેડૂતો માટે લાગુ કરવામાં આવેલ અન્ય યોજનાઓનો લાભ મળી શકશે. એટલું જ નહિ, તેઓ પોતાના વેપાર કારોબાર માટે આ જમીન ઉપર બેન્કો પાસેથી ધિરાણ પણ સરળતાથી લઈ શકશે.

ભાઈઓ અને બહેનો,

આસામની લગભગ 70 નાની મોટી જનજાતિઓને સામાજિક સંરક્ષણ આપીને તેમનો ઝડપી વિકાસ આપણી સરકારની પ્રતિબદ્ધતા રહી છે. અટલજીની સરકાર હોય કે પછી વિતેલા કેટલાક વર્ષોથી કેન્દ્ર અને રાજ્યમાં એનડીએની સરકાર, આસામની સંસ્કૃતિ, સ્વાભિમાન અને સુરક્ષા આપણી પ્રાથમિકતા રહી છે. અસમિયા ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. એ જ રીતે દરેક સમુદાયના મહાન વ્યક્તિત્વોને સન્માન આપવાનું કામ વિતેલા વર્ષોમાં આસામની ધરતી પર થયું છે. શ્રીમંત શંકરદેવજીના દર્શન, તેમની શિક્ષાઓ આસામની સાથે સાથે આખા દેશ, સંપૂર્ણ માનવતા માટે ખૂબ અનમોલ સંપત્તિ છે. આવી જ ધરોહરને બચાવવા અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટે પ્રયાસ કરવામાં આવે એ દરેક સરકારની જવાબદારી હોવી જોઈતી હતી. પરંતુ બાટાદ્રવા સત્ર સહિત અન્ય સત્રોની સાથે શું વર્તન કરવામાં આવ્યું, તે આસામના લોકોથી છુપાયેલું નથી. વિતેલા સાડા 4 વર્ષોમાં આસામ સરકારે આસ્થા અને અધ્યાત્મના આ સ્થાનોને ભવ્ય બનાવવા માટે, કળા સાથે જોડાયેલ ઐતિહાસિક વસ્તુઓને સાચવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. એ જ રીતે આસામ અને ભારતના ગૌરવ કાઝીરંગા નેશનલ પાર્કને પણ અતિક્રમણથી મુક્ત કરવા અને પાર્કને વધુ સારો બનાવવા માટે પણ ઝડપથી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

આત્મનિર્ભર ભારત માટે ઉત્તર પૂર્વનો ઝડપી વિકાસ, આસમનો ઝડપી ગતિએ વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. આત્મનિર્ભર આસામનો રસ્તો આસામના લોકોના આત્મવિશ્વાસ પાસે થઈને જાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. વિતેલા વર્ષોમાં આ બંને મોરચાઓ ઉપર આસામમાં અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે. આસામમાં લગભગ પોણા 2 કરોડ ગરીબોના જનધન બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે. આ જ ખાતાઓના કારણે કોરોનાના સમયમાં પણ આસામની હજારો બહેનો અને લાખો ખેડૂતોને બેન્ક ખાતાઓમાં સીધી મદદ મોકલવી શક્ય બની શકી હતી. આજે આસામની લગભગ 40 ટકા વસ્તી આયુષ્માન ભારતની લાભાર્થી છે, જેમાં લગભગ દોઢ લાખ સાથીઓને મફત ઈલાજ મળી પણ ચૂક્યો છે. વિતેલા 6 વર્ષમાં આસામમાં શૌચાલયની કવરેજ 38 ટકાથી વધીને સોએ સો ટકા થઈ ગઈ છે. 5 વર્ષ પહેલા આસામના માત્ર 50 ટકા કરતાં પણ ઓછા ઘરો સુધી વીજળી પહોંચી હતી, જે હવે લગભગ 100 ટકા સુધી પહોંચી ગઈ છે. જળ જીવન મિશન અંતર્ગત વિતેલા દોઢ વર્ષમાં આસામમાં અઢી લાખથી વધુ ઘરોમાં પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જિન, 3-4 વર્ષોમાં આસામના દરેક ઘર સુધી પાઇપ વડે પાણી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

આ જેટલી પણ સુવિધાઓ છે, તેનો લાભ સૌથી વધુ આપણી બહેનો દીકરીઓને જ થાય છે. આસામની બહેનો દીકરીઓને બહુ મોટો લાભ ઉજ્જવલા યોજના વડે પણ થયો છે. આજે આસામની આશરે 35 લાખ ગરીબ બહેનોના રસોડામાં ઉજ્જવલાના ગેસના જોડાણો છે. તેમાં પણ લગભગ 4 લાખ પરિવાર એસસી/એસટી વર્ગના છે. 2014 માં જ્યારે અમારી સરકાર કેન્દ્રમાં બની ત્યારે આસામમાં એલપીજી કવરેજ માત્ર 40 ટકા જ હતું. હવે ઉજ્જવલાના કારણે આસામમાં એલપીજી કવરેજ વધીને લગભગ લગભગ 99 ટકા થઈ ગયું છે. આસામના દૂર સુદૂરના વિસ્તારોમાં ગેસ પહોંચાડવામાં તકલીફ ના થાય, તેની માટે સરકારે વિતરકોની સંખ્યાને પણ ખાસ્સી એવી વધારી દીધી છે. 2014 માં આસામમાં ત્રણસો ત્રીસ એલપીજી ગેસ વિતરકો હતા, હવે આજે તેની સંખ્યા પાંચસો પંચોતેર કરતાં પણ વધારે થઈ ગઈ છે. અમે જોયું છે કે કઈ રીતે ઉજ્જવલાએ કોરોનાના સમયમાં પણ લોકોની મદદ કરી છે. આ દરમિયાન આસામમાં 50 લાખથી વધુ મફત ગેસ સિલિન્ડરો ઉજ્જવલાના લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. એટલે કે ઉજ્જવલા યોજના વડે આસામની બહેનોનું જીવન પણ સરળ થયું છે અને તેની માટે જે સેંકડો નવા વિતરણ કેન્દ્રો બન્યા છે, તેનાથી અનેક યુવાનોને રોજગાર પણ મળી રહ્યો છે.

સાથીઓ,

સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ આ મંત્ર પર ચાલતા રહીને અમારી સરકાર આસામના દરેક હિસ્સામાં, દરેક વર્ગમાં ઝડપથી વિકાસનો લાભ પહોંચાડવામાં લાગેલી છે. પહેલાંની નીતિઓના કારણે ચા જનજાતિની શું સ્થિતિ થઈ ગઈ હતી, તે મારા કરતાં વધારે તમે લોકો જાણો છો. હવે ચા જનજાતિને ઘર અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ સાથે જોડવામાં આવી રહી છે. ચા જનજાતિના અનેક પરિવારોને પણ જમીનના કાયદાકીય અધિકારો મળ્યા છે. ચા જનજાતિના બાળકોનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારની સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પહેલી વાર તેમને બેંકની સુવિધાઓ સાથે જોડવામાં આવ્યા છે. હવે આ પરિવારોને પણ સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ સીધા બેંક ખાતામાં મળી રહ્યો છે. શ્રમિક નેતા સંતોષ ટોપણો સહિત ચા જનજાતિના બીજા મોટા નેતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરીને, રાજ્ય સરકારે ચા જનજાતિના યોગદાનને સન્માન આપ્યું છે.

સાથીઓ,

આસામના દરેક ક્ષેત્રની દરેક જનજાતિને સાથે લઈને ચાલવાની આ જ નીતિ વડે આજે આસામ શાંતિ અને પ્રગતિના માર્ગ પર ચાલી નીકળ્યું છે. ઐતિહાસિક બોડો સમજૂતી દ્વારા હવે આસામનો એક બહુ મોટો ભાગ શાંતિ અને વિકાસના માર્ગ પર પાછો આવી ગયો છે. સમજૂતી પછી હમણાં તાજેતરમાં બોડો લેન્ડ ટેરિટોરીયલ કાઉન્સિલની પહેલી ચૂંટણી થઈ, પ્રતિનિધિઓ ચૂંટવામાં આવ્યા. મને વિશ્વાસ છે કે હવે બોડો ટેરિટોરીયલ કાઉન્સિલ વિકાસ અને વિશ્વાસના નવા પ્રતિમાનો સ્થાપિત કરશે.

ભાઈઓ અને બહેનો,

આજે અમારી સરકાર આસામની જરૂરિયાતોની ઓળખ કરીને, દરેક જરૂરી ઉત્પાદન ઉપર ઝડપથી કામ કરી રહી છે. વિતેલા 6 વર્ષોમાં આસામ સહિત સંપૂર્ણ ઉત્તર પૂર્વના જોડાણો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભૂતપૂર્વ વિસ્તાર પણ થઈ રહ્યો છે, આધુનિક પણ બની રહ્યું છે. આજે આસામ અને ઉત્તર પૂર્વ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી, પૂર્વી એશિયાઈ દેશોની સાથે આપણો સંપર્ક વધારી રહી છે. વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે જ આસામ, આત્મનિર્ભર ભારતના એક મહત્વપૂર્ણ ક્ષેત્રના રૂપમાં વિકસિત થઈ રહ્યું છે. વિતેલા વર્ષોમાં આસામના ગામડાઓમાં આશરે 11 હજાર કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ડૉક્ટર ભૂપેન હઝારિકા સેતુ હોય, બોગીબિલ બ્રિજ હોય, સરાયઘાટ બ્રિજ હોય, એવા અનેક બ્રિજ જે બની ચૂક્યા છે અથવા બની રહ્યા છે, તેના દ્વારા આસમની કનેક્ટિવિટી સશક્ત થઈ છે. હવે નોર્થ ઈસ્ટ અને આસામના લોકોને આવવા જવા માટે લાંબા માર્ગથી અને જીવનને જોખમમાં નાખવાની મજબૂરીમાંથી મુક્તિ મળી રહી છે. તે સિવાય જળ માર્ગો વડે બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને મ્યાનમાર સાથેના સંપર્કો ઉપર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

આસામમાં જેમ જેમ રેલવે અને એર કનેક્ટિવિટીની સીમા વધી રહી છે, લોજિસ્ટિક્સ સાથે જોડાયેલ સુવિધાઓ વધુ સારી બની રહી છે, તેમ તેમ અહિયાં ઉદ્યોગ અને રોજગારની નવી સંભાવનાઓ બની રહી છે. લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં આધુનિક ટર્મિનલ અને કસ્ટમ ક્લીયરન્સ સેન્ટરનું નિર્માણ થાય, કોકરાઝારમાં રૂપસી એરપોર્ટનું આધુનિકરણ થાય, બોંગઇ ગામમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ હબનું નિર્માણ થાય, આવી સુવિધાઓ વડે જ આસામમાં ઔદ્યોગિક વિકાસને નવું બળ મળવાનું છે.

ભાઈઓ અને બહેનો,

આજે જ્યારે દેશ ગેસ આધારિત ઈકોનોમી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે, આસામ પણ આ અભિયાનનો એક મહત્વનો સાથીદાર છે. આસામમાં તેલ અને ગેસ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર વિતેલા વર્ષોમાં 40 હજાર કરોડ રૂપિયા કરતાં વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. ગુવાહાટી-બરૌની ગેસ પાઇપ લાઇન વડે ઉત્તર પૂર્વ અને પૂર્વી ભારતના ગેસ જોડાણો મજબૂત થવાના છે અને આસામમાં રોજગાર માટેના નવા અવસરો બનવા જઈ રહ્યા છે. નુમાલીગઢ રિફાઇનરીનું વિસ્તરણ કરવાની સાથે સાથે ત્યાં હવે બાયો રિફાઇનરીની સુવિધા પણ જોડવામાં આવી છે.

તેનાથી તેલ અને ગેસની સાથે સાથે આસામ ઇથેનોલ જેવુ બાયોફ્યુઅલ બનાવનાર દેશનું મુખ્ય રાજ્ય બનવા જઈ રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

આસામ હવે સ્વાસ્થ્ય અને શિક્ષણના કેન્દ્રના રૂપમાં પણ વિકસિત થઈ રહ્યું છે. એઇમ્સ અને ઇંડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવા સંસ્થાનો બનવાથી આસામના યુવાનોને આધુનિક શિક્ષણ માટે નવા અવસરો મળવાના છે. જે રીતે આસામે કોરોના મહામારીને હેન્ડલ કરી છે તે પણ પ્રશંસનીય છે. હું આસામની જનતા સાથે જ સોનોવાલજી, હેમંતાજી અને તેમની ટીમને વિશેષ રૂપે અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આસામ હવે રસીકરણના અભિયાનને પણ સફળતા સાથે આગળ વધારશે. મારો આસામવાસીઓને પણ આગ્રહ છે કે કોરોના રસીકરણ માટે જેમનો વારો આવે, તેઓ રસી જરૂરથી લે. અને એ પણ યાદ રાખો કે રસીનો એક ડોઝ નહિ બે ડોઝ લાગવા જરૂરી છે.

સાથીઓ,

આખી દુનિયામાં ભારતમાં બનેલ રસીની માંગ થઈ રહી છે. ભારતમાં પણ લાખો લોકો અત્યાર સુધી રસી લગાવી ચૂક્યા છે. આપણે રસી પણ લગાવવાની છે અને સાવધાની પણ ચાલુ રાખવાની છે. અંતમાં ફરી એકવાર તે સૌ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન જેમને ભૂમિના અધિકાર મળ્યા છે. આપ સૌ સ્વસ્થ રહો, આપ સૌ પ્રગતિ કરો, આ જ કામના સાથે તમારો ખૂબ ખૂબ આભાર! મારી સાથે બોલો, ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/BT