Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આર્સેલોર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ) હજીરા પ્લાન્ટના વિસ્તારના પ્રસંગે વીડિયો સંદેશ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

આર્સેલોર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ) હજીરા પ્લાન્ટના વિસ્તારના પ્રસંગે વીડિયો સંદેશ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર.
આપ તમામને દિવાળી તથા નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ. નવા વર્ષમાં ટેકનોલોજી દ્વારા આપ સૌને મળવાનું થયું છે, નવું વર્ષ આપના માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે, એવી ગુજરાતના મારા તમામ પ્યારા ભાઈઓ અને બહેનો માટે પ્રાર્થના કરું છું.
આપ સૌને આર્સલેર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના હજીરા પ્લાન્ટનો વિસ્તાર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આ સ્ટીલ પ્લાન્ટના માધ્યમથી માત્ર રોકાણ  જ થઈ રહ્યું નથી પરંતુ ભવિષ્ય માટે સંભાવનાઓના નવા નવા દ્વાર પણ ખૂલી રહ્યા છે. 60 હજાર કરોડ કરતાં વધારે રોકાણ, ગુજરાત અને દેશના યુવાનો માટે રોજગારની અનેક તકો ઉપલબ્ધ કરાવશે. આ વિસ્તાર બાદ હજીરા સ્ટીલ પ્લાન્ટમાં ક્રૂડ સ્ટીલના ઉત્પાદનની ક્ષમતા નવ મિલિયન ટનથી વધીને 15 મિલિયન ટન જેટલી થઈ જશે. હું લક્ષ્મી મિત્તલ જીને, ભાઈ આદિત્યને તથા તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,
અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂકેલો આપણો દેશ હવે 2047ના વિકસીત ભારતના લક્ષ્યાંકો તરફ આગળ ધપવા માટે આતુર છે. દેશની આ વિકાસ યાત્રામાં સ્ટીલ ઉદ્યોગની ભૂમિકા વધુ મજબૂત બનનારી છે. કેમ કે દેશમાં જ્યારે સ્ટીલ ક્ષેત્ર મજબૂત થાય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પણ મજબૂત થાય છે. જ્યારે સ્ટીલ ક્ષેત્રનો વ્યાપ વધે છે તો માર્ગો, રેલવે, એરપોર્ટ અને બંદરોનો પણ વિસ્તાર થાય છે. જ્યારે સ્ટીલ ક્ષેત્ર આગળ વધે છે તો બાંધકામ, ઓટોમોટિવ ક્ષેત્રમાં નવા આયામો સંકળાઈ જાય છે. અને, જ્યારે  સ્ટીલ ક્ષેત્રની ક્ષમતા વધે છે ડિફેન્સ, કેપિટલ ગુડ્ઝ તથા એન્જિનિયરિંગ પ્રોડક્ટના વિકાસને પણ એક નવી ઉર્જા મળે છે. અને એટલું જ નહીં  અત્યાર સુધી આપણે આયર્ન ઓરે નિકાસ કરીને જ સંતોષ માનતા હતા. આર્થિક વિકાસ માટે આપણી પાસે જે ભૂ સંપત્તિ છે તેનું મૂલ્યાંકન કરવું અત્યંત જરૂરી છે. અને આ પ્રકારના સ્ટીલ પ્લાન્ટના વિસ્તારને કારણે આપણા આયર્ન ઓરેનો યોગ્ય ઉપયોગ આપણા દેશમાં જ થશે. દેશના નવયુવાનોને ઘણી રોજગારી મળશે અને વિશ્વના બજારમાં ભારતીય સ્ટીલ પોતાનું એક સ્થાન બનાવશે. અને મને કહેવામાં આવ્યું છે કે આ માત્ર પ્લાન્ટના વિસ્તારની જ વાત નથી પરંતુ તેની સાથે સાથે ભારતમાં સમગ્ર નવી ટેકનોલોજી પણ આવી રહી છે. આ નવી ટેકનોલોજી ઇલેક્ટ્રિકલ વ્હીકલના ક્ષેત્રમાં, ઓટોમોબાઈલના ક્ષેત્રમાં, અન્ય ઉત્પાદનના ક્ષેત્રમાં ખૂબ જ મદદ કરનારી છે. મને વિશ્વાસ છે કે આર્સેનલ મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનો આ પ્રોજેક્ટ મેઇક ઇન ઇન્ડિયાના વિઝન માટે સીમાચિહ્ન પુરવાર થશે. આ બાબત સ્ટીલ ક્ષેત્રમાં વિકસીત ભારત વધુ આત્મનિર્ભર ભારત માટેના અમારા પ્રયાસોને નવી શક્તિ પ્રદાન કરશે.

સાથીઓ,
આજે દુનિયા આપણી તરફ આશા રાખીને જોઈ રહી છે. ભારત દુનિયાના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ઝડપથી આગળ ધપી રહ્યું છે. અને સરકાર આ ક્ષેત્રના વિકાસક માટે જરૂરી આવું પોલિસી વાતાવરણ બનાવવામાં તત્પરતા દાખવી રહી છે. હું ગુજરાતને પણ અભિનંદન પાઠવું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે નવી ઔદ્યોગિક પોલિસી આવી છે તે પણ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં અત્યંત દૂરદૃષ્ટિ ધરાવતી નીતિ છે.
છેલ્લા આઠ વર્ષમાં તમામ પ્રયાસોને કારણે ભારતીય સ્ટીલ ઉદ્યોગ, દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક ઉદ્યોગ બની ગયો છે. આ ઉદ્યોગમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. સરકારની પીએલઆઈ સ્કીમથી તેના વિસ્તારના નવા માર્ગો તૈયાર થયા છે, આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂતી મળી છે. તેનાથી અમે હાઈ ગ્રેડ સ્ટીલ ઉત્પાદન વધારવા તથા આયાત પર નિર્ભરતા ઘટાડવા પર મહારથ હાંસલ કરી છે. આ હાઇ ગ્રેડ સ્ટીલનો ઉપયોગ મહત્વપૂર્ણ તથા વ્યૂહાત્મક એપ્લિકેશન્સમાં પણ વધી ગયો છે. આપ સમક્ષ આઇએનએસ વિક્રાન્તનું ઉદાહરણ છે. અગાઉ આપણે એરક્રાફ્ટના આગળના ભાગમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલ માટે અન્ય દેશો પર નિર્ભર હતા. દેશની સુરક્ષાને મજબૂત બનાવવા માટે આપણને બીજા દેશની મંજૂરીની જરૂર રહેતી હતી. આ સ્થિતિ યોગ્ય ન હતી તેને બદલવા માટે આપણે આત્મનિર્ભર બનવાની જરૂર હતી. અને ભારતીય સ્ટીલ ઉદ્યોગે નવી ઉર્જા સાથે આ પડકારને ઝીલી લીધો. ત્યાર બાદ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ એરક્રાફ્ટ કેરિયરમાં ઉપયોગમાં લેવામાં આવતા વિશેષ સ્ટીલને વિકસીત કર્યું. ભારતીય કંપનીઓએ હજારો મેટ્રિક ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું. અને આઇએનએસ વિક્રાન્ત સંપૂર્ણપણે સ્વદેશી સામર્થ્ય અને ટેકનિક સાથે તૈયાર થઈ ગયું. આવા જ સામર્થ્યને વેગ આપવા માટે દેશે હવે ક્રૂડ સ્ટીલની ઉત્પાદન ક્ષમતાને બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હાલમાં આપણે 154 મેટ્રિક ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન કરીએ છીએ. અમારું લક્ષ્યાંક છે કે આગામી નવથી દસ વર્ષમાં અમે તેનાથી આગળ વધીને 300 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી લઈએ.

સાથીઓ,
જ્યારે આપણે વિકાસ માટે વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ તો કેટલાક પડકારને પણ ધ્યાનમાં રાખવા પડશે. સ્ટીલ ઉદ્યોગ માટે કાર્બન ઉત્સર્જન, કાર્બન કમિશન આવો જ એક પડકાર છે. તેથી એક તરફ આપણે ક્રૂડ સ્ટીલના ઉત્પાદનની ક્ષમતાનો વિસ્તાર કરી રહ્યા છીએ તો બીજી તરફ પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીના ઉપયોગને પણ વેગ આપી રહ્યા છીએ. આજે ભારત એવી ઉત્પાદકીય ટેકનોલોજી વિકસીત કરવ તરફ ભાર મૂકી રહ્યું છે જે માત્ર કાર્બનના ઉત્સર્જન ઘટાડવામાં  જ નહીં પરંતુ કાર્બનને પ્રાપ્ત કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકે. દેશમાં સર્ક્યુલર ઇકોનોમીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. સરકાર અને ખાનગી ક્ષેત્રો મળીને આ દિશામાં કામ કરી રહ્યા છે. મને આનંદ છે કે એએમ/એનએસ ઇન્ડિયા ગ્રૂપનો હજીરા પ્રોજેક્ટ પણ ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ પર વધારે ભાર મૂકી રહ્યું છે.

સાથીઓ,
જ્યારે કોઈ લક્ષ્યાંકની દિશામાં કોઈ સંપૂર્ણ તાકાત સાથે પ્રયાસ કરવા લાગે છે તો તેને સાકાર કરવું કપરું લાગતું નથી. સ્ટીલ ઉદ્યોગને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. મને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ સમગ્ર ક્ષેત્ર તથા સ્ટીલ ક્ષેત્રમાં વિકાસને વેગ આપશે. હું ફરી એક વાર એએમ/એનએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અનેક અનેક શુભકામના આપું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.

નોંધઃ પ્રધાનમંત્રીના પ્રવચનના કેટલાક અંશો ગુજરાતી ભાષામાં પણ છે જેનો અહીં ભાવાનુવાદ કરવામાં આવ્યો છે.

 

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com