Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઠમા બ્રિક્સ શિખર સંમેલન વેળાએ ગોવા ઘોષણાપત્ર


  • અમે, સંઘિય ગણરાજ્ય બ્રાઝિલ, રશિયન ફેડરેશન, પ્રજાસત્તાક ભારત, પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઈના અને પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાના નેતાઓ, ભારતમાં ગોવા ખાતે આઠમા બ્રિક્સ શિખર સંમેલન ખાતે 15-16 ઓક્ટોબર, 2016ના રોજ મળ્યા હતા. આ શિખર સંમેલનનો વિષયવસ્તુ “પ્રતિભાવશીલ, વ્યાપક અને સહિયારા ઉકેલો ઊભા કરવા”નો હતો.
  • અમારા પાછલા તમામ ઘોષણાપત્રોને યાદ રાખીને અમે અમારા સમાન હિતો ઉપરાંત મુક્ત, પરસ્પર નિર્ભર, સમાનતા, પરસ્પર સમજદારી, અભિવ્યાપકત્વ અને પરસ્પર લાભદાયક સહકાર ધરાવતી અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરતી મુખ્ય પ્રાથમિકતાઓને આધારે બ્રિક્સની સુદ્રઢતા અને સહકાર વધુ મજબૂત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. અમે વૈશ્વિક શાંતિ અને સલામતિના નવા ઉભરતા પડકારો તેમજ સાતત્યપૂર્ણ વિકાસ માટે અમારા સહિયારા પ્રયાસો વધુ વધારવાની જરૂરિયાત હોવા અંગે સંમત થયા છીએ.
  • અમે સહમત છીએ કે અમારા વાસ્તવિક સહકાર દ્વારા બ્રિક્સ દેશો વૈશ્વિક તખ્તા પર પ્રભાવ પેદા કરી રહ્યા છે, જેના સીધા લાભ અમારા દેશોના લોકોને પ્રાપ્ત થાય છે. આ સંદર્ભે, અમે સંતોષપૂર્વક નોંધીએ છીએ કે ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (એનડીબી) અને કન્ટિન્જેન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ (સીઆરએ) કાર્યરત બન્યા છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેમજ આંતરરાષ્ટ્રીય નાણાંકીય માળખું સુદ્રઢ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપે છે. કામકાજના પ્રથમ વર્ષ દરમિયાન બેન્કે કરેલા કાર્યો અંગે એનડીબીના પ્રમુખે રજૂ કરેલા અહેવાલનું અમે સ્વાગત કરીએ છીએ. એનડીબીના આફ્રિકા રિજિયનલ સેન્ટર (એઆરસી)ના કામકાજમાં થયેલી પ્રગતિની નોંધ લેતા અમે આનંદ અનુભવીએ છીએ અને આ સંદર્ભે અમારા સંપૂર્ણ ટેકાનું વચન આપીએ છીએ. આગામી વર્ષોમાં અમે બ્રિક્સની નવી પહેલો વિકસાવવાની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ.
  • ન્યુ ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ખાસ કરીને બ્રિક્સ દેશોમાં નવિનીકરણીય ઊર્જાના પ્રોજેક્ટો માટે અપાયેલી લોનના પ્રથમ તબક્કાને અપાયેલી મંજૂરીની અમે પ્રશંસાપૂર્વક નોંધ લઈએ છીએ. આરએમબીમાં ગ્રીન બોન્ડ્ઝનું પહેલું જૂથ આપવા બદલ અમે એનડીબી માટે સંતોષ વ્યક્ત કરીએ છીએ. અમને એ નોંધ લેતા આનંદ થાય છે કે બ્રિક્સની કન્ટિન્જેન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ્સના કામકાજ શરૂ થતા વૈશ્વિક નાણાંકીય સુરક્ષાની જાળ વધુ મજબૂત બની છે.
  • વિકસતા અને ઉભરતા સાથી દેશો સુધી પહોંચવા અને પરસ્પર સમજ તેમજ જોડાણો વધારવા અમે બ્રિક્સના નેતાઓની બિમસ્ટેક (બીઆઈએમએસટીઈસી) – બાંગ્લાદેશ, ભુટાન, ઈન્ડિયા, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડને સમાવતા બંગાળની ખાડી વિસ્તારની બહુ સ્તરીય તકનિકી અને આર્થિક સહકારની પહેલના સભ્ય દેશોના નેતાઓ સાથે આઉટરિચ સમિટ યોજીશું. આ બેઠક બિમસ્ટેક દેશો સાથે અમારી મિત્રતાને તાજી કરવાની તેમજ વેપાર અને વ્યાપારી જોડાણો વધારવાની સંભાવનાઓ સાથે મળીને શોધવાની, બ્રિક્સ અને બિમસ્ટેક દેશો વચ્ચે રોકાણ માટે સહયોગ વધારવાની તક હશે, સાથે સાથે તે શાંતિ, વિકાસ, લોકતંત્ર અને સમૃદ્ધિના અમારા સમાન ધ્યેયોને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ બનશે.
  • વિશ્વમાં ચાલી રહેલા ધરમૂળ પરિવર્તન અંગે અમારા સહિયારા વિઝનને અમે ફરી ભારપૂર્વક દોહરાવીએ છીએ, તે વધુ ન્યાયસંગત, લોકશાહી સંબંધી અને બહુ-ધ્રુવિય આંતરરાષ્ટ્રીય ક્રમમાં સંયુક્ત રાષ્ટ્રોની કેન્દ્રીય ભૂમિકાના આધારે સંક્રમણ પામે છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરે છે. વૈશ્વિક મુદ્દાઓ પર સહકારના પ્રયત્નો વધુ મજબૂત કરવાની જરૂરિયાત અને પરસ્પરાશ્રય, પરસ્પર સમજદારી અને વિશ્વાસની ભાવના સાથે વ્યવહારુ સહયોગની જરૂરિયાત હોવાનું અમે ફરી ખાતરીપૂર્વક જણાવ્યું. આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઉકેલવા અને રાજકીય અને રાજદ્વારી સાધનો દ્વારા મતભેદોના શાંતિપૂર્ણ સમાધાન માટે સહિયારા પ્રયાસોના મહત્ત્વ પર અમે ભાર મૂક્યો, અને આ સંદર્ભે, અમે સંયુક્ત રાષ્ટ્રોના અધિકારપત્રના સિદ્ધાંતો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દોહરાવી.
  • આંતરરાષ્ટ્રીય સમુદાય જેનો સામનો કરી રહ્યા છે, તે સુરક્ષા અંગે પ્રવર્તમાન પડકારો અને જોખમોની વૈશ્વિક સિકલની અમે નોંધ લીધી. અમે અમારા એ વિચારને ફરી દોહરાવ્યો કે આ પડકારોનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, કાયમી શાંતિની સ્થાપના તેમજ ન્યાયસંગત, વાજબી અને બહુ-ધ્રુવીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે સૌહાર્દપૂર્ણ, પરસ્પર વિશ્વાસ અને હિત, સમાનતા અને સહકાર, આંતરરાષ્ટ્રીય કાયદા પરત્વે મજબૂત પ્રતિબદ્ધતા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ જાળવવા માટે આદેશ આપવામાં તેમજ વૈશ્વિક વિકાસમાં પ્રગતિ અને માનવ અધિકારોના રક્ષણ માટે સંયુક્ત રાષ્ટ્રોની સાર્વત્રિક બહુપક્ષીય સંગઠન તરીકે કેન્દ્રીય ભૂમિકા પર આધારિત વ્યાપક, સહિયારો અને દ્રઢનિશ્ચયી અભિગમ જરૂરી છે. આ સંદર્ભે અમારા સહિયારા પ્રયાસો વધારવાનું ખૂબ મહત્ત્વનું હોવા પર અમે ભાર મૂક્યો હતો.
  • સંયુક્ત રાષ્ટ્રોના અધિકારપત્રના હેતુઓ અને સિદ્ધાંતોને આધારે સતત તેમજ સર્વગ્રાહી સન્માન દ્વારા, તેના આંતરિક-સંબંધો અને અખંડિતતામાં આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અને નિયમોને આધીન રહીને તેમજ તમામ દેશો દ્વારા તેમની આંતરરાષ્ટ્રીય કાયદેસર જવાબદારીઓના અનુપાલન દ્વારા નિષ્પક્ષ અને ન્યાયસંગત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને રક્ષણ આપવામાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતાને અમે ફરી દોહરાવી. બીજા વિશ્વ યુદ્ધના પરિણામોને ખોટી રીતે રજૂ કરવાના સતત પ્રયાસોનો દ્રઢતાપૂર્વક અસ્વીકાર કરવાની અમારી પ્રતિબદ્ધતા અમે વ્યક્ત કરી. અમે એ પણ યાદ કર્યું કે વિકાસ અને સલામતિ પરસ્પર ઘનિષ્ઠપણે જોડાયેલા છે, તે બંને એકબીજાને બળવત્તર બનાવે છે અને તે કાયમી શાંતિ સ્થાપવા માટેની ચાવી છે.
  • એ બાબતે અમારો વિશ્વાસ જળવાઈ રહ્યો કે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઉકેલવા માટે વિવાદોના રાજકીય અને રાજદ્વારી સાધનો દ્વારા શાંતિભર્યા સમાધાન માટે સહિયારા પ્રયાસોની જરૂર છે. સદ્ભાવના, દેશોના સાર્વભૌમત્વની સમાનતા, દેશોની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી ન કરવી તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા આધારિત ન હોય તેવા એકપક્ષીય બળજબરીપૂર્વક લદાયેલા પગલાંનું ભારણ ન હોય તેવા સહકારના સિદ્ધાંતોનું અમલીકરણ કરવું. અમે એકપક્ષીય લશ્કરી દરમિયાનગીરી તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના સાર્વત્રિક માન્યતાપ્રાપ્ત ધોરણોનું ઉલ્લંઘન થતું હોય તેવી આર્થિક મંજૂરીઓને વખોડી કાઢી. આ બાબતને ધ્યાન પર રાખીને અમે સલામતિના અવિભાજ્ય પ્રકારના આગવા મહત્ત્વ પર તેમજ અન્ય દેશની સલામતિના ભોગે કોઈ પણ દેશ પોતાની સુરક્ષા વધુ મજબૂત ન કરવો જોઈએ એ બાબત પર ભાર મૂક્યો હતો.
  • અમે વર્ષ 2005ના વિશ્વ શિખર સંમેલનના પરિણામોનો દસ્તાવેજ યાદ કર્યો હતો. અમે સંયુક્ત રાષ્ટ્રના, તેની સુરક્ષા પરિષદ સહિત, તેને વધુ પ્રસ્તુત, અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે તેમજ તેમાં વિકસતા દેશો વૈશ્વિક પડકારોનો યોગ્ય રીતે સામનો કરી શકે તે માટે વિકસતા દેશોનું પ્રતિનિધિત્વ વધે એ માટે તેના સર્વગ્રાહી સુધારાની આવશ્યકતા ફરી સુનિશ્ચિત કરી હતી. ચીન અને રશિયાએ આંતરરાષ્ટ્રીય બાબતોમાં બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકા સાથેના તેમના જોડાણનો દરજ્જો અને ભૂમિકાનું મહત્ત્વ જણાવ્યું હતું અને સંયુક્ત રાષ્ટ્રમાં વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની આ દેશોની મહત્ત્વાકાંક્ષાને પોતાનો ટેકો આપ્યો હતો.
  • સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલની પસંદગી અને નિમણૂંકની પ્રક્રિયા વધુ પારદર્શક અને સમાવેશક બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેવાયેલા નક્કર પગલાનું અમે સ્વાગત કરીએ છીએ.
  • સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ શ્રી બાન કિ-મૂને છેલ્લા દસ વર્ષોમાં સંયુક્ત રાષ્ટ્રમાં જે યોગદાન આપ્યું તે બદલ અમે એમના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી એન્તોનિયો ગુટેરેસને અમે અભિનંદન પાઠવીએ છીએ અને તેમને અમારો સહયોગ વ્યક્ત કરીને તેમની સાથે ઘનિષ્ઠપણે જોડાઈને કામ કરવા ઈચ્છીએ છીએ.
  • સંયુક્ત રાષ્ટ્રના શાંતિ જાળવવાના કામકાજમાં બ્રિક્સ દેશોના યોગદાનની જાણકારી અને આંતરરાષ્ટ્રિય શાંતિ અને સલામતિને રક્ષવામાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપવા માટેના કાર્યોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાન પર લેતા અમને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ પ્રસ્થાપિત કરવા સામેના પડકારોની જાણ થઈ અને અમે શાંતિ સ્થાપવાના મૂળ સિદ્ધાંતોના પાલનની સાથે સાથે તેની ભૂમિકા, ક્ષમતા, અસરકારકતા, ઉત્તરદાયિત્વ અને કાર્યક્ષમતા વધુ મજબૂત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. અમે એ વાત પર પણ ભાર મૂક્યો કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ પ્રસ્થાપિત કરવાના કાર્યો તેના સંબંધિત આદેશના કડક અનુપાલન સાથે અને આ સંદર્ભે યજમાન દેશોની પ્રાથમિક જવાબદારી બાબતમાં નાગરિકોના રક્ષણની ફરજ નિભાવે તેવા હોવા જોઈએ.
  • મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં પ્રવર્તતી પરિસ્થિતિ વિશે અમે ગંભીરપણે ચિંતિત છીએ. અમે આ સમસ્યાના આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત તેમજ લોકશાહીના સિદ્ધાંતો, પ્રાદેશિક અખંડિતતા અને પ્રદેશના દેશોના સાવર્ભૌમત્વની સુનિશ્ચિતતા મળે તેવા સમાધાનના રસ્તાઓ શોધવાના તમામ પ્રયત્નોને ટેકો આપીએ છીએ. સિરિયામાં અમે રાષ્ટ્રીય વિચાર-વિમર્શ અને 30મી જૂન, 2012ના રોજની જિનિવામાં થયેલી વાતચીત આધારિત તેમજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઠરાવ 2254 અને 2268ના સંપૂર્ણ અમલીકરણના અનુસરણમાં સિરિયાની આગેવાની હેઠળ રાજકીય પ્રક્રિયા દ્વારા સિરિયાના લોકોની વાજબી આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી અને શાંતિપૂર્ણ સમાધાન માટે કામ કરવા સંબંધિત તમામ પક્ષોને વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા નિર્દિષ્ટ આઈએસઆઈએલ, જભાત અલ-નુસરા અને અન્ય નિર્દિષ્ટ આતંકવાદી સંગઠનો સહિત આતંકવાદી જૂથો સામે અવિરત જંગ ચાલુ છે.
  • પેલેસ્ટાઈન-ઈઝારાયેલના વિવાદનું ટુ-સ્ટેટ સોલ્યુશન યુએનએસસીના સંબંધિત ઠરાવો, મેન્ડ્રિડના સિદ્ધાંતો અને આરબ શાંતિ પહેલ, તેમજ બંને પક્ષો વચ્ચેની પાછલી દલીલોને આધારે અમલમાં આવે તે જરૂરી હોવાનું પણ અમે ભારપૂર્વક જણાવ્યું. સ્વતંત્ર, સદ્ધર, પ્રાદેશિક રીતે જોડાયેલા પેલેસ્ટાઈન અને ઈઝરાયેલમાં શાંતિ, સલામતિ, પરસ્પર સહમતિ અને 1967ના નકશાને આધારે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરહદો અને યુએનના સંબંધિત ઠરાવોમાં દર્શાવ્યા મુજબ પૂર્વ જેરુસલેમ રાજધાની હોય, તે રીતે રચનાનું લક્ષ્ય ધરાવતી વાતચીત દ્વારા આ અમલ થવો જોઈએ.
  • અમે અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સલામતિના પડકારો અને અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી. અફઘાનિસ્તાનના નેતૃત્ત્વ હેઠળનું અને અફઘાનિસ્તાનનું પોતાનું રાષ્ટ્રીય સમાધાન મેળવવાના અને આતંકવાદ સામે લડવાના અફઘાનિસ્તાનની સરકારના પ્રયત્નોને ટેકો આપવાનું અમે સમર્થન કર્યું. અમે અફઘાનિસ્તાનમાં સલામતિને સુગમ બનાવવા માટે, તેના સ્વતંત્ર રાજકીય અને આર્થિક કામકાજને પ્રોત્સાહન આપવા તેમજ આતંકવાદ અને ડ્રગની હેરાફેરીમાંથી મુક્ત થવા માટે રચનાત્મક સહકાર આપવાની અમારી તૈયારી પણ ખાતરીપૂર્વક જણાવી. નેતાઓએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિરતા સ્થાપવા માટે સક્ષમ અને અસરકારક અફઘાન નેશનલ સિક્યોરિટી ફોર્સીઝ (એએનએસએફ)ની ભૂમિકા મુખ્ય હોવી જોઈએ. આ સંદર્ભે, નેતાઓએ પ્રાદેશિક દેશો તેમજ નાટોની આગેવાની ધરાવતા રેઝોલ્યુટ સપોર્ટ મિશન, જે આઈએસએએફની શાખા છે અને, જેની એએનએફએફના ક્ષમતા નિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા છે, તેની સહિતના બહોળા આંતરરાષ્ટ્રીય સમુદાયની સતત પ્રતિબદ્ધતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નેતાઓએ અફઘાનિસ્તાનની સમસ્યાઓ અંગે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન, કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન અને હાર્ટ ઑફ એશિયા કોન્ફરન્સ જેવી મુખ્યત્વે અફઘાનિસ્તાનના પાડોશી દેશોને સામેલ કરતી સંસ્થાઓ અને અન્ય પ્રાદેશિક દેશો દ્વારા બહુપક્ષીય પ્રાદેશિક-આગેવાની ધરાવતી વાતચીતના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. 
  • અમે આફ્રિકન યુનિયન (એયુ)ના વિઝન, આકાંક્ષાઓ, ધ્યેયો અને એજન્ડા 2063માં દર્શાવાયેલી આફ્રિકાના વિકાસ માટેની પ્રાથમિકતાઓ, જે સાતત્યપૂર્ણ વિકાસ અંગેના 2030 એજન્ડા સાથે સુસંગત છે, તેનું સ્વાગત કરીએ છીએ. અમે આફ્રિકાને તેના શાંતિ અને સામાજિક આર્થિક વિકાસ માટેના ખંડીય એજન્ડાને અનુસરવા માટેના વિવિધ કાર્યક્રમોના અમલીકરણ માટે અમારો ટેકો ફરી સુનિશ્ચિત કર્યો. આફ્રિકાની સૌહાર્દતા, એકતા અને શક્તિ, પ્રાદેશિક સંકલન અને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વધે તે માટેના સંયુક્ત પ્રયાસો અમે ચાલુ રાખીશું. મહાદ્વીપમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ અને તે જે શાંતિપૂર્ણ રીતે યોજાઈ, તેને પણ અમે વધાવીએ છીએ. 
  • સંયુક્ત રાષ્ટ્રો સાથેના સહયોગમાં શાંતિ અને સલામતિના માળખા દ્વારા સમસ્યાઓ ઉકેલવાના આફ્રિકન યુનિયનના પ્રયત્નો તેમજ આફ્રિકામાં સ્થિર અને સાતત્યપૂર્ણ શાંતિ અને સલામતિ માટેના તેના યોગદાનને અમે ટેકો આપીએ છીએ.
  • શાંતિ અને સલામતિ માટેના પોતાના કાર્યોને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે આફ્રિકન યુનિયનની સંસદના પીસ ફંડ (શાંતિ ભંડોળ) કાર્યરત કરવાના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. આફ્રિકન સ્ટેન્ડબાય ફોર્સ (એએસએફ)ને સંપૂર્ણ કાર્યાન્વિત કરવાના પ્રયત્નોને અમે ટેકો આપીએ છીએ અને આ સંદર્ભે, આફ્રિકન કેપેસિટી ફોર ઈમિજિએટ રિસ્પોન્સીઝ ટુ ક્રાઈસીઝ (એસીઆઈઆરસી) સહિતની પ્રગતિની નોંધ લઈએ છીએ.
  • આતંકવાદ અને ઉગ્રવાદને પગલે સર્જાયેલી રાજકીય અને સલામતિને લગતી અસ્થિરતાઓ અનેક દેશોમાં સતત ચાલુ હોવા અંગે અમે અમારી ચિંતા વ્યક્ત કરી. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને યુનાઈટેડ નેશન્સ, આફ્રિકન યુનિયન અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વારા વિગ્રહ પછીની પુનઃરચના અને વિકાસના પ્રયત્નો સહિત આ પડકારોનો મુકાબલો કરવા તેમનો ટેકો આપવા જણાવ્યું છે.
  • 25મી સપ્ટેમ્બર, 2015ના રોજ સાતત્યપૂર્ણ વિકાસ અંગે યોજાયેલા યુનાઈટેડ નેશન્સના શિખર સંમેલન દરમિયાન સાતત્યપૂર્ણ વિકાસ અને સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયો માટેના ઐતિહાસિક 2030 એજન્ડા તેમજ ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદ સમયે વિકાસ માટે નાણાં વ્યવસ્થા અંગેના એડિસ અબાડા એક્શન એજન્ડાના સ્વીકારનું અમે સ્વાગત કરીએ છીએ. 2030 એજન્ડામાં સાતત્યપૂર્ણ વિકાસ માટે જે લોક-કેન્દ્રી અને સાકલ્યવાદી અભિગમ દર્શાવાયો છે તેમજ સહુને સમાનતા, નિષ્પક્ષતા અને ગુણવત્તાભર્યા જીવન પર ભાર મૂકાયો છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ. કોમન બટ ડિફરેન્શિએટેડ રિસ્પોન્સિબિલિટીઝ (સીબીડીઆર)ના સિદ્ધાંતો સહિત, 2030 એજન્ડાના અમલીકરણના માર્ગદર્શક સિદ્ધાંતોનું અમે ફરી દ્રઢીકરણ કરીએ છીએ.
  • ગરીબી નાબૂદી પર વધુ ભાર આપતા 2030 એજન્ડા, સાતત્યપૂર્ણ વિકાસના આર્થિક, સામાજિક અને પર્યાવરણને લગતા પરિમાણો પર સમાન અને સંતુલિત મહત્ત્વ આપે છે. અમે વિકસેલા દેશોને વિનંતી કરીએ છીએ કે વિકસતા દેશોને સત્તાવાર વિકાસ સહાય (ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ) માટે  કુલ રાષ્ટ્રીય આવકના 0.7 ટકા ભંડોળનું વચન પૂરી કરીને પોતાની સત્તાવાર વિકાસ સહાય અંગેની પ્રતિબદ્ધતાઓ નિભાવે. એસડીજીના અમલીકરણમાં આ ભંડોળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એસડીજીના અમલીકરણને સહાયક બનવા સંયુક્ત રાષ્ટ્રોમાં ટેકનોલોજી ફેસિલિટેશન મિકેનિઝમ સ્થાપવાના આદેશનું અમે સ્વાગત કરીએ છીએ. 
  • અમે રાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને રાષ્ટ્રીય નીતિઓ સંદર્ભે વિકાસને ધ્યાન પર લઈને સાતત્યપૂર્ણ વિકાસ માટેના 2030 એજન્ડાના અમલીકરણમાં ઉદાહરણરૂપ નેતૃત્વ લેવા પ્રતિબદ્ધ છીએ. સાતત્યપૂર્ણ વિકાસ માટેના 2030 એજન્ડા અંગે જી ટ્વેન્ટીના હેન્ગઝોઉ ખાતે યોજાયેલા શિખર સંમેલન દરમિયાન અપનાવાયેલા જી ટ્વેન્ટી એક્શન પ્લાનનું અમે સ્વાગત કરીએ છીએ અને સહિયારા તેમજ વ્યક્તિગત, બંને પ્રકારનાં નક્કર કાર્યો દ્વારા પરિવર્તનકારી પગલા લઈને તેનો અમલ કરવા માટે વચનબદ્ધ છીએ.
  • અમે એવા સમયે મળ્યા છીએ, જ્યારે વધુ સારી લવચીકતા અને વિકાસના નવા સંસાધનો ઉભરી આવવા સાથે વૈશ્વિક આર્થિક વિકાસની ગાડી ફરી પાટે ચઢી રહી છે. જોકે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડા તરફી જોખમો ચાલુ રહેવાને કારણે વિકાસની રફતાર અપેક્ષા કરતાં ઓછી છે. આનું પ્રતિબિંબ કિંમતોમાં અસ્થિરતા, નબળો વેપાર, મોટા પ્રમાણમાં ખાનગી અને જાહેર દેવાના બોજા, આર્થિક વિકાસની અસમાનતા અને અભિવ્યાપકતાનો અભાવ, સહિત પડકારોમાં જોવા મળે છે. દરમિયાન, વિકાસના લાભ વ્યાપક રીતે વહેંચાય તે જરૂરી છે. ભૌગોલિક રાજનીતિ વિષયક વિગ્રહો, આતંકવાદ, શરણાર્થીઓના ધાડાં, ગેરકાયદેસર નાણાંનો પ્રવાહ અને યુકેના લોકમતના પરિણામોને પગલે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાઓ વધી છે. 
  • મજબૂત, સાતત્યપૂર્ણ, સંતુલિત અને વ્યાપક વિકાસના ધ્યેયને હાંસલ કરવા માટે અમે નાણાંકીય, મહેસૂલી તેમજ બંધારણને લગતા તમામ નીતિવિષયક સાધનો વ્યક્તિગત રીતે અને સાથે મળીને વાપરવાના અમારા નિર્ધારને અમે દોહરાવ્યો હતો. જોકે, માત્ર નાણાંકીય નીતિ દ્વારા સંતુલિત અને સાતત્યપૂર્ણ વિકાસ સાધી ન શકાય. આ સંદર્ભે, અમારે બંધારણીય સુધારાની આવશ્યક ભૂમિકા ધ્યાન પર લઈએ છીએ. અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે અમારી મહેસૂલી નીતિઓ, વિકાસના અમારા સહિયારા ઉદ્દેશોને ટેકારૂપ બનવામાં એટલી જ મહત્ત્વની છે. અમે એ વાતની પણ નોંધ લીધી કે વ્યવસ્થાની દ્રષ્ટિએ કેટલીક મહત્ત્વની ગણાતી અદ્યતન અર્થવ્યવસ્થાઓમાં નીતિવિષયક પગલાંઓની અનુગામી અસરોને કારણે ઉભરતા અર્થતંત્રોની વિકાસની સંભાવનાઓને અવળી અસર પહોંચી છે.
  • અમે એ જોયું છે કે મધ્યમ અને લાંબા ગાળાની વૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસ માટે નવિનીકરણ મુખ્ય ચાલકબળ છે. અમે ઔદ્યોગિકીકરણ તેમજ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતા પગલાના બંધારણીય પરિવર્તનના મુખ્ય આધાર સ્તંભ તરીકેના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ.
  • સમાવેશકતાને પ્રોત્સાહન આપે, લવચીકતા જાળવી રાખે અને જીડીપીના ભાગરૂપે દેવાની સ્થિરતા સુનિશ્ચિત કરે તે રીતે કરવેરા નીતિ અને જાહેર ખર્ચનો ઉપયોગ કરીને વિકાસને વધુ મદદગાર નીવડવાની જરૂરિયાત પર પણ અમે ભાર મૂક્યો.
  • વિશ્વમાં, ખાસ કરીને એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં ગતિશીલ સંકલન પ્રક્રિયાઓને અમે ધ્યાન પર લીધી. અમે સમાનતા, નિખાલસતા અને સમાવેશકતાના સિદ્ધાંતોને આધારે કરાયેલા પ્રાદેશિક સંકલનના સંદર્ભમાં વિકાસને પ્રોત્સાહન આપવાની અમારી માન્યતા સુનિશ્ચિત કરીએ છીએ. વધુમાં અમે એમ પણ માનીએ છીએ કે આને કારણે વિસ્તરેલા વેપાર, વ્યાપારી અને રોકાણને લગતા જોડાણો દ્વારા અર્થંવ્યવસ્થાના વિસ્તરણને પ્રોત્સાહન મળશે.
  • અમે લાંબા સમયગાળા માટે સ્થાયી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે કનેક્ટિવિટી સહિત માળખાકીય સવલતોમાં જાહેર અને ખાનગી રોકાણોનું મહત્ત્વ હોવાનું પણ તારવ્યું. આ સંદર્ભે, અમે બહુપક્ષીય વિકાસ બેન્કોની સંડોવણી વધારવા સહિતના પગલા દ્વારા માળખાકીય સવલતોમાં નાણાંકીય તફાવત પૂરવાના અભિગમો મંગાવ્યા છે.
  • અમે મજબૂત, ક્વોટા આધારિત અને પર્યાપ્ત સાધનસંપન્ન આઈએમએફ પરત્વે અમારી પ્રતિબદ્ધતા પુનઃ સુનિશ્ચિત કરીએ છીએ. આઈએમએફ દ્વારા ધિરાણ પેટે મેળવાયેલા સાધનો કામચલાઉ ધોરણે હોવા જોઈએ. અમે નવી ક્વોટા ફોર્મ્યુલા સહિત 15મા જનરલ રિવ્યુ ઑફ ક્વોટાઝને નિર્ધારિત સમયમર્યાદામાં આખરી સ્વરૂપ મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે ઉભરતા અર્થતંત્રોના સહિયારા પ્રયાસોને અમારો મજબૂત ટેકો ચાલુ રાખીશું, જેથી ઉભરતા અને વિકસતા ગતિશીલ અર્થતંત્રો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પોતાના સંબંધિત યોગદાનને પ્રતિબિંબિત કરી શકે, તેમજ અલ્પવિકસિત દેશો (એલડીસી), ગરીબ દેશો અને પ્રદેશોનો અવાજ સાંભળવામાં આવે.
  • પહેલી ઓક્ટોબર, 2016ના રોજ ચીનના ચલણ રેન્મિન્બી (આરએમબી)ને સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (એસડીઆર) હેઠળ સામેલ કરવામાં આવ્યું, તેનું અમે સ્વાગત કરીએ છીએ.
  • અમે પ્રગતિમાં મોખરે હોય તેવા યુરોપના દેશોને આઈએમએફના એક્ઝિક્યુટિવ બોર્ડના બે સ્થાન જતા કરવાનું તેમનું વચન પૂરું કરવા જણાવીએ છીએ. આઈએમએફના સુધારા આફ્રિકા ખંડમાં સહારાના રણની દક્ષિણે આવેલા દેશો સહિત આઈએમએફના ગરીબમાં ગરીબ સભ્યોનો અવાજ અને પ્રતિનિધિત્વ વધુ મજબૂત બને તેવા હોવા જોઈએ.
  • અમર્યાદ દેવાની પુનઃરચનાના પડકારો અંગે અમે ચિંતા વ્યક્ત કરી અને આંતરરાષ્ટ્રીય મૂડી બજારોમાં પ્રવેશ સુનિશ્ચિત કરવા દેવાની સમયસર અને સફળ પુનઃરચના, અને એટલે જ દેવાના મોટા બોજા હેઠળ દબાયેલા દેશો માટે આર્થિક વિકાસ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અમે દેવાના પુનઃઘડતરની પ્રક્રિયા સુધારવા તેમજ સંયુક્ત પ્રયાસની સુધારેલી કલમો (સીએસીઝ) અંગે હાલ ચાલી રહેલી વાતચીતનું સ્વાગત કર્યું.
  • બહુપક્ષીય ટ્રેડિંગ વ્યવસ્થા માટે અને નિયમ આધારિત, મુક્ત, પારદર્શી, ભેદભાવ વિનાની તેમજ સમાવશેક એવા વિકાસનો મુખ્ય એજન્ડા ધરાવતી ટ્રેડિંગ વ્યવસ્થાના પાયાના પથ્થર તરીકે ડબલ્યુટીઓના કેન્દ્રસ્થાને હોય એ માટે અમે અમારો ટેકો ફરી સુનિશ્ચિત કર્યો હતો. અમે એ વાત ધ્યાન પર લીધી કે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય વેપાર સંધિઓની સંખ્યા વધી છે અને અમે આ બાબત, બહુપક્ષીય ટ્રેડિંગ વ્યવસ્થાને પૂરક બને તેમજ પારદર્શિતા, સમાવેશકતા અને ડબલ્યુટીઓના નિયમો સાથે સુસંગત સિદ્ધાંતો સાથે ડબલ્યુટીઓ હેઠળ બહુપક્ષીય ટ્રેડિંગ વ્યવસ્થા વધુ મજબૂત બને તે માટેના તેમના કાર્યો માટે પક્ષોને પ્રોત્સાહિત કરશે એમ ભારપૂર્વક જણાવ્યું.
  • બાલી અને નાઈરોબીમાં યોજાયેલી મંત્રીસ્તરીય પરિષદોમાં લેવાયેલા નિર્ણયોના અમલના મહત્ત્વ પર અમે ભાર મૂક્યો. દોહા ડેવલપમેન્ટ એજન્ડા (ડીડીએ)ના મુદ્દાઓ પર પ્રાથમિકતાના ધોરણે વધુ વાતચીત હાથ ધરવાની જરૂરિયાત પર પણ અમે ભાર મૂક્યો. અમે ડબલ્યુટીઓના તમામ સભ્યોને એમસીઈલેવન અને તેનાથી પણ વધુ મજબૂત વિકાસ આધારિત પરિણામો સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું.
  • બ્રિક્સ આર્થિક સહભાગિતા માટેની વ્યૂહરચનાના અમલમાં થયેલી પ્રગતિની અમે પ્રશંસા કરી અને વર્ષ 2020 સુધીના ગાળા માટે વ્યાપારી, આર્થિક અને રોકાણ અંગેના સહકાર માટે બ્રિક્સની કાર્યયોજનાના મહત્ત્વ પર ભાર મૂક્યો. અમને વિશ્વાસ છે કે ક્ષેત્રીય સહકારના વ્યવસ્થાતંત્ર, આર્થિક અને વ્યાપારી મુદ્દાઓ અંગેના બ્રિક્સ કોન્ટેક્ટ ગ્રુપ, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ, ન્યુ ડેવલપમેન્ટ બેન્ક અને બ્રિક્સની બેન્કોના પરસ્પર સહકારના વ્યવસ્થાતંત્ર વચ્ચેનો ઘનિષ્ઠ સહયોગ બ્રિક્સની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સંદર્ભે, અમે ઈ-કોમર્સ, સિંગલ વિન્ડો, આઈપીઆર સહકાર, વ્યાપાર પ્રોત્સાહન અને અતિ સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમો (એમએસએમઈઝ) જેવા બ્રિક્સના મુખ્ય આર્થિક પગલાના ચાલુ પરિણામોનું અમે સ્વાગત કરીએ છીએ. અમે નોન-ટેરિફ મેઝર્સ (એનટીએમ્સ), સેવાઓનું ક્ષેત્ર અને માનકીકરણ અને સંવાદિતાની આકારણીઓને ભાવિ સહકારના સંભવિત ક્ષેત્રો તરીકે ઓળખ્યા છે. આ સંદર્ભે અમે 13મી ઓક્ટોબર, 2016ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી બ્રિક્સના વેપાર-વાણિજ્ય મંત્રીઓની બેઠકનો સંદર્ભ ધ્યાન પર લીધો છે અને તેના ફળદાયી પરિણામોને આવકારીએ છીએ. 
  • બ્રિક્સ દેશોની આર્થિક ભાગીદારી માટેની વ્યૂહરચનાને કાર્યરત કરવા અમે વધુ ભાગીદારી, મૂલ્ય વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપે તેવી નીતિની સંભાવનાને જાળવી રાખવા દ્વારા સહિત અમારી કંપનીઓને વૈશ્વિક મૂલ્ય સાંકળમાં ઉર્ધ્વ ગતિશીલતાને ટેકો આપવાના પગલાઓને પ્રોત્સાહિત કરીએ છીએ.
  • નવી દિલ્હીમાં સૌપ્રથમ બ્રિક્સ ટ્રેડ ફેરના યજમાન બનવાની ભારતની પહેલને અમે વધાવીએ છીએ. બ્રિક્સ દેશોની આર્થિક ભાગીદારી માટેની વ્યૂહરચનાના અમલીકરણ તરફ આ મહત્ત્વપૂર્ણ કદમ છે. અમને વિશ્વાસ છે કે આને પગલે બ્રિક્સ દેશોમાં વેપાર અને વાણિજ્યને લગતા જોડાણો વધુ મજબૂત બનશે. અમે 13મી ઓક્ટોબર, 2016ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ દેશોના વેપાર-વાણિજ્ય મંત્રીઓની બેઠકના વિચાર-વિમર્શ અને પરિણામોનું સ્વાગત કરીએ છીએ.
  • બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના તેના વર્કિંગ ગ્રુપ્સ દ્વારા હાથ ધરાયેલા વિવિધ પગલા સહિતના વાર્ષિક અહેવાલની અમે નોંધ લીધી. વધુમાં અમે કાઉન્સિલને પરસ્પર લાભદાયી ધોરણે બ્રિક્સના આર્થિક ધ્યેયોમાં યોગદાન આપી રહેલા સંયુક્ત પ્રોજેક્ટોના વિકાસ અને પરિણામો વધારવા માટે જણાવ્યું.
  • અમે એ બાબતે સહમત થયા કે અતિ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમો (એમએસએમઈઝ) પ્રમાણમાં ઓછા મૂડી ખર્ચે રોજગારની મોટી તકો પૂરી પાડે છે અને ગ્રામીણ તેમજ અવિકસિત વિસ્તારોમાં સ્વ-રોજગારની સંભાવનાઓ સર્જે છે. આમ, એમએસએમઈઝ રાષ્ટ્રીય સ્તરે તેમજ વૈશ્વિક સ્તરે સંપત્તિની ન્યાયપૂર્ણ વહેંચણીની ખાતરી આપવામાં સહાયક બને છે. એમએસએમઈ ક્ષેત્રમાં ટેકનિકલ અને બિઝનેસને લગતા જોડાણો પર ધ્યાન કેન્દ્રીત કરતી બ્રિક્સની બીજી ગોળમેજી પરિષદ યોજવા બદલ અમે ભારતની પ્રશંસા કરીએ છીએ. અમે પ્રાદેશિક અને વૈશ્વિક મૂલ્ય સાંકળોમાં એમએસએમઈઝના વધુ સંકલન માટે કામ કરવા સહમત થયા છીએ. 
  • હાંગ્ઝો ખાતે જીટ્વેન્ટી નેતાઓનું 11મું શિખર સંમેલન સફળતાપૂર્વક યોજવા માટે અને તેમાં નવીનીકરણ, માળખાકીય સુધારા અને વિકાસને મધ્યમ તેમજ લાંબાગાળાના આર્થિક વિકાસના મુખ્ય ચાલક બળ તરીકે ધ્યાન કેન્દ્રીત કરવા બદલ ચીનની અમે પ્રશંસા કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય અને નાણાંકીય સહકાર માટે જીટ્વેન્ટીને અમે મુખ્ય મંચ તરીકે જોઈએ છીએ અને હાંગ્ઝો ખાતેના જીટ્વેન્ટી શિખર સંમેલનના પરિણામોના અમલના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ, કારણ કે તેનાથી મજબૂત, સ્થાયી, સંતુલિત અને સમાવેશક વૃદ્ધિનું સંવર્ધન થશે અને તે વૈશ્વિક આર્થિક શાસન સુધારવામાં તેમજ વિકસતા દેશોની ભૂમિકા વધારવામાં મદદગાર બનશે, તેવો અમને વિશ્વાસ છે. 
  • અમે નવિનીકૃત, ચેતનવંતી, પરસ્પર સંકળાયેલી અને સમાવેશક વૈશ્વિક અર્થવ્યવસ્થાના જતનના મહત્ત્વ પર ભાર મૂક્યો. અમે જીટ્વેન્ટી એજન્ડા પર અને ખાસ કરીને બ્રિક્સ દેશોના પરસ્પર હિતના મુદ્દાઓ પર અમારા સલાહ-સૂચન અને સહકાર વધારીશું તેમજ ઉભરતા બજાર અને વિકસતા અર્થતંત્રો (ઈએમડીઈઝ) માટે મહત્ત્વના મુદ્દાઓને પ્રોત્સાહન આપીશું. અમે અર્થતંત્રની વર્તણૂંક અને કામગીરીના અભ્યાસ માટે સહકાર, નવીનીકરણને પ્રોત્સાહન તેમજ વૈશ્વિક વિકાસને વેગ આપવા, વૈશ્વિક આર્થિક વ્યવસ્થા સુધારવા, વિકસતા દેશોની ભૂમિકા વધારવા, આંતરરાષ્ટ્રીય નાણાંકીય માળખું વધુ મજબૂત કરવા, આફ્રિકા અને અલ્પવિકસિત દેશોમાં ઔદ્યોગિકીકરણને સહાયરૂપ બનવા અને ઊર્જાનો વ્યાપ અને ક્ષમતા માટે સહકાર વધારવા માટે વેપાર અને રોકાણોને મજબૂત અને સાતત્યપૂર્ણ રાખવા જીટ્વેન્ટીના તમામ સભ્યો સાથે ખભેખભા મિલાવીને કામ કરવાનું ચાલુ રાખીશું. અમે સરહદ-પારના ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો, કરચોરી અને વેપારમાં ગેરરીતિભર્યા ઈન્વોઇસિંગ અટકાવવા વધુ આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો.
  • બ્રિક્સ દેશોની ભૂમિકા અને તેના આર્થિક તેમજ નાણાંકીય સહકારના ક્ષેત્રમાં સંયુક્ત પ્રયાસોનાં હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. અમે વૈશ્વિક અર્થવ્યવસ્થાને સ્થિર બનવામાં તેમજ વિકાસનો માર્ગ ફરી પકડવામાં મદદગાર થવા માટે અમારા સહકારના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ.
  • વૈશ્વિક શાસન વ્યવસ્થાનું માળખું વધુ મજબૂત બનાવવા માટે બજાર-આધારિત સિદ્ધાંતોને આધારે સ્વતંત્ર બ્રિક્સ રેટિંગ એજન્સી સ્થાપવાની શક્યતાઓ તપાસવા અમે નિષ્ણાતોને આવકાર્યા છે.
  • બ્રિક્સ થિન્ક ટેન્ક્સ કાઉન્સિલ અને બ્રિક્સ એકેડેમિક ફોરમ, અમારા નિષ્ણાતો માટે વિચારોના આદાન-પ્રદાનના મૂલ્યવાન મંચ તરીકે ઉભર્યા છે, તેના અહેવાલોનું અમે સ્વાગત કરીએ છીએ. તેમણે બ્રિક્સ દેશો તેમજ વિકસતા દેશોમાં બજાર સંશોધન અને વિશ્લેષણને પ્રોત્સાહન આપવા અને આ પ્રક્રિયા આગળ ધપાવવા સંદર્ભે તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા છે. અમે માનીએ છીએ કે ઔચિત્ય અને ન્યાયસંગતતાના સિદ્ધાંતોને આધારે વૈશ્વિક નાણાંકીય માળખામાં પરિવર્તન અંગે અમારા સમાન વિચારો માટે બ્રિક્સ સંસ્થા-નિર્માણ મહત્ત્વપૂર્ણ છે. 
  • આર્થિક વિકાસને વેગ આપવા અને તેને કાયમી રાખવા, વ્યાપક ઔદ્યોગિક જોડાણો વધુ મજબૂત બનાવવા, નવીનીકરણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા તેમજ બ્રિક્સ દેશોમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે બ્રિક્સ દેશોના વેપાર-વાણિજ્ય મંત્રીઓની બેઠકો સહિત અન્ય પગલાઓ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રમાં બ્રિક્સ દેશોના પરસ્પર સહકારને વધારવાના મહત્ત્વ પર અમે ભાર મૂક્યો.
  • અમે યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (યુનિડો – યુએનઆઈડીઓ)ને તેની સ્થાપનાની 50મી જયંતી પ્રસંગે અભિનંદન પાઠવીએ છીએ અને સમાવેશક તેમજ સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહન અને વેગ આપવાના અનોખા ફરમાન તેમજ આફ્રિકામાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવામાં તેના પ્રદાન માટે તેને યાદ કરીએ છીએ. આ સંદર્ભે, અમે યુનિડો-બ્રિક્સ ટેકનોલોજી પ્લેટફોર્મની સ્થાપના માટે અત્યાર સુધી હાંસલ થયેલી પ્રગતિની નોંધ લઈએ છીએ.
  • અમે અમારા કસ્ટમ્સ કોઓપરેશન કમિટી ઑફ બ્રિક્સ (બ્રિક્સ દેશોના જકાત અંગેના સહકારની સમિતિ)ની સ્થાપના અંગે અમારા જકાત વ્યવસ્થાતંત્રની પ્રશંસા કરી તેમજ જકાત માટે સહકાર અને જકાત અંકુશની પ્રક્રિયાઓને સહાયરૂપ બનવા માટે કાયદાકીય આધાર તૈયાર કરવાના ઉદ્દેશ સહિત ભવિષ્યમાં સહકાર વધારવાના સાધનો શોધવાનું સ્વીકાર્યું. અમે જકાત વહીવટતંત્રો વચ્ચે વાતચીત મજબૂત બનાવવા બ્રિક્સ ઈકોનોમિક પાર્ટનરશીપ (બ્રિક્સ દેશોની આર્થિક ભાગીદારી) માટે વ્યૂહરચના હાથ ધરવા અંગે રેગ્યુલેશન્સ ઑન કસ્ટમ્સ કોઓપરેશન કમિટી ઑફ ધ બ્રિક્સ પર હસ્તાક્ષર ધ્યાનમાં લીધા.
  • અમે ફોર્તાલેઝા ઘોષણાપત્રને યાદ કર્યું, જેમાં અમને બ્રિક્સ દેશોના વીમા અને પુનઃવીમા બજારોમાં ક્ષમતાઓ ખેંચવાની સંભાવનાઓ જણાઈ હતી અને અમે અમારા સંબંધિત અધિકારીઓને આ સંદર્ભે સહકારની દિશાઓ શોધવા જણાવ્યું હતું. અમે આ કાર્ય ઝડપભેર કરવા ઈચ્છીએ છીએ. 
  • અમે વૈશ્વિક સ્તરે ઉચિત અને આધુનિક કરવેરા માળખા માટેની અમારી પ્રતિબદ્ધતા પુનઃ સુનિશ્ચિત કરીએ છીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય માનકોના અસરકારક અને વ્યાપક અમલીકરણની પ્રગતિને આવકારીએ છીએ. અમે દેશોની રાષ્ટ્રીય વાસ્તવિકતાઓ ધ્યાનમાં રાખીને બેઝ ઈરોઝન અને પ્રોફિટ શિફ્ટિંગ પ્રોજેક્ટ (બીઈપીએસ)ના અમલીકરણને ટેકો આપીએ છીએ. અમે દેશોને તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વિકસતા દેશોને તેમના કરવેરાની ક્ષમતાના નિર્માણમાં મદદરૂપ બનવા અનુરોધ કરીએ છીએ.
  • અમે નોંધીએ છીએ કે આક્રમક કરવેરા આયોજન અને કરવેરા વ્યવહારો, ન્યાયસંગત વિકાસ અને આર્થિક વૃદ્ધિને નુકસાન પહોંચાડે છે. બેઝ ઈરોઝન અને પ્રોફિટ શિફ્ટિંગનો અસરકારક રીતે હલ લાવવો જોઈએ. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે નફા પરના કરવેરા, જ્યાં આર્થિક પ્રવૃત્તિ થઈ છે અને મૂલ્યનું સર્જન થયું છે, તે અધિકારક્ષેત્રમાં વસૂલ થવા જોઈએ. આ સંદર્ભે અમે કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ટેક્સ ઈન્ફર્મેશન (એઈઓઆઈ – કરવેરાની માહિતીના આપમેળે આદાન-પ્રદાન માટે આંતરરાષ્ટ્રીય સહકારને ટેકો આપવાની અમારી પ્રતિબદ્ધતા પુનઃ સુનિશ્ચિત કરીએ છીએ. 
  • અમે આંતરરાષ્ટ્રીય કરવેરા બાબતો અંગે ચાલુ ચર્ચા-વિચારણાને ધ્યાન પર લીધી છે. આ સંદર્ભે, અમે વિકાસ માટે નાણાં વ્યવસ્થાપન અંગેના એડિસ અબાબા એક્શન એજન્ડાને યાદ કર્યો, જેમાં સમાવેશક સહકાર અને વિકસતા દેશોની વધેલી સહભાગિતા સાથે આંતરરાષ્ટ્રીય કરવેરા બાબતો પર રાષ્ટ્રીય કરવેરા અધિકારીઓ વચ્ચે વાતચીત પર ભાર મૂકાયો છે અને વિવિધ કર માળખાઓના પ્રતિનિધિત્વ સાથે યોગ્ય, ન્યાયસંગત, ભૌગોલિક વહેંચણીનું પ્રતિબિંબ મળે છે.
  • ભ્રષ્ટાચારને નાથવા ઉપરાંત ભ્રષ્ટાચાર આચરવા બદલ અસ્ક્યામતો જપ્ત કરવી અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે બ્રિક્સ એન્ટી-કરપ્શન વર્કિંગ ગ્રુપ સહિતના આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત કરવા અમે ટેકો આપીએ છીએ. અમે સ્વીકાર્યું છે કે ગેરકાયદેસર નાણાં અને નાણાંકીય પ્રવાહો તેમજ વિદેશના અધિકારક્ષેત્રમાં ગેરમાર્ગે ઊભી કરેલી સંપત્તિ, એક વૈશ્વિક પડકાર છે, જેની આર્થિક વૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે. આ સંદર્ભે અમે અમારા અભિગમને યોગ્ય સહકાર મળે તે માટે ભરપૂર પ્રયાસો કરીશું અને યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેઈન્સ્ટ કરપ્શન (સંયુક્ત રાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી સંમેલન તેમજ અન્ય સંબંધિત આંતરરાષ્ટ્રીય કાનૂની સાધનોના આધારે ભ્રષ્ટાચારને અટકાવવા અને નાથવા મજબૂત વૈશ્વિક પ્રતિબદ્ધતાને ઉત્તેજન આપીશું. 
  • અમે સ્વીકાર્યું છે કે કેટલાક બ્રિક્સ દેશો માટે તેમની 2015ના પેરિસ ક્લાયમેટ ચેન્જ એગ્રીમેન્ટની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવા અને લાંબા ગાળે વૈશ્વિક સ્તરે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા પરમાણુ ઊર્જા નોંધપાત્ર ભૂમિકા ભજવશે. આ સંદર્ભે, અમે બ્રિક્સ દેશોના સ્થાયી વિકાસમાં યોગદાન આપે તેવી નાગરિક પરમાણુ ઊર્જા ક્ષમતાના વિસ્તરણ માટે ટેકનોલોજી અને નાણાં મેળવવાના રસ્તાઓના અનુમાનના મહત્ત્વ પર ભાર મૂક્યો.
  • અમે એ દોહરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત હોય તે રીતે સમાનતાના ધોરણે તમામ રાજ્યો દ્વારા બાહ્ય અવકાશમાં શાંતિપૂર્ણ સંશોધન અને વપરાશ વિનામૂલ્યે હોવું જોઈએ. બાહ્ય અવકાશમાં કોઈ પણ જાતના શસ્ત્રો ન હોવા જોઈએ અને કોઈ પ્રકારનું બળ ન વપરાવું જોઈએ, તે ફરી સુનિશ્ચિત કરવાની સાથે અમે એ વાત પર ભાર મૂક્યો કે બાહ્ય અવકાશને શસ્ત્રોની સ્પર્ધાથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સમજૂતી અથવા સમજૂતીઓના સારરૂપે વાતચીતો હાથ ધરવી અને ચીન અને રશિયન ફેડરેશન દ્વારા સુપરત કરાયેલી બાહ્ય અવકાશમાં શસ્ત્રોની ગોઠવણી રોકવા અને બાહ્ય અવકાશની વસ્તુઓ સામેના જોખમ કે બળના ઉપયોગ અંગેની સંધિ અને બીજી બાબતોની સાથે સાથે મૂળ કાર્ય શરૂ કરવાના પ્રયત્નોને ટેકો આપવાનું કોન્ફરન્સ ઑફ ડિસઆર્મમેન્ટનું મુખ્ય કાર્ય છે. અમે બાહ્ય અવકાશમાં શસ્ત્રોની પ્રથમ ગોઠવણી નહીં કરવાની રાજકીય જવાબદારી માટેના આંતરરાષ્ટ્રીય પગલાની નોંધ લીધી છે.
  • બાહ્ય અવકાશની પ્રવૃત્તિઓની લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવા તેમજ ભાવિ પેઢીઓ માટે બાહ્ય અવકાશના જતન માટેના રસ્તાઓ અને સાધનો માટે પ્રાથમિકતા અપાવી જોઈએ. અમે નોંધ્યું કે યુએન કમિટી ઓન ધ પીસફુલ યુસીઝ ઑફ આઉટર સ્પેસ (યુએનસીઓપીયુઓએસ)ના હાલના એજન્ડા પર આ મહત્ત્વનું ધ્યેય છે. આ સંદર્ભે, અમે યુએનસીઓપીયુઓએસની બાહ્ય અવકાશની પ્રવૃત્તિઓની લાંબા ગાળાની સ્થિરતા માટેની સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ સબ-કમિટી વર્કિંગ ગ્રુપ દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. ગ્રુપ દ્વારા યુનાઈટેડ નેશન્સની 50મી જયંતીની ઉજવણીની સાથોસાથ એક્લ્પોરેશન એન્ડ પીસફુલ યુસીઝ ઑફ આઉટર સ્પેસ (યુએનઆઈસ્પેસ પ્લસ ફિફ્ટી) અંગે યોજાયેલી સૌપ્રથમ પરિષદમાં વર્ષ 2018 સુધીમાં બાહ્ય અવકાશની પ્રવૃત્તિઓની લાંબા ગાળાની સ્થિરતા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકાઓ પર વાતચીતો પૂરી કરીને સર્વાનુમતિ મેળવવાનો નિર્ણય લેવાયો હતો.
  • તાજેતરમાં ભારત સહિત કેટલાક બ્રિક્સ દેશોમાં થયેલા હુમલાઓની અમે કડક આલોચના કરીએ છીએ. અમે આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડીએ છીએ અને આતંકવાદની કોઈ પણ પ્રવૃત્તિ, પછી તેનું કારણ ગમે તે હોય, વિચારધારા, ધાર્મિક, રાજકીય, જાતિ આધારિત કે વંશીય, કોઈ પણ કારણોસર તેનો કોઈ જ બચાવ ન હોઈ શકે. અમે દ્વિપક્ષીય સ્તરે તેમજ આંતરરાષ્ટ્રીય મંચ, બંને રીતે આંતરરાષ્ટ્રીય આતંકવાદનો મુકાબલો કરવા સહકાર વધુ મજબૂત બનાવવા સહમતિ સાધી.
  • રાસાયણિક અને જૈવિક આતંકવાદનો પડકાર ઝીલવા અમે બહુપક્ષીય વાતચીતો હાથ ધરવા માટેની જરૂરિયાતનું સમર્થન કરીએ છીએ અને તેની પર ભાર મૂકીએ છીએ આ વાટાઘાટો કોન્ફરન્સ ઑન ડિસઆર્મમેન્ટ (નિઃશસ્ત્રીકરણ અંગેના પરિસંવાદ) સહિત રાસાયણિક અને જૈવિક આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટેના આંતરરાષ્ટ્રીય સંમેલન પર હોવી જોઈએ. આ સંદર્ભે, અમે સામુહિક વિનાશ કરતી આતંકવાદી સાંકળો (ડબલ્યુએમડી-ટેરરીઝમ નેક્સસ)ના પડકારનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંવાદિતા વધુ મજબૂત કરવા માટે વર્ષ 2018માં કોન્ફરન્સ યોજવાની ભારતની દરખાસ્તનું અમે સ્વાગત કરીએ છીએ.
  • અમે તમામ રાષ્ટ્રોને આતંકવાદનો મુકાબલો કરવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવા અનુરોધ કરીએ છીએ, જેમાં હિંસક ઉગ્રવાદીઓ, જે આતંકવાદ માટે કારણભૂત હોય, તે કોઈ પણ અને જ્યાં પણ હોય, તેમનો પ્રતિકાર કરવો, ઉગ્રવાદ, નિયુક્તિ, વિદેશી આતંકવાદી યોદ્ધાઓ સહિત આતંકવાદીઓની હિલચાલ અટકાવવી, નાણાંની ગેરકાયદેસર હેરાફેરી અને ડ્રગની હેરાફેરી, ગુનાખોરીની પ્રવૃત્તિઓ સહિતના આતંકવાદને નાણાં પૂરા પાડતા સાધનો અટકાવવા, આતંકવાદીઓના પડાવ ધ્વસ્ત કરવા અને આધુનિક ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીઝ (આઈસીટીઝ)ના દુરુપયોગ દ્વારા આતંકવાદી એકમો દ્વારા સોશિયલ મીડિયા સહિત કરવામાં આવતા ઈન્ટરનેટના દુરુપયોગને અટકાવવો, વગેરે જેવા અભિગમ સામેલ છે. આતંકવાદનો સફળતાપૂર્વક મુકાબલો કરવા માટે સાકલ્યવાદી અભિગમની જરૂર છે. આતંકવાદને નાથવાના તમામ પગલા આંતરરાષ્ટ્રીય કાયદાને સુસંગત અને માનવ અધિકારોનું સન્માન કરે તેવા હોવા જોઈએ. 
  • અમે બ્રિક્સ દેશના રાષ્ટ્રીય સુરક્ષા અંગેના ઉચ્ચ પ્રતિનિધિઓની તાજેતરમાં યોજાયેલી બેઠકને ધ્યાન પર લીધી અને આ સંદર્ભે, આતંકવાદને નાથવા માટેના બ્રિક્સ દેશોના જોઈન્ટ વર્કિંગ ગ્રુપની સ્થાપના અને નવી દિલ્હીમાં 14મી સપ્ટેમ્બર, 2016ના રોજ તેની સૌપ્રથમ બેઠક યોજવાનું સ્વીકાર્યું. અમને વિશ્વાસ છે કે તેનાથી બ્રિક્સ દેશો વચ્ચે આતંકવાદનો મુકાબલો કરવાના મુદ્દાઓ માટેની વાતચીત અને સમજણ વધશે તેમજ આતંકવાદના શાપનો સામનો કરવાના પ્રયત્નો માટે સહકાર સાધવાનું સુગમ બનશે. 
  • અમે એ બાબતે પણ સહમત થયા કે આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ખાસ કરીને ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક એન્ડ ધ લેવાન્ત (આઈએસઆઈએલ, જે દાએશ તરીકે પણ ઓળખાય છે) તેમજ સંબંધિત આતંકવાદી જૂથો અને વ્યક્તિઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામે વૈશ્વિક અને અસાધારણ જોખમ ઊભું કર્યું છે. આતંકવાદ સામે બહુપક્ષીય અભિગમોનું સંકલન સાધવામાં યુનાઈટેડ નેશન્સની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂકતા અમે તમામ રાષ્ટ્રોને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવોનો અસરકારક રીતે અમલ કરવા વિનંતી કરીએ છે અને સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદનો મુકાબલો કરવાના માળખાની અસરકારકતા વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા ફરી સુનિશ્ચિત કરીએ છીએ. અમે તમામ રાષ્ટ્રોને સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભામાં સ્વીકારાયેલા કોમ્પ્રિહેન્સિવ કન્વેન્શન ઑન ઈન્ટરનેશનલ ટેરરીઝમ (સીસીઆઈટી – આંતરરાષ્ટ્રીય આતંકવાદ અંગેની સર્વગ્રાહી પ્રણાલિ)ના સ્વીકાર માટે સહેજ પણ મોડું કર્યા વિના તાકીદે સાથે મળીને કાર્યવાહી કરવા જણાવીએ છીએ. પોતાના અધિકારક્ષેત્રોમાં આતંકવાદની પ્રવૃત્તિઓને અટકાવવાની તમામ દેશોની જવાબદારીનું અમે પુનઃ સ્મરણ કર્યું. 
  • નાણાંની ગેરકાયદેસર હેરાફેરી અને આતંકવાદને નાણાં પૂરા પાડવાની પ્રવૃત્તિઓ અટકાવવા માટેના ફાયનાન્સિયલ એક્શન ટાસ્ટ ફોર્સ (એફએટીએફ)ના આંતરરાષ્ટ્રીય ધોરણો માટે અમારી પ્રતિબદ્ધતા અમે પુનઃ સુનિશ્ચિત કરીએ છીએ અને આતંકવાદીઓને નાણાં પૂરા પાડતી પ્રવૃત્તિઓને ડામવા માટેની એફએટીએફની નક્કર વ્યૂહરચનાનો ઝડપી, અસરકારક અને સાર્વત્રિક અમલ તેમજ તેની કાર્યકારી યોજનાનો અસરકારક અમલ કરવા જણાવીએ છીએ. અમે એફએટીએફ અને એફએટીએફ પ્રકારના પ્રાદેશિક એકમો (એફએસઆરબીઝ)માં અમારો સહકાર વધારવાની વિનંતી કરી.
  • અમે વિશ્વમાં પ્રવર્તતી ડ્રગની સમસ્યા અંગે તારીખ 19થી 21મી એપ્રિલ, 2016 દરમિયાન ન્યૂ યૉર્ક ખાતે યોજાયેલા સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાના વિશેષ સત્રની ફળશ્રુતિના દસ્તાવેજને અમે આવકારીએ છીએ. ડ્રગ્સ, ખાસ કરીને ઓપિએટ્સના ગેરકાયદેસર ઉત્પાદન અને હેરાફેરીને કારણે ઊભા થયેલા વૈશ્વિક જોખમનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સહકાર અને સહયોગ વધુ મજબૂત કરવા જણાવીએ છીએ. બ્રિક્સ દેશોની ડ્રગ કન્ટ્રોલ એજન્સીઓ વચ્ચેના સહકારની અમે પ્રશંસા કરીએ છીએ અને આઠમી જુલાઈ, 2016ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી એન્ટી ડ્રગ વર્કિંગ ગ્રુપની બીજી બેઠકના વિચાર-વિમર્શને અમે આવકારીએ છીએ.
  • અમે ફરી સુનિશ્ચિત કરીએ છીએ કે સાતત્યપૂર્ણ વિકાસ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા તેમજ માનવ અધિકારો માટે આઈસીટીનું વિસ્તર ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. અમે આઈસીટીનો ઉપયોગ સલામતિ વધારવા માટે તેમજ ગુનાખોરી અને આતંકવાદના હેતુઓ માટે આઈસીટીનો ઉપયોગ અટકાવવાના સંયુક્ત પ્રયાસોને વધુ મજબૂત કરવા તેમજ આઈસીટીના ક્ષેત્રે ટેકનિકલ, કાયદાના અમલીકરણને લગતા, સંશોધન અને વિકાસ તેમજ નવીનીકરણ ઉપરાંત સંસ્થાઓના ક્ષમતા નિર્માણ માટે સહમત થયા છીએ. અમે ખાસ કરીને વિકસિત અને વિકસતા દેશો વચ્ચેના ડિજિટલ અને ટેકનોલોજીને લગતા તફાવતો પૂરવા માટેની અમારી પ્રતિબદ્ધતાની ખાતરી આપીએ છીએ. અમારો અભિગમ બહુપરિમાણીય અને સમાવેશક હોવો જોઈએ તેમજ પહોંચ, ખાસ કરીને, પહોંચની ગણવત્તા વિશેની સમજણ વધે તેવો હોવો જોઈએ, એ વાત અમે સ્વીકારી.
  • અમે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સહકાર દ્વારા તેમજ સંયુક્ત રાષ્ટ્રના અધિકારપત્ર સહિત આંતરરાષ્ટ્રીય કાયદાના સાર્વત્રિક રીતે સ્વીકારાયેલા નિયમો અને સિદ્ધાંતોના આધારે આઈસીટીના ઉપયોગ અને વિકાસ પર ભાર મૂક્યો હતો, જેમાં ખાસ કરીને, રાજકીય સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડિતતા અને દેશની સાર્વભૌમ સમાનતા, શાંતિપૂર્ણ સાધનો દ્વારા વિવાદનું સમાધાન, અન્ય દેશોની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી ન કરવી, માનવ અધિકારો અને ગુપ્તતાના અધિકાર સહિતની મૂળભૂત સ્વતંત્રતાનું સન્માન કરવું, જેવી બાબતો આઈસીટીના શાંતિભર્યા, સલામત, મુક્ત અને સહકારભર્યા ઉપયોગની સુનિશ્ચિતતા માટે મહત્ત્વપૂર્ણ છે. 
  • આતંકવાદના હેતુઓ માટે આઈસીટીના વધતા જતા દુરુપયોગને પગલે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતિ સામે જોખમ ઊભું થયું છે. આતંકવાદીઓ અને ગુનેગારો દ્વારા થતા આઈસીટીના દુરુપયોગ સામે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આ સંદર્ભે એથિક્વિનિ, ફોર્તાલેઝા અને ઉફા ઘોષણાપત્રોને લગતા મુદ્દાઓ ધ્યાન પર લેવા માટે સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ભૂમિકા અમે પુનઃ સુનિશ્ચિત કરીએ છીએ. અમે યુએનજીજીઈની પ્રક્રિયા સહિત અન્ય માર્ગો દ્વારા નિયમો, ધોરણો અને દેશોની જવાબદાર વર્તણૂંકના સિદ્ધાંતો સ્વીકારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. આઈસીટીના ઉપયોગમાં સ્થિરતા અને સલામતિની ખાતરી માટે દેશોની અગ્રણી ભૂમિકા હોવાનું નોંધ્યું છે.
  • અમે મુક્ત, અખંડિત અને સલામત ઈન્ટરનેટની પણ હિમાયત કરીએ છીએ, અને પુનઃ સુનિશ્ચિત કરીએ છીએ કે ઈન્ટરનેટ એ વૈશ્વિક સંસાધન છે અને તેથી તેના વિકાસ અને કામકાજમાં દેશોએ સંબંધિત ભાગીદારોના તેમની જે-તે ભૂમિકા અને જવાબદારીઓ માટે સમાન આધારે ભાગીદાર બનવું જોઈએ.
  • સાતત્યપૂર્ણ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે ઊર્જાની બચત અને ઊર્જા-કાર્યક્ષમતાનું મહત્ત્વ અમે જાણીએ છીએ અને આ સંદર્ભે જે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા,તેને અમે આવકારીએ છીએ.
  • વીજ ઉત્પાદન વધારવા અને તેના કાર્યક્ષમ વિતરણ સામેના પડકારો અમે ધ્યાન પર લીધા તેમજ કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતા હોય તેવા બળતણ તેમજ અન્ય સ્વચ્છ ઊર્જા વિકલ્પો વધારવાની જરૂરિયાત પણ અમે ધ્યાન પર લીધી. આ સંદર્ભે નવીનીકરણીય ઊર્જા  (રીન્યુએબલ એનર્જી)માં રોકાણોનું પ્રમાણ વધારવાનું પણ અમારા ધ્યાન પર આવ્યું છે. એટલે, અમે માનીએ છીએ કે આ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહકાર, સ્વચ્છ ઊર્જા  ટેકનોલોજી અને તે માટે નાણાંની ઉપબલ્ધિ પર કેન્દ્રિત હોય તેવો હોવો જોઈએ. અમે સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં સ્વચ્છ ઊર્જા નું મહત્ત્વ પણ ધ્યાન પર લીધું છે. પૃથ્વીની મજિયારી સમૃદ્ધિ અને ભવિષ્ય માટે સાતત્યપૂર્ણ વિકાસ, ઊર્જા ની ઉપલબ્ધિ અને ઊર્જા  સલામતિ મહત્ત્વપૂર્ણ હોવાની બાબતથી અમે વાકેફ થયા છીએ. અમે સ્વીકાર્યું છે કે સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જા  સહુને પરવડે તેવી હોવી જોઈએ. 
  • સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ આબોહવા પરિવર્તન અંગેના પેરિસ એગ્રીમેન્ટના અનુસરણ માટે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવા માટે કુદરતી ગેસ આર્થિક રીતે પરવડે તેવો તેમજ સ્વચ્છ બળતણ હોવાથી તેના વ્યાપક વપરાશનું અમે સમર્થન કરીએ છીએ.
  • અમે નોંધીએ છીએ કે બ્રિક્સ દેશો એચઆઈવી અને ટ્યુબર્ક્યુલોસિસ સહિતના ચેપી રોગોનો મુકાબલો કરી રહ્યા છે. આ સંદર્ભે, અમે વર્ષ 2020 સુધીમાં એચઆઈવીની સારવારનું 90-90-90નું લક્ષ્યાંક હાંસલ કરવા બ્રિક્સ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ દ્વારા કરાયેલા પ્રયત્નોની નોંધ લીધી છે. બ્રિક્સ દેશોમાં ગુણવત્તાની ખાતરી ધરાવતી દવાઓ અને નિદાનોના ઉત્પાદન સહિત એચઆઈવી અને ટીબીની બીમારીઓ માટે વધુ સહકાર અને કાર્યવાહી હાથ ધરવાની અનિવાર્યતા પર અમે ભાર મૂક્યો હતો. 
  • જૂન, 2016માં એઈડ્ઝની નાબૂદી અંગે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રોની ઉચ્ચ સ્તરીય બેઠક અને વર્ષ 2017માં મોસ્કોમાં ડબલ્યુએચઓ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન)ના નેજા હેઠળ ટીબી અંગે યોજાનારી વૈશ્વિક પરિષદની અમે નોંધ લીધી હતી.
  • સ્વાસ્થ્યને લગતા વૈશ્વિક પડકારોને ધ્યાન પર લઈને અમે બ્રિક્સ દેશોમાં રોગચાળાનો અંત લાવવા તેમજ સલામત, અસરકારક, ગુણવત્તાસભર અને પરવડે તેવી આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરવામાં સહાયરૂપ બનવા માટે દવાઓ તેમજ નિદાનના સાધનોના સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે સહકારના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ.
  • સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાના 71મા સત્ર (યુએનજીએ-71) દરમિયાન એન્ટી-માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (એએમઆર – રોગ ફેલાવતા બેક્ટેરિયા વિરુદ્ધ પ્રતિકાર) અંગે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક, જેમાં જાહેર સ્વાસ્થ્ય, વિકાસ અને વૈશ્વિક આર્થિક સ્થિરતા સામે એએમઆરના ગંભીર જોખમો ધ્યાન પર લેવાઈ રહ્યા છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ. અમે અમારા સ્વાસ્થ્ય અને અથવા નિયમન સત્તાવાળાઓ વચ્ચે સહકારની તેમજ શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન પ્રદાન તેમજ જોખમો અંગેની ચર્ચા વિચારણા માટે તેમજ સંપાત માટે સંભવિત ક્ષેત્રો ઓળખવાની સંભાવનાઓ તપાસીશું. 
  • લાંબા ગાળાના તેમજ વસતીને લગતા સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવા અમે અમારી પ્રતિબદ્ધતા ફરી સુનિશ્ચિત કરીએ છીએ અને બ્રિક્સ દેશોના વસતીને લગતી બાબતો અંગેના સહકાર માટેના વર્ષ 2015-2020 માટેના એજન્ડાને સુસંગત વસતીને લગતી બાબતોમાં સહકાર ચાલુ રાખીએ છીએ.
  • બ્રિક્સ દેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓ વચ્ચે નવમી જૂન, 2016ના રોજ જિનિવા ખાતે તેમજ નવી દિલ્હીમાં 27-28 સપ્ટેમ્બર, 2016ના રોજ યોજાયેલી બેઠકોના પરિણામોને અમે આવકારીએ છીએ. બ્રિક્સ દેશો વચ્ચે દ્વિપક્ષીય સામાજિક સુરક્ષા સમજૂતીઓની સંભાવના અમે ધ્યાન પર લીધી છે અને બ્રિક્સ દેશો વચ્ચે પરસ્પર ક્ષમતાના નિર્માણ, માહિતીના આદાન પ્રદાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ લેને પ્રોત્સાહન આપી શકાય તે માટે અગ્રણી શ્રમ સંશોધન અને તાલીમ સંસ્થાનોનું નેટવર્ક સ્થાપવા માટેના પગલા લેવા વચનબદ્ધ છીએ. કામના સ્થળે કાર્યના સુવ્યવસ્થિત એજન્ડા, સામાજિક સુરક્ષાની જાળવણી અને અધિકારો વધારવા સહિત રોજગારની ગુણવત્તા, સમાવેશક તેમજ સાતત્યપૂર્ણ વિકાસ માટે ખૂબ મહત્ત્વના હોવાનું અમે સ્વીકાર્યું છે. 
  • 30મી સપ્ટેમ્બર, 2016ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સના દેશોના શિક્ષણ મંત્રીઓની ચોથી બેઠકની શિક્ષણ અંગે નવી દિલ્હી ઘોષણાપત્ર સહિતની ફલશ્રુતિને આવકારીએ છીએ. આર્થિક વિકાસ માટે શિક્ષણ અને કૌશલ્યના મહત્ત્વ પર અમે ભાર મૂકીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ સાર્વત્રિક ઉપલબ્ધ બનાવવાની જરૂરિયાતને ફરી સુનિશ્ચિત કરીએ છીએ. બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી (બ્રિક્સએનયુ) તેમજ બ્રિક્સ યુનિવર્સિટી લીગ (બ્રિક્સયુએલ), જે વર્ષ 2017માં તેમના કાર્યક્રમો શરૂ કરશે, તેની પ્રગતિથી અમે સંતુષ્ટ છીએ. આ બે પહેલો બ્રિક્સ દેશોમાં ઉચ્ચ શિક્ષણ અંગે સહયોગ અને ભાગીદારીને સહાયભૂત બનશે.
  • કોલકતા ખાતે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર, 2016 દરમિયાન યોજાયેલી યંગ ડિપ્લોમેન્ટ્સ ફોરમની રચનાની અમે પ્રશંસા કરીએ છીએ. જ્ઞાન અને અનુભવોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે બ્રિક્સ દેશોની ડિપ્લોમેટિક એકેડેમીઝ (રાજદ્વારી શિક્ષણ સંસ્થાનો) વચ્ચે થયેલા સમજૂતી કરાર પરના હસ્તાક્ષનું પણ અમે સ્વાગત કરીએ છીએ.
  • આઠમી ઓક્ટોબર, 2016ના રોજ યોજાયેલી બ્રિક્સ એસટીઆઈ (સાયન્ટિફિક, ટેકનોલોજીકલ એન્ડ ઈનોવેશન) અંગેની મંત્રી કક્ષાની ચોથી બેઠક, જેમાં જયપુર ઘોષણાપત્રનો સ્વીકાર કરાયો હતો અને વર્ષ 2015-2018 માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણના ક્ષેત્રે સહકાર વધુ મજબૂત કરવા, ખાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રે યુવા પ્રતિભાઓનો સામાજિક પડકારોનો મુકાબલો કરવા માટે લાભ લેવા, બ્રિક્સના યુવા વૈજ્ઞાનિકો માટે નેટવર્કિંગ મંચનું સર્જન કરવા, સાથે મળીને નવા જ્ઞાન અને નવીનીકૃત ઉત્પાદનો, સેવાઓ અને પ્રક્રિયાઓનું સર્જન કરવા તેમજ સમાન વૈશ્વિક અને પ્રાદેશિક સામાજિક-આર્થિક પડકારોનો પરસ્પરના અનુભવો અને પૂરકોનો ઉપયોગ કરીને મુકાબલો કરવા માટે સુધારેલા કાર્ય આયોજનને સમર્થન આપ્યું હતું, એ બેઠકની ફલશ્રુતિને અમે આવકારીએ છીએ. 
  • બ્રિક્સ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈનિશિએટિવના અમલીકરણના મહત્ત્વ પર અમે ભાર મૂકીએ છીએ. અમે ભારતમાં સૌપ્રથમવાર મળેલી બ્રિક્સ યંગ સાયન્ટિસ્ટ્સ કોન્ક્લેવના આયોજનને આવકારીએ છીએ, જેમાં યુવા વૈજ્ઞાનિકો માટે બ્રિક્સ ઈનોવેટિવ આઈડિયા પ્રાઈઝની શરૂઆત કરવામાં આવી છે. અમે બ્રિક્સ એસટીઆઈ ફ્રેમવર્ક પ્રોગ્રામ હેઠળ પાંચ બ્રિક્સ એસટીઆઈ મંત્રાલયો અને ભંડોળ પૂરું પાડતી સંબંધિત સંસ્થાઓના ભંડોળ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા સહિત 10 વિષયોમાં દરખાસ્તો માટે પ્રથમ આમંત્રણની પ્રગતિ તપાસી. બ્રિક્સ ગ્લોબલ રિસર્ચ એડવાન્સ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક (બ્રિક્સ-ગ્રેઈન)ને વધુ મજબૂત બનાવવા માટે સંશોધન, માળખાકીય સવલતો અને મેગા-સાયન્સ અંગેના બ્રિક્સ વર્કિંગ ગ્રુપની સ્થાપનાને આવકારીએ છીએ.
  • અમે 23મી સપ્ટેમ્બર, 2016ના રોજ યોજાયેલી કૃષિ મંત્રીઓની બેઠકના પરિણામોનું તેના સંયુક્ત ઘોષણાપત્ર સહિત સ્વાગત કરીએ છીએ. અમે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારીને, કુદરતી સંસાધનોના સ્થાયી વ્યવસ્થાપન તેમજ બ્રિક્સ દેશોમાં કૃષિ ક્ષેત્રે વેપાર દ્વારા ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના તેમજ કુપોષણ પર ધ્યાન આપવાના, ભૂખમરો, અસમાનતા અને ગરીબી દૂર કરવાના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. વિશ્વભરમાં કૃષિ ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકો હોવાને કારણે તેમજ વિશાળ વસતી ધરાવતા હોવાથી અમે કૃષિ ક્ષેત્રે બ્રિક્સ દેશોમાં સહકારને ઘણું મહત્ત્વ આપીએ છીએ. અમે વિજ્ઞાન-આધારિત કૃષિ અને કૃષિ ક્ષેત્રે ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી)ના ઉપયોગનું મહત્ત્વ સ્વીકાર્યું છે.
  • કૃષિ ક્ષેત્રે બ્રિક્સ દેશોમાં નાના ખેડૂત માટેની ટેકનોલોજી સહિત સંશોધનની નીતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનીકરણ અને ક્ષમતા નિર્માણમાં પરસ્પર સહકાર વધારવા માટે અમે બ્રિક્સ એગ્રિકલ્ચરલ રિસર્ચ પ્લેટફોર્મની સ્થાપના માટે સમજૂતી કરાર પરના હસ્તાક્ષરને આવકારીએ છીએ.
  • કૃષિ ક્ષેત્રે પાણી માટેની નિર્ભરતાને ધ્યાન પર લઈને અમે દુકાળના સમય દરમિયાન સ્થિતિ સચવાઈ રહે તે માટે ખેડૂતોને મદદરૂપ બનવા સિંચાઈને લગતી માળખાકીય સવલત વિકસાવવાની હાકલ કરીએ છીએ અને આ ક્ષેત્રે અનુભવો અને તજજ્ઞતાના આદાન-પ્રદાનનું સ્વાગત કરીએ છીએ. 
  • અમે બ્રિક્સ દેશોમાં ઈ-ગવર્નન્સ, નાણાંકીય સમાવેશકતા અને લાભોને લક્ષિત સ્થાનોએ પહોંચાડવા, ઈ-કોમર્સ, મુક્ત સરકાર, ડિજિટલ કન્ટેન્ટ અને સેવાઓ તેમજ ડિજિટલ તફાવતને પૂરવા માટે ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના વપરાશ સંદર્ભે તજજ્ઞતા અને અનુભવોના આદાન-પ્રદાનના મૂલ્યનું સમર્થન કરીએ છીએ. અમે મજિયારા હિતો સુનિશ્ચિત કરવા માટે ઈ-કોમર્સ વેપારમાં અસરકારક ભાગીદારી માટે ક્ષમતા નિર્માણના પ્રયત્નોને પ્રોત્સાહન આપીએ છીએ.
  • બ્રિક્સ દેશોના દૂરસંચાર મંત્રી કક્ષાની આગામી બેઠકને અમે વધાવીએ છીએ, જેમાં ટેકનોલોજી ક્ષેત્રના પ્રવાહો, પ્રમાણભૂત પ્રગતિ, કૌશલ્ય વિકાસ અને નીતિ માળખા સહિતનાં ક્ષેત્રોમાં અમારો સહકાર વધુ મજબૂત બનશે. 
  • અમે માનીએ છીએ કે સોફ્ટવેર અને આઈટી ઈક્વિપમેન્ટના વિશ્વ બજારોના વૈવિધ્યિકરણ માટે સંયુક્ત પ્રયાસો સુનિશ્ચિત કરવા જરૂરી છે. આઈસીટીના ક્ષેત્રે સહકાર સાધના માટે બ્રિક્સ વર્કિંગ ગ્રુપના માળખામાં આઈસીટીનો સહકાર વિકસાવવા અને વધુ મજબૂત કરવાની અમે હાકલ કરીએ છીએ.
  • બ્રિક્સ દેશોની સેન્ટ પિટર્સબર્ગમાં 19-20 એપ્રિલ, 2016ના રોજ તેમજ ઉદેપુરમાં 22મી ઓગસ્ટ, 2016ના રોજ યોજાયેલી કુદરતી આપત્તિ વ્યવસ્થાન માટે જવાબદાર મંત્રાલય કક્ષાની બેઠકોના પરિણામોનું અમે સ્વાગત કરીએ છીએ. અમે બીજી બેઠક સમયે સ્વીકારાયેલા ઉદેપુર ઘોષણાપત્રને આવકારીએ છીએ અને કુદરતી આપત્તિના જોખમોના સંચાલન માટે બ્રિક્સ દેશોની જોઈન્ટ ટાસ્ક ફોર્સની રચનાને બિરદાવીએ છીએ. 
  • મેથ્યુ વાવાઝોડાને પગલે સર્જાયેલી દારુણ જાનહાનિ માટે હૈતી અને કેરેબિયન ટાપુઓના લોકો પ્રત્યે અમે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમે આ દુઃખદ ઘટનાની પ્રતિક્રિયામાં સંયુક્ત રાષ્ટ્રો અને માનવતાવાદી ભાગીદારોના પ્રયાસોને ટેકો આપીએ છીએ.
  • અમે ગોવામાં 15-16 સપ્ટેમ્બર, 2016ના રોજ યોજાયેલી બ્રિક્સ દેશોની પર્યાવરણ સંબંધી મંત્રાલય કક્ષાની બેઠકના પર્યાવરણ અંગેના ગોવા નિવેદન સહિતના પરિણામોને આવકારીએ છીએ. અમે હવા અને પાણીનું પ્રદૂષણ ઘટાડવા અને નિયંત્રિત કરવા, કચરાના કાર્યક્ષમ વ્યવસ્થાપન અને જૈવિક વિવિધતાના સ્થાયી વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં ટેકનિકલ નિપુણતાના આદાન-પ્રદાનના નિર્ણયને આવકારીએ છીએ. અમે બ્રિક્સ દેશો દ્વારા પર્યાવરણ માટે સુરક્ષિત ટેકનોલોજીસના આદાન-પ્રદાન માટે મંચ ઊભો કરવા સહિતના પર્યાવરણને લગતા સહકારના પગલા દ્વારા ભાગીદારીના મહત્ત્વને સ્વીકારીએ છીએ. 
  • અમે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ ખાતે કન્વેન્શન ઑન ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન એન્ડેન્જર્ડ સ્પેસીઝ ઑફ વાઈલ્ડ ફોઉના એન્ડ ફ્લોરા (સીઆઈટીઈએસ)ની 24મી સપ્ટેમ્બરથી ચોથી ઓક્ટોબર, 2016 દરમિયાન યોજાયેલી 17મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝના પરિણામોને જોખમમાં મૂકાયેલી પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રિય વેપારના નિયમનોમાં મહત્ત્વપૂર્ણ સુધારાને અનુલક્ષીને આવકારીએ છીએ.
  • યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઑન ક્લાયમેટ ચેન્જ (યુએનએફસીસીસી)માં પેરિસ એગ્રીમેન્ટની સ્વીકૃતિને તેમજ 22મી એપ્રિલ, 2016ના રોજ અનેક દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા, તેને અમે આવકારીએ છીએ. અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે વ્યાપક, સંતુલિત અને મહાત્ત્વાકાંક્ષી એવું પેરિસ એગ્રીમેન્ટનું મૂળ સ્વરૂપ, યુએનએફસીસીસીના સમાનતા તેમજ અલગ-અલગ રાષ્ટ્રીય પરિસ્થિતિઓ મુજબ સામાન્ય પરંતુ અલગ જવાબદારીઓ અને તે મુજબની ક્ષમતાઓ (સીબીડીઆર એન્ડ આરસી)ના સિદ્ધાંત સહિતના સિદ્ધાંતોને પુનઃ સુનિશ્ચિત કરે છે. 
  • પેરિસ એગ્રીમેન્ટ અને તેના ચોથી નવેમ્બર, 2016ના રોજ થનારા નિકટવર્તી અમલીકરણને અમે આવકારીએ છીએ. અમે વિકસેલા દેશોને પેરિસ એગ્રિમેન્ટના અમલીકરણના શમન અને સ્વીકાર સંદર્ભે તેમની નાણાંકીય સંસાધનો, ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણમાં વિકસતા દેશોને મદદરૂપ થવાની જવાબદારી પૂરી કરવા વિનંતી કરીએ છીએ.
  • 2030 એજન્ડામાં દર્શાવ્યા મુજબ જાતિ સમાનતા અને તમામ મહિલાઓ અને કન્યાઓના સશક્તિકરણની પ્રતિબદ્ધતાઓ અમે ફરી દોહરાવીએ છીએ. વિકાસના પ્રતિનિધિઓ તરીકે મહિલાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવા અંગે અમે વાકેફ છીએ અને અમે સ્વીકારીએ છીએ કે તેમની સમાન અને સમાવેશક ભાગીદારી અને ફાળો, સાતત્યપૂર્ણ વિકાસના તમામ ધ્યેયો અને લક્ષ્યાંકો બાબતે પ્રગતિ સાધવા માટે મહત્ત્વપૂર્ણ છે. અમે આ પ્રતિબદ્ધતાઓના અમલીકરણ માટેનું ઉત્તરદાયિત્વ વધારવાના મહત્ત્વ પર ભાર મૂકીએ છીએ. 
  • અમારા દેશોમાં યુવાનોની વસતીની ક્ષમતા અને વિવિધતા, તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓથી વાકેફ રહીને અમે ગુવાહાટીમાં યોજાયેલા બ્રિક્સ યુથ સમિટના, ગુવાહાટી બ્રિક્સ યુથ સમિટ 2016 કૉલ ટુ એક્શન સહિતના પરિણામોને આવકારીએ છીએ, જેમાં શિક્ષણ, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય તાલીમ, યુવાનોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા મહત્ત્વપૂર્ણ લેખાયા છે.
  • અમે પહેલી અને બીજી સપ્ટેમ્બર, 2016ના રોજ બ્રિક્સ દેશો વચ્ચે પ્રવાસન ક્ષેત્રે સહકાર વધારવાને પ્રોત્સાહન આપવાના અસરકારક સાધન તરીકે મધ્ય પ્રદેશના ખજુરાહો ખાતે યોજાયેલા પ્રવાસ ક્ષેત્રના સંમેલનને આવકારીએ છીએ. 
  • વિશ્વની 43 ટકા વસતીને સમાવતા અને સૌથી ઝડપી શહેરીકરણ કરી રહેલા દેશો તરીકે અમે શહેરીકરણના બહુપરિમાણીય પડકારો અને તકોથી વાકેફ છીએ. વિકાસમાં અમે અમારી ભાગીદારી સુનિશ્ચિત કરી હોવાથી 17મીથી 20મી ઓક્ટોબર, 2016 દરમિયાન ક્વિટો ખાતે યોજાનારી સંયુક્ત રાષ્ટ્રોની નિવાસસ્થાન અને સ્થાયી શહેરી વિકાસ – હેબિટાટ થ્રી – પરિષદ દ્વારા ન્યુ અર્બન એજન્ડાનો સ્વીકાર કરીશું. 14-16 સપ્ટેમ્બર, 2016 દરમિયાન વિશાખાપટ્ટનમમાં યોજાયેલી બ્રિક્સ અર્બનાઈઝેશન ફોરમ અને 14-16 એપ્રિલ, 2016 દરમિયાન મુંબઈ ખાતે યોજાયેલી બ્રિક્સ ફ્રેન્ડશિપ સીટીઝ કોન્ક્લેવ, જેણે અમારા શહેરો અને હિસ્સેદારો વચ્ચે જોડાણો વધારવાને ઉત્તેજન આપવામાં યોગદાન આપ્યું, તેને વધાવીએ છીએ. અમે શહેરી શાસનને વધુ મજબૂત બનાવવાના સંદર્ભે સહકાર વધારવા, અમારા શહેરોને સલામત અને સમાવેશક બનાવવા, શહેરી વિસ્તારોમાં પરિવહન સુધારવા, શહેરી વિસ્તારોમાં માળખાકીય સવલતોને નાણાંકીય સહાય માટે તેમજ સ્થાયી શહેરોના નિર્માણ માટે સહકાર વધારવા આહ્વાન કરીએ છીએ.
  • બ્રિક્સ લોકલ બોડીઝની આગામી કોન્ફરન્સ માટે સ્થાનિક અંદાજકામ સહિત નિપુણતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન પ્રદાન માટે ભારતની પહેલની અમે નોંધ લઈએ છીએ.
  • લોકોનું સ્થળાંતર અને ગતિશીલતા વ્યવસ્થિત, સલામત, નિયમિત અને જવાબદાર હોય તેનું મહત્ત્વ ધ્યાન પર લઈને અમે આઠમી ઓક્ટોબર, 2015ના રોજ રશિયામાં સોચિ ખાતે યોજાયેલી બ્રિક્સ દેશોના સ્થળાંતરને લગતા મંત્રાલયોની સૌપ્રથમ બેઠકનાં પરિણામોને આવકારીએ છીએ.
  • સાતત્યપૂર્ણ વિકાસમાં સંસ્કૃતિની મહત્ત્વપૂર્ણ ભૂમિકાથી અમે વાકેફ છીએ અને અમારા દેશના લોકો વચ્ચે પરસ્પર સમજણ અને ઘનિષ્ટ સહયોગનું જતન કરવાનો અમે સ્વીકાર કરીએ છીએ. બ્રિક્સ દેશોના લોકો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવાને અમે પ્રોત્સાહન આપીએ છીએ. આ સંદર્ભે અમે 2-6 સપ્ટેમ્બર, 2016 દરમિયાન નવી દિલ્હી ખાતે સૌપ્રથમવાર બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલના આયોજનને બિરદાવીએ છીએ. 
  • અમે 23મી ઓક્ટોબર, 2016ના રોજ જિનિવા ખાતે સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયોના અમલીકરણ અંગે બ્રિક્સ દેશોના સંસદીય સહકાર અંગે યોજાનારી દ્વિતીય સંસદીય ફોરમની આગામી બેઠકને આવકારીએ છીએ.
  • અણે 20-21 ઓગસ્ટ, 2016ના રોજ જયપુરમાં યોજાયેલા બ્રિક્સ દેશોના મહિલા સાંસદોની ફોરમની ચર્ચા-વિચારણાઓને અને જયપુર ઘોષણાપત્રને આવકારીએ છીએ, જેમાં સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયોની મુખ્ય ભૂમિકાની સાથે સાથે સાતત્યપૂર્ણ વિકાસ, જાતિ સમાનતા અને મહિલા સશક્તિકરણના તમામ ત્રણેય પરિમાણો પર સંસદીય વ્યૂહાત્મક ભાગીદારીઓ વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકાયો છે.
  • અમારા દેશોમાં કરકસરયુક્ત અને સ્થાયી રીતે વધુ વૃદ્ધિ હાંસલ કરવા માટે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે યોજાયેલી બ્રિક્સ રેલવેઝ રિસર્ચ નેટવર્કની બેઠકની ચર્ચા-વિચારણાઓને અમે ધ્યાન પર લીધી છે.
  • 5-15મી ઓક્ટોબર, 2016 દરમિયાન બ્રિક્સ દેશો વચ્ચે સૌપ્રથમ અંડર – 17 ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવા બદલે અમે ભારતને અભિનંદન આપીએ છીએ. આ સંદર્ભે, અમે બ્રિક્સ દેશો વચ્ચે આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે બ્રિક્સ સ્પોર્ટસ કાઉન્સિલની પહેલ ધ્યાન પર લીધી છે.
  • બ્રિક્સ દેશો વચ્ચે વેપાર, ધંધા અને રોકાણ વધતા જતા હોવાનું ધ્યાન પર લઈને તેમજ બ્રિક્સ ઈન્ટર બેન્ક કોઓપરેશન મિકેનિઝમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાથી વાકેફ રહીને અમે બ્રિક્સ દેશોની નેશનલ ડેવલપમેન્ટ બેન્ક્સ અને ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (એનડીબી) વચ્ચે સમજૂતી કરાર પરના હસ્તાક્ષરને આવકારીએ છીએ. બ્રિક્સ દેશોને સંબંધિત અર્થશાસ્ત્રમાં વધુ સંશોધનને પ્રોત્સાહન આપવા એન્યુઅલ બ્રિક્સ ઈકોનોમિક રિસર્ચ એવોર્ડની સ્થાપના માટેની ભારતની એક્સ્પોર્ટ-ઈમ્પોર્ટ બેન્કની પહેલનું અમે સ્વાગત કરીએ છીએ.
  • સહિયારા વિકાસ માટે અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવાની અમારી પ્રતિબદ્ધતા અમે દોહરાવીએ છીએ. આ સંબંધે, અમે ગોવા એક્શન પ્લાનને સમર્થન આપીએ છીએ.
  • ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા બ્રિક્સના શિખર સંમેલનના આયોજન તેમજ બ્રિક્સના સહકાર એજન્ડાની સુચારુ ગતિ માટે ભારતની પ્રશંસા કરે છે.
  • બ્રિક્સ શિખર સંમેલનોના પરિણામોના દસ્તાવેજો અને નિર્ણયોના અમલીકરણની સમીક્ષા અને તેને આગળ ધપાવવાના મહત્ત્વ પર અમે ભાર મૂકીએ છીએ. અમે આ પ્રક્રિયા આગળ ધપાવવાનું કાર્ય અમારા સંબંધિત અધિકારીઓને સોંપીએ છીએ.
  • ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયાએ ગોવામાં આઠમા બ્રિક્સ શિખર સંમેલનના આયોજન માટે ભારતની સરકાર અને ભારતના લોકો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
  • ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયાએ વર્ષ 2017માં નવમું બ્રિક્સ શિખર સંમેલન યોજવા માટેની ચીનની દરખાસ્તની પ્રશંસા કરી છે અને તે માટે પોતાનો સંપૂર્ણ સહયોગ હોવાનું જણાવ્યું છે.

AP/JKhunt/TR