Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘આઝાદીના અમૃત મહોત્સવ’ ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

‘આઝાદીના અમૃત મહોત્સવ’ ના શુભારંભની પ્રવૃત્તિઓના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મંચ પર બિરાજમાન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી પ્રહલાદ પટેલજી, લોકસભામાં મારા સાથી સાંસદ શ્રી સી આર પાટીલજી, અમદાવાદના નવા ચૂંટાયેલા મેયર શ્રીમાન કિરીટ સિંહ ભાઈ, સાબરમતી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈજી અને સાબરમતી આશ્રમને સમર્પિત જેમનું જીવન છે એવા આદરણીય અમૃત મોદીજી, દેશભરના અમારી સાથે જોડાયેલા તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો અને મારા યુવા સાથીઓ!

આજે જ્યારે સવારે દિલ્હીથી હું નીકળ્યો તો એક અદભૂત સંયોગ થયો. અમૃત મહોત્સવનો આરંભ થતાં પહેલાં આજે દેશની રાજધાનીમાં અમૃત વર્ષા પણ થઈ અને વરૂણ દેવે આશીર્વાદ પણ આપ્યા. એ આપણા બધાનું સૌભાગ્ય છે કે આપણે આઝાદ ભારતના આ ઐતિહાસિક સમયગાળાના સાક્ષી બની રહ્યા છીએ. આજે દાંડી યાત્રાની વર્ષગાંઠે આપણે બાપુની આ કર્મભૂમિ પર ઇતિહાસ રચાતો પણ જોઇ રહ્યા છીએ અને ઇતિહાસનો ભાગ પણ બની રહ્યા છીએ. આજે આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે, પહેલો દિવસ છે. અમૃત મહોત્સવ, 15 ઑગસ્ટ 2022થી 75 સપ્તાહો પૂર્વે આજે આરંભ થયો છે અને 15 ઑગસ્ટ 2023 સુધી ચાલશે. આપણે ત્યાં માન્યતા છે કે જ્યારે પણ એવો પ્રસંગ આવે છે ત્યારે તમામ તીર્થોનો એક સાથે સંગમ થઈ જાય છે. આજે એક રાષ્ટ્ર તરીકે ભારત માટે પણ એવો જ પવિત્ર પ્રસંગ છે. આજે આપણા સ્વતંત્રતા સંગ્રામના કેટલાંય પૂણ્યતીર્થ, કેટલાંય પવિત્ર કેન્દ્ર સાબરમતી આશ્રમ સાથે જોડાઈ રહ્યા છે.

સ્વતંત્રતા સંગ્રામની પરાકાષ્ઠાને પ્રણામ કરતી આંદામાનની સેલ્યુલર જેલ, અરૂણાચલ પ્રદેશથી ‘એંગ્લો-ઈન્ડિયન યુદ્ધ’ ની સાક્ષી કેકર મોનિંગની ભૂમિ, મુંબઈનું ઑગસ્ટ ક્રાંતિ મેદાન, પંજાબનો જલિયાંવાલા બાગ, ઉત્તર પ્રદેશનું મેરઠ, કાકોરી અને ઝાંસી, દેશભરમાં એવાં કેટલાંય સ્થળો પર આજે એક સાથે આ અમૃત મહોત્સવના શ્રી ગણેશ થઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે આઝાદીના અસંખ્ય સંઘર્ષો, અસંખ્ય બલિદાનો અને અસંખ્ય તપસ્યાઓની ઉર્જા સમગ્ર ભારતમાં એક સાથે પુન: જાગૃત થઈ રહી છે. હું આ પૂણ્ય પ્રસંગે બાપુનાં  ચરણોમાં મારાં શ્રદ્ધા સુમન અર્પિત કરું છું. હું દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાની જાતને ખપાવી દેનારા, દેશને નેતૃત્વ આપનાર તમામ મહાન વિભૂતિઓનાં ચરણોમાં આદરપૂર્વક નમન કરું છું, એમને કોટિ કોટિ વંદન કરું છું. હું એ તમામ વીર જવાનોને પણ નમન કરું છું જેમણે આઝાદી મળ્યા બાદ પણ રાષ્ટ્ર રક્ષાની પરંપરાને જીવિત રાખી, દેશના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યાં, શહીદ થઈ ગયા. જે પૂણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુન:નિર્માણમાં પ્રગતિની એક એક ઈંટ મૂકી, 75 વર્ષોમાં દેશને અહીં સુધી લઈ આવ્યા, એ તમામનાં ચરણોમાં પણ હું સાદર પ્રણામ કરું છું.

સાથીઓ,

જ્યારે આપણે ગુલામીના એ દોરની કલ્પના કરીએ છીએ, જેમાં કરોડો-કરોડો લોકોએ સદીઓ સુધી આઝાદીની એક સવારની રાહ જોઈ, ત્યારે એ અનુભૂતિ વધારે વધે છે કે આઝાદીના 75 વર્ષોનો અવસર કેટલો ઐતિહાસિક છે, કેટલો ગૌરવશાળી છે. આ પર્વમાં શાશ્વત ભારતની પરંપરા પણ છે, સ્વાધીનતા સંગ્રામનો પડછાયો પણ છે, અને આઝાદ ભારતની ગૌરવાન્વિત કરતી પ્રગતિ પણ છે. એટલે, આપ સૌ સમક્ષ જે પ્રેઝન્ટેશન રજૂ થયું, એમાં અમૃત મહોત્સવના પાંચ સ્તંભો પર વિશેષ બળ અપાયું છે. સ્વતંત્રતા સંઘર્ષ, 75 વર્ષે વિચારો, 75 વર્ષે સિદ્ધિઓ, 75 વર્ષે કાર્યો અને 75 વર્ષે સંકલ્પો. આ પાંચેય સ્તંભો આઝાદીની લડાઈની સાથે સાથે આઝાદ ભારતનાં સપનાં અને ફરજોને દેશની સમક્ષ મૂકીને આગળ વધવાની પ્રેરણા આપશે. આ જ સંદેશાના આધારે આજે ‘અમૃત મહોત્સવ’ની વૅબસાઇટની સાથે સાથે ચરખા અભિયાન અને આત્મનિર્ભર ઈન્ક્યુબેટરને પણ શરૂ  કરવામાં આવ્યાં છે.

ભાઇઓ  બહેનો,

ઈતિહાસ સાક્ષી છે કે કોઇ રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જાગૃત રહે છે જ્યારે તે પોતાના સ્વાભિમાન અને બલિદાનની પરંપરાઓને આગામી પેઢીને પણ શીખવે છે, સંસ્કારિત કરે છે, એને એ માટે સતત પ્રેરિત કરતું રહે છે. કોઇ રાષ્ટ્રનું ભવિષ્ય પણ ત્યારે જ ઉજ્જવળ રહે છે જ્યારે તે પોતાના અતીતના અનુભવો અને વારસાના ગર્વ સાથે ક્ષણ-ક્ષણ જોડાયેલું રહે. ને ભારતની પાસે તો ગર્વ લેવા માટે અપાર ભંડાર છે, સમૃદ્ધ ઈતિહાસ છે, ચેતનામય સાંસ્કૃતિક વારસો છે. એટલા માટે આઝાદીના 75 વર્ષોનો આ અવસર એક અમૃતની જેમ વર્તમાન પેઢીને પ્રાપ્ત થશે. એક એવું અમૃત જે આપણને પ્રત્યેક પળ દેશ માટે જીવવા, દેશ માટે કઈક કરવા માટે પ્રેરિત કરશે.

સાથીઓ,

આપણા વેદોનું વાક્ય છે- મૃત્યો: મુક્ષીય મામૃતાત. અર્થાત આપણે દુ:ખ, કષ્ટ, ક્લેશ અને વિનાશથી નીકળીને અમૃત તરફ આગળ વધીએ, અમરતા તરફ આગળ વધીએ. આ સંકલ્પ આઝાદીના આ અમૃત મહોત્સવનો પણ છે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની ઉર્જાનું અમૃત, આઝાદીનો અમૃત મહોત્સવ એટલે સ્વાધીનતા સેનાનીઓ પાસેથી પ્રેરણાનું અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા વિચારોનું અમૃત. નવા સંકલ્પોનું અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનું અમૃત. અને એટલા માટે, આ મહોત્સવ રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ છે. આ મહોત્સવ સુરાજ્યનાં સપનાંને પૂરાં કરવાનો મહોત્સવ છે. આ મહોત્સવ વૈશ્વિક શાંતિનો, વિકાસનો મહોત્સવ છે.

 

સાથીઓ,

અમૃત મહોત્સવનો શુભારંભ દાંડી યાત્રાના દિવસે થઈ રહ્યો છે. એ ઐતિહાસિક ક્ષણને પુન:જીવિત કરવા માટે એક યાત્રા પણ હમણાં શરૂ થઈ રહી છે. આ એક અદભૂત સંયોગ છે કે દાંડી યાત્રાનો પ્રભાવ અને સંદેશ પણ એવો જ છે, જે આજે દેશ અમૃત મહોત્સવના માધ્યમથી લઈને આગળ વધી રહ્યો છે. ગાંધીજીની આ એક યાત્રાએ આઝાદીના સંઘર્ષને એક નવી પ્રેરણા આપવા સાથે જન-જનને જોડી દીધા હતા. આ એક યાત્રાએ પોતાની આઝાદીને લઈને ભારતના દ્રષ્ટિકોણને સમગ્ર દુનિયા સુધી પહોંચાડી દીધો હતો. એવી ઐતિહાસિક અને આવું એટલા માટે કેમ કે બાપુની દાંડી યાત્રામાં આઝાદીના આગ્રહની સાથે સાથે ભારતના સ્વભાવ અને ભારતના સંસ્કારોનો પણ સમાવેશ હતો.

આપણે ત્યાં મીઠાંને કદી એની કિમતથી આંકવામાં આવ્યું નથી. આપણે ત્યાં લૂણનો મતલબ છે ઈમાનદારી. આપણે ત્યાં નમકનો મતલબ છે-વિશ્વાસ. આપણે ત્યાં મીઠુંનો મતલબ છે- વફાદારી. આજે પણ આપણે કહીએ છીએ કે દેશનું લૂણ ખાધું છે. એવું એટલા માટે નહીં કેમ કે મીઠું એ બહુ કિમતી ચીજ છે. આવું એટલા માટે કેમ કે મીઠું આપણે ત્યાં શ્રમ અને સમાનતાનું પ્રતીક છે. એ જમાનામાં મીઠું ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક હતું. અંગ્રેજોએ ભારતના મૂલ્યોની સાથે સાથે આ આત્મનિર્ભરતા પર પણ પ્રહાર કર્યા. ભારતના લોકોએ ઈંગ્લેન્ડથી આવતા મીઠાં પર નિર્ભર થઈ જવું પડ્યું હતું. ગાંધીજીએ દેશના જૂનાં દર્દને સમજીને, જન-જન સાથે જોડાયેલી એ નસને પકડી અને જોત જોતામાં આ આંદોલન દરેક ભારતીયનું આંદોલન બની ગયું, દરેક ભારતીયનો સંકલ્પ બની ગયું.

સાથીઓ,

આવી જ રીતે આઝાદીની લડાઈમાં અલગ અલગ સંગ્રામો, અલગ અલગ ઘટનાઓની પણ પોતાની પ્રેરણાઓ છે, પોતાના સંદેશ છે જેને આત્મસાત કરીને આજનું ભારત આગળ વધી શકે છે. 1857નો સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશથી પુનરાગમન, દેશને સત્યાગ્રહની તાકાત ફરી યાદ અપાવવી, લોકમાન્ય ટિળકનું પૂર્ણ સ્વરાજ્યનું આહ્વાન, નેતાજી સુભાષ ચંદ્ર બૉઝના નેતૃત્વમાં આઝાદ હિંદ ફોજની દિલ્હી કૂચ, દિલ્હી ચલો, એ નારો આજે પણ હિંદુસ્તાન ભૂલી શકે નહીં. 1942નું અવિસ્મરણીય આંદોલન, અંગ્રેજો ભારત છોડોનો એ ઉદઘોષ, એવાં કેટલાંય અગણિત પડાવ છે જેમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ, ઉર્જા લઈએ છીએ. એવાં કેટલાંય હુતાત્મા સેનાની છે જેમના પ્રયે દેશ દરરોજ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

1857ની ક્રાંતિના મંગલ પાંડે, તાત્યા ટોપે જેવા વીર હોય, અંગ્રેજોની ફોજ સામે નીડર ગર્જના કરનારી રાની લક્ષ્મીબાઈ હોય, કિત્તૂરની રાની ચેન્નમા હોય, રાની ગાઇડિન્લ્યૂ હોય, ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાકઉલ્લા ખાન, ગુરુ રામ સિંહ, ટિટૂસ જી, પૉલ રામાસામી જેવા વીર હોય કે પછી પંડિત નહેરુ, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, સુભાષ ચંદ્ર બૉઝ, મૌલાના આઝાદ ખાન, અબ્દુલ ગફ્ફાર ખાન, વીર સાવરકર જેવા અગણિત જનનાયકો!! આ તમામ મહાન વ્યક્તિત્વ આઝાદીના આંદોલનના પથ પ્રદર્શક છે. આજે એમનાં જ સપનાંનું ભારત બનાવવા માટે, એમને સપનાનું ભારત બનાવવા માટે આપણે સામૂહિક સંકલ્પ લઈ રહ્યા છીએ, એમનાંમાંથી પ્રેરણા લઈ રહ્યા છીએ.

સાથીઓ,

આપણા સ્વતંત્રતા સંગ્રામમાં એવાં પણ કેટલાંય આંદોલનો છે, કેટલાય સંઘર્ષ છે જે દેશની સમક્ષ એ સ્વરૂપમાં નથી આવ્યા જે સ્વરૂપમાં આવવા જોઇતાં હતાં. આ એક એક સંગ્રામ, સંઘર્ષ પોતાનામાં ભારતની અસત્ય સામે સત્યની સશક્ત ઘોષણાઓ છે, એ એક એક સંગ્રામ ભારતના સ્વાધીન સ્વભાવના પુરાવા છે, આ સંગ્રામ એ વાતનું પણ સાક્ષાત પ્રમાણ છે કે અન્યાય, શોષણ અને હિંસા સામે ભારતની જે ચેતના રામના યુગમાં હતી, મહાભારતના કુરુક્ષેત્રમાં હતી, હલ્દીઘાટીની રણભૂમિમાં હતી, શિવાજીના ઉદઘોષમાં હતી એ જ શાશ્વત ચેતના, એ જ અદમ્ય શૌર્ય, ભારતના દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક સમાજે આઝાદીની લડાઈમાં પોતાની અંદર પ્રજ્વલિત રાખી હતી. જનનિ જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદપિ ગરિયસી, આ મંત્ર આજે પણ આપણને પ્રેરણા આપે છે.

આપ જુઓ આપણા આ ઈતિહાસને, કોલ આંદોલન હોય કે ‘ હો સંઘર્ષ’, ખાસી આંદોલન હોય કે સંથાલ ક્રાંતિ, કછોહા કછાર નાગા સંઘર્ષ હોય કે કૂકા આંદોલન, ભીલ આંદોલન હોય કે મુંડા ક્રાંતિ, સંન્યાસી આંદોલન હોય કે રમોસી સંઘર્ષ, કિત્તૂર આંદોલન, ત્રાવણકોર આંદોલન, બારડોલી સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, સંભલપુર સંઘર્ષ, ચુઆર સંઘર્ષ, બુંદેલ સંઘર્ષ, એવા કેટલાય સંઘર્ષો અને આંદોલનોએ દેશના દરેક ભૂભાગને, દરેક સમયગાળામાં આઝાદીની જ્યોતિથી પ્રજ્વલિત રાખ્યા. આ દરમ્યાન આપણી શીખ ગુરુ પરંપરાએ દેશની સંસ્કૃતિ, પોતાના રીતિ-રિવાજની રક્ષા કાજે આપણને નવી ઉર્જા આપી, પ્રેરણા આપી, ત્યાગ અને બલિદાનનો માર્ગ બતાવ્યો. અને એનો વધુ એક મહત્ત્વનો પક્ષ છે જે આપણે વારંવાર યાદ કરવો જોઇએ.

સાથીઓ,

આઝાદીના આંદોલનની આ જ્યોતિને નિરંતર જાગૃત કરવાનું કામ, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ, દરેક દિશામાં, દરેક ક્ષેત્રમાં, આપણા સંતોએ, મહંતોએ, આચાર્યોએ સતત કર્યું હતું. એક પ્રકારે ભક્તિ આંદોલને રાષ્ટ્રવ્યાપી સ્વાધીનતા આંદોલનની ભૂમિકા તૈયાર કરી હતી. પૂર્વમાં ચૈતન્ય મહાપ્રભુ, રામ કૃષ્ણ પરમહંસ અને શ્રીમંત શંકર દેવ જેવા સંતોના વિચારોએ સમાજને દિશા આપી, પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રાખ્યો. પશ્ચિમમાં મીરાબાઈ, એકનાથ, તુકારામ, રામદાસ, નરસિંહ મહેતા થયા, ઉત્તરમાં સંત રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરુ નાનકદેવ, સંત રૈદાસ, દક્ષિણમાં મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય થયા, ભક્તિકાળના આ ગાળામાં મલિક મોહંમદ જાયસી, રસખાન, સૂરદાસ, કેશવદાસ, વિદ્યાપતિ જેવા મહાનુભાવોએ પોતાની રચનાઓથી સમાજને પોતાની ખામીઓ સુધારવા માટે પ્રેરિત કર્યા.

આવાં અનેક વ્યક્તિત્વોનાં કારણે આ આંદોલન ક્ષેત્રની સીમાથી બહાર નીકળીને સમગ્ર ભારતના જન-જનને પોતાનામાં સમેટી લીધાં. આઝાદીનાં આ અસંખ્ય આંદોલનોમાં એવા કેટલાય સેનાની, સંત આત્માઓ, એવા અનેક વીર બલિદાની છે જેમની એક એક ગાથા પોતાનામાં ઇતિહાસનો એક એક સુવર્ણ અધ્યાય છે! આપણે એ મહાનાયકો, મહાનાયિકાઓ, જેમનો જીવન ઇતિહાસ પણ દેશ સમક્ષ પહોંચાડવાનો છે. આ લોકોની જીવનગાથાઓ, એમનાં જીવનનો સંઘર્ષ, આપણા સ્વતંત્રતા  આંદોલનની ચઢતી પડતી, ક્યારેક સફળતા, ક્યારેક નિષ્ફળતા, આપણી આજની પેઢીને જીવનનો દરેક પાઠ શીખવશે. એક્તા શું હોય છે, લક્ષ્યને પામવાની જીદ શું હોય છે, જીવનનો દરેક એ રંગ તેઓ વધારે સારી રીતે સમજશે.

ભાઇઓ અને બહેનો,

આપને યાદ હશે, આ ભૂમિના વીર સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા, અંગ્રેજોની ધરતી પર રહીને, એમનાં નાકની નીચે, જીવનના અંતિમ શ્વાસ સુધી આઝાદી માટે સંઘર્ષ કરતા રહ્યા. પણ એમની અસ્થિઓ સાત દાયકાઓ સુધી રાહ જોતી રહી કે ક્યારે એને ભારત માતાનો ખોળો નસીબ થાય. આખરે, 2003માં વિદેશથી શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ હું મારા ખભે ઊંચકીને લઈ આવ્યો હતો. આવા કેટલાય સેનાની છે, દેશ પર પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનારા લોકો છે. દેશના ખૂણે ખૂણેથી કેટલાય દલિત, આદિવાસી, મહિલાઓ અને યુવા છે જેમણે અસંખ્ય તપ અને ત્યાગ કર્યા. યાદ કરો, તમિલનાડુના 32 વર્ષીય નવયુવક કોડિ કાથ કુમરન, એમને યાદ કરો, અંગ્રેજોએ એ નવયુવાનનને માથામાં ગોળી મારી દીધી પણ તેમણે મરતા મરતા પણ દેશના ઝંડાને જમીન પર પડવા ન દીધો. તમિલનાડુમાં એમનાં નામથી જ કોડિ કાથ શબ્દ જોડાઈ ગયો, જેનો અર્થ છે ઝંડાને બચાવવાનારો! તમિલનાડુનાં જ વેલૂ નાચિયાર, તેઓ પહેલાં મહારાણી હતાં જેમણે અંગ્રેજી હકૂમત સામે લડાઈ લડી હતી.

એવી જ રીતે આપણા દેશના આદિવાસી સમાજે પોતાની વીરતા અને પરાક્રમથી સતત વિદેશી હકૂમતને ઘૂંટણિયે લાવવાનું કામ કર્યું હતું. ઝારખંડમાં ભગવાન બિરસા મુંડા, એમણે અંગ્રેજોને પડકાર ફેંક્યો હતો, તો મુર્મૂભાઈઓએ સંથાલ આંદોલનનું નેતૃત્વ લીધું હતું. ઓડિશામાં ચક્રા બિસોઇએ જંગ છેડી તો લક્ષ્મણ નાયકે ગાંધીવાદી રીતે ચેતના પ્રસરાવી. આંધ્ર પ્રદેશમાં મણ્યમ વીરુડુ એટલે જંહલોના હીરો અલ્લૂરી સીરારામ રાજૂએ રમ્પા આંદોલનનું રણશિંગું ફૂંક્યું. પાસલ્થા ખુન્ગ્ચેરાએ મિઝોરમના પર્વતોમાં અંગ્રેજો સામે બાથ ભીડી હતી. એવી જ રીતે ગોમધર કોંવર, લસિત બોરફુકન અને સીરત સિંગ જેવા આસામ અને પૂર્વોત્તરના અનેક સ્વાધીનતા સેનાની હતા જેમણે દેશની આઝાદીમાં યોગદાન આપ્યું હતું. અહીં ગુજરાતમાં વડોદરાની નજીક જાંબુઘોડા જવાના રસ્તે આપણા નાયક કોમના આદિવાસીઓનું બલિદાન કેવી રીતે ભૂલાય, માનગઢમાં ગોવિંદ ગુરુના નેતૃત્વમાં સેંકડો આદિવાસીઓનો નરસંહાર થયો, એમણે લડાઈ લડી. દેશ એમનાં બલિદાનને હંમેશા યાદ રાખશે.

સાથીઓ,

મા ભારતીના એવા જ વીર સપૂતોનો ઇતિહાસ દેશના ખૂણે ખૂણે, ગામે ગામ છે. દેશ ઇતિહાસના આ ગૌરવને સાચવી રાખવા માટે છેલ્લાં છ વર્ષોથી સજાગ પ્રયાસો કરી રહ્યો છે. દરેક રાજ્ય, દરેક ક્ષેત્રમાં આ દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે. દાંડી યાત્રા સાથે સંકળાયેલા સ્થળનો પુનરોદ્ધાર દેશે બે વર્ષો અગાઉ જ પૂર્ણ કરી લીધો હતો. મને પોતાને આ અવસરે દાંડી જવાનું સૌભાગ્ય મળ્યું હતું. આંદામાનમાં જ્યાં નેતાજી સુભાષ ચંદ્ર બૉઝે દેશની પહેલી આઝાદ સરકાર રચીને તિરંગો ફરકાવ્યો હતો, દેશે એ વિસ્મૃત ઈતિહાસને પણ ભવ્ય આકાર આપ્યો છે. આંદામાન નિકોબારના દ્વિપ સમૂહોને સ્વતંત્રતા સંગ્રામનાં  નામો પર રખાયાં છે. આઝાદ હિન્દ સરકારના 75 વર્ષો પૂર્ણ થતાં લાલ કિલ્લા પર પણ આયોજન કરવામાં આવ્યું હતું, તિરંગો ફરકાવાયો હતો અને નેતાજી સુભાષ બાબુને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એમના અમર ગૌરવને સમગ્ર દુનિયા સુધી પહોંચાડે છે. જલિયાંવાલા બાગમાં સ્મારક હોય કે પછી પાઇકા આંદોલનની સ્મૃતિમાં સ્મારક, તમામ પર કામ થયું છે. બાબા સાહેબ સાથે સંકળાયેલ જે સ્થાનો દાયકાઓથી વેરવિખેર-વિસ્મૃત પડ્યા હતા એમનો પણ વિકાસ દેશે પંચતીર્થ તરીકે કર્યો છે. આ બધાની સાથે જ દેશે આદિવાસી સ્વાધીનતા સેનાનીઓના ઇતિહાસને પણ દેશ સુધી પહોંચાડવા માટે, આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા માટે આપણા આદિવાસીઓના સંઘર્ષની કથાઓને સાંકળી લેતા દેશમાં મ્યુઝિયમ્સ બનાવવાઓ એક પ્રયાસ શરૂ કર્યો છે.

સાથીઓ,

આઝાદીના આંદોલનના ઇતિહાસની જેમ જ આઝાદી બાદના 75 વર્ષોની યાત્રા, સામાન્ય ભારતીયોના પરિશ્રમ, ઇનોવેશન, ઉદ્યમ-શીલતાનું પ્રતિબિંબ છે. આપણે ભારતીયો દેશમાં હોઇએ કે પછી વિદેશમાં, આપણે આપણી મહેનતથી પોતાની જાતને સાબિત કરી છે. આપણને ગર્વ છે આપણા બંધારણ પર. આપણને ગર્વ છે આપણી લોકતાંત્રિક પરંપરાઓ પર. લોકશાહીની જનની ભારત, આજે પણ લોકતંત્રને મજબૂતી આપવા માટે આગળ વધી રહ્યું છે. જ્ઞાન-વિજ્ઞાનથી સમૃદ્ધ ભારત, આજે મંગળથી લઇને ચંદ્રમા સુધી પોતાની છાપ છોડી રહ્યું છે. આજે ભારતની સેનાનું સામર્થ્ય અપાર છે, તો આર્થિક રૂપે પણ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આજે ભારતનું સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ, દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ચર્ચાનો વિષય છે. આજે દુનિયાના દરેક મંચ પર ભારતની ક્ષમતા અને ભારતની પ્રતિભાની ગુંજ છે. આજે ભારત અભાવના અંધકારમાંથી બહાર નીકળીને 130 કરોડથી વધારે આંકાક્ષાઓની પૂર્તિ માટે આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

આ પણ આપણા બધાનું સૌભાગ્ય છે કે આઝાદ ભારતના 75 વર્ષો અને નેતાજી સુભાષ ચંદ્ર બૉઝની જન્મ જયંતિના 125 વર્ષો આપણે સાથે સાથે મનાવી રહ્યા છે. આ સંગમ માત્ર તિથિઓનો નથી પણ અતીત અને ભવિષ્યના ભારતના સપનાંનો અદભૂત મેળ છે. નેતાજી સુભાષ ચંદ્ર બૉઝે કહ્યું હતું કે ભારતની આઝાદીની લડાઈ માત્ર બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે નથી, પણ વૈશ્વિક સામ્રાજ્યવાદ સામે છે. નેતાજીએ ભારતની આઝાદીને સમગ્ર માનવતા માટે જરૂરી ગણાવી હતી. સમયની સાથે નેતાજીની આ વાત સાચી સાબિત થઇ. ભારત આઝાદ થયો તો દુનિયાના અન્ય દેશોમાં પણ સ્વતંત્રતા માટેનો અવાજ બુલંદ થયો અને બહુ ઓછા સમયમાં સામ્રાજ્યવાદનો વિસ્તાર સમેટાઈ ગયો. અને સાથીઓ, આજે પણ ભારતની ઉપલબ્ધિઓ આજે માત્ર આપણી પોતાની નથી પણ એ સમગ્ર દુનિયાને રોશની દેખાડનારી છે, સમગ્ર માનવતાને આશા જગાવનારી છે. ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત આપણી વિકાસ યાત્રા સમગ્ર દુનિયાની વિકાસ યાત્રાને ગતિ આપનારી છે.

કોરોના કાળમાં આ આપણી સમક્ષ પ્રત્યક્ષ સાબિત પણ થઈ રહ્યું છે. માનવતાને મહામારીના સંકટમાંથી બહાર કાઢવામાં વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો લાભ આજે સમગ્ર દુનિયાને મળી રહ્યો છે. આજે ભારતની પાસે રસીનું સામર્થ્ય છે તો વસુધૈવ કુટુંબકમના ભાવથી આપણે સૌનાં દુ:ખ દૂર કરવાના કામે આવી રહ્યા છીએ. આપણે કોઇને દુ:ખ દીધું નહીં પણ બીજાના દુ:ખ ઓછા કરવામાં આપણે ખુદને ખપાવી રહ્યા છીએ. આ જ ભારતના આદર્શ છે, આ જ ભારતના શાશ્વત દર્શન છે, આ જ આત્મનિર્ભર ભારતનું તત્વજ્ઞાન પણ છે. આજે દુનિયાના દેશ ભારતનો આભાર માની રહ્યા છે, ભારતમાં ભરોસો મૂકી રહ્યા છે. આ જ નવા ભારતના સૂર્યોદયની પહેલી છટા છે, આ જ આપણા ભવ્ય ભવિષ્યની પહેલી આભા છે.

સાથીઓ,

ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે- ‘ સમ-દુ;ખ-સુખમ ધીરમ સ: અમૃતત્વાય કલ્પતે’. અર્થાત, જે સુખ-દુ:ખ, આરામ પડકારોની વચ્ચે પણ ધીરજની સાથે અટલ અડગ અને સમ રહે છે, એ જ અમૃતને પ્રાપ્ત કરે છે, અમરત્વ મેળવે છે. અમૃત મહોત્સવથી ભારતના ઉજ્જવળ ભવિષ્યનું અમૃત મેળવવા માટે આપણા માર્ગમાં આ જ મંત્ર આપણી પ્રેરણા છે. આવો, આપણે સૌ દ્રઢ સંકલ્પ થઈને આ રાષ્ટ્ર યજ્ઞમાં પોતાની ભૂમિકા નિભાવીએ.

સાથીઓ,

આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન, દેશવાસીઓનાં સૂચનોથી, એમના મૌલિક વિચારોથી અગણિત, અસંખ્ય વિચારો નીકળશે. કેટલીક વાતો આજે પણ હું આવી રહ્યો હતો ત્યારે મારા મનમાં ચાલી રહી હતી. જન ભાગીદારી, જન સામાન્યને જોડવા, દેશનો કોઈ પણ નાગરિક એવો ન હોય જે આ અમૃત મહોત્સવનો હિસ્સો ન હોય. હવે જેમ કે માની લો કે આપણે એક નાનું ઉદાહરણ આપીએ- જ્યારે તમામ સ્કૂલ-કૉલેજો આઝાદી સાથે જોડાયેલ 75 ઘટનાઓનું સંકલન કરે, દરેક શાળા નક્કી કરે કે આપણી શાળા આઝાદીની 75 ઘટનાઓનું સંકલન કરશે, 75 ગ્રૂપ્સ બનાવે, એ ઘટનાઓ પર 75 વિદ્યાર્થીઓ 75 ગ્રૂપ જેમાં આઠસો, હજાર, બે હજાર વિદ્યાર્થીઓ હોઇ શકે છે. એક શાળા આ કરી શકે છે. નાના આપણા શિશુ મંદિરનાં ભૂલકાં હોય છે, બાળ મંદિરનાં બાળકો હોય છે, આઝાદીના આંદોલન સાથે સંકળાયેલા 75 મહાપુરુષોની યાદી બનાવો, એમની વેશભૂષા કરો, એમના એક એક વાક્યો બોલો, એમની સ્પર્ધા હોય, શાળાઓમાં ભારતના નક્શા પર આઝાદીના આંદોલન સાથે જોડાયેલ 75 સ્થળો ચિહ્નિત કરવામાં આવે, બાળકોને કહેવામાં આવે કે બતાવો, ભાઇ, બારડોલી ક્યાં આવેલું છે? ચંપારણ ક્યાં આવ્યું છે? લૉ કૉલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એવી 75 ઘટનાઓ શોધે અને એમાં દરેક કૉલેજને આગ્રહ કરીશ, દરેક લૉ સ્કૂલને આગ્રહ કરીશ કે 75 એવી ઘટનાઓ શોધે જેમાં આઝાદીની લડાઈ જ્યારે ચાલી રહી હતી ત્યારે કાનૂની જંગ કેવી રીતે ચાલ્યો? કાનૂની લડાઇ કેવી રીતે ચાલી? કાનૂની લડાઇ લડનારા કોણ લોકો હતા. આઝાદીના વીરોને બચાવવા માટે કેવા કેવા પ્રયાસ થયા? અંગ્રેજ સલ્તનતના ન્યાયતંત્રનું વલણ શું હતું? આ બધી વાતો આપણે લખી શકીએ છીએ. જેમને નાટકમાં રસ હોય એ નાટક લખે. ફાઈન આર્ટ્સના વિદ્યાર્થી એ ઘટનાઓ પર પેઇંટિંગ બનાવે, જેમનું મન થાય એ ગીત લખે, કવિતાઓ લખે. આ બધું શરૂમાં હસ્તલિખિત હોય. બાદમાં એને ડિજિટલ સ્વરૂપ પણ આપવામાં આવે અને હું ઇચ્છીશ કે કઈક એવું જે દરેક શાળા-કૉલેજનો પ્રયાસ, એ શાળા-કૉલેજની ધરોહર બની જાય. અને કોશીશ એવી હોય કે આ કામ આ જ 15 ઑગસ્ટ પહેલાં પૂરું કરવામાં આવે. આપ જોશો કે સમગ્ર વૈચારિક સ્થાપના તૈયાર થઈ જશે. પછી એને જિલ્લા વ્યાપી, રાજ્ય વ્યાપી, દેશવ્યાપી સ્પર્ધાઓ પણ આયોજિત થઈ શકે છે.  

આપણા યુવા, આપણા વિદ્વાનો આ જવાબદારી ઉઠાવે કે તેઓ આપણા સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસ લેખનમાં દેશના પ્રયાસોને પૂર્ણ કરશે. આઝાદીના આંદોલનમાં અને ત્યાર બાદ આપણા સમાજની જે ઉપલબ્ધિઓ રહી છે એ દુનિયાસ્ની સામે વધારે પ્રખરતાથી લાવશો. હું કલા-સાહિત્ય, નાટ્ય જગત, ફિલ્મ જગત અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળાયેલા લોકોએ પણ આગ્રહ કરીશ કે કેટલીય અજોડ વાર્તાઓ આપણા અતીતમાં વિખરાયેલી પડી છે, એને શોધો, એને જીવંત કરો, આવનારી પેઢી માટે તૈયાર કરો. અતીતમાંથી શીખીને ભવિષ્યના નિર્માણની જવાબદારી આપણા યુવાઓએ જ ઉઠાવવાની છે. વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, મેડિકલ હોય, રાજનીતિ હોય, કલા કે સંસ્કૃતિ, આપ જે કોઇ ક્ષેત્રમાં હોવ, પોતાના ક્ષેત્રની કાલ, આવનારી કાલ વધારે સારી કેવી રીતે થાય એના પ્રયાસ કરજો.

મને વિશ્વાસ છે, 130 કરોડ દેશવાસી આઝાદીના આ અમૃત મહોત્સવ સાથે જ્યારે જોડાશે, લાખો સ્વાધીનતા સેનાનીઓમાંથી પ્રેરણા લેશે, ત્યારે ભારત મોટામાં મોટા ;અક્ષ્યોને પૂરા કરીને રહેશે. જો આપણે દેશ માટે, સમાજ માટે, દરેક હિંદુસ્તાની જો એક ડગલું ચાલશે તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધે છે. ભારત ફરી એક વાર આત્મનિર્ભર બનશે, વિશ્વને નવી દિશા આપશે. આ જ શુભકામનાઓ સાથે, આજે જે દાંડી યાત્રા માટે ચાલી નીકળ્યા છે, એક રીતે કોઇ મોટી વ્યવસ્થા વિના, નાના સ્વરૂપે આજે એનો આરંભ થઈ રહ્યો છે. પણ આગળ ચાલતા ચાલતા જેમ દિવસો વીતશે, આપણે 15 ઑગસ્ટની નજીક પહોંચીશું, એ એક રીતે સમગ્ર હિંદુસ્તાનને આવરી લેશે. એક એવો મોટો મહોત્સવ બની જશે, એવો મને વિશ્વાસ છે. દરેક નાગરિકનો સંકલ્પ હશે, દરેક સંસ્થાનો સંકલ્પ હશે, દરેક સંગઠનનો સંકલ્પ હશે-  દેશને આગળ લઈ જવાનો. આઝાદીના દીવાનાઓને શ્રદ્ધાંજલિ આપવાનો એ જ માર્ગ હશે.

હું આ જ કામનાઓ સાથે, આ જ શુભકામનાઓ સાથે ફરીથી એક વાર આપ સૌને ખૂબ ખૂબ ધય્નવાદ આપું છું. મારી સાથે બોલશો

ભારત માતા કી……. જય! ભારત માતા કી….. જય!  ભારત માતા કી…….. જય!

વંદે …….. માતરમ! વંદે….. માતરમ! વંદે………… માતરમ!

જય હિંદ…. જય હિંદ…..! જય હિંદ…. જય હિંદ! જય હિંદ…………જય હિંદ!