Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઈઆઈટી મદ્રાસના દીક્ષાંત સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિતજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એડાપ્પદી કે. પલાનીસ્વામીજી, મારા સાથીઓ શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકજી’, નાયબ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમજી, આઈઆઈટી મદ્રાસના અધ્યક્ષ, બોર્ડ ઑફ ગવર્નર્સના સભ્યો, ડાયરેક્ટર, આ મહાન સંસ્થાના અદ્યાપકો, નામાંકિત મહેમાનો અને મારા યુવાન મિત્રો કે જેઓ સુવર્ણ ભવિષ્યના પ્રવેશદ્વાર પર ઉભેલા છે. આજે અહિં ઉપસ્થિત થવું એ મારા માટે અત્યંત હર્ષની વાત છે.

મિત્રો,

મારી સામે અત્યારે લઘુ ભારત અને ન્યુ ઇન્ડિયાનો જુસ્સો આ બંને છે. અહિં ઊર્જા છે, ગતિશીલતા છે અને સકારાત્મકતા છે. હમણાં જ્યારે હું તમને પદવી એનાયત કરી રહ્યો હતો ત્યારે હું તમારી આંખોમાં ભવિષ્યના સપનાઓને જોઈ શકતો હતો. હું ભારતના ભાગ્યને તમારી આંખોમાં જોઈ શકતો હતો.

મિત્રો,

સ્નાતક થઇ રહેલા વિદ્યાર્થીઓના માતાપિતાઓને હું અભિનંદન આપવા માગું છું. તેમના ગર્વ અને આનંદની કલ્પના કરો. તેમણે તમારા જીવનમાં તમને આ પડાવ સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કર્યો છે, બલિદાન આપ્યું છે. તેમણે તમને તમારી પાંખો આપી છે જેથી કરીને તમે ઉડાન ભરી શકો. આ જ ગર્વ તમારા શિક્ષકોની આંખોમાં પણ ઝળકી રહ્યો છે. તેમણે તેમના વણથાક્યા પ્રયાસોના માધ્યમથી તેમણે માત્ર સારા એન્જિનિયરો જ નહીં પરંતુ સારા નાગરિકોનું પણ સર્જન કર્યું છે.

હું સહાયક કર્મચારીઓની ભૂમિકાને પણ નોંધવા માગું છું. પડદા પાછળ રહેનારા શાંત લોકો કે જેમણે તમારું ભોજન તૈયાર કર્યું, વર્ગોને સ્વચ્છ રાખ્યા, હોસ્ટેલને સ્વચ્છ રાખી. તમારી સફળતામાં તેમની ભજવેલી ભૂમિકા પણ મહત્વની છે. આગળ જતા પહેલા, હું મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે તમે ઉભા થઇને તમારા શિક્ષકો, વાલીઓ અને સહાયક કર્મચારીઓ માટે ઉભા થઇને સન્માન આપો અને તાળીઓ સાથે તેમનું અભિવાદન કરો.

મિત્રો,

આ એક વિશિષ્ટ સંસ્થાન છે. મને અહિં જણાવવામાં આવ્યું હતું કે અહિં પર્વતો હલે છે અને નદીઓ સ્થિર છે. આપણે તમિલનાડુ રાજ્યમાં છીએ જેની એક ખાસ વિશેષતા છે. તે વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક એવી તમિલ ભાષાની ભૂમિ છે અને તે ભારતની તાજેતરની ભાષાઓમાંની એક આઈઆઈટી મદ્રાસની ભાષાની પણ ભૂમિ છે. તમે લોકો ઘણું બધું યાદ કરવાના છો. તમે લોકો ચોક્કસપણે સારંગ અને શાસ્ત્રને યાદ કરશો. તમે તમારા વિંગ સાથીઓને પણ યાદ કરશો અને એવું પણ છે કે જેને તમે યાદ નહી કરો. ખાસ કરીને હવે તમે તમારા ટોચની ગુણવત્તાવાળા પગરખા કોઇપણ ભય વિના ખરીદી શકશો.

મિત્રો,

તમે લોકો ખરેખર ખૂબ જ નસીબદાર છો. તમે એક શ્રેષ્ઠતમ કોલેજમાંથી પસાર થઇને એવા સમયે બહાર નીકળી રહ્યા છો કે જ્યારે વિશ્વ ભારતની તરફ એક અદ્વિતીય તકોની ભૂમિ તરીકે જોઈ રહ્યું છે. હું હમણાં તાજેતરમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની એક અઠવાડિયાની યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યો છું. આ મુલાકાત દરમિયાન, હું અનેક રાજ્યના વડાઓ, ઉદ્યોગપતિઓ, નવીનીકરણ કરનારાઓ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારોને મળ્યો. અમારી ચર્ચામાં એક તંતુ સામાન્ય હતો. તે હતો – ન્યુ ઇન્ડિયા માટેનો આશાવાદ અને ભારતના યુવાન લોકોની ક્ષમતામાં રહેલો આત્મવિશ્વાસ.

મિત્રો,

ભારતીય સમુદાયે સમગ્ર વિશ્વમાં પોતાની એક છાપ છોડી છે. ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણના ક્ષેત્રમાં. કોણ તેમને ઊર્જા આપી રહ્યું છે? તેમાંના ઘણા તમારી આઈઆઈટીના સિનિયર્સ છે. આમ, તમે લોકો બ્રાંડ ઇન્ડિયાને વિશ્વ સ્તરે વધુ મજબૂત બનાવી રહ્યા છો. અત્યારના દિવસોમાં, હું યુપીએસસી પાસ કરનારા યુવા અધિકારીઓ સાથે વાત કરું છું. આઈઆઈટી સ્નાતકોનો આંકડો તમને અને મને બંનેને અચરજ પમાડે તેવો છે. આમ, તમે લોકો પણ ભારતને એક વધુ વિકસિત સ્થળ બનાવી રહ્યા છો. અને કૉર્પોરેટ ક્ષેત્રમાં જાવ તો ત્યાં પણ તમને ઘણા ઘણા એવા લોકો મળશે જેઓ આઇઆઇટીમાં ભણેલા હશે. આમ તમે લોકો ભારતને વધુ સમૃદ્ધ પણ બનાવી રહ્યા છો.

મિત્રો,

21મી સદીને હું ત્રણ મહત્વના આધારસ્તંભ ઉપર ઉભેલી જોઈ રહ્યો છું – નવીનીકરણ, જૂથબંધી અને ટેકનોલોજી. આ ત્રણેય એકબીજાના પૂરક છે.

મિત્રો,

હું હમણાં સિંગાપોર ઇન્ડિયા હેકેથોનમાંથી આવ્યો છું. ત્યાં ભારત અને સિંગાપોરના નવીનીકરણ કરનારાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓ સામાન્ય પડકારોના ઉકેલો શોધી રહ્યા છે.

તેમાંના દરેકે તેમની ઊર્જાને એક જ દિશામાં વાળી છે. આ નવીન આવિષ્કારો કરનારાઓ જુદી-જુદી પાર્શ્વભૂમિકામાંથી આવ્યા છે. તેમના અનુભવો પણ જુદા-જુદા હતા. પરંતુ તે દરેકે એવા ઉકેલો શોધવાના હતા કે જે માત્ર ભારત અને સિંગાપોરના લોકોને જ નહી પરંતુ સમગ્ર વિશ્વને સહાયક બની શકે. નવીનીકરણ, જૂથબંધી અને ટેકનોલોજીની આ શક્તિ છે. તે માત્ર પસંદ કરાયેલ કેટલાકને જ લાભ નથી કરતા પરંતુ દરેકને લાભદાયી નીવડે છે.

આજે, ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની આકાંક્ષા ધરાવી રહ્યું છે. તમારા આવિષ્કારો, મહત્વાકાંક્ષાઓ અને ટેકનોલોજીનું અમલીકરણ આ સપનાને બળતણ પૂરું પાડશે. તે સૌથી વધુ સ્પર્ધાત્મક અર્થતંત્ર માટેની ભારતની વિશાળ છલાંગમાં પાયાની ઈંટ બનશે.

મિત્રો,

21મી સદીની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને પહોંચી વળવા માટે કેવી રીતે એક સદીઓ જુની સંસ્થા પોતાની જાતને પરિવર્તિત કરી શકે છે તે માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ આઇઆઇટી મદ્રાસ છે. હમણાં થોડા સમય અગાઉ મેં કેમ્પસમાં બનાવવામાં આવેલ એક રિસર્ચ પાર્કની મુલાકાત લીધી. દેશમાં આ પ્રકારનો આ સૌપ્રથમ પ્રયાસ છે. મેં આજે અત્યંત ગતિશીલ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ જોઈ. મને જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી અહિયાં આશરે200 જેટલા સ્ટાર્ટ અપ્સનું અહિયાં સિંચન થઇ ચૂક્યું છે. તેમાંના કેટલાકને જોવાનું મને સદભાગ્ય સાંપડ્યું હતું. મેં ઇલેક્ટ્રિક મોબીલીટી, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, આરોગ્ય કાળજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અન્ય ઘણા પ્રયાસો જોયા. આ બધા જ સ્ટાર્ટ અપ્સ વડે એક અનોખી ભારતીય બ્રાંડનું નિર્માણ થવું જોઈએ કે જે ભવિષ્યમાં વિશ્વના બજારોમાં તેમનું સ્થાન પ્રાપ્ત કરી શકે.

મિત્રો,

ભારતનું નવીનીકરણ એ અર્થતંત્ર અને ઉપયોગીતાનું શ્રેષ્ઠ મિશ્રણ છે. આઈઆઈટી મદ્રાસ એ આ જ પરંપરામાં જન્મ્યું છે. અહી વિદ્યાર્થીઓ અને સંશોધકો સૌથી વધુ અઘરી સમસ્યાઓને જ હાથમાં લે છે અને એક એવા ઉકેલ શોધી કાઢે છે કે જે સૌની પહોંચમાં હોય અને તમામના કાર્યક્ષેત્રમાં આવતા હોય. મને જણાવવામાં આવ્યું હતું કે અહીના વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ્સની તાલીમ મેળવે છે, તેમના ઓરડામાંથી કોડ લખે છે અને તે પણ ભોજન અને ઊંઘ લીધા વગર. ભૂખ્યા રહેવા અને ઊંઘ ના લેવા સિવાયની બાબતોમાં હું આશા રાખું છું કે આ રીતે નવીન આવિષ્કારો કરવાનો જુસ્સો અને શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવાની લગન આવનારા ભવિષ્યમાં પણ યથાવત ચાલુ રહે.

મિત્રો,

અમે આપણા દેશમાં નવીનીકરણ માટે એક મજબૂત ઇકો સિસ્ટમનું નિર્માણ કરવા, સંશોધન અને વિકાસને સંચાલિત કરવા માટે કામ કર્યું છે. મશીન લર્નિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા, રોબોટીક્સ, સ્ટેટ ઑફ ધ આર્ટ ટેકનોલોજી આ બધું જ હવે વિદ્યાર્થીઓને શાળામાં ખૂબ જલ્દી શીખવવામાં આવી રહ્યું છે. અમે સમગ્ર દેશમાં અટલ ટીંકરીંગ લેબનું નિર્માણ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ.

એકવાર વિદ્યાર્થી તમારી સંસ્થા જેવી સંસ્થામાં આવી જાય અને પછી તે નવીનીકરણ પર કામ કરવા માંગતો હોય તો ઘણી સંસ્થાઓમાં એવા અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે તેમને સહાય કરશે. ત્યારબાદ આગામી પડકાર સ્ટાર્ટ અપને વિકસિત કરવા માટે એક બજાર શોધવાનો છે. આ પડકારને પહોંચી વળવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા કાર્યક્રમ તમને સહાયતા કરશે. આ કાર્યક્રમ નવીન આવિષ્કારોને તેમના બજાર શોધવામાં સહાયતા કરશે. આ ઉપરાંત, દેશમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમે પ્રધાનમંત્રી રીસર્ચ ફેલો સ્કીમની શરૂઆત કરી છે.

મિત્રો,

આ વણથાક્યા પ્રયત્નોનું જ પરિણામ છે કે ભારત આજે સૌથી ટોચના ત્રણ સ્ટાર્ટ અપ માટે અનુકુળ ઇકોસીસ્ટમમાનું એક છે. તમે જાણો છો સ્ટાર્ટ અપની અંદર ભારતની ગતિનો શ્રેષ્ઠ ભાગ કયો છે? તે એ છે કે આ પહેલ ટાયર 2, ટાયર 3 શહેરો અને ગ્રામીણ ભારતમાંથી કરવામાં આવી છે. સ્ટાર્ટ અપની દુનિયામાં તમે જે ભાષા બોલો છો તેના કરતા તમે જે કોડની ભાષાનો ઉપયોગ કરો છો તે મહત્વની છે. તમારી અટકની શક્તિથી કોઈ ફર્ક નથી પડતો. તમારી પાસે તમારું પોતાના નામનું નિર્માણ કરવાની તક છે. તમારું મેરીટ શું છે તેનાથી ફર્ક પડે છે.

મિત્રો,

તમને યાદ છે કે તમે સૌપ્રથમ વાર આઈઆઈટી માટે તૈયારી કરવાની શરૂઆત જ્યારે કરી હતી? યાદ કરો બધી વસ્તુઓ કેટલી અઘરી લાગતી હતી. પરંતુ તમારી સખત મહેનતે અશકયને શક્ય કરી બતાવ્યું. તમારી માટે ઘણી તકો રાહ જોઈને ઉભી છે, તેમાંની બધી જ સહેલી નથી. પરંતુ આજના દિવસે જે અશક્ય લાગી રહ્યું છે તે માત્રતેના સુધી પહોંચવા માટે તમારા દ્વારા ભરવામાં આવનાર એક પગલાની રાહ જોઈ રહ્યું છે. કોઈ જગ્યાએ અટકી ના જશો. વસ્તુઓને જુદા જુદા હિસ્સાઓમાં વિભાજીત કરો. જેમ જેમ તમે એક સ્ટેપથી બીજા સ્ટેપમાં આગળ જશો તેમ તેમ તમને અનુભવ થશે કે તમારી સામે સમસ્યા ધીમે ધીમે ઉકેલાતીદેખાશે. માનવીય પ્રયાસોની સુંદરતા શક્યતાઓમાં રહેલી છે. તેથી, ક્યારેય પણ સપના જોવાનું અને પોતાની જાતને પડકાર ફેંકવાનું બંધ ના કરશો. આ રીતે તમે વૃદ્ધિ પામતા જશો અને તમારી જાતનું એક શ્રેષ્ઠતમ વ્યક્તિત્વ બનતા જશો.

મિત્રો,

હું જાણું છું કે જ્યારે તમે આ સંસ્થાનમાંથી બહાર પગલું ભરશો ત્યારે અનેક મહાન આકર્ષક તકો તમારી રાહ જોઇને ઉભી છે. તેમનો સદુપયોગ કરો. આમ છતાં, મારે તમને સૌને એક વિનંતી પણ કરવી છે. તમે ગમે ત્યાં કામ કરો, તમે ગમે ત્યાં રહો પરંતુ હંમેશા તમે તમારી માતૃ ભૂમી ભારતની જરૂરિયાતોને હંમેશા તમારા મગજમાં રાખજો. એ બાબતે વિચારજો કે કઈ રીતે તમારું કામ, નવીનીકરણ અને તમારું સંશોધન એક ભારતીય સાથીને મદદરૂપ નીવડી શકે. આ તમારી માત્ર એક સામાજિક જવાબદારી જ નથી પરંતુ તે અત્યંત વ્યવસાયિક અર્થ પણ ધરાવે છે.

શું તમે આપણા ઘરો, કચેરીઓ, ઉદ્યોગોમાં વપરાતા પાણીને રિસાયકલ કરવા માટેના સૌથી વધુ સસ્તા અને રચનાત્મક પગલા શોધી શકો છો કે જેથી કરીને આપણા તાજા પાણીનું સિંચન અને ઉપયોગ ઘટી શકે? એક સમાજ તરીકે, આજે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ઉપર ઉઠવા માંગીએ છીએ. પર્યાવરણને અનુકુળ એવો કયો વિકલ્પ હોઈ શકે કે જે આના સ્થાને એના જેવો જ ઉપયોગ આપી શકે પરંતુ તેના જેવા ગેરફાયદા ના હોય? આ જ્યારે અમે તમારા જેવા યુવાન નવીન આવિષ્કાર કરનારાઓની સામે જોઈએ છીએ ત્યારે શક્ય લાગે છે.

ઘણા એવા રોગો કે જે નજીકના ભવિષ્યમાં આપણી વસતિના એક વિશાળ જથ્થાને અસર કરવાના છે તે કોઈ સામાન્ય પરંપરાગત ચેપી રોગો નહી હોય. તે જીવનશૈલીને લગતા રોગો હશે જેવા કે હાયપર ટેન્શન, ટાયર 2 ડાયાબિટીસ, સ્થૂળતા, તણાવ. ડેટા સાયન્સની પરિપક્વતાના ક્ષેત્ર અનેઆ રોગોની આસપાસ ચારેય બાજુ ડેટાની ઉપસ્થિતિના લીધે ટેકનોલોજીસ્ટ તેમની અંદર એક પેટર્ન શોધવા માટેનો રસ્તો શોધી શકે છે.

જ્યારે ટેકનોલોજી ડેટા સાયન્સ, ડાયગ્નોસ્ટીક, વર્તણુંક વિજ્ઞાન અને મેડીસીનની સાથે આવે છે ત્યારે રસપ્રદ પરિણામો મળે છે. શું એવી બાબતો છે કે જે તેમના પ્રસારને પલટવા માટે કરી શકાય? શું એવી પેટર્ન છે કે જેનાથી આપણે સાવધાન રહેવાની જરૂર છે? શું ટેકનોલોજી આના જવાબો આપી શકે છે? શું આઈઆઈટીના વિદ્યાર્થીઓ આને હાથમાં લેશે?

હું તંદુરસ્તી અને આરોગ્ય કાળજી વિષે બોલું છું કારણ કે તમારા જેવા ઉચ્ચ સિદ્ધિ મેળવનારાઓ તમારા પોતાના આરોગ્યને અવગણવાના જોખમમાંથી પસાર થઇ રહ્યા હોવ તેવું શક્ય છે કારણ કે તમે તમારા કામમાં એટલા ડૂબેલા છો. મારી તમને વિનંતી છે કે તમે તમારી વ્યક્તિગત આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અને આરોગ્ય કાળજીમાં નવીનીકરણ લાવીને આ બંને દ્વારા ફીટઇન્ડિયા મૂવમેન્ટમાં સક્રિય ભાગીદાર બનો.

મિત્રો,

અમે જોયું છે કે બે પ્રકારના લોકો હોય છે, એક એવા કે જેઓ જીવે છે અને બીજા એવા કે જેઓનું માત્ર અસ્તિત્વ જ હોય છે. એ તમારે નક્કી કરવાનું છે કે શું તમે માત્ર અસ્તિત્વ ટકાવવા માંગો છો કે પછી સંપૂર્ણ રૂપમાં જીવવા માંગો છો? એક એવી દવાની શીશીની કલ્પના કરો કે જેની એક્સપાયરી ડેટ જતી રહી છે. કદાચ એક્સપાયરી ડેટ ગયાને એક વર્ષ વીતી ગયું છે. આ શીશીનું અસ્તિત્વ છે. કદાચ તેનું પેકેજીંગ પણ આકર્ષક લાગે છે. તેની અંદર દવા પણ અસ્તિત્વ ધરાવે છે પરંતુતેનો ઉપયોગ શું છે, શું આપણું જીવન આવું બની શકે ખરું? જીવન એ જીવંત અને હેતુસભર હોવું જોઈએ. અને જીવનને સંપૂર્ણ રીતે જીવવાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે અન્યો માટે જાણો, શીખો, સમજો અને જીવો.

વિવેકાનંદે સાચું જ કહ્યું છે, “માત્ર એ લોકો જ જીવે છે જેઓ બીજા માટે જીવે છે.”

મિત્રો,

તમારો દીક્ષાંત સમારોહ તમારા વર્તમાન કોર્સનો અંત દર્શાવે છે. પરંતુ તે તમારા શિક્ષણનો અંત નથી. શિક્ષણ અને શીખવું એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે શીખતા રહીએ છીએ. ફરી એકવાર આપ સૌને હું માનવતાની ભલાઈ માટે સમર્પિત એક તેજસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. આભાર. ખૂબ ખૂબ આભાર.

 ***

RP