પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) બિલ, 2017ને મંજૂરી આપી છે, જે અંતર્ગત આઇઆઇએમને રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવશે, જે તેમના વિદ્યાર્થીઓની ડિગ્રીને મંજૂર કરવા સક્ષમ બનાવશે.
બિલની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ
i. આઇઆઇએમ તેમના વિદ્યાર્થીઓને ડિગ્રી આપી શકે છે
ii. બિલ સંસ્થાઓને સંપૂર્ણ સ્વાયતતા પૂરી પાડે છે, જેની સાથે પર્યાપ્ત જવાબદારી સંકળાયેલી છે.
iii. આ સંસ્થાઓનું મેનેજમેન્ટ બોર્ડ સંચાલિત હશે, જેમાં સંસ્થાના ચેરપર્સન અને ડિરેક્ટર સામેલ હશે, જેમની પસંદગી બોર્ડ કરશે.
iv. બોર્ડમાં નિષ્ણાતો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સારી એવી સહભાગિતા બિલની અન્ય મહત્ત્વપૂર્ણ ખાસિયતોમાં સામેલ છે.
v. બોર્ડમાં અનુસૂચિત જાતિઓ/જનજાતિઓમાંથી મહિલાઓ અને સભ્યો સમાવવાની જોગવાઈ પણ કરવામાં આવશે.
vi. બિલમાં સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા સંસ્થાની કામગીરીની નિયમિત સમીક્ષા માટે પણ પ્રાવધાન કરવામાં આવશે અને સમીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવશે.
vii. સંસ્થાનો વાર્ષિક અહેવાલ સંસદમાં મૂકવામાં આવશે અને કેગ તેમના ખાતાઓનું ઓડિટ કરશે.
viii. આઇઆઇએમની સંકલન ફોરમની સલાહકાર સંસ્થા તરીકે પણ જોગવાઈ કરવામાં આવી છે.
પૃષ્ઠભૂમિ:
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) દેશની ટોચની સંસ્થાઓ છે, જે મેનેજમેન્ટના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પ્રક્રિયાઓ અને તાલીમ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. આઇઆઇએમ વૈશ્વિક કક્ષાની મેનેજમેન્ટ સંસ્થાઓ અને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે માન્યતા ધરાવે છે તથા દેશમાં પ્રતિષ્ઠા લાવશે. તમામ આઇઆઇએમ અલગ સ્વાયત્ત સંસ્થાઓ છે, જે સોસાયટી ધારા હેઠળ નોંધાયેલી છે.
સોસાયટીઓ તરીકે આઇઆઇએમને ડિગ્રીઓ એનાયત કરવાનો અધિકાર નથી અને એટલે આ સંસ્થાઓ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ફેલો પ્રોગ્રામ ચલાવે છે. જ્યારે આ ડિગ્રીઓ અનુક્રમે એમબીએ અને પીએચડીને સમકક્ષ છે, પરંતુ, ખાસ કરીને ફેલો પ્રોગ્રામ માટે, આ સમકક્ષતા સાર્વત્રિક રીતે સ્વીકાર્ય નથી.
AP/J.Khunt/GP