Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર,

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ચાન્સેલર, હીઝ હોલીનેસ, ડો. સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબ, શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકજી, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમાન સંજય ધોત્રેજી, વાઈસ ચાન્સેલર ભાઈ તારિક મનસુરજી, તમામ અધ્યાપકો, સ્ટાફ, આ કાર્યક્રમ સાથે જોડાયેલા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના છાત્ર- છાત્રાઓ, એએમયુના લાખો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અન્ય મહાનુભવો અને સાથીઓ.

સૌ પહેલાં હું આપ સૌનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું કે તમે મને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના આ ઐતિહાસિક પ્રસંગે મને તમારી ખુશીઓ સાથે જોડાવાની તક પૂરી પાડી છે. હું તસવીરોમાં જોઈ રહ્યો હતો કે સેન્ચુરી ગેટ, સોશ્યલ સાયન્સ વિભાગ, માસ્ક કોમ્યુનિકેશન, તમામ વિભાગોના ભવનોને ખૂબ સરસ રીતે સજાવવામાં આવ્યા છે. આ માત્ર ભવનો જ નથી, તેની સાથે શિક્ષણનો જે ઈતિહાસ જોડાયેલો છે તે ભારતનો અમૂલ્ય વારસો છે.

આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી તાલીમ લઈને નીકળેલા લોકો વિદ્યાર્થીઓ ભારતના સર્વશ્રેષ્ઠ સ્થાનો પર અને સંસ્થાઓમાં જ નહીં, પરંતુ દુનિયાના સેંકડો દેશોમાં છવાઈ ગયેલા છે. મને વિદેશ યાત્રા દરમિયાન ઘણી વખત અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળતા હોય  છે અને તે ઘણાં ગર્વ સાથે જણાવતા હોય છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણ્યો છું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંકુલમાં પોતાની સાથે હસી- મજાક અને શેર- શાયરીનો એક અલગ જ અંદાજ લઈને આવે છે. દુનિયામાં તે ક્યાંય પણ હોય, ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા હોય છે.

તે પોતાની જાતને પ્રાઉડ અલીગ્ઝ તરીકે ઓળખાવે છે ! તમારા સાથીદારો અને તમારા માટે આ ગર્વની બાબત પણ છે. તમારા 100 વર્ષના ઈતિહાસમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ લાખો લોકોનું જીવન કંડાર્યું છે, સજાવ્યું છે, એક આધુનિક અને વૈજ્ઞાનિક વિચાર પધ્ધતિ આપી છે. સમાજ માટે, દેશ માટે, કંઈક કરી છૂટવાની પ્રેરણા જગાવી છે. હું બધાનું નામ લઈશ તો કદાચ સમય ખૂબ ઓછો પડશે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની આ ઓળખ, આ સન્માનનો આધાર, તેના એ મૂલ્યો રહ્યા છે કે જેની ઉપર સર સૈયદ અહેમદ ખાને આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ વાત દરેક છાત્ર, છાત્રા અને આ 100 વર્ષમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના માધ્યમથી દેશની સેવા કરનારા તમામ શિક્ષકો અને પ્રોફેસરોને પણ હું અભિનંદન પાઠવું છું. હાલમાં કોરોનાના આ સંકટ દરમિયાન પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ જે રીતે સમાજની મદદ કરી છે તે અભૂતપૂર્વ બાબત છે. હજારો લોકોને મફત ટેસ્ટ કરાવવા, આઈસોલેશન વૉર્ડ બનાવવા, પ્લાઝમા બેંક ઉભી કરવી અને પીએમ કેર ફંડમાં એક મોટી રકમનું યોગદાન આપવું, સમાજ પ્રત્યે તમારૂં દાયિત્વ પૂર્ણ કરવાની બાબત ગંભીરતા દર્શાવે છે. હજુ થોડાંક જ દિવસ પહેલાં મને ચાન્સેલર ડો. સૈયદના સાહેબનો પત્ર પણ મળ્યો હતો. તેમણે રસીકરણ ઝૂંબેશ માટે દરેક સ્તરે સહયોગ આપવાની વાત કરી હતી. દેશને સર્વોપરી ગણાવીને આ પ્રકારના સંગઠીત પ્રયાસોથી આજે ભારત કોરોના જેવી વૈશ્વિક મહામારીનો સફળતાપૂર્વક મુકાબલો કરી રહ્યું છે.

સાથીઓ,

મને ઘણાં બધા લોકો કહેતા હોય છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું સંકુલ ખુદ એક શહેર જેવું છે. અનેક વિભાગો, ડઝનબંધ હોસ્ટેલો, હજારો શિક્ષકો, પ્રોફેસરો અને લાખો વિદ્યાર્થીઓની વચ્ચે તે એક મિની ઈન્ડીયા તરીકે નજરે પડે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ એક તરફ ઉર્દુ ભણાવવામાં આવે છે, તો બીજી તરફ હિંદી અને અરબી પણ ભણાવવામાં આવે છે. અહીંયા સંસ્કૃતના શિક્ષણ માટે પણ એક સદી જૂની સંસ્થા છે. અહીંની લાયબ્રેરીમા કુરાનની હસ્તપ્રત છે, તો ગીતા અને રામાયણના અનુવાદ પણ તેટલી જ સહજતા સાથે રાખવામાં આવ્યા છે. આ વિવિધતા માત્ર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠીત સંસ્થાની જ નહીં, દેશની પણ તાકાત છે. આપણે આ શક્તિને ભૂલવાની નથી કે તેને કમજોર પણ થવા દેવાની નથી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંકુલમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના દિવસે દિવસે મજબૂત થતી રહે તે માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.

સાથીઓ,

વિતેલા 100 વર્ષમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ દુનિયાના અનેક દેશોમાં ભારતના સંબંધોને મજબૂત બનાવવાનું કામ પણ કર્યું છે. અહીંયા ઉર્દુ, અરબી અને ફારસી ભાષામાં સંશોધન થાય છે. ઈસ્લામિક સાહિત્ય ઉપર જે સંશોધન થાય છે તે સમગ્ર ઈસ્લામિક દુનિયાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધોને એક નવી ઉર્જા આપે છે. મને કહેવામાં આવ્યું છે કે હાલમાં અહીં લગભગ 1000 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની એ જવાબદારી રહે છે કે આપણાં દેશમાં જે સારૂં છે, જે બહેતર છે, જે દેશની તાકાત છે તે જોઈને, તેને શીખીને પોતાની યાદો સાથે લઈને આ વિદ્યાર્થીઓ પોતાના પ્રદેશમાં જશે, કારણ કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જે પણ વાતો તે સાંભળશે, જોશે તેના આધારે જ તે રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખને જોડશે. એટલા માટે જ તમારી સંસ્થા પર એક રીતે કહીએ તો બમણી જવાબદારી રહે છે.

પોતાનું સન્માન વધારવાની અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવવાની સાથે-સાથે તમારે એક તરફ પોતાની યુનિવર્સિટીના સોફ્ટ પાવરને વધુ ખિલવવાનો છે અને બીજી તરફ રાષ્ટ્ર નિર્માણની પોતાની જવાબદારી નિરંતર પૂરી કરવાની છે. મને વિશ્વાસ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક છાત્ર- છાત્રા પોતાના કર્તવ્યોને ધ્યાનમાં રાખીને જ આગળ ધપશે. હું તમને સર સૈયદ દ્વારા કહેવામાં આવેલી એક વાતની યાદ અપાવવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે ‘પોતાના દેશની ચિંતા કરનારનું પ્રથમ અને સૌથી મોટું કર્તવ્ય એ રહે છે કે તે તમામ લોકોનાં કલ્યાણ માટે કાર્ય કરે. ભલેને લોકોની જાતિ, અભિપ્રાય અથવા ધર્મ કોઈપણ હોય.’

સાથીઓ,

પોતાની આ વાતને વિસ્તારથી કહેવા માટે સર સૈયદે એક ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે રીતે માનવ જીવન અને તેના સારા આરોગ્ય માટે શરીરના દરેક અંગને સ્વસ્થ રાખવું જરૂરી બને છે તે જ રીતે દેશની સમૃધ્ધિ માટે પણ તેનો દરેક સ્તરે વિકાસ થવો આવશ્યક છે.

સાથીઓ,

આજે દેશ એ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે કે જ્યાં દરેક નાગરિકને કોઈપણ જાતના ભેદભાવ વગર દેશમાં થઈ રહેલા વિકાસનો લાભ મળે છે. આજે દેશ એ માર્ગ ઉપર આગળ વધી રહ્યો છે કે જ્યાં દરેક નાગરિક બંધારણ મારફતે મળેલા પોતાના અધિકારો બાબતે નિશ્ચિત રહેતો હોય છે, પોતાના ભવિષ્ય બાબતે નિશ્ચિત રહે છે. દેશ આજે એ માર્ગ ઉપર આગળ ધપી રહ્યો છે કે જ્યાં ધર્મને કારણે કોઈ વ્યક્તિ પાછળ રહી જતી નથી, તમામને આગળ ધપવાની સમાન તક મળે, તમામ લોકો પોતાના સપનાં પૂરા કરી શકે એ ‘સબકા સાથ, સબકા વિશ્વાસનો મૂળ આધાર છે.’ દેશની નિયત અને નીતિઓમાં પણ આ જ સંકલ્પ ઝળકતો દેખાય છે. આજે દેશ ગરીબો માટે યોજનાઓ બનાવી રહ્યો છે અને તે કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વગર દરેક વર્ગ સુધી પહોંચી રહી છે.

કોઈપણ જાતના ભેદભાવ વગર 40 કરોડ કરતાં વધુ ગરીબો માટે બેંકના ખાતા ખૂલ્યા. કોઈપણ જાતના ભેદભાવ વગર 2 કરોડ કરતાં વધુ ગરીબોને પાકા મકાનો આપવામાં આવ્યા, કોઈપણ જાતના ભેદભાવ વગર 8 કરોડ કરતાં વધુ મહિલાઓને ગેસનાં જોડાણો મળ્યા, કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કોરોનાના આ સમયમાં 80 કરોડ દેશવાસીઓને મફત અનાજ મળી રહે તેની ખાત્રી રાખવામાં આવી. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આયુષમાન યોજના હેઠળ 50 કરોડ લોકોને રૂ.5 લાખ સુધીની મફત સારવાર શક્ય બની. જે દેશનું છે તે દરેક દેશવાસીનું છે અને તેનો લાભ દરેક દેશવાસીને મળવો જ જોઈએ. અમારી સરકાર આ ભાવના સાથે કામ કરી રહી છે.

સાથીઓ,

થોડાંક જ દિવસ પહેલાં મારી મુલાકાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથે થઈ હતી, તે ઈસ્લામિક સ્કોલર પણ છે. તેમણે એક ખૂબ જ રસપ્રદ વાત મને કહી તે હું તમને જણાવવા માંગુ છું. સ્વચ્છ ભારત મિશન હેઠળ જ્યારે દેશમાં 10 કરોડ કરતાં વધુ શૌચાલય બન્યા ત્યારે તેનો લાભ તમામ લોકોને મળ્યો. આ શૌચાલય કોઈપણ પ્રકારના ભેદભાવ વગર બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેનું એક પાસું એવું છે કે જેની એટલી ચર્ચા થઈ નથી અને એકેડેમિક દુનિયાનું પણ તેની તરફ એટલું ધ્યાન ગયું નથી. હું ઈચ્છા રાખું છું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થી આ બાબતને ધ્યાનમાં લે.

મારા સાથીઓ,

એક સમય એવો હતો કે જ્યારે દેશમાં મુસ્લિમ દિકરીઓનો ડ્રોપઆઉટ રેટ 70 ટકા કરતાં વધુ હતો. મુસ્લિમ સમાજની પ્રગતિમાં દિકરીઓએ આ રીતે અધવચ્ચે અભ્યાસ છોડી દેવો પડે તે ખૂબ જ અવરોધરૂપ બનતું હતું, પરંતુ 70 વર્ષથી આપણે ત્યાં સ્થિતિ એવી રહી હતી કે 70 ટકા કરતાં વધુ મુસ્લિમ દિકરીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી શકતી ન હતી. આવી સ્થિતિ વચ્ચે સ્વચ્છ ભારત મિશન શરૂ થયું, ગામડે ગામડે શૌચાલય બન્યા, સરકારે સ્કૂલમાં જતી કન્યા છાત્રાઓ માટે મિશન મોડમાં અલગ શૌચાલય બનાવડાવ્યા. આજે દેશ સામે શું સ્થિતિ છે ?  પહેલાં મુસ્લિમ દિકરીઓનો શાળાનો ડ્રોપઆઉટ દર 70 ટકા કરતાં વધુ હતો તે આજે ઘટીને લગભગ 30 ટકા થઈ ગયો છે.

પહેલાં, લાખો મુસ્લિમ દિકરીઓ શૌચાલય નહીં હોવાના કારણે અભ્યાસ છોડી દેતી હતી. હવે હાલત બદલાઈ ગઈ છે. મુસ્લિમ દિકરીઓનો ડ્રોપઆઉટ રેટ ઓછામાં ઓછો રહે તે માટે કેન્દ્ર સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે. તમારી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જ શાળા છોડીને ગયેલા છાત્ર- છાત્રાઓ માટે એક “બ્રીજ કોર્સ” ચલાવવામાં આવી રહ્યો છે. અને હમણાં મને વધુ એક વાત કહેવામાં આવી છે કે જે ખૂબ જ સાચી લાગી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કન્યા છાત્રાઓની સંખ્યા વધીને 35 ટકા થઈ ગઈ છે. હું આપ સૌને અભિનંદન આપવા માંગુ છું. મુસ્લિમ દિકરીઓના શિક્ષણ ઉપર, તેમના સશક્તિકણ ઉપર સરકાર ઘણું ધ્યાન આપી રહી છે. વિતેલા 6 વર્ષમાં સરકાર તરફથી લગભગ 1 કરોડ મુસ્લિમ દિકરીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.

સાથીઓ,

સ્ત્રી- પુરૂષ હોવાના આધારે ભેદભાવ ના થાય, સૌને એક સરખો અધિકાર પ્રાપ્ત થાય, દેશના વિકાસનો લાભ તમામને મળે તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપનાની અગ્રતા હતી. આજે પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું એ ગૌરવ છે કે તેના સ્થાપક ચાન્સેલર તરીકેની જવાબદારી બેગમ સુલતાને સંભાળી છે. 100 વર્ષ પહેલાંની પરિસ્થિતિમાં આવી વાત કરવી તે કેટલું મોટું કામ હતું તેની કલ્પના કરી શકાય તેમ છે. આધુનિક મુસ્લિમ સમાજના નિર્માણના જે પ્રયાસો એ સમયે શરૂ કરવામાં આવ્યા હતા, તીન તલાક જેવી કુપ્રથાનો અંત લાવીને દેશે આજે તે પરંપરા આગળ ધપાવી છે.

સાથીઓ,

પહેલાં એવુ કહેવમાં આવતું હતું કે જો એક મહિલા શિક્ષિત હોય તો સમગ્ર પરિવાર શિક્ષિત બને છે. આ વાત સાચી છે, પરંતુ પરિવારના શિક્ષણથી પણ આગળ ગંભીર અર્થ છે. મહિલાઓએ એટલા માટે  શિક્ષિત થવાનું હોય છે કે તે પોતાના અધિકારોનો સાચો ઉપયોગ કરી શકે, પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરી શકે. શિક્ષણ તેની સાથે લઈને આવે છે રોજગારી અને ઉદ્યોગસાહસિકતા. શિક્ષણ તેની સાથે રોજગારી અને ઉદ્યોગસાહસિકતા તેની સાથે આર્થિક આઝાદી લઈને આવે છે. આર્થિક સ્વાતંત્ર્યથી સશક્તિકરણ થાય છે. શક્તિમાન મહિલા દરેક સ્તરે પોતાના દરેક નિર્ણયમાં સરખે સરખુ યોગદાન આપે છે, જેટલું અન્ય કોઈનું હોઈ શકે છે. પછી વાત ભલે પરિવારને દિશા આપવાની હોય કે પછી દેશને દિશા આપવાની હોય. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહયો છું ત્યારે દેશની અન્ય શિક્ષણ સંસ્થાઓને પણ કહીશ કે વધુને વધુ દિકરીઓને શિક્ષણ સાથે જોડે અને તેમને માત્ર શિક્ષણ સાથે જ નહીં, પણ ઉચ્ચ શિક્ષણ સુધી લઈ આવે.

સાથીઓ,

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણમાં પોતાને સમકાલિન અભ્યાસક્રમ સાથે ખૂબ જ આકર્ષક બનાવી છે. તમારી યુનિવર્સિટીમાં આંતર વિદ્યાશાખાકીય વિષય અગાઉથી જ ભણાવવામાં આવતા હતા. જો કોઈ વિદ્યાર્થી વિજ્ઞાનમાં સારો હોય અને તેને ઈતિહાસ પણ સારો લાગતો હોય તો તેને શા માટે મજબૂર કરવામાં આવે કે તે કોઈ એક જ વિષય પસંદ કરી શકે. આ ભાવના નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે અને તેમાં 21મી સદીના ભારતના વિદ્યાર્થીઓની જરૂરિયાતો, તેમેની રૂચિ વગેરેનો સૌથી વધુ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આપણાં દેશનો યુવાન નેશન ફર્સ્ટના અનુરોધ સાથે દેશને આગળ ધપાવવા માટે કટિબધ્ધ છે. તે નવા નવા સ્ટાર્ટઅપ્સના માધ્યમથી દેશના પડકારોનો ઉકેલ શોધી રહ્યો છે. તાર્કિક વિચાર પધ્ધતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેની પ્રથમ અગ્રતા છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભારતના યુવાનોની આ મહેચ્છાઓને અગ્રતા આપવામાં આવી છે. અમારી એ કોશિશ રહી છે કે ભારતની શિક્ષણ વ્યવસ્થા દુનિયાની આધુનિક શિક્ષણ વ્યવસ્થાઓમાંની એક બને. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસની વ્યવસ્થા કરવામાં આવી છે તેના કારણે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ બાબતે નિર્ણય લેવામાં ઘણી આસાની થશે. દરેક એક્ઝીટ ઓપ્શન પછી તેમને યોગ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે, જે વિદ્યાર્થીએ પૂરા કોર્સની ફી માટે ચિંતા કર્યા વગર પોતાનો નિર્ણય લેવાની આઝાદી આપશે.

સાથીઓ,

ઉચ્ચ શિક્ષણ સાથે જોડાવાની સંખ્યા વધે અને બેઠકો વધે તેના માટે પણ સરકાર સતત કામ કરી રહી છે. વર્ષ 2014માં આપણાં દેશમાં 16 આઈઆઈટી હતી. આજે 23 આઈઆઈટી છે. વર્ષ 2014માં આપણા દેશમાં 9 આઈઆઈઆઈટી હતી, આજે 25 આઈઆઈઆઈટી છે. વર્ષ 2014માં આપણે ત્યાં 13 આઈઆઈએમ હતા, જ્યારે આજે 20 આઈઆઈએમ છે. તબીબી શિક્ષણ માટે પણ ઘણું કામ કરવામાં આવ્યું છે. 6 વર્ષ અગાઉ દેશમાં માત્ર 7 એઈમ્સ હતા, આજે દેશમાં 22 એઈમ્સ છે. શિક્ષણ ભલે, ઓનલાઈન હોય કે ઓફ્ફ લાઈન, બધાં લોકો સુધી પહોંચે અને બરાબર પહોંચે, બધા લોકોનું જીવન બદલે તે લક્ષ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 100 વર્ષ પૂરા થવા પ્રસંગે મારી આપ સૌ યુવા ‘પાર્ટનર’ પાસે કેટલીક અપેક્ષાઓ પણ છે. શું 100 વર્ષના આ અવસરે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી 100 હોસ્ટેલનું એક વધારાનું ટાસ્ક કરે અને આ ટાસ્ક દેશની આઝાદીના 75 વર્ષ પૂરાં થવા સાથે જોડાયેલું હોય. જે રીતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પાસે આટલી મોટું ઈનોવેટીવ અને સંશોધન હાથ ધરનારી પ્રતિભાઓ છે તે જોતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ આવા સ્વતંત્ર સંગ્રામના સેનાનીઓ ઉપર સંશોધન કરીને તેમના જીવનને દેશની સામે લાવે કે જેના બાબતે અત્યારે એટલી જાણકારી નથી. કેટલાક વિદ્યાર્થીઓ આ મહાપુરૂષોના જન્મ સ્થળે જાય, તેમની કર્મભૂમિમાં જાય, તેમના પરિવારના લોકો અત્યારે જ્યાં હોય ત્યાં તેમનો સંપર્ક કરે. કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન સ્રોતોને પણ ફંફોશે. ઉદાહરણ તરીકે વાત કરૂં તો 75 હોસ્ટેલ્સ એક એક આદિવાસી સ્વાતંત્ર સેનાની ઉપર સંશોધન દસ્તાવેજ તૈયાર કરી શકે છે, જે રીતે 25 હોસ્ટેલો મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપર સંશોધન કરી શકે છે, કામ કરી શકે છે.

એક અન્ય કામ છે કે જે દેશ માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના છાત્ર છાત્રાઓ કરી શકે તેમ છે. આ યુનિવર્સિટી પાસે દેશની ખૂબ જ કિંમતી પ્રાચીન પાંડુ લીપીઓ છે તે બધી આપણાં સાંસ્કૃતિક વારસા સમાન છે. હું ઈચ્છીશ કે તમે ટેકનોલોજીના માધ્યમથી તેને ડીજીટલ અથવા તો વર્ચ્યુઅલ અવતારમાં સમગ્ર દુનિયાની સામે લાવો. હું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વ્યાપક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કને પણ અનુરોધ કરૂં છું કે નૂતન ભારતના નિર્માણમાં તે પોતાની ભાગીદારી વધારે. આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે, લોકલ ફોર વૉકલને સફળ બનાવવા માટે ઘણું બધું કામ કરવાનું બાકી છે. તેના માટે મને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થો પાસેથી સૂચનો મળશે તો મને ખૂબ જ આનંદ થશે.

સાથીઓ,

સમગ્ર દુનિયાની નજર આજે ભારત પર છે. જે સદીને ભારતની સદી તરીકે ઓળખાવવામાં આવે છે તે લક્ષ્ય તરફ ભારત કેવી રીતે આગળ ધપી રહ્યું છે તે બાબતે સમગ્ર દુનિયાને કુતૂહલ છે. એટલા માટે જ આજે આપણાં સૌનું એક માત્ર અને એક જ લક્ષ્ય હોવું જોઈએ કે ભારતને આત્મનિર્ભર કેવી રીતે બનાવવું, આપણે ક્યાં અને કયા પરિવારમાં પેદા થયા, કયા પંથ- ધર્મમાં મોટા થયા તેના કરતાં પણ મહત્વની બાબત એ છે કે દરેક નાગરિકની આકાંક્ષાઓ અને તેના પ્રયાસ દેશની આકાંક્ષાઓ સાથે કેવી રીતે જોડાય તે બાબતે એક મજબૂત પાયો નાંખવામાં આવશે તો તે લક્ષ્ય સુધી પહોંચવાનું ખૂબ જ આસાન થઈ જશે.

સાથીઓ,

સમાજમાં વૈચારિક મતભેદ રહેતા હોય છે અને તે સ્વાભાવિક પણ છે, પરંતુ જ્યારે રાષ્ટ્રીય લક્ષ્ય પ્રાપ્તિની વાત કરવામાં આવે ત્યારે દરેક મતભેદને છોડી દેવો જોઈએ. આપ સૌ યુવા સાથીદારો, આ વિચાર સાથે આગળ ધપશો તો એવી કોઈ મંજીલ નથી કે જે આપણે સૌ સાથે મળીને હાંસલ ના કરી શકીએ. શિક્ષણ હોય, આર્થિક વિકાસ હોય, બહેતર રહેણીકરણી હોય, તક હોય, મહિલાઓનો હક્ક હોય, સુરક્ષા હોય કે રાષ્ટ્રવાદ હોય. આ બધી બાબતો એવી છે કે જે દરેક નાગરિક માટે જરૂરી બની રહેતી હોય છે. આવા કેટલાક એવા મુદ્દા છે કે જેના અંગે આપણી રાજકીય અથવા વૈચારિક મજબૂરીઓના નામે અસહમત થઈ શકતા નથી. અહીં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આ મુદ્દા પર વાત કરવાનું મારા માટે એટલા માટે સ્વાભાવિક છે કે અહીંથી સ્વતંત્રતાના અનેક સેનાની મળ્યા છે. આ માટીમાંથી પેદા થયા છે. આ સ્વતંત્રતા સેનાનીઓનો પણ પોતાનો, પારિવારિક, સામાજીક, વૈચારિક ઉછેર હતો, પોતાના વિચારો હતા, પરંતુ જ્યારે ગુલામીમાંથી મુક્ત થવાની વાત આવી ત્યારે તમામ વિચારો આઝાદીના એક લક્ષ્યની સાથે જોડાઈ ગયા હતા.

સાથીઓ,

આપણાં પૂર્વજોએ આઝાદી માટે જે કામ કર્યું તે કામ હવે તમારે, યુવા પેઢીએ નૂતન ભારતના નિર્માણ માટે કરવાનું છે. જે રીતે આઝાદી માટે એક સમાન પશ્ચાદ્દભૂમિકા હતી તે જ રીતે નૂતન ભારત માટે પણ આપણે એક સમાન ભૂમિકા ઉપર કામ કરવાનું છે. નવું ભારત આત્મનિર્ભર થશે. દરેક પ્રકારે સમૃધ્ધ થશે તો લાભ પણ તમામ 130 કરોડ કરતાં વધુ દેશવાસીઓને જ મળવાનો છે. આ વિચાર વિમર્શ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે કામ આપ સૌ કરી શકો છો, યુવા સાથી કરી શકે તેમ છે.

સાથીઓ,

આપણે એવું સમજવાનું છે કે રાજકારણ એ સમાજનો એક મહત્વનો હિસ્સો છે, પરંતુ સમાજમાં રાજકારણ સિવાય પણ બીજી અનેક બાબતો છે. રાજકારણ અને સત્તાના વિચારથી ખૂબ જ મોટા, ખૂબ જ વ્યાપક, કોઈપણ દેશનો સમાજ હોય છે. રાજકારણથી અળગા રહીને સમાજને આગળ ધપાવવા માટે ઘણી જગ્યા હોય છે. આ જગા માટે પણ કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આવું કામ આપણાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવા સંકુલો કરી શકે છે, આપ સૌ કરી શકો છો.

સાથીઓ,

નૂતન ભારતના વિઝનની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે તેના મૂળમાં પણ એ વાત છે કે રાષ્ટ્રના કે સમાજના વિકાસને રાજનૈતિક ચશ્માથી જોવો જોઈએ નહીં. જ્યારે આપણે એક મોટા ઉદ્દેશ માટે સંગઠીત થઈએ છીએ ત્યારે શક્ય છે કે કેટલાંક તત્વોને તેના કારણે પરેશાની પણ થાય. આવા તત્વો દુનિયાના દરેક સમાજમાં મળતા હોય છે. કેટલાક એવા લોકો પણ હોય છે કે જેમને પોતાનો સ્વાર્થ હોય છે. તે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કાવત્રાં કરશે, દરેક પ્રકારની નકારાત્મકતા ફેલાવશે, પરંતુ જ્યારે આપણે આપણાં મન અને મસ્તિષ્કમાં નૂતન ભારતના નિર્માણને સર્વોચ્ચ સ્થાન આપીશું તો આવા લોકોનું સ્થાન આપમેળે જ સંકોચાતું જશે.

સાથીઓ, રાજકારણ પ્રતિક્ષા કરી શકે છે, સમાજ પ્રતિક્ષા કરી શકતો નથી, દેશનો વિકાસ પ્રતિક્ષા કરી શકતો નથી.  સમાજના કોઈપણ વર્ગનો ગરીબ હોય, તે પ્રતિક્ષા કરી શકતો નથી. મહિલાઓ, વંચિત, પીડિત, શોષિત વગેરે વિકાસની પ્રતિક્ષા કરી શકતા નથી. સૌથી મોટી વાત આપણાં યુવાનો, આપ સૌ વધુ પ્રતિક્ષા નહીં કરવા ઈચ્છો. વિતેલી સદીમાં મતભેદના નામે ઘણા બધા સમયનો વ્યય કરવામાં આવ્યો છે. હવે સમય ગૂમાવવાનો નથી. તમામ લોકોએ એક લક્ષ્ય સાથે, સંગઠીત થઈને નૂતન ભારતને આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.

સાથીઓ, 100 વર્ષ પહેલાં 1920માં જે યુવાનો હતા તેમને દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવાની અને પોતાની જાતને સમર્પિત કરવાની અને બલિદાન આપવાની તક મળી હતી. તે પેઢીના તપ અને ત્યાગને કારણે દેશને 1947માં સ્વતંત્રતા મળી હતી. તમારી પાસે, આજની પેઢી પાસે આત્મનિર્ભર ભારત, નૂતન ભારતનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે ઘણું બધુ કરવાની તકો છે. તે સમય 1920નો હતો, આ સમય 2020નો છે. 1920ના 27 વર્ષ પછી દેશ આઝાદ થયો હતો. 2020ના 27 વર્ષ પછી એટલે કે વર્ષ 2047 તમારા જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે.

વર્ષ 20247માં જ્યારે ભારત જયારે તેની આઝાદીનાં 100 વર્ષ પૂરાં કરશે ત્યારે તમે ઐતિહાસિક સમયના પણ સાક્ષી બનશો અને એટલુ જ નહીં, આ 27 વર્ષમાં તમે આધુનિક ભારત બનાવવામાં પણ ભાગીદાર બનશો.  તમારે દરેક ક્ષણે દેશ માટે વિચારવાનું છે. તમારા દરેક નિર્ણયમાં દેશ હિતને આધાર બનાવીને જ આ બધુ કરવાનુ છે.

મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારતનુ સપનુ પૂરૂ કરીશું. આપણે સૌ સાથે મળીને દેશને વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડીશું. આપ સૌને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 100 વર્ષ પૂરા થવા પ્રસંગે ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ 100 વર્ષ દરમિયાન જે જે મહાપુરૂષોએ આ સંસ્થાની ગરિમાને નવી ઉંચાઈ પર લઈ જવાનો સતત પ્રયાસ કર્યો છે તેમનું આજે હું પુણ્ય સ્મરણ કરૂં છું. તે બધાં તરફ પણ આદર વ્યક્ત કરૂં છું અને ફરી એક વખત આજના પવિત્ર અવસરે ભવિષ્ય માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આપના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. તેમના ઉત્તમ ભવિષ્ય માટે પણ શુભેચ્છા વ્યક્ત કરૂં છું અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને પણ તેના ઉત્તમ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્ચાઓ સાથે વિશ્વાસ અપાવું છું કે આ સરકાર તમારી પ્રગતિ માટે, તમારાં સપનાંને સાકાર કરવા માટે અમે ક્યારેય પણ પાછા પડીશું નહીં.

આ એક વિશ્વાસની સાથે તમને ખૂબ ખૂબ ધન્યવાદ  !

SD/GP/BT