અમેરિકાના વિદેશ મંત્રી શ્રી એન્ટની બ્લિન્કન આજે અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
મંત્રી શ્રી બ્લિન્કને રાષ્ટ્રપતિ બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસની શુભકામનાઓ પ્રધાનમંત્રીને પાઠવી હતી. તેમણે આજે દિવસ દરમ્યાન ભારતના વિદેશ મંત્રી અને એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) સાથે થયેલી ફળદાયી આપલે વિશે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા અને સંરક્ષણ, મેરિટાઇમ સલામતી, વેપાર અને રોકાણ, આબોહવા પરિવર્તન અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો વધારે ગાઢ કરવા મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ એમની ઉષ્માભરી શુભકામનાઓ તેમજ રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા ક્વોડ, કોવિડ-19 અને આબોહવા પરિવર્તન સંબંધી સહિતની તેમણે કરેલી પહેલ બદલ તેમની પ્રશંસા રાષ્ટ્રપતિ બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસને પાઠવી હતી.
મંત્રી શ્રી બ્લિન્કને ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષી અને પરસ્પરના મુદ્દાઓના વ્યાપક ફલક પર વધતા જતા અભિસરણની અને આ અભિસરણને નક્કર અને વ્યવહારુ સહકારમાં ફેરવવાની બેઉ વ્યૂહાત્મક ભાગીદારોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે અમેરિકા અને ભારતના સમાજો લોકશાહી, સ્વતંત્રતા અને સ્વાધીનતાના મૂલ્યો પ્રતિ ઘેરી પ્રતિબદ્ધતા પરસ્પર ધરાવે છે અને અમેરિકામાં ભારતીય સમુદાયે દ્વિપક્ષી સંબંધો વધારવામાં અપાર યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે કોવિડ-19, વૈશ્વિક આર્થિક પુન:પ્રાપ્તિ અને આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારોના સંદર્ભમાં ભારત–અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં વધારે વૈશ્વિક મહત્વની બની રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com