Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

વિકાસનો નવો અભિગમ: સાંસદ આદર્શ ગ્રામ યોજના


સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરાઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો દૃષ્ટિકોણ જણાવ્યો હતો.

આપણી સૌથી મોટી મુશ્કેલીઓમાંની એક એ છે કે વિકાસ માટેનું આપણું મોડેલ પુરવઠા આધારિત છે. યોજના લખનૌ, ગાંધીનગર કે દિલ્હી ગમે ત્યાં ઘડાઈ હોય, એ જ યોજના દાખલ કરવાના પ્રયત્નો થાય છે. આપણે આ મોડેલ આદર્શ ગ્રામ દ્વારા પુરવઠા-આધારિતમાંથી બદલીને માંગ-આધારિત કરવું છે. આ માટે ગામડાની પોતાની અંતઃ પ્રેરણા હોવી જોઈએ.

આપણે માત્ર આપણી વિચારધારા બદલવાની જરૂર છે. આપણે લોકોનાં હૃદય એકબીજા સાથે જોડવા પડશે. સામાન્ય રીતે, સાંસદો રાજકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે, પરંતુ હવેથી તેઓ જ્યારે ગામડે આવે ત્યારે કોઈ રાજકીય પ્રવૃત્તિઓ નહીં થાય. પરિવાર જેવું હશે. ગામના લોકો સાથે બેસીને નિર્ણયો લેવાશે. ગામમાં શક્તિનો પુનઃસંચાર થશે અને એકતા સ્થપાશે.’

સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય) 11મી ઓક્ટોબર, 2014ના રોજ મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને હકીકતમાં ફેરવવાના ધ્યેય સાથે લૉન્ચ થઈ. એસએજીવાય હેઠળ, સંસદના પ્રત્યેક સભ્ય ગ્રામ પંચાયત દત્તક લે છે અને એ ગામનાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસને સમાન મહત્ત્વ મળે એમ સમગ્રલક્ષી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ‘આદર્શ ગ્રામો’, સ્થાનિક વિકાસ અને સુશાસનની શાળાઓ બનીને અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા આપશે.

ગ્રામવાસીઓને સામેલ કરવાથી તેમજ વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગ દ્વારા સાંસદના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટસ (પરિયોજનાના અહેવાલો) તૈયાર કરવામાં આવે છે અને વિભાગો દ્વારા રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાની અધિકાર-સંપન્ન સમિતિ (એસએલઈસી) આ અહેવાલોની સમીક્ષા કરે છે, તેમાં ફેરફારો સૂચવે છે અને સાધનોની ફાળવણીને પ્રાથમિકતા આપે છે. અત્યાર સુધીમાં વિવિધ મંત્રાયલો / કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા એસએજીવાય ગ્રામ પંચાયત પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપવા માટે 21 યોજનાઓમાં સુધારા કરવામાં આવ્યા છે.

જિલ્લા કક્ષાએ, સાંસદના અધ્યક્ષપણા હેઠળ દરેક ગ્રામ પંચાયત માટે દર મહિને સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. પ્રત્યેક પ્રોજેક્ટનું સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓની હાજરીમાં અવલોકન થાય છે અને રાજ્ય સરકારને તેની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવે છે. વર્ષ 2016 સુધીમાં પ્રત્યેક સાંસદ આગેવાની લઈને એક ગ્રામ પંચાયતને વિકાસનું મોડેલ બનાવશે તેવું અનુમાન છે, ત્યારબાદ વર્ષ 2019 સુધીમાં વધુ બે ગ્રામ પંચાયતો અને ત્યાર પછી 2024 સુધીમાં વધુ પાંચ ગ્રામ પંચાયતોના વિકાસનું નેતૃત્વ કરશે. અત્યાર સુધીમાં દેશભરમાં સાંસદો દ્વારા 696 ગ્રામ પંચાયતો દત્તક લેવામાં આવી છે.

38b66ffa-b41b-450c-9b2d-936149fb7870 [ PM India 57KB ]

પ્રત્યેક જિલ્લાના કલેક્ટરને સ્થાનિક કક્ષાએ અમલીકરણને સહયોગ આપવા માટે પર્યાપ્ત વરિષ્ઠતા ધરાવતા ચાર્જ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ અમલીકરણ માટે સંપૂર્ણપણે જવાબદાર અને ઉત્તરદાયી રહેશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે દેશભરમાં 9 પ્રાદેશિક સ્થાનોએ 653 ચાર્જ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજ્યા હતા. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા 23-24 સપ્ટેમ્બર, 2015ના રોજ ભોપાલ ખાતે રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ રાજ્યોના સાંસદો, રાજ્ય સરકારો, જિલ્લા કલેક્ટરો અને ગ્રામ પ્રધાનોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. ગ્રામીણ વિકાસ મંત્રાલયની રાષ્ટ્રીય કક્ષાની સમિતિ દ્વારા પસંદ કરાયેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ વિગતવાર પ્રદર્શન દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેથી આવી જ શ્રેષ્ઠ પદ્ધતિઓ એસએજીવાય ગ્રામ પંચાયતોમાં અપનાવી શકાય. મંત્રાલયે એસએજીવાય ગ્રામ પંચાયતોના વિકાસની દેખરેખ માટે ‘પંચાયત દર્પણ’ નામે 35 સૂચકાંકો પણ વિકસાવ્યાં છે.

કેટલીક સફળ ગાથાઓ:

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ત્રેહગામ બ્લોકના લાદરવાન ગામના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહિત કરવા 379 ખેડૂતોના મોબાઈલ નંબરો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે) સાથે જોડવામાં આવ્યા હતા. કેવીકે આબોહવાની આગાહીઓ ઉપરાંત ચોક્કસ પાકમાં મહત્ત્વના તબક્કાઓ દરમિયાન પાકની વૃદ્ધિ અંગે પદ્ધતિઓની ભલામણ કરતા પેકેજ વિશેના સંદેશા એસએમએસ દ્વારા આપતું હતું. સાંસદ શ્રી મુઝફ્ફર હુસૈન બૈગના માર્ગદર્શન હેઠળ આ કાર્ય હાથ ધરાયું હતું. કેવીકેના સંદેશાઓને પરિણામે, ખેડૂતો હવે તેમના મોબાઈલ પર નિયમિત રીતે કૃષિને લગતી સલાહ મેળવી રહ્યા છે. આ સલાહમાં વાવણી માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ, માટીનું પરીક્ષણ, પાક સંરક્ષણ, કૃષિ અર્થશાસ્ત્રની પદ્ધતિઓ, લણણી પછીની ટેકનોલોજીઝ અને બજાર વિશેની માહિતી હોય છે. આને પગલે લોકો પાકના ઉત્પાદન અને તેમની કૃષિ પેદાશોના માર્કેટિંગ અંગે પર્યાપ્ત માહિતી સાથેના નિર્ણયો લઈ શકે છે.

તામિલનાડુમાં શિવગંગા જિલ્લામાં આવેલા મરવમંગલમને રાજ્ય સભાના સાંસદ ડૉ. ઈ. એમ. સુદર્શન નચિઅપ્પને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવા માટે પસંદ કર્યું હતું. સાંસદે સુધારા માટેના સંભવિત ક્ષેત્રો નક્કી કર્યા અને ગ્રામીણ આજીવિકાને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું હતું. સમુદાયો માટે કાથી, ચામડું અને નારિયેળને સંબંધિત તાલીમો હાથ ધરવામાં અને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા પ્રશાસન અને અલગાપ્પા યુનિવર્સિટીની મદદથી સાંસદે કેટલાક કાર્યક્રમો યોજ્યા હતા. તેમણે કોયર બૉર્ડ ઑફ ઈન્ડિયા, કોકોનટ ડેવલપમેન્ટ બૉર્ડ ઑફ ઈન્ડિયા અને સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના સહયોગથી લોકોને તાલીમ આપવા માટે નિષ્ણાત તાલીમ ભાગીદારોને પણ જોડ્યા હતા.

તેમણે લોકોને તાલીમ આપીને સફળ ઉદ્યોગ સાહસી બનાવી શકાય એવા ધ્યેય સાથે કાથી સંબંધિત બે મહિનાના તાલીમ કાર્યર્કમો શરૂ કરવા માટે તાલીમ સંસ્થાનો સાથે સંકલન સાધ્યું હતું. તાલીમ કાર્યક્રમોમાં 120 મહિલાઓએ કાથી સંબંધિત તાલીમ માટે, 112 લોકોએ ચર્મને લગતી તાલીમ સાથે અને 27 પુરુષોએ નારિયેળ સંબંધિત તાલીમ માટે નામ નોંધાવ્યા હતા. તાલીમ પૂરી થયા પછી સફળ તાલીમાર્થીઓ પોતાનું સામાજિક એકમ શરૂ કરી શકે અને પોતાની આજીવિકા રળી શકે તે માટે નાણાંકીય સહાય કરવા જિલ્લા વહીવટીતંત્ર તેમજ તાલીમના ભાગીદારો તમામ પ્રયત્નો કરશે.

બાંગુરદાની ગ્રામ પંચાયત દત્તક લેનારા સાંસદ શ્રી બિદ્યુત બરન મહાતોને લાગ્યું હતું કે ઝારખંડમાં પૂર્વ સિંઘભુમમાં આવેલા આ અંતરિયાળ અને દુર્ગમ ગામડામાં કિશોર વયની છોકરીઓના સ્વાસ્થ્ય અને આરોગ્ય સંબંધે ભાગ્યે જ કોઈ પ્રયત્નો થયા છે. ખાસ કરીને મહિલાઓ અને કિશોરીઓમાં એનિમિયા (પાંડુ રોગ) અને અન્ય બીમારીઓનું પ્રમાણ ઘણું ઊંચું છે.
આ સમસ્યા નિવારવા તેમણે ખાસ કરીને કિશોરીઓને લક્ષ્યમાં રાખીને અનેક સ્વાસ્થ્ય શિબિરો યોજી હતી. સ્વાસ્થ્ય શિબિરો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં 188 કરતાં વધુ કિશોરીઓનું સ્વાસ્થ્ય તપાસવામાં આવ્યું હતું. પરિણામે, ઘણી છોકરીઓને વિવિધ પ્રકારનાં સ્ત્રીરોગ, પેશાબની નળીઓના ચેપ અને ત્વચાને લગતી બીમારીઓથી પીડાતી હોવાનું જાણવા મળ્યું. આજ સુધી આ બીમારીઓ સામાજિક-સાંસ્કૃતિક વાડાંઓને કારણે તેઓ દબાવી રાખતાં હતાં.

એ પણ જાણવા મળ્યું કે આમાંની મોટા ભાગની બીમારીઓ બિનસ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને આસપાસની ગંદકીને કારણે હતી. કિશોરીઓ અને મહિલાઓમાં વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો ચાલુ છે. ગામડાંઓમાં નિયમિત ધોરણે હાથ ધરવામાં આવનારા આ પ્રયત્નો અવિરતપણે હાથ ધરાશે.

લોડ થઇ રહ્યું છે ... Loading