બેટા બેટી, એક સમાન એ આપણો મંત્ર હોવો જોઈએ
ચાલો, દીકરીના જન્મનો ઉત્સવ મનાવીએ. આપણને આપણી દીકરીઓ માટે એટલો જ ગર્વ હોવો જોઈએ. હું તમને વિનંતી કરું છું કે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય ત્યારે એ પ્રસંગની ઉજવણી માટે પાંચ છોડ રોપજો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે દત્તક લીધેલા ગામ જયાપુરના લોકોને સંબોધન કરતાં આ શબ્દો કહ્યા હતા.
22મી જાન્યુઆરી, 2015ના રોજ હરિયાણામાં પાણીપત ખાતે પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) અભિયાનની શરૂઆત કરી હતી. બીબીબીપી હેઠળ બાળ જાતિ દર (સીએસઆર)માં ઘટાડા તેમજ સમગ્ર જીવન-ચક્ર દરમિયાન મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે છે. આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય એમ ત્રણ મંત્રાલયોના પ્રયાસો સાથે હાથ ધરવામાં આવ્યું છે.
યોજનાનાં મહત્ત્વનાં તત્ત્વોમાં, પ્રથમ તબક્કામાં પીસી અને પીએનડીટી એક્ટનો અમલ, જાગરુકતા અને હિમાયત કરતું રાષ્ટ્ર વ્યાપી અભિયાન અને જ્યાં બાળ જાતિ દર નીચો છે તેવા પસંદ કરાયેલા 100 જિલ્લાઓમાં બહુક્ષેત્રીય પગલાં સામેલ છે. તાલીમ, સંવેદનશીલતા, જાગૃતિ વધારવી અને વાસ્તવિક સામુદાયિક ગતિશીલતા દ્વારા જનમાનસ પરિવર્તન પર મજબૂત ભાર અપાયો છે.
એનડીએ સરકાર, આપણો સમાજ કન્યા બાળક તરફ જે દૃષ્ટિકોણ સાથે જુએ છે, તેમાં આમૂલ પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત દ્વારા હરિયાણામાં બીબીપુરમાં ‘સેલ્ફી વિથ ડોટર’ પહેલની શરૂઆત કરનાર સરપંચની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ પણ લોકોને પોતાની દીકરીઓ સાથેની પોતાની તસવીરો મોકલવા વિનંતી કરી હતી અને ટૂંક સમયમાં જ આ અભિયાને વૈશ્વિક લોકપ્રિયતા મેળવી હતી. સમગ્ર ભારત તેમજ વિશ્વમાંથી લોકોએ પોતાની દીકરી સાથેની પોતાની તસવીરો મોકલી હતી અને જેમને દીકરીઓ છે, તે બધા માટે આ ગર્વનો પ્રસંગ બન્યો હતો.
બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ થયું ત્યારથી લગભગ તમામ રાજ્યોમાં બહુક્ષેત્રિય જિલ્લા કાર્યલક્ષી યોજનાઓ કાર્યરત બની. જિલ્લા કક્ષાના અધિકારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓની ક્ષમતાઓ વધુ મજબૂત બને તે માટે ક્ષમતા નિર્માણનાં કાર્યક્રમો અને તાલીમો હાથ ધરવા તાલીમ શિક્ષકો આપવામાં આવ્યા. એપ્રિલથી ઓક્ટોબર, 2015 દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઈને આવી તાલીમોના નવ સમૂહો યોજવામાં આવ્યા.
કેટલી સ્થાનિક પહેલ
બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના હેઠળ પિઠોરાગઢ જિલ્લાએ કન્યા બાળકના રક્ષણ માટે તેમજ તે શિક્ષિત બને તે માટે વિવિધ પગલાં લીધાં છે. ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ (જિલ્લા કક્ષાએ કાર્યવિશેષ દળ) અને બ્લૉક ટાસ્ક ફોર્સ (બ્લૉક કક્ષાએ કાર્યવિશેષ દળ)ની રચના કરવામાં આવી છે. આ જૂથોની બેઠકો યોજવામાં આવી હતી અને બાળ જાતિ દર સંબંધિત સ્પષ્ટ ભાવિ યોજના ઘડવામાં આવી છે. યોજનાના વ્યાપક પ્રચાર માટે બહોળા જનસમુદાય સુધી પહોંચવા જાગૃતિ લાવતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વિવિધ શાળાઓ, લશ્કરી શાળાઓ, સરકારી વિભાગોના કર્મચારીઓ વગેરેની મુખ્ય ભાગીદારી સાથે વિવિધ રેલીઓ યોજવામાં આવી છે.
બેટી બચાઓ, બેટી પઢાઓ વિશે જાગરુકતા વધારવા પિઠોરાગઢમાં શેરી નાટકો પણ ભજવવામાં આવી રહ્યાં છે. આ શેરી નાટકો માત્ર ગામડાંઓમાં જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં પ્રેક્ષકો મળતા હોય તેવાં બજારોમાં પણ યોજાઈ રહ્યાં છે. વાર્તા દ્વારા કલ્પનાચિત્ર ખડું કરવાથી જાતિની પસંદગી માટે કરાવવામાં આવતાં ગર્ભપાતની સમસ્યાઓ પ્રત્યે લોકો સંવેદનશીલ બની રહ્યા છે. કન્યા બાળક સંબંધિત મુદ્દાઓ અને કન્યા તેના સમગ્ર જીવન-ચક્ર દરમિયાન જે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે, તેને આ શેરી નાટકો દ્વારા ખૂબ સુંદર રીતે નિરુપવામાં આવે છે. હસ્તાક્ષર અભિયાન અને વચન અને સોગંદ લેવા માટેનાં સમારંભો દ્વારા બીબીબીપીનો સંદેશ સ્નાતકોત્તર કોલેજોના 700 વિદ્યાર્થીઓ અને કેટલાક લશ્કરી અધિકારીઓ સુધી પહોંચ્યો છે.
પંજાબમાં મનસા જિલ્લાએ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા એક પહેલ શરૂ કરી છે. ઉડાન – સપને દી દુનિયા દે રુબરુ (ઉડાન – એક દિવસ માટે તમારા સ્વપ્નને જીવો) યોજના હેઠળ મનસાના વહીવટીતંત્ર દ્વારા છઠ્ઠાથી બારમા ધોરણમાં ભણતી છોકરીઓ તરફથી દરખાસ્તો મંગાવવામાં આવી. આ છોકરીઓ, ડૉક્ટર, પોલીસ અધિકારી, એન્જિનિયર, આઈએએસ, પીપીએસ ઓફિસર, વગેરેમાંથી પોતે જે બનવા ઈચ્છતી હોય, તે વ્યાવસાયિક સાથે તેમને એક દિવસ વીતાવવાની તક મળે છે.
આ પહેલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને 70 કરતાં વધુ વિદ્યાર્થીનીઓને પોતે જે વ્યવસાય પસંદ કરતી હોય, તેના વ્યાવસાયિક સાથે એક દિવસ વીતાવવાની તક મળી ચૂકી છે, જેથી તેઓ વ્યાવસાયિક માહોલમાં કામકાજ જોઈ શકે અને પોતાની ભાવિ કારકિર્દીની પસંદગી માટે વધુ સારી રીતે નિર્ણયો લઈ શકે.