એક સાફ – સુથરા ભારત તરફ
શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજપથ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં કહ્યું કે “૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિના અવસરે ભારત તેમને સ્વચ્છ ભારતના રૂપમાં સર્વેશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકે છે” ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ.
સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતાં પ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન કર્યું કે, તેઓ એક સાફ અને સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સ્વપ્નને પુરું કરે. શ્રી નરેન્દ્ર મોદીએ પોતે મંદિર માર્ગ પોલિસ સ્ટેશન પાસે, સફાઈ અભિયાન શરૂ કર્યું. પ્રધાનમંત્રી દ્વારા ગંદકી સાફ કરવા માટે ઝાડુ પકડવાના કારણે સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં એક જન આંદોલન બની ગયું. તેમણે કહ્યું કે લોકોએ ન તો ગંદકી કરવી જોઈએ અને ન બીજાને કરવા દેવી જોઈએ. તેમણે ‘ન ગંદકી કરીશું ન કરવા દઈશુ’ નો મંત્ર આપ્યો. શ્રી મોદીએ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થવા માટે ૯ લોકોને આમંત્રિત પણ કર્યા અને તેમને અનુરોધ કર્યો કે તેઓ પણ અન્ય ૯ લોકોને આ પહેલમાં જોડે.
આ અભિયાનમાં સામેલ થવા માટે લોકોને આમંત્રિત કરવાના કારણે સ્વચ્છતા અભિયાન એક રાષ્ટ્રીય આંદોલન બની ગયું. સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી લોકોમાં જવાબદારીની ભાવના આવી. દેશભરમાં લોકો સક્રિય રૂપથી સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ થઈ રહ્યા છે અને મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતનું સપનું હવે સાકાર થવા લાગ્યંા છે.
પ્રધાનમંત્રીએ પોતાના શબ્દો અને કાર્યોના માધ્યમથી લોકો વચ્ચે સ્વચ્છ ભારતનો સંદેશ ફેલાવવામાં મદદ કરી. તેમણે વારાણસીમાં પણ સફાઈ અભિયાન ચલાવ્યું. તેમણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વારાણસીના અસ્સીઘાટમાં ગંગા નદી પાસે પાવડો ચલાવ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ આપનારા સ્થાનિક લોકોનો એક મોટો સમૂહ તેમની સાથે જોડાયો. સાફ સફાઈના મહત્ત્વને સમજતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાથો સાથ ઘરોમાં યોગ્ય શૌચાલયોના અભાવે ભારતીય પરિવારોને ભોગવવી પડતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વિશે પણ સંબોધન કર્યું હતું.
સમાજના વિભિન્ન વર્ગોના લોકો આગળ આવ્યા અને સફાઈના આ જન આંદોલનમાં સામેલ થયા. સરકારી અધિકારીઓથી લઈને જવાનો સુધી, બોલિવુડ અભિનેતાઓથી લઈને ખેલાડીઓ સુધી, ઉદ્યોગપતિઓથી લઈને આધ્યાત્મિક ગુરૂઓ સુધી બધા આ પવિત્ર કાર્યમાં જોડાઈ ગયા. દેશભરમાં લાખો લોકો રોજબરોજ સરકારી વિભાગો, એનજીઓ અને સ્થાનિક સામુદાયિક કેન્દ્રો સ્વચ્છતા કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. સતત સફાઈ અભિયાન આયોજિત થવાથી લોકોમાં સફાઈને લઈને જાગૃતતા આવી. દેશભરમાં નાટકો અને સંગીતના માધ્યમથી સ્વચ્છ ભારતનો સંદેશ ફેલાવવામાં આવ્યો.
પ્રધાનમંત્રીએ સ્વયં સ્વચ્છ ભારત મિશનમાં સામેલ થવા માટે લોકો, વિભિન્ન વિભાગો અને સંગઠનોની પ્રશંસા કરી. શ્રી મોદીએ હંમેશા મીડિયા દ્વારા સ્વચ્છ ભારત માટે યોગદાન કરનારાઓની ખુલીને પ્રશંસા કરી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત # MyCleanIndia ને પણ લોન્ચ કર્યો હતો. જેથી દેશભરમાં સફાઈ કાર્ય કરનારા નાગરિકો પોતાના કાર્યોને હાઈલાઈટ કરી શકે.
સ્વચ્છ ભારત અભિયાન લોકોનું જોરદાર સમર્થન મેળવીને ‘જન આંદોલન’ બની ગયું. સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં આગળ આવ્યા અને તેમણે એક સાફ સુથરા ભારતના શપથ લીધા. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત બાદ માર્ગોની સફાઈ માટે હાથમાં ઝાડુ ઉપાડવું, સફાઈ પર ધ્યાન અને એક સ્વચ્છ માહોલ બનાવવાની કોશિશ લોકોની આદતમાં સામેલ થઈ ગઈ. લોકો આ અભિયાનમાં સામેલ થવા લાગ્યા અને તેઓ આ સંદેશને ફેલાવવામાં મદદ કરી રહ્યા છે કે ‘સ્વચ્છતા ઈશ્વરની ભક્તિની સૌથી નજીક છે.’