શ્રી વી.પી.સિંહનો જન્મ અલ્હાબાદ ખાતે 25 જૂન, 1931ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રાજાબહાદુર રામગોપાલસિંહ. તેમણે અલ્હાબાદ તેમજ પૂણે યુનિવર્સિટી ખાતે શિક્ષણ મેળવ્યું હતું. 25 જૂન, 1955ના રોજ શ્રીમતી સીતા કુમારી સાથે તેમના લગ્ન થયાં હતા. તેઓ બે પુત્રો ધરાવે છે.
પોતાની વિદ્વતા માટે જાણિતા વી.પી.સિંહે અલ્હાબાદ ખાતેના કોરાઓન ખાતે ઇન્ટરમિડિયએટ કોલેજ ગોપાલ વિદ્યાલયની સ્થાપના કરી હતી. 1947-48 દરમિયાન વારાણસીની ઉદય પ્રતાપ કોલેજ વિદ્યાર્થી સંગઠનના તેઓ પ્રમુખ રહ્યા હતા. તેઓ અલ્હાબાદ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ પણ રહ્યા હતા. 1957માં ભૂદાન ચળવળમાં સક્રિયપણે ભાગ લઇને અલ્હાબાદ જિલ્લાના પાસાના ખાતેનું ખેતર દાનમાં આપ્યું હતું.
1969-71 દરમિયાન વી.પી.સિંહ અખિલ ભારત કોંગ્રેસ સમિતિ અને અલ્હાબાદ યુનિવર્સિટીની કારોબારીમાં સભ્યપદે હતા. એજ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય પણ હતા. 1970-71 દરમિયાન તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષના વહિવટપદે રહ્યા હતા. 1971-74 દરમિયાન લોકસભાના સભ્યપદે રહ્યા હતા. ઓક્ટોબર 1974થી નવેમ્બર 1976 દરમિયાન તેમણે કેન્દ્રિય નાયબ વાણિજ્યમંત્રી, નવેમ્બર 1976થી માર્ચ 1977 દરમિયાન કેન્દ્રિય રાજ્યકક્ષાના વાણિજ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. 3 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 1960 દરમિયાન તેઓ લોકસભાના સભ્યપદે રહ્યા હતા.
9 જૂન, 1980થી 28 જૂન 1982 દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. તેઓ 21 નવેમ્બર 1980થી 14 જૂન 1981 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ અને 15 જૂન, 1981થી 16 જુલાઇ 1983 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્યપદે રહ્યા હતા.
29 જાન્યુઆરી, 1983થી કેન્દ્રિય વાણિજ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યા પછી 15 ફેબ્રુઆરી, 1983થી પુરવઠા વિભાગનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. 16 જુલાઇ 1983ના રોજ તેઓ રાજ્યસભાના સભ્યપદે ચૂંટાઇ આવ્યા હતા. વી.પી.સિંહ 1 સપ્ટેમ્બર, 1984ના રોજ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદે ચૂંટાઇ આવ્યા હતા અને 31 ડિસેમ્બર 1984ના રોજ તેઓ કેન્દ્રિય નાણામંત્રી બન્યા હતા.