શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. તેમણે સેન્ટ બુસર હાઇસ્કૂલમાં શિક્ષણ મેળવીને મેટ્રિક ઉત્તીર્ણ કર્યું હતું. 1918માં તત્કાલિન બોમ્બે પ્રોવિન્સની વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક પદવી મેળવીને તેમણે 12 વર્ષ સુધી નાયબ કલેક્ટરપદે સેવા આપી હતી.
1930માં ભારતમાં મહાત્મા ગાંધી દ્વારા છેડાયેલા સ્વાધીનતા સંગ્રામ વચ્ચે શ્રી દેસાઇએ બ્રિટિશ ન્યાયમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી હતી અને સ્વાધિનતા સંગ્રામમાં ઝુકાવવા સરકારી સેવામાંથી ત્યારપત્ર આપી દીધું હતું. આ એક કઠોર નિર્ણય હતો પરંતુ શ્રી દેસાઇને લાગ્યું હતું કે દેશનો પ્રશ્ન હોય ત્યારે કુટુંમ્બને સંબંધિત સમસ્યાઓ ગૌણ બની જતી હોય છે.
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન શ્રી દેસાઇ જેલમાં ગયા હતા. 1931માં તેઓ અખિલ ભારત કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા હતા અને 1937 સુધી ગુજરાત કોંગ્રેસ સમિતિના મંત્રી રહ્યા હતા.
1937માં પ્રથમ કોંગ્રેસ સરકાર રચાઇ ત્યારે શ્રી દેસાઇ બોમ્બે પ્રોવિન્સના બી.જી.ખેરના નેતૃત્વમાં બનેલા મંત્રીમંડળમાં મહેસૂલ, કૃષિ, જંગલ અને સહકારમંત્રી બન્યા હતા. 1939માં લોકોની મંજૂરી વિના જ ભારત વિશ્વયુદ્ધમાં જોતરાતા કોંગ્રેસના મંત્રીઓએ પદ છોડી દીધા હતા.
મહાત્મા ગાંધી દ્વારા વ્યક્તિગતરૂપે હાથ ધરાયેલા સત્યાગ્રહમાં ભાગ લેતા શ્રી દેસાઇની ધરપકડ થઇ હતી અને ઓક્ટોબર, 1941માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર 1942માં ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ સમયે તેમને ફરી અટકમાં લેવામાં આવ્યા હતા અને 1945માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 1946માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પછી તેઓ મુંબઇમાં ગૃહ અને મહેસૂલમંત્રી બન્યા હતા. મંત્રી તરીકેની આ મુદત તેમણે અનેક દુરોગામી જમીન મહેસૂલ સુધારા કરતાં જમીન ધારણ કરવાના અધિકાર મોરચે સુરક્ષા પ્રદાન કરતી જોગવાઇ કરી હતી અને આગળ જતાં ખેડે તેની જમીન સુધી એ અધિકારો લંબાયા હતા. પોલીસ વહિવટ મોરચે તેમણે પ્રજા અને પોલીસ વચ્ચેના સીમાડા દૂર કર્યા હતા. લોકોના જામમાલની રક્ષા માટે પોલીસ વહિવટીતંત્ર વધુ જવાબદાર બન્યું હતું. 1952માં તેઓ બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા હતા.
રાજ્યખેતી પુન: રચના પછી શ્રી દેસાઇ 14 નવેમ્બર, 1956માં કેન્દ્રીય કેબિનેટમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીપદે જોડાયા હતા. ત્યાર બાદ 22 માર્ચ, 1958માં તેમણે નાણામંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો.
શ્રી દેસાઇ પોતે જે પ્રકારનું આર્થિક આયોજન અને મહેસૂલી વહિવટી તંત્ર ઇચ્છતા હતા એ દિશામાં પગલા પણ લીધા હતા. સંરક્ષણ અને વિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમણે મહેસૂલી આવક વધારી હતી. ખોટા ખર્ચા ઘટાડ્યા હતા અને સરકારના વહિવટી ખર્ચમાં કામ મૂક્યો હતો. નાણાંકિય અનુભવ બળે નાણાકિય ખાદ્યની સપાટી ખૂબ નીચી રાખી હતી. સમાજમાં વિશેષાધિકાર ધરાવતા વર્ગનો છેલબટાઉ જીવનશૈલીને તેઓ અંકુશમાં લાવ્યા હતા.
1963માં કામરાજ યોજના મુજબ તેમણે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. પ્રધાનમંત્રી પદે પંડિત જવાહરલાલ નહેરુના અનુગામી બની રહેલા લાલ બહાદુર શાસ્ત્રીએ તેમને ફરીથી વહીવટી સુધારાપંચનું અધ્યક્ષપદ સંભાળવા સમજાવ્યા હતા. જાહેરજીવનનો તેમને બહોળો અનુભવ આ સમયે કામ લાગ્યો હતો.
1967માં શ્રી દેસાઇ શ્રીમતી ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં નાયબ પ્રધાનમંત્રી તરીકે જોડાયા હતા અને નાણામંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. જુલાઇ, 1969માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તેમની પાસેથી નાણા મંત્રાલય પાછું ખેંચી લીધું હતું. તેઓ માનતા હતા કે મંત્રીઓના ખાતા ફેરબદલ કરવાનો પ્રધાનમંત્રીનો અધિકાર છે પરંતુ નિર્ણય લેતા પહેલા તેમનો સંપર્ક કરવાનું સૌજન્ય પણ દાખવવામાં નહોતું આવ્યું. આ સંજોગોમાં તેમનું આત્મગૌરવ હણાવાનો અહેસાસ થતાં ભારતના નાયબ પ્રધાનમંત્રીપદેથી ત્યાગપત્ર આપવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ બચ્યો નહોતો.
1969માં કોંગ્રેસ પક્ષના ભાગલા પડતાં શ્રી દેસાઇ સંસ્થા કોંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમણે વિરોધ પક્ષના નેતાની અગ્રણી ભૂમિકા અદા કરી હતી. 1975માં વિસર્જીત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની માગણી સાથે તેઓ અચોક્ક્સ મુદતના ઉપવાસ પર બેઠા હતા. તેમના આ ઉપવાસને કારણે જ જૂન, 1975માં ચૂંટણીઓ યોજાઇ હતી. નવા ગૃહમાં ચાર વિરોધપક્ષના બનેલા જનતા મોરચા અને તેને સમર્થન આપી રહેલા અપક્ષ સભ્યોની મદદથી સરકારને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઇ હતી. અલ્હાબાદ હાઇકોર્ટે લોકસભામાંથી શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરતાં શ્રી દેસાઇને લાગ્યું હતું કે લોકશાહી સિદ્ધાંતો મુજબ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ત્યારપત્ર આપી દેવું જોઇએ.
દેશમાં કટોકટી લદાતા 26 જૂન, 1975માં શ્રી દેસાઇની ધરપકડ કરીને તેમને અટકમાં લેવામાં આવ્યા હતા. એકાંતવાસમાં રાખીને 18 જાન્યુઆરી, 1977ના રોજ અર્થાત લોકસભાની ચૂંટણીના આયોજનનો નિર્ણય લેવાતા પહેલા જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દેશભરનો પ્રવાસ ખેડીને પ્રચાર કર્યો હતો અને છઠ્ઠી લોકસભા માટે માર્ચ, 1977માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટીને વિજય અપાવવામાં તેમની મોટી ભૂમિકા હતી. શ્રી મોરારજી દેસાઇ પોતે ગુજરાતની સૂરત બેઠક પરથી લોકસભામાં ચૂંટાઇને આવ્યા હતા. ત્યાર બાદ જનતા પાર્ટીના નેતાપદે સર્વાનુંમતે ચૂંટાતા 24 માર્ચ, 1977ના રોજ તેમણે ભારતના પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા.
1911માં શ્રી દેસાઇ અને ગુજરાબેનના લગ્ન થયા હતા. તેમના પાંચ સંતાનો પૈકી એક પુત્રી અને એક પુત્ર હાલ હયાત છે.
પ્રધાનમંત્રી શ્રી દેસાઇએ સ્થિતિને જોવા તત્પર હતા કે ભારતના લોકો એટલા ભયમુક્ત હોવા જોઇએ કે દેશની સર્વોચ્ચ વ્યક્તિ પણ ભૂલ કરે તો નબળામાં નબળો વ્યક્તિ પણ એ દિશામાં અંગૂલીનિર્દેશ કરવા સક્ષમ હોવો જોઇએ. તેઓ વારંવાર કહેતા કે ‘કોઇ પણ નહીં, દેશના પ્રધાનમંત્રી પણ દેશના કાયદાથી પર ના હોવો જોઇએ.’
તેમન માટે સત્ય જ શ્રેષ્ઠ રહ્યું હતું. તેમણે પોતાના સિદ્ધાંતોને કદી પરિસ્થિતિને વશ નહોતા થવા દીધા. અત્યંત વિકટ સંજોગોમાં પણ તેઓ પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા હતા. તેઓ પોતે જ કહેતા હતા કે “પ્રત્યેકે જીવનમાં સત્ય અને શ્રદ્ધા મુજબ વ્યવહાર કરવો જોઇએ.”