શ્રી પી.વી.નરસિંહા રાવનો જન્મ 25 જૂન, 1921ના રોજ કરીમનગર ખાતે શ્રી પી. રંગારાવને ત્યાં થયો હતો. તેઓએ ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, મૂંબઇ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. વિધુર બનેલા શ્રી પી.વી. નરસિંહા રાવ ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓના પિતા હતા.
ખેડૂત અને ધારાશાસ્ત્રી હોવા સાથે તેઓ રાજકારણમાં જોડાયા હતા અને અનેક મહત્વના પદો સંભાળ્યા હતા. તેઓ આંધ્ર પ્રદેશ સરકારમાં કાયદા અને માહિતી મંત્રી, 1964-67 દરમિયાન કાયદામંત્રી, 1967માં આરોગ્ય અને ઔષધમંત્રી અને 1968-71 દરમિયાન શિક્ષણમંત્રી રહ્યા હતા. 1971થી 73 દરમિયાન તેમણે આંધ્ર પ્રદેશનું મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતુ. 1975-76 દરમિયાન અખિલ ભારત કોંગ્રેસ સમિતિના મહામંત્રી, 1968-74 દરમિયાન આંધ્રની તેલુગુ અકાદમીના અધ્યક્ષ, 1972થી દક્ષિણ ભારત હિન્દી પ્રખર સભાના ઉપાધ્યક્ષપદે પણ સેવા આપી હતી. 1957-77 દરમિયાન આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય રહ્યા બાદ 1977-84 દરમિયાન લોકસભાના સભ્ય બન્યા હતા. ડિસેમ્બર 1984માં તેઓ રામટેક બેઠક પરથી આઠમી લોકસભામાં પહોંચ્યા હતા. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની (1978-79) રૂએ તેમણે લંડન યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ એશિયન એન્ડ આફ્રિકા સ્ટડિઝ દ્વારા અયોજિત દક્ષિણ એશિયાની અંગેની પરિષદમાં પણ ભાગ લીધો હતો. શ્રી રાવે ભારતીય વિધાભવનના આંધ્ર કેન્દ્રનું અધ્યક્ષપદપણ સંભાળ્યું હતું. 14 જાન્યુઆરી 1980થી 18 જુલાઇ 1984 દરમિયાન વિદેશમંત્રીપદ , 19 જુલાઇ 1984થી 31 ડિસેમ્બર 1984 દરમિયાન ગૃહમંત્રીપદ તેમજ 31 ડિસેમ્બર, 1984થી 25 સપ્ટેમ્બર 1985 દરમિયાન સરંક્ષણ મંત્રીપદ પણ સભાળ્યું હતું. ત્યાર બાદ 25 સપ્ટેમ્બર, 1985ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રીપદનો હવાલો સંભાળ્યો હતો.
તેઓ સંગીત, સિનેમા અને નાણાક્ષેત્રે પણ રૂચિ ધરાવતા હતા. ભારતીય દર્શન અને સંસ્કૃતિ, નવલકથા અને રાજકિય ટીપ્પણીઓનું લેખનકાર્ય, ભાષા અભ્યાસ, તેલુગુ અને હિન્દીમાં કવિતા લેખન અને સાહિત્ય તેમની રૂચિના ખાસ વિષય હતા. શ્રી વિશ્વનાથ સત્યનારાયણનની પ્રસિદ્ધ તેલુગુ નવલકથા ‘વેચીપદાગાલુ’ તેમણે કરેલા હિન્દી અનુવાદ ‘સહસ્ત્રકણા’નું પ્રકાશન જ્ઞાનપીઠ દ્વારા થયું હતું. પી.વી. નરસિંહા રાવ મરાઠી લેખક હરિનારાયણ આપ્ટેની પ્રસિદ્ધ નવલકથા ‘પણ લક્ષાત કોણ ઘેતા’ના પોતે કરેલા તેલુગુ અનુવાદ ‘અબલા જીવીતમ’ના પ્રકાશનમાં પણ સફળતા મેળવી હતી. કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ આ અનુવાદ પ્રકાશિત કર્યો હતો. તેમણે અન્ય જાણિતી કૃતિઓનું પણ મરાઠીમાંથી તેલુગુ અને તેલુગુમાંથી હિન્દી અનુવાદ કર્યું હતું. તેમના પેન નેમથી અનેક સામાયિકોમા લેખો પણ પ્રકાશિત થયાં હતા. રાજ્યશાસ્ત્ર અને સંબંધિત વિષયો તેમણે અમેરિકા અને પશ્ચિમ જર્મનીની યુનિવર્સિટીમાં વ્યાખાનો પણ આપ્યા હતા. વિદેશમંત્રી તરીકે તેમણે 1974માં બ્રિટન, પશ્ચિમ જર્મની, સ્વીટ્ઝર્લેન્ડ, ઇટાલી અને ઇજીપ્તનો પ્રવાસ ખેડ્યો હતો.
વિદેશમંત્રીના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન શ્રી રાવ આંતરરાષ્ટ્રીય કૂટનિતીના ક્ષેત્રમાં પોતાની શૈક્ષીક પૃષ્ઠભૂમિ તેમજ રાજનૈતિક તથા વહીવટી અનુભવનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો. પ્રભાર સંભાળ્યાને થોડા જ દિવસોમાં તેમણે જાન્યુઆરી 1980માં નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યૌગિક વિકાસ સંગઠનના તૃતિય સંમેલનની અધ્યક્ષતા કરી. તેમણે માર્ચ 1980માં ન્યૂયોર્કમાં જી-77 બેઠકની અધ્યક્ષતા કરી. ફેબ્રુઆરી 1981માં બિનજોડાણવાદી દેશોના વિદેશમંત્રીઓના સંમેલનમાં તેમની ભૂમિકા માટે શ્રી રાવે આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓમાં વ્યક્તિગત રૂપથી વિશેષ રસ દર્શાવ્યો હતો. વ્યક્તિગત રૂપથી મે, 1981માં કરાકાસમાં ઇસીડીસી પર જી-77ના સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
વર્ષ 1982 અને 1983 ભારત અને તેની વિદેશ નીતિ માટે ખાસ મહત્વપૂર્ણ હતા. ખાડી યુદ્ધ દરમિયાન બિનજોડાણવાદી અભિયાનનું સાતમું સંમેલન ભારતમાં થયું. તેની અધ્યક્ષતા શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કરી, વર્ષ 1982માં જ્યારે ભારતને તેની યજમાની કરવા માટે કહેવામાં આવ્યું અને તેના પછીના વર્ષે જયારે વિભિન્ન દેશોના રાજ્ય અને શાસનાધ્યાક્ષો વચ્ચે આંદોલન સંબંધિત અનૌપચારિક વિચાર માટે ન્યુયોર્કમાં બેઠક કરવામાં આવી, ત્યારે શ્રી પી.વી. નરસિંહ રાવે બિન જોડાણવાદી રાષ્ટ્રોના વિદેશ મંત્રીઓ સાથે નવી દિલ્હી અને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં થનારી બેઠકોની અધ્યક્ષતા કરી હતી.
શ્રી રાવ વિશેષ બિનજોડાણવાદી દેશોના મિશનના નેતા હતા અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનની સમસ્યાઓ ઉકેલવા નવેમ્બર, 1983માં પશ્ચિમ એશિયાના દેશોની મુલાકાત પણ લીધી હતી. નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળના વડાઓની મળેલી બેઠક અને એ બેઠક દ્વારા સાયપ્રસના પ્રશ્ને રચાયેલા એકશન ગ્રૂપ સાથે પણ શ્રી રાવ સક્રિયપણે સંડોવાયેલા રહ્યા હતા.
ભારતના વિદેશમંત્રી હોવાની રૂએ નરસિંહા રાવે સંખ્યાબંધ પંચનું અધ્યક્ષપદ પણ સંભાળ્યું હતું. તેમાં અમેરિકા, રશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇરાન, વિયેતનામ, તાન્ઝાનિયા અને ગુઆના સાથેના સંયુક્ત પંચોનો સમાવેશ થાય છે.
19 જુલાઇ, 1984ના રોજ નરસિંહા રાવે ગૃહમંત્રીનો પદબાર સંભાળ્યો હતો. પાંચ નવેમ્બર, 1984ના રોજ આ પદ પર પુન: નિમણૂક સાથે તેમણે આયોજન પંચનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. 31 ડિસેમ્બર, 1984થી 25 સપ્ટેમ્બર 1985 દરમિયાન તેમણે સરંક્ષણમંત્રીનું પદ પણ સંભાળ્યું હતુ. 25 સપ્ટેમ્બર 1985ના રોજ તેમને માનવવિકાસ સંસાધન મંત્રીનું પદ સંભાળ્યું હતું.