Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ડો. મનમોહન સિંઘ

May 22, 2004 - May 26, 2014 | Indian National Congress

ડો. મનમોહન સિંઘ


ભારતના ચૌદમા વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને એક વિચારક અને વિદ્વાન તરીકે યોગ્ય રીતે વખાણવામાં આવ્યા હતા. તેમને તેમના ખંત, કાર્ય પ્રત્યે શૈક્ષણિક અભિગમ, સુલભતા અને નમ્ર વર્તન માટે યાદ કરવામાં આવશે.

અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. ડો. સિંઘે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિવર્સિટી પહોંચાડ્યા હતા. 1957માં આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડિ.ગ્રી મેળવી હતી. તે પછી ડો. સિંઘે 1962માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નુફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં જ ડી. ફિલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાના પુસ્તક ‘ ઇન્ડીયાસ અક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેઇન્ડ ગ્રોથ’ (ક્લારેન્ડ્ન પ્રેસ, ઓક્સફોર્ડ, 1964)માં તેમણે ભારતની આંતરલક્ષી (ઇનવર્ડ ઓરિએન્ટેડ) વેપારનીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો. આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે ‘અંકટાડ’ (UNCTAD) મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ 1987થી 1990 દરમિયાન સાઉથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઇ હતી.

1971માં ડો.સિંઘ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના આર્થિક સલાહકાર પદે જોડાયા હતા. તે પછી તરત 1972માં તેમની નિમણૂક નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકારપદે થઇ હતી. ડો. મનમોહનસિંઘ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વબેન્કના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્વના પદ સંભાળી ચૂક્યા છે.

સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસને વળાંક આપવાની ઘડીએ 1991 થી 1996 વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી પદે સેવા આપી હતી. આર્થિક સુધારાઓની સર્વાંગીનીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને વિશ્વભરમાં માન્યતા મળેલી છે. ભારતનો આ સમયગાળો ડો.સિંઘ સાથે સંકળાયેલો રહ્યો હતો.

ડૉ.સિંઘે તેમના જીવનકાળ દરમિયાન અનેક પુરસ્કારો અને સન્માન મેળવ્યા. આમાં સૌથી મુખ્ય છે ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ વિભૂષણ (1987), ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કાર (1995), નાણા મંત્રી માટે એશિયા મની એવોર્ડ (1993 અને 1994), નાણા મંત્રી પુરસ્કાર માટે યુરો મની એવોર્ડ (1993). 1993), કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એડમ સ્મિથ પુરસ્કાર (1956), અને સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ (1955) ખાતે વિશિષ્ટ પ્રદર્શન માટે રાઈટ પુરસ્કાર.

અનેક આંતકરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 1993માં તેમણે સાયપ્રસ ખાતે મળેલા કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ બેઠકમાં ભારતના પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. એજ રીતે 1993માં વિયેના ખાતે મળેલી હ્યુમન રાઇટ્સ વર્લ્ડ કોન્ફરન્સમાં પણ ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું.

ડો. સિંઘની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો 1991થી તેઓ રાજ્યસભાનું સભ્યપદ ધરાવે છે. 1998 અને 2004માં તેઓએ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાનું પદ પણ સભાળ્યું હતું. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી 22મી મે ના રોજ ડો.મનમોહનસિંઘે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 22 મે 2009ના રોજ બીજી મુદત માટે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.

તેમના પરિવારમાં તેમની પત્ની શ્રીમતી ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે.