પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે પારદર્શિતા અને જવાબદારી કોઈપણ પ્રજા તરફી સરકારની બે આધારશીલા છે. પારદર્શિતા અને જવાબદારી પ્રજાને સરકાર સાથે વધુ ગાઢ રીતે જોડે છે. એટલું જ નહિ પણ લોકોને નિર્ણયો લેવાની પ્રક્રિયામાં સમાન તથા આંતરિક ભાગરૂપ બનાવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના વિક્રમરૂપ ચાર ચાર કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ એક ખુલ્લી અને પારદર્શી સરકાર પ્રત્યે મક્કમ પ્રતિબધ્ધતા દર્શાવી હતી. સરકારના નિયમો અને નીતિઓ વાતાનુકુલિત ચેમ્બરોમાં નહિ પણ લોકોની વચ્ચે રહીને ઘડાયા હતા. નીતિઓના મુસદ્દા વિશે લોકોના પ્રતિભાવ અને સૂચનો મેળવવાના આશયથી ઓનલાઈન મુકતા હતા. તેની સાથોસાથ વિકાસના લાભો કોઈપણ વિલંબ વગર સીધેસીધા મળે તેનું ધ્યાન ગરીબ કલ્યાણ મેળાઓ જેવી પહેલ મારફત રખાયું હતું. આવું જ એક અન્ય ઉદાહરણ નમૂનારૂપ ‘એક દિવસનું શાસન’ છે, જેમાં ઈ-ગવર્નન્સના આંતરમાળખાનો ઘનિષ્ટ ઉપયોગ કરી નાગરિકોને સમયબદ્ધ સેવાઓ પૂરી પાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોના ચાર્ટર હેઠળ સરકારથી નાગરીકો તરફની તમામ સેવાઓને આવરી લેવાની જોગવાઈ સુનિશ્ચિત કરવાનો હતો.
પારદર્શિતા માટેનો એમનો મક્કમ નિર્ધાર તથા આ માટેની પ્રતિબદ્ધતાને પ્રત્યક્ષ વ્યવહારમાં મુકવાની એમની રીત, ભારતની પ્રજા માટે એક ખુલ્લી, પારદર્શી અને પ્રજાને કેન્દ્રમાં રાખનારી સરકારના યુગનો સંકેત પૂરો પાડે છે.