Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને માલદીવ્સ વચ્ચે દીર્ઘકાલિન શહેરી વિકાસના ક્ષેત્રમાં સહકાર માટેના સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકારના આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય (MoHUA) અને માલદીવ્સ સરકારના રાષ્ટ્રીય આયોજન, આવાસ અને માળખાકીય સુવિધા મંત્રાલય વચ્ચે દીર્ઘકાલિન શહેરી વિકાસના ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ માટેના સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપી છે. આ કરાર પર ફેબ્રુઆરી 2021માં બંને પક્ષોએ હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી કરારના માળખા અંતર્ગત સહકાર માટેના કાર્યક્રમોની વ્યૂહનીતિ ઘડવા અને તેના અમલીકરણ માટે એક સંયુક્ત કામગીરી સમૂહ (JWG)ની રચના કરવામાં આવશે. સંયુક્ત કામગીરી સમૂહની બેઠક એકાંતર વર્ષે માલદીવ્સ અને ભારતમાં વાર્ષિક ધોરણે યોજાશે.

લાભો:

આ સમજૂતી કરારથી બંને દેશો વચ્ચે દીર્ઘકાલિન શહેરી વિકાસના ક્ષેત્રમાં મજબૂત, ઘનિષ્ઠ અને લાંબાગાળાનો દ્વિપક્ષીય સહકાર સ્થાપિત કરવાનું પ્રોત્સાહન આપી શકાશે. આ MoUના કારણે શહેરી આયોજન, સ્માર્ટ સિટી વિકાસ, ઘન કચરાના વ્યવસ્થાપન, પરવડે તેવા આવાસ, શહેરી હરિત પરિવહન, શહેરી સામુહિક ઝડપી પરિવહન સહિતના દીર્ઘકાલિન શહેરી વિકાસના ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થવાની પણ અપેક્ષા છે.

વિગતો:

આ સમજૂતી કરાર બંને પક્ષોએ જે તારીખે એટલે કે 20 ફેબ્રુઆરી 2021ના રોજ તેના પર હસ્તાક્ષર કર્યા તે દિવસથી અમલમાં આવ્યો છે અને તે સદાકાળ સુધી અમલમાં રહેશે.

MoUનો મૂળ ઉદ્દેશ શહેરી આયોજન, સ્માર્ટ સિટી વિકાસ, ઘન કચરાના વ્યવસ્થાપન, પરવડે તેવા આવાસ, શહેરી હરિત પરિવહન, શહેરી સામુહિક ઝડપી પરિવહન અને કરાર પર હસ્તાક્ષર કરનારા બંને પક્ષોના પારસ્પરિક હિતોના અન્ય સંબંધિત ક્ષેત્રો સહિત દીર્ઘકાલિન શહેરી વિકાસના ક્ષેત્રમાં ભારત- માલદીવ્સ વચ્ચે ટેકનિકલ સહયોગ પૂરો પાડવાનો અને તેને વધુ મજબૂત બનાવવાનો છે.