Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આસામમાં ઓઇલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તથા ઇજનેરી કોલેજોનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ આસામમાં ઓઇલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તથા ઇજનેરી કોલેજોનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં બોંગાઈગાંવમાં ઇન્ડિયન ઓઇલની રિફાઇનરીમાં ઇન્ડમેક્સ યુનિટ, દિબ્રુગઢમાં મધુબન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડની સેકન્ડરી ટેંક ફાર્મ અને ધેમાજીમાંથી રિમોટલી હેબડા ગામ, માકુમ, તિનસુકિયામાં ગેસ કમ્પ્રેસ્સર સ્ટેશન દેશને અર્પણ કર્યા હતા. તેમણે આસામમાં ધેમાજી ઇજનેરી કોલેજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું અને સુઆલકુચી ઇજનેરી કોલેજનો શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખી, આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા રાજ્ય કક્ષાના કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી શ્રી રામેશ્વર તેલી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ એક જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, પૂર્વોત્તર ભારત દેશનું નવું વિકાસ એન્જિન બનશે અને તેમને આસામના લોકો માટે વધારે કામ કરવાની પ્રેરણા મળી છે. બ્રહ્મપુત્રમાં નોર્થ બેંકે જોયમોતી ફિલ્મ સાથે આઠ દાયકા અગાઉ અસમીસ સિનેમાને કેવી રીતે જન્મ આપ્યો હતો એ વાતને તેમણે યાદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ વિસ્તારે ઘણા મહાનુભાવોની ભેટ ધરી છે, જેમણે આસામની સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આસામના સંતુલિત વિકાસ માટે ખભેખભો મિલાવીને કામ કરે છે તથા એમાંથી મોટા ભાગની કામગીરી રાજ્યની માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત છે.

પ્રધાનમંત્રીએ વિપક્ષની ટીકા કરતાં જણાવ્યું હતું કે, નોર્થ બેંકમાં ઊંચી સંભવિતતા રહી હોવા છતાં અગાઉની સરકારોએ આ વિસ્તાર સાથે ઓરમાન માતા જેવો વ્યવહાર કર્યો હતો તથા અહીં કનેક્ટિવિટી, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના મંત્ર પર કામ કરી રહી છે તથા કોઈ પણ પ્રકારના ભેદભાવનો અંત લાવી રહી છે. તેમણે વધુમાં આસામમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી, જેનો શુભારંભ સરકારે કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, આજે આ વિસ્તારમાં રૂ. 3000 કરોડથી વધારે મૂલ્યના ઊર્જા અને શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ વિસ્તારની ઊર્જા અને શિક્ષણના કેન્દ્ર તરીકેની ઓળખને વધારે મજબૂત કરશે તેમજ આસામના પ્રતીક સ્વરૂપે કામ કરશે.

પ્રધાનમંત્રીએ ભારતની આત્મનિર્ભર બનવાની, પોતાની ક્ષમતા અને તાકાત વધારવાની સતત જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં રિફાઇનિંગ ક્ષમતામાં મોટો વધારો થયો છે, ખાસ કરીને બોંગાઇગાંવ રિફાઇનરીમાં.

તેમણે ઉમેર્યું હતું કે, આજે શરૂ થયેલો ગેસ એકમનો પ્લાન્ટ એલપીજીના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરશે તથા આસામ અને પૂર્વોત્તર ભારતમાં લોકો માટે જીવનને સરળ બનાવશે. એનાથી આ વિસ્તારના યુવાનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.

તેમણે કહ્યું હતું કે, સરકારે ઉજ્જવલા યોજના દ્વારા રસોડાઓમાં લાકડાના ધુમાડાના કારણે ઊભી થતી મુશ્કેલીઓમાંથી ગરીબ બહેનો અને દિકરીઓને મુક્ત કરાવી છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે આસામમાં ગેસ કનેક્ટિવિટી લગભગ 100 ટકા છે. તેમણે અન્ય એક બાબતે ધ્યાન દોર્યું હતું કે, ચાલુ વર્ષના યુનિયન બજેટમાં 1 કરોડ ગરીબ બહેનોને નિઃશુલ્ક ઉજ્જવલા એલપીજી જોડાણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગેસના જોડાણ, વીજળીના જોડાણ અને ખાતરના અભાવે સૌથી વધુ માઠી અસર ગરીબ લોકોને થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના સાત દાયકા પછી પણ વીજળીના પુરવઠાથી વંચિત 18,000 ગામડાઓમાંથી મોટા ભાગના આસામ અને પૂર્વોત્તર ભારતમાં હતા તથા સરકારે આ સ્થિતિને સુધારવા માટે કામ કર્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રદેશમાં કેટલાંક ખાતર ઉદ્યોગો બંધ થઈ ગયા હતા અથવા ગેસના પુરવઠાના અભાવે માંદા જાહેર થયા હતા, જેની માઠી અસર ગરીબો, જરૂરિયાતમંદો અને મધ્યમ વર્ગને થઈ હતી.

શ્રી મોદીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઊર્જા ગંગા યોજના અંતર્ગત પૂર્વ ભારત દુનિયાના સૌથી મોટા ગેસ પાઇપલાઇન નેટવર્ક પૈકીના એક સાથે જોડાઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતને વેગ આપવામાં મોટી સંખ્યામાં આપણા પ્રતિભાસંપન્ન વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનિશિયનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અમે દેશમાં એવું વાતાવરણ ઊભું કરવા માટે કામ કરી રહ્યાં છીએ, જેમાં દેશના યુવાનો સ્ટાર્ટઅપ્સ સાથે સમસ્યાઓનું સમાધાન કરી શકે. અત્યારે આખી દુનિયા ભારતના ઇજનેરોને તેમની પ્રતિભાના બળે ઓળખે છે. આસામના યુવાનો જબરદસ્ત સંભવિતતા ધરાવે છે. રાજ્ય સરકાર પણ આ ક્ષમતામાં વધારો કરવા મહેનત કરી રહી છે. આસામની સરકારના પ્રયાસોને કારણે અત્યારે રાજ્યમાં 20થી વધારે ઇજનેરી કોલેજો છે. આજે ધેમાજી એન્જિનીયરિંગ કોલેજનું ઉદ્ઘાટન અને સુઆલકુચી એન્જિનીયરિંગ કોલેજનો શિલાન્યાસ થવાથી આ ક્ષમતામાં વધારો થયો છે. તેમણે જાહેરાત કરી હતી કે, હજુ વધુ ત્રણ ઇજનેરી કોલેજ પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આસામની સરકાર વહેલામાં વહેલી તકે નવી શિક્ષણ નીતિનો અમલ કરવા પ્રયાસરત છે. એનાથી આસામના લોકોને લાભ થશે, ખાસ કરીને ચાના બગીચામાં કામ કરતાં કામદારોના બાળકો, અનુસૂચિત જનજાતિઓના બાળકોને, કારણ કે શિક્ષણનું માધ્યમ સ્થાનિક ભાષા હશે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે આસામ ચા, હાથવણાટ અને પ્રવાસન માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આત્મનિર્ભરતા આસામના લોકોની ક્ષમતા અને તાકાતમાં વધારો કરશે. ચાનું ઉત્પાદન આત્મનિર્ભર આસામના વિઝનને મજબૂત કરશે. તેમણે કહ્યું હતું કે, જ્યાં યુવાનો શાળા અને કોલેજમાં આ કુશળતાઓ શીખે છે, ત્યાં આત્મનિર્ભરતાનું વિઝન આશીર્વાદરૂપ બનશે અને મોટો લાભ પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં જનજાતિ વિસ્તારોમાં સેંકડો નવી એકલવ્ય શાળાઓ ખોલવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી આસામને પણ લાભ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર આસામમાં ખેડૂતોની સંભવિતતા અને તેમની આવક વધારવા માટે સંયુક્તપણે કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે મત્સ્યપાલન ક્ષેત્રમાં ખેડૂતો માટે રૂ. 20000 કરોડની એક મુખ્ય યોજના બનાવી છે, જેમાંથી આસામના લોકોને પણ લાભ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર આસામમાં ખેડૂતોના ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા પ્રયાસરત છે. તેમણે કહ્યું હતું કે, નોર્થ બેંકના ચાના બગીચાઓ આસામના અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

તેમણે ચાના નાનાં ઉત્પાદકોને જમીન ભાડાપટ્ટે આપવા માટે શરૂ કરેલા અભિયાન બદલ આસામ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આસામમાં લોકોની જરૂરિયાત હવે વિકાસ અને પ્રગતિના એન્જિનને બમણી કરવાની છે.

SD/GP/BT