Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વિશ્વભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રીમાન જગદીપ ધનખડજી, વિશ્વ ભારતીના ઉપ કુલપતિ પ્રોફેસર બિદ્યૂત ચક્રવર્તીજી, શિક્ષક ગણ, કર્મચારી ગણ અને મારા ઊર્જાવાન યુવા સાથીઓ!

ગુરુદેવ રબિન્દ્રનાથ ટાગોરે જે અદભૂત ધરોહર માં ભારતીને સોંપી છે, તેનો એક ભાગ બનવું, આપ સૌ સાથીઓ સાથે જોડાવું એ મારી માટે પ્રેરણાદાયક પણ છે, આનંદદાયક પણ છે અને એક નવી ઉર્જા ભરનારું પણ છે. સારું થાત કે હું આ પવિત્ર માટી પર જાતે પોતે આવીને તમારી વચ્ચે સહભાગી થઈ શકત. પરંતુ જે રીતના નવા નિયમોમાં જીવવું પડી રહ્યું છે અને એટલા માટે હું આજે રૂબરૂ ના આવીને, દૂરથી જ ભલે, પરંતુ આપ સૌને પ્રણામ કરું છું, આ પવિત્ર માટીને પ્રણામ કરું છું. આ વખતે તો કેટલાક સમયના અંતરાલ પર મને બીજી વખત આ અવસર પ્રાપ્ત થયો છે. તમારા જીવનના આ મહત્વપૂર્ણ અવસર પર આપ સૌ યુવા સાથીઓને, માતાપિતાને, ગુરુજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અનેક અનેક શુભકામનાઓ આપું છું.

સાથીઓ,

આજે બીજો પણ એક ખૂબ જ પવિત્ર અવસર છે, ઘણો પ્રેરણાનો દિવસ છે. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી છે. હું તમામ દેશવાસીઓને, છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરજીએ શિવાજી ઉત્સવના નામે વીર શિવાજી પર એક કવિતા લખી હતી. તેમણે લખ્યું હતું-

કોન્ દૂર શતાબ્દેર

કોન્ એક અખ્યાત દિબસે

નાહી જાની આજિ, નાહિ જાનિ આજિ,

મારાઠાર કોન્ શોએલે અરણ્યેર

અંધકારે બસે

હે રાજા શિબાજી,

તબ ભાલ ઉદભાસિયા એ ભાબના તડિત્પ્રભાબત્

એસેછિલ નામિ-

“એકધર્મ રાજ્યપાશે ખંડ

છિન્ન બિખિપ્ત ભારત

બેંધે દિબ આમિ.”

એટલે કે

એક સદી કરતાં પણ પહેલા કોઈ એક અનામ દિવસે, હું તે દિવસને આજે નથી જાણતો કોઈ પર્વતની ઊંચાઈ પરથી, કોઈ ઘણ વનમાં, ઓહ રાજા શિવાજી, શું આ વિચાર તમને કોઈ એક વીજળીના ચમકારની જેમ આવી ગયો હતો? શું આ વિચાર આવ્યો હતો કે છિન્ન ભિન્ન આ દેશની ધરતીને એકસૂત્રમાં પરોવવાની છે? શું મારે તેની માટે મારી જાતને સમર્પિત કરવાની છે? આ પંક્તિઓમાં છત્રપતિ વીર શિવાજી પાસેથી પ્રેરણા લઈને ભારતની એકતા, ભારતને એક સૂત્રમાં પરોવવાનું આહવાહન હતું. દેશની એકતાને મજબૂત કરનારી આ ભાવનાઓને આપણે ક્યારેય ભૂલવાની નથી. ક્ષણે ક્ષણે, જીવનના દરેક પગલાં પર દેશની એકતા અખંડતાના આ મંત્રને આપણે યાદ પણ રાખવાનો છે, આપણે જીવવાનો પણ છે. આ જ તો ટાગોરનો આપણને સંદેશ છે.

સાથીઓ,

તમે માત્ર એક વિશ્વ વિદ્યાલયનો જ ભાગ નથી પરંતુ એક જીવંત પરંપરાના વાહક પણ છો. ગુરુદેવ જો વિશ્વ ભારતીને માત્ર એક યુનિવર્સિટીના રૂપમાં જોવા માંગતા હોત તો તેઓ આને ગ્લોબલ અથવા કોઈ બીજું નામ પણ આપી શકતા હતા. પરંતુ તેમણે આને વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય નામ આપ્યું. તેમણે કહ્યું હતું- “વિશ્વ ભારતી એ ભારતની સર્વ શ્રેષ્ઠ સંસ્કૃતિનું આતિથ્ય અન્યોને આપવા અંગેની પોતાની જવાબદારી અને અન્ય લોકો પાસેથી તેમની શ્રેષ્ઠતમ બાબતોનો સ્વીકાર કરવા માટેનો પોતાનો અધિકાર સ્વીકારે છે.”

ગુરુદેવની વિશ્વ ભારતી પાસેથી એવી અપેક્ષા હતી કે અહિયાં જે શીખવા આવશે તે સંપૂર્ણ દુનિયાને ભારત અને ભારતીયતાની દ્રષ્ટિએ જોશે. ગુરુદેવનું આ મોડલ બ્રહ્મ, ત્યાગ અને આનંદના મૂલ્યોમાંથી પ્રેરણા પ્રાપ્ત હતું. એટલા માટે તેમણે વિશ્વ ભારતને શીખવા માટેનું એક એવું સ્થળ બનાવ્યું કે જે ભારતની સમૃદ્ધ ધરોહરને આત્મસાત કરે, તેની પર સંશોધન કરે અને ગરીબમાં ગરીબની સમસ્યાઓના સમાધાન માટે કામ કરે. આ સંસ્કાર હું પહેલા અહીંથી નીકળેલા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓમાં પણ જોઉં છું અને તમારી પાસેથી પણ દેશને આ જ અપેક્ષા છે.

સાથીઓ,

ગુરુદેવ ટાગોર માટે વિશ્વ ભારતી માત્ર જ્ઞાન આપનારી, જ્ઞાન પીરસવાવાળી એક સંસ્થા માત્ર નહોતી. આ એક પ્રયાસ છે ભારતીય સંસ્કૃતિના શીર્ષસ્થ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો, કે જેને આપણે કહીએ છીએ – સ્વયંને પ્રાપ્ત કરવું. જ્યારે તમે તમારા કેમ્પસમાં બુધવારે ‘ઉપાસના’ માટે એકત્રિત થાવ છો, તો સ્વયં સાથે જ સાક્ષાત્કાર કરો છો. જ્યારે તમે ગુરુદેવ દ્વારા શરૂ કરવામાં આવેલ સમારોહોમાં જોડાવ છો, તો પોતાની જાત સાથે જ સાક્ષાત્કાર કરવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. જ્યારે ગુરુદેવ કહે છે-

આલો અમાર

આલો ઓગો

આલો ભુબન ભારા’

તો આ તે પ્રકાશ માટે જ આહવાહન છે કે જે આપણી ચેતનાને જાગૃત કરે છે. ગુરુદેવ ટાગોર માનતા હતા, કે વિવિધતાઓ રહેશે, વિચારધારાઓ રહેશે, આ બધાની સાથે જ આપણે પોતાની જાતને પણ શોધવાની રહેશે. તેઓ બંગાળ માટે કહેતા હતા-

બાંગલાર માટી,

બાંગલાર જોલ,

બાંગલાર બાયુ, બાંગલાર ફોલ,

પુણ્યો હૌક

પુણ્યો હૌક 

પુણ્યો હૌક 

હે ભોગોબન..

પરંતુ સાથે સાથે જ તેઓ ભારતની વિવિધતાનું પણ ગૌરવગાન ખૂબ ભાવ સાથે કરતાં હતા. તેઓ કહેતા હતા-

હે મોર ચિત્તો પુણ્યો તીર્થે જાગો રે ધીરે,

ઇ ભારોતેર મહામનોબેર સાગોરો – તીરે,

હેથાય દારાએ દુ બાહુ બારાએ નમો

નરોદે બોતારે,

અને આ ગુરુદેવનું જ વિશાળ વિઝન હતું કે શાંતિનિકેતનના ખુલ્લા આકાશ હેઠળ તેઓ વિશ્વ માનવને જોતાં હતા.

એશો કર્મી, એશો જ્ઞાની,

એ શો જનકલ્યાણી, એશો તપશરાજો હે!

એશો હે ધીશક્તિ શંપદ મુક્તાબોંધો શોમાજ હે!

હે શ્રમિક સાથીઓ, હે જાણકાર સાથીઓ, હે સમાજ સેવીઓ, હે સંતો, સમાજના તમામ જાગૃત સાથીઓ, આવો સમાજની મુક્તિ માટે સાથે મળીને પ્રયાસ કરીએ. તમારા કેમ્પસમાં જ્ઞાન પ્રાપ્તિ માટે એક ક્ષણ પણ વિતાવનારનું સૌભાગ્ય છે કે તેને ગુરુદેવનું આ વિઝન પ્રાપ્ત થાય છે.

સાથીઓ,

વિશ્વ ભારતી તો પોતાનામાં જ જ્ઞાનનો તે ઉન્મુક્ત સમુદ્ર છે, જેનો પાયો જ અનુભવ પર આધારિત શિક્ષણ માટે નાખવામાં આવ્યો છે. જ્ઞાનની, રચનાત્મકતાની કોઈ સીમા નથી હોતી, એ જ વિચારધારા સાથે ગુરુદેવે આ મહાન વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી. તમારે એ પણ હંમેશા યાદ રાખવું પડશે કે જ્ઞાન, વિહકાર અને કૌશલ્ય સ્થગિત નથી, પથ્થરની જેમ નથી, સ્થિર નથી, જીવંત છે. તે સતત ચાલનારી પ્રક્રિયા છે અને તેમાં કોર્સ કરેક્શનની શક્યતા પણ હંમેશા રહેવાની છે પરંતુ જ્ઞાન અને શક્તિ બંને જવાબદારીની સાથે આવે છે.

જે રીતે સત્તામાં રહીને સંયમ અને સંવેદનશીલ રહેવું પડે છે, રહેવું જરૂરી હોય છે એ જ રીતે દરેક વિદ્વાને, દરેક જાણકારે પણ તેમના પ્રત્યે જવાબદાર રહેવું પડે છે કે જેમની પાસે તે શક્તિ નથી. તમારું જ્ઞાન માત્ર તમારું જ નથી પરંતુ સમાજની, દેશની, અરે ભાવિ પેઢીઓની પણ તે ધરોહર છે. તમારું જ્ઞાન, તમારું કૌશલ્ય, એક સમાજને, એક રાષ્ટ્રને, ગૌરવાન્વિત પણ કરી શકે છે અને તે સમાજને બદનામી અને બરબાદીના અંધકારમાં પણ ધકેલી શકે છે. ઇતિહાસ અને વર્તમાનમાં આવા અનેક ઉદાહરણો છે.

તમે જુઓ, જેઓ દુનિયામાં આતંક ફેલાવી રહ્યા છે, જેઓ દુનિયામાં હિંસા ફેલાવી રહ્યા છે, તેમાં પણ કેટલાય ઉચ્ચ શિક્ષણ મેળવેલા, ઉચ્ચ અભ્યાસ કરેલ, શ્રેષ્ઠતમ કૌશલ્ય ધરાવતા લોકો છે. બીજી બાજુ એવા પણ લોકો છે કે જેઓ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી દુનિયાને મુક્તિ અપાવવા માટે દિવસ રાત પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. દવાખાનાઓમાં લાગેલા રહે છે, પ્રયોગશાળાઓમાં મંડેલા રહ્યા છે.

આ માત્ર એક વિચારધારાનો જ પ્રશ્ન નથી, મૂળ વાત તો માનસિકતાની છે. તમે શું કરો છો, તે આ વાત ઉપર પણ નિર્ભર કરે છે કે તમારી માનસિકતા કેટલી હકારાત્મક છે કે નકારાત્મક છે. સંભાવનાઓ બંને માટે છે, રસ્તાઓ બંને માટે ખુલ્લા છે. તમે સમસ્યાનો ભાગ બનવા માંગો છો કે પછી સમાધાનનો તે નક્કી કરવું આપણાં હાથમાં હોય છે. જો આપણે એ જ શક્તિ, એ જ સામર્થ્ય, એ જ બુદ્ધિ, એ જ વૈભવને સત્કાર્ય માટે લગાવશો તો પરિણામ એક મળશે, દુષ્કર્મો માટે લગાવશો તો પરિણામ બીજું મળશે. જો આપણે માત્ર આપણું પોતાનું જ હિત જોઈશું તો આપણે હંમેશા ચારેય બાજુ મુસીબતો જ જોતાં આવીશું, સમસ્યાઓ જોતાં જઈશું, નારાજગી જોતાં જઈશું, આક્રોશ જોવા મળશે.

પરંતુ જો તમે તમારી જાતથી ઉપર ઊઠીને તમારા સ્વાર્થથી ઉપર ઊઠીને રાષ્ટ્ર પહેલાના અભિગમ સાથે આગળ વધશો તો તમને દરેક સમસ્યાની વચ્ચેથી પણ ઉપાય શોધવાનું મન થશે, ઉકેલ જોવા મળશે. ખરાબ શક્તિઓમાં પણ તમને સારપ શોધવાનું, તેમાંથી સારામાં પરિવર્તિત કરવાનું મન થશે, અને તમે સ્થિતિઓ બદલશો પણ, તમે પોતે પણ પોતાની જાતમાં એક ઉકેલ બનીને બહાર આવશો.

જો તમારી નીતિ સપષ્ટ છે અને નિષ્ઠા મા ભારતી પ્રત્યે છે, તો તમારો દરેક નિર્ણય, તમારું દરેક આચરણ, તમારી પ્રત્યેક કૃતિ કોઈ ને કોઈ સમસ્યાના સમાધાનની દિશામાં આગળ વધશે. સફળતા અને અસફળતા આપણો વર્તમાન અને ભવિષ્ય નક્કી નથી કરતી. બની શકે કે તમને કોઈ નિર્ણય લીધા પછી જેવુ વિચાર્યું હતું તેવું પરિણામ ના મળે પરંતુ તમારે નિર્ણય લેતા ડરવું ના જોઈએ. એક યુવાન તરીકે એક મનુષ્યના રૂપમાં, જ્યારે પણ આપણને નિર્ણય લેતી વખતે બીક લાગવા લાગે તો તે આપણી માટે સૌથી મોટું સંકટ હશે. જો નિર્ણય લેવાનો જુસ્સો જતો રહ્યો તો માની લેજો કે તમારી યુવાની જતી રહી છે. તમે યુવાન નથી રહ્યા.

જ્યાં સુધી ભારતના યુવાનોમાં નવું કરવાનો, જોખમ લેવાનો અને આગળ વધવાનો ઉત્સાહ રહેશે, ત્યાં સુધી ઓછામાં ઓછું મને દેશના ભવિષ્યની ચિંતા નથી. અને મને જે દેશ યુવાન હોય,, 130 કરોડ વસતિમાં આટલી મોટી સંખ્યામાં યુવા શક્તિ હોય તો મારો ભરોસો હજી વધારે મજબૂત થઈ જાય છે, મારો વિશ્વાસ વધારે મજબૂત થઈ જાય છે. અને તેની માટે તમારે જે સહયોગ જોઈએ, જે વાતાવરણ જોઈએ, તેની માટે હું પોતે પણ અને સરકાર પણ.. એટલું જ નહિ 130 કરોડ સંકલ્પોથી ભરાયેલ, સપનાઓને લઈને જીવનારો દેશ પણ તમારા સમર્થનમાં ઉભેલો છે.

સાથીઓ,

વિશ્વ ભારતીના 100 વર્ષના ઐતિહાસિક અવસર પર જ્યારે મેં તમારી સાથે વાત કરી હતી તો તે સમય દરમિયાન ભારતના આત્મસન્માન અને આત્મનિર્ભરતા માટે આપ સૌ યુવાનોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. અહિયાથી ગયા પછી, જીવનના આગામી તબક્કામાં આપ સૌ યુવાનોને અનેક પ્રકારના અનુભવો મળશે.

સાથીઓ,

આજે જે રીતે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી ઉપર આપણને ગર્વ છે તે જ રીતે મને આજે ધર્મપાલજીની પણ યાદ આવે છે. આજે મહાન ગાંધીવાદી ધર્મપાલજીની પણ જન્મ જયંતી છે. તેમની એક રચના છે- ધી બ્યુટીફુલ ટ્રી – ઇંડિજિનસ ઇંડિયન એજ્યુકેશન ઇન ધી એઇટીન્થ સેન્ચુરી.

આજે તમારી સાથે વાત કરતાં હું આ પવિત્ર ધામમાં તમારી સાથે વાત કરી રહ્યો છું તો મને મન થાય છે કે તેનો ઉલ્લેખ પણ જરૂરથી કરું. અને બંગાળની ધરતી, ઊર્જાવાન ધરતીની મધ્યમાં જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે તો મારુ સ્વાભાવિકપણે મન થાય છે કે હું જરૂરથી ધર્મપાલજીના તે વિષયને તમારી સમક્ષ પ્રસ્તુત કરું. આ પુસ્તકમાં ધર્મપાલજીએ થોમસ મુનરો દ્વારા કરવામાં આવેલ એક રાષ્ટ્રીય શિક્ષણ સર્વેનો અહેવાલ આપવામાં આવ્યો છે.

1820 માં થયેલા આ શિક્ષણ સર્વેમાં કેટલીય એવી વાતો છે કે જે આપણને સૌને આશ્ચર્યચકિત પણ કરે છે અને ગૌરવથી ભરી દે છે. તે સર્વેમાં ભારતનો સાક્ષરતા દર ખૂબ જ ઊંચો આંકવામાં આવ્યો હતો. સર્વેમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે કઈ રીતે દરેક ગામમાં એકથી વધુ ગુરુકુળો હતા. અને જે ગામના મંદિરો હતા તે માત્ર પૂજા-પાઠની જગ્યા જ નહોતા, પરંતુ શિક્ષણને પ્રોત્સાહન આપનારા, શિક્ષણને આગળ વધારવાવાળા, એક અત્યંત પવિત્ર કાર્ય સાથે પણ ગામના મંદિરો જોડાયેલા રહેતા હતા. તેઓ પણ ગુરુકુળની પરંપરાઓને આગળ વધારવામાં, પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતાં હતા. દરેક ક્ષેત્ર, દરેક રાજ્યમાં તે સમયે મહા વિદ્યાલયોને ખૂબ ગર્વથી જોવામાં આવતા હતા કે કેટલું મોટું તેમનું નેટવર્ક છે. ઉચ્ચ શિક્ષણના સંસ્થાનો પણ બહુ મોટી માત્રામાં હતા.

ભારત પર બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થા થોપી દેવામાં આવી તે પહેલા, થોમસ મુનરોએ ભારતીય શિક્ષણ પદ્ધતિ અને ભારતીય શિક્ષણ વ્યવસ્થાની શક્તિનો અનુભવ કર્યો હતો, જોઈ હતી. તેમણે જોયું હતું કે આપણી શિક્ષણ વ્યવસ્થા કેટલી ગતિશીલ છે, આ 200 વર્ષ પહેલાંની વાત છે. આ જ પુસ્તકમાં વિલિયમ એડમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમણે એ શોધી કાઢ્યું હતું કે 1830માં બંગાળ અને બિહારમાં એક લાખ કરતાં વધુ ગ્રામીણ શાળાઓ હતી, ગ્રામીણ વિદ્યાલયો હતા.

સાથીઓ,

આ વાત હું તમને વિસ્તારપૂર્વક એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા કેવી હતી, કેટલી ગૌરવપૂર્ણ હતી, કઈ રીતે તે દરેક વ્યક્તિ સુધી પહોંચેલી હતી. અને પછીથી અંગ્રેજોના સમયગાળામાં અને તે પછીના કાલખંડમાં આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, શું નું શું થઈ ગયું.

ગુરુદેવે વિશ્વ ભારતીમાં જે વ્યવસ્થાઓ વિકસિત કરી, જે પદ્ધતિઓ વિકસિત કરી, તે ભારતની શિક્ષણ વ્યવસ્થાને પરતંત્રતાની સાંકળોમાંથી મુક્ત કરવા, ભારતને આધુનિક બનાવવાનું એક માધ્યમ હતી. હવે આજે ભારતમાં જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની છે, તે પણ જૂની સાંકળોને તોડવાની સાથે જ, વિદ્યાર્થીઓને પોતાનું સામર્થ્ય દેખાડવા માટેની સંપૂર્ણ આઝાદી આપે છે. આ શિક્ષણ નીતિ તમને જુદા જુદા વિષયો ભણવાની આઝાદી આપે છે. આ શિક્ષણ નીતિ, તમને તમારી ભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપે છે. આ શિક્ષણ નીતિ ઉદ્યોગ સાહસિકતા, સ્વ-રોજગારને પણ પ્રોત્સાહન આપે છે.

આ શિક્ષણ નીતિ સંશોધનને, ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે, તેની ઉપર ભાર મૂકે છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ શિક્ષણ નીતિ પણ એક મહત્વનો પડાવ છે. દેશમાં એક મજબૂત સંશોધન અને ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવવા માટે પણ સરકાર સતત કામ કરી રહી છે. હમણાં તાજેતરમાં જ દેશ અને દુનિયાના લાખો જર્નલ્સની વિના મૂલ્યે પહોંચ પોતાના વિદ્વાનોને આપવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે બજેટમાં પણ સંશોધન માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી આવનાર 5 વર્ષોમાં 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

સાથીઓ,

ભારતની આત્મનિર્ભરતા, દેશની દીકરીઓના આત્મવિશ્વાસ વિના શક્ય નથી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૌપ્રથમ વખત જાતિગત સમાવેશિતા ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નીતિમાં છઠ્ઠા ધોરણથી જ સુથારી કામથી લઈને કોડિંગ સુધીના આવા અનેક કૌશલ્યો ભણાવવાની યોજના આમાં છે, જે કૌશલ્યોથી છોકરીઓને દૂર રાખવામાં આવતી હતી. શિક્ષણ નીતિ બનાવતી વખતે દીકરીઓમાં શાળા છોડી દેવાનો દર વધારે હોવાના કારણોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. એટલા માટે અભ્યાસમાં સાતત્ય, ડિગ્રી કોર્સમાં પ્રવેશ અને નિકાસનો વિકલ્પ હોય અને દરેક વર્ષમાં ક્રેડિટ મળે, તેની એક નવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથીઓ,

બંગાળે અતિતમાં ભારતના સમૃદ્ધ જ્ઞાન વિજ્ઞાનને આગળ વધારવામાં દેશનું નેતૃત્વ કર્યું અને આ ગૌરવપૂર્ણ વાત છે. બંગાળ, એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રેરણા સ્થળી પણ રહી છે અને કર્મસ્થળી પણ રહી છે. શતાબ્દી સમારોહમાં ચર્ચા દરમિયાન મેં આ બાબત ઉપર પણ વિસ્તારપૂર્વક મારી વાત રજૂ કરી હતી. આજે જ્યારે ભારત 21 મી સદીનું જ્ઞાન અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે પણ નજરો તમારી ઉપર મંડાયેલી છે, તમારા જેવા નવયુવાનો ઉપર છે, બંગાળની જ્ઞાન સંપદા ઉપર છે, બંગાળના ઊર્જાવાન નાગરિકો પર છે. ભારતના જ્ઞાન અને ભારતની ઓળખને વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચાડવામાં વિશ્વ ભારતીની બહુ મોટી ભૂમિકા છે.

આ વર્ષે આપણે આપણી આઝાદીના 75 મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. વિશ્વ ભારતીના પ્રત્યેક વિદ્યાર્થી તરફથી દેશને સૌથી મોટો ઉપહાર એ જ હશે કે ભારતની છબીને વધારે નિખારવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીને અને ખાસ કરીને મારા નવયુવાન સાથીઓ વધુમાં વધુ લોકોને જાગૃત કરે. ભારત જે છે, જે માનવતા, જે આત્મીયતા, જે વિશ્વ કલ્યાણની ભાવના આપણાં લોહીના કણ કણમાં રહેલી છે, તેનો અનુભવ બાકીના દેશોને કરાવવા માટે, સંપૂર્ણ માનવ જાતિને કરાવવા માટે વિશ્વ ભારતીએ દેશની શિક્ષણ સંસ્થાનોનું નેતૃત્વ કરવું જોઈએ.                  

મારો આગ્રહ છે આવતા 25 વર્ષો માટે વિશ્વ ભારતીના વિદ્યાર્થીઓ સાથે મળીને એક વિઝન દસ્તાવેજ તૈયાર કરે. જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, વર્ષ 2047 માં જ્યારે ભારત પોતાની આઝાદીના 100 વર્ષનો સમારોહ ઉજવશે, ત્યાં સુધી વિશ્વ ભારતીના 25 સૌથી મોટા લક્ષ્ય કયા હશે, તે બાબત આ વિઝન દસ્તાવેજમાં મૂકી શકાય તેમ છે. તમે તમારા ગુરુજનો સાથે ચિંતન મનન કરો, પરંતુ કોઈ ને કોઈ લક્ષ્ય જરૂરથી નક્કી કરજો.

તમે તમારા ક્ષેત્રના અનેક ગામડાઓને દત્તક લીધેલા છે. શું તેની શરૂઆત પ્રત્યેક ગામડાને આત્મનિર્ભર બનાવવાની સાથે થઈ શકે ખરી? પૂજ્ય બાપુ ગ્રામ રાજ્યની જે વાત કરતાં હતા, ગ્રામ સ્વરાજની વાત કરતાં હતા. મારા નવયુવાન સાથીઓ ગામના લોકો, ત્યાંનાં શિલ્પકાર, ત્યાંનાં ખેડૂતો, તેમને તમે આત્મનિર્ભર બનાવો, તેમના ઉત્પાદનોને વિશ્વના મોટા મોટા બજારોમાં પહોંચાડવા માટેની એક કડી બનો.

વિશ્વ ભારતી તો બોલપુર જિલ્લાનો મૂળ આધાર છે. અહિયાની આર્થિક ભૌતિક, સાંસ્કૃતિક તમામ ગતિવિધિઓમાં વિશ્વ ભારતી રચેલું પચેલું છે, એક જીવંત એકમ છે. અહિયાના લોકોને, સમાજને સશક્ત કરવાની સાથે જ તમારે તમારું બૃહદ દાયિત્વ પણ નિભાવવાનું છે.

તમે તમારા પ્રત્યેક પ્રયાસમાં સફળ બનો, તમારા સંકલ્પોને સિદ્ધિમાં પરિવર્તિત કરો. જે ઉદ્દેશ્યોને લઈને વિશ્વ ભારતીમાં પગ મૂક્યો હતો અને જે સંસ્કારો અને જ્ઞાનની સંપદાને લઈને આજે જ્યારે તમે વિશ્વ ભારતીમાંથી દુનિયાના ઉંબરા પર પગ મૂકવા જઈ રહ્યા છો, ત્યારે દુનિયા તમારી પાસેથી ઘણું બધુ ઈચ્છે છે, ઘણી બધી અપેક્ષાઓ રાખે છે. અને આ માટીએ તમને સજાવ્યા છે, સંભાળ્યા છે. અને તમને વિશ્વની અપેક્ષાઓ પૂરી કરવા માટે સક્ષમ બનાવ્યા છે, માનવની અપેક્ષાઓને પૂર્ણ કરવાને યોગ્ય બનાવ્યા છે. તમે આત્મવિશ્વાસથી સભર છો, તમે સંકલ્પો માટે પ્રતિબદ્ધ છો, સંસ્કારોથી પુલકિત થયેલી તમારી યુવાની છે. આ આવનારી પેઢીઓને કામ આવશે, દેશના કામમાં આવશે. 21 મી સદીમાં ભારત પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે, તેની માટે તમારું સામર્થ્ય બહુ મોટી તાકાતના રૂપમાં બહાર આવશે, તેવો પૂરેપૂરો વિશ્વાસ છે અને તમારી જ વચ્ચે તમારો જ એક સહયાત્રી હોવાના નાતે હું આજે આ ગૌરવપૂર્ણ ક્ષણમાં પોતાની જાતને ખૂબ ધનવાન માનું છું. અને આપણે સૌ સાથે મળીને આ ગુરુદેવ ટાગોરે જે પવિત્ર માટી વડે આપણને બધાને શિક્ષિત કર્યા છે, સંસ્કારિત કર્યા છે, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, આ જ મારી તમને શુભકામનાઓ છે.

મારા તરફથી અનેક અનેક શુભકામનાઓ. તમારા માતા પિતાને મારા પ્રણામ, તમારા ગુરુજનોને મારા પ્રણામ.

મારા તરફથી ખૂબ ખૂબ આભાર!