કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાયી વિજયન, મારા મંત્રીમંડળના સાથીદાર શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી મુરલીધરનજી,
મંચ પર બિરાજમાન મહાનુભાવો,
મિત્રો,
નમસ્કારમ કોચી. નમસ્કારમ કેરળ. અરબી સમુદ્રની રાણી હંમેશાની જેમ અદભૂત છે. આજે તમારી વચ્ચે ઉપસ્થિત થવાનો મને આનંદ છે. આજે આપણે અહીં કેરળ અને ભારતના વિકાસની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આજે વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું છે. આ તમામ પ્રોજેક્ટ ભારતના વિકાસને વેગ આપશે.
મિત્રો,
બે વર્ષ અગાઉ હું કોચી રિફાઇનરીની મુલાકાતે આવ્યો છું. આ ભારતની સૌથી વધુ આધુનિક રિફાઇનરીઓ પૈકીની એક છે. આજે કોચીમાં ફરી હું દેશને એક વિકાસલક્ષી પ્રોજેક્ટ કોચીની રિફાઇનરીના સંકુલમાં પ્રોપીલીન ડેરિવેટિવ્સ પેટ્રોકેમિકલ્સ સંકુલને અર્પણ કરવા આવ્યો છું. આ એક પ્રોજેક્ટ આત્મનિર્ભર બનવા તરફની આપણી સફરને મજબૂત કરવામાં મદદ કરશે. આ સંકુલને કારણે વિદેશી હૂંડિયામણની બચત થશે. વળી આ પ્રોજેક્ટથી વિવિધ ઉદ્યોગોને લાભ થશે અને મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી થશે.
મિત્રો,
કોચી વેપાર અને વાણિજ્યનું શહેર છે. આ શહેરના લોકો સમયની કિંમત સારી રીતે સમજે છે. તેઓ જોડાણની શ્રેષ્ઠ વ્યવસ્થાનું મહત્વ પણ સમજે છે. આ કારણે દેશને રો-રો જહાજ અર્પણ કરવું વિશેષ બની ગયું છે. હવે માર્ગ દ્વારા 35 કિલો મીટરનું અંતર જળમાર્ગ દ્વારા 3.5 કિલોમીટરનું થઈ ગયું છે. એનો અર્થ છેઃ અવરજવરની સુવિધામાં, વેપારવાણિજ્યની સુવિધામાં વધારો થશે. ક્ષમતામાં વધારો થશે. માર્ગો પર વાહનોની ગીચતામાં ઘટાડો થશે. પ્રદૂષણમાં ઘટાડો થશે. અને સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, પરિવહન ખર્ચમાં ઘટાડો થશે.
મિત્રો,
પ્રવાસીઓ કેરળના અન્ય વિસ્તારોમાં જવા માટે જ કોચી આવતા નથી. અહીંની સંસ્કૃતિ, ભોજન, દરિયાકિનારો, બજારો, ઐતિહાસિક સ્થળો અને આધ્યાત્મિક કેન્દ્રો પ્રસિદ્ધ છે. ભારત સરકારે અહીં પ્રવાસન સાથે સંબંધિત માળખાગત સુવિધાઓમાં વધારો કરવા ઘણા પ્રયાસો હાથ ધર્યા છે. કોચીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ સાગરિકાનું ઉદ્ઘાટન એનું એક ઉદાહરણ છે. સાગરિકા ક્રૂઝ ટર્મિનલ પ્રવાસીઓ માટે સુવિધા અને અનુકૂળતા બંને લાવશે. આ એક લાખથી વધારે ક્રૂઝ મહેમાનોને સેવા આપશે.
મિત્રો,
છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન મેં એક નવો પ્રવાહ જોયો છે. અનેક લોકો મને ભારતની અંદર તેમના પ્રવાસના અનુભવો વિશે મને લખે છે અને સોશિયલ મીડિયા પર તેમના પિક્ચર પણ શેર કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય રોગચાળાની સ્થિતિએ આંતરરાષ્ટ્રીય પ્રવાસને અસર કરી હોવાથી લોકો આસપાસના સ્થળોનો પ્રવાસ કરી રહ્યાં છે. આ આપણા માટે મોટી તક છે. એક તરફ, એનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગમાં સંકળાયેલા લોકોને આજીવિકા મળે છે. બીજી તરફ, આ આપણી યુવા પેઢી અને આપણી સંસ્કૃતિ વચ્ચેના જોડાણને મજબૂત કરશે. આપણા દેશમાં ઘણું બધું જોવા જેવું છે, શીખવા જેવું છે અને અનુભવવા જેવું છે. હું આપણા યુવાન સ્ટાર્ટ-અપ મિત્રોને પ્રવાસન સાથે સંબંધિત નવીન ઉત્પાદનો વિશે વિચારવાની અપીલ કરું છું. હું તમને બધાને આ સમયનો ઉપયોગ કરવા અને શક્ય હોય એટલા આસપાસના વિસ્તારો જોવાની પણ અપીલ કરું છું. તમને એ જાણીને આનંદ થશે કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારતમાં પ્રવાસન ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે. વર્લ્ડ ટૂરિઝમ ઇન્ડેક્સના રેન્કિંગમાં ભારત 65મા સ્થાનથી આગેકૂચ કરીને 34મા સ્થાને પહોંચી ગયો છે. પણ હજુ આપણે આ ક્ષેત્રમાં ઘણી કામગીરી કરવાની છે અને મને વિશ્વાસ છે કે, આપણે આપણા સ્થાનમાં હજુ વધારે સુધારો કરીશું.
મિત્રો,
આર્થિક વિકાસને આકાર આપવા માટે બે પરિબળો મહત્વપૂર્ણ છેઃ ભવિષ્યની જરૂરિયાત માટે ક્ષમતા ઊભી કરવી અને માળખાગત સુવિધાને આધુનિક બનાવવી. આગામી બંને વિકાસલક્ષી કાર્યો આ બંને પરિબળો પર આધારિત છે. ‘વિજ્ઞાનસાગર’ કોચી શિપયાર્ડમાં નવું નોલેજ કેમ્પસ છે. એના થકી આપણે આપણી માનવ સંસાધન વિકાસ મૂડીમાં વધારો કરી રહ્યાં છીએ. આ કેમ્પસ કૌશલ્ય વિકાસનાં મહત્વને પ્રતિબિંબિત કરે છે. આ મરિન એન્જિનીયરિંગનો અભ્યાસ કરવા ઇચ્છતાં લોકો માટે સવિશેષ મદદરૂપ થશે. આગામી સમયમાં આ ક્ષેત્ર મહત્વપૂર્ણ બની જશે. આ ક્ષેત્રમાં જાણકારી ધરાવતા યુવાનોને તેમના ઘરઆંગણે ઘણી તકો મળશે. મેં અગાઉ કહ્યાં મુજબ, આર્થિક વૃદ્ધિ માટે વર્તમાન ક્ષમતામાં વધારો જરૂરી છે. અહીં આપણે સાઉથ કોલ બર્થના પુનઃનિર્માણનું ભૂમિપૂજન કર્યું છે. એનાથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે અને કાર્ગો ક્ષમતામાં વધારો થશે. આ બંને વેપારવાણિજ્યને વેગ આપવા માટે આવશ્યક છે.
મિત્રો,
અત્યારે માળખાગત સુવિધાની પરિભાષા અને અવકાશ બંને બદલાઈ રહ્યાં છે. માળખાગત સુવિધાની અગાઉની પરિભાષા હતી – સારાં માર્ગો, વિકાસલક્ષી કાર્યો અને થોડા શહેરી કેન્દ્રો વચ્ચે જોડાણ. પણ હવે માળખાગત સુવિધાઓ આ તમામ બાબતોથી વિશેષ છે. આપણે આગામી પેઢીઓ માટે વધારે પ્રમાણમાં અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા તરફ નજર દોડાવી રહ્યાં છીએ. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન દ્વારા માળખાગત સુવિધાઓનું સર્જન કરવા માટે રૂ. 110 લાખ કરોડનું રોકાણ કરવામાં આવે છે. એમાં વિશેષ ધ્યાન દરિયાકિનારાના વિસ્તારો, ઉત્તરપૂર્વના રાજ્યો અને પવર્તીય વિસ્તારો પર આપવામાં આવ્યું છે. અત્યારે ભારતે દરેક ગામડામાં બ્રોડબેન્ડ જોડાણના મહત્વાકાંક્ષી કાર્યક્રમને પાર પાડવાની સફર શરૂ કરી છે. એ જ રીતે ભારત આપણી બ્લૂ ઇકોનોમી (મત્સ્યપાલન અને દરિયા સાથે સંબંધિત અર્થતંત્ર) વિકસાવવા સૌથી વધુ મહત્વ આપવા પ્રતિબદ્ધ છે. આ ક્ષેત્રમાં અમારું વિઝન અને અમારા કાર્યોમાં સામેલ છેઃ વધારે બંદરો. હાલના બંદરોની માળખાગત સુવિધાઓમાં સુધારો. ઓફ-શોર ઊર્જા, દરિયા કિનારાનો સતત વિકાસ, દરિયા કિનારાના વિસ્તારો સાથે જોડાણ. પ્રધાનમંત્રી મત્સ્ય સમ્પદા યોજના આ પ્રકારની એક યોજના છે. આ યોજના માછીમાર સમુદાયની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરશે. આ વધારે ધિરાણ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ ધરાવે છે. માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડી દેવામાં આવ્યાં છે. એ જ રીતે ભારતને દરિયાઈ સામગ્રીની નિકાસ માટેનું કેન્દ્ર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મને ખુશી છે કે દરિયાઈ શેવાળની ખેતીની લોકપ્રિયતા વધી રહી છે. હું સંશોધકો અને ઇનોવેટર્સને મત્સ્યપાલન ક્ષેત્રને વધારે જીવંત બનાવવા તેમના વિચારો વહેંચવા અપીલ કરું છું. આ આપણા મહેનતુ માછીમારોની સાચી સેવા બની રહેશે.
મિત્રો,
ચાલુ વર્ષના બજેટમાં મહત્વપૂર્ણ સંસાધનો અને યોજનાઓ બનાવવામાં આવી છે, જેનાથી કેરળને લાભ થશે. એમાં કોચી મેટ્રોનો આગામી તબક્કો સામેલ છે. આ મેટ્રો નેટવર્કને સફળતા મળી છે અને એણે પ્રગતિશીલ કામની પદ્ધતિઓ અને વ્યાવસાયિકતાનું સારું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
મિત્રો,
વીતેલું વર્ષ માનવજાત માટે અભૂતપૂર્વ પડકારનું વર્ષ હતું. 130 કરોડ ભારતીયોના સાથ સહકારથી આપણા દેશે કોવિડ-19 રોગચાળા સામે સફળતાપૂર્વક સામનો કર્યો છે. સરકાર વિદેશમાં વસતા ભારતીય સમુદાયો, ખાસ કરીને ખાડીના દેશોમાં વસતા ભારતીય સમુદાયોની જરૂરિયાતો પૂર્ણ કરવા હંમેશા સંવેદનશીલ રહી છે. ભારતને ખાડીના દેશોમાં વસતા ભારતીય સમુદાય પર ગર્વ છે. મેં અગાઉ સાઉદી અરેબિયા, કતાર, યુએઈ અને બહરિનની મુલાકાતો લીધી હતી. આ મુલાકાતો દરમિયાન ત્યાં સ્થાયી થયેલા ભારતીય સમુદાય સાથે સમય પસાર કરવા પર મને ગર્વ છે. મેં તેમની સાથે ભોજન કર્યું હતું, વાતો કરી હતી. વંદે ભારત અભિયાન અંતર્ગત 15 લાખથી વધારે ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યાં હતાં. તેમાંથી ઘણા કેરળના હતાં. આ પ્રકારના સંવેદનશીલ સમયમાં તેમની સેવા કરવા પર અમારી સરકારને ગર્વ છે. છેલ્લાં થોડાં દિવસોમાં ખાડીના દેશોની વિવિધ સરકારોએ પણ ઘણાં ભારતીયોને છોડીને ઉદારતા દાખવી છે, જેઓ ત્યાં જેલમાં હતા. સરકાર આ પ્રકારના લોકો માટે હંમેશા અવાજ ઉઠાવશે. હું ખાડીના દેશોની વિવિધ સરકારોનો આપણાં સમુદાયો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવવા બદલ આભાર માનું છું. ખાડીના દેશોએ મારી અંગત અપીલને હંમેશા માન આપ્યું છે અને આપણા સમુદાયનું વિશેષ ધ્યાન રાખ્યું છે. તેઓ વિસ્તારમાં ભારતીયોના પુનરાગમનને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યાં છે. આપણે એ પ્રક્રિયાની સુવિધા પૂરી પાડવા એર બબલ્સ સ્થાપિત કર્યા છે. ખાડીના દેશોમાં કામ કરતા ભારતીયો વિશ્વાસ રાખે કે, મારી સરકાર તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવા તેમની સાથે છે.
મિત્રો,
આપણે અત્યારે ઐતિહાસિક વળાંક પર છીએ. આપણે આજે કંઈ કરીએ છીએ એ આગામી વર્ષોમાં આપણી વૃદ્ધિને દિશા આપશે. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કસોટીના સમયે આપણી ક્ષમતા પુરવાર કરી છે અને આંતરરાષ્ટ્રીય હિતમાં પ્રદાન કર્યું છે. આપણા લોકોએ યોગ્ય તકો સાથે દુનિયાની ભલાઈ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે છે એ દેખાડી દીધું છે. ચાલો આપણે નવી તકોનું સર્જન કરવા માટે કામ કરીએ. આપણે ખભેખભો મિલાવીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું. એકવાર ફરી હું કેરળના લોકોને આજે ઉદ્ઘાટન થયેલા વિકાસલક્ષી કાર્યો બદલ અભિનંદન આપું છું.
ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.
My speech at a programme in Kochi, Kerala. https://t.co/6uPmgDtThd
— Narendra Modi (@narendramodi) February 14, 2021