Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીને અવિરત કનેક્ટિવિટી પૂરી પાડતી 8 ટ્રેનને લીલીઝંડી આપવાના સમારોહ માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને અવિરત કનેક્ટિવિટી પૂરી પાડતી 8 ટ્રેનને લીલીઝંડી આપવાના સમારોહ માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


નમસ્કાર,

આજે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ખૂબ જ સુંદર તસવીર અહીયાં નજરે પડી રહી છે. આજના આ કાર્યક્રમનું રૂપ અને સ્વરૂપ ખૂબ જ વિશાળ છે, પોતાની રીતે તે ઐતિહાસિક પણ છે.

કેવડિયામાં ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત છે. પ્રતાપનગરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી છે. અમદાવાદથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલજી, દિલ્હીના કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી પિયુષ ગોયલજી, વિદેશમંત્રી એસ. જયશંકરજી, ડો. હર્ષવર્ધનજી, દિલ્હીના મુખ્યમંત્રી ભાઈ અરવિંદ કેજરીવાલજી આપણી સાથે જોડાયેલા છે. મધ્ય પ્રદેશના રીવાથી મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણજી આપણી સાથે છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે પણ ઉપસ્થિત છે. વારાણસીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી આપણી સાથે જોડાયેલા છે. તે સિવાય તામિલનાડુ સહિત અન્ય રાજ્ય સરકારોનો માનનીય મંત્રી સમુદાય, સાંસદ સમુદાય, ધારાસભ્ય સમુદાય પણ આજે આ વિશાળ કાર્યક્રમમાં આપણી સાથે છે. અને સૌથી મોટા આનંદની બાબત એ છે કે આણંદમાં રહેતા સરદાર વલ્લભભાઈ પટેલના વિસ્તૃત  પરિવારના અનેક સભ્યો પણ આજે આપણને આશીર્વાદ આપવા માટે અહીં આવ્યા છે. આજે કલા જગતના અનેક વરિષ્ઠ  કલાકાર, ખેલ જગતના અનેક સિતારા પણ ખૂબ મોટી સંખ્યામાં  આ કાર્યક્રમ સાથે જોડાયા છે. આ તમામની સાથે આપણને અહીં આશીર્વાદ આપવા આવેલા  ઈશ્વરના  સ્વરૂપ સમાન આપણી જનતા જનાર્દન, આપણાં વહાલા ભાઈઓ અને બહેનો, આપણા ભારતના ઉજળા ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરનાર બાળ સમુદાય, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

કદાચ રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે દેશના અલગ અલગ ખૂણેથી એક જ સ્થળે જનારી આટલી ટ્રેનોને એક સાથે લીલીઝંડી બતાવવામાં આવી છે. આખરે કેવડિયા જગ્યા પણ એવી છે, એની ઓળખ દેશને એક ભારત, શ્રેષ્ઠ ભારત નો મંત્ર આપનારા, દેશને સંગઠીત કરનારા, સરદાર પટેલની  સૌથી ઉંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંકળાયેલી છે. સરદાર સરોવર બંધ સાથે તેની ઓળખ જોડાયેલી છે.  આજનું આ આયોજન સાચા અર્થમાં ભારતને એક કરતી અને ભારતીય રેલવેના વિઝન તથા સરદાર વલ્લભભાઈ પટેલના મિશન બંનેને પરિભાષિત કરી રહી છે. અને મને એ બાબતનો આનંદ છે કે આ કાર્યક્રમમાં અલગ અલગ રાજ્યોમાંથી આટલા બધા લોક પ્રતિનિધિઓ હાજર છે. હું આ પ્રસંગે  આપ સૌનો આભાર માનુ છું.

આજે કેવડિયા આવવા નીકળનારી  ટ્રેનોમાંથી એક ટ્રેઈન પુરૂત્ચી થલાવીયા  ડો. એમ. જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી પણ આવી રહી છે. એક એ પણ સુખદ સંયોગ છે કે આજે ભારત રત્ન એમજીઆરની જયંતિ પણ છે. તેમણે ફિલ્મ સ્ક્રીનથી માંડીને  રાજકીય પડદા ઉપર લોકોના દિલ ઉપર રાજ કર્યુ હતું. તેમનુ જીવન, તેમની રાજનીતિક યાત્રા, ગરીબો માટે સમર્પિત હતી. ગરીબોને સન્માન પ્રાપ્ત થાય તે માટે  તેમણે સતત કામ કર્યુ હતું. ભારત રત્ન એમજીઆરના આ આદર્શોને પૂરા કરવા માટે આપણે  સૌ પ્રયાસ કરી રહ્યા છીએ. થોડાક વર્ષો પહેલાં જ દેશે તેમના સન્માનમાં ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને  એમજીઆરના નામ સાથે જોડી દીધુ હતું. હું ભારત રત્ન એમજીઆરને નમન કરૂ છું  અને તેમને શ્રધ્ધાંજલિ આપુ છું.

સાથીઓ,

જે કેવડિયાનું દેશની દરેક દિશા સાથે સીધી રેલવે કનેક્ટિવિટીથી જોડાણ થઈ રહ્યું છે તે સમગ્ર દેશ માટે એક અદભૂત ક્ષણ છે. આપણને ગર્વથી ભરી દે તેવી પળ છે. થોડાક સમય પહેલાં જ ચેન્નાઈ સિવાય વારાણસી,  રીવા, દાદર  અને દિલ્હીથી કેવડિયા એક્સપ્રેસ અને અમદાવાદથી જનશતાબ્દી એક્સપ્રેસ કેવડિયા આવવા માટે નીકળી છે.  આ તરફ કેવડિયા અને પ્રતાપનગરની વચ્ચે મેમૂ સેવા પણ શરૂ થઈ છે. ડભોઈ- ચાંદોદ રેલવે લાઈનને પહોળી કરવાની કામગીરી અને  ચાંદોદ – કેવડિયાની વચ્ચે નવી રેલવે લાઈન,  હવે કેવડિયાની વિકાસ યાત્રામાં નવો અધ્યાય  લખવા જઈ રહી છે.  અને આજે આ બધા રેલવે કાર્યક્રમો સાથે હું જોડાયો છું ત્યારે જૂની યાદો પણ તાજી થઈ રહી છે.  ખૂબ ઓછા લોકોને એ યાદ હશે કે વડોદરા અને ડભોઈ વચ્ચે નેર- ગેજ રેલવે ટ્રેઈનથી  આપણે મુસાફરી કરતા હતા. મને ઘણી વખત એ ટ્રેનમાં પ્રવાસ કરવાની તક પ્રાપ્ત થઈ છે. અને આ નેરો-ગેજ રેલવેની મજા એ હતી કે તેની સ્પીડ ધીમી રહેતી હતી. જ્યાં પણ ઉતરવું હોય ત્યાં ઉતરી જાઓ અને જ્યાંથી પણ એમાં બેસવું હોય ત્યાંથી બેસી જાઓ, આ બધુ ખૂબ જ આરામથી થઈ શકતુ હતું.  અને કેટલીક પળોમાં  તો આપણે તેની સાથે સાથે ચાલીએ તો એવું લાગતું હતું કે તેના કરતાં આપણી ઝડપ વધારે છે. તો, હું પણ ક્યારેક તેની મજા માણી લેતો હતો. પણ આજે તેનું બ્રોડ- ગેજમાં રૂપાંતર થઈ ગયુ છે.  આ રેલવે કનેક્ટિવિટીનો લાભ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓને તો મળવાનો જ છે, પણ આ કનેક્ટિવિટી કેવડિયાના આદિવાસી  ભાઈ-બહેનોના જીવનમાં પણ પરિવર્તન લાવનારી બની રહેવાની છે. આ કનેક્ટિવિટી સુવિધાની સાથે સાથે રોજગારી અને સ્વરોજગારની અનેક નવી તકો લઈને પણ આવી રહી છે.  આ રેલવે લાઈન મા નર્મદાના કાંઠા ઉપર વસેલાં કરનાળી, પોઈચા અને ગરૂડેશ્વર જેવાં મહત્વનાં ધાર્મિક સ્થળોને જોડશે. અને એ બાબત પણ સાચી છે કે આ સમગ્ર ક્ષેત્ર એક પ્રકારે કહીએ તો, આધ્યાત્મિક વાઈબ્રેશનથી ભરેલો વિસ્તાર છે. અને આ વ્યવસ્થાને કારણે જે લોકો સામાન્ય રીતે  આધ્યાત્મિક  કામગીરી માટે  અહીં આવતા હતા તેમના માટે તો આ સુવિધા એક ખૂબ મોટી ભેટ- સોગાદ પૂરવાર થવાની છે.

ભાઈઓ અને બહેનો,

આજે કેવડિયા ગુજરાતના દૂરના વિસ્તારમાં વસેલો એક નાનો તાલુકો નથી રહ્યો, પણ કેવડિયા વિશ્વના સૌથી મોટા  પ્રવાસન મથક તરીકે ઉભરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હવે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. કોરોનાના મહિનાઓમાં બધુ બંધ રહ્યા પછી પણ આશરે 50 લાખ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા  આવી પહોંચ્યા છે. કોરોનામાં મહિનાઓ સુધી બધુ બંધ રહેવા છતાં પણ  ફરી એક વખત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક સર્વેમાં એવુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે  જેમ જેમ કનેક્ટિવીટીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ભવિષ્યમાં દરરોજ એક લાખ લોકો કેવડિયાની મુલાકાતે આવવા માંડશે.

નાનકડું સુંદર કેવડિયા, આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે તે કેવી રીતે પ્લાનિંગ કરીને પર્યાવરણની રક્ષા કરતા ઈકોનોમી (Economy) અને ઈકોલોજી (Ecology) બંનેનો ઝડપથી વિકાસ કરી શકાય છે. અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાક મહેમાનો કદાચ કેવડિયા નહીં ગયા હોય , પરંતુ મને વિશ્વાસ છે કે એક વખત કેવડિયાની વિકાસ યાત્રા જોયા પછી તમને પણ આપણાં દેશની આ અદભૂત જગ્યાઓ જોઈને ગર્વ થશે

સાથીઓ, મને યાદ છે કે  જ્યારે પ્રારંભમાં કેવડિયાને  દુનિયાના સૌથી સુંદર પારિવારિક પ્રવાસન મથક  બનાવવાની વાત કરવામાં આવતી હતી ત્યારે  લોકોને એ વાત સપના સમાન લાગતી હતી.  લોકો કહેતા હતા કે આવું શકય જ નથી.  આવુ બની શકે જ નહી. આવા કામમાં તો અનેક દાયકાઓનો સમય લાગી શકે તેમ છે.  ખેર ! જૂની વાતોને આધારે તેમની વાતમાં તર્ક પણ હતો.  કેવડિયા સુધી આવવા અને જવા માટે પહોળી સડકો પણ ન હતી કે એટલી સ્ટ્રીટ લાઈટ પણ ન હતી કે રેલવેની સગવડ પણ ન હતી.  પ્રવાસીઓને રોકાવા માટે અહીં સારી વ્યવસ્થા પણ ન હતી. પોતાની ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાં કેવડિયા અન્ય નાના ગામડાં જેવું એક ગામડુ જ હતું, પણ આજે થોડાક જ વર્ષોમાં કેવડિયાનો કાયાકલ્પ થઈ ચૂક્યો છે.  કેવડિયા પહોંચવા માટે પહોળી સડકો છે, નિવાસ કરવા માટે પૂરૂ ટેન્ટ સીટી છે. અન્ય સારી સગવડો ઉભી કરવામાં આવી છે. ખૂબ સારી મોબાઈલ કનેક્ટિવીટી છે. સારી હૉસ્પિટલો છે, થોડાક દિવસ પહેલાં જ સી-પ્લેન સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે અને આજે આટલા બધા રેલવે રૂટ સાથે કેવડિયા એક સાથે જોડાઈ ગયુ છે.  આ શહેર એક રીતે કહીએ તો એક સંપૂર્ણ ફેમિલી પેકેજ તરીકે  સેવાઓ પૂરી પાડી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર બંધની ભવ્યતા અને તેની વિશાળતાનો અનુભવ આપણને  કેવડિયા પહોંચીને જ અનુભવી શકાય તેમ છે. હવે અહીં સેંકડો એકર વિસ્તારમાં ફેલાયેલો સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક છે, જંગલ સફારી છે. એક તરફ આરોગ્ય અને યોગ ઉપર આધારિત આરોગ્ય વન છે તો બીજી તરફ પોષણ પાર્ક છે. રાતે ઝળહળી ઉઠતું ગ્લો ગાર્ડન છે અને દિવસે જોઈ શકાય તેવું કેકટસ ગાર્ડન અને બટરફલાય ગાર્ડન  છે. પ્રવાસીઓને ફરવા માટે એકતા ક્રૂઝ છે, તો બીજી તરફ નવયુવાનોને સાહસ દર્શાવવા માટે રાફટીંગની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે.  આનો અર્થ એ કે બાળકો હોય, યુવાનો હોય કે વૃધ્ધો હોય, આ તમામને માટે અહીં ઘણું બધુ છે. અહીંના લોકોના જીવનમાં ઝડપથી  આધુનિક સુવિધાઓ પહોંચી રહી છે. કોઈ મેનેજર બની ગયા છે તો કોઈ કાફે માલિક બની ગયા છે.  કોઈ ગાઈડનું કામ કરવા લાગ્યા છે. મને યાદ છે કે જ્યારે હું ઝૂલોજીકલ પાર્કમાં પક્ષીઓ જોવા માટે ગયો હતો ત્યારે વિશેષ એવિયરી ડોમમાં ગયો હતો તો ત્યાં એક સ્થાનિક મહિલા ગાઈડે મને ખૂબ જ વિસ્તાર સાથે જાણકારી પૂરી પાડી હતી. આ ઉપરાંત કેવડિયાની સ્થાનિક મહિલાઓ માટે બનાવવામાં આવેલા એક વિશિષ્ટ એકતા મૉલમાં મહિલાઓને પોતાની હસ્તકલાનો સામાન વેચવાની તક મળી રહી છે. કેવડિયાના આદિવાસી ગામોમાં 200 કરતાં વધુ રૂમની ઓળખ કરીને પ્રવાસીઓના હોમ સ્ટે માટે તેને વિકસીત કરવામાં આવી રહ્યા છે.

ભાઈઓ અને બહેનો,

કેવડિયામાં જે રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેમાં સુવિધાની સાથે સાથે પ્રવાસીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહિંયા આદિવાસી આર્ટ ગેલેરી અને એક વ્યૂઈંગ ગેલેરી પણ  બનાવવામાં આવી રહી છે. આ વ્યૂઈંગ ગેલેરીમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશે.

સાથીઓ,

એક પ્રકારે કહીએ તો આ લક્ષ્ય એક કેન્દ્રિત પ્રયાસ તરીકે ભારતીય રેલવેના બદલાતા જતા સ્વરૂપનું ઉદાહરણ પણ છે. ભારતીય રેલવે પરંપરાગત રીતે મુસાફરી અને માલગાડી તરીકેની પોતાની ભૂમિકા બજાવવાની સાથે સાથે એક મહત્વના  પ્રવાસન અને ધાર્મિક સ્થળ સાથે જોડાયેલી સર્કીટને સીધી કનેક્ટિવિટી પૂરી પાડી રહી છે. હવે તો અનેક રૂટ ઉપર વિસ્ટાડોમ વાળા કોચ ભારતીય રેલવેની યાત્રાને વધુ આકર્ષક બનાવવાના છે. અમદાવાદ- કેવડિયા જનશતાબ્દિ એક્સપ્રેસનો પણ એવી ટ્રેનોમાં સમાવેશ થશે કે જેમાં વિસ્ટા-ડોમ-કોચની સુવિધા પ્રાપ્ત થવાની છે.

સાથીઓ,

વિતેલા વર્ષોમાં દેશમાં રેલવેની માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે જેટલું કામ થયું છે તે અભૂતપૂર્વ છે. આઝાદી પછી આપણી વધુ ઉર્જા અગાઉ જે રેલવે વ્યવસ્થા હતી તેને વ્યવસ્થિત કરવામાં અથવા તો સુધારવામાં કામે લગાડવામાં આવી હતી. આ દરમ્યાન નવી વિચારધારા અને નવી ટેકનોલોજી બાબતે ખૂબ ઓછુ ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. આ અભિગમ બદલવાનું ખૂબ જ જરૂરી હતું અને એટલા માટે જ વિતેલા વર્ષોમાં દેશમાં સમગ્ર રેલવે તંત્રમાં વ્યાપક પરિવર્તન લાવવા માટેનું કામ કરવામાં આવ્યું છે. આ કામ માત્ર બજેટ વધારવાનું કે ઘટાડવાનું નથી, નવી ટ્રેનોની જાહેરાત કરવી એટલા સુધી જ તે સિમીત નથી. આ પરિવર્તન અનેક મોરચા ઉપર એક સાથે થયું છે. હવે જે રીતે કેવડિયાને  રેલવે સાથે જોડવા માટેના આ પ્રોજેક્ટનું જ ઉદાહરણ જોઈએ તો તેના નિર્માણમાં, હમણાં જે રીતે વીડિયોમાં બતાવવામાં આવ્યું તે રીતે મોસમે, કોરોનાની મહામારીએ તથા અનેક પ્રકારના અવરોધોએ ભાગ ભજવ્યો છે, પરંતુ વિક્રમ સમયમાં આ કામ પૂરૂ કરવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન ટ્રેકથી માંડીને પૂલના નિર્માણ સુધી નવી ટેકનિક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિગ્નલીંગનું કામ ઝડપી બનાવવા માટે વર્ચ્યુઅલ મોડને આધારે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે અગાઉની સ્થિતિમાં અનેક અવરોધો આવવાના કારણે અનેક યોજનાઓ લટકી રહેતી હતી તેને બદલે આ યોજના ઝડપભેર હાથ ધરવામાં આવી છે.

સાથીઓ,

ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરનો પ્રોજેક્ટ પણ આપણાં દેશમાં અગાઉ જે રીતે ચાલી રહ્યો હતો તેનું એક ઉદાહરણ માની લઈએ તો પૂર્વ અને પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના એક મોટા સેક્શનનું લોકાર્પણ કરવાની મને થોડા દિવસ પહેલા તક પ્રાપ્ત થઈ હતી. દેશ માટે જરૂરી આ પ્રોજેક્ટસ ઉપર વર્ષ 2006થી શરૂ કરીને એટલે કે વર્ષ 2014 સુધીના 8 વર્ષમાં માત્ર કાગળ ઉપર જ કામ થયું હતું. વર્ષ 2014 સુધી એક કિલોમીટર ટ્રેક પણ લગાવવામાં આવ્યો ન હતો, જ્યારે તે પછીના થોડાક જ મહિનાઓમાં બધુ મળીને 1100 કી.મી.નું કામ પૂરૂ થવામાં છે.

સાથીઓ,

દેશમાં રેલવે નેટવર્કના આધુનિકીકરણની સાથે સાથે આજે દેશના અનેક ભાગોને રેલવે સાથે જોડવામાં આવી રહ્યા છે. આ એવા વિસ્તારો છે કે જે રેલવે સાથે જોડાયેલા ન હતા. આજે અગાઉની તુલનામાં ખૂબ જ ઝડપથી જૂના રેલવે રૂટને પહોળા કરવાનું અને વિજળીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકને વધુ ઝડપ માટે સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે અને આ કારણે જ દેશમાં સેમી- હાઈસ્પીડ ટ્રેન ચલાવવાનું શક્ય બની રહ્યું છે. અને આપણે હાઈસ્પીડ ટ્રેક અને ટેકનોલોજી તરફ ઝડપથી આગળ ધપી રહ્યા છીએ. આ બધા કામો માટે બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં, રેલવે પર્યાવરણલક્ષી બને તે માટે આ બધુ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. કેવડિયા રેલવે સ્ટેશન એ ભારતનું એવું પ્રથમ રેલવે સ્ટેશન છે કે જેને પ્રારંભથી જ ગ્રીન બિલ્ડીંગ તરીકે સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે.

ભાઈઓ અને બહેનો,

રેલવેના ઝડપથી આધુનિકીકરણ માટે રેલવે મેન્યુફેક્ચરીંગ અને રેલવે ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા ઉપર આપણે ભાર મૂકી રહ્યા છીએ. તેની ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ તે પણ છે. વિતેલા વર્ષોમાં આ દિશામાં જે કામ થયું છે તેનું પરિણામ હવે ધીરે ધીરે આપણી સામે દેખાઈ રહ્યું છે. હવે વિચાર કરો, જો આપણે ભારતમાં વધુ હોર્સ પાવર ધરાવતા ઈલેક્ટ્રીક લોકોમોટીવનું ઉત્પાદન ના કરતા હોત તો દુનિયાની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ કન્ટેનર ટ્રેન શું ભારત ચલાવી શકત?  આજે ભારતમાં જ બનેલી એકથી એક આધુનિક ટ્રેનો ભારતીય રેલવેનો હિસ્સો બની રહી છે.

ભાઈઓ અને બહેનો,

આજે આપણે જ્યારે ભારતીય રેલવેના પરિવર્તન તરફ આગળ ધપી રહ્યા છીએ ત્યારે ઉચ્ચ કૌશલ્ય ધરાવતું વિશિષ્ટ માનવબળ અને પ્રોફેશનલ્સ પણ ખૂબ જ જરૂરી બની રહે છે. વડોદરામાં ભારતની પ્રથમ ડીમ્ડ રેલવે યુનિવર્સિટીની સ્થાપના પાછળ પણ આ જ ઈરાદો કામ કરતો હતો. રેલવે માટે એક પ્રકારની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા બનાવનાર ભારતનો સમાવેશ દુનિયાના ગણ્યા ગાંઠ્યા દેશોમાં થઈ રહ્યો છે. રેલવે ટ્રાન્સપોર્ટ હોય કે મલ્ટી ડિસીપ્લિનરી રિસર્ચ હોય, ટ્રેનિંગ હોય કે દરેક પ્રકારની આધુનિક સુવિધા હોય, આ તમામ બાબતો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. 20 રાજ્યોના સેંકડો પ્રતિભાશાળી યુવાનો ભારતીય રેલવેના વર્તમાન અને ભવિષ્યને બહેતર બનાવવા માટે પોતાને તાલિમ આપી રહ્યા છે. અહિંયા થનારા ઈનોવેશન્સ અને સંશોધનથી ભારતીય રેલવેને આધુનિક બનાવવામાં વધુ મદદ પ્રાપ્ત થશે. ભારતની પ્રગતિની ટ્રેકને ભારતીય રેલવે ગતિ આપતી રહેશે. આવી શુભેચ્છ સાથે ફરી એક વખત ગુજરાત સહિત સમગ્ર દેશને આ નવી રેલવે સુવિધા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સરદાર સાહેબનું એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે તેમનું જે સપનું હતું,  જ્યારે ભારતના ખૂણે ખૂણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ પવિત્ર ધરતી પરથી દેશની અલગ અલગ ભાષાઓ, અલગ અલગ પોશાક પહેરનારા લોકોની આવન- જાવન વધશે ત્યારે દેશની એકતાનું એ દ્રશ્ય અને એક પ્રકારે કહીએ તો અહિંયા આપણને લઘુ ભારત તરીકે નજરે પડશે. આજે કેવડિયા માટે ઘણો વિશેષ દિવસ છે. દેશની એકતા અને અખંડતા માટેના જે નિરંતર પ્રયાસો ચાલી રહ્યા છે તેમાં આ એક નવો અધ્યાય છે. હું ફરી એક વખત સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ !