Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રિટોરિયામાં ભારત-દક્ષિણ આફ્રિકા વેપાર સંમેલન (ઈન્ડિયા-સાઉથ આફ્રિકા બિઝનેસ મીટ) સમયે પ્રધાનમંત્રીની ટિપ્પણી (જુલાઈ 8, 2016)

પ્રિટોરિયામાં ભારત-દક્ષિણ આફ્રિકા વેપાર સંમેલન (ઈન્ડિયા-સાઉથ આફ્રિકા બિઝનેસ મીટ) સમયે પ્રધાનમંત્રીની ટિપ્પણી (જુલાઈ 8, 2016)

પ્રિટોરિયામાં ભારત-દક્ષિણ આફ્રિકા વેપાર સંમેલન (ઈન્ડિયા-સાઉથ આફ્રિકા બિઝનેસ મીટ) સમયે પ્રધાનમંત્રીની ટિપ્પણી (જુલાઈ 8, 2016)


મહામહિમ શ્રી જેકોબ ઝુમા,

પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાના પ્રમુખ,

આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર વિભાગના માનનીય મંત્રી શ્રી,

વેપાર અને ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી શ્રી,

દક્ષિણ આફ્રિકા અને ભારતના ઉદ્યોગ જગતના અગ્રણીઓ,

સન્નારીઓ અને સજ્જનો !

આજે તમારી સાથે હોવાનો મને આનંદ છે.

ભારત અને દક્ષિણ આફ્રિકાના સંબંધો ઈતિહાસના મજબૂત પાયા પર રચાયેલા છે.

• આપણે નિયતિ દ્વારા સાથે દોરવાયેલા છીએ ;

• આપણે સપનાંઓ દ્વારા સાથે દોરવાયેલા છીએ.

આપણા ઈતિહાસમાં અનેક સમાનતાઓ છે.

સંઘર્ષ અને બલિદાન દ્વારા આપણે ઈતિહાસને બદલ્યો છે.

સદનસીબે, આ પ્રક્રિયામાં, આપણને માનવજાતિના સૌથી મહાન નેતાઓનું માર્ગદર્શન સાંપડ્યું હતું.

મિત્રો,

નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા આપણા નેતાઓએ આપણને રાજકીય સ્વાતંત્ર્ય આપ્યું.

હવે, આર્થિક સ્વાતંત્ર્ય માટે સક્રિય બનવાનો સમય પાકી ગયો છે.

એટલે, આપણા સંબંધો, આપણા દેશના લોકોની આકાંક્ષાઓને પૂરી કરવાની આપણી સમાન ઈચ્છા પર નિર્ભર છે.

• મુશ્કેલીઓના સમયે આપણે મિત્રો રહ્યા છીએ ;

• હવે તકોમાં આપણે હાથ મિલાવવો જોઈએ

આપણા મહાન નેતાઓના આશિર્વાદથી બંને દેશો વિકાસના માર્ગે આગળ ધપ્યા છે.

દક્ષિણ આફ્રિકા અને ભારત, બંને, બ્રિક્સ દેશોમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા દેશો છે.

આપણા દેશમાં વસેલા તેમજ વિશ્વભરમાં વસેલા આપણા નાગરિકો આપણી તરફ મોટી અપેક્ષાઓ સાથે મીટ માંડીને બેઠા છે.

આ બંને અપેક્ષાઓને પૂરી કરવા આપણે હાથ મિલાવી શકીએ.

શક્ય તમામ મોરચે આપણે અત્યંત સક્રિય અને લાભદાયી જોડાણ ધરાવીએ છીએ તે દિલાસાજનક છે.

આ સંમેલન આ જ પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો પણ છે.

મિત્રો,

હું કબૂલ કરું છું કે આ મહાન દેશની મુલાકાત લેવામાં હું થોડો મોડો પડ્યો છું.

જોકે, પ્રમુખ શ્રી ઝુમા અને મેં છેલ્લા બે વર્ષોમાં કેટલીક મુલાકાતો કરી છે.

દક્ષિણ આફ્રિકા, એ ભારતનું મહત્ત્વનું વેપાર અને રોકાણ ભાગીદાર છે.

છેલ્લા 10 વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર લગભગ 380 ટકા વધ્યો છે.

રોકાણોની પરિસ્થિતિ પણ ઊજળી રહી છે.

બંને તરફ રોકાણોનો પ્રવાહ સતત ચાલુ છે.

દક્ષિણ આફ્રિકામાં 150 કરતા પણ વધુ ભારતીય કંપનીઓ કાર્યરત છે.

એ જ રીતે, દક્ષિણ આફ્રિકાની પણ અનેક કંપનીઓ ભારતમાં ઉત્કૃષ્ટ કામકાજ કરી રહી છે.

આમ છતાં,

હજુ પણ અસાધારણ તકો રહેલી છે.

સંભાવનાઓ દિવસે દિવસે વધતી જાય છે.

એનું કારણ એ છે કે બંને દેશો તેમના આર્થિક પાયા મજબૂત કરી રહ્યા છે.

એટલે, આપણી જરૂરિયાતોને પહોંચી વળવા અને આપણા નાગરિકોને વધુ સારી સેવા આપવા માટે આપણા વેપારના પ્રકારમાં વૈવિધ્ય વિશે આપણે વિચારવું જ જોઈએ.

તમામ વિવિધ પાસા અને મંચો પર આપણી સક્રિય ભાગીદારી એ વાતનો પુરાવો છે કે આવું જોડાણ શક્ય છે.

મિત્રો,

ભારતીય કંપનીઓ માટે આ ખંડમાં દક્ષિણ આફ્રિકા જાણે પોતાનું ઘર છે.

અનેક અગ્રણી ભારતીય કંપનીઓ અહીં પદચિહ્ન ધરાવે છે.

આ કંપનીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે.

અહીં આપણી સાથે ઘણા ભારતીય સીઈઓ હાજર છે.

એ લોકોને મારી સલાહ છે કે તેઓ, તેમના વેપારને પરિણામે આ મહાન દેશનું સામાજિક-આર્થિક પરિવર્તન થાય છે કે નહીં તે તપાસે.

હું ભારત માટે ત્રણ પીની હિમાયત કરું છું.

(પબ્લિક સેક્ટર, પ્રાયવેટ સેક્ટર અને પિપલ્સ પાર્ટનરશીપ).

હું પર્સનલ સેક્ટર પર ભાર મૂકી રહ્યો છું.

આ જ વાત અહીં લાગુ પડે છે.

કૌશલ્ય વિકાસ અને સામુદાયિક સશક્તિકરણ તમારી વેપાર યોજનાઓમાં કેન્દ્રસ્થાને હોવા જોઈએ.

આફ્રિકાના માનવતાવાદ, ઉબુન્ટુ, તમારા વેપારમાં પ્રતિબિંબિત થવો જોઈએ.

આ અભિગમ આપણી સર્વે ભવન્તુ સુખિનઃની ફિલસૂફી જેવો જ છે.

આને માટે જ મહાત્મા ગાંધીએ અભિયાન આદર્યું હતું.

આપણે હંમેશા જતન અને પોષણમાં માનીએ છીએ, શોષણમાં નહીં.

પ્રોત્સાહક હકીકત એ છે કે આપણી વેપાર પ્રવૃત્તિ એકતરફી નથી.

દક્ષિણ આફ્રિકાની કંપનીઓ પણ ભારતમાં પ્રવૃત્ત છે.

તેમાંની અનેક કંપનીઓ મજબૂત સ્થાન ધરાવે છે.

તમારા જ્ઞાનમાંથી અમે શીખ્યા છીએ અને તમારા નવિન ઉત્પાદનોનો અમને લાભ મળ્યો છે.

દક્ષિણ આફ્રિકાની વેપાર કુનેહ અને ભારતની ક્ષમતાઓને પગલે આપણા બંને દેશોને વૃદ્ધિ અને વિકાસના પરસ્પર લાભ મળ્યા છે.

મિત્રો,

છેલ્લા બે વર્ષમાં આપણે અર્થતંત્રની ગાડી સાચી દિશામાં લાવવા માટે તમામ બાજુએથી કઠોર પરિશ્રમ કર્યો છે.

આપણી ઈમાનદારી અને મહેનતના ઘણાં પ્રોત્સાહક પરિણામો આપણને મળ્યા છે.

આજે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો સિતારો ઝળહળે છે.

અમને વૈશ્વિક વૃદ્ધિના એન્જિન તરીકે જોવામાં આવી રહ્યા છે.

ભારત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થા બની છે.

વૈશ્વિક મંદીના સમયે, અમે જીડીપીમાં 7.6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

વિશ્વ બેન્ક, આઈએમએફ અને અન્ય સંસ્થાઓએ આગામી દિવસોમાં ભારત હજુ વધુ વૃદ્ધિ નોંધાવશે એવા અનુમાનો આપ્યા છે.

એટલું જ નહીં, વર્ષ 2014-15માં ભારતે વૈશ્વિક વૃદ્ધિમાં 12.5 ટકા હિસ્સો નોંધાવ્યો હતો.

વૈશ્વિક વૃદ્ધિમાં ભારતે 68 ટકા યોગદાન આપ્યું છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેની ભાગીદારી કરતા વધુ છે.

આ વર્ષે ભારતમાં સીધા વિદેશી રોકાણો ઐતિહાસિક ઊંચા નોંધાયા છે.

રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું છે કે વર્ષ 2016માં ભારતમાં સીધા વિદેશી રોકાણો (એફડીઆઈ)નો પ્રવાહ ઐતિહાસિક ઊંચો હતો, જે અમારા ‘મેઈક ઈન ઈન્ડિયા’ અભિયાનની સફળતા દર્શાવે છે.

મેઈક ઈન ઈન્ડિયા, ભારતની અત્યાર સુધીની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે.

દેશની અંદર તેમજ દેશની બહાર, બંને જગ્યાએ આ બ્રાન્ડે લોકો, સંસ્થાઓ, ઉદ્યોગો, વેપારો, માધ્યમો અને રાજકીય નેતૃત્ત્વનું ધ્યાન ખેંચ્યું છે.

મેઈક ઈન ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે અમે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ એટલે કે વેપાર કરવાનું સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

પરવાનાની પ્રક્રિયા સરળ બનાવવા અને મંજૂરીઓ, વળતર અને તપાસને લગતી જોગવાઈઓને તર્કસંગત બનાવવા માટે અમે નિર્ણાયત્મક પગલા લીધા છે.

હું કેટલાક અન્ય સૂચકો વિશે વાત કરું તો,

• કેટલીક વૈશ્વિક એજન્સીઓ અને સંસ્થાઓ દ્વારા ભારતને સતતપણે રોકાણના સૌથી આકર્ષક સ્થળ ગણાવાયું છે.

• વેપાર સરળ કરવા અંગેના વિશ્વ બેન્કના તાજેતરના વૈશ્વિક રેન્કિંગ મુજબ અમે 12 સ્થાન ઊંચું રેન્કિંગ હાંસલ કર્યું છે.

• ભારતે રોકાણની આકર્ષકતા અંગેનું પોતાનું યુએનસીટીએડી રેન્કિંગ પણ સુધાર્યું છે.

• 15મા સ્થાનને બદલે હવે અમે 9મા સ્થાન પર છીએ.

• વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં પણ ભારતે 16 સ્થાન ઊંચું રેન્કિંગ હાંસલ કર્યું છે.

અમારી નીતિઓ અને પ્રયાસોની હકારાત્મક અસરને કારણે અમારો વિશ્વાસ વધ્યો છે.
આને કારણે અમને વેપાર કરવા માટેનું સૌથી સરળ સ્થળ બનવા માટેની અમારી પ્રક્રિયાને વધુ સહેલી બનાવવાનું પ્રોત્સાહન પણ મળ્યું છે.

વિચારોના સર્જન અને તેને ઉદ્યોગ સાહસ તરીકે વિકસાવવા માટે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા નામે નવતર કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

વધુ રોજગાર સર્જન માટે તેમજ લોકોની ખરીદશક્તિ વધારવામાં આ પગલાઓની સાનુકૂળ અસર જોવા મળી રહી છે.

આ પગલાઓ છેવટે ભારતને ઉચ્ચ ગુણવત્તાભર્યા જીવન અને ઊંચા જીવન ધોરણ ધરાવતું સ્થળ બનવા તરફ દોરી જશે.

અમારો વિકાસ સમાવેશ્યક હોય અને ગ્રામીણ તેમજ શહેરી, બંને સમુદાયોને સમાવતો હોય તે અમે સુનિશ્ચિત કર્યું છે.

અમે મુખ્ય પ્રદેશો અને સામાજિક ક્ષેત્રો, બંનેમાં નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર – અદ્યતન માળખાકીય સુવિધાઓ તરફ ઝડપભેર આગળ વધી રહ્યા છીએ.

મિત્રો,

આપણાં બંને દેશોના સામાજિક-આર્થિક પડકારો વધતે-ઓછે અંશે સમાન છે.

મારી સલાહ છે કે વિકાસનાં પૈડાં ફરી ન શોધાવાં જોઈએ.

આપણાં બંને દેશોની વિશિષ્ટતા એ છે કે તે બંને પરસ્પર પૂરક બની શકે તેમ છે.

દાખલા તરીકે,

કૃદરત આપણા બંને માટે ઉદાર છે.

આપણી પાસે અખૂટ કુદરતી સંસાધનો છે.

એનો યોગ્ય લાભ લેવાની જરૂર છે અને તેમનો સામાન્ય માનવીના કલ્યાણ માટે નોંધપાત્ર રીતે ઉપયોગ કરવાની જરૂર છે.

આ મુદ્દે આપણે એકબીજા પાસેથી ઘણું શીખી શકીએ તેમ છીએ.

અમે ખાસ કરીને, તમારી વિશ્વ કક્ષાની ખાણકામ કંપનીઓ સાથે જોડાવા માગીએ છીએ.

એમાંની કેટલીક કંપનીઓ ભારતમાં સક્રિય છે.

પરંતુ અમે આ બાબતે વ્યૂહાત્મક ભાગીદારી ઈચ્છીએ છીએ.

આ ક્ષેત્રે અમારો રસ એકતરફી નથી.

બીજું, આબોહવા પરિવર્તનના પડકાર અને વિકાસને વેગ આપવાની જરૂરિયાત – બંને દેશો સામે આ પ્રશ્ન છે.

આપણે બંને વિકાસ માટે સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર માર્ગ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.

એ જ સમયે, આપણને ઉર્જા સંસાધનોની જરૂર છે.

અનેક દેશોની મદદથી અમે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ રચ્યું છે.

હું આશા રાખું છું કે આપણે આ ફોરમને સમૃદ્ધ બનાવીશું અને તેનો લાભ લઈશું.

આપણાં બંને દેશોને વિરુદ્ધ મોસમનો વિશિષ્ટ લાભ મળે છે.

જ્યારે ભારતમાં ઉનાળો હોય અથવા કેરીની મોસમ હોય, ત્યારે અહીં શિયાળો હોય છે અને અહીં ઉનાળો હોય,ત્યારે ભારતમાં શિયાળો.

પરસ્પર ફળો, શાકભાજી અને અન્ય ઝડપથી બગડી જાય તેવી ચીજવસ્તુઓના બજાર દ્વારા આપણે આ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ શકીએ.

તમારા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે ભારતનું વિશાળ બજાર વિપુલ તકો આપે છે.

આ ક્ષેત્રમાં આપણો સહયોગ આપણા ખેડૂતો અને આપણા ગામડાઓ માટે ફાયદાકારક નીવડશે.

અમે ભારતમાં માળખાકીય સુવિધાઓની અત્યંત મહાત્વાકાંક્ષી યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ.

સ્વતંત્રતા મળી ત્યારથી અત્યાર સુધીમાં બાકી રહી ગયેલા કામો હવે ઝડપભેર પતાવવા પડશે.

આ તફાવત પૂરવા માટે આપણે સાથે મળીને ઘણું બધું કરી શકીએ એમ છીએ.

ટેકનોલોજી અને કૌશલ્યની મદદ મેળવવા માટે ભારત સૌથી અનુકૂળ છે.

આ ક્ષેત્રોમાં પ્રયત્નો ચાલી રહ્યા છે.

ગયા વર્ષે નવી દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા આફ્રિકા ફોરમ સમિટમાં અમે આગામી પાંચ વર્ષમાં 50,000 આફ્રિકનોને ભારતમાં શિક્ષણ અને તાલીમ આપવાની જવાબદારી ઉઠાવી છે.

આ માત્ર કેટલાક ઉદાહરણો છે.

આપણે અનેક ક્ષેત્રોમાં સાથે કામ કરી શકીએ એમ છીએ.

• સંરક્ષણથી માંડીને ડેરી ઉદ્યોગ ;

• હાર્ડવેરથી સોફ્ટવેર ;

• ઔષધિ ક્ષેત્રથી તબીબી પ્રવાસન ;

• પૂરક કૌશલ્યોથી માંડીને વિજ્ઞાન અને તકનીકી સુધીના ક્ષેત્રો.

આપણા માટે તકો છે.

આજે ભારત સૌથી ઉદાર અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે.

અમે મોટા ભાગના ક્ષેત્રોમાં અને શક્ય તમામ રીતે સીધા વિદેશી રોકાણો (એફડીઆઈ)નો માર્ગ મોકળો બનાવ્યો છે.

અમે વેપાર સ્થાપવા અને વિકસાવવા માટેના અમારા નિયમોને તર્કસંગત તેમજ સરળ બનાવ્યા છે.
મિત્રો,
અંતે હું કહેવા માગું છું કે આપણી ભાગીદારીમાં અમે સંસ્થાકીય ઊંડાણ લાવ્યા છીએ.

આપણા બ્રિક્સના વેપાર જોડાણ અને સીઈઓની ફોરમે આપણી ભાગીદારીને વ્યાપક બનાવવા અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી છે.

આજે આપણે ઈન્ડિયા-સાઉથ આફ્રિકા સીઈઓ ફોરમની ત્રીજી બેઠક સફળતાપૂર્વક યોજી છે.

અમે આપની ભલામણોની કદર કરીએ છીએ અને તેને અમલમાં મૂકીશું.

નિયમિત રીતે બિઝનેસ માટે પ્રવાસ કરતા પ્રવાસીઓને 10 વર્ષના બ્રિક્સ વિઝા મંજૂર કરવા માટે અમે દક્ષિણ આફ્રિકાની સરકારના આભારી છીએ.

આ નિર્ણયને પગલે ભારતીય ઉદ્યોગ જગતને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં અમે દક્ષિણ આફ્રિકા માટે ઈ-વિઝા કાર્યક્રમ શરૂ કર્યો છે.

આ કાર્યક્રમ ટૂંક સમય માટે ભારત આવનારા તેમજ વેપાર અંગે ભારત આવતા પ્રવાસીઓ માટે માન્ય છે.

હવે તમે ઘેર બેઠા, ઈમેઈલમાં ભારતના વિઝા મેળવી શકો છો અને તે પણ વિનામૂલ્યે !

મિત્રો,

• ચાલો આપણે ફરી એકવાર હાથ મિલાવીએ ;

• ચાલો, આપણે ફરી એકવાર પરસ્પર પ્રતિબદ્ધ બનીએ ;

• ગરીબી નામના દુશ્મન સામે લડવા આ આવશ્યક છે ;

• આ કદાચ અત્યંત પડકારજનક છે ;

• પરંતુ આપણે સફળ થવું જ પડશે ;

• અને આપણા મહાન નેતાઓને આ જ એકમાત્ર શ્રદ્ધાંજલિ હોઈ શકે.

આભાર.

TR/GP