કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉક્ટર હર્ષવર્ધનજી, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર વિજય રાઘવનજી, સીએસઆઈઆરના વડા ડૉક્ટર શેખર સી માંડેજી, વિજ્ઞાન જગતના અન્ય તમામ મહાનુભવ, દેવીઓ અને સજ્જનો!
નેશનલ ફિઝિકલ લેબોરેટરીની પ્લેટિનમ જ્યુબિલી સમારોહની આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આજે આપણાં વૈજ્ઞાનિકો નેશનલ એટમિક ટાઈમ સ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી રાષ્ટ્રને અર્પિત કરી રહ્યા છે, અને સાથે-સાથે જ દેશની સૌપ્રથમ નેશનલ એન્વાયર્ન્મેન્ટલ સ્ટેન્ડર્ડ લેબીરેટરીનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. નવા દાયકામાં આ શુભારંભ, દેશનું ગૌરવ વધારનારો છે.
સાથીઓ,
નવું વર્ષ પોતાની સાથે એક બીજી મોટી ઉપલબ્ધિ લઈને આવ્યું છે. ભારતના વૈજ્ઞાનિકોએ એક નહિ બે-બે મેઇડ ઇન ઈન્ડિયા કોવિડ રસી વિકસિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં દુનિયાનો સૌથી મોટો કોવિડ વેક્સિન પ્રોગ્રામ પણ શરૂ થવા જઈ રહ્યો છે. તેની માટે દેશને પોતાના વૈજ્ઞાનિકોના યોગદાન ઉપર ખૂબ ગર્વ છે, દરેક દેશવાસી આપ સૌ વૈજ્ઞાનિકો પ્રત્યે, ટેક્નિશિયનો પ્રત્યે, સૌ માટે કૃતજ્ઞ છે.
સાથીઓ,
આજે તે સમયને પણ યાદ કરવાનો દિવસ છે જ્યારે આપણાં વૈજ્ઞાનિક સંસ્થાનોમાં, આપ સૌએ કોરોના સામે મુકાબલો કરવા માટે, રસીને વિકસિત કરવા માટે દિવસ રાત એક કરી નાંખી હતી. સીએસઆઈઆર સહિત અન્ય સંસ્થાનોએ સાથે મળીને દરેક પડકારનો સામનો કર્યો, નવી નવી પરિસ્થિતિઓના સમાધાન શોધ્યા.
તમારા આ જ સમર્પણ વડે આજે દેશમાં પોતાના આ વૈજ્ઞાનિક સંસ્થાનો પ્રત્યે જાગૃત અને સન્માનનો એક નવો ભાવ ઉત્પન્ન થયો છે. આપણાં યુવાનો આજે સીએસઆઈઆર જેવા સંસ્થાનો વિષે હજી વધારે જાણવા સમજવા માંગી રહ્યા છે. એટલા માટે હું ઇચ્છીશ કે સીએસઆઈઆરના વૈજ્ઞાનિક, દેશની વધુમાં વધુ શાળાઓ સાથે, વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કરે. કોરોના કાળમાં પોતાના અનુભવોને અને આ સંશોધન ક્ષેત્રમા કરવામાં આવેલ કામોને નવી પેઢી સાથે વહેંચે. તેના દ્વારા આવનાર સમયમાં તમને યુવા વૈજ્ઞાનિકોની નવી પેઢી તૈયાર કરવામાં, તેમને પ્રેરિત કરવામાં બહુ મોટી મદદ મળશે.
સાથીઓ,
થોડા સમય પહેલા સાડા 7 દાયકાની તમારી સિદ્ધિઓનો અહિયાં ઉલ્લેખ થયો છે. આ વર્ષો દરમિયાન આ સંસ્થાનની અનેક મહાન વિભૂતિઓએ દેશની ઉત્તમમાં ઉત્તમ સેવા કરી છે. અહિયાથી નીકળેલા સમાધાનોએ દેશનો પથ પ્રશસ્ત કર્યો છે. સીએસઆઈઆઈ એનપીએલએ દેશના વિકાસની વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને ઇ-વેલ્યુએશન બંનેમાં પોતાની મહત્વની ભૂમિકા નિભાવી છે. વિતેલા વર્ષોની સિદ્ધિઓ અને ભવિષ્યના પડકારો પર ચર્ચા કરવા માટે આજે અહિયાં કોંકલેવ પણ આયોજિત થઈ રહી છે.
સાથીઓ,
તમે જ્યારે પાછળ ફરીને જુઓ છો તો તમારી શરૂઆત ગુલામીમાંથી બહાર નીકળેલા ભારતના નવ નિર્માણ માટે કરવામાં આવી હતી. સમયની સાથે તમારી ભૂમિકામાં વધારે વિસ્તરણ થયું છે, હવે દેશની સામે નવા લક્ષ્યો છે, નવા ગંતવ્યો પણ છે. દેશ વર્ષ 2022માં પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે, વર્ષ 2047માં આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આ સમયગાળા દરમિયાન આપણે આત્મનિર્ભર ભારતના નવા સંકલ્પોને ધ્યાનમાં રાખીને નવા માનાંક, નવા માપદંડો – ન્યુ સ્ટેન્ડર્ડ, નવા સીમા સ્તંભોને સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવાનું જ છે.
સાથીઓ,
સીએસઆઈઆર-એનપીએલ તો ભારતનું એક રીતે સમય સંરક્ષક છે. એટલે કે ભારતના સમયની દેખરેખ, વ્યવસ્થા તમારા માથે જ છે. જ્યારે સમયની જવાબદારી તમારી છે તો સમયનું પરિવર્તન પણ તમારા વડે જ શરૂ થશે. નવા સમયનું નવા ભવિષ્યનું નિર્માણ પણ તમારી પાસેથી જ દિશા મેળવશે.
સાથીઓ,
આપણો દેશ દાયકાઓથી ગુણવત્તા અને માપદંડ માટે વિદેશી માનાંક પર નિર્ભર રહ્યો છે. પરંતુ આ દાયકામાં ભારતે પોતાના માનાંકોને નવી ઊંચાઈ આપવી પડશે. આ દાયકામાં ભારતની ગતિ, ભારતની પ્રગતિ, ભારતનું ઉત્થાન, ભારતની છબી, ભારતનું સામર્થ્ય, આપણું ક્ષમતા નિર્માણ, આપણાં માનાંકો વડે જ નિર્ધારિત થશે. આપણાં દેશમાં સેવાની ગુણવત્તા હોય, સરકારી ક્ષેત્ર અથવા તો પછી ખાનગી ક્ષેત્રમા, આપણાં દેશમાં ઉત્પાદનની ગુણવત્તા હોય, ભલે સરકાર બનાવે કે ખાનગી ક્ષેત્ર, આપણાં ગુણવત્તાના માનાંકો જ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતના ઉત્પાદનોની તાકાત કેટલી વધારે વધશે.
સાથીઓ,
આ મેટ્રોલોજી, સાધારણ ભાષામાં કહીએ તો માપવા કરવાનું વિજ્ઞાન, તે કોઈપણ વૈજ્ઞાનિક સિદ્ધિ માટે પણ પાયાની જેમ કામ કરે છે. કોઈપણ સંશોધન માપ વિના આગળ નથી વધી શકતું. ત્યાં સુધી કે આપણે આપણી સિદ્ધિઓ પણ કોઈને કોઈ માપદંડ ઉપર જ માપવી પડે છે. એટલા માટે મેટ્રોલોજી આધુનિકતાનો પાયો છે. જેટલી વધુ સારી તમારી પદ્ધતિ હશે તેટલી જ વધારે સારી મેટ્રોલોજી હશે અને જેટલી વિશ્વસનીય મેટ્રોલોજી જે દેશની હશે તે દેશની વિશ્વસનીયતા દુનિયામાં તેટલી જ વધારે હશે. મેટ્રોલોજી આપણી માટે અરીસા સમાન હોય છે. દુનિયામાં આપણાં ઉત્પાદનો ક્યાં ઊભા રહે છે, આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે, આ ઓળખ, આ આંતરિક સંશોધન મેટ્રોલોજી દ્વારા જ તો શક્ય બને છે.
એટલા માટે આજે જ્યારે દેશ આત્મનિર્ભર ભારત અભિયાન, તેનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે, તો આપણે યાદ રાખવાનું છે કે તેનું લક્ષ્ય જથ્થો તો છે જ પરંતુ સાથે સાથે ગુણવત્તા પણ તેટલી જ મહત્વપૂર્ણ છે. એટલે કે સ્કેલ પણ વધે અને સાથે સાથે સ્ટેન્ડર્ડ પણ વધે. આપણે દુનિયાને માત્ર ભારતીય ઉત્પાદનો વડે ભરવાની જ નથી, ઢગલા નથી ઊભા કરવાના. આપણે ભારતીય ઉત્પાદન ખરીદનાર ગ્રાહકોના દિલ પણ જીતવાના છે અને દુનિયાના દરેક ખૂણામાં દિલ જીતવાના છે. મેઇડ ઇન ઈન્ડિયાની માત્ર વૈશ્વિક માંગ જ ના હોય પરંતુ વૈશ્વિક સ્વીકૃતિ પણ હોય, આપણે એ બાબતની ખાતરી કરવાની છે. આપણે બ્રાન્ડ ઈન્ડિયાને ગુણવત્તા, વિશ્વસનીયતાના મજબૂત સ્તંભો પર વધારે મજબૂત બનાવવાની છે.
સાથીઓ,
મને ખુશી છે કે ભારત હવે આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત દુનિયાના તે દેશોમાંથી એક છે જેમની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે. નાવિક વડે ભારતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી બતાવી છે. આજે આ જ દિશામાં બીજું એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આજે જે ભારતીય નિર્દેશક દ્રવ્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે આપણાં ઉદ્યોગ જગતને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. હવે ખાદ્યાન્ન, એડીબલ, ખનીજ તેલ, ખનીજ, ભારે ધાતુ, પેસ્ટીસાઇડ્સ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા અનેક ક્ષેત્રોમાં આપણાં “સર્ટિફાઇડ રેફરન્સ મટિરિયલ સિસ્ટમ’ને મજબૂત કરવાની દિશામાં આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે આપણે એ સ્થિતિ બાજુ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં ઉદ્યોગ નિયંત્રણ કેન્દ્રી અભિગમને બદલે ગ્રાહક કેન્દ્રી અભિગમ બાજુ વળે. આ નવા માનાંકો વડે દેશભરના જિલ્લાઓમાં ત્યાંનાં સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક ઓળખ અપાવવાનું અભિયાન છે, તેને ઘણો લાભ મળશે. તેનાથી આપણાં એમએસએમઇ ક્ષેત્રને વિશેષ લાભ મળશે. કારણ કે બહારની જે મોટી ઉત્પાદન કંપનીઓ ભારતમાં આવી રહી છે, તેમને અહિયાં આગળ જ આંતરરાષ્ટ્રીય માનાંકની સ્થાનિક પુરવઠા શૃંખલા મળશે.
સૌથી મોટી વાત, નવા માનાંકો વડે નિકાસ અને આયાત, બંનેની ગુણવત્તા નક્કી કરવામાં આવશે. તેનાથી ભારતના સામાન્ય ગ્રાહકોને પણ સારો સમાન મળશે, નિકાસકારની મુશ્કેલી પણ હળવી થશે. એટલે કે આપણું ઉત્પાદન, આપણી ચીજવસ્તુઓ, ગુણવત્તામાં જેટલા વધારે સારા હશે, તેટલી જ તાકાત દેશની અર્થવ્યવસ્થાને મળશે.
સાથીઓ,
અતિતથી લઈને વર્તમાન સુધી તમે ગમે તે સમયમાં જુઓ, જે દેશે વિજ્ઞાનને જેટલું આગળ વધાર્યું છે, તે દેશ તેટલો જ આગળ વધ્યો છે. આ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગનું ‘મૂલ્ય નિર્માણ ચક્ર’ છે. વિજ્ઞાન દ્વારા કોઈ સંશોધન થાય છે, તો તેના જ પ્રકાશમાં ટેકનોલોજી વિકસિત થતી હોય છે અને ટેકનોલોજી દ્વારા ઉદ્યોગ ઊભો થાય છે, નવા ઉત્પાદનો તૈયાર થાય છે, નવી વસ્તુઓ નીકળે છે, નવા ઉત્પાદનો નીકળે છે.
ઉદ્યોગો ફરી નવા સંશોધન માટે વિજ્ઞાનમાં રોકાણ કરે છે. અને આ ચક્ર નવી સંભાવનાઓની દિશામાં આગળ વધ્યા કરે છે. સીએસઆઈઆર એનપીએલ દ્વારા ભારતના આ મૂલ્ય ચક્રને આગળ વધારવા માટે મહત્વની ભૂમિકા નિભાવવામાં આવી છે. આજે જ્યારે દેશ આત્મનિર્ભર ભારતના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યું છે, ત્યારે વિજ્ઞાન વડે બહોળા ઉત્પાદનના આ મૂલ્ય નિર્માણના ચક્રનું મહત્વ વધારે વધી જાય છે. એટલા માટે સીએસઆઈઆરે તેમાં મોટી ભૂમિકા નિભાવવી પડશે.
સાથીઓ,
સીએસઆઈઆર એનપીએલે આજે જે નેશનલ એટમિક ટાઈમસ્કેલ દેશને સમર્પિત કર્યો છે, તેનાથી ભારત નેનો સેકન્ડ એટલે કે એક સેકન્ડના 1 અરબમા હિસ્સા સુધીના ભાગને માપવા માટે પણ આત્મનિર્ભર બની ગયું છે. 2.8 નેનો સેકન્ડનું આ ચોકસાઇ સ્તર હાંસલ કરવું, એ પોતાનામાં જ એક બહુ મોટું સામર્થ્ય છે. હવે આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડ ટાઈમને આપણો ભારતીય સ્ટેન્ડર્ડ ટાઈમ 3 નેનો સેકન્ડ કરતાં પણ ઓછાના ચોકસાઇ સ્તર સાથે મેળ ખાઈ રહ્યો છે. તેનાથી ઇસરો સહિત આપણાં જેટલા પણ સંસ્થાન કટિંગ એજ ટેકનોલોજીમાં કામ કરી રહ્યા છે તેમને ઘણી મદદ મળવાની છે. તેનાથી બેંકિંગ, રેલવે, ડિફેન્સ, આરોગ્ય, ટેલિકોમ, હવામાન આગાહી, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન, એમ અગણિત ક્ષેત્ર સાથે જોડાયેલ આધુનિક ટેકનોલોજીમાં ઘણી મદદ મળશે. એટલું જ નહિ, આપણે જે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરોની વાત કરીએ છીએ તે ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો માટે પણ ભારતની ભૂમિકાને સશક્ત કરશે.
સાથીઓ,
આજનું ભારત પર્યાવરણની દિશામાં વિશ્વનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હવાની ગુણવત્તા અને ઉત્સર્જન માપવા માટેની ટેક્નોલોજીથી લઈને સાધનો સુદ્ધાં માટે આપણે બીજાઓ ઉપર નિર્ભર રહ્યા છીએ. આજે આમાં પણ આત્મનિર્ભરતા માટે આપણે એક મોટું પગલું ભર્યું છે. તેનાથી ભારતમાં પ્રદૂષણ સામે લડવા માટે વધુ સસ્તી અને અસરકારક વ્યવસ્થા તો વિકસિત થશે જ, સાથે સાથે હવાની ગુણવત્તા અને ઉત્સર્જન સાથે જોડાયેલ ટેકનોલોજીના વૈશ્વિક બજારમાં પણ ભારતની ભાગીદારી વધી જશે. આપણાં વૈજ્ઞાનિકોના જ સતત પ્રયાસો વડે ભારત આજે આ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે.
સાથીઓ,
કોઈપણ પ્રગતિશીલ સમાજમાં સંશોધન જીવનનો એક સહજ સ્વભાવ પણ હોય છે, અને સહજ પ્રક્રિયા પણ હોય છે. સંશોધનની અસરો વ્યાવસાયિક પણ હોય છે, સામાજિક પણ હોય છે અને સંશોધન આપણાં જ્ઞાનને, આપણી સમજણને વિસ્તૃત કરવા માટેના કામમાં પણ આવે છે. ઘણી વાર સંશોધન કરતી વખતે આ બાબતનો અંદાજો નથી હોતો કે અંતિમ લક્ષ્ય સિવાય પણ તે અન્ય કઈ દિશામાં જશે, ભવિષ્યમાં તે બીજા કયા કામમાં આવશે. પરંતુ એટલું નક્કી છે કે સંશોધન, જ્ઞાનનો નવો અધ્યાય ક્યારેય પણ વ્યર્થ નથી જતો હોતો. આપણે ત્યાં શસ્ત્રોમાં જેમ કે કહેવામાં આવ્યું છે ને કે આત્મા ક્યારેય મરતી નથી. હું માનું છું કે સંશોધન પણ ક્યારેય મરતું નથી. ઇતિહાસમાં આવા કેટલાય ઉદાહરણો છે જે, ફાધર ઓફ જીનેટિક્સ મેંડલના કામને ઓળખ ક્યારે મળી? તેમના ગયા પછી. નિકોલા ટેસ્લાના કામની ક્ષમતા પણ ઘણા સમય પછી દુનિયા પૂરી રીતે સમજી શકી. અનેક સંશોધન આપણે જે દિશામાં, જે ઉદ્દેશ્ય સાથે કરી રહ્યા હોઈએ છીએ તે પૂરા નથી થઈ શકતા. પરંતુ તે જ સંશોધન કોઈ અન્ય ક્ષેત્રમાં અગ્રણી બની જતાં હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, જગદીશ ચંદ્ર બોઝજીએ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજમાં માઇક્રોવેવના સિદ્ધાંતને રજૂ કર્યો, સર બોઝ તેના વ્યાવસાયિક ઉપયોગની દિશામાં આગળ ના વધ્યા, પરંતુ આજે રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમ તે જ સિદ્ધાંત ઉપર ઊભું છે. વિશ્વ યુદ્ધના સમયે જે સંશોધન યુદ્ધ માટે હતું અથવા સૈનિકોને બચાવવા માટે થયું હતું પાછળથી તેમણે જ જુદા જુદા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી દીધી હતી. ડ્રોન પણ પહેલા યુદ્ધ માટે જ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આજે ડ્રોન વડે ફોટો શુટ પણ થઈ રહ્યા છે, અને સામાનની ડિલિવરી પણ થઈ રહી છે. એટલા માટે આજે એ જરૂરી છે કે આપણાં વૈજ્ઞાનિકો, અને ખાસ કરીને યુવાન વૈજ્ઞાનિકો સંશોધનના ક્રોસ યુટીલાઈઝેશનની પ્રત્યેક સંભાવનાની શોધ કરે. તેમના ક્ષેત્રની બહાર તેમના સંશોધનનો કઈ રીતે પ્રયોગ થઈ શકે છે, તેવી વિચારધારા હંમેશા રહેવી જોઈએ.
સાથીઓ,
તમારું નાનકડું સંશોધન કઈ રીતે દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે, અનેક ઉદાહરણો છે દુનિયામાં જો વીજળીનું જ ઉદાહરણ લઈ લઈએ. આજે જીવનનો કોઈ એવો હિસ્સો નથી કોઈ એવું પાસું નથી જ્યાં વીજળી વિના ગુજારો થઈ શકે તેમ છે. વાહનવ્યવહાર હોય, કમ્યુનિકેશન હોય, ઉદ્યોગ હોય કે પછી રોજબરોજનું જીવન, બધુ જ વીજળી સાથે જોડાયેલું છે. એક સેમી કંડકટરની શોધથી દુનિયા એટલી બદલાઈ ગઈ છે. એક ડિજિટલ ક્રાંતિએ આપણાં જીવનને કેટલી સમૃદ્ધ કરી દીધી છે. એવી કેટલીય સંભાવનાઓ આ નવા ભવિષ્યમાં આપણાં યુવાન સંશોધકો સામે પડી છે. આવનારું ભવિષ્ય આજથી તદ્દન જુદું જ હશે. અને આ દિશામાં તે એક સંશોધન, તે એક આવિષ્કાર તમારે જ કરવાનો છે. છેલ્લા છ વર્ષોમાં દેશે તેની માટે નવી રીતે ફ્યુચર રેડી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં કામ કર્યું છે. આજે ભારત વૈશ્વિક ઇનોવેશન રેન્કિંગમાં દુનિયાના ટોચના 50 દેશોમાં છે. આજે બહર્ટમાં ઇન્ડસ્ટ્રી અને સંસ્થાનોની વચ્ચે સંગઠન પણ મજબૂત કરવામાં આવી રહ્યું છે. દુનિયાની મોટી મોટી કંપનીઓ પણ ભારતમાં પોતાના સંશોધન કેન્દ્રો અને સુવિધાઓ સ્થાપિત કરી રહી છે. વિતેલા વર્ષોમાં આ સુવિધાઓની સંખ્યા ઘણી વધારે થઈ ગઈ છે.
એટલા માટે સાથીઓ,
આજે ભારતના યુવાનોની પાસે સંશોધન અને ઇનોવેશનમાં અસીમ સંભાવનાઓ છે. પરંતુ આજે આપણી માટે જેટલું ઇનોવેશન ગંભીર છે, તેટલું જ મહત્વપૂર્ણ છે ઇનોવેશનને સંસ્થાગત સ્વરૂપ આપવાનું. તે કઈ રીતે થાય, બૌદ્ધિક સંપદાની સુરક્ષા કઈ રીતે થાય, તે પણ આજે આપણાં યુવાનોને શીખવાનું છે. આપણે એ યાદ રાખવાનું છે કે આપણાં જેટલા પેટન્ટ હશે તેટલો જ ઉપયોગ આપણાં આ પેટન્ટનો હશે, આપણું સંશોધન જેટલા ક્ષેત્રોમાં નેતૃત્વ કરશે તેટલી જ ઓળખ મજબૂત થશે. તેટલું જ બ્રાન્ડ ઈન્ડિયા મજબૂત થશે. આપણે સૌએ કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન્ ના મંત્રથી ઉર્જા લઈને તે કર્મમાં જોડાયેલા રહેવાનું છે. અને કદાચ આ મંત્રને જો કોઈએ જીવનમાં ઉતાર્યો છે તો મને હંમેશા લાગે છે કે વૈજ્ઞાનિકોએ ઉતાર્યો છે. તેમને એવું જ મન રહેતું હોય છે કે તેઓ લેબોરેટરીમાં એક ઋષિની જેમ તપસ્યા કરતાં રહે છે. ‘કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન્’ કર્મ કરતાં રહો ફળ મળે કે ના મળે તે લાગેલો રહે છે. તમે માત્ર ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના જ કર્મયોગીઓ નથી પરંતુ આપ 130 કરોડ કરતાં વધુ ભારતીયોની આશાઓ અને અપેક્ષાઓની પૂર્તિ માટેના પણ સાધક છો. તમે સફળ થતાં રહો, આ જ કામના સાથે તમને નવા વર્ષની ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.
ખૂબ ખૂબ આભાર!
SD/GP/BT
Speaking at the National Metrology Conclave. https://t.co/ligrXunTTP
— Narendra Modi (@narendramodi) January 4, 2021
The start of 2021 has brought positive news for Indian science and the quest to realise the dream of an Aatmanirbhar Bharat. pic.twitter.com/3xtfdRsI47
— Narendra Modi (@narendramodi) January 4, 2021
Aatmanirbhar Bharat is about quantity and quality.
— Narendra Modi (@narendramodi) January 4, 2021
Our aim is not to merely flood global markets.
We want to win people's hearts.
We want Indian products to have high global demand and acceptance. pic.twitter.com/7JsfSlBT35
Why value creation matters in science, technology and industry... pic.twitter.com/jgCOoYUGW4
— Narendra Modi (@narendramodi) January 4, 2021