Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ગ્રામીણ વિકાસ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ભારત અને મોરેશિયસ વચ્ચે એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મોરેશિયસ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.

આ એમઓયુ ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં રાષ્ટ્રીય વિકાસ એકમ, મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી કાર્યાલય અને ભારતીય પ્રજાસત્તાકના ગ્રામીણ વિકાસ મંત્રાલય વચ્ચે સહકાર માટે માળખું સ્થાપિત કરવામાં મદદ કરશે. એમઓયુ ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપશે તથા બંને દેશો વચ્ચે સમાનતા અને પારસ્પરિક લાભના ધોરણે ક્ષમતાનું નિર્માણ કરશે.

એમઓયુ અંતર્ગત ગ્રામીણ વિકાસ પર સંયુક્ત સમિતિની સ્થાપના થશે, જે પારસ્પરિક સંમત તારીખો પર બંને દેશોમાં વારાફરતી બેઠકો યોજશે. એમઓયુ તેના પર સહી થવાની તારીખથી અમલમાં આવશે.

ભારત અને મોરેશિયસ બંને દેશો ટેકનિકલ સહકાર સ્થાપિત કરવા માટે યોગ્ય રીતે સંકલન સાધવા અને સુલભતા ઊભી કરવા માટે સંમત થયા છે, જેમાં આ એમઓયુના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સહાય કરી શકે તેવી ભારતીય નિષ્ણાત સંસ્થાઓની સુલભતા, ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં પ્રસ્તુત માહિતી અને દસ્તાવેજોનું આદાનપ્રદાન સામેલ છે. માહિતી અને દસ્તાવેજોના આદાનપ્રદાનમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ માહિતી, ગ્રામીણ વિકાસને વેગ આપવા નીતિઓ અને સહાયક સ્વીકાર્ય પગલાં, પારસ્પરિક હિતના મુદ્દાઓ પર પ્રસ્તુત માહિતીઓના આદાનપ્રદાન દ્વારા સહકાર, અનુભવની વહેંચણીને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમો પર આદાનપ્રદાન મુલાકાતો હાથ ધરવી, મોરેશિયસમાં ચોક્કસ ક્ષેત્ર સંબંધિત તાલીમ અને જરૂરિયાત પ્રમાણે યોજનાઓ મારફતે ભારતમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તાલીમ મારફતે તેમની માનવ સંસાધન ક્ષમતાને મજબૂત કરવા સહયોગ તથા આધુનિક ટેકનોલોજી, અત્યાધુનિક ઉપકરણ અને સામગ્રીઓ, અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓની વહેંચણી સામેલ છે.

પૃષ્ઠભૂમિઃ છેલ્લા થોડા સમયથી ગ્રામીણ વિકાસ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય સહકાર માટે સંસ્થાગત ગોઠવણ ઊભી કરવા વિચારણા ચાલી રહી હતી. બંને દેશોની વસતિનો મોટો ભાગ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે તથા પોતાની આજીવિકા માટે મુખ્યત્વે કૃષિ અને તેની આનુષંગિક પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દેશના ગ્રામીણ વિસ્તારોની વિકાસલક્ષી વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

TR