Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ ગોળમેજી બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ પડકારજનક વર્ષમાં ભારતે સાહસિકતા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા રોગચાળાનો સામનો કર્યો છે, જેમાં દુનિયાને ભારતનું રાષ્ટ્રીય ચારિત્ર્ય અને દેશની ખરી ક્ષમતાનો પરિચય થયો છે. તેમણે કહ્યું હતું કે, રોગચાળાથી જવાબદારીની ભાવના, સંવેદનાનો જુસ્સો, રાષ્ટ્રીય એકતા જેવા ગુણો સફળતાપૂર્વક બહાર આવ્યાં છે, જે માટે ભારતીયો જગતમાં પ્રસિદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રોગચાળાથી દેશને ઇનોવેશન કે નવીનતા લાવવા માટે પ્રેરકબળ મળ્યું છે.

પ્રધાનમંત્રીએ રોગચાળા અને ભારતની બેઠા થવાની ક્ષમતા પર જણાવ્યું હતું કે, આ રોગચાળામાં ભારતે વાયરસ સામે લડીને તેમજ સાથે સાથે આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરીને એની ફરી બેઠા થવાની નોંધપાત્ર ક્ષમતા પ્રદર્શિત કરે છે. તેમણે આનો શ્રેય ભારતની લોકશાહી વ્યવસ્થાની ક્ષમતા, જનતાના સાથસહકાર અને સરકારની સ્થિર, સાતત્યપૂર્ણ નીતિઓને આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે જૂની રીતોપ્રણાલિકાઓમાંથી મુક્ત થઈ રહ્યો છે. અત્યારે ભારત વધારે શ્રેષ્ઠ રાષ્ટ્ર બનવા માટે પરિવર્તનના પંથે અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતને આત્મનિર્ભર બનાવવાનું એ સ્વપ્ન હોવાની સાથે સુઆયોજિત આર્થિક વ્યૂહરચના પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વ્યૂહરચનાનો ઉદ્દેશ ભારતીય વ્યવસાયો અને એના કર્મચારીઓની કુશળતાઓનો ઉપયોગ કરીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું પાવરહાઉસ કે કેન્દ્ર બનાવવાનો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ વ્યૂહરચનાનો ઉદ્દેશ દેશની ટેકનોલોજી ક્ષેત્રમાં ક્ષમતાનો ઉપયોગ કરીને એને નવીનતા માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવાનો છે તથા દેશનાં પ્રચૂર માનવીય સંસાધનો અને તેમની પ્રતિભાઓનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વિકાસમાં પ્રદાન કરવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે રોકાણકારો એવી કંપનીઓ તરફ વળી રહ્યાં છે કે પસંદ કરી રહ્યાં છે, જે એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ એટલે કે પર્યાવરણીય, સામાજિક અને વહીવટી (ઇએસજી)નો સ્કોર સારો ધરાવતી હોય. કહેવાનો અર્થ એ છે કે, જે કંપનીઓ પર્યાવરણ પ્રત્યે જવાબદાર હોય, સમાજને કશું પરત કરવાની ભાવના ધરાવતી હોય અને પારદર્શક વહીવટ ધરાવતી હોય એને રોકાણકારો વધારે પસંદ કરે છે. તેમણે ભારતને આ પ્રકારની વ્યવસ્થા ધરાવતો દેશ ગણાવ્યો હતો અને દેશની કંપનીઓ ઇએસજીનો ઊંચો સ્કોર ધરાવે છે એવું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત ઇએસજી પર સમાન ધ્યાન કેન્દ્રિત કરીને વૃદ્ધિના માર્ગે અગ્રેસર થવામાં માને છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત લોકશાહી, વસ્તીજન્ય, માગ તેમજ વિવિધતા જેવી લાભદાયક વિશિષ્ટતાઓ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, આપણો દેશ એટલી વિવિધતા ધરાવે છે કે, તમને એક બજારની અંદર વિવિધ બજારો મળશે. આ દરેક બજારની આર્થિક ક્ષમતા અલગઅલગ છે અને તેમની પસંદગીઓ પણ વિવિધતાસભર છે. આ દરેક બજાર અલગ મિજાજ ધરાવે છે અને વિકાસના વિવિધ સ્તરમાંથી પસાર થઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, તમારા ટ્રસ્ટમાં ફંડ પ્રદાન કરવા રોકાણકારની જરૂરિયાત સાથે સંબંધિત સમસ્યાઓ માટે લાંબા ગાળાના અને કાયમી સમાધાનો શોધવાનો સરકારનો અભિગમ કેવી રીતે શ્રેષ્ઠ અને લાંબા ગાળે સલામત વળતર આપશે. તેમણે સરકારની વિવિધ પહેલોના ઉદ્દેશ ઉત્પાદનની સંભવિતતા સુધારવાનો અને વેપારવાણિજ્યને સરળ કરવાનો ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, અમે અમારી ઉત્પાદનની સંભવિતતા સુધારવા વિવિધ પહેલો હાથ ધરી છે, અમે જીએસટી સ્વરૂપે એક દેશ, એક કરવેરા વ્યવસ્થાનો અમલ કર્યો છે, અમે દુનિયામાં કોર્પોરેટ કરવેરાના સૌથી ઓછા દર ધરાવતા દેશમાં સામેલ છીએ અને નવા ઉત્પાદન માટે વધુ પ્રોત્સાહન આપીએ છીએ, આઇટી આકારણી અને અપીલ માટે ફેસલેસ વ્યવસ્થા, કામદારોનાં કલ્યાણનું સંતુલન ધરાવતા નવા શ્રમ કાયદાઓ અને કર્મચારીઓ માટે વેપારવાણિજ્યને સરળ બનાવતી નીતિ ધરાવીએ છીએ. અમે ચોક્કસ ક્ષેત્રોમાં ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાઓ અને રોકાણકારો માટે ઉપયોગી સક્ષમ સંસ્થાગત વ્યવસ્થા ધરાવીએ છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, દેશ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત 1.5 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના ધરાવે છે. તેમણે ભારતમાં નિર્માણાધિન કે આયોજિત વિવિધ સામાજિક અને આર્થિક માળખાગત પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી, જેનો ઉદ્દેશ દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવાનો અને ગરીબી દૂર કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, ભારતે દેશભરમાં હાઇવેઝ, રેલવેઝ, મેટ્રો, જળમાર્ગો, એરપોર્ટનું પ્રચંડ માળખું ઊભું કરવાની સફર શરૂ કરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, નવમધ્યમવર્ગ માટે લાખો અફોર્ડેબલ મકાનોના નિર્માણની યોજના પણ બનાવવામાં આવી છે. તેમણે મોટા શહેરોમાં રોકાણની સાથે નાના શહેરો અને નગરોમાં પણ રોકાણની અપીલ કરી હતી તથા જણાવ્યું હતું કે, આ પ્રકારના શહેરોના વિકાસ માટે યુદ્ધના ધોરણે યોજનાઓનો અમલ થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ નાણાકીય ક્ષેત્રના સંપૂર્ણ વિકાસ માટેની સર્વાંગી વ્યૂહરચના સમજાવી હતી. તેમણે દેશમાં નાણાકીય ક્ષેત્રના વિકાસ માટે હાથ ધરવામાં આવેલી કેટલીક પહેલો વિશ જાણકારી આપી હતી, જેમાં બેંકિંગ ક્ષેત્રમાં વિસ્તૃત સુધારા, નાણાકીય બજારોની ક્ષમતા, આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર માટે એકીકૃત સત્તામંડળ, સૌથી વધુ ઉદાર એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)ની વ્યવસ્થા પૈકીની એક, વિદેશી મૂડી માટે ઉદાર કરવેરા વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ ટ્રસ્ટ જેવા રોકાણના માધ્યમો માટે અનુકૂળ નીતિગત વ્યવસ્થા, નાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતાનો અમલ, પ્રત્યક્ષ લાભનાં હસ્તાંતરણ દ્વારા નાણાકીય સશક્તિકરણ અને રુપે કાર્ડ અને ભીમયુપીઆઈ જેવી ફિનટેક આધારિત પેમેન્ટ સિસ્ટમ સામેલ છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકારની નીતિઓ અને સુધારાના કેન્દ્રમાં હંમેશા નવીનતા અને ડિજિટલ સાથે સંબંધિત પહેલો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ ધરાવતા દેશમાં સામેલ છે અને હજુ પણ અહીં સ્ટાર્ટઅપની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમણે સરકારે ખાનગી ઉદ્યોગસાહસોના વિકાસને સક્ષમ બનાવવા સરકારની વિવિધ પહેલો વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ઉત્પાદન, માળખાગત ક્ષેત્ર, ટેકનોલોજી, કૃષિ, ધિરાણ તથા આરોગ્ય અને શિક્ષણ જેવા સામાજિક ક્ષેત્રોનો પણ વિકાસ કરવા આતુર છે.

પ્રધાનમંત્રીએ સરકારે તાજેતરમાં કૃષિ ક્ષેત્રમાં કરેલા સુધારા વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલા સુધારાથી ભારતના ખેડૂતો સાથે ભાગીદારી કરવાની નવી લાભદાયક તકો ઊભી થઈ છે. તેમણે ટેકનોલોજી અને આધુનિક પ્રોસેસિંગ સોલ્યુશન્સની મદદ સાથે ટૂંક સમયમાં ભારત કૃષિ નિકાસ કેન્દ્ર તરીકે બહાર આવશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે અહીં વિદેશી વિશ્વવિદ્યાલયોના કેમ્પસ સ્થાપિત કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ઊભી કરેલી તક તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, ભારતના ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય રોકાણકાર સમુદાયે વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં 5 મહિનામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ના પ્રવાહમાં 13 ટકાનો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં રોકાણ કરવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિ માટે દેશને વિશ્વસનીયતા સાથે વળતર, લોકશાહી સાથે માગ, ટકાઉપણાની ક્ષમતા સાથે સ્થિરતા અને પર્યાવરણને અનુકૂળ કામગીરી સાથે વૃદ્ધિ માટેનો આદર્શ સ્થાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતની વૃદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક વૃદ્ધિને ફરી વેગ આપવાની સંભવિતતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત દ્વારા કોઈ પણ સીમાચિહ્ન વિશ્વના વિકાસ અને કલ્યાણ પર વિવિધ સ્તરે સ્તર કરશે. તેમણે જણાવ્યું હતું કે, મજબૂત અને જીવંત વાઇબ્રાન્ટ ઇન્ડિયા વિશ્વની વ્યવસ્થામાં સ્થિરતા લાવવા પ્રદાન કરી શકે છે. તેમણે રોકાણકારોને ખાતરી આપી હતી કે, સરકાર ભારતને આંતરરાષ્ટ્રીય વૃદ્ધિને ફરી વેગ આપવાનું એન્જિન બનાવવા શક્ય તમામ પ્રયાસો કરશે.

આ ઇવેન્ટ પૂર્ણ થયા પછી સીપીપી ઇન્વેસ્ટમેન્ટના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી માર્ક મેકિને જણાવ્યું હતું કે, વીજીઆઇઆર 2020 રાઉન્ડટેબલ અતિ ફળદાયક અને મદદરૂપ થાય એવો મંચ હતો, જેમાં અમને ભારતીય અર્થતંત્રનું નિર્માણ કરવા અને ભારતમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાકીય રોકાણની વૃદ્ધિને વેગ આપવા ઉપયોગી જાણકારી મળી હતી. અમારા લાંબા ગાળાના રોકાણની દ્રષ્ટિએ ભારત મહત્ત્વપૂર્ણ છે. અમે વિકાસશીલ બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે માળખાગત ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને ઉપભોક્તા ક્ષેત્રમાં અમારા હાલના રોકાણને વધારવા આતુર છીએ.

કાઇસ દા ડિપો એટ પ્લેસમેન્ટ દુ ક્યુબેક (સીડીપીક્યુ)ના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી ચાર્લ્સ એમોન્ડે ભારત વિશે વાત કરતાં કહ્યું હતું કે, ભારત સીડીપીક્યુ માટે મહત્ત્વપૂર્ણ બજાર છે અમે રિન્યૂએબલ્સ, લોજિસ્ટિક્સ, નાણાકીય સેવાઓ અને ટેકનોલોજીથી સંચાલિત સેવાઓ જેવા ક્ષેત્રોમાં કેટલાંક અબજોનું રોકાણ કર્યું છે. અમારો ઉદ્દેશ આગામી વર્ષોમાં અમારી કામગીરીને વધારે મજબૂત કરવાનો છે. હું પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારનો આ રાઉન્ડટેબલનું આયોજન કરવા આગેવાની લેવા માટે આભાર માનું છું, જ્યાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને વિવિધ વ્યવસાયોના દિગ્ગજો ભારતના અર્થંતત્રને મજબૂત બનાવવાની તકો પર ચર્ચા કરી શકે છે.

અમેરિકાના ટેક્સાસની ટીચર રિટાયર્મેન્ટ સિસ્ટમના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી જેઝ ઓબીએ રાઉન્ડટેબલમાં તેમની ભાગીદારી અને ભારત પર એમનો અભિપ્રાય પ્રસ્તુત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને 2020 વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલમાં સામેલ થવાની ખુશી છે. તેમના પોર્ટફોલિયોમાં પેન્શન ફંડ રોકાણકારોના મોટા હિસ્સાનું રોકાણ એવી અસ્કયામતોમાં થયું છે, જે વિકાસશીલ અર્થતંત્રો અને બજારોમાંથી લાભ મેળવશે એવી અપેક્ષા ધરાવે છે. ભારતે હાથ ધરેલા માળખાગત સુધારા આ પ્રકારની ઊંચી વૃદ્ધિ તેમજ ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખશે એવી શક્યતા છે.

 

SD/GP/BT