મને ખાતરી છે કે આપણે બધા એ વાત સાથે સહમત છીએ કે આ વાયરસ તદ્દન અજ્ઞાત છે, અગાઉ ક્યારેય આના જેવું બન્યું નથી. એટલે, આ નવા અજ્ઞાત દુશ્મનસામે લડતા આપણી પ્રતિક્રિયાઆપવાનીક્ષમતા પણ વિકસિત થઈ રહી છે.
હું કોઈ સ્વાસ્થ્ય નિષ્ણાત નથી, છતાં મારું મૂલ્યાંકન આંકડાને આધારે છે. હું માનું છું કે આપણે કોરોનાવાયરસ સામેના યુદ્ધનું મૂલ્યાંકન, આપણે કેટલા લોકોના જીવ બચાવી શક્યા, તેના આધારે કરવું જોઈએ.
“કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યાનો આપણો રેશિયો વિશ્વભરમાં સૌથી નીચો છે અને પ્રતિ દસ લાખ વ્યક્તિઓએ મૃત્યુનું પ્રમાણ પણ અનેક વિકસિતરાષ્ટ્રો કરતાં ઘણું નીચું છે.” — પ્રધાનમંત્રી મોદી
વાયરસ અત્યંત અસ્થિર સાબિત થઈ રહ્યો છે. એક સમયે, ગુજરાત જેવા પ્રદેશો હોટ સ્પોટ બનેલા જોવા મળે છે, જ્યારે કેરળ, કર્ણાટક વગેરેમાં સ્થિતિ નિયંત્રણમાં જોવા મળે છે. થોડા મહિના બાદ, ગુજરાતમાં સ્થિતિ સુધરે છે, પરંતુ કેરળમાં સ્થિતિ કથળે છે.
આને લીધે મને લાગે છે કે નિરાંત લેવાનો કોઈ અવકાશ નથી. મેં 20મી ઑક્ટોબરના રોજ રાષ્ટ્રને આપેલા મારા તાજેતરના સંદેશમાં આ જ વાત ઉપર ભાર મૂક્યો હતો કે આગળનો માર્ગ ફક્ત માસ્ક પહેરો, હાથ ધુઓ અને સોશિયલ ડિસ્ટન્સ (સામાજિક અંતર) જાળવો – જેવી સાવચેતીઓનો જ છે, કેમકે ‘જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં.’
2. પરંતુ તમે જે અપેક્ષા રાખી હતી, તે મુજબ વ્યાપક રીતે કામ થયું ખરું કે પછી તમારે તેને સુધારવું પડ્યું અને સતત નવીનતા લાવવી પડી?
અમે સક્રિય રીતે નિર્ણય લીધો હતો અને દેશભરમાં સમયસર લોકડાઉન લાગુ કર્યું હતું. અમે જ્યારે લોકડાઉન લાગુ કર્યું ત્યારે દેશમાં ફક્ત લગભગસો કેસજ હતા, જ્યારે લોકડાઉન અપનાવનારા અન્ય દેશોમાં હજારો કેસનોંધાયા ત્યારે તેમણે લોકડાઉન જાહેર કર્યું હતું. આપણે મહામારી વિકરાળ સ્વરૂપ લે તે પહેલાં જ અત્યંત મહત્ત્વપૂર્ણ સમયે લોકડાઉન લાધ્યુંહતું.
આપણે લોકડાઉનના વિવિધ તબક્કાઓને વિશાળ સમયરેખામાં યોગ્ય રીતે વહેંચ્યા હતા એટલું જ નહીં, પરંતુ આપણે અનલોકની પ્રક્રિયા પણ યોગ્ય રીતે હાથ ધરી અને આપણી મોટા ભાગની અર્થવ્યવસ્થા હવે ફરી પાટે ચઢી રહી છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બરના ડેટા આ બાબત દર્શાવે છે.
દેશમાં કોવિડ-19 મહામારીના પ્રતિકાર માટે ભારતે વિજ્ઞાન-આધારિત અભિગમ અપનાવ્યો છે. આ પ્રકારનો અભિગમ લાભદાયક સાબિત થયો છે.
હવે અભ્યાસો દર્શાવે છે કે આ અભિગમ, વાયરસ તીવ્ર વેગે ફેલાય અને મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થાય તેવી સ્થિતિ ટાળી શકવામાં મદદરૂપ થયો છે. સમયસરના લોકડાઉન ઉપરાંત, માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવનારા, કોન્ટેક્ટ-ટ્રેસિંગ એપના ઉપયોગ કરનારા તેમજ રેપિડ એન્ટીજેન ટેસ્ટ્સ કરનારા વિશ્વના સૌપ્રથમ દેશોમાં ભારત હતો.
આ પરિમાણની મહામારી માટે જો દેશ એકીકૃત ન હોય તો સંચાલન શક્ય નથી. સમગ્ર દેશ આ વાયરસ સામે લડવા માટે ખભેખભા મિલાવીને સાથે ઊભો રહ્યો. કોવિડ યોદ્દાઓ, જેઓ સ્વાસ્થ્ય કર્મચારીઓ તરીકે મોખરે રહીને લડત આપી રહ્યા છે, તેઓ પોતાની જિંદગી સામેના જોખમને સારી રીતે જાણે છે, છતાં આ દેશ માટે લડી રહ્યા છે.
3. તમને સૌથી મોટી શીખ કઈ મળી?
છેલ્લા કેટલાક મહિનામાં એક સકારાત્મક શીખ એ મળી કે છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી શકે તેવી ડિલિવરીનું વ્યવસ્થાતંત્ર મહત્ત્વનું છે. ડિલિવરીના આ પ્રકારના વ્યવસ્થાતંત્રનો મોટા ભાગનો હિસ્સો અમારી સરકારની પહેલી ટર્મ દરમિયાન બન્યો હતો અને તેનાથી અમને સૈકાઓમાં ક્યારેક જ જોવા મળતી મહામારીનો સામનો કરવા માટે અસાધારણ રીતે મદદ મળી.
હું ફક્ત બે ઉદાહરણો આપીશ. પહેલું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વ્યવસ્થા મારફતે અમે કરોડો લોકોના બેન્ક ખાતામાં બારોબાર લગભગ તાત્કાલિક રોકડ જમા કરી શક્યા હતા. આ શક્ય બનાવવા માટેનું સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લાં છ વર્ષમાં ઊભું કરાયું હતું. અગાઉ, પ્રમાણમાં નાની કુદરતી આપત્તિઓ દરમિયાન પણ ગરીબો સુધી રાહત પહોંચી શકતી ન હતી અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હતો.
પરંતુ અમે અત્યંત ઓછા સમયમાં ભ્રષ્ટાચારની કોઈ જ ફરિયાદો વિના લોકો સુધી મોટા પાયે રાહત પહોંચાડી શક્યા. શાસનમાં ટેકનોલોજીની આ તાકાત છે. આનાથી વિપરિત જોઈએ તો 1970માં શીતળાનો રોગચાળો ફાટી નીકળ્યો તે સમયે ભારતની શી સ્થિતિ હતી તે વિશે તમે વાચકોને જાણકારી આપી શકો.
અને બીજું, એક અબજ કરતાં વધુ લોકોમાં આટલા ટૂંકા સમયગાળામાં જોવા મળેલું બિહેવિયરલ ચેન્જ – વ્યવહાર પરિવર્તન – માસ્ક પહેરવાં અને સામાજિક અંતર જાળવવું – કોઈ જબરદસ્તીભર્યા અમલીકરણ વિના જાહેર ભાગીદારીનું આ વૈશ્વિક મોડેલ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો એક ટીમની માફક અવિરતપણે કાર્યરત રહ્યાં, જાહેર અને ખાનગી ક્ષેત્રો પણ જોડાયાં તમામ મંત્રાલયોએ વિવિધ જવાબદારીઓ ઉપાડી લઈને પોતાનો ટેકો આપ્યો અને લોકભાગીદારીએ સંયુક્ત અને અસરકારક લડત સુનિશ્ચિત કરી.
4. ભારતમાં કોવિડ-19ના ફેલાવાની સ્થિતિ વિશે તમારું શું મૂલ્યાંકન છે?
વાયરસના પ્રારંભિક તબક્કાઓમાં લીધેલાં સક્રિય પગલાને કારણે મહામારી સામે આપણા રક્ષણની તૈયારીમાં આપણને મદદ મળી. એક પણ વ્યક્તિનું અકાળ મૃત્યુ અત્યંત દુઃખદાયક છે, છતાં આપણા દેશના કદ, નિખાલસ લોકો અને સંપર્કને જોતાં આપણે વિશ્વભરમાં કોવિડ-19નો સૌથી નીચો મૃત્યુદર નોંધાવ્યો છે. આપણો રિકવરી રેટ એટલે કે દર્દીઓનાસાજા થવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને એક્ટિવ કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. સપ્ટેમ્બરની મધ્યે દૈનિક આશરે 97,894 જેટલા સૌથી વધુ કેસ નોંધાતા હતા, જ્યારે ઑક્ટોબરના અંતે ફક્ત 50,000 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આ એટલા માટે શક્ય બન્યું કેમકે સમગ્ર ભારત એકસાથે જોડાયું અને ટીમ ઈન્ડિયા તરીકે કામ કર્યું.
5. તાજેતરનો ટ્રેન્ડ્સ સૂચવે છે કે દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસ અને મૃત્યુની સંખ્યા – બંનેમાં ઘટાડો થયો છે, તેનાથી સૌથી ખરાબ સમય વીતી ગયો હોવાની આશા જાગી છે. સરકાર પાસે ઉપલબ્ધ ડેટાના આધારે તમારો પણ આ જ મત છે ?
આ નવો વાયરસ છે. જે દેશોમાં શરૂઆતમાં મહામારી ઉપર કાબૂ મેળવાયો હતો, ત્યાં હવે વાયરસે ફરી માથું ઉંચક્યું હોવાનું જોવા મળે છે.
જ્યારે આપણે આ આંકડા જોઈએ અને અન્ય દેશો સાથે સરખામણી કરવા જઈએ, ત્યારે ભારતનો ભૌગોલિક વ્યાપ, વસ્તી ગીચતા, નિયમિત સામાજિક મેળવડા વગેરેને ધ્યાન ઉપર લેવા જ પડે તેમ છે. આપણા ઘણાં રાજ્યો તો આ દેશો કરતાં પણ વિશાળ છે.
દેશની અંદર, વાયરસની અસર અત્યંત વૈવિધ્યસભર છે – એવા કેટલાક વિસ્તારો છે, જેમાં અસર તદ્દન નજીવી છે, જ્યારે કેટલાંક રાજ્યોમાં ખૂબ વધુ અને સતત અસર છે. છતાં, એ વાત યાદ રાખવી જોઈએ કે 700થી વધુ જિલ્લાઓ ધરાવતા દેશમાં કોરોનાવાયરસની અસર કેટલાંક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં જ જોવા મળી છે.
નવા કેસના છેલ્લા આંકડા, મૃત્યુ દર અને કુલ એક્ટિવ કેસ કેટલાક સમય પહેલાની સરખામણીએ ઓછા હોવાનું જોવા મળે છે, છતાં આપણે બેદરકાર થઈ જવાની જરૂર નથી. આ વાયરસ હજુ છે. તે આપણી બેદરકારીનાલીધે પ્રસરે છે.
મને લાગે છે કે ‘શ્રેષ્ઠની આશા રાખીએ, પરંતુ સૌથી ખરાબ માટે તૈયાર રહીએ’ – એ ઉક્તિ મુજબ આપણો પ્રતિસાદ સ્થિતિના સંચાલનની ક્ષમતા વધારવા, લોકોને જાગૃત કરવા, વધુ સવલતો ઊભી કરવા વગેરે ઉપર કેન્દ્રિત હોવો જોઈએ.
6. કોવિડ-19 મહામારીએ અર્થતંત્રને નબળું પાડ્યું છે, જેને તમે જીવન અને આજીવિકા વચ્ચે યોગ્ય સંતુલન દ્વારા ફરી બેઠું કરવા આહ્વાન કર્યું છે. આમ કરવામાં સરકાર કેટલી સફળ થઈ છે આપનું શું માનવું છે?
આપણને સ્વતંત્રતા મળ્યાને સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ કેટલાક લોકોને બ્રિટિશ શાસનનો ખુમાર ચઢેલો છે અને તેઓ માને છે કે લોકો અને સરકાર – એ બે અલગ અલગ અસ્તિત્ત્વ છે. આ માનસિકતામાંથી એવો ખ્યાલ બહાર આવે છે કે આ આપત્તિ સરકાર ઉપર આવી પડી છે. આ મહામારીએ 130 કરોડ લોકોને અસર કરી છે અને લોકો તેમજ સરકાર, બંને સાથે મળીને તેની સામે લડી રહ્યા છે.
કોવિડ-19 શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં વિવિધ દેશોમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે, જે ભયાનક છે. અચાનક મોટી સંખ્યામાં દર્દીઓને કારણે દુનિયાભરના દેશોના સ્વાસ્થ્ય માળખા – હોસ્પિટલોની ક્ષમતાઓ ઓછી પડવા લાગી હતી. વૃદ્ધ હોય કે યુવાન કોઈ પણ વયના લોકો મૃત્યુ પામી રહ્યા હતા. એ સમયે, આપણું ધ્યેય ભારતમાં આ પ્રકારની સ્થિતિ ટાળવાનું અને લોકોનાં જીવન બચાવવાનું હતું. આ વાયરસ કોઈ અજ્ઞાત શત્રુ જેવો હતો. તે અસાધારણ હતો.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અજ્ઞાત શત્રુ સામે લડી રહ્યો હોય ત્યારે તેને સમજવામાં સમય લાગે અને જેમ સમય પસાર થાય તેમ તેની સામે વાર કરવા માટે વધુ અસરકારક વ્યૂહરચના વિકસાવી શકાય. આપણે 130 કરોડ ભારતીયો સુધી પહોંચવાનું હતું અને તેમને આપણે વાયરસને કારણે જે જોખમોનો સામનો કરી રહ્યા છીએ તે વિશે તેમજ આપણી જાતને તેમજ આપણા પરિવારના સભ્યોને કેવી રીતે બચાવી શકીએ તે બાબતે તેમને જાગૃત કરવાના હતા.
આ ભારે પડકારજનક કાર્ય હતું. જન ચેતના જગાવવાનું મહત્ત્વપૂર્ણ હતું. જનભાગીદારી હોય તો જ જનચેતના જગાવી શકાય. જનતા કરફ્યુ લાદીને, થાળી વગાડીને કે સાથે મળીને દીવા પ્રગટાવીને સામુહિક રાષ્ટ્રીય સંકલ્પનું મહત્ત્વ ઉજાગર કરવા તમામ ભારતીયોને એક જ મંચ ઉપર લાવવા જન ભાગીદારીનો માર્ગ અપનાવાયો. ટૂંકા ગાળામાં આટલા વિશાળ સમુદાયમાં જાગૃતિ લાવવાનું આ અસાધારણ ઉદાહરણ છે.
7. અને આર્થિક વ્યૂહરચના શી હતી?
કોવિડ-19થી ફક્તજિંદગી બચાવવી મહત્વની ન હતી પરંતુ ગરીબોને પર્યાપ્ત ભોજન અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવાની હતી. મોટા ભાગના નિષ્ણાતો અને અખબારો સરકારને કોર્પોરેટ ક્ષેત્ર માટે આર્થિક પેકેજ જાહેર કરવાનું કહી રહ્યા હતા, ત્યારે અમારું ધ્યાન કમજોર લોકોની જિંદગી બચાવવા ઉપર કેન્દ્રિત હતું. અમે પહેલાં ગરીબો, વિસ્થાપિતો, ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જાહેર કરી હતી.
“80 કરોડ લોકોને આઠ મહિના સુધી વિના મૂલ્યે અનાજ અને કઠોળ પૂરાં પાડવા જેવી યોજના માનવ ઈતિહાસમાં ક્યાંયે નોંધાઈ નથી.” — પ્રધાનમંત્રી મોદી
એક વિશેષ આંતરસૂઝ અને સમજણ આપણને વહેલી આવી ગઈ, તે એ છે કે કૃષિ ક્ષેત્ર એવું છે, જેમાં ઉત્પાદકતા સાથે કોઈ સમાધાન વિના સામાજિક અંતર સહજ રીતે જ જાળવી શકાય છે. એટલે, અમે કૃષિ પ્રવૃત્તિઓને લગભગ શરૂઆતથી જ છૂટ આપી હતી. અને આજે આપણે આ ક્ષેત્રમાં પરિણામો જોઈ શકીએ છે. આટલા બધા મહિનાઓના વિક્ષેપ છતાં આ ક્ષેત્ર અસાધારણ કામકાજ નોંધાવી રહ્યું છે.
તાત્કાલિક જરૂરિયાતવાળા અને મધ્યમ ગાળાની જરૂરિયાત ધરાવતા બંને પ્રકારના લોકો માટે અનાજના વિક્રમી વિતરણ, શ્રમિક સ્પેશિયલ ટ્રેઇન્સ અને સક્રિય સરકારી ખરીદી હાથ ધરવામાં આવ્યાં હતાં.
લોકોને પડી રહેલી મુસીબતો હળવી કરવા માટે અમે આત્મનિર્ભર ભારત પેકેજ લઈને આવ્યા. આ પેકેજમાં સમાજના તમામ વર્ગો અને અર્થતંત્રના તમામ ક્ષેત્રોની સમસ્યાઓ ઉપર ધ્યાન અપાયું.
આને કારણે અમને જેની દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ અગાઉ કોઈએ પહેલ કરી ન હતી, તે સુધારા હાથ ધરવાની તક મળી. કોલસા, કૃષિ, શ્રમ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સુધારા હાથ ધરવામાં આવ્યા, જે આપણે કટોકટી પહેલા વિકાસના માર્ગે જે ઊંચાઈ ઉપર હતા, ત્યાં ફરી પહોંચવામાં મદદરૂપ થશે.
ભારતીય અર્થવ્યવસ્થા અપેક્ષા કરતાં ઘણી વધુ ઝડપે ફરી પાટે ચઢી રહી હોવાથી અમારા પ્રયાસોનાં પરિણામ મળી રહ્યા છે.
8. તમારી સરકારે બે મહત્ત્વનાં બીજી પેઢીના સુધારા હાથ ધર્યા છે – કૃષિ અને શ્રમ સુધારા. આ પગલાંનાં ઈચ્છીત આર્થિક ફળ મળવા બાબતે, ખાસ કરીને એકંદર આર્થિક મંદી અને રાજકીય વિરોધ વચ્ચે તમે કેટલા આશાસ્પદ છો?
નિષ્ણાતો આ સુધારાની ઘણા લાંબા સમયથી હિમાયત કરી રહ્યા હતા. રાજકીય પક્ષોએ પણ આ સુધારાના નામે મત માગ્યા હતા. દરેકની ઈચ્છા હતી કે આ સુધારા અમલી બને. સમસ્યા એ છે કે વિરોધ પક્ષો નથી ઈચ્છતા કે આ સુધારાનો શ્રેય અમને મળે.
અમને શ્રેય જોઈતો પણ નથી. અમે ખેડૂતો અને કામદારોના કલ્યાણનું ધ્યાન રાખીને સુધારા લાવ્યા છીએ. અને તેઓ અમારા ટ્રેક રેકોર્ડને કારણે અમારા ઈરાદા સમજે છે અને તેમને અમારી ઉપર વિશ્વાસ છે.
અમે છેલ્લા છ મહિનામાં કૃષિ ક્ષેત્રે તબક્કાવાર સુધારા હાથ ધર્યા છે. એટલે, અમારા અત્યારના પગલાં આ કાર્યોનો એક હિસ્સો જ છે, જે અમે 2014માં શરૂ કર્યાં હતાં. અમે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પણ અનેકગણા વધાર્યા છે અને અલબત્ત અમે અગાઉની સરકારોની સરખામણીએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અનેકગણી વધુ ખરીદી કરી છે. સિંચાઈ અને વીમા, બંને બાબતે પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. આવકની સીધી સહાય ખેડૂતોને સુનિશ્ચિત કરાઈ હતી.
ભારતીય કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો જે લોહી-પાણી એક કરીને કઠોર પરિશ્રમ કરે છે, તેની સામે તેમને પર્યાપ્ત વળતરનો અભાવ છે. આ સુધારા દ્વારા નવા માળખામાં આપણા ખેડૂતોની નફાકારકતા નોંધપાત્ર રીતે વદશે. અન્ય ઉદ્યોગોમાં એકવાર નફો રળી લે તે પછી વધુ ઉત્પાદન માટે ક્ષેત્રમાં તેનું પુનઃરોકાણ કરવામાં આવે છે. નફા અને પુનઃરોકાણનું લાક્ષણિક ચક્ર ઉભરે છે. કૃષિ ક્ષેત્રમાં પણ આ ચક્ર વધુ રોકાણ, નવિનીકરણ અને નવી ટેકનોલોજી માટેનાં દરવાજાં ખોલશે. આમ, આ સુધારા ફક્ત કૃષિ ક્ષેત્ર જ નહીં, સમગ્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાના પરિવર્તનની અપાર સંભાવનાઓ ધરાવે છે.
ટેકાના ભાવ માટે, તાજેતરમાં જ પૂરી થયેલી રવિ માર્કેટિંગ સિઝનમાં કેન્દ્ર સરકારે 389.9 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદ્યા છે, જે વિક્રમી ખરીદી છે અને તેના પેટે ખેડૂતોને ટેકાના ભાવ તરીકે રૂા. 75,055 કરોડ મળી રહ્યા છે.
ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝનમાં કેન્દ્ર સરકારે 159.5 લાખ મેટ્રિક ટન ડાંગર ખરીદી છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 134.5 લાખ મેટ્રિક ટનની ખરીદી હતી. આમ, સરકારની ડાંગરની ખરીદી 18.62 ટકા વધી છે. અમે ત્રણ વટહુકમો લાવ્યા બાદ આ બધું બન્યું, જે હવે સંસદમાં મંજૂર થઈ ચૂક્યા છે.
યુપીએ-2 (2009-10થી 2013-14)નાં પાંચ વર્ષની સરકામણીએ ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવની ચૂકવણીમાં 1.5 ગણો, ઘઉંમાં 1.3 ગણો, કઠોળમાં 75 ગણો અને તેલીબિયામાં 10 ગણો વધારો થયો છે. ટેકાના ભાવ બાબતે જે ગપગોળા ફેલાવવામાં આવી રહ્યા હતા, તેમના જૂઠાણાં અને અપ્રમાણિકતા આની ઉપરથી સાબિત થાય છે.
9. અને શ્રમ સુધારા વિશે શું?
આ સુધારા ખૂબ કામદાર-તરફી છે. તેઓ હવે જો ચોક્કસ મુદત માટે પણ નોકરીએ લાગે તો પણ તમામ લાભ અને સામાજિક સુરક્ષાને પાત્ર છે. શ્રમ સુધારાને કારણે નોંધપાત્ર પ્રમાણમાં રોજગાર સર્જન કરવામાં મદદ મળશે, સાથે સાથે કામદારને લઘુતમ વેતનના સુધારાની ખાતરી અને બિનસંગઠિત ક્ષેત્રમાં કામદારો માટે સામાજિક સુરક્ષાની જોગવાઈને કારણે રક્ષણ મળશે તેમજ સરકારની દરમિયાન ગીરી ઘટશે. તેનાથી વેતનની સમયસર ચૂકવણીની ખાતરી મળશે અને કામદારોની વ્યાવસાયિક સલામતિને પ્રાથમિકતા અપાશે. આ રીતે, કામકાજનો વધુ સારો માહોલ સર્જાશે.
છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં અમે જે કરવાનું નક્કી કર્યું હતું, તે પૂરું કર્યું છે. 1200થી વધુ કલમો સાથે 44 કેન્દ્રિય શ્રમ કાયદાને ફક્ત ચાર કાયદામાં આત્મસાત કરાયા છે.હવે ફક્ત એક જ નોંધણી કરવી પડશે, એક જ આકારણી થશે અને એક જ રિટર્ન ભરવું પડશે. નિયમપાલન સરળ બનાવવાની સાથે સાથે તેનાથી ઉદ્યોગને રોકાણ માટે સ્થિર વ્યવસ્થા મળશે અને કર્મચારીઓ તેમજ નોકરીદાતા બંને માટે લાભદાયક સ્થિતિ સર્જાશે.
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે છેલ્લાં છ વર્ષમાં, નવાં મેન્યુફેક્ચરિંગ એકમો માટે કોર્પોરેટ વેરા ઘટાડીને 15 ટકા કરવાં, સીધાં વિદેશી રોકાણોની મર્યાદા વધારવી અને અવકાશ, સંરક્ષણ વગેરે જેવાં વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ખાનગી રોકાણને મંજૂરી આપવા જેવા અનેક સુધારાના પગલાં અમે લીધાં છે. મેન્યુફેક્ચિંગ ક્ષેત્ર માટે સુધારામાં ફક્ત એક અત્યંત જરૂરી કામ બાકી રહ્યું હતું – શ્રમ સુધારાનું. અમે તે પણ પૂરું કર્યું છે. અગાઉ મજાકમાં એમ કહેવાતું હતું કે ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં જેટલા શ્રમિકો છે, તેનાથી વધુ શ્રમ કાયદા છે. શ્રમ કાયદા ઘણું ખરું શ્રમિકો સિવાય તમામને મદદરૂપ થતા હતા. ભારતના કામદારોને કાયદાના લાભ મળે નહીં ત્યાં સુધી સર્વાંગી વિકાસ શક્ય નથી.
મને વિશ્વાસ છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં હાથ ધરવામાં આવેલા આ સુધારા વિકાસ દર વધારવામાં અને મેન્યુફેક્ચરિંગ તેમજ કૃષિ – બંને ક્ષેત્રોમાં વળતર વધારવામાં મદદગાર નીવડશે. ઉપરાંત, વિશ્વને પણ આ સંકેત હશે કે નવ ભારત બજારો અને બજારની તાકાતમાં વિશ્વાસ ધરાવે છે.
10. એક એવી આલોચના થઈ રહી છે કે 300 લોકો સુધીનો રોજગાર આપતી કંપનીઓને કર્મચારીઓને પડતા મૂકવા – છૂટા કરવાની સરળતા કરી આપવામાં આવી છે. પરંતુ ઈલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ્સ અને અન્ય ક્ષેત્રોમાં મોટી કંપનીઓ અનેક લોકોને રોજગાર આપે છે. તો એ કંપનીઓ માટે વળતરમાં ઝડપથી વધારો કરવામાં આવે છે, ત્યારે આ સુગમતા તમામ કંપનીઓને શા માટે નથી અપાઈ? ઉપરાંત, હડતાળના અધિકાર ઉપર કાપ વિશે થતી ટીકા ઉપર આપ શું માનો છો?
ભારત બેવડી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો: આપણા શ્રમ કાયદા એવા હતા કે મોટા ભાગના કામદારોને કોઈ સામાજિક સુરક્ષા મળતી ન હતી. અને કંપનીઓ શ્રમ કાયદાના ભયથી વધુ કામદારોને રોજગાર આપવા ઈચ્છતી ન હતી, જેનાથી શ્રમની મોટા પાયે જરૂર હોય તેવા ઉત્પાદન પ્રત્યે નિરુત્સાહ રહેતો. અમલદારશાહીની વ્યવસ્થા અને જટિલ શ્રમ કાયદાને કારણે નોકરીદાતાઓ ઉપર મજબૂત વિપરિત અસર થતી હતી.
આપણે એવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે કે ઉદ્યોગ અને કામદારો હંમેશા એકબીજાના વિરોધી હોય છે. એવું વ્યવસ્થાતંત્ર શા માટે ન હોય કે બંનેને સમાન ફાયદો થાય ? શ્રમ એ સહવર્તી વિષય હોવાથી કાયદો રાજ્ય સરકારોને તેમની વિશિષ્ટ પરિસ્થિતિ અને જરૂરિયાતો મુજબ કાયદામાં વધુ સુધારાની લવચિકતા આપે છે.
હડતાળનો અધિકાર જરાયે છીનવાયો નથી. અલબત્ત ટ્રેડ યુનિયનોને નવા અધિકારથી નવાજવામાં આવ્યા છે, તેમને કાયદેસર ઓળખ અપાઈ છે.
અમે નોકરીદાતા અને નોકરિયાતનાં સંબંધને વધુ પદ્ધતિસરનો અને સપ્રમાણ બનાવ્યો છે. નોટિસ પિરિયડની જોગવાઈને કારણે નોકરિયાત અને નોકરીદાતા વચ્ચે કોઈ ફરિયાદ હોય તો તેના સુખદ સમાધાન માટે તક મળે છે.
11. કોવિડ-19ને કારણે જીએસટીની વ્યવસ્થા ઉપર નોંધપાત્ર દબાણ સર્જાયું છે. હવે કેન્દ્ર સરકાર ઉછીનાં નાણાં લઈને તે રાજ્ય સરકારોને આપવા તૈયાર થઈ છે. પરંતુ તમને શું લાગે છે, ભવિષ્યમાં રાજ્ય સરકારોની સ્થિતિ કેવી હશે ?
છેલ્લાં છ વર્ષમાં અમારાં તમામ કાર્યોમાં સ્પર્ધાત્મકતા અને સહકારી સંઘવાદનો જુસ્સો જોઈ શકાય છે. આપણા જેટલો વિશાળ દેશ ફક્ત કેન્દ્રના એકમાત્ર સ્તંભ ઉપર વિકાસ સાધી શકે નહીં, તેને રાજ્યોનાં સ્તંભ એટલે કે અન્ય ટેકાઓની જરૂર છે. કોવિડ-19 સામેની લડાઈ પણ આ અભિગમને કારણે વધુ મજબૂત બની હતી. નિર્ણયો સાથે મળીને લેવાયા હતા. મુખ્ય મંત્રીઓ સાથે મેં અનેકવાર તેમનાં સૂચનો સાંભળવા અને ઈનપુટ્સ મેળવવા વિડિયો-કોન્ફરન્સ કરી હતી, આવું ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.
જીએસટીના મુદ્દે, આ તમામ બાબતે અસામાન્ય વર્ષ રહ્યું છે. સૈકાઓમાં ક્યારેક જ જોવા મળતી આવી મહામારીને કારણે મોટા ભાગની ધારણાઓ અને ગણતરીઓ કામે લાગતાં નથી. છતાં, અમે આગળ ધપવા માટેનાં વિકલ્પો મૂક્યાં અને મોટા ભાગનાં રાજ્યોને તે અનુકૂળ છે. એક સર્વસંમતિ વિકસિત થઈ રહી છે.
12. તમે ઘણાં વર્ષો સુધી મુખ્ય મંત્રી પદે રહ્યા છો. હાલના સંદર્ભે આર્થિક બાબતો ઉપર રાજ્યો સાથે તમે કેવા પ્રકારનું જોડાણ સૂચવશો ?
એ યાદ રાખવું જરૂરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેનો સંબંધ જીએસટી પૂરતો મર્યાદિત નથી. મહામારી હોવા છતાં અને વેરાની કુલ આવક ઘટવા છતાં અમે રાજ્યોને વધુ સંસાધનો પૂરાં પાડ્યાં છે. એપ્રિલથી જુલાઈ દરમિયાન વેરાની આવક ઘટવાને કારણે તેમજ કેન્દ્ર સરકારની આર્થિક સહાય ધરાવતી યોજનાઓ સહિતની મદદ માટે ગ્રાન્ટ્સ પેટેની કુલ રકમ પાછલા વર્ષના સમાન ગાળામાં રૂા. 3.42 લાખ કરોડથી 19 ટકા વધારીને 4.06 લાખ કરોડ કરવામાં આવી છે.ટૂંકમાં, અમારી આવક ઘટી હોવા છતાં અમે રાજ્યોને અપાતાં ભંડોળનો પ્રવાહ જાળવી રાખ્યો છે.
કોવિડ-19 મહામારીની દ્રષ્ટિએ કેન્દ્ર સરકારે વર્ષ 2020-21 માટે રાજ્યોને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીએસડીપી)ના બે ટકા સુધીની મર્યાદામાં વધારાના ધિરાણને પણ મંજૂરી આપી છે. આને પગલે રાજ્યોને ઉપલબ્ધ રકમ રૂા. 4.27 લાખ કરોડ થાય છે.કેન્દ્ર સરકારે જૂન, 2020માં 0.5 ટકા વધારવા માટે રાજ્યોને મંજૂરી આપી દીધી છે. તેનાથી રાજ્યોને વધુ રૂા. 1,06,830કરોડ ઉપલબ્ધ થયાં છે. રાજ્યોની વિનંતીને પગલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના ઉપયોગની મર્યાદા 35ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. રાજ્યોને કોરોના સામેની લડત માટે વધુ નાણાં મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કરાયું છે.
13. ઘણા એવી દલીલ કરે છે કે કેન્દ્ર સરકાર પોતાની મુસીબતો રાજ્યોને તબદીલ કરે છે. તમે શું માનો છો?
હું તમને એક દાખલો આપું કે અગાઉ શું થતું હતું. જ્યારે યુપીએ સરકારમાં સીએસટીના સ્થાને વેટ લાગુ કરવામાં આવ્યો, ત્યારે તેમણે રાજ્યોની આવક ઘટશે, તો તેની ભરપાઈ કરી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ યુપીએએ શું કર્યું તે તમે જાણો છો ? તેમણે પોતાના વચન છતાં રાજ્યોને આ તફાવત સરભર કરી આપવાનો ઈનકાર કરી દીધો. એક વર્ષ માટે જ નહીં, પરંતુ સળંગ પાંચ વર્ષ આમ કર્યું. રાજ્યોએ યુપીએના શાસનકાળ દરમિયાન જીએસટીની વ્યવસ્થા અમલમાં મૂકવા સહમતિ સાધી ન હોવાનાં કારણોમાંનું એક કારણ આ પણ છે. એ જુદી સરકાર હતી, તે હકીકત હોવા છતાં અમે એ વચન પૂરું કર્યું, અમે જ્યારે 2014માં સુકાન હાથમાં લીધું ત્યારે એ દેવાં તેમને ચૂકતે કરી આપ્યાં. આના ઉપરથી અમારો સંઘવાદનો અભિગમ જોઈ શકાય છે.
14. સરકારના ટીકાકારો કહે છે કે ભારતે બંને રીતે બાજી ગુમાવી છે – કોરોનાવાયરસના ચેપની સંખ્યા અને આર્થિક ફટકો. આવી આલોચના માટે તમે શી પ્રતિક્રિયા આપશો ?
કેટલાક એટલા બુદ્ધિશાળી લોકો છે, જેઓ કોરોનાના કેસોના નક્કર આંકડાનો ઉપયોગ કરીને આપણા દેશની સરખામણી, આપણા રાજ્યો જેટલી વસ્તી ધરાવતા દેશો સાથે કરે છે.
“સરકારને બદનામ કરવા માટે ટીકાકારો કોવિડ-19 વિરુદ્ધ લોકોએ આપેલી અસાધારણ લડતનો શ્રેય લોકોને આપવાનું નકારવા માગે છે.”— પ્રધાનમંત્રી મોદી
જોકે, હું ઈચ્છીશ કે ઈકોનોમિક ટાઈમ્સ વધુ સારી રીતે સંંશોધન કરે અને આવી દલીલો ફરી ન કરે. આપણા હાલના આંકડા જોઈએ તો, માર્ચમાં નિષ્ણાતો દ્વારા કેટલા મોટા આંકડાનું અનુમાન કરાયું હતું તે પણ જોવું જોઈએ.
15. અર્થવ્યવસ્થાની ગાડી ફરી પાટે ચઢી હોવાનાં સ્પષ્ટ સંકેતો તરીકે તમે કયાં પાંચ આર્થિક માપદંડો જણાવશો? ખાસ કરીને, આવતા વર્ષે તમે કેવો બદલાવ ધારો છો ?
આપણે ઈકોનોમિક રિકવરીના માર્ગે છીએ. સૂચકાંકો પણ આ જ સૂચવે છે. સૌપ્રથમ, કૃષિ ક્ષેત્રમાં, મેં અગાઉ કહ્યું તેમ, આપણા ખેડૂતોએ તમામ વિક્રમો તોડ્યા છે અને અમે પણ ઐતિહાસિક ઊંચા લઘુતમ ટેકાના ભાવ ચૂકવીને સરકારી ખરીદીનો વિક્રમ નોંધાવ્યો છે. આ બે પરિબળો – વિક્રમી ઉત્પાદન અને વિક્રમી ખરીદી – ગ્રામીણ અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર આવક લાવશે, જેને માગ સર્જનનું પોતાનું લાક્ષણિક ચક્ર હશે. બીજું, વિક્રમી ઊંચાં સીધાં વિદેશી રોકાણો (એફડીઆઈ), રોકાણકાર-મિત્ર દેશ તરીકે ભારતની તસવીર વધુ વિકસતી જતી હોવાનું દર્શાવે છે. આ વર્ષે મહામારી છતાં, આપણે એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન 35.73 અબજ ડોલર જેટલાં વિક્રમી સીધાં રોકાણો મેળવ્યાં છે. ગયા વર્ષના સમાન ગાળા કરતાં તે 13 ટકા વધુ છે. ગયા વર્ષે પણ વિક્રમી વિદેશી સીધાં રોકાણો મેળવ્યાં હતાં. ત્રીજું, ટ્રેક્ટરનાં વેચાણો સહિત ઓટો ક્ષેત્રનાં વેચાણો પાછલાં વર્ષનાં આંકડા સુધી પહોંચી ગયા છે અથવા તેનાથી વધુ નોંધાયા છે. આ દર્શાવે છે કે માગમાં મજબૂત વૃ્દ્ધિ છે. ચોથું, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સ્થિર રિકવરીને કારણે સપ્ટેમ્બરમાં ભારત બે ડગલાં આગળ વધીને મહત્ત્વનાં ઉભરતાં બજારોમાં ચીન અને બ્રાઝિલ પછીના ક્રમે પહોંચી ગયું છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૃદ્ધિ સાત મહિનામાં નિકાસમાં વાર્ષિક ધોરણે વધારા ઉપરથી જોઈ શકાય છે. ઈ-વે બિલ્સ અને જીએસટી કલેક્શનમાં પણ સારી એવી વૃદ્ધિ જોવા મળે છે.
“મને લાગે છે કે રોકાણો અને માળખાકીય સવલતોને મળેલો વેગ અર્થવ્યવસ્થાની રિકવરી અને વૃદ્ધિ માટે મુખ્ય ચાલકબળ બનશે.”
— પ્રધાનમંત્રી મોદી
છેલ્લે, ઈપીએફઓના નવા નેટ સબ્સ્ક્રાઈબર્સની દ્રષ્ટિએ જોઈએ તો, જુલાઈ, 2020ની સરખામણીએ ઑગસ્ટ, 2020માં 10 લાખ કરતાં વધુ નવા સબ્સ્ક્રાઈબર્સ ઉમેરાતાં 34 ટકાનો વધારો નોંધાયો છે. જે દર્શાવે છે કે રોજગારનું બજાર ઉંચકાઈ રહ્યું છે.
આ સિવાય, વિદેશી હૂંડિયામણની અનામતો વિક્રમી ઊંચાઈએ પહોંચી છે. અર્થતંત્રની રિકવરીના મહત્ત્વનાં સૂચકાંકો જેવાં કે રેલવે નૂર ટ્રાફિક 15 ટકાથી વધુ વધ્યો છે અને વીજળીની માગ પાછલા વર્ષ સમાન ગાળાની સરખામણીએ સપ્ટેમ્બરમાં ચાર ટકા વધી છે. આ દર્શાવે છે કે રિકવરી વ્યાપક આધારિત છે. વત્તા, આત્મનિર્ભર ભારત હેઠળ કરાયેલી જાહેરાતો અર્થતંત્રને, ખાસ કરીને નાના વેપાર-ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રને ઘણું પ્રોત્સાહન આપી રહી છે.
16. વધુ પ્રોત્સાહનો માટે તમારું શું આયોજન છે?
એકંદર ફુગાવો નિયંત્રણમાં રહે તે સુનિશ્ચિત કરવાની સાથે અમે અર્થતંત્રને સતત પ્રોત્સાહન મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં સમયસર રીતે લઈશું. એ યાદ રાખવું જોઈએ કે આપણે હજુ મહામારીમાંથી ઉગરી ગયા નથી. છતાં, આપણી અર્થવ્યવસ્થાએ ફરી બેઠા થવા માટે નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે, જે મોટા ભાગે આપણા લોકોની લવચિતકાને કારણે છે. આ એવી બાબત છે, જે આંકડામાં મૂકી શકાય તેમ નથી, છતાં રિકવરીના આંકડા પાછળનું તે કારણ છે. દુકાનદાર, વેપારી, એમએસએમઈ ચલાવતી વ્યક્તિ, ફેક્ટરીમાં કામ કરતો માણસ, ઉદ્યોગસાહસિક, આ તમામ લોકો બજારનાં મજબૂત સેન્ટીમેન્ટ અને અર્થવ્યવસ્થાના પુનઃજીવન માટે જવાબદાર નાયકો છે.
17. તમે એવું માનતા લાગો છો કે ખાસ કરીને જ્યારે કંપનીઓ ચીનમાંથી પોતાનાં રોકાણો પાછાં ખેંચવાનું વિચારી રહી છે, તેવા સમયે વૈશ્વિક પુરવઠા સાંકળનો હિસ્સો બનીને ભારત હજુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિશ્વના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી શકે તેમ છે?
ભારતે મેન્યુફેક્ચરિંગ વિશે છેક મહામારી પછી બોલવાનું શરૂ કર્યું નથી. આપણે મેન્યુફેક્ચરિંગ વધારવા માટે ઘણા સમયથી કામ ચાલુ કર્યું છે. છેવટે, ભારત કુશળ કામદારો ધરાવતો એક યુવા દેશ છે. પરંતુ ભારત બીજાના નુકસાને પોતાનો ફાયદો કરવામાં માનતો નથી. ભારત પોતે, પોતાના બળે વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે. અમારા પ્રયાસો અન્ય કોઈ દેશનો વિકલ્પ બનવાના નહીં, પરંતુ વિશિષ્ટ તકો ઓફર કરતો દેશ બનવાના છે. અમે સહુનો વિકાસ જોવા માગીએ છીએ. જો ભારત વિકાસ સાધશે તો વિશ્વની 1/6 માનવજાત વિકાસ સાધશે.
આપણે જોયું કે બીજા વિશ્વ યુદ્ધ પછી નવા વિશ્વની વ્યવસ્થા કેવી રીતે રચાઈ હતી. કોવિડ-19 પછી આવું જ કંઈક બનશે. આ વખતે, વૈશ્વિક પુરવઠા સાંકળમાં મેન્યુફેક્ચરિંગ અને એકીકરણની સવારી ભારત કરશે.
18. ભારત આ હરણફાળ ભરે તે માટે તમે નીતિવષિયક કેવાં પગલાં સૂચવો છો?
છેલ્લા કેટલાક મહિનામાં ભારતના ફાર્મા ક્ષેત્રે પહેલેથી ઘણું કૌવત બતાવ્યું છે. ભારત વૈશ્વિક ફાર્મા સપ્લાય ચેઇન્સમાં મહત્ત્વના ખેલાડી તરીકે ઉભર્યો છે. આપણે ખૂબ જ ટૂંકા ગાળામાં પીપીઈ કીટ્સના બીજા સૌથી મોટા ઉત્પાદક બન્યા છીએ. ભારત વેન્ટીલેટર્સ જેવા અદ્યતન ટેકનોલોજી ધરાવતી ચીજવસ્તુઓના ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે અને અગાઉ તદ્દન નજીવી ક્ષમતામાંથી ઝડપભેર રીતે અત્યારે હજારો વેન્ટીલેટર્સ બનાવી રહ્યો છે.
આઝાદી મળ્યાથી માંડીને મહામારી શરૂ થઈ ત્યાં સુધીના ગાળામાં ભારતભરની સરકારી હોસ્પિટલ્સમાં આશરે 15-16 હજાર વેન્ટીલેટર્સ કાર્યરત સ્થિતિમાં હતાં. અત્યારે આ હોસ્પિટલ્સમાં વધુ 50,000 વેન્ટીલેટર્સ ઉમેરાય તે દિશામાં આપણે ઝડપભેર આગળ વધી રહ્યા છીએ.
હવે આપણે સફળતાપૂર્વક આ મોડેલ સ્થાપિત કરી દીધું છે. આપણે તેનું અન્ય ક્ષેત્રોમાં અનુકરણ કરી શકીએ તેમ છીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રોકાણકારોને વૈશ્વિક સ્તર અને સ્પર્ધાત્મકતા સાથે સ્થાપવા માટે આકર્ષવા તેમજ ભારતને તેઓ પોતાનું નિકાસ કેન્દ્ર બનાવે તે માટે તાજેતરમાં જ આપણે ત્યાં શરૂ કરાયેલી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઈસીઝ માટેની પ્રોડક્શન-લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાઓ તેનાં ઉત્તમ ઉદાહરણો છે. ફક્ત મોબાઈલ ફોનના સેગ્મેન્ટમાં જ આવતાં પાંચ વર્ષમાં 10 લાખ કરોડથી વધુ રકમનું ઉત્પાદન થવાની ધારણા છે, જેમાંથી 60 ટકા નિકાસ થશે.
મૂડીઝના જણાવ્યા મુજબ વર્ષ 2020માં અમેરિકાથી 154 જેટલા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ ભારત આવશે, જ્યારે ચીનમાં 86, વિયેતનામમાં 12 અને મલેશિયામાં 15 પ્રોજેક્ટો જશે. ભારતની ભાવિ વિકાસ યાત્રામાં વૈશ્વિક વિશ્વાસનો આ સ્પષ્ટ સંકેત છે. ભારતને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સૌથી પસંદગીપાત્રા સ્થળ બનાવવા માટે આપણે મજબૂત પાયા નાંખ્યા છે.
કોર્પોરેટ વેરામાં ઘટાડો, કોલસા ક્ષેત્રે વ્યાપારી ખાણકામ શરૂ કરવું, અંતરિક્ષ ક્ષેત્ર ખાનગી રોકાણો માટે ખુલ્લું મૂકવું, નાગરિક ઉડ્ડયનના ઉપયોગ માટે હવાઈ માર્ગો ઉપરથી સંરક્ષણ પ્રતિબંધો હટાવવા વગેરે વિકાસને લાંબા સમય સુધી વેગ આપવા માટેનાં કેટલાંક પગલાં છે.
પરંતુ આપણે એ સમજવું જોઈએ કે આપણાં રાજ્યો જેટલાં ઝડપી વિકાસ સાધશે, એટલી જ ઝડપે ભારત વિકાસ સાધી શકશે. રોકાણો આકર્ષવામાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા જરૂરી છે. રાજ્યો ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસના રેન્કિંગ્સ માટે પણ પરસ્પર સ્પર્ધા કરી રહ્યાં છે. રોકાણો મેળવવા માટે ફક્ત પ્રોત્સાહનો પર્યાપ્ત નથી. રાજ્યોએ માળખાકીય સવલતો સ્થાપવી પડશે અને વિકાસ-સંબંધી સારી નીતિઓ અનુસરવી પડશે.
19. કેટલાક વર્તુળોમાં એવો ભય સેવાઈ રહ્યો છે કે આત્મનિર્ભર અભિયાનને પગલે ઉદારીકરણ પહેલાંના દિવસો પાછા ફરશે. કેટલાક કહે છે કે ભારત વૈશ્વિક પુરવઠા સાકળનો હિસ્સો બનવા માગે છે અને સાથે સાથે આયાતો અટકાવવા માંગે છે, આ બંને વિરોધાભાસી છે. તમે શું માનો છો?
બીજા લોકોનો વિચાર ન કરવો અથવા તો સ્વ કેન્દ્રી બનવું એ ભારત કે ભારતીયોના સ્વભાવમાં જ નથી. આપણે દૂરંદેશી ધરાવતી સંસ્કૃતિ છીએ ને એક ગતિશીલ લોકશાહી છીએ, જે અન્ય દેશો સાથે વિશ્વને વધુ સારું બનાવવા માટે વાતચીત કરવા ઈચ્છે છે. આત્મનિર્ભર ભારત એ ફક્ત કોઈ સ્પર્ધા નથી, પરંતુ સ્પર્ધાત્મકતા છે. એ કોઈ વર્ચસ્વ જમાવવાની વાત નથી, પરંતુ વિશ્વ તરફ નજર દોડાવવાની વાત છે.
એટલે, અમે જ્યારે આત્મનિર્ભર ભારત એમ કહીએ છીએ, ત્યારે અમારો મતલબ છે, એવું ભારત, જે સૌપ્રથમ, પોતે સ્વનિર્ભર હોય. સ્વનિર્ભર ભારત વિશ્વનું પણ વિશ્વાસપાત્ર મિત્ર છે. સ્વનિર્ભર ભારતનો અર્થ એ નથી કે એવું ભારત, જે સ્વકેન્દ્રી હોય. જ્યારે બાળક 18 વર્ષનુ થાય છે, ત્યારે માતા પિતા પણ એને આત્મનિર્ભર બનવા કહે છે. આ સ્વાભાવિક છે.
આજે આપણે આપણી આત્મનિર્ભરતાનો ઉપયોગ તબીબી ક્ષેત્રે વિશ્વને મદદરૂપ થવા માટે કરી રહ્યા છીએ. દાખલા તરીકે, આપણે કિંમત વધાર્યા વિના કે કોઈ પ્રતિબંધ લાડ્યા વિના વેક્સિન અને દવાઓનું ઉત્પાદન કરી રહ્યા છીએ. આપણા જેવો પ્રમાણમાં ગરીબ દેશ,આજે વિશ્વભરમાં ફેલાયેલા ડોક્ટરોને શિક્ષિત કરવા વિશાળ ખર્ચ ઉપાડી રહ્યો છે, માનવતાની મદદ કરી રહ્યો છે. આપણે તેમને કદી દેશ છોડીને જતા અટકાવ્યા નથી.
ભારત જ્યારે પણ ચોક્કસ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બન્યું છે, ત્યારે તેણે હંમેશા વિશ્વની મદદ કરી છે. જો કોઈને ભારતની આ પ્રકૃતિ અને જુસ્સોની સમજણ ના હોય તો તેઓ આ અભિગમ સમજી નહિ શકે.
20. એટલે, કોઈ વિરોધાભાસ નથી?
નિષ્ણાતોને મુંઝવણ હોય તો જરૂરી નથી કે અમારા અભિગમમાં વિરોધાભાસ હોય. અમે હમણાં જ કૃષિ, શ્રમ અને કોલસા ક્ષેત્રે તમે જોયા એવા સુધારા મારફતે સીધાં વિદેશી રોકાણો આડેનાં પ્રતિબંધો હળવાં કર્યાં. જે દેશ આંતરરાષ્ટ્રીય વેપાર અને વાણિજ્યમાં વિશ્વાસ ધરાવે છે, એ જ વિશ્વ સાથે કામ કરવાનાં વધુ ને વધુ માર્ગો મોકળા કરશે. આ સાથે જ, એ વાત પણ સાચી છે કે જે ક્ષેત્રોમાં પોતાને સહજ તુલનાત્મક લાભ મળી રહ્યા છે, એ ક્ષેત્રોની સંભાવનાઓ ભારત સમજી શક્યું નહીં. કોલસાનું ઉદાહરણ લઈએ તો, પોતે વિશ્વમાં કોલસાની સૌથી વધુ અનામતો ધરાવતો દેશ હોવા છતાં, ભારતે 2019-20માં આશરે 1.5 લાખ કરોડ રૂપિયાનો કોલસો આયાત કર્યો. આપાણી આયાત નિર્ભરતાનું બીજું એક ક્ષેત્ર છે, સરંક્ષણ. અમે આ ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી, સાથે સાથે આવતાં પાંચ વર્ષમાં રૂપિયા 3.5 લાખ કરોડનું મૂલ્ય ધરાવતી 101 ચીજવસ્તુઓ ઘરઆંગણે ઉત્પાદન કરવાની પણ જાહેરાત કરી છે.
ભૂતકાળમાં આપણે જ્યારે ઉદારીકરણ અપનાવ્યું, ત્યારે આપણે 10 ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (ઈફ્ટીએ) અને 6 પ્રેફ્રેંશિયલ ટ્રેડ એગ્રીમેન્ટ્સ (પીટીએ) ઉપર હસ્તાક્ષર કર્યાં હતાં. હાલના એફ ટીએ નું મૂલ્યાંકન તે ભારત માટે કેટલા લાભદાયક નીવડ્યા એના આધારે થવું જોઈએ, એની વૈચારિક સ્થિતિ મુજબ નહિ.
ભારત વૈશ્વિક વેલ્યુ ચેઇનનો હિસ્સો બનવા આતુર છે અને વેપાર સોદા કરવા માંગે છે, પણ એ સોદા વાજબી અને ભેદભાવ મુક્ત હોવા જોઈએ. ઉપરાંત, ભારત વિશાળ બજારની પહોંચ આપતી હોવાથી સમજૂતીઓ પારસ્પરિક અને સંતુલિત હોવી જોઈએ.
અમે અમારી એફ ટીએ હેઠળ અમારા વિશાળ બજારની વધુ સારી પહોંચ આપી હતી. પરંતુ આપણા વેપાર ભાગીદારોએ આપણને હંમેશા સામે આવી જ સવલતો આપી નથી. આપણા નિકાસકારોએ ઘણીવાર બદ ઇરાદાથી લાદવામાં આવેલા આયાત પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે. દાખલા તરીકે, આપણા વેપાર ભાગીદારો ભારતને સ્ટીલની નિકાસ કરી શકે છે, પરંતુ કેટલાક વેપાર ભાગીદારો ભારતીય સ્ટીલની આયાતને મંજૂરી નથી આપતા. એ જ રીતે, ભારતીય ટાયર ઉત્પાદકો ટેકનિકલ અવરોધોને કારણે નિકાસ કરી શકતા નથી. ભારત ઉદારીકરણ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને વેપારમાં પારદર્શી રહ્યું છે, એટલે તે પોતાના નિકાસકારોએ માટે મુક્ત અને ન્યાયપૂર્વકની પહોંચ સુનિશ્ચિત કરવા માટેનાં પગલાં લેશે અને એમાતે સાધનો ઉપયોગમાં લેશે.
આરસીઈપી બાબતે, છેવટના પરિણામ માટે ભારતે શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં. ન્યાયપૂર્વક ની વેપાર પદ્ધતિઓ અને પારદર્શિતા સાથે અમે સમાન સ્પર્ધાત્મકતા ઇચ્છતા હતા. કેટલાક આરસીઇપી દેશોમાં ટેરિફ સિવાયના અવરોધો અને સબસિડી અંગે અસ્પષ્ટતા બાબતે અમે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હાલનું માળખું આરસીઇપી નાં માર્ગદર્શક સિધ્ધાંતો મુજબનું નથી અને ઉકેલવાની બાકી સમસ્યાઓ ઉપર પણ ધ્યાન આપતું નથી એટલેઆરસીઇપીમાં નહિ જોડાવા માટે ભારતે સમજી વિચારીને નિર્ણય લીધો હતો.
21. સરકારના મૂલ્યાંકનોમા જણાવાયું છે કે એફટીએ ભારત માટે લાભદાયક નથી નીવડ્યા. આપણે આરસીઈપી નથી પણ બહાર નીકળી ગયા. આ વિશે તમારા વિચારો બદલાયા છે? આપણે એફટીએ ચાલુ રાખવા જોઈએ, એવું માનો છો?
આંતરરાષ્ટ્રીય વેપાર પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત એ છે કે તેમાં સામેલ તમામ દેશો માટે તે લાભદાયક સ્થિતિનું નિર્માણ કરે. અને મને નિષ્ણાતોએ કહ્યું કે વેપાર સોદા ડબલ્યુટીઓદ્વારા વૈશ્વિક અને બહુસ્તરીય હોય એ આદર્શ સ્થિતિ છે. ભારતે હંમેશા વેપારના આતંરરાષ્ટ્રીય નિયમો પાળ્યા છે અને મુક્ત, ન્યાયી, સમાન, પારદર્શી અને નિયમો આધારિત આતંરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થાનું સમર્થન કર્યું છે, જે ડબલ્યુટીઓ દ્વારા નક્કી કરાયેલા વિકાસના ઈચ્છિત ધ્યેયો અને વિકસિત દેશોની આકાંક્ષાઓ પૂરી કરતી હોય.
22. ભારત પીપીઈ કીટ અને માસ્કના મુખ્ય ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ફાર્મા એક વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે ઉભર્યું છે. ભવિષ્યમાં આ ક્ષેત્રે આપણો લાભ તમ કેવી રીતે વધુ મજબૂત કરશો?
મહામારીના આરંભે જ અમે જોયુ હતું કે પીપીઈ કિટ્સ માટે આપણે આયાત ઉપર નિર્ભર છીએ. વિશ્વના અન્ય દેશોમાં લોકડાઉન લાગુ થયા બાદ સમસ્યા વણસી હતી, જેનાથી ઉત્પાદનને અસર થઈ, પરિણામે વૈશ્વિક પુરવઠા સાંકળ ખોરવાઈ. આને લીધે દેશે કટોકટીના સમયે સ્વ નિર્ભર બનવાના રસ્ત્તા ઝડપભેર વિચારવા પડયા.
અમે હાથવગા અભિગમ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ હેતુ માટે જરૂરી તમામ કાચો માલ ઓળખી અને તેને કેવી રીતે મેળવી શકાય એ જોયું. અમે ઉદ્યોગ અને રાજ્ય સરકારો સાથે મળીને પીપીઈ કિટ્સ, N-95 માસ્ક, વેન્ટિલેટર, ડાયોગ્નીસ્ટિક કિટ્સ વગેરે બનાવવા અને ખરીદવાના ધ્યેયને પહોંચી વળવા 24×7 કામ કર્ય઼ું. એકવાર આ સમસ્યા ઉકલ ગઈ, એ પછી ઘરઆંગણે ઉત્પાદન શરૂ થયું અને ખરીદી માટે ઘર આંગણાના ઉત્પાદકોને ઓર્ડર અપાયા. ભારત હવે એ સ્થિતિમાં છે, જ્યાં આપણે ફક્ત ઘર આંગણાની જરૂરિયાતો પૂરી નથી કરતા, સાથે સાથે અન્ય દેશોની માંગને પહોંચી વળવા પણ સક્ષમ છીએ.
છેલ્લા કેટલાક મહિનામાં ભારત આશરે 150 દેશોની દવાઓ અને તબીબી ઉપકરણો સપ્લાઇ કરીને જાણે કે વિશ્વની ફાર્મસી બની ગયું છે. ભારતીય ફાર્મા ક્ષેત્ર 38 અબજ ડોલરનું ટર્નઓવર નોંધાવે છે. આ લાભને વધુ મજબૂત કરવા સરકારે તબીબી ઉપકરણો અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયેન્ટ્સના ઉત્પાદન માટે રૂપિયા 1,40,000 કરોડનાં રોકાણો મંજૂરી આપી છે. વૈશ્વિક નેતૃત્વ હાંસલ કરવા માટે બલ્ક ડ્રગ પાર્કસ અને મેડિકલ ડીવાઇસિસ પાર્કસ ઊભા કરવામાં આવી રહ્યાં છે.
23. વેક્સિન આવતા વર્ષે ઉપલબ્ધ બનશે એમ લાગી રહ્યું છે. વિતરણ માટે અને વેક્સિન સૌપહેલા કોને મળવી જોઇએ એની પ્રાથમિકતા વિશે કોઈ આયોજન કર્યું છે ?
સૌપહેલા તો હું દેશને એ વાતની ખાતરી આપવા માંગું છું કે રસી જ્યારે પણ ઉપલબ્ધ બનશે, ત્યારે પ્રત્યેક જણનું રસીકરણ કરાશે. કોઈને બાકાત નહીં રખાય. અલબત્ત, શરૂઆતમાં અમે સૌથી વધુ જોખમ ધરાવતા લોકો અને મોખરાના કાર્યકરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. આગળનો માર્ગ નક્કી કરવા માટે નેશનલ ગ્રુપ ઑન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોરકોવિડ-19 રચવામાં આવ્યું છે.
આપણે એ જોવું જોઈએ કે વેક્સિન વિકસાવવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. ટ્રાયલ થઈ રહ્યા છે. વેક્સિન કઈ હશે, તેનો વ્યક્તિદીઠ કેટલો ડોઝ હશે, સમયાંતર કેટલો હશે કે તે કેવી રીતે લેવાની હશે, એ બાબતે હજુ નિષ્ણાતો કશું કહી શકે એમ નથી. આ બધું જ્યારે નિષ્ણાતો દ્વારા નક્કી થશે, ત્યારે અમે પણ નાગરિકોને અમારા અભિગમ વિશે જાણ કરીશું.
લોજિસ્ટીક્સની વાત કરીએ તો, 28,000થી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ કોવિડ-19ની રસીનો સંગ્રહ અને વિતરણ કરશે, જેથી તે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત બનશે. રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે સમર્પિત ટુકડીઓ વેક્સિનનું વિતરણ અને વ્યવસ્થાપન પધ્ધતિસર અને જવાબદારીપૂર્વક થઈ રહ્યું છે કે નહીં એ જોશે. લાભાર્થીઓની નોંધણી, તેમને ટ્રેક કરવા અને તેમના સુધી પહોંચવા માટેની ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
24. કોવિડ-19ને કારણે જે ફટકો પડ્યો છે, એ જોતાં વર્ષ 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરવાનું કેટલું દૂર લાગે છે?
મોટાભાગના નિરાશાવાદી લોકો શંકા સેવ્યા કરે છે. તમે જો એ લોકો વચ્ચે જઈને બેસો તો તમને ફક્ત નિરાશા અને હતાશાની વાતો જ સાંભળવા મળે.
પરંતુ જો તમે આશાવાદી લોકો સાથે ચર્ચા કરો તો તમારે કેવી રીતે સુધારણા કરવી એના વિચારો અને સૂચનો સાંભળવા મળે. આજે આપણો દેશ ભવિષ્ય માટે આશાવાદી છે, 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય હાંસલ કરવા માટેની આશા છે. અને આ આશાવાદ આપણને વિશ્વાસ અપાવે છે. આજે જો આપણા કોરોના યોદ્ધાઓ દર્દીને બચાવવા માટે 18-20 કલાક કામ કરતા હોય, તો આપણે પણ વધુ પરિશ્રમ કરવા પ્રેરિત થઇએ છીએ.
આ વર્ષે મહામારીનો કારણે આપણે ઇચ્છિત ગતિએ આગળ ન વધી શક્યા, તો શું થઈ ગયું! આવતા વર્ષે આપણે નુકસાન ભરપાઈ કરવા પ્રયાસ કરીશું અને વધુ તેજ દોડીશું. આપણા માર્ગમાં આવતા અવરોધોથી જો આપણે અટકી જઈએ તો ક્યારેય કશું મહત્વપૂર્ણ હાંસલ ન કરી શકીએ.
મહાત્વાકાંક્ષા ન રાખવાથી નિષ્ફળતા નિશ્ચિત છે. ખરીદ શક્તિની દ્રષ્ટિ એ ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. અમે અમેરિકાના ડોલરના મૂલ્યની દ્રષ્ટિ એ પણ એને ત્રીજો સૌથી તાકતવર દેશ બનાવવા ઇચ્છીએ છીએ. 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય આપણને એ હાંસલ કરવામા મદદરૂપ થશે.
ઉપરાંત, અમારી સરકાર લક્ષ્યાંકો આંબવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. આપણે ગ્રામીણ સ્વચ્છતાનું લક્ષ્યાંક પણ નિર્ધારિત સમય પહેલાં પૂરું કર્યું હતું, આપણે ગ્રામીણ વિજકરણનું લક્ષ્યાંક પણ નિર્ધારિત સમય પહેલાં પૂરું કર્યું, 8 કરોડ ઉજ્જવલા કનેક્ષનનું લક્ષ્યાંક પણ નક્કી કરેલા સમયથી ઘણું વહેલું હાંસલ કર્યું. એટલે, અમારો ટ્રેક રેકોર્ડ જોતાં અને ચાલુ સુધારાને ધ્યાનમાં લઇને લક્ષ્યાંક સુધી પહોંચવાની અમારી ક્ષમતાઓ ઉપર લોકોને વિશ્વાસ છે.
ભારતમાં જેમણે રોકાણ કર્યું છે, તેમની પોતાની ક્ષમતાઓ વિસ્તારવાની તૈયારી અને વૈશ્વિક સ્પર્ધાત્મક બનવા માટે તેમનો વિશ્વાસ દર્શાવે છે કે અમે તેમને વાજબી તકો આપી છે. આત્મનિર્ભર ભારતની પહેલ, ભારતની ગર્ભિત સંભાવનાને ખુલ્લી મુકવા માટેનું છે, જેથી આપણી કંપનીઓ ફક્ત ઘરઆંગણાના બજારો જ નહીં, પરંતુ વૈશ્વિક બજારો પણ સર કરી શકે.