Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કોલકાતા શહેર અને આસપાસના શહેરી વિસ્તારો માટે ઉપયોગી ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનાં સંશોધિત ખર્ચને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નવેસરથી બનાવવામાં આવેલા રુટ મુજબ કોલકાતા ઇસ્ટ વેસ્ટ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણ માટે ખર્ચના સુધારેલા અંદાજને મંજૂરી આપવામાં આવી છે.

અમલ કરવા માટેની વ્યૂહરચનાઓ અને લક્ષ્યાંકોઃ

  • પ્રોજેક્ટનું કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમલ થશે, જે રેલવે મંત્રાલય અંતર્ગત કેન્દ્ર સરકારનું સાહસ (CPSE) છે.
  • પ્રોજેક્ટ પૂર્ણ થવાનો અંદાજિત ખર્ચ છે – રૂ. 8575 કરોડ, જેમાં રેલવે મંત્રાલય રૂ. 3268.27 કરોડ આપશે, હાઉસિંગ અને શહેરી મંત્રાલય રૂ. 1148.31 કરોડ આપશે અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) લોન પેટે રૂ. 4158.40 કરોડ આપશે.
  • 5.3 કિલોમીટરની લંબાઈ ધરાવતો એલીવેટેડ કોરિડોર 14.02.2020થી શરૂ થઈ ગયો છે.
  • ઉપરાંત 1.67 કિલોમીટરનો રોડ 5.10.2020થી કાર્યરત થઈ ગયો છે.
  • સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની નિર્ધારિત તારીખ ડિસેમ્બર, 2021 છે.

મુખ્ય અસર:

આ મેગા પ્રોજેક્ટમાં પશ્ચિમમાં હાવરાના ઔદ્યોગિક શહેર અને પૂર્વમાં સોલ્ટ લેક સિટી સાથે કોલકાતાના બિઝનેસ ડિસ્ટ્રિક્ટ વચ્ચે અસરકારક પરિવહન જોડાણની સુવિધા ઊભી કરવામાં આવશે, જે પરિવહનની સલામત, સરળ અને સુવિધાજનક પદ્ધતિ પૂરી પાડશે. આ પ્રોજેક્ટથી ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થશે અને શહેરમાં રહેતાં લોકોને પરિવહનનું સ્વચ્છ સોલ્યુશન મળશે. આ કોલકાતા શહેરને વાજબી, અસરકારક અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સોલ્યુશન પ્રદાન કરશે. વળી આ પ્રોજેક્ટ કોલકાતાની વિસ્તારોની સામૂહિક પરિવહન સમસ્યાનું સમાધાન કરશે, જેથી અવરજવરના સમયમાં ઘટાડો થવાથી ઉત્પાદકતા અને વૃદ્ધિ એમ બંનેમાં વધારો થશે.

 

આ ઇન્ટરચેન્જ કેન્દ્રોનું નિર્માણ કરીને મેટ્રો, પેટા-શહેરી રેલવે, ફેરી અને બસ પરિવહન જેવા પરિવહનના વિવિધ માધ્યમોને સંકલિત કરશે. એનાથી દરરોજ અવરજવર કરતાં લાખો લોકોને પરિવહનનું સરળ અને ઝડપી માધ્યમ મળશે.

પ્રોજેક્ટના વિવિધ લાભ:

  • લોકોને સલામત, અસરકારક અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા મળવાનો લાભ થશે
  • અવરજવરના સમયમાં ઘટાડો થશે.
  • ઇંધણનો વપરાશ ઘટશે.
  • માર્ગના માળખા પર મૂડીગત ખર્ચમાં ઘટાડો થશે
  • પ્રદૂષણ અને અકસ્માતમાં ઘટાડો થશે
  • ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD)માં વધારો થશે
  • કોરિડોરમાં જમીનનું મૂલ્ય વધશે અને વધારાની આવક થશે
  • રોજગારીનું સર્જન થશે
  • આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના જુસ્સાને સમાવે છે.

પૃષ્ઠભૂમિ:

કોલકાતા ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટ કોલકાતા મહાનગર અને એની આસપાસના શહેરી વિસ્તારોના સતત વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ટ્રાફિકની ગીચતા ઘટાડશે અને દરરોજ અવરજવર કરતાં લાખો લોકોને પરિવહન માટે સ્વચ્છ માધ્યમ પ્રદાન કરશે. આ રેલ-આધારિત માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા કોલકાતા, હાવરા અને સોલ્ટ લેકને સાતત્યપૂર્ણ જોડાણ પ્રદાન કરશે. એમાં અસરકારક અને સાતત્યપૂર્ણ પરિવહન ઇન્ટરચેન્જ કેન્દ્રોનું નિર્માણ કરીને મેટ્રો, રેલવે અને બસ ટ્રાન્સપોર્ટ જેવા પરિવહનના અન્ય તમામ માધ્યમોને સંકલિત પણ કરવામાં આવશે. પ્રોજેક્ટમાં 16.6 કિલોમીટરની લંબાઈ ધરાવતા મેટ્રો રેલવે કોરિડોરનું નિર્માણ કરવાનો વિચાર સમાયેલો છે, જેમાં હૂગલી નદી નીચે ટનલ સામેલ છે, જે ભારતમાં કોઈ પણ મોટી નદી અને હાવરા સ્ટેશન નીચે નિર્માણ થનારી પ્રથમ પરિવહન ટનલ છે. હાવરા સ્ટેશન ભારતમાં સૌથી વધુ ગીચતા ધરાવતા મેટ્રો સ્ટેશનો પૈકીનું એક છે.

 

 

SD/GP/BT