Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મેગા વર્ચ્યુઅલ સંમેલન RAISE 2020નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મેગા વર્ચ્યુઅલ સંમેલન RAISE 2020નું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર એક મેગા વર્ચ્યુઅલ સંમેલન RAISE 2020નું ઉદ્ઘાટન કર્યું હતું. RAISE 2020એ દુનિયાભરના બૌદ્ધિકો માટેનું વૈશ્વિક સંમેલન છે જ્યાં તેઓ વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે તેમજ આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ અને સ્માર્ટ પરિવહન સહિત અન્ય ક્ષેત્રોમાં સામાજિક પરિવર્તન, સમાવેશીતા અને સશક્તિકરણ માટે AIનો ઉપયોગ કરવા માટે ભાવિ માર્ગનું આલેખન કરી શકે છે.

પ્રધાનમંત્રીએ આ પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ચર્ચાને પ્રોત્સાહન આપવા બદલ આ કાર્યક્રમના આયોજકોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજીએ આપણા કાર્યસ્થળોમાં પરિવર્તન લાવી દીધું છે અને તેનાથી કનેક્ટિવિટીમાં સુધારો આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, સામાજિક જવાબદારી અને AI વચ્ચે વિલય થવાથી AIમાં વધુ માનવીય સ્પર્શ લાવી શકાશે. તેમણે કહ્યું હતું કે, માણસ સાથે AIનું ટીમવર્ક આપણી આ દુનિયા માટે આશ્ચર્યો સર્જી શકે છે.

તેમણે ટાંક્યું હતું કે, જ્ઞાન અને અભ્યાસમાં ભારતે દુનિયામાં નેતૃત્વ સંભાળ્યું છે અને ડિજિટલી નિપુણતામાં પણ તે આ રીતે આગળ વધવાનું ચાલુ રાખશે અને દુનિયાને આનંદિત રાખશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેવી રીતે ટેકનોલોજી પારદર્શકતા સુધારવામાં અને સેવાઓ પહોંચાવાડવામાં મદદરૂપ થઇ શકે છે તેનો અનુભવ ભારતે કર્યો છે.

પ્રધાનમંત્રીએ કેવી રીતે દુનિયાના સૌથી મોટા અનન્ય ઓળખ તંત્ર – આધાર તેમજ દુનિયાના સૌથી નવીનતમ ડિજિટલ ચુકવણી તંત્ર – UPIના કારણે ગરીબો અને સિમાંત લોકોને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી આર્થિક સેવાઓ સહિત વિવિધ ડિજિટલ સેવાઓનો ઍક્સેસ મેળવવા માટે સમર્થ બનાવ્યા તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો. મહામારીના સમય દરમિયાન, તેના કારણે લોકોને મદદ કરવા માટે તેમના સુધી ખૂબ જ વહેલી તકે અને સૌથી અલગ જ રીતે પહોંચી શકાયું હતું.

પ્રધાનમંત્રીએ ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વૈશ્વિક હબ બનવા માટે શુભેચ્છા પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, આવનારા સમયમાં સંખ્યાબંધ વધુ ભારતીયો આના પર કામ શરૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ લક્ષ્ય પ્રત્યેનો અભિગમ ટીમવર્ક, વિશ્વાસ, સહયોગ, જવાબદારી અને સમાવેશીતા જેવા મૂળભૂત સિદ્ધાંતો દ્વારા સંચાલિત છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અપનાવી છે જેમાં ટેકનોલોજી આધારિત અભ્યાસ અને કૌશલ્યને શિક્ષણના મુખ્ય ભાગ તરીકે સમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે, ઇ-અભ્યાસક્રમો વિવિધ પ્રાદેશિક ભાષા અને બોલીઓમાં વિકાસવવામાં આવશે. આ સંપૂર્ણ પ્રયાસને AI પ્લેટફોર્મની રાષ્ટ્રીય ભાષા પ્રોસેસિંગ (NLP) ક્ષમતાનો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, એપ્રિલ 2020માં શરૂ કરવામાં આવેલા ‘યુવાનો માટે જવાબદારીપૂર્ણ AI’ અંતર્ગત, શાળામાં અભ્યાસ કરતા 11,000 કરતા વધારે વિદ્યાર્થીએ આ મૂળભૂત અભ્યાસક્રમ પૂરો કર્યો છે. તેઓ હવે તેમના AI પ્રોજેક્ટ્સ બનાવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મંચ દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સામગ્રી અને ક્ષમતાને વેગ આપવા માટે ઇ-શિક્ષણ એકમનું સર્જન કરવામાં આવશે. તેમણે ઉભરતી ટેકનોલોજી સાથે કદમતાલ મિલાવવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં જેમ કે, વર્ચ્યુઅલ લેબ તૈયાર કરવી, અટલ ઇનોવેશન વગેરેનું વર્ણન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય કાર્યક્રમ સમર્પિત કરવામાં આવશે.

શ્રી મોદીએ એવા ક્ષેત્રોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેઓ AIની ખૂબ જ મોટી ભૂમિકા જોઇ રહ્યાં છે જેમ કે – કૃષિ, આગામી પેઢીના શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવું, ટ્રાફિક જામમાં ઘટાડો, સ્યૂએજ તંત્રમાં સુધારો જેવી શહેરી સમસ્યાઓનો ઉકેલ લાવવો, ઉર્જા ગ્રીડનું નેટવર્ક પાથરવું, આપત્તિ વ્યવસ્થાપન તંત્રને વધુ મજબૂત બનાવવું અને આબોહવા પરિવર્તનની સમસ્યાનો ઉકેલ લાવવો. તેમણે ભાષાના અવરોધો વચ્ચે અવિરત સેતૂનું નિર્માણ કરવા માટે અને ભાષાઓ તેમજ બોલીઓના વૈવિધ્યને જાળવી રાખવા માટે AIનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યુ હતું. તેમણે જ્ઞાનનું આદાનપ્રદાન કરવા માટે પણ AIનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અલગોરીધમ પારદર્શકતા એ કેવી રીતે AIનો ઉપયોગ થઇ શકે તેમાં ભરોસો બેસાડવા માટેની ચાવી છે અને તે સુનિશ્ચિત કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.

તેમણે બિન-રાજકીય તત્વો દ્વારા AIના શસ્ત્રીકરણ સામે દુનિયાનું રક્ષણ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, માનવીય સર્જનાત્મકતા અને માનવીય લાગણીઓ હંમેશા આપણી સૌથી મોટી તાકાત રહેશે અને મશીનથી ઉપરવટ તે આપણો અનન્ય લાભ છે. મશીનોની ઉપર આવેલી આ બૌદ્ધિક ધારને કેવી રીતે જાળવી શકાય અને માણસની બૌદ્ધિકતા AI કરતાં હંમેશા થોડા ડગલાં આગળ રાખી શકાય તે અંગે વિચાર કરવા માટે તેમણે દરેકને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેવી રીતે AI માનવજાતને તેમની પોતાની ક્ષમતાઓમાં વધારો કરવા માટે મદદરૂપ થઇ શકે તે અંગે આપણે વિચાર કરવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, AIથી દરેક વ્યક્તિમાં સમાયેલી અનોખી શક્તિ બહાર આવશે અને તેનાથી તેઓ સમાજમાં વધુ અસરકારક રીતે યોગદાન આપવા માટે સશક્ત બનશે. તેમણે RAISE 2020ના સહભાગીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા અંગે વિચારોનું આદાનપ્રધાન કરે અને સમાન્ય માર્ગનું આલેખન કરે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, ચર્ચા દ્વારા જવાબદારીપૂર્ણ AI માટે તૈયાર કરવામાં આવેલી ક્રિયાત્મક રૂપરેખા સમગ્ર દુનિયામાં લોકોના જીવન અને આજીવિકામાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે.

 

SD/GP/BT