Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત – ડેન્માર્ક હરિત વ્યૂહાત્મક ભાગીદારી માટે સંયુક્ત નિવેદન

ભારત – ડેન્માર્ક હરિત વ્યૂહાત્મક ભાગીદારી માટે સંયુક્ત નિવેદન


ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી મેટ્ટે ફ્રેડેરિક્સન અને પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદીએ 28 સપ્ટેમ્બર 2020ના રોજ ભારત અને ડેન્માર્ક વચ્ચે યોજાયેલી વર્ચ્યુઅલ દ્વિપક્ષીય મંત્રણાની સહ-અધ્યક્ષતા કરી હતી.

2. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી ફ્રેડેરિક્સને દ્વિપક્ષીય સંબંધો બાબતે હુંફાળા અને મૈત્રીપૂર્ણ માહોલમાં ઊંડાણપૂર્વક મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું, કોવિડ-19 મહામારી અને બંને પક્ષે હિતોની વૈશ્વિક બાબતો પર ચર્ચા કરી હતી જેમાં આબોહવા પરિવર્તન અને હરિત સંક્રાંતિ જેવા મુદ્દા પણ હતા અને ચર્ચાના અંતે તેઓ ટકાઉક્ષમ અર્થતંત્રો અને સમાજના ઉત્કર્ષ માટે સામાન્ય સમજણના મંતવ્ય પર આવ્યા હતા.

3. તેમણે ઐતિહાસિક જોડાણો, સામાન્ય વસ્તીવિષયક પરંપરાઓ અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે સહિયારી ઇચ્છાના આધારે દ્વિપક્ષીય સંબંધો વિકસાવવાનું ચાલુ હોવા બાબતે સંતોષપૂર્વક નોંધ લીધી હતી.

4. એકબીજાના ભરોસાપાત્ર ભાગીદાર રહેવાની સહિયારી ઇચ્છાને ધ્યાનમાં રાખતા, બંને દેશોના પ્રધાનમંત્રી ભારત – ડેન્માર્ક સંબંધોને હરિત વ્યૂહાત્મક ભાગીદારી પર લઈ જવા માટે સંમત થયા હતા. આ ભાગીદારી ભારત અને ડેન્માર્ક વચ્ચે સહકાર (6 ફેબ્રુઆરી 2009ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે) માટે સંયુક્ત પંચને સ્થાપિત કરતા હાલના કરાર પર નિર્માણ પામશે અને તેને મજબૂત કરશે જેમાં રાજકીય ક્ષેત્ર; આર્થિક અને વ્યાપારિક ક્ષેત્ર; વિજ્ઞાન અને ટેકનોલોજી; પર્યાવરણ; ઉર્જા; શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સહકારની પરિકલ્પના કરવામાં આવી છે. વધુમાં, તે અક્ષય ઉર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ, કૃષિ અને પશુ સંવર્ધન, ખાદ્ય પ્રસંસ્કરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચાર, જહાજ, શ્રમ પરિવહન અને ડિજિટાઇઝેશન માટે હાલના અસ્તિત્વમાં રહેલા સંયુક્ત કાર્યકારી સમૂહો પર નિર્માણ પામે છે અને તેની પૂરક છે.

5. હરિત વ્યૂહાત્મક ભાગીદારીએ પારસ્પરિક લાભદાયક કરાર છે જે રાજકીય સહકારને આગળ વધારવા માટે, આર્થિક સંબંધોનું વિસ્તરણ કરવા માટે અને હરિત વૃદ્ધિ માટે, નોકરીઓનું સર્જન કરવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા તેમજ તકોને ઝડપી લેવા માટે પેરિસ કરાર અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ટકાઉક્ષમ વિકાસ લક્ષ્યોના મહત્વાકાંક્ષી અમલીકરણ પર ધ્યાન આપીને આગળ વધવા માટે છે.

6. બંને દેશના પ્રધાનમંત્રીએ હરિત વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપવાના મહત્વને સ્વીકાર્યું હતું જે અંતર્ગત ભારત અને ડેન્માર્ક સંબંધિત મંત્રાલયો, સંસ્થાઓ અને હિતધારકો દ્વારા સહકાર આપશે.

ઉર્જા અને આબોહવા પરિવર્તન

7. બંને પ્રધાનમંત્રીએ હરિત ઉર્જા સંક્રાંતિ અને આબોહવા પરિવર્તનના વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને ઉકેલો લાવવા માટે નજીકતાથી ભાગીદારી નિભાવવાની પુષ્ટિ કરી હતી. દરિયાકાંઠાના અંદરના વિસ્તારોમાં પવન અને અક્ષય ઉર્જા માટે વ્યૂહાત્મક ક્ષેત્રીય સહકાર તેમજ પવન ઉર્જા માટે ક્ષમતા નિર્માણ, જ્ઞાનનું આદાન પ્રદાન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે ભારત ડેન્માર્ક ઉર્જા ભાગીદારી (INDEP); અક્ષય ઉર્જાના ઉર્જા મોડલિંગ અને એકીકૃતતા વૈશ્વિક ઉર્જા સંક્રાંતિ, હરિત વૃદ્ધિ અને ટકાઉક્ષમ વિકાસના માર્ગે આગળ વધવા માટે કેટલાક સામાન્ય વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. બંને પક્ષો આવનારા વર્ષોમાં ઉર્જા ભાગીદારી વધુ મજબૂત બનાવવાની દૂરંદેશી રાખે છે.

8. ભારત અને ડેન્માર્ક આબોહવા પરિવર્તન અંગેની વૈશ્વિક લડાઇમાં અગ્રેસર રહેવા માટે સંમત થયા છે. બંને દેશો પાસે આબોહવા અને ઉર્જા બાબતે ખૂબ જ મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય લક્ષ્યો નિર્ધારિત કરેલા છે જે પેરિસ કરારના મહત્વાકાંક્ષી અમલીકરણમાં યોગદાન આપશે. બંને દેશો સાથે મળીને, દુનિયાને બતાવશે કે, મહત્વાકાંક્ષી આબોહવા અને ટકાઉક્ષમ ઉર્જા લક્ષ્યો પાર પાડવા શક્ય છે.

9. બંને દેશો આબોહવા પરિવર્તન અને અક્ષય ઉર્જા મુદ્દે વિવિધ સ્તરે નિયમિત ધોરણે પરામર્શ અને સંવાદ યોજવા માટે સંમત થયા છે.

પર્યાવરણ/ પાણી અને વર્તુળાકાર અર્થતંત્ર

10. બંને દેશના પ્રધાનમંત્રી પર્યાવરણ/ પાણી અને વર્તુળાકાર અર્થતંત્ર માટે હાલમાં અસ્તિત્વમાં રહેલા સરકારથી સરકારના સહયોગને વધુ વિસ્તરણ કરવા માટે અને મજબૂત બનાવવાની દિશામાં કામ કરવા માટે સંમત થયા છે. તેઓ વધુમાં, જળ કાર્યદક્ષતા અને નોન-રેવેન્યૂ વોટર (જળ ક્ષય) બાબતે સહકાર આપવા માટે પણ સંમત થયા છે અને આ સંદર્ભે ભારતના જળ શક્તિ મંત્રાલય અને ડેન્માર્કના પર્યાવરણ સંરક્ષણ એજન્સી અને ડેન્માર્કના પર્યાવરણ અને ખાદ્ય મંત્રાલયને પ્રારંભિક ધોરણે ત્રણ વર્ષ (2021-23) માટે પ્લાન ઘડવા માટેનું કામ આપી દીધું છે.

11. બંને પ્રધાનમંત્રીએ પાણી પૂરવઠો, પાણી વિતરણ, બિનઉપયોગી પાણીની ટ્રીટમેન્ટ, સ્યૂઅરેજ સિસ્ટમ, ટ્રીટમેન્ટ કરેલા પાણીનો ફરી ઉપયોગ, જળ વ્યવસ્થાપન અને પાણી ક્ષેત્રમાં એનર્જી ઓપ્ટિમાઇઝેશન જેવા ચોક્કસ ક્ષેત્રોમાં ઇન્ડો- ડેનિશ જળ ટેકનોલોજી ગઠબંધન દ્વારા પારસ્પરિક સહકાર વધારવા માટે પણ સંયુક્ત ઇચ્છા વ્યક્ત કરી હતી.

સ્માર્ટ સિટી સહિત ટકાઉક્ષમ શહેરી વિકાસ

12. બંને પક્ષે 26 જૂન 2020ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી ટકાઉક્ષમ શહેરી વિકાસ માટે યોજવામાં આવેલી બીજી ભારત – ડેન્માર્ક JWCની નોંધ લીધી હતી અને ગોવામાં શહેરી લિવિંગ લેબ દ્વારા સ્માર્ટ સિટી સહિત ટકાઉક્ષમ શહેરી વિકાસ માટે દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા પર સંમતિ દર્શાવી હતી.

13. બંને પક્ષે, હાલમાં અસ્તિત્વમાં રહેલા ઉદયપુર અને આર્હુસ તેમજ ટુમાકુરુ અને એલબોર્ગ વચ્ચે શહેરથી શહેર સહકારને વધુ મજબૂત બનાવવા માટે સંમતિ દાખવી હતી.

14. તેમણે નોંધ્યું હતું કે, ડેનિશ કંપનીઓ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની ડિઝાઇન તૈયાર કરવામાં યોગદાન આપી રહી છે અને ટકાઉક્ષમ શહેરી વિકાસના તમામ ક્ષેત્રોમાં ડેન્માર્કના પક્ષેથીથી ખૂબ જ સારા જોડાણને આવકાર આપ્યો હતો.

વ્યવસાય, વેપાર અને જહાજ

15. બંને પ્રધાનમંત્રીએ હરિત અને આબોહવાને અનુકૂળ ટેકનોલોજી પર વિશેષ ધ્યાન આપીને બંને દેશોની સરકારો, સંસ્થાઓ અને વ્યવસાયો વચ્ચે ભાગાદારી વિકસાવવાના વિચારને આવકાર્યો હતો. તેમણે હરિત ઉર્જામાં જાહેર અને ખાનગી રોકાણને સહકાર આપવા માટે નિયમનકારી માળખાની સ્થિતિઓના મહત્વને સ્વીકાર્યું હતું.

16. બંને નેતાઓએ દરિયાઇ બાબતોમાં એકબીજાના ઊંડા સહકારની પ્રશંસા કરી હતી અને જહાજ નિર્માણ અને ડિઝાઇન, દરિયા સેવાઓ અને હરિત શિપિંગ તેમજ બંદરોના વિકાસ માટે પારસ્પરિક સહકાર વધારવા માટેની સંભાવનાઓ હોવાનું નોંધ્યું હતું.

17. બંને દેશના પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે, તેઓ SME માટે વ્યવસાયિક પ્રતિનિધિમંડળો, બજારની પહોંચની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ઉન્નતિ લાવશે.

18. ભારત અને ડેન્માર્કે બૌદ્ધિક સંપદા અધિકારોમાં ઉભરી રહેલા સહકારની પુષ્ટિ કરી હતી જેનાથી તેમના રાષ્ટ્રીય બૌદ્ધ સંપદાની પ્રણાલીઓને આધુનિક અને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે જેથી નવાચાર, સર્જનાત્મકતા અને ટેકનોલોજીની પ્રગતિને પ્રોત્સાહન આપી શકાય.

વિજ્ઞાન, ટેકનોલોજી, નવાચાર અને ડિજિટાઇઝેશન

19. ભારત અને ડેન્માર્કે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચાર (STI)માં મજબૂત જાહેર- ખાનગી ભાગીદારી દ્વારા રોકાણની સુવિધાઓને પૂરી પાડવા અને તેને પ્રોત્સાહન આપવાના મહત્વને સ્વીકાર્યું હતું જે ટેકનોલોજીના વિકાસને ઉન્નત કરવા માટે અને નવા ઉકેલોના અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ રીત છે. STIમાં સહયોગ, ભારત અને ડેન્માર્કમાં સત્તામંડળો, નાની અને મોટી કંપનીઓ તેમજ સંશોધન અને ઉચ્ચ અભ્યાસ સંસ્થાઓ વચ્ચે સંબંધોને પ્રોત્સાહન આપીને અને તેને મજબૂત બનાવીને હરિત વ્યૂહાત્મક ભાગીદારીને સહકાર આપે છે. બંને પક્ષોએ ઉર્જા, પાણી, જૈવિક સંસાધનો અને ICT જેવા ક્ષેત્રોમાં પરિયોજનાઓ માટે સંયુક્ત આહ્વાન સાથે હાલની મજબૂત દ્વિપક્ષીય STI ભાગીદારીનું નિર્માણ કરવા માટે સંમતિ દર્શાવી હતી.

20. બંને નેતાઓ હરિત સંક્રાંતિમાં ડિજિટાઇઝેશન અને ડિજિટલ ઉકેલો તેમજ વ્યવસાય મોડેલોમાં તેમના સહિયારા હિતોને ઓળખ્યા હતા અને હરિત ટકાઉક્ષમ વૃદ્ધિને સહકાર આપવા માટે ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ, નવાચાર અને પ્રદર્શનમાં વૃદ્ધિ માટે પારસ્પરિક સહયોગ આપવાનું નક્કી કર્યું છે.

ખાદ્ય અને કૃષિ

21. કૃષિ ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગની પ્રબળ સંભાવનાઓને ધ્યાનમાં રાખતા, બંને દેશના પ્રધાનમંત્રીએ બંને દેશોના સત્તામંડળો, વ્યવસાયો અને સંશોધન સંસ્થાઓને ખાદ્ય પ્રસંસ્કરણ અને ખાદ્ય સુરક્ષા તેમજ પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગના ક્ષેત્રોમાં વધુ ઊંડા અને પાસેથી સહકારને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

આરોગ્ય અને જીવન વિજ્ઞાન

22. બંને પક્ષોએ આરોગ્ય ક્ષેત્રમાં સંવાદ વધુ મજબૂત કરવા અને સહકાર વધારવા માટેની સહિયારી ઇચ્છા અને તેની સંભાવનાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને કોવિડ-19ને નાથવા માટે અને ભવિષ્યમાં આવતી મહામારીઓના અનુસંધાનમાં, મહામારી અને રસી સહિત આરોગ્ય નીતિના મુદ્દાઓ પર સંવાદ વધારવા અને શ્રેષ્ઠ આચરણોનું આદાનપ્રદાન કરવા માટે બંનેને રુચિ હોવાની પુષ્ટિ કરી હતી. તેઓ જીવન વિજ્ઞાન ક્ષેત્ર માટે સંશોધન સહયોગ સહિતના ક્ષેત્રોમાં વધુ અનુકૂળ માહોલનું સર્જન કરીને વ્યવસાયો માટે વ્યાપારી તકોનું વિસ્તરણ કરવા પર કામ કરવા સંમત થયા હતા.

સાંસ્કૃતિક સહકાર, લોકોથી લોકોના સંપર્કો અને શ્રમ પરિવહન

23. બંને દેશના પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, ભારત અને ડેન્માર્ક વચ્ચે સંબંધોની સમૃદ્ધિ લાંબા સમયથી ચાલ્યા આવતા લોકોથી લોકોના સંપર્કોનું પરિણામ છે અને બંને દેશોના લોકો વચ્ચે સાંસ્કૃતિક સહકાર દ્વારા વધુ જાગૃતિ અને પારસ્પરિક સમજણને પ્રોત્સાહન આપવા માટે તેઓ સંમત થયા હતા.

24. બંને પક્ષો, શ્રમિકોના પરિવહન માટેની સંભાવનાઓ ચકાસવા માટે સંમત થયા હતા અને બંને દેશો વચ્ચે સરળતાથી મુસાફરી અંગે વિચાર કરવા માટે પણ સંમત થયા હતા જેથી ખૂબ સારી રીતે લોકોથી લોકો વચ્ચેના જોડાણ અને વાર્તાલાપની સુવિધા પૂરી પાડી શકાય અને પર્યટન ક્ષેત્રમાં ખૂબ જ મજબૂત સહયોગ સ્થાપી શકાય.

બહુપક્ષીય સહકાર

25. બંને દેશના પ્રધાનમંત્રી કાયદા આધારિત બહુપક્ષીય વ્યવસ્થાતંત્રને સહાકર આપવા અને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત પ્રયાસો કરવા અને પહેલ હાથ ધરવા માટે સંમત થયા હતા. આમાં ઉર્જા અને આબોહવા પરિવર્તનના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી, આંતરરાષ્ટ્રીય અક્ષય ઉર્જા એજન્સી અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પ્રત્યે સામાન્ય પ્રતિબદ્ધતાના વૈશ્વિક પ્રયાસોને આગળ વધારવા માટેની તાકીદની સ્થિતિનો સામનો કરવા માટે  મજબૂત બહુપક્ષીય સહકાર પણ સામેલ છે.

26. બંને પક્ષોએ વૈશ્વિક વૃદ્ધિ અને ટકાઉક્ષમ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સ્થાને WTO રાખીને તે અંતર્ગત મુક્ત, સહિયારા અને કાયદા આધારિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાતંત્રને પ્રોત્સાહન આપવા માટે સહકારની જરૂરિયાતને પણ સમર્થન આપ્યું હતું.

27. WTOમાં સુધારા લાવવા માટે હાલમાં ચાલી રહેલી ચર્ચાઓને બંને પક્ષોએ પોતાનું સમર્થન હોવાનું દર્શાવ્યું હતું. બંને પક્ષોએ WTOના વ્યાપક સુધારામાં મજબૂત સહકાર અને યોગદાન માટે પોતાના દૃઢ સંકલ્પનો પુનરુચ્ચાર કર્યો હતો. બંને પક્ષોએ એ વાતે પણ સંમતિ દર્શાવી હતી કે,  આ સુધારા સર્વસમાવેશી હોવા જોઈએ અને પારદર્શક રીતે થવા જોઈએ, WTOના દ્વિ-સ્તરીય વિવિધ પતાવટ વ્યવસ્થાતંત્રના ભાગરૂપે સંપૂર્ણ સત્તા ધરાવતા અપીલેટ સંગઠનના પુનઃસ્થાપનને સૌથી વધુ પ્રાથમિકતા આપવી જોઈએ.

28. બંને પક્ષોએ ઇ.યુ.- ભારત વચ્ચેના જોડાણને વધુ મજબૂત અને ઊંડું બનાવવા માટે ઇ.યુ. અને ભારત વચ્ચે મહત્વાકાંક્ષી, નિષ્પક્ષ અને પારસ્પરિક રીતે લાભદાયી વેપાર અને રોકાણ કરારની દિશામાં કામ કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

29. બંને પક્ષો એ વાતે સંમત થયા હતા કે, આર્કટિક પરિષદના માળખામાં આર્કટિક સહયોગ વૈશ્વિક પરિમાણ ધરાવે છે અને પર્યાવરણીય સુરક્ષા માટે તેમજ આબોહવા પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટે તે આવશ્યક છે. આ લાગણી સાથે, બંને પક્ષોએ આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આર્કટિક પરિષદના માળખામાં રહીને સહયોગ આપવા માટે પોતાની ઈચ્છા દર્શાવી હતી.

30. બંને નેતાઓએ માનવ અધિકારો, લોકશાહી અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો સ્વીકાર્યા હતા અને લોકશાહી તેમજ માનવ અધિકારોને આગળ લઇ જવા માટે બહુપક્ષીય મંચમાં સહકાર આપવા માટે સંમતિ દર્શાવી હતી.

ઉપસંહાર

31. બંને નેતાઓએ ડેન્માર્ક દેશ અને ભારત પ્રજાસત્તાક વચ્ચે હરિત વ્યૂહત્મક ભાગીદારી સ્થાપવા માટે બંને દેશોએ લીધેલા નિર્ણયના કારણે બંને વચ્ચે મૈત્રી અને સહકારના સંબંધોમાં એક નવા પ્રકરણના પ્રારંભનો દ્વાર ખુલ્યો હોવાની પ્રતીતી થતી હોવાનું સ્વીકાર્યું હતું.

32. ક્ષેત્રોમાં મહત્વાકાંક્ષી લક્ષ્યો અને ક્રિયાઓ ઓળખી કાઢવામાં આવશે અને એક્શન પ્લાનમાં તેને રેખાંકિત કરવામાં આવશે જેના પર શક્ય હોય એટલી વહેલી તકે કામ કરીને તેને માન્યતા આપવામાં આવશે.

 

SD/GP/BT