પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બિહારના દરભંગામાં નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થાની સ્થાપના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) અંતર્ગત થશે. મંત્રીમંડળે આ એઈમ્સ માટે ડાયરેક્ટરના એક પદની રચના કરવાની મંજૂરી પણ આપી હતી, જેમને બેઝિક પગાર રૂ. 2,25,000/- (ફિક્સ્ડ) અને એનપીએ (જોકે પગાર + એનપીએ રૂ. 2,37,500/-થી વધશે નહીં) મળશે.
આ સંસ્થાનું નિર્માણ કરવા માટે કુલ ખર્ચ રૂ. 1264 કરોડ થશે અને ભારત સરકારે મંજૂરી આપ્યાની તારીખથી 48 મહિનાના સમયગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એવી શક્યતા છે.
સામાન્ય નાગરિકને ફાયદા અને વિશેષતાઓ
પ્રોજેક્ટની વિગતો:
નવી એઈમ્સની સ્થાપનામાં હોસ્પિટલ, મેડિકલ અને નર્સિંગ અભ્યાસક્રમો માટે ટીચિંગ બ્લોક, રહેણાક સંકુલ અને આનુષંગિક સુવિધાઓ/સેવાઓ સામેલ હશે, જે મુખ્યત્વે એઈમ્સ, નવી દિલ્હીની પેટર્ન મુજબ હશે. પીએમએસએસવાયના પ્રથમ તબક્કામાં અન્ય છ નવી એઈમ્સનું કામકાજ હાથ ધરવામાં આવશે. નવી એઈમ્સની સ્થાપના કરવા પાછળનો ઉદ્દેશ જે તે વિસ્તારમાં ગુણવત્તાયુક્ત ટર્શરી હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવાનો, મેડિકલ શિક્ષણ, નર્સિંગ શિક્ષણ માટેની સુવિધાઓ ઊભી કરવાનો અને સંશોધન માટે રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા સ્થાપિત કરવાનો છે.
સૂચિત સંસ્થા 750 બેડની હોસ્પિટલ ધરાવશે, જેમાં ઇમરજન્સી / ટ્રોમા બેડ, આઇસીયુ બેડ, આયુષ બેડ, ખાનગી બેડ અને સ્પેશિયાલ્ટી એન્ડ સુપર સ્પેશિયાલ્ટી બેડ સામેલ છે. આ ઉપરાંત એક મેડિકલ કોલેજ, આયુષ બ્લોક, ઓડિટોરિયમ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ અને રહેણાક સુવિધાઓ હશે. નવી એઈમ્સની સ્થાપના મૂડીગત અસ્કયામતોનું સર્જન કરવા માટે થશે, જેની કામગીરી અને જાળવણી માટે વિશિષ્ટ કુશળતા ધરાવતા મેનપાવરને ઊભો કરવામાં આવશે, જે છ નવી એઈમ્સની પેટર્ન પર આધારિત હશે. આ સંસ્થાઓનો રિકરિંગ ખર્ચ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પીએમએસએસવાયના આયોજિત અંદાજિત ખર્ચમાંથી તેમને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાન)માંથી પૂરો કરવામાં આવશે.
અસરઃ
નવી એઈમ્સની સ્થાપના કરવાનો ઉદ્દેશ આરોગ્યલક્ષી શિક્ષણ અને તાલીમને પરિવર્તન કરવાની સાથે જે તે વિસ્તારમાં હેલ્થકેર વ્યાવસાયિકોની ખેંચની સમસ્યાનું સમાધાન કરવાનો પણ છે. નવી એઈમ્સની સ્થાપના જે તે વિસ્તારનાં નાગરિકોને સુપર સ્પેશિયાલ્ટી હેલ્થકેર સેવા પ્રદાન કરવાનો તેમજ મોટી સંખ્યામાં ડૉક્ટર અને અન્ય હેલ્થ વર્કર્સ પૂરાં પાડવામાં મદદ કરવાનો છે. આ ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સ રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન (એનએચએમ) અંતર્ગત ઊભી કરવામાં આવેલા પ્રાથમિક અને દ્વિતીય સ્તરની સંસ્થાઓ / સુવિધાઓ માટે ઉપલબ્ધ થઈ શકશે. નવી એઈમ્સનું નિર્માણ કરવા માટે ફંડ કેન્દ્ર સરકાર પૂરું પાડે છે. નવી એઈમ્સની કામગીરી અને જાળવણી માટેના ખર્ચનું વહન પણ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરે છે.
રોજગારીનું સર્જન:
બિહારમાં નવી એઈમ્સની સ્થાપના વિવિધ ફેકલ્ટી અને નોન-ફેકલ્ટી પદોમાં આશરે 3000 વ્યક્તિઓ માટે રોજગારીના સર્જન તરફ દોરી જશે. ઉપરાંત પરોક્ષ રીતે રોજગારીનું સર્જન સુવિધાઓમાં અને સેવાઓ માટે થશે, જેમ કે, શોપિંગ સેન્ટર, કેન્ટીન વગેરે, જે નવી એઈમ્સની આસપાસ ઊભી થશે.
એઈમ્સ દરભંગા માટે ભૌતિક માળખાગત સુવિધાઓના સર્જન માટે સંકળાયેલી નિર્માણ કામગીરી નિર્માણના તબક્કા દરમિયાન પણ નોંધપાત્ર સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે એવી અપેક્ષા છે.
આ ટર્શરી હેલ્થકેર માળખાગત સુવિધા તથા રાજ્ય અને એની આસપાસના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત મેડિકલ શિક્ષણ માટે સુવિધાઓમાં ખેંચની સમસ્યાનું સમાધાન કરશે. એઈમ્સ ગરીબો અને જરૂરિયાતમંદોને વાજબી ખર્ચે અતિ જરૂરી સુપર સ્પેશિયાલ્ટી / ટર્શરી હેલ્થકેર પ્રદાન કરશે તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાન / આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ય આરોગ્યલક્ષી કાર્યક્રમો માટે તાલીમબદ્ધ મેડિકલ મેનપાવર ઉપલબ્ધ પણ કરાવશે. આ સંસ્થા શૈક્ષણિક સંસાધનો / તાલીમબદ્ધ ફેકલ્ટી પણ ઊભા કરશે, જે ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ પ્રદાન કરી શકે છે.