Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મન કી બાત 2.0ના 13માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ ( 28.06.2020)


 

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.

‘મન કી બાત’એ વર્ષ ૨૦૨૦માં પોતાની અડધી મુસાફરી પૂરી કરી લીધી છે. આ દરમિયાન આપણે અનેક વિષયો પર વાત કરી. સ્વાભાવિક છે કે જે વૈશ્વિક રોગચાળો આવ્યો, માનવ જાતિ પર જે સંકટ આવ્યું, તેના પર, આપણી વાતચીત કંઈક વધુ જ રહી, પરંતુ આજકાલ હું જોઈ રહ્યો છું, લોકોમાં સતત એક વિષય પર ચર્ચા થઈ રહી છે કે છેવટે આ વર્ષ ક્યારે પૂરું થશે? કોઈ બીજાને ફૉન કરી રહ્યું છે તો વાતચીત આ વિષયથી જ શરૂ થઈ રહી છે કે આ વર્ષ ઝડપથી કેમ નથી વિતી રહ્યું. કોઈ લખી રહ્યું છે, મિત્રો સાથે વાત કરી રહ્યું છે, કહી રહ્યું છે કે આ વર્ષ સારું નથી, કોઈ કહી રહ્યું છે કે ૨૦૨૦ શુભ નથી. બસ, લોકો એમ જ ઈચ્છે છે કે કોઈ પણ રીતે આ વર્ષ જલદી-જલદી વિતી જાય.

સાથીઓ,

ક્યારેક ક્યારેક હું વિચારું છું કે આવું કેમ થઈ રહ્યું છે, બની શકે કે આવી વાતચીતનાં કંઈક કારણ પણ હોય. ૬-૭ મહિના પહેલાં, આપણે ક્યાં જાણતા હતા કે કોરોના જેવું સંકટ આવશે અને તેના વિરુદ્ધ આ લડાઈ આટલી લાંબી ચાલશે. આ સંકટ તો હજુ ચાલુ જ છે, ઉપરથી દેશ પર નવા-નવા પડકારો આવી રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં પૂર્વ ભારતમાં અમ્ફાન વાવાઝોડું આવ્યું તો પશ્ચિમી ભારતમાં નિસર્ગ વાવાઝોડું આવ્યું. અનેક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈ-બહેનો તીડ ટુકડીઓના આક્રમણથી પરેશાન છે અને એટલું પૂરતું ન હોય તેમ દેશના અનેક હિસ્સાઓમાં નાના-નાના ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યા અને આબધાંની વચ્ચે આપણા કેટલાક પડોશીઓ દ્વારા જે થઈ રહ્યું છે, દેશ તે પડકારોનો પણ સામનો કરી રહ્યો છે. ખરેખર, એક સાથે આટલી આપત્તિઓ, આ સ્તરની આપત્તિઓ બહુ ભાગ્યે જ જોવા-સાંભળવા મળે છે. સ્થિતિ તો એ થઈ ગઈ છે કે કોઈ નાની-નાની ઘટના પણ થાય છે તો લોકો તેને પડકારો સાથે જોડીને જુએ છે.

સાથીઓ,

મુશ્કેલીઓ આવે છે, સંકટો આવે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ આપત્તિઓના કારણે આપણે વર્ષ ૨૦૨૦ને ખરાબ માની લેવું જોઈએ? શું પહેલાંના છ મહિના જેવા વિત્યા, તેના કારણે એમ માની લેવું કે આખું વર્ષ આવું જ છે, આવું વિચારવું શું યોગ્ય છે? જી નહીં. મારા પ્રિય દેશવાસીઓ- બિલકુલ નહીં. એક વર્ષમાં એક પડકાર આવે કે પચાસ પડકારો આવે, સંખ્યા ઓછી-વત્તી હોવાથી, તે વર્ષ ખરાબ નથી થઈ જતું. ભારતનો ઇતિહાસ જ આપત્તિઓ અને પડકારો પર જીત પ્રાપ્ત કરીને અને વધુ નિખરીને નીકળવાનો રહ્યો છે. સેંકડો વર્ષો સુધી અલગ-અલગ આક્રાંતાઓએ ભારત પર હુમલાઓ કર્યા, તેને સંકટોમાં નાખ્યું, લોકોને લાગતું હતું કે ભારતની સંરચના જ નષ્ટ થઈ જશે, ભારતની સંસ્કૃતિ જ સમાપ્ત થઈ જશે, પરંતુ આ સંકટોમાંથી ભારત વધુ ભવ્ય થઈને બહાર આવ્યું.

સાથીઓ,

આપણે ત્યાં કહેવાય છે – સૃજન શાશ્વત છે, સૃજન નિરંતર છે.

મને એક ગીતની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે-

યહ કલ-કલ છલ-છલ બહતી ક્યા કહતી ગંગા ધારા?

યુગ યુગ સે બહતા આતા, યહ પુણ્ય પ્રવાહ હમારા.

આ જ ગીતમાં આગળ આવે છે-

ક્યા ઉસકો રોક સકેંગે, મિટનેવાલે મિટ જાયેં,

કંકડ પથ્થર કી હસ્તી, ક્યા બાધા બનકર આયે.

ભારતમાં પણ, જ્યાં એક તરફ મોટાં-મોટાં સંકટો આવતાં ગયાં, ત્યાં બધી બાધાઓને દૂર કરીને અનેકો અનેક સૃજન પણ થયાં. નવાં સાહિત્ય રચાયાં, નવાં સંશોધનો થયાં, નવા સિદ્ધાંતો જોડવામાં આવ્યા, અર્થાત્ સંકટ દરમિયાન પણ, દરેક ક્ષેત્રમાં સૃજનની પ્રક્રિયા ચાલુ રહી અને આપણી સંસ્કૃતિ પુષ્પિત-પલ્લવિત થતી રહી, દેશ આગળ વધતો જ રહ્યો. ભારતે હંમેશાં સંકટોને, સફળતાની સીડીઓમાં પરિવર્તિત કર્યાં છે. આ ભાવના સાથે, આપણે આજ પણ, આ બધાં સંકટો વચ્ચે આગળ વધતા જ રહેવાનું છે. તમે પણ આ વિચારથી આગળ વધશો, ૧૩૦ કરોડ દેશવાસીઓ આગળ વધશે તો આ વર્ષ દેશ માટે નવો વિક્રમ બનાવનારું વર્ષ સાબિત થશે. આ વર્ષમાં, દેશ નવાં લક્ષ્યો પ્રાપ્ત કરશે, નવી ઉડાન ભરશે, નવી ઊંચાઈઓને સ્પર્શશે. મને પૂરો વિશ્વાસ ૧૩૦ કરોડ દેશવાસીઓની શક્તિ પર છે, તમારા સહુ પર છે, આ દેશની મહાન પરંપરા પર છે.

મારા પ્રિય દેશવાસીઓ,

સંકટ ગમે તેટલું મોટું ભલે હોય, ભારતના સંસ્કાર, નિઃસ્વાર્થ ભાવથી સેવા કરવાની પ્રેરણા આપે છે. ભારતે જે રીતે મુશ્કેલ સમયમાં દુનિયાની મદદ કરી, તેણે આજે, શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરી છે. દુનિયાએ આ દરમિયાન ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને પણ અનુભવી છે અને તેની સાથે જ, દુનિયાએ પોતાની સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતની પ્રતિબદ્ધતાને પણ જોયાં છે. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવે છે તો આંખમાં આંખ નાખીને

જોવાનું અને ઉચિત જવાબ દેવાનું પણ જાણે છે. આપણા વીર સૈનિકોએ દેખાડી દીધું છે કે તેઓ ક્યારેય મા ભારતીના ગૌરવ પર આંચ નહીં આવવા દે.

સાથીઓ,

લદ્દાખમાં આપણા જે વીર જવાન શહીદ થયા છે, તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે, શ્રદ્ધાંજલિ દઈ રહ્યો છે. સમગ્ર દેશ તેમનો કૃતજ્ઞ છે, તેમની સામે નત મસ્તક છે. આ સાથીઓના પરિવારોની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાની પીડા અનુભવી રહ્યો છે. પોતાના વીર સપૂતોના બલિદાન પર તેમના સ્વજનોમાં ગર્વની જે ભાવના છે, દેશ માટે જે લાગણી છે, તે જ તો દેશની તાકાત છે. તમે જોયું હશે, જેમના સપૂતો શહીદ થયા તે માતાપિતા પોતાના બીજા સપૂતોને પણ, ઘરનાં બીજાં બાળકોને પણ સેનામાં મોકલવાની વાત કરી રહ્યા છે. બિહારના નિવાસી શહીદ કુંદનકુમારના પિતાજીના શબ્દો તો કાનમાં ગૂંજી રહ્યા છે. તેઓ કહી રહ્યા હતા, તેમના પૌત્રોને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલશે. આ જ ભાવના દરેક શહીદ પરિવારની છે વાસ્તવમાં, આ સ્વજનોનો ત્યાગ પૂજનીય છે. ભારતમાતાની રક્ષા માટે જે સંકલ્પથી આપણા જવાનોએ બલિદાન આપ્યું છે, તે સંકલ્પને આપણે પણ જીવનનું ધ્યેય બનાવવાનું છે, દરેક દેશવાસીને બનાવવાનું છે. આપણો દરેક પ્રયાસ આ દિશામાં હોવો જોઈએ, જેનાથી સીમાઓની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આ આપણી શહીદોને સાચી શ્રદ્ધાંજલી હશે. મને, આસામથી રજનીજીએ લખ્યું છે, તેમણે પૂર્વીય લદ્દાખમાં જે કંઈ થયું તે જોયા પછી, એક પ્રણ લીધું છે- પ્રતિજ્ઞા એ કે તેઓ સ્થાનિક (લૉકલ) જ ખરીદશે, એટલું જ નહીં લૉકલ માટે તે વૉકલ પણ થશે. આવા સંદેશ મને દેશના દરેક ખૂણામાંથી આવી રહ્યા છે. ઘણા બધા લોકો મને પત્ર લખી જણાવી રહ્યા છે કે તેઓ આ દિશામાં આગળ વધી ગયા છે.આ જ રીતે, તમિલનાડુના મદુરાઈથી મોહન રામમૂર્તિજીએ લખ્યું છે કે તે ભારતને સંરક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનતું જોવા માગે છે.

સાથીઓ,

સ્વતંત્રતા પહેલાં આપણો દેશ સંરક્ષણના ક્ષેત્રમાં દુનિયાના અનેક દેશોથી આગળ હતો આપણે ત્યાં અનેક ઑર્ડિનન્સ ફૅક્ટરીઓ હતી. તે સમયે અનેક દેશ, જે આપણાથી ઘણા પાછળ હતા, તેઓ આજે આપણાથી આગળ છે. સ્વતંત્રતા પછી સંરક્ષણ ક્ષેત્રમાં આપણે જે પ્રયાસ કરવા જોઈતા હતા, આપણે આપણા જૂના અનુભવોનો જે લાભ ઉઠાવવો જોઈતો હતો, આપણે તે લાભ ઉઠાવી શક્યા નહીં. પરંતુ આજે સંરક્ષણ ક્ષેત્રમાં, ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં ભારત આગળ વધવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યું છે, ભારત આત્મનિર્ભરતાની તરફ ડગ ભરી રહ્યું છે.

સાથીઓ,

કોઈ પણ મિશન લોકોની સહભાગિતા-જનભાગીદારી વગર પૂરું ન થઈ શકે, સફળ ન થઈ શકે. આથી, આત્મનિર્ભર ભારતની દિશામાં, એક નાગરિક તરીકે આપણો બધાનો સંકલ્પ, સમર્પણ અને સહયોગ ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે. તમે લૉકલ ખરીદશો, લૉકલ માટે વૉકલ બનશો તો સમજજો, તમે દેશને મજબૂત કરવામાં તમારી ભૂમિકા નિભાવી રહ્યા છો. આ પણ એક રીતે દેશની સેવા જ છે. તમે કોઈ પણ વ્યવસાયમાં હો, દરેક જગ્યાએ, દેશ સેવાનો બહુ મોટો અવકાશ હોય જ છે. દેશની આવશ્યકતાને સમજીને, જે પણ કાર્ય કરીએ છીએ તે દેશની સેવા જ હોય છે. તમારી આ સેવા, દેશને ક્યાંક ને ક્યાક મજબૂત પણ કરે છે અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણો દેશ જેટલો મજબૂત થશે, દુનિયામાં શાંતિની સંભાવના પણ એટલી જ મજબૂત થશે. આપણે ત્યાં કહેવાય છે-

વિદ્યા વિવાદાય ધનં મદાય, શક્તિ: પરેષાં પરિપીડનાય ।

ખલસ્ય સાધો: વિપરીતમ્ એતત્ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય ।।

અર્થાત્ જે સ્વભાવથી જ દુષ્ટ છે તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં, ધનનો પ્રયોગ ઘમંડમાં, અને તાકાતનો ઉપયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે. પરંતુ સજ્જનની વિદ્યા જ્ઞાન માટે, ધન મદદ માટે અને તાકાત રક્ષા કરવામાં ઉપયોગમાં લેવાય છે. ભારતે પોતાની તાકાતનો હંમેશાં આ ભાવનાથી જ ઉપયોગ કર્યો છે. ભારતનો સંકલ્પ છે – ભારતના સ્વાભિમાન અને સંપ્રભુતાની રક્ષા. ભારતનું લક્ષ્ય છે- આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે- ભરોસો, મિત્રતા. ભારતનો ભાવ છે- બંધુતા. આપણે આ જ આદર્શો સાથે આગળ વધતા રહીશું.

મારા પ્રિય દેશવાસીઓ,

કોરોનાના સંકટ કાળમાં દેશ લૉકડાઉનમાંથી બહાર નીકળી ગયો છે. હવે આપણે અનલૉકના તબક્કામાં છીએ અનલૉકના આ સમયમાં, બે વાતો પર ખૂબ જ ધ્યાન આપવાનું છે- કોરોનાને હરાવવો અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવી, તેને તાકાત આપવી. સાથીઓ, લૉકડાઉનથી વધુ સતર્કતા આપણે અનલૉક દરમિયાન રાખવાની છે. તમારી સતર્કતા  તમને કોરોનાથી બચાવશે. એ વાતને હંમેશાં યાદ રાખજો કે જો તમે માસ્ક નહીં પહેરો, બે ગજના અંતરનું પાલન નહીં કરો કે પછી  બીજી જરૂરી સાવધાનીઓ નહીં રાખો તો તમે તમારી સાથોસાથ બીજાને પણ જોખમમાં મૂકી રહ્યા છો. ખાસ કરીને, ઘરનાં બાળકો અને વડીલોને, આથી, બધાં દેશવાસીઓને મારું નિવેદન છે અને આ નિવેદન હું વારંવાર કરું છું અને મારું નિવેદન છે કે તમે અસાવધાની ન રાખતા, તમારી પણ કાળજી રાખજો અને બીજાની પણ.

સાથીઓ,

અનલૉકના તબક્કામાં ઘણી બધી એવી ચીજો પણ અનલૉક થઈ રહી છે જેમાં ભારત દાયકાઓથી બંધાયેલું હતું. વર્ષોથી આપણું ખાણકામ ક્ષેત્ર લૉકડાઉનમાં હતું. વ્યાવસાયિક હરાજીને અનુમતિ દેવાના એક નિર્ણયે સ્થિતિને પૂરી રીતે બદલી નાખી છે. કેટલાક દિવસો પહેલાં અંતરિક્ષ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યા. આ સુધારાઓ દ્વારા વર્ષોથી લૉકડાઉનમાં જકડાયેલા આ ક્ષેત્રને સ્વતંત્રતા મળી. આનાથી આત્મનિર્ભર ભારતના અભિયાનને ન માત્ર ગતિ મળશે, પરંતુ દેશ ટૅક્નૉલૉજીમાં પણ આધુનિક બનશે. આપણા કૃષિ ક્ષેત્રને જોઈએ તો, આ ક્ષેત્રમાં પણ ઘણી બધી ચીજો દાયકાઓથી લૉકડાઉનમાં ફસાયેલી હતી. આ ક્ષેત્રને પણ હવે અનલૉક કરી નાખવામાં આવ્યું છે. તેનાથી જ્યાં એક તરફ ખેડૂતોને પોતાનો પાક, ક્યાંય પણ, કોઈને પણ વેચવાની સ્વતંત્રતા મળી છે, તો બીજી તરફ, તેમને અધિક ધિરાણ મળવાનું પણ સુનિશ્ચિત થયું છે. આવાં અનેક ક્ષેત્રો છે જ્યાં આપણો દેશઆ બધાં સંકટોની વચ્ચે ઐતિહાસિક નિર્ણય લઈને વિકાસના નવા માર્ગો ખોલી રહ્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ,

દર મહિને આપણે એવા સમાચાર વાંચીએ અને જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે. તે આપણને એ વાતનું સ્મરણ કરાવે છે કે દરેક ભારતીય કઈ રીતે એકબીજાની મદદ માટે તત્પર છે, તે જે કંઈ પણ કરી શકે છે તે કરવામાં લાગેલો છે.

અરુણાચલ પ્રદેશની આવી જ એક પ્રેરક વાત મને માધ્યમોમાં વાંચવા મળી. અહીં સિયાંગજિલ્લાના મિરેમ ગામે એક અનોખું કાર્ય કરી બતાવ્યું જે સમગ્ર ભારત માટે, એક ઉદાહરણ બની ગયું છે. આ ગામના અનેક લોકો બહાર રહીને નોકરી કરે છે. ગામના લોકોએ જોયું છે કે કોરોના મહામારી સમયે તે બધાં, પોતાના ગામમાં પાછા ફરી રહ્યા છે. આવામાં, ગામના લોકોએ પહેલેથી ગામની બહાર ક્વૉરન્ટાઇનની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો. તેમણે પરસ્પર મળીને, ગામથી થોડે જ દૂર ૧૪ અસ્થાયી ઝૂંપડીઓ બનાવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યારે ગામના લોકો પાછા ફરશે તો તેમને આ ઝૂંપડીઓમાં કેટલાક દિવસ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવશે. આ ઝૂંપડીમાં શૌચાલય, વીજળી-પાણી સહિત દૈનિક જરૂરિયાતની દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. જાહેર છે કે મિરેમ ગામના લોકોના આ સામૂહિક પ્રયાસ અને જાગૃતિએ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.

સાથીઓ,

આપણે ત્યાં કહેવાય છે-

સ્વભાવં ન જહાતિ એવ સાધુઃ આપદ્રતોપી સન ।

કર્પૂર: પાવક સ્પૃષ્ટ: સૌરભં લભતેતરામ ।।

અર્થાત જે રીતે કપૂર આગમાં તપવા છતાં પોતાની સુગંધ નથી છોડતો તે જ રીતે સારા લોકો આપત્તિમાં પણપોતાના ગુણ, પોતાનો સ્વભાવ છોડતા નથી. આજે આપણા દેશની જે શ્રમશક્તિ છે, જે શ્રમિક સાથી છે, તે પણ તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તમે જુઓ, આ દિવસોમાં આપણા પ્રવાસી શ્રમિકોની એવી અનેક કથાઓ આવે છે જે સમગ્ર દેશને પ્રેરણા આપી રહી છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ગામડે પાછા ફરેલા મજૂરોએ કલ્યાણીનદીનું પ્રાકૃતિક સ્વરૂપ પાછું લાવવા મટે કામ શરૂ કરી દીધું. નદીનો ઉદ્ધાર થતો જોઈને, આસપાસના ખેડૂતો, આસપાસના લોકો પણ ઉત્સાહિત છે. ગામમાં આવ્યા પછી, ક્વૉરન્ટાઇન સેન્ટરમાં રહીને, આઇસૉલેશન સેન્ટરમાં રહીને, આપણા શ્રમિક સાથીઓએ જે રીતે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને પોતાની આસપાસની સ્થિતિઓનેબદલી છે, તે અદભૂત છે. પરંતુ સાથીઓ, આવા તો અનેક કિસ્સા-કથાઓ દેશનાં લાખો ગામની છે, જે આપણા સુધી પહોંચી શકી નથી.

જેવો આપણા દેશનો સ્વભાવ છે, મને વિશ્વાસ છે, સાથીઓ કે, આપણા ગામમાં પણ, આપણી આસપાસ પણ આવી અનેક ઘટનાઓ બની હશે. જો તમારા ધ્યાનમાં આવી વાત આવી હોય તો તમે આવી પ્રેરક ઘટના મને જરૂર લખી મોકલજો. સંકટના આ સમયમાં પણ, આ સકારાત્મક ઘટનાઓ, આવી કથાઓ બીજા લોકોને પણ પ્રેરણા આપશે.

મારા પ્રિય દેશવાસીઓ,

કોરોના વાઇરસે નિશ્ચિત રીતે આપણા જીવન જીવવાની રીતમાં પરિવર્તન લાવી દીધું છે. હું લંડનથી પ્રકાશિત ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં એક ખૂબ જ રસપ્રદ લેખ વાંચી રહ્યો હતો. તેમાં લખેલું હતું કે કોરોના કાળ દરમિયાન આદુ, હળદર સહિત બીજા મસાલાની માગ, એશિયા ઉપરાંત અમેરિકામાં પણ વધી ગઈ છે. સમગ્ર દુનિયાનું ધ્યાન આ સમયે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર છે અને રોગપ્રતિકારક શક્તિ વધારનારી આ ચીજોનો સંબંધ આપણા દેશ સાથે છે. આપણે તેની ખાસિયત વિશ્વના લોકોને એવી સહજ અને સરળ ભાષામાં બતાવવી જોઈએ જેનાતી તેઓ સરળતાથી સમજી શકે અને આપણે એક તંદુરસ્ત ગ્રહ બનાવવામાં આપણું યોગદાન આપી શકીએ.

મારા પ્રિય દેશવાસીઓ,

કોરોના જેવું સંકટ ન આવ્યું હોત તો કદાચ જીવન શું છે, જીવન શા માટે છે, જીવન કેવું છે, આપણને કદાચ આ યાદ જ ન આવ્યું હોત. અનેક લોકો આ કારણથી માનસિક તણાવમાં જીવતા રહ્યા છે. તો બીજી તરફ, લોકોએ મને એ પણ જણાવ્યું છે કે તેમણે લૉકડાઉન દરમિયાન આનંદનાં નાના-નાનાં પાસાં પણ જીવનમાં ફરીથી શોધ્યાં છે. અનેક લોકોએ મને પારંપરિક ઘરની અંદર રમાતી રમતો અને આખા પરિવાર સાથે તેનો આનંદ લેવાનો અનુભવ મોકલ્યો છે.

સાથીઓ,

આપણા દેશમાં પારંપરિક રમતોનો બહુ સમૃદ્ધ વારસો છે. જેમ કે, તમે એક રમતનું નામ સાંભળ્યું હશે- પચીસી. આ રમત તમિલનાડુમાં ‘પલ્લાન્ગુલી’, કર્ણાટકમાં ‘અલિ ગુલી મણે’ અને આંધ્ર પ્રદેશમાં ‘વામન ગુંટલૂ’ નામથી રમાય છે. તે એક પ્રકારની સ્ટ્રેટેજી રમત છે જેમાં એક બૉર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અનેક ખાંચા હોય છે જેમાં હાજર ગોળી કે બીજને ખેલાડીઓએ પકડવાની હોય છે. કહેવાય છે કે આ રમત દક્ષિણ ભારતથી દક્ષિણ પૂર્વ એશિયા અને પછી દુનિયામાં ફેલાયેલી છે.

સાથીઓ,

આજે દરેક બાળક સાપ-સીડીની રમત વિશે જાણે છે, પરંતુ શું તમને ખબર છે કે આ પણ એક ભારતીય પારંપરિક રમતનું જ રૂપ છે જેને મોક્ષ પાટમ અથવા પરમપદમ્ કહેવાય છે. આપણે ત્યાં એક બીજી પારંપરિક રમત રહી છે- ગુટ્ટા  (પાંચીકા). મોટા પણ પાંચીકા રમે છે અને બાળકો પણ. બસ, એક જ કદના પાંચ નાના-નાના પથ્થર ઉઠાવો અને જ્યાં સુધી તે પથ્થર હવામાં હોય, તમારે જમીન પર રહેલા બાકીના પથ્થર ઉઠાવવાના હોય છે. સામાન્ય રીતે, આપણે ત્યાં ઘરની અંદરની રમતોમાં કોઈ મોટાં સાધનોની જરૂર પડતી નથી. કોઈ એક ચોક કે પથ્થર લઈ આવે છે તેનાતી જમીન પર જ કંઈક રેખા દોરે છે અને પછી રમત શરૂ થઈ જાય છે. જે રમતોમાં પાસાંની જરૂર પડે છે, કોડીઓ કે આંબલીનાં બીજથી પણ કામ ચાલી જાય છે.

સાથીઓ,

મને ખબર છે, આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું, તો અનેક લોકો પોતાના બાળપણમાં સરી ગયા હશે, અનેકોને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા હશે. હું એમ કહીશ કે તે દિવસોને તમે ભૂલ્યા કેમ? તે રમતોને તમે ભૂલ્યા કેમ? મારો ઘરનાં નાના-નાની, દાદા-દાદી, ઘરના વડીલોને આગ્રહ છે કે નવી પેઢીમાં આ રમતો જો તમે ટ્રાન્સ્ફર નહીં કરો તો કોણ કરશે? જ્યારે ઑનલાઇન ભણતરની વાત આવી રહી છે તો સંતુલન બનાવવા માટે ઑનલાઇન રમતોથી મુક્તિ પામવા માટે પણ આપણે આવું કરવું જ પડશે. આપણી યુવા પેઢીઓ માટે પણ, આપણા સ્ટાર્ટ અપ માટે પણ, અહીં, એક નવો અવસર છે અને મજબૂત અવસર છે. આપણે ભારતની પારંપરિક ઘર બેઠાં રમાતી રમતોને નવી અને આકર્ષક રીતે પ્રસ્તુત કરીએ. તેની સાથે જોડાયેલી ચીજોને ભેગી કરનારા, સપ્લાય કરનારા, સ્ટાર્ટ અપ ઘણા લોકપ્રિય થઈ જશે અને આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણી ભારતીય રમતો પણ લૉકલ છે અને આપણે લૉકલ માટે વૉકલ થવાનું પ્રણ પહેલાં જ લઈ ચૂક્યા છે અને મારા બાળ-સખા મિત્રો, દરેક ઘરનાં બાળકોને, મારા નાના સાથીઓને પણ આજે હું એક વિશેષ અનુરોધ કરું છું. બાળકો, તમે મારો અનુરોધ માનશો ને? જુઓ, મારો આગ્રહ છે કે હું જે કહું છું, તમે જરૂર કરો. એક કામ કરો- જ્યારે થોડો સમય મળે તો માતાપિતાને પૂછીને, મોબાઇલ ઉઠાવો અને તમારાં દાદા-દાદી, નાના-નાની કે ઘરમાં જે પણ વડીલ છે તેનો ઇન્ટરવ્યૂ રેકૉર્ડ કરજો, તમારા મોબાઇલ ફૉનમાં પણ રેકૉર્ડ કરો. જે રીતે તમે ટીવી પર જોયું હશે, પત્રકાર કેવી રીતે ઇન્ટરવ્યૂ કરે છે, બસ, એવો જ ઇન્ટરવ્યૂ તમે કરો અને તમે તેમને પ્રશ્ન શું પૂછશો? હું તમને સૂચન કરું છું. તમે તેમને જરૂર પૂછો કે તેઓ, બાળપણમાં તેમની રહેણીકરણી કેવી હતી, તેઓ કઈ રમતો રમતાં હતાં. ક્યારેય નાટક જોવા જતાં હતાં, સિનેમા જોવા જતાં હતાં, ક્યારેક રજાઓમાં મામાના ઘરે જતાં હતાં, ક્યારેક ખેતરમાં જતાં હતાં, તહેવાર કેવી રીતે મનાવતા હતા, અનેક વાતો તમે તેમને

પૂછી શકો છો, તેમને પણ ૪૦-૫૦ વર્ષ ૬૦ વર્ષ જૂની તેમની જિંદગીમાં જવું, ઘણું આનંદ આપશે અને તમારા માટે પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં હિન્દુસ્તાન કેવું હતું, તમે જ્યાં રહો છો તે વિસ્તાર કેવો હતો, ત્યાં પરિસર કેવું હતું, લોકોના રીતરિવાજો કેવા હતા- બધી ચીજો, ઘણી સરળતાથી તમને શીખવા મળશે, જાણવા મળશે અને તમે જોજો, તમને ઘણી મજા આવસે અને પરિવાર માટે પણ એક ઘણા જ અમૂલ્ય ખજાનો, એક સારું વિડિયો આલ્બમ પણ બની જશે.

સાથીઓ,

એ સત્ય છે કે આત્મકથા કે જીવની, ઑટોબાયોગ્રાફી અથવા બાયૉગ્રાફી ઇતિહાસની સચ્ચાઈની નિકટ આવવા માટે ઘણું ઉપયોગી માધ્યમ હોય છે. તમે પણ તમારા વડીલો-વૃદ્ધો સાથે વાત કરશો તો તેમના સમયની વાતોને તેમના બાળપણ, તેમના યુવાકાળની વાતોને વધુ સરળતાથી સમજી શકશો. આ વધુ સારી તક છે કે વૃદ્ધો પણ પોતાના બાળપણ વિશે, તેમના જમાના વિશે, પોતાનાં ઘરનાં બાળકોને જણાવે.

સાથીઓ,

દેશના એક મોટા હિસ્સામાં હવે ચોમાસું પહોંચી ચૂક્યું છે. આ વખતે વરસાદ વિશે મૌસમ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. વરસાદ સારો થશે તો આપણા ખેડૂતોનો પાક સારો થશે, વાતાવરણ પણ હર્યુંભર્યું થશે. વરસાદની ઋતુમાં પ્રકૃતિ પણ જાણે પોતાને નવપલ્લવિત કરી લે છે. માનવ, પ્રાકૃતિક સંસાધનોનું જેટલું દોહન કરે છે, પ્રકૃતિ એક રીતે, વરસાદના સમયે તેની ભરપાઈ કરે છે, રિફિલિંગ કરે છે. પરંતુ આ રિફિલિંગ પણ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે પણ તેમાં આપણી ધરતીમાનો સાથ આપીએ, આપણી જવાબદારી નિભાવીએ. આપણા દ્વારા કરવામાં આવેલો થોડો પણ પ્રયાસ, પ્રકૃતિને, પર્યાવરણને બહુ મદદ કરે છે. આપણા અનેક દેશવાસીઓ તો તેમાં ઘણું મોટું કામ કરી રહ્યા છે.

કર્ણાટકના મંડાવલીમાં એક ૮૦-૮૫ વર્ષના વૃદ્ધ છે કામેગોવડા. કામેગોવડાજી એક સાધારણ ખેડૂત છે. પરંતુ તેમનું વ્યક્તિત્વ બહુ અસાધારણ છે. તેમણે એક એવું કામ કર્યું છે કે કોઈ પણ આશ્ચર્યમાં પડી જશે. ૮૦-૮૫ વર્ષના કામેગોવડાજી પોતાના પ્રાણીઓને ચરાવે છે, પરંતુ સાથોસાથ તેમણે પોતાના ક્ષેત્રમાં નવું તળાવ બનાવવાનું બીડું પણ ઝડપ્યું છે. તેઓ પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માગે છે. આ માટે જળસંરક્ષણના કામમાં નાનાંનાનાં તળાવો બનાવવાના કામમાં લાગેલા છે. તમને આશ્ચર્ય થશે કે ૮૦-૮૫ વર્ષના કામેગોવડાજી અત્યાર સુધીમાં ૧૬ તળાવ ખોદી ચૂક્યા છે, પોતાની મહેનતથી, પોતાના પરિશ્રમથી. બની શકે કે જે તળાવ તેમણે બનાવ્યાં, તે બહુ મોટાં ન હોય, પરંતુ તેમના આ પ્રયાસો ઘણા મોટા છે. આજે સમગ્ર વિસ્તારને, આ તળાવથી એક નવું જીવન મળ્યું છે.

સાથીઓ,

ગુજરાતના વડોદરાનું પણ એક ઉદાહરણ ઘણું પ્રેરક છે. અહીં, જિલ્લા પ્રશાસન અને સ્થાનિક લોકોએ મળીને એક રસપ્રદ ઝુંબેશ ચલાવી છે. આ ઝુંબેશના કારણે આજે વડોદરામાં એક હજાર શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે. એક અનુમાન છેક  આ કારણે દર વર્ષે સરેરાશ લગભગ ૧૦ કરોડ લિટર પાણી બેકાર વહી જવાથી બચાવાઈ રહ્યું છે.

સાથીઓ,

આ વરસાદમાં પ્રકૃતિની રક્ષા માટે, પર્યાવરણની રક્ષા માટે, આપણે પણ, કંઈક આ પ્રકારે વિચારવાની, કંઈક કરવાની પહેલ કરવી જોઈએ. જેમ કે અનેક સ્થાનો પર ગણેશ ચતુર્થી માટે તૈયારીઓ શરૂ થશે. શું આ વખતે આપણે એવો પ્રયાસ કરી શકીએ કે ઇકૉ ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવીશું અને તેમનું જ પૂજન કરીશું? શું આપણે એવી પ્રતિમાઓનું પૂજન કરવાથી બચી શકીએ જે નદી-તળાવોમાં વિસર્જિત કરાયા પછી પણ જળ માટે, જળમાં રહેતા જીવજંતુઓ માટે સંકટ બની જાય છે? મને વિશ્વાસ છે કે તમે આવું જરૂર કરશો અને આ બધી વાતોની વચ્ચે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે ચોમાસાની ઋતુમાં અનેક બીમારીઓ પણ આવે છે. કોરોના કાળમાં આપણે તેનાથી પણ બચીને રહેવાનું છે. આયુર્વેદિક ઔષધિઓ, ઉકાળો, ગરમ પાણી…આ બધાનો ઉપયોગ કરતા રહો. સ્વસ્થ રહો.

મારા પ્રિય દેશવાસીઓ,

આજે ૨૮ જૂને ભારત પોતાના એક પૂર્વ પ્રધાનમંત્રી ને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે જેમણે એક કટોકટીભર્યા સમયમાં દેશનું નેતૃત્વ કર્યું. આપણા, આ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિમ્હા રાવજીની આજે જન્મશતાબ્દિ વર્ષની શરૂઆતનોદિવસ છે. જ્યારે આપણે પી. વી. નરસિમ્હા રાવજી વિશે વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે રાજનેતા તરીકે તેમની છબિ આપણી સામે ઉભરે છે. પરંતુ તે પણ સાચી વાત છે કે તેઓ અનેક ભાષા જાણતા હતા. ભારતીય અને વિદેશી ભાષાઓ બોલી શકતા હતા. તેઓ એક તરફ ભારતીય મૂલ્યોમાં ઓતપ્રોત હતા તો બીજી તરફ, તેને પાશ્ચાત્ય સાહિત્ય અને વિજ્ઞાનનું પણ જ્ઞાન હતું. તેઓ ભારતના સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા. પરંતુ તેમના જીવનનું એક બીજું પાસું પણ છે. અને એ ઉલ્લેખનીય છે, આપણે જાણવું પણ જોઈએ.
સાથીઓ,

શ્રી નરસિમ્હા રાવજી પોતાની કિશોરાવસ્થામાં જ સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા હતા. જ્યારે હૈદરાબાદના નિઝામે વન્દે માતરમ્ ગાવાની અનુમતિ આપવા નકારી દીધું હતું ત્યારે તેમના વિરુદ્ધ આંદોલન કરવામાં તેમણે પણ સક્રિય રીતે હિસ્સો લીધો હતો. તે સમયે તેમની ઉંમર કેવળ ૧૭ વર્ષ હતી. નાની ઉંમરથી જ શ્રીમાન નરસિમ્હા રાવ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આગળ હતા. પોતાનો અવાજ બુલંદ કરવામાં કોઈ કસર છોડતા નહોતા. નરસિમ્હા રાવજી ઇતિહાસને પણ બહુ સારી રીતે સમજતા હતા. ખૂબ જ સાધારણ પૃષ્ઠભૂમિથી ઊઠીને તેમનું આગળ વધવું, શિક્ષણ પર તેમનો ભાર, શીખવાની તેમની પ્રવૃત્તિ અને તે બધાની સાથે તેમની નેતૃત્વ ક્ષમતા- બધું જ સ્મરણીય છે. મારો આગ્રહ છે કે નરસિમ્હા રાવજીના જન્મ શતાબ્દિ વર્ષમાં તમે બધા લોકો તેમના જીવન અન વિચારો વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરો. હું ફરી એક વાર તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ,
આ વખતે ‘મન કી બાત’માં અનેક વિષયો પર વાત થઈ. હવે પછી જ્યારે આપણે મળીશું તો કંઈક બીજા નવા વિષયો પર વાત થશે. તમે તમારા સંદેશ, તમારા નવીન વિચારો મને જરૂર મોકલતા રહેજો. આપણે બધાં મળીને આગળ વધીશું, અને આવનારા દિવસો વધુ સકારાત્મક થશે, મેં જેમ આજે શરૂઆતમાં કહ્યું કે આપણે આ વર્ષ એટલે કે ૨૦૨૦માં જ વધુ સારું કરીશું, આગળ વધીશું અને દેશ નવી ઊંચાઈઓને આંબશે. મને વિશ્વાસ છે કે ૨૦૨૦ ભારતને આ દશકમાં નવી દિશા આપનારું વર્ષ સાબિત થશે. આ ભરોસાને લઈને તમે પણ આગળ વધીએ, સ્વસ્થ રહીએ, સકારાત્મક રહીએ. આ શુભકામનાઓ સાથે, તમારો સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ.

નમસ્કાર.

 

GP/DS