Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને USAના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી .

રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પે જી-7ના અમેરિકી અધ્યક્ષ પદ અંગે વાત કરી હતી અને ભારત સહિત અન્ય મહત્વપૂર્ણ દેશોને સામેલ કરવા માટે વર્તમાન સભ્યપદથી આગળ વધીને સમૂહના પરીઘનું વિસ્તરણ કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સંદર્ભે, તેમણે યુ.એસ.એ.માં યોજાનારા આગામી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદીને આમંત્રણ આપ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ રચનાત્મક અને દૂરંદેશીપૂર્ણ દ્રષ્ટિકોણ બદલ રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રકારનો વિસ્તારિત મંચ, કોવિડ પછીની દુનિયાની ઉભરતી વાસ્તવિકતાઓને અનુરૂપ હશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત શિખર સંમેલનની સફળતા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા અને અન્ય દેશો સાથે કામ કરવાનું થાય તે ભારત માટે ખુશીની વાત હશે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ અમેરિકામાં ચાલી રહેલી સામાજિક અશાંતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સ્થિતિમાં વહેલી તકે સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

બંને રાજનેતાઓએ અન્ય સામાજિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું જેમાં બંને દેશોમાં કોવિડ-19ની સ્થિતિ, ભારત- ચીન સરહદની સ્થિતિ અને વિશ્વ આરોગ્ય સંગઠનમાં સુધારાની આવશ્યકતા જેવા મુદ્દા ચર્ચાયા હતા.

રાષ્ટ્રપતિ શ્રી ટ્રમ્પે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો ભારત પ્રવાસ ઉત્સાહભેર યાદ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમનો આ પ્રવાસ અનેક પ્રકારે યાદગાર અને ઐતિહાસિક છે અને તેનાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી મજબૂતી મળી છે.

વાતચીત દરમિયાન અસાધારણ ઉષ્મા અને સ્પષ્ટતાના કારણે ભારત- અમેરિકી સંબંધોની વિશેષ પ્રકૃતિ તેમજ બંને રાજનેતાઓ વચ્ચે મિત્રતા અને પારસ્પરિક આદરની ભાવના જોવા મળી હતી.

GP/DS