પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કસ્ટમ ડ્યુટી બાબતે સહયોગ અને અરસપરસ સહાયતા માટે ભારત અને કતાર વચ્ચે સમજૂતિની અભિપુષ્ટિ કરવા અને હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે.
આ સમજૂતિનો હેતુ ભારત અને કતાર વચ્ચે કસ્ટમ ડ્યુટી બાબતે દ્વિપક્ષીય સમજૂતિ કરવાનો છે.
આ સમજૂતિ કસ્ટમ ડ્યુટી અપરાધોના નિયંત્રણ અને તપાસ માટે સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવવામાં સહાયરૂપ થશે. આ સમજૂતિથી વ્યાપારને સુવિધાજનક બનાવવા તથા બંને દેશો વચ્ચે થનાર વ્યાપારની વસ્તુઓની કાર્યક્ષમ નિકાસ સુનિશ્ચિત થવાની અપેક્ષા છે.
પૃષ્ઠભૂમિ:
કતાર ભારતનો એક મહત્વપૂર્ણ વ્યાપારિક ભાગીદાર દેશ છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે વ્યાપારમાં વધારો થઈ રહ્યો છે. દ્વિપક્ષીય વ્યાપારમાં સતત વૃદ્ધિને જોતાં કસ્ટમ ડ્યુટી નિયમોને યોગ્ય રીતે લાગુ કરવા અને કસ્ટમ ડ્યુટી અપરાધોના નિયંત્રણ અને તપાસ, વ્યાપારમાં સુવિધા માટે બંને દેશોના અધિકારીઓ વચ્ચે જાણકારી અને ગુપ્ત માહિતીઓની આપલે કરવા માટે કાનૂની માળખું ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી. સમજૂતિના મુસદ્દાનો અરસપરસ વિચાર વિમર્શ કર્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવેલ હતું. આમાં કસ્ટમ ડ્યુટી મૂલ્ય જાહેરાતની સત્યતા, માલના મૂળ સ્થાનના પ્રમાણપત્રની પ્રમાણભૂતતા તથા બંને દેશો વચ્ચે વ્યાપાર થનારી વસ્તુના વિવરણ અંગે માહિતીના આદાનપ્રદાનના ક્ષેત્રે ભારતીય કસ્ટમ ડ્યુટી વિભાગની ચિંતાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
AP/J.Khunt/GP